મારી લોકયાત્રા/સર્જક-પરિચય

From Ekatra Wiki
Revision as of 05:16, 27 June 2023 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{Heading|સર્જક-પરિચય}} {{Poem2Open}} ભગવાનદાસ પટેલ ગુજરાતના ખ્યાત આદિવાસી લોકવિદ્યા લોક સાહિત્યવિદ, પ્રાગિતિહાસવિદ ભીલ લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને આદિવાસી અકાદમી, તેજગઢના પૂર્વ નિયામક છે....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સર્જક-પરિચય

ભગવાનદાસ પટેલ ગુજરાતના ખ્યાત આદિવાસી લોકવિદ્યા લોક સાહિત્યવિદ, પ્રાગિતિહાસવિદ ભીલ લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને આદિવાસી અકાદમી, તેજગઢના પૂર્વ નિયામક છે. એમના દ્વારા સંપાદિત ૪ લોકમહાકાવ્યો, ૨૧ લોકાખ્યાનો, ૧૦૦૦ આદિવાસી લોકગીતો અને અનેક પુરાકથા-લોકકથાઓના સંપાદનનાં ૫૦ પુસ્તકો થકી આદિવાસી લોકસાહિત્ય સ્વતંત્ર ધારા તરીકે સ્વીકાર પામી ગુજરાતી લોકસાહિત્યક્ષેત્રે સ્થપાયું છે. આ વિદ્યાશાખાના અભ્યાસી ડૉ. હસુ યાજ્ઞિક કહે છે, ‘ભગવાનદાસ દ્વારા સંપાદિત 'ગુજરાંનો અરેલો', 'રાઠોરવારતા', ‘ભીલોનું ભારથ અને ‘રોમ-સીતમાની વારતા' – આ ચાર લોકમહાકાવ્યો તો. વિશ્વક્ષેત્રના લોકવિદ્યાકીય ક્ષેત્રનું ફિનીશકુળના "કલેવાલ' પછીનું સંસિદ્ધ ઉન્નત શૃંગ છે. માત્ર ગુજરાત કે ભારતના જ લોકવિદ્યાકીય અભ્યાસનું જ નહી પરંતુ વૈશ્વિક ક્ષેત્રના આ વિદ્યાશાખાનું પણ આશ્ચર્ય અને અહોભાવ જન્માવે એવું આ કાર્ય છે. સર્વોન્નત અભ્યાસશૃંગ છે." - ભગવાનદાસનાં પુસ્તકોના હિંદી-અંગ્રેજી અનુવાદો દ્વારા ભીલી સાહિત્ય રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચ્યું છે અને અભ્યાસનો વિષય બન્યું છે. તેમના દ્વારા સંપાદિત ‘ભારથ'નો સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ૨૩ ભારતીય ભાષાઓમાં અનુવાદ થઈ રહ્યો છે. ‘રંગબહાર’ સંસ્થા સાથે ઇઝરાયલ, ફ્રાંસ,ઈંગ્લેન્ડ, બેલ્જિયમ જેવા યુરોપના દેશોમાં વિશ્વલોકનૃત્ય મહોત્સવો અને પરિસંવાદોમાં સહભાગી થઈ આદિવાસી સાહિત્યનો પ્રચાર-પ્રસાર કર્યો છે. ૭ વર્ષ આદિવાસી અકાદમીના માનદ નિયામકપદે રહીને વિશ્વકક્ષાનું આદિવાસી સાંસ્કૃતિક સ્વરોનું સંગ્રહાલય સર્જવામાં સિંહફાળો આપ્યો છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીનો ભાષા સમ્માન ઍવૉર્ડ, ફ્રેન્ડશિપ કોરમ ઑફ ઇન્ડિયા, દિલ્હીનો ‘ભારત એક્સેલન્સ એવોર્ડ, સાહિત્ય અકાદમી, દિલ્હી અને દક્ષિણ કોરિયાના સંયુક્ત ઉપક્રમે ટાગોર લિટરેચર ઍવૉર્ડ, ગુજરાતનો મેઘાણી ઍવૉર્ડ ઇત્યાદિ સન્માન એમને પ્રાપ્ત થયાં છે.