ગીત-પંચશતી/વિચિત્ર

From Ekatra Wiki
Revision as of 01:09, 26 July 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂ)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

વિચિત્ર


હે નૂતન જીવન આવ. હે કઠોર, નિષ્ઠુર નીરવ આવ, હે ભીષણ શોભન આવ. અપ્રિય, વિરસ, તિક્ત આવ, અશ્રુજળથી ભીંજાયેલા આવ, ભૂષણ વગરના ખાલી આવ, ચિત્તને પાવન કરનાર આવ. વીણા, વેણુ, માલતીની માળા, પૂર્ણિમાની રાત્રિ અને માયાનું ધુમ્મસ બધું રહેવા દે. હૃદયના શોણિતનું પ્રાશન કરનાર પ્રખર હોમાનલ શિખા આવ. હે પરમ દુઃખના આવાસસ્થાન આવ, આશા-અંકુરનો નાશ કર, હે સંગ્રામ આવ, હે મહાજય આવ, હે મરણસાધન આવ. ૧૮૯૫

અમે અલગારીઓની ટોળી છીએ. સંસારરૂપી પદ્મપત્ર ઉપર પાણીની પેઠે સદા ડગમગતા રહીએ છીએ. આમારું આવવુ.−જવું ખાલી હવા જેવું છે, એનું કંઈ ફળ નથી. અમે કરણ–કારણ જાણતા નથી, રીતભાત જાણતા નથી કે શાસન કે મના માનતા નથી. અમે પોતાની ધૂન પ્રમાણે, મનના ઝોક પ્રમાણે જંજીર તોડી નાખી છે. હે લક્ષ્મી, તારાં વાહનો ધનથી અને પુત્રોથી ભર્યાંભાદર્યાં થાઓ, તારી ચરણરજમાં આળોટો; અમે તો ખભે ગોદડી ને ઝોળી લઈને પૃથ્વી પર ફરીશું. તારા બંદરમાં બાંધેલા ઘાટ ઉપર સોનાની પાટથી લદાયેલી હોડી પડી છે, અનેક હાટમાં અનેક રત્નો છે, પણ અમે તો ફક્ત લંગર તોડી નાખેલી ભાંગેલી હોડી તરતી મૂકી છે. અમે હવે એ શોધીએ છીએ કે અકૂલ સાગરનો કોઈ કિનારો મળે છે કે કેમ, આ ભવસાગરમાં કોઈ ટાપુ છે કે કેમ? જો સુખ ન મળે તો અમે ડૂબકી મારીને રસાતળ ક્યાં છે તે જોઈશું. અમે ભેગા થઈને આખો વખત અભાગિયાઓનો મેળો ભરીશું, ગીતો ગાઈશું અને રમતો રમીશું, અને ગળામાં ગીત નહિ આવે તો કોલાહલ કરીશું. ૧૮૯૬

અરે, તમે બધા જ સારા છો, જેના ભાગ્યમાં જે મળ્યું તે અમારે માટે સારું છે. અમારા આ અંધારા ઘરમાં સાંજનો દીવો પ્રકટાવો. કોઈ ખૂબ ઉજ્જવળ, કોઈ મ્લાન છલછલ, કોઈ કશુંક બાળે, તો કોઈકનો પ્રકાશ સ્નિગ્ધ. નૂતન પ્રેમમાં નવવધૂ એનુ માથાથી તે પગ સુધીનું બધું માત્ર મધુ, પુરાતનમાં બધું ખટમધુરું, સહેજ તીવ્ર. વાણી જ્યારે વિદાય કરે ત્યારે આંખ આવીને પગને પકડી લે. રાગની સાથે અનુરાગને સરખે ભાગે ઢાળો. અમે તૃષ્ણા, તમે અમૃત—તમે તૃપ્તિ, અમે ક્ષુધા—તમારી વાત કહેવા જતાં કવિની વાક્ ચાતુરી ખૂટી ગઈ. જે મૂર્તિ નયનમાં જાગે છે તે બધી જ મને ગમે છે. કોઈ ખાસ્સી ગૌરવર્ણ હોય છે તો કોઈ ખાસ્સી કાળી. ૧૮૯૬

હૃદયકમલવનમાં મધુર મધુર ધ્વનિ વાગે છે. એકાંતમાં વસનાર વીણાપાણિ, અમૃત મૂર્તિમંતી વાણીની સુવર્ણ કિરણમયી મૂતિ પ્રાણમાં ક્યાં વિરાજે છે? વસંતઋતુ અહોનિશ જાગે છે, દિશાએ દિશા કોકિલના ટહુકાથી ગાજે છે, માનસમધુપ પરિમલથી મૂર્છિત થઈને ચરણ આગળ પડે છે. આવો દેવી, આ પ્રકાશમાં આવો, એક વાર તમને નજરે જોઉં— છાયામય માયામય વેશે મનોલોકમાં ગુપ્ત ન રહેશો. ૧૮૯૬

માત્ર જવું આવવું, માત્ર પ્રવાહમાં વહેવું, માત્ર અજવાળા અંધારામાં રડવું હસવું. માત્ર દર્શન પામવાં, માત્ર સ્પર્શ કરી જવો, માત્ર દૂર જતાં જતાં રોતાં રોતાં જોવું, માત્ર નવી દુરાશામાં આગળ ચાલી જાય છે—પાછળ મિથ્યા આશા મૂકી જાય છે. અનંત વાસના લઈને ભાંગેલું બળ જીવ સટોસટનાં કામ કરીને ભાંગેલું ફળ પામે છે, તૂટેલી નાવ લઈને પારાવારમાં વહે છે. ભાવ રોઈ મરે છે. ભાષા ભાંગેલી છે. હૃદય હૃદયમાં અડધો પરિચય છે, અડધી વાત પૂરી થતી નથી. લજ્જાથી, ભયથી, ત્રાસથી, અડધા વિશ્વાસથી માત્ર અડધો પ્રેમ (છે). ૧૮૯૬

અમે આજે સત્ય ઉપર મન સમર્પી દઈશું. સત્યનો જય હો, જય હો. અમે સત્ય પૂજીશું, સત્ય સમજીશું, સત્યધન શોધીશું. સત્યનો જય હો, જય હો, જય હો. ભલે દુ:ખમાં બળવું પડે તો ખોટો વિચાર નહિ; ભલે દૈન્ય વેઠવું પડે પણ ખોટું કામ નહિ; ; ભલે દંડ ભોગવવો પડે પણ ખોટું વચન નહિ; સત્યનો જય હો, જય હો, જય હો. અમે સૌ આજે મંગલકાર્યમાં પ્રાણ સમર્પણ કરીશું; મંગલમયનો જય હો, જય હો. અમે પુણ્ય પામીશું, પુણ્યથી શોભીશું, પુણ્યનાં ગીત ગાઈશું. મંગલમયનો જય હો, જય હો. ભલે દુઃખમાં બળવું પડે તો પણ અશુભ વિચાર તો નહીં જ કરીએ; ભલે દૈન્ય વેઠવું પડે પણ અશુભ કાર્ય તો નહીં જ કરીએ; ભલે દંડ ભોગવવો પડે પણ અશુભ વચન તો નહીં જ ઉચ્ચારીએ. મંગલમયનો જય હો, જય હો. જે બધા ભયના ભયરૂપે છે તે અભય બ્રહ્મનામ અમે બધાએ આજે લીધું છે, જે થવાનું હોય તે થાય, અમે શોક નહિ કરીએ, બ્રહ્મધામ જઈશું જ. બ્રહ્મધામ જઈશું જ. બ્રહ્મનો જય હોય, જય હો, જય હો. ભલે દુ:ખમાં બળવું પડે તોયે ભય નથી, ભય નથી; ભલે દૈન્ય વેઠવું પડે તોયે ભય નથી, ભય નથી. ભલે મૃત્યુ નજીક આવે તોયે ભય નથી, ભય નથી. બ્રહ્મનો જય હો, જય હો, જય હો. અમે આજે આનંદમાં મનને છૂટું મૂકીશું. આનંદમયનો જય હો જય હો સકળ દશ્યોમાં અને સકળ વિશ્વમાં આનંદનું જ ધામ છે. આનંદમયનો જય હો, જય હો. ચિત્તમાં આનંદ, સર્વ કાર્યોમાં આનંદ, દુ:ખમાં વિપત્તિઓમાં આનંદ, સર્વલોકમાં, મૃત્યુવિરહમાં અને શોકમાં આનંદ આનંદમયનો જય હો, જય હો. ૧૯૦૩

ભલે હું સામે પાર ન જઈ શક્યો. જે પવનથી હોડી ચાલતી તે પવન હું મારે અંગે લગાવું છું. ભલે હું સામે પાર જઈ ન શકયો, પણ ઘાટ તો છે ને, ત્યાં હું બેસી શકું છું. જો મારી આશાની હોડી ડૂબી ગઈ તો હું તમને હોડી ચલાવતા જોઈશ. હાથ પાસે, અને ખોળામાં જે છે તે જ પુષ્કળ છે; આખા દિવસનું મારું શું એ જ કામ છે કે સામા કિનારા તરફ રડતાં રડતાં જોઈ રહેવું. અહીં જો મને કશી કમી હશે તો તે પ્રાણ વડે પૂરી લઈશ; જ્યાં મારો હકનો અધિકાર છે ત્યાં જ મારી કલ્પલતા છે. ૧૯૦૩

ગામને છેડીને જનારો આ રાતી માટીનો રસ્તો મારા મનને ભુલાવી દે છે. કોના ભણી મન હાથ પ્રસારીને ધૂળમાં આળોટી પડે છે? એ તો મને ઘરની બહાર કાઢે છે, એ ડગલે ડગલે મારા પગને પકડે છે. એ મને ખેંચીને લઈ જાય છે, કોણ જાણે મને એ કયા ચૂલામાં લઈ જાય છે ! કયા વાંક આગળ એ મને શું ધન દેખાડશે, કઈ જગ્યાએ એ મને આફતમાં નાખી દેશે—ક્યાં જવાથી છેડો આવશે તે વિચારું છું તોય કશી ગમ પડતી નથી. ૧૯૦૮

મારા ચિત્તમાં સદા કોણ નાચે છે? તાતા થૈથૈ, તાતા થૈથૈ, તાતા થૈથૈ. તેની સાથે (કોણ જાણે) કયા મૃદંગ ઉપર સદા વાગે છે : તાતા થૈથૈ, તાતા થૈથૈ તાતા થૈથૈ. હાસ્ય અને રુદન હીરા અને પન્નાની જેમ ભાલ ઉપર ઝૂલે છે. સારું અને નરસું તાલે તાલે છંદમાં કંપે છે, જન્મ નાચે છે, પાછળ પાછળ મૃત્યુ નાચે છે, તાતા થૈથૈ, તાતા થૈથૈ, તાતા થૈથૈ. કેવો આનંદ, કેવો આનંદ, કેવો આનંદ! રાત દિવસ મુક્તિ નાચે છે, બંધન નાચે છે, અને તે તરંગમાં રંગભેર હું પાછળ પાછળ દોડું છું. તાતા થૈથૈ, તાતા થૈથૈ, તાતા થૈથૈ. ૧૯૧૦

૧૦

અમે આનંદથી ખેડ કરીએ છીએ, સવારથી સાંજ સુધી અમારો સમય ખેતરમાં વીતે છે. તડકો ચડે છે, વરસાદ પડે છે, વાંસના વનમાં પાંદડાં હલે છે, ખેડેલી માટીની ગંધથી ભર્યોભર્યો વાયુ વાય છે. લીલા પ્રાણના ગીતની લિપિ, રેખાએ રેખાએ દેખા દે છે, કયો તરુણ કવિ નૃત્યથી ડોલતા છંદે મસ્ત બની જાય છે ? ડાંગરના કણસલામાં પુલક દોડે છે, માગશરના સોનેરી તડકામાં ને પૂર્ણિમાની ચાંદનીમાં આખી પૃથ્વી હસી ઊઠે છે. ૧૯૧૧

૧૧

અમે બધા કામમાં હાથ દઈએ છીએ, બધા કામમાં. કોઈ બાધાબંધન નથી, રે નથી. જોઈએ છીએ, શોધીએ છીએ, સમજીએ છીએ, હંમેશાં તોડીએ છીએ, ઘડીએ છીએ, ઝૂઝીએ છીએ. અમે બધા દેશમાં બધા વેશમાં ભમતા ભમીએ છીએ, કરી શકીએ કે ના કરી શકીએ, ભલે જીતીએ કે હારીએ—જો એમ ને એમ સુકાન છોડી દઈએ તો એ શરમથી જ મરી જઈએ. પોતાના હાથના જોરે જ અમે સર્જન કરી દઈએ છીએ. અમે પ્રાણ દઈ ઘર બાંધીએ છીએ, તેમાં જ રહીએ છીએ. ૧૯૧૧

૧૨

અહો આ પ્રકાશ, મારો પ્રકાશ ! ભુવનને ભરી દેનાર પ્રકાશ ! મારી આંખોને ધોનાર એ પ્રકાશ ! મારા હૃદયને હરી લેનાર એ પ્રકાશ ! હે ભાઈ, પ્રકાશ નાચી રહ્યો છે, મારા પ્રાણની પાસે નાચી રહ્યો છે! અરે ભાઈ, મારી હૃદયવીણામાં પ્રકાશ ઝણઝણી રહ્યો છે! આકાશ જાગી રહ્યું છે, પવન છૂટી રહ્યો છે, પૃથ્વી હસી રહી છે. પ્રકાશના સ્ત્રોતમાં હજારો પતંગિયાં સઢ ફફડાવી રહ્યાં છે. પ્રકાશનાં મોજાંમાં માલતી અને મલ્લિકા નાચી રહ્યાં છે. હે ભાઈ, મેઘે મેઘે સોનું ઝળહળી રહ્યું છે, અગણિત માણેક પ્રકાશી રહ્યાં છે. પાને પાને હાસ્ય ચમકી રહ્યું છે, સઘળું પુલકિત થઈ રહ્યું છે. અમૃતના ઝરણામાંથી ઝરેલી સૂર નદીનો કિનારો ડૂબી ગયો છે. ૧૯૧૨

૧૩

કમલવનના ભ્રમરો, તમે કમલભવનમાં આવો. આજે નવ વસંતના પવનમાં કેવી અમૃતતુલ્ય સુગંધ આવી રહી છે! વિમલ ચરણને પુલકથી ઘેરીને શત શતદલ ખીલી ઊઠ્યાં. એના ખબર દ્યુલોક ભૂલોકમાં ભુવને ભુવને ફેલાઈ ગયા. ગ્રહોમાં અને તારાઓમાં કિરણે કિરણે રાગિણી બજી ઊઠે છે. ગીતનું ગુંજન અને કૂજનનો કલસ્વર કાનને વિહ્વળ કરી મૂકે છે. સાગર કલ્લોલની ગાથા ગાય છે, વાયુ શંખ વગાડે છે. વનપલ્લવમાં સામગાન સંભળાય છે, જીવનમાં મંગળગીત (બજી ઊઠે છે). ૧૯૧૩

૧૪

હું છું ચંચલ, સુદૂરનો પિયાસી. દિવસો ચાલ્યા જાય છે, બારી પર નમીને હું તેમની આશાએ તાકી રહ્યો છું. અરે, પ્રાણમાં ને મનમાં હું તેમનો જ સ્પર્શ પામવા મથી રહ્યો છું. હે સુદૂર, હે દૂરના દૂર ! તું વ્યાકુળ કરનારી વાંસળી બજાવે છે. મને પાંખો નથી, હું એક ઠેકાણે છું, એ વાત તો જાણે હું ભૂલી જ જાઉં છું. હે સુદૂર, હું ઉન્મના છું, ઉદાસી છું, તડકાભરી આળસુ વેળામાં, વૃક્ષોના મર્મરમાં, છાયાની રમતમાં તમારી કેવી મૂર્તિ નીલ આકાશમાં આંખો સામે તરવરી રહે છે! હે સુદૂર, હું ઉદાસી છું. અરે હે સુદૂર, દૂરના દૂર ! તમે વ્યાકુળ વાંસળી બજાવી રહ્યા છો, હું એ વાત ભૂલી જાઉં છું કે મારા એરડાનાં બારણાં બંધ છે. ૧૯૧૪

૧૫

ના રે ના, આ જે ધૂળ છે તે પણ મારી નથી. સંધ્યાના પવનમાં તારી ધૂળની ધરતી પર એને ઉડાવી જઈશ. અગ્નિ પેટાવી માટીથી (તેં) દેહરૂપી પૂજાની થાળી રચી. છેલ્લી આરતી સમાપ્ત કરી તારા ચરણમાં ભાંગી જઈશ. પૂજા માટે જે ફૂલ હતાં તેમાંથી ઘણાં ચાલતાં ચાલતાં માર્ગમાં છાબડીમાંથી પડી ગયાં છે. પોતાને હાથે કેટલા દીપ આ થાળીમાં પેટાવ્યા હતા? એમાંના કેટલાયે પવનમાં બુઝાઈ ગયા, (તારા) ચરણની છાયામાં પહોંચ્યા નહીં. ૧૯૧૪

૧૬

અમને ભય કોનો ? બુઢ્ઢા બુઢ્ઢા ચોર લૂંટારા અમને શું કરી શકવાના છે? અમારો રસ્તો સીધો છે, ગલી નથી; અમારી પાસે નથી ઝોળી, નથી. થેલી; એ લોકો બીજું ગમે તે લૂંટી લે, પણ અમારું પાગલપણું કોઈ લૂંટી લઈ શકે એમ નથી. અમારે આરામ નથી જોઈતો. વિરામ નથી જોઈતો, નથી જોઈતું ફલ કે નથી જોઈતું નામ. અમે ચડતીમાં કે પડતીમાં સરળ રીતે નાચીએ છીએ, હારમાં કે જીતમાં સરખી રીતે રમીએ છીએ. ૧૯૧૫

૧૭

અમારા વાળ નહિ પાકે, અમારા વાળ નહિ પાકે. અમારાં ફૂલ ખરી નહિ પડે. અમારાં ફૂલ ખરી નહિ પડે. અમે કોઈ પણ છેડે અટકવાતા નથી. અમારો રસ્તો કોઈ દેશમાં પૂરો થતો નથી. અમારી ભૂલ નહિ મટે, અમારી ભૂલ નહિ મટે. અમે આંખો મીંચીને ધ્યાન નહિ ધરીએ, નહિ ધરીએ. પોતાના મનના ખૂણામાં અમે જ્ઞાન નહિ શોધીએ, જ્ઞાન નહિ શોધીએ. અમે પ્રવાહે પ્રવાહે શિખર ઉપરથી સાગર તરફ તણાતા જઈએ છીએ. અમને કિનારો નહિ મળે, અમને કિનારો નહિ મળે. ૧૯૧૫

૧૮

હે નદી, તું તારા વેગથી ઉન્મત્ત જેવી બની ગઈ છે, હું સ્તબ્ધ ચંપાનું વૃક્ષ સુગંધને કારણે તન્દ્રાહીન છું, હું સદા અચલ રહું છું, મારી ગંભીર ગતિને હું ગુપ્ત રાખું છું. મારી ગતિ નવીન પર્ણોમાં છે, મારી ગતિ ફૂલની ધારામાં છે. હે નદી, તારા વેગથી જ તું ઉન્મત જેવી, અનેક માર્ગે બહાર દોડી જઈને તું તને જ ખોઈ બેસે છે. મારી ગતિ વિશે તે કશું જ કહી શકાય નહીં. એ તો પ્રાણની પ્રકાશ તરફની ગતિ. આકાશ એનો આનંદ ઓળખે ને બીજો જાણે રાત્રિનો નીરવ તારો. ૧૯૧૫

૧૯

અમારે તો જેવી રમત તેવું કામ, એ શું ભાઈ, તમે જાણતા નથી ? એટલે અમે કામથી કદી ડરતા નથી. લડાઈ કરવી એ અમારે મન રમત છે, જીવવું મરવું અમારે મન રમત છે, રમત સિવાય કશુંય ક્યાંય નથી, રમતાં રમતાં ફૂલ ખીલ્યાં છે, રમતાં રમતાં ફળ ફળે છે, જળમાં અને સ્થળમાં રમતના જ તરંગો ખેલી રહ્યા છે. ભયના ભીષણ લાલ રંગમાં જ્યારે રમતની આગ લાગે છે (ત્યારે) ભાંગ્યું તૂટયું બધું બળીને ખાખ થઈ જાય છે. ૧૯૧૫

૨૦

તમે મને બાંધી શકો એવું બંધન શું તમારી પાસે છે? હું તો સૌની સાથે બંદી થવાની સંધિ કરું છું ! પેલું સંધ્યાનું આકાશ દોરી વગર મને બાંધી રહ્યું છે. રાત દિવસ બંધન વગરની પેલી નદીની ધારા મને યાચી રહી છે. જે ફૂલ આપમેળે ફૂટી રહ્યાં છે, આપમેળે ખરી પડે છે, અને ઘરમાં રહેતાં નથી, એ બધાં મારાં સાથી છે, મારાં બાંધવ છે, પાછળ નજર કરતાં નથી. મને બાંધવાનો તમારો ફોગટ પ્રયાસ છે. હું તો પોતાની પાસે પોતાના ગાનના સુરમાં બંધાઈ ગયો છું. જેનો પ્રાણ આપમેળે ડોલવા લાગી ગયો, મન મુગ્ધ થઈ ગયું, એ મનુષ્ય તો અગ્નિ ભરેલો છે; એ જો પકડાઈ જાય તો જીવે? અરે ભાઈ, એ તો હવાનો મિત્ર છે, મોજાંનો સાથી છે; રાત દિવસ તેનું લોહી માત્ર છટકી જવાને છંદે નાચતું હોય છે. ૧૯૧૮

૨૧

આકાશમાં આકાશમાર્ગે હજારો સ્ત્રોતે ઝરણાની ધારાની પેઠે જગત ઝરે છે. મારા શરીર મનની અધીર ધારા સાથે સાથે અવિરામ વહે છે. એ પ્રવાહોના પછડાટે પછડાટે દિનરાત ગીત જાગે છે. તે ગીતે ગીતે મારા પ્રાણોમાં કેટલાંય મોજાં ઊઠ્યાં છે. મારા કિનારા પર ભુક્કો થઈને શત શત ગીત વીખરાય છે. એ જ આકાશ-ડુબાડતી ધારાના હીંચકે હું અવિરત ઝૂલું છું. એ નૃત્યઘેલી વ્યાકુલતા વિશ્વના પ્રાણમાં છે તે સદા મને જાગૃત રાખે છે, શાંતિ માનતી નથી, ચિરદિનનાં હાસ્યરુદન ઢગલેઢગલા તરી રહ્યાં છે. આ બધુ ઊંઘ વગરની, ઢાળેલી આંખે કોણ જોઈ રહે છે? અરે ઓ, એ આંખોમાં મારી આંખો નિષ્પલક થઈ જાઓ ને ! એ જ આકાશ ભરી દેતા દર્શનની સાથે નિરંતર જોઈશ. ૧૯૧૮

૨૨

આ પાંદડે પાંદડે પ્રકાશનું નૃત્ય એ જ તો ગમ્યું હતું. શાલવનમાં ગાંડી હવા, એ જ તો મારા મનને મતવાલું કરી મૂકે છે. લાલ માટીના રસ્તે થઈને હાટમાં જતા પથિકો ઉતાવળા ચાલ્યા જાય છે. ધૂળમાં બેઠેલી નાની છોકરી રમવાની છાબ એકલી એકલી સજાવી રહી છે. સામે નજર કરતાં આ જે કંઈ જોઉં છું એ સૌ મારી આંખોમાં વીણા વગાડે છે. મારી આ જે વાંસની વાંસળી છે, તે ખેતરના સ્વરોનું સાધન છે. મારા મનને આ ધરણીની માટીના બંધને બાંધ્યું છે. નીલ આકાશના પ્રકાશની ધારાનું જેઓએ તાજું તાજું પાન કર્યું છે એવાં બાળકોની આંખોની દૃષ્ટિ મેં મારી બન્ને આંખોમાં ભરી દીધી છે. એમના કુમળા ગળાના સૂરથી મારી વીણાના સૂર મેં બાંધ્યા છે. દૂર જવાની ધૂન થતાં સૌ મને ઘેરી વળીને અટકાવે છે. ગામનું આકાશ સરગવાના ફૂલરૂપી હાથનો ઇશારો કરીને મને પોકારી રહ્યું છે. હે ભાઈ, પાસેની સુધા પૂરી થઈ નથી, એટલે દૂરની ક્ષુધા લાગી નથી. આ જે સૌ નાનીસૂની વસ્તુ છે તેમના છેડાનો પત્તો લાગતો નથી. આજે પણ તુચ્છ દિનનો મારો ગાવાનો વારો પૂરો થયો નથી ! મને ગમ્યું છે, મારું મન મુગ્ધ થયું છે, એ જ વાત ગાતો ફરું છું. રાત દિવસ સમય ક્યાં મળે છે, એટલે તે કામની વાતો ટાળતો ફરું છું ! મન મગ્ન થઈ ગયું છે, આંખો મગ્ન થઈ ગઈ છે. મને નકામો બોલાવો છો ! એમને ઘણી આશા છે, એઓ ભલે ઘણું એકઠું કરો ! હું તો માત્ર ગાતો ફરું છું, એથી વધુ મોટો થવા હું માગતો નથી. ૧૯૧૮

૨૩

આવી રીતે જ જો દિવસ જતો હોય તો છો જતો. મનને ઊડવું છે તો ગીતની પાંખો પસારીને છો ઊડતું. આજે મારા પ્રાણના ફુવારાનો સૂર વહી રહ્યો છે, દેહનો બંધ તૂટી ગયો છે, માથા ઉપર આકાશનું પેલું સુનીલ ઢાંકણું ખૂલી ગયું છે. ધરતીએ આજે પોતાનું હૃદય ફેલાવ્યું છે, તે જાણે માત્ર વાણીરૂપ બની ગઈ છે. કઠણ માટી આજે મનને બાધારૂપ થતી નથી. તે આજે કયા સૂરમાં મેળવેલું છે. વિશ્વ પોતાના મનની વાત કરે છે, આજે જો કામ પડી રહેતું હોય તો ભલે પડી રહેતું. ૧૯૧૮

૨૪

હે સાવધાન પથિક, એક વાર તો રસ્તો ભૂલીને ભટકતો થા. તારી ખુલ્લી આંખોને વ્યાકુલ આંખોના જળથી અંધ કરી દે. એ ભૂલી જવાયેલા રસ્તાની ધારે ખોવાઈ ગયેલા હૃદયની કુંજ છે. ત્યાં કાંટાળા વૃક્ષ નીચે રાતાં ફૂલોનો ઢગલો ખરીને પડ્યો છે. કાંઠા વગરના સમુદ્રને કિનારે ત્યાં બંને વેળા ભાંગવાઘડવાની રમત ચાલ્યા કરે છે. તારા અનેક દિવસના સંચયની તું ચોકી કરતો બેઠો છે. ઝંઝાવાતની રાતના ફૂલની જેમ એને ઝરી જવા દે. આવ, હવે બધુ ખોઈ બેસવાની જયમાળા શિરે ધારણ કરી લે. ૧૯૧૮

૨૫

ક્યાંક દૂર દૂરથી મારા મનમાં, મારા સમસ્ત પ્રાણમાં વાણીની ધારા વહી આવે છે. એ મારા કાનમાં ક્યારેક શું કહે તે ક્યારેક સાંભળું છું, ક્યારેક નથી સાંભળતો. મારી નિંદ્રામાં, મારા કોલહલમાં મારા આંખનાં અશ્રુમાં એનો જ સૂર, એનો જ સૂર જીવનની ગુફાના ઊંડાણમાં ગુપ્ત ગીતને રૂપે મારા કાનમાં બજ્યા કરે છે. કોઈ ઘન ગહન નિર્જન તીરે એનું ભાંગવા ઘડવાનું છાયાતળે ચાલ્યા કરે. હું જાણતો નથી કે કયા દક્ષિણના પવનથી ઊછળતા તરંગોમાં એ ચઢે છે, પડે છે. આ ધરણીને એ ગગનપારની આકૃતિમાં તારા સાથે બાંધી દે છે. સુખ સાથે દુ:ખને ભેળવીને એ કાનમાં ને કાનમાં રડે છે : ‘આ નહીં, આ નહીં.’ ૧૯૧૮

૨૬

જે પ્રાણના અંધકારમાં હતો તે વિશ્વના પ્રકાશની પાર આવ્યો. સ્વપ્નના વિઘ્નને તોડીને તે બહાર દોડી આવ્યો, બેઉ આંખો આભી બની એને જોઈ રહી. આંસુની ધારાથી મેં માળા ગૂંથી હતી; એ માયાના હારથી મેં એને બાંધ્યો હતો. રે, નીરવ વેદનાથી મેં જેની પૂજા કરી, આખું વિશ્વ એની વંદના કરે છે. ૧૯૧૮

૨૭

તારું શરૂ થયું, મારું પૂરું થયું— તારા મારા મિલનથી આમ પ્રવાહ વહે છે. તારો દીવો બળે છે, તારા ઘરમાં સાથીદાર છે— મારે માટે રાત છે, મારે માટે તારા છે, તારે ભૂમિ છે, મારે જળ છે — તારે બેસી રહેવાનું છે, મારે ચાલ ચાલ કરવાનું છે. તારા હાથમાં રહે છે(સચવાય છે), મારા હાથમાં ક્ષય છે— તારા મનમાં ભય છે, મારું મન નિર્ભય છે. ૧૯૧૮

૨૮

જ્યારે આ રસ્તા ઉપર મારા પગનાં ચિહ્ન નહિ પડે, જ્યારે આ આ ઘાટે હું પાર ઉતારવાની નાવડી નહિ ચલાવું, જ્યારે હું વેચવાનું ને ખરીદવાનું પતાવી દઈશ, લેણ-દેણ ચૂકવી દઈશ, જ્યારે આ હાટમાં અવર-જવર બંધ થઈ જશે, ત્યારે ભલે તમે મને યાદ ન રાખો, તારા તરફ નજર માંડીને ભલે મને ન બોલાવો. જ્યારે તાનપુરાના તારો ઉપર ધૂળ ભેગી થઈ હશે, ઘરને આંગણે કાંટા ઝાંખરાં ઊગી નીકળ્યાં હશે, ફૂલબાગે જ્યારે ગાઢ ઘાસનો વનવાસનો વેશ ધારણ કર્યો હશે, તળાવની ધારને શેવાળે આવીને ઘેરી લીધી હશે, ત્યારે ભલે મને ન સંભારો, તારા તરફ નજર માંડીને ભલે મને ન બોલાવો. તે વખતે આ જ પ્રમાણે આ નાટકમાં વાંસળી વાગશે, આજે જે રીતે દિવસ વીતે છે તે રીતે ત્યારે પણ વીતશે, તે દિવસે પાર જનારી નાવડી આજ રીતે ઘાટે ઘાટે ઊભરાશે, પેલા ખેતરમાં ગાયો ચરશે, અને ગોવાળિયા રમશે. ત્યારે ભલે મને યાદ ન રાખો, તારા તરફ નજર માંડીને ભલે મને ન બોલાવો. ત્યારે કોણ કહે છે કે તે પ્રભાતે હું નહિ હોઉં? બધી રમતોમાં આ હું રમતો રહીશ. મને નવે નામે બોલાવતા હશો, નવા બાહુપાશમાં બાંધતા હશો. શાશ્વતકાળનો તે હું આવજા કરતો હઈશ. તે વખતે ભલે મને યાદ ન રાખો, તારા તરફ નજર માંડીને ભલે મને ન બોલાવો. ૧૯૧૮

૨૯

જે ક્રંદનથી હૃદય ક્રંદન કરે છે, તે જ ક્રંદનથી તેણે પણ ક્રંદન કર્યું જે બંધનથી મને બાંધે છે, તે જ બંધને તેને બાંધ્યો. મેં રસ્તે રસ્તે તેને શોધ્યો, મનમાં મનમાં તેને પૂજ્યો, તે પૂજામાં છુપાઈને મારી પણ તેણે સાધના કરી. મહાસાગર પાર કરીને મનને હરી લેવા આવ્યો હતો પણ હોડીમાં તે પાછો ન ગયો, તે પોતાને જ ખોઈ બેઠો. તેની પોતાની માધુરી તેની પોતાની સાથે જ ચાતુરી કરે છે, તે પકડશે કે પકડાશે; શું વિચારીને તેણે જાળ બિછાવી? ૧૯૧૮

૩૦

તે કયા વનનું હરણ મારા મનમાં હતું ? કોણે તેને અકારણ બાંધ્યું? ગતિરૂપી રાગનું તે ગીત હતું. પ્રકાશ અને છાયાનો તે પ્રાણ હતું. આકાશને તે વનમાં ચમકાવી દેતું. તમાલની પ્રત્યેક છાયામાં તે મેઘલા દિવસોની આકુલતાને પોતાના પગથી બજાવી જતું. ફાગણમાં તે પિયાલની નીચે દક્ષિણ પવનની ચંચલતાની સાથે કોણ જાણે ક્યાં ભાગી જાય છે ? ૧૯૧૮

૩૧

આ કેવળ આળસભરી માયા છે, આ કેવળ વાદળાંની રમત છે, આ કેવળ મનના મનોરથ હવામાં વહેતા મૂકવા જેવું છે. આ કેવળ મનમાં ને મનમાં માળા ગૂંથીને તોડી નાખવા જેવું છે, ક્ષણભરના હાસ્ય અને રુદનને ગીત ગાઈને પૂરા કરવા જેવું છે. લીલાં પાંદડાં ઉપર આખો વખત સૂર્યનાં કિરણોમાં ફૂલો પોતાની છાયા સાથે રમ્યાં કરે છે. — આ પણ વસંતના સમીરમાં એ છાયાની રમત જ છે. જાદુના દેશમાં જાણે જાણી જોઈને રસ્તો ભૂલીને આખો દિવસ અન્યમનસ્ક બનીને આમ તેમ ફરું છું. જાણે કોઈને આપવાં છે માટે જાણે ક્યાંક ફૂલ વીણું છું — સાંજે કરમાયેલાં ફૂલ વનેવનમાં ઊડી જાય છે. આ રમત રમે એવો હાય, રમતનો ભેરુ કોણ છે? ભૂલમાં ભૂલમાં ગીત ગાઉં છું, કોઈ સાંભળે છે તો કોઈ નથી સાંભળતું — જો કંઈ યાદ આવે તો, જો કોઈ પાસે આવે તો. ૧૯૧૯

૩૨

એ બધાંની આંખો દોડી જાય છે, રે — ટોળે ટોળે, ધનની વાટે, માનની વાટે, રૂપની હાટે! જોવાની પ્રતિજ્ઞા કરી છે, પણ કોને જોવો છે તેની મનને ખબર નથી. પ્રેમનાં જ્યારે દર્શન પામે છે ત્યારે આંખો આંસુમાં તણાઈ જાય છે. મને તમે કોઈ બોલાવશો નહિ — હું અરૂપ રસના સાગરે નૌકાના ઘાટ પર જવાનો છું. સામા કાંઠા તરફ જતી વખતે સઢમાં ઉદાસ હવા લાગે છે. રે, બેઉ આંખોને હું અકૂલ સુધા-સાગરના તળિયે ડુબાડી જઈશ. ૧૯૧૯

૩૩

માટીનો દીવો માટીના ઘરની ગોદમાં છે. સાંધ્યતારો એનો પ્રકાશ જોવાને માટે તાકી રહે છે. તે દીવો પ્રિયાની વ્યાકુળ દૃષ્ટિના જેવા પલક વગરનો છે. તે દીવો માના પ્રાણના ભયની પેઠે ડોલે છે. તે દીવો શ્યામલ ધરાના હૃદય ઉપર બુઝાય છે ને સળગે છે, તે દીવો ચંચળ પવનમાં વ્યથાથી પળેપળે કંપે છે. સંધ્યાતારાની વાણી આકાશમાંથી આશીર્વાદ લઈને ઊતરી, અમર શિખા મર્ત્ય શિખારૂપે પ્રગટી ઊઠવાને અધીરી થઈ. ૧૯૧૯

૩૪

મારા દિવસો સોનાના પિંજરામાં ના રહ્યા — તે પેલા મારા વિવિધરંગી દિવસો. રુદન-હાસ્યના બંધન તે સહી શક્યાં નહીં—તે પેલા મારા વિવિધરંગી દિવસો. આશા હતી કે તે મારા પ્રાણના ગીતની ભાષા શીખશે (પણ) તે ઊડી ગયા, બધી વાત કહી નહીં—તે પેલા મારા વિવિધરંગી દિવસો. હું સ્વપ્ન જોઉં છું. જાણે તેઓ કોઈની આશાએ મારા ભાંગેલા પિંજરાની આસપાસ ફરે છે — તે પેલા મારા વિવિધરંગી દિવસો. આટલી વેદના શું વંચના હોઈ શકે? એ બધાં શું છાયાનાં પંખી છે? આકાશની પાર શું કંઈ લઈ ગયા નહીં ? — તે પેલા મારા વિવિધરંગી દિવસો. ૧૯૧૯

૩૫

નમો યંત્ર, નમો યંત્ર. નમો યંત્ર, નમો યંત્ર. તું ચક્રના અવાજથી ગાજે છે, વજ્રવહ્નિ તને વંદન કરે છે. વસ્તુના વિશ્વની છાતીએ ડંખ દેનાર ભયંકર ધ્વંસ કરનાર તારા દાંત છે. ભડભડતા અગ્નિ અને સેંકડો શતઘ્નીઓ (તોપો) વગેરે વિઘ્નો ઉપર વિજય મેળવનાર તારો પંથ છે. લોઢાને ગાળી નાખનારો, પર્વતને દળી નાખનારો, પર્વતને પણ ચળાવી દેનારો તારો મંત્ર છે. કોઈ વાર તારું શરીર લાકડા-લોઢા ઈંટ જેવું દૃઢ અને નક્કર તથા મજબુત બાંધાવાળું હોય છે અને કોઈ વાર તારી માયા પૃથ્વી-જળ અને અંતરિક્ષને પણ ઓળંગી જાય એવી ચપળ છે. તારા ખાણોને ખોદનારા નખોથી ચિરાયેલી પૃથ્વીનાં આંતરડાં વિરવિખેર પડ્યાં છે અને પંચભૂતોને બાંધનારું તારું ઇંદ્રજળનું તંત્ર છે. ૧૯૨૨

૩૬

અરે હાય રે હાય દિવસ વીતી જાય છે, ચાની સ્પૃહાથી ચંચલ બનેલ હે ચાતક દલ ચાલો. ચાલો. કીટલીમાંનું પાણી ખદખદીને ઊછળતું કલકલ અવાજ કરે છે. ચીનના આકાશમાંથી પૂર્વી પવનના સ્ત્રોતમાં શ્યામલ રસધરપુંજ આવ્યો છે. શ્રાવણના દિવસે ઝરઝર રસ ઝરે છે, હે ટોળેટોળાં લોકો ઉપભોગ કરો, ઉપભોગ કરો. આવો તમે પોથીઓને સાચવનાર, તધ્ધિત અને કારકનો ઉદ્ધાર કરનાર હે કર્ણધાર, ગણિતધુરંધર, કાવ્યપુરંદર, ભૂવિવરણભંડારી આવો. વિશ્વના ભારથી નમેલા શુષ્ક રુટિન પથમરુમાં ફરવાથી થાકેલા તમે આવો. હિસાબકિતાબથી ભયભિત બનેલા, હિસાબના ટાંટિયા મેળવવામાં ગૂંચવાયેલા અને તેથી જેની આંખમાં આંસુ આવી ગયેલાં છે એવા, ગીતની વીથિઓમાં ફરનારા હાથમાં તંબૂરાવાળા અને તાલ અને તાનમાં મગ્ન એવા આવો, રંગ અને રેખાવાળા પટને અને પીંછીને ફેંકી દઈને હે ચિત્રકાર ઝટપટ આવો. કૉન્સ્ટિટયૂશનના નિયમોના પારંગત અને દલીલમાં ન થાકનારા એવા આવો. કમિટીમાંથી ભાગી જનારા, બંધારણનો ભંગ કરનારા આવો. ભૂલા પડેલા અને લથડિયાં ખાનારા આવો. ૧૯૨૪

૩૭

ચાલો આપણે પાક લણીએ. અહો, ખેતર તો આપણાં મિત્ર છે. આજે તેમની ભેટથી આપણાં ઘરનાં આંગણાં રાત દિવસ વર્ષ લગી ભર્યા રહેશે. આપણે તેમનું દાન લેવું છે, તેથી જ પાક લણીએ છીએ, ગીત ગાઈએ છીએ, આનંદપૂર્વક મહેનત કરીએ છીએ. મેઘે આવીને છાયાનું માયાઘર રચ્યું હતું, એટલામાં સોનાનો જાદુગર તડકો આવી ચડ્યો. આપણાં ખેતરોમાં એને લઈને શ્યામ અને સોનાનું મિલન થયું. આપણી પ્રેમપાત્ર ધરતીએ એથી તો આવા સાજ સજ્યા છે! આપણે તેનું દાન લેવું છે તેથી પાક લણીએ છીએ, તેથી ગીત ગાઈએ છીએ, તેથી જ, આનંદપૂર્વક મહેનત કરીએ છીએ. ૧૯૨૫

૩૮

કાળના મંજીરાં સદા વાગ્યાં કરે છે — ડાબા જમણા બંને હાથે. નિદ્રા ભાગી જાય છે, નિત્ય નૂતન સમૂહોમાં નૃત્ય મચે છે. ફૂલોમાં, કાંટામાં, પ્રકાશ અને છાયાની ભરતી ઓટમાં, મારા પ્રાણમાં, દુઃખમાં, સુખમાં, અને શંકામાં એ જ બજી ઊઠે છે. સાંજ સવારે એના તાલે તાલે રૂપનો સાગર તરંગિત થઈ ઊઠે છે. ધોળા અને કાળાના દ્વંદ્વંમાં એના જ છંદના અનેક રંગ પ્રકટે છે. એ તાલમાં મારું ગીત બાંધી લે — ક્રન્દન અને હાસ્યની તાન સાધી લે. સાંભળ, મૃત્યુ અને જીવને નૃત્યસભાના ડંકાથી સાદ દીધો છે. ૧૯૨૫

૩૯

મારા મનમાં ને મનમાં ક્રીડાઘર બાંધવા બેઠો છું. કેટલીય રાત એ માટે જાગ્યો છું તે તને શું કહું? પ્રભાતે પથિક સાદ દઈ જાય છે, અરેરે, મને અવકાશ મળતો નથી. બહારની ક્રીડામાં ભાગ લેવા એ મને બોલાવે છે. હું શી રીતે જાઉં ? જે આપણું બધાંનું ફેંકી દેવાયેલુ, વેડફી નાખેલું, પુરાણા ખરાબ દિવસોના ઢગલા જેવું — એ બધાંમાંથી હું મારુ ઘર રચું છું. જે મારી નવી રમતનો સાથી છે તેનું જ એ રમતનું સિંહાસન છે. એ ભાંગેલાને કશાક જાદુથી જોડી દેશે. ૧૯૨૫

૪૦

પંખી કહે છે, ‘ચંપા, મને કહે, તું કેમ ચુપચાપ રહે છે? પ્રાણ ભરીને હું જે ગીત ગાઉં છું તે સમસ્ત પ્રભાતના સૂરનુ દાન છે. તે શું તું તારા હૃદયમાં ગ્રહણ કરે છે? તો પછી તું શા માટે ચૂપચાપ રહે છે?’ સાંભળીને ચંપાએ કહ્યું, ‘અરેરે, જે મારું ગાયેલું ગીત સાંભળી શકે, તે પંખી તું નથી, તું નથી’ પંખી કહે છે, ‘ચંપા, મને કહે, તું કેમ આટલો છૂપો રહે છે? ફાગણની સવારે ચંચળ પવન ઊડતાં ઊડતાં જે પોકારી જાય છે તે શું તું તારા હૃદયમાં ગ્રહણ કરે છે? તો પછી તું શા માટે છૂપો રહે છે?’ સાંભળીને ચંપાએ કહ્યું, ‘અરેરે, જે મારું ઊડવાનું જોઈ શકે તે પંખી તું નથી, તું નથી’. ૧૯૨૫

૪૧

હે બંસરી, વાગ, વાગ. હે સુંદરી, મંગલ સંધ્યાસમયે ચંદનની માળાથી શણગાર સજ. મને એમ થાય છે કે તે ચંચલ પ્રવાસી વસંતના ફાગણ માસમાં આવે છે—શું આજે પણ મધુકરના પદના ભારથી કંપતો ચંપક આંગણામાં ખીલ્યો નથી ? માથે લાલ અંચલ અને હાથમાં કિંશુકનાં કંકણ (ધારણ કરીને) ઝાંઝરથી ઝમકતા ચરણે, સૌરભથી મંથર વાયુમાં વંદન-સંગીતના ગુંજનથી ગાજતા નંદનકુંજમાં તું વિરાજ. ૧૯૨૫

૪૨

જે હંમેશાં નાસતો ફરે છે, નજર ચૂકાવે છે, ઇશારાથી હાક મારી જાય છે, તે શું આજે સુગંધભર્યા વસંતના સંગીતમાં આ પકડાઈ ગયો ? પેલું શું એનું ઉત્તરીય અશોકની શાખામાં ફરફરે છે? આજે શું પલાશના વનમાં પેલો તે જ રંગની પીંછી ફેરવી રહ્યો છે? મલ્લિકાની પેલી ભંગીમાં એ શું તેનાં ચરણ તાલે તાલે પડે છે? ના રે ના, એ તો કદી પકડાતો હશે? એ તો હાસ્યથી ભરેલા દીર્ઘ શ્વાસમાં તણાતો જાય છે. હાલકડોલક થઈને તે નકામો મનને ભોળવે છે, અને સ્વપ્નમાં તરંગો ઉછાળે છે. એમ લાગે છે જાણે તે વિચ્છેદની ખાલી રાત્રિએ છુપાઈને આવે છે, આંખની આડે પોતાના નિત્ય જાગરણનું આસન બિછાવે છે, અને ધ્યાનની વર્ણછટાથી તે મનને વ્યથાના રંગે રંગ્યા કરે છે. ૧૯૨૫

૪૩

દૂર દેશનો પેલો ગોવાળનો છોકરો, મારા માર્ગમાં વડની છાયા તળે આખો દિવસ રમી ચાલી ગયો; શું ગીત ગાયું તે તો તે જાણે, (પણ) તેનો સૂર મારા પ્રાણમાં બજે છે. કહો જોઉં, તમે તેની વાતનો કંઈ આભાસ પામ્યા? હું જ્યારે તેને પૂછું છું, ‘તને શું લાવી આપું?' ત્યારે તે એટલું જ કહે છે, 'બીજું કાંઈ નહીં, તારા ગળાની માળા.’ જો હું આપું તો તે શું પૈસા આપશે તે વિચાર કરવામાં સમય ચાલી જાય છે. પાછા આવીને જોઉં છું તો તે ધૂળમાં વાંસળી ફેંકીને ચાલી ગયો છે. ૧૯૨૫

૪૪

મને ક્ષમા કરો, ક્ષમા કરો. તને નમસ્કાર હો, નમસ્કાર હો. હે નિરૂપમ, હું તારું સ્મરણ કરું છું. મારું ચિત્ત નૃત્યરસથી ઊભરાઈને બજી ઊઠે છે. મારા સકલ દેહના આકુલ રવથી મંત્રવિહોણા તારા સ્તવનરૂપે નવજીવનમાં છંદ ડાબી બાજુએ ને જમણી બાજુએ વહી રહ્યા છે. તારી વંદના આજે મારી ભંગીમાં અને સંગીતમાં વિરાજે છે. એ તે શી પરમ વ્યથા પ્રાણને કંપાવે છે, છાતી કંપી ઊઠે છે, શાંતિસાગરમાં તરંગો ઊછળે છે, અને તેમાં સુંદર પ્રગટ થાય છે. મારી બધી ચેતના અને વેદનાએ આ તે શી આરાધના રચી! તમારે ચરણે મારી સાધના લજવાઈ ન મરે એમ કરજે. તારી વંદના આજે મારી ભંગીમાં અને સંગીતમાં વિરાજે છે. મેં બગીચામાંથી ફૂલ વીણ્યાં નથી, ફળ મને મળ્યાં નથી, મારો કળશ ખાલી જેવો છે. તીર્થજળ ભર્યું નથી. મારા અંગે અંગમાં હૃદય બંધન વગરની ન પકડી શકાય એવી ધારા ઢાળે છે, પૂજાના પુણ્ય કાર્યમાં તે તારે ચરણે આવીને વિરમો. તારી વંદના આજે મારી ભંગીમાં અને સંગીતમાં વિરાજે છે. ૧૯૨૬

૪૫

થાકેલા કપાળ ઉપર મૃદુ પવન જૂઈની માળાથી સ્પર્શે છે. અર્ધી ઊંઘમાં નયનને ચૂમીને સ્વપ્ન આપી જાય છે. વનની છાયા એ જ મનનો સાથી છે, કોઈ વાસના નથી. રસ્તાની ધારે આસન બિછાવું છું. પાછું ફરીને જોતા નથી. વાંસનાં પાંદડાં નીરવ ચિંતનમાં ગાથા ભેળવી દે છે. ગગનના પટ ઉપર મેઘની લીલા એ અલસ લિપિનું લખાણ છે; કયા દૂર દૂરના સ્મરણપટ ઉપર મરીચિકા જાગી ? ચૈત્રના દિવસે તપેલી વેળા તૃણનો છેડો પાથરીને આકાશ નીચે સુગંધનો તરાપો પવનમાં વહેતો મૂકે છે. મહુડાની ડાળ ઉપર વિજન વેદનાથી કપોત બોલે છે. ૧૯૨૬

૪૬

શું પામ્યો નથી તેનો હિસાબ મેળવવા મારું મન રાજી નથી. આજે હૃદયની છાયામાં ને પ્રકાશમાં બંસી બજી ઊઠે છે. મેં આ ધરણીને ચાહી હતી એથી જ સ્મૃતિ ફરી ફરીને મારા મનમાં જાગે છે. કેટલીયે વસંતે દક્ષિણાનિલે મારી છાબ ભરી દીધી છે. નયનનાં જળ ઊંડે, હૃદયના ગહન સ્તરે, રહ્યાં છે. વેદનાના રસથી ગુપ્ત રીતે સાધનાને સફળ કરે છે, કદી કદી તાર તૂટયા હતા ખરા, એટલા સારુ કોણ હાહાકાર કરે. તોય સૂર વારે વારે સંધાયો હતો તે જ આજે યાદ આવે છે. ૧૯૨૬

૪૭

રસના સ્ત્રોતમાં રંગની રમતને નિહાળો. એને નિકટ ખેંચી લેવાનું ઇચ્છો નહિ, ઇચ્છો નહિ ! જેને તમે રાખવા ઇચ્છો છો, બાંધવા ઇચ્છો છો તે વારેવારે અંધકારમાં વિલીન થઈ જાય છે— પ્રાણની વીણાના તારમાં જે બજી ગયું તે તો કેવળ ગીત હતું, માત્ર વાણી હતી. દેવ-સભામાં જે સુધાનું પાન થાય છે તેનો નથી મળતો સ્પર્શ કે નથી મળતું પરિમાણ. નદીના પ્રવાહમાં, ફૂલોનાં વનેવનમાં, આંખોના ખૂણામાં માધુરી-મંડિત હાસ્યમાં, એ અમૃતનું પેટ ભરીને પાન કરો—અને મુક્તિરૂપે એને ઓળખી લો ! ૧૯૨૬

૪૮

આ વખતે જવા પહેલાં તારા પોતાના રંગથી, તારા ગુપ્ત રંગથી, તારા તરુણ હાસ્યના અરુણ રંગથી, અશ્રુજળના કરુણ રંગથી રંગી જા. રંગ જાણે મારા મર્મમાં લાગે, મારાં બધાં કર્મમાં લાગે, સંધ્યાદીપની ટોચે લાગે, ગંભીર રાત્રિના જાગરણમાં લાગે, (એમ હું ઇચ્છું છું). જતાં પહેલાં મને જગાડી જા, મારા રક્તમાં તારા ચરણનો ઝોલો લગાવી જા. અંધારી રાત્રિની છાતીમાં જેમ તારા જાગે છે, પાષાણની ગુફાના ઓરડામાં જેમ ઝરણની ધારા જાગે છે, મેઘના હૃદયમાં જેમ મેઘનો મંદધ્વનિ જાગે છે, વિશ્વનૃત્યના કેન્દ્રમાં જેમ છંદ જાગે છે, તેમ તું મને ઝોલો નાખતો જા, જવાને માર્ગે આગળ ધપાવી જા, ક્રન્દનનું બંધન તોડી જા. ૧૯૨૬

૪૯

પ્રવાસી, અનુકૂળ પવનને જોરે ઘેર ચાલ્યો આવ. ત્યાં જો, પેલે પાર લઈ જનારી નાવ કેટલીક વાર આવી અને ગઈ. આકાશમાં નાવિકોનું ગાન ગૂંજી ઊઠ્યું. આખા આકાશમાં તૈયારી ચાલી રહી છે. પવનમાં નિયંત્રણ છે. મને કોઈ ઉત્તર ન આપ્યો, તેથી તું ગૃહત્યાગી છે. બહારથી અને અંતરથી નિર્વાસિત છે. ૧૯૨૮

૫૦

સ્વપ્નને કિનારેથી આહ્વાન મેં સાંભળ્યું છે, એટલે તો જાગીને વિચારું છું—કોઈ ક્યારેય શું સ્વપ્નલોકની ચાવી શોધી શકે છે ? ન તો ત્યાં દેવા માટે, ન તો કંઈ મેળવવા માટે, તેનો કોઈ દાવો નથી — જગતમાંથી સ્વપ્નલોકની ચાવી ખોવાઈ ગઈ છે. ઇચ્છવાના—મેળવવાના હૃદયની અંદર અ-પ્રાપ્તિનું પુષ્પ ખીલે છે, તેની ભૂલી પડેલી સુગંધથી આકાશ ભરાઈ જાય છે. જેને ગીતોમાં શોધતો ફરું છું, (અને) જે જન પ્રાણના ગંભીર અતલમાં ઊતરી ગયો છે, તેણે જ સ્વપ્નલોકની ચાવી ચોરી લીધી છે. ૧૯૨૮

૫૧

પ્રચંડ પવન વેગથી ફૂંકાય છે, ચારે દિશા વાદળથી છવાઈ ગઈ છે. હે નાવિક, તારી નૌકા હંકાર. તું સુકાન સખત પકડી રાખ, હું શઢ ચઢાવીને બાંધું છું, ખેંચો, બરાબર ખેંચો. આ તો સાંકળનો ખણખણાટ વારે વારે થાય છે, આ કંઈ નૌકાનું શંકાભર્યું ક્રંદન નથી; આકરું બંધન હવે સહ્યું જતું નથી તેથી એ આજે ડોલંડોલ થઈ રહી છે. ખેંચો, બરાબર ખેંચો. દિવસ અને ક્ષણ ગણીગણીને, મનને ચંચળ કરીને ‘જાઉં કે નહીં જાઉં’ એવું બોલશો નહીં. સંશયના સાગરને અંતરથી પાર કરી જઈશું. ઉદ્વેગપૂર્વક બહાર જોયા કરશો નહીં. જો મહાકાળ જાતે, એના ઉદ્દામ જટાજાળ તોફાનમાં રગદોળાય, ઊંચા તરંગો ઊઠે તો કુંઠિત થશો નહીં, એના તાલમાં તાલ મેળવીને જયગાન ગાઓ. ખેંચો, બરાબર ખેંચો. ૧૯૨૯

પર

તારું આસન આજે ખાલી છે, હે વીર, પૂર્ણ કર ! આ હું જોઉં છું, વસુંધરા થરથર કાંપી ઊઠી. આકાશ માર્ગે તૂરી બજી - સૂર્ય અગ્નિરથમાં પધારે છે. આ પ્રભાતે જમણા હાથમાં વિજયખડ્ગ ધારણ કર. ધર્મ તારી મદદમાં છે, વિશ્વવીણા તારી મદદમાં છે, અમર વીર્ય તારી મદદમાં છે, વજ્રપાણિ તારી મદદમાં છે. દુર્ગમ રસ્તો ગૌરવથી તારા પગલાં ધારણ કરશે. ચિત્તમાં અભયનું બખ્તર—તારી છાતીએ પણ એ જ પહેર. ૧૯૨૯

૫૩

પોતાને ભૂલી જ્યારે, હે નટરાજ, તમે પ્રલય-નૃત્ય કર્યું, ત્યારે જટાનું બંધન ખૂલી ગયું. તેથી ઉન્માદિની ગંગા મુક્ત ધારાઓમાં દિશાઓ ભૂલી જાય છે. સંગીતમાં તેના તરંગો આંદોલિત થઈ ઊઠ્યા. આકાશની પાર સૂર્યના પ્રકાશે ઉત્તર આપ્યો. ગૃહત્યાગ કરનારને (ગંગાને) અભયવાણી સંભળાવી દીધી. પોતાના સ્ત્રોતમાં પોતે મત્ત થઈ જાય છે; પોતે પોતાની જ સાથી થઈ. બધું ખોઈ દેનારીને પોતાના કિનારે કિનારે બધું જ મળ્યું. ૧૯૨૯

૫૪

હે પ્રબળ પ્રાણ, આકાશમાં મરુવિજયની ધજા ઉડાવ, હે કોમલ પ્રાણ, કરુણાના પુણ્યથી ધૂળને ધન્ય કર. હે મોહન પ્રાણ, મૌન માટીના મર્મનું ગીત તારા મર્મર ધ્વનિમાં ક્યારે ગાજી ઊઠશે, ( ક્યારે) ફૂલમાં, ફળમાં અને પલ્લવમાં માધુરી ભરી દેશે ? હે પથિકના બંધુ, છાયાનું આસન બિછાવીને, હે શ્યામસુંદર, તું આવ. પવનની અધીર રમતના સાથી, નીલ આકાશને મત્ત બનાવી દે. ઉષા સમયે શાખામાં ગીતની આશા જગાડ, સંધ્યા સમયે વિરામગંભીર ભાષા લાવ, રાતને સમયે સુપ્ત ગીતોનો માળો રચી દે, હે ઉદાર પ્રાણ. ૧૯૨૯

૫૫

હું એને જ કહું કૃષ્ણકળી, ગામના લોકો જેને કાળવી કહે. વાદળભર્યા દિવસે મેદાનમાં મેં એ કાળી કન્યાની કાળી હરણી જેવી આંખો જોઈ હતી. એના માથા પર સહેજ સરખોય ઘૂમટો નહોતો, એની મુક્ત લટ પીઠ પર આાળોટતી હતી. કાળવી? ભલે ને એ ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. ગાઢ વાદળ છવાયાથી અંધારું થયેલું જોઈને બે કાળી ગાયો ભાંભરતી હતી. તેથી એ શામળી કન્યા ઉતાવળી વ્યાકુળ ઝૂંપડીમાંથી ગભરાઈને બહાર આવી. આકાશ ભણી એની બંને ભ્રમર ઊંચી કરીને એણે થોડીવાર મેઘની ગર્જના સાંભળી. કાળવી? એ ભલેને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. એકાએક પૂર્વનો પવન દોડી આવ્યો, ધાનના ખેતરને તરંગિત કરી ગયો. હું ક્યારીની ધારે એકલો ઊભો હતો, મેદાનમાં બીજું કોઈ હતું નહીં. એણે મારા ભણી મીટ માંડીને જોયું કે નહીં તે તો હું જ જાણું ને એ કન્યા જ જાણે. કાળવી? એ ભલેને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. આમ જ કાળો કાજળવર્ણો મેઘ જેઠ માસમાં ઈશાન ખૂણે ચઢી આવે છે, આમ જ કાળી કોમળ છાયા અષાઢ માસમાં તમાલવનમાં ઢળે છે. આમ જ શ્રાવણની રાતે એકાએક ચિત્તમાં આનંદ ઘનીભૂત થઈ ઊઠે છે. કાળવી ? એ ભલેને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. હું કૃષ્ણકળી એને જ કહું છું, બીજા લોકોને જે કહેવું હોય તે કહે. મયનાપાડાના મેદાનમાં એ કાળી કન્યાની કાળી હરણી જેવી આંખો જોઈ હતી. એણે માથા પર વસ્ત્રનો છેડો ખેંચી લીધો નહોતો, એને તો લજ્જા પામવાનો અવકાશ પણ ન મળ્યો. કાળવી? એ ભલેને ગમે તેટલી કાળી હોય, મેં તો એની કાળી હરણી જેવી આંખો જોઈ છે. ૧૯૩૧

૫૬

તું શું કેવળ છબી છે, માત્ર પટ પર ચીતરેલી? દૂર દૂર પેલી નિહારિકા જે આકાશના માળામાં ભીડ કરી રહી છે, અને પેલા અંધકારના યાત્રી —ગ્રહો, તારા, રવિ જે હાથમાં દીવો લઈને રાત દિવસ ચાલ ચાલ કરે છે, તેમની પેઠે તું સત્ય નથી શું ? હાય, છબી, તું શું કેવળ છબી છે? આંખોની સામે તું નથી; તેં તો આંખોની અંદર સ્થાન કરી લીધું છે—તેથી આજે શ્યામલમાં તું શ્યામલ છે, નીલિમામાં તું નીલ છે. મારા નિખિલ વિશ્વે તારી અંદર પોતાના અંતરનો મેળ જોયો છે. હું નથી જાણતો, કોઈ નથી જાણતું—તારો સૂર મારા ગાનમાં વાગે છે. કવિના અંતરમાં તું કવિ છે—છબી નથી, છબી નથી, તું કેવળ છબી નથી. ૧૯૩૧

૫૭

હે આકાશવિહારી નીરદવાહન જલ, શૈલ શિખરે શિખરે તારી લીલાનું સ્થળ હતું. તેં રંગેરંગમાં, કિરણે કિરણમાં સવારે અને સાંજે લાલ અને સોનેરી રંગમાં, સ્વપ્નોની નાવો પવને પવનમાં વહાવી છે. છેવટે હરિયાળી ધરતીના પ્રેમમાં ભૂલીને તું નીચે ઊતરી આવ્યુ હતું, (અને) જ્યાં પૃથ્વીનું ગંભીર અંધકારતલ છે ત્યાં જાણે ક્યારે બંધાઈ ગયું. આજ પથ્થરના દ્વારને તોડી નાખ્યું છે, કેટલા યુગો પછી તું દોડી આવ્યું છે ! નીલ આકાશનું ખોવાયેલું સ્વપ્ન ગીતમાં ઊભરાય છે. ૧૯૩૨

૫૮

મારા આંગણામાં ફાગણમાસમાં કયા ઉચ્છવાસથી શિરીષની ડાળીઓ પર થાક્યા વિના ફૂલ ખિલવવાની રમત ચાલે છે? કૂજનવિરત, શાન્ત, વિજન સંધ્યાની વેળાએ દરરાજ તે ખીલેલું શિરીષ મને જોઇને પ્રશ્ન પૂછે છે, ‘આવ્યો છે? ' ગયા વર્ષે આવા જ દિવસે ફાગણ માસે કયા ઉચ્છ્વાસથી સ્વર્ગપુરીના કોઈ નૂપુરના તાલ પર શિરીષની ડાળીઓમાં, નૃત્યનો નશો ચઢ્યો હતો ? દરરોજ તે ચંચલ પ્રાણે પ્રશ્ન પૂછ્યો હતો, કહો તો ખરા, શું એ નથી આવ્યો ? ’ ફરીથી ક્યારે આવા જ દિવસે ફાગણ માસે શેના આધારે અલખજનના ચરણના શબ્દથી મત્ત થઈ તેની ડાળીઓ સાંભળતી રહેશે? દરરોજ તેનો મર્મર સ્વર કયા વિશ્વાસથી મને કહેશે, ‘તે આવે છે?’ પુષ્પવિભોર ફાગણમાસે શેને ભરોસે પ્રશ્ન પૂછું છું : ‘અરે, મારા ભાગ્યરાત્રિના તારા, મારું ક્ષણોનું ગણવાનું પૂરું નથી થયું? દરરોજ સમસ્ત આંગણામાં વનનો અસ્તવ્યસ્ત પવન વાય છે : ‘તે આવી ગયો?’ ૧૯૩૩

૫૯

કુસુમરત્નો વડે, કેયૂર, કંકણ, કુંકુમ, ચંદન વડે તને જતનપૂર્વક સજાવીશ. કુંતલ (કેશ) ને સોનાની જાળીથી વેષ્ટિત કરીશ, કંઠમાં મોતીની માળા ઝુલાવીશ, સીમંતમાં સિંદુરની લાલ બિંદી, -ચરણને અળતાના રંગથી ચીતરીશ. સખીને સખાના પ્રેમથી, અલક્ષ્ય પ્રાણના અમૂલ્ય સુવર્ણથી સજાવીશ, સકરુણ વિરહવેદનાથી સજાવીશ, અક્ષય મિલન-સાધનાથી સજાવીશ-યુગલ પ્રાણની વાણીના બંધનથી મધુર લજ્જાપૂર્વક શય્યા રચીશ ! ૧૯૩૪

૬૦

હે ભાઈ કનૈયા, મારું અસહ્ય દુઃખ હું કોને જણાવું ? ત્રણ ચાર ( પરીક્ષા )તો મેંય પાસ કરી છે, હું કોઈ નર્યો મૂરખ નથી. આ તુચ્છ સારેગમ મને પરસેવે રેબઝેબ કરી મૂકે છે. બુદ્ધિ મારી જેવી હોય તેવી, પણ મારા એ કાન તો સૂક્ષ્મ નથી જ. કનૈયા, આ જ મારું મોટું દુઃખ, આ જ મારું મોટું દુઃખ. પ્રિયતમાને ગીત સંભળાવવા માટે મારે સતીશને બોલાવવો પડે છે. ગ્રામોફોનની ડિસ્ક પર મારું હૃદય ચકરાઈ જાય છે. ગળામાં જોર છે તેથી છુપાઈને ગાવાનું સાહસ નથી કરી શકતો. મારી પ્રિયા જાતે પણ કહે છે, ‘તારું ગળું ભારે રુક્ષ છે.' કનૈયા, આ જ તો મારું મોટું દુઃખ, આ જ તો મારું મોટું દુઃખ. ૧૯૩૫

૬૧

ભાઈ ગવૈયા, સાંભળ, હું તારા પગે પડું છું. અમારી શેરીથી થોડે દૂર જાય તો સારું. અહીં સા-રે-ગ-મ વગેરે દરરોજ એકબીજાના વાળ પકડીને ખેંચે છે. તીવ્ર કોમલ તો ક્યાંક નીચે ચાલી ગયા છે. અહીં તો તાલનો ભંગ કરનાર બજવૈયો છે. તે કજિયો શરૂ કરી દેશે. ચૌતાલમાં, ધમારમાં કોઈ ક્યાં પ્રહાર કરે—તિરકિટ તિરકિટ ધા ધા ધિન્ના ... ૧૯૩૫

૬૨

બધુ, કયો પ્રકાશ આંખે લાગ્યો! લાગે છે, તું સૂર્યલોકમાં દીપ્તિ રૂપે હતો! યુગે યુગે રાતદિવસ મન તારી પ્રતીક્ષા કરતું હતું. મર્મ અને વેદનાના ગાઢ અંધકારમાં (મન) હતું. (એના) જનમોજનમ વિરહશોકમાં ગયા. અસ્ફુટ મંજરીઓવાળા કુંજવનમાં સંગીતશૂન્ય વિષાદભર્યા મનમાં, સંગી વિનાની લાંબી દુઃખની રાત શું નિર્જનમાં શયન બિછાવીને વીતશે ? હે સુંદર, હે સુંદર, તારી વરણમાળા લઈને આવ. અવગુંઠનની છાયા દૂર કરી, લજ્જાભર્યું હસતું મુખ શુભ પ્રકાશમાં જો. ૧૯૩૬

૬૩

માયાવનવિહારિણી હરણી ગહન સ્વપ્નમાં સંચરનારી છે. શા માટે પકડવાની પ્રતિજ્ઞા કરું? ભલે તે, સુખે દૂર રહેતી, હું માત્ર વાંસળીના સૂરથી જ તેના પ્રાણમનને અકારણ સ્પર્શ કરીશ. ૧૯૩૬

૬૪

મને સાદ દેશો નહીં, સાદ દેશો નહીં. મારું કામકાજ ભૂલી જતું મન કોણ જાણે ક્યાંય દૂર જતું રહે છે અને સ્વપ્નની સાધના કર્યા કરે છે. એ હાથમાં ન ઝલાય એવી છાયા કાંઈ પકડાવાની નથી, મારા મનમાં એ મોહિની માયા રચી ગઈ છે. જાણું નહીં જે આ કયા દેવતાની દયા, જાણું નહીં જે આ કોનો પ્રપંચ ! અંધારા આંગણામાં પ્રદીપ પ્રગટાવ્યો નથી. હું તો બળી ચૂકેલા વનની માલણ, હું ખાલી હાથે અકિંચન બનીને રાત- દિવસ વીતાવું છું. જો એ આવશે તો એના ચરણની છાયામાં મારી વેદના બિછાવી દઈશ, એને હું મારા આંસુભીના રિક્ત જીવનની કામના જણાવીશ. ૧૯૩૭

૬૫

તોડો, બાંધ તોડી નાખો. બાંધ તોડી નાખો, બાંધ તોડી નાખો, બંદી પ્રાણમન ઊડી જાઓ. સૂકી નદીમાં જીવનની રેલનું ઉદ્દામ કૌતુક આવો. જૂનું પુરાણું તણાઈ જાઓ, તણાઈ જાઓ, તણાઈ જાઓ. અમે કોઈક નવીનની પેલી માભૈ: માભૈ: માભૈ:' (ડરશો નહિ) એવી હાક સાંભળી છે. અજાણ્યાથી ડરતા નથી, તેનાં બંધ બારણાં તરફ પ્રબળ વેગે દોડો. ૧૯૩૮

૬૬

અમે નવા યૌવનના દૂત છીએ, અમે ચંચલ છીએ, અમે અદ્ભુત છીએ. અમે વાડ ભાંગીએ છીએ, અમે અશોક વનના લાલ નશાથી લાલ બની જઈએ છીએ. અમે ઝંઝાવાતનું બંધન તોડી નાખીએ છીએ. અમે વિદ્યુત છીએ. અમે ભૂલ કરીએ છીએ — અગાધ જળમાં ઝંપલાવીને ઝૂઝીને અમે કિનારે પહોંચીએ છીએ. જીવનમરણના ઝંઝાવાતમાં જ્યાં જ્યાં હાક પડે છે ત્યાં અમે તૈયાર હોઈએ છીએ. ૧૯૩૮

૬૭

સામે શાંતિનો સાગર છે — હું સુકાની નાવડી વહેતી મૂકો - તમે ચિરસાથી થશો. ખોળો ફેલાવીને ગ્રહણ કરો –– ધ્રુવતારકની જ્યોતિ અસીમના માર્ગમાં જલશે. હે મુક્તિદાતા, તમારી ક્ષમા, દયા ચિરયાત્રાનું ચિરપાથેય બનશે. એવું થાય કે મૃત્યુલોકનાં બંધનો નાશ પામે, વિરાટ વિશ્વ હાથ ફેલાવી લઈ લે — મહા અજ્ઞાતનો નિર્ભય પરિચય અંતરમાં પામે. ૧૯૩૯

૬૮

જુઓ, આ મહામાનવ આવી રહ્યો છે. મૃત્યુલોકની માટી પરના ઘાસે ઘાસમાં દિશાએ દિશાએ રોમાંચ થઈ ઊઠે છે. સુરલોકમાં શંખ બજી ઊઠે છે, નરલોકમાં જયડંકો વાગે છે. આ મહાજન્મનું મુહૂર્ત આવી લાગ્યું છે. આજે અમાવાસ્યાની રાત્રિનાં બધાં દુર્ગતોરણ ભાંગીને ધૂળ ભેગાં થઈ ગયાં છે. ઉદય શિખર પર ‘મા ભૈ: મા ભૈ:’ (નો ધ્વનિ) જાગે છે. એ નવજીવનને અભય આપે છે. મહાકાશમાં ‘જય જય માનવ અભ્યુદય’ (નો ધ્વનિ) ઊઠે છે. ૧૯૪૦

૬૯

હે નૂતન, જન્મની પ્રથમ શુભ ક્ષણ ફરીથી દેખાડો. ધુમ્મસને ખોલીને સૂર્યની જેમ તું પ્રકટ થા. રિક્તતાની છાતી ભેદીને પોતાને મુક્ત કર. જીવનનો જય વ્યક્ત થાઓ, તારી અંદર અસીમનું ચિરવિસ્મય પ્રગટ થાઓ. પૂર્વ દિશામાં શંખ બજે છે. પચીસમી વૈશાખે ( રવીન્દ્રનાથનો જન્મદિવસ ) મારા ચિત્તમાં ચિરનૂતનનું આહ્વાન કર્યું છે. ૧૯૪૧