અમૃતા/પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/ત્રણ

From Ekatra Wiki
Revision as of 12:02, 27 August 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ત્રણ


અમૃતાએ પડદો ખસેડીને બારી ખોલી. શીતળ અજવાળું એના રૂમમાં ધસી આવ્યું. પૂર્વ દિશા પ્રભાતમાં પરિણમી હતી. સૂર્યના આગમન પૂર્વેનો આહ્લાદ હવાના અણુએ અણુમાં તરવરતો હતો.

અમૃતાના શયનગૃહ પાસેનો આ બીજો રૂમ હતો. એ એરકન્ડિશન્ડ નથી. સઘળું સમશીતોષ્ણ થઈ જાય એ એને ન ગમે. બહારની આબોહવાનો પણ સંપર્ક ચાલુ રહેવો જોઈએ. દરરોજ સવારે જાગીને તરત એ આ રૂમમાં પ્રવેશ કરે છે. આ રૂમની ચારે દીવાલોમાં કબાટ છે. પૂર્વ દીવાલના કબાટમાં એને પારિતોષિક-રૂપે મળેલી વસ્તુઓ છે. દક્ષિણ તરફના કબાટમાં પ્રાચીન સમયમાં વપરાતાં વાસણોની આધુનિક આવૃત્તિઓ છે. થોડીક શિલ્પાકૃતિઓ છે.એમાં સિદ્ધપુરના રુદ્રમાળના એક અવશેષની અનુકૃતિ છે, રાધા-કૃષ્ણનું એક શિલ્પ છે. તાંબાથી બનાવેલી નટરાજની એક પ્રતિમા છે, સુવર્ણના પતરાથી મઢેલી હાથમાં અમૃતકુંભવાળા ધન્વંતરિની એક પ્રતિમા છે. પહેલાં આરસમાંથી બનેલો છે એક નાનો તાજમહાલ પણ હતો. પણ એક દિવસ એના પર ઉદયનની નજર પડી. ‘તું આ કબરને ઘરમાં ક્યાં સાચવે છે? ચાલ, હું એને અહીંથી લઈ જાઉં.’ એ લઈ ગયો. તેણે એ પછી એનું શું કર્યું તેની ખબર ન હતી. અમૃતાએ પૂછેલું ખરું, પરંતુ લગભગ વરસ પછી. ત્યારે એને જવાબ મળેલો – ‘પહેલાં થોડા દિવસ કોઈ કબ્રસ્તાન શોધ્યું. મૂકી આવત પણ પછી એક દિવસ સમુદ્રમાં ફેંકી દીધો.’ અમૃતા એના સામું જોઈ રહી હતી. ઉદયન બોલ્યો હતો – તાજમહલને જોઈને મને શાહજહાં યાદ આવે છે, એનો પ્રેમ નહીં. એ કબરને થીજી ગયેલું આંસુ કહેવાની ભાવુકતા મારામાં નથી કારણ કે હું જાણું છું કે શાહજહાં પ્રેમી ન હતો, કામી હતો. એ યુદ્ધ પર જતો ત્યારે પણ મુમતાઝને સાથે લઈ જતો.’ અમૃતાને કહેવાનું મન થયું હતું – પણ તું ક્યાં એના તંબુનો દ્વારપાળ હતો કે એના પર આવો આક્ષેપ કરવાનો અધિકાર ધરાવે? એ કહી શકેલી નહીં. આવું કહેવાનું મન થતાં જ લજ્જાશીલ બની ગઈ હતી. અથવા એમ કહેવાવું જોઈએ – લજ્જાશીલ તો એ છે જ. એના ચહેરા પર અતિરિક્ત લજ્જા ધસી આવી હતી.

ઉદયન મળવા આવ્યો હોય અને અમૃતા બહાર ગઈ હોય કે પછી વ્યસ્ત હોય તો ઉદયન આ રૂમમાં બેસે છે. વિન્સન્ટ વાન ઘોઘનું ‘સોરો’નું ચિત્ર જોઈ રહે છે. અમૃતાએ ઘરનાં માણસોની અનિચ્છાએ એ ચિત્રને દીવાલ પર સ્થાન આપ્યું હતું તે જાણીને ઉદયને એને શાબાશી આપી હતી. એ ચિત્ર જોવા ઉપરાંત કલા-વિષયક પુસ્તકો ઉથલાવે છે. એ આ પુસ્તકોને મોંઘાં પુસ્તકો કહીને ઓળખાવે છે. ઉદયને અસ્તવ્યસ્ત કરેલાં પુસ્તકોને અમૃતા પહેલાં તો વ્યવસ્થિત મૂકે છે. પછી એને ચા-નાસ્તો લાવી આપે છે.

આજે અમૃતાને એકાએક ખ્યાલ આવ્યો કે ઉદયન ઘણા સમયથી આ રૂમમાં આવ્યો નથી. એ રૂમની બહાર નીકળી અને પશ્ચિમ તરફની ખુલ્લી અગાશી પર ગઈ જ્યાં કાલે ઉદયન અને અનિકેત સાથે એ બેઠી હતી.

સમુદ્ર તરફ મીટ માંડીને એ ઊભી રહી. એના વિપુલ અને ખુલ્લા કેશરાશિમાં જ્યાં ત્યાં અવકાશ શોધી લઈને સૂર્યનાં કિરણો કપોલ પર સ્થિર થવા લાગ્યાં. સૂર્ય તરફ વળીને એણે મનોમન પ્રણામ કર્યાં. અમૃતા બાર વરસની કન્યા હતી, ત્યારથી સૂર્યની ઉપાસિકા છે. તે પછી બેએક વરસમાં ઉદયન સાથે એનો પરિચય થયેલો. સૂર્ય તરફની શ્રદ્ધા અમૃતાને એની માતાના વારસામાં વળી છે. જેમ માતા સાથેનો એનો સંબંધ તર્કાતીત હતો તેમ સૂર્ય તરફની શ્રદ્ધા વિશે પણ કહી શકાય. આ પરત્વે ઉદયનનો કશો પરોક્ષ પ્રભાવ પણ એના પર પડ્યો નથી. પ્રણામ કરનાર માણસ અનિકેતને ગમે છે. એ પણ માણસોને પ્રણામ કરે છે. ગઈ કાલે રાત્રે વિખૂટા પડતાં એણે મને પ્રણામ કર્યાં…

એક વાર ટૅક્સીમાં વી. પી. માર્ગ પરથી પસાર થતાં અનિકેતે કહ્યું હતું — હું અહીં સિક્કાનગરમાં રહું છું. એફ, નંબર…ક્યો નંબર કહ્યો હતો? હા, હા યાદ આવ્યો.

આજે ક્યાંક બહાર તો જવું જોઈએ. ક્યાં જવું તે કદાચ મનમાં તો વહેલું વહેલું નક્કી થઈ ગયું હતું પણ અમૃતા જાણે પોતાનાથી પણ કશું છુપાવવા ઈચ્છતી હતી. તેથી એ ભાષામાં તો આ પ્રમાણે વિચારવા લાગી – ક્યાં જાઉં? ઉદયનને ઘેર જાઉં? પણ આજે મારે નિરાનંદ થવું નથી. એ પહેલાં તો મારા આનંદને વધારે વડતો જોઈને ઓછો કરશે. આજે તો બસ આનંદ જીવવો છે. પણ એકલાં બેસી રહીને આનંદ અનુભવતાં ફાવશે નહીં. કોઈ સખીને ઘેર જાઉં? કાં તો પાનાં રમવા બેસાડશે કાં તો આની, પેલાની, પેલાની અને પેલીની વાર્તા કર્યા કરશે. તો ક્યાં જાઉં? અનિકેત… પણ હું ક્યાં એને તકલીફ આપવા જાઉં છું? એ મારે ત્યાં આવે છે તો મારે પણ એને ત્યાં કોઈક વાર તો જવું જ રહ્યું. બસ, અનિકેતને ઘેર જાઉં. સાથે ઉદયનને ન લેવો. એ સાથે હશે તો પથ્થરની જેમ વર્તશે. એને આજે તો લટકતો રાખવો આ પ્રસંગને પછીથી યાદ કરી કરીને એને ચીડવી શકાશે.

કેટલાંક વરસથી ઠરી ગયેલા કિશોર ભાવો અમૃતાના ચિત્તમાં જાગી રહ્યા હતા. બસ જાઉં જ…શું પહેરું આજે? એક દિવસ પોતપોતાની પસંદગીની વસ્તુઓ અંગે વાતો ચાલતી હતી.અનિકેતે પોતાની એક પસંદગી આ કહી હતી – શુભ્રવસ્ત્રાવૃતા સરસ્વતીનું કલ્પન.

એણે સફેદ ફૂલવાૅયલની સાડી પહેરી. ડબલ મોતીની માળાનું નાનું શું ફૂમતું આગળ આવી ગયું. મોતીનાં જ બનેલાં કર્ણાભૂષણ એણે હાથમાં લીધાં. દર્પણ સામે આવી ઊભી. પ્રસાધનનું કામ પતી ગયું હતું. છતાં થોડી વાર પોતાને જોતી રહી, કારનું હોર્ન સંભળાયું. ડ્રાઈવરે કાર તૈયાર કરીને દરવાજા આગળ ઊભી રાખી હશે. અમૃતાએ એને સાંજ સુધીની રજા આપી.

અમૃતાએ આજે જુદો માર્ગ પસંદ કર્યો હતો. ઉદયન સાથે હોય ત્યારે ઘોડબંદર રોડ પછી ગોખલે રોડ અને વર્લી રોડ પરથી પસાર થવાનું રહેતું. સમુદ્રથી ઓછા અંતરવાળા રોડ ઉદયનને વધુ ગમે છે. આજે બીજા માર્ગ વટાવીને અમૃતા ગ્રાન્ટ રોડ સુધી પહોંચી ત્યારે એક વસ્તુ એના ખ્યાલમાં આવી. આજે એ બધું બે નજરે જોતી હતી. એક નજર આકાશમાંથી મુંબઈ પર ઊતરી આવી રહી હતી. બીજી નજર કારના કાચમાંથી પસાર થઈ રહી હતી. આમ બે નજરે જોવાથી એને મુંબઈ વધારે ગમ્યું.

‘યસ, પ્લીઝ!’ ઘંટડી સાંભળીને અનિકેત ઊભો થવા ગયો ત્યાં એને યાદ આવ્યું કે બારણુ બંધ કરેલું નથી. એણે સહેજ મોટા અવાજે કહ્યું – ‘આવો દ્વાર ખુલ્લાં છે!’ અનિકેતને ખબર ન હતી એ કોને બોલાવી રહ્યો છે. ધોતિયું અને ગંજી પહેરીને આરામ ખુરશીમાં બેઠા બેઠા મહાશય એક અંગ્રેજી સામયિક વાંચી રહ્યા હતા.બારણું ખૂલતાં જાણે કે આખું મકાન એની આંખોમાં ડોલી ઊઠયું.

સાક્ષાત સુંદરતા ઉંબરે આવીને ઊભી છે. અમૃતા ક્ષણવાર ઊભી રહી. એણે જમણો હાથ સાખ પર મૂક્યા અને અભિરામ ગ્રીવાભંગ કરતી ઊભી રહી. એના થંભવાથી ખુલ્લા દ્વારનો અવકાશ પોતાની વચ્ચે અમૃતાને પામીને દ્યુતિસભર થઈ ઊઠયો છે એવું અનિકેતે જોયું.

‘તો એક ક્ષણ હજુ વધુ ઊભાં રહો. પૂજાનો સામાન લઈ આવું. આ તમે જ છો, અમૃતા જ છો એ હવે તો સાચું લાગે છે, દષ્ટિભ્રમ નથી જ. તેથી તમારું સ્વાગત કરું.’

અમૃતા અંદર ચાલી આવી. એક અપરિચિત વિશ્વ એની સાથે સાથે પ્રવેશી આવ્યું હતું. અમૃતાનું આમ આગમન એણે કદી કલ્પ્યું પણ નહીં હોય. એને અપૂર્વ આશ્ચર્યમાં ગરકાવ જોઈને અમૃતા બોલી-

‘મને જોઈને તમને આનંદ થઈ રહ્યો છે. અને તે જોઈને મને આશ્ચર્ય થઇ રહ્યું છે. મને તો એમ હતું કે તમે ગંભીરતાપૂર્વક કહેશો – આવો, પધારો ડૉ. અમૃતા!’

‘હા, આવો, પધારો ડૉ. અમૃતા! બેસો. તમારા આગમનથી અહીંનું વાતાવરણ બદલાઈને નવા રૂપે વિલસી રહ્યું છે તે હવે તમને ગમે તે શબ્દોમાં સંબોધું તોપણ છટકીને બહાર જઈ શકે તેમ નથી. એટલા માટે હવે દ્વાર આગળ ઊભાં રહીને એને રોકવાની જરૂર નથી.’

‘તમે બે વાર ‘આવો’ કહો તેની રાહ જોતી હતી. કારણ કે હું સમય માગ્યા વિના આવી છું.’

‘સમયને માગી કે આપી શકાતો નથી. એ નિરાકાર છે, વિરંગ છે. એને એક બિંદુથી શરૂ કરીને અમુક બિંદુ આગળ પૂરો કરી શકાતો નથી. એ ચિરંતન છે. તેનું એવું આદાન-પ્રદાન કરવાનું આપણા હાથમાં નથી. આપણે તો એનાથી નિરપેક્ષ થઈને જે આપણા આપણા અધિકારમાં હોય તેનું જ આદાન-પ્રદાન કરી શકીએ.’

‘તમે તો તત્ત્વજ્ઞાની બની ગયા.’

‘તમારા દર્શન-માત્રથી, ખરું ને! બાકી હું ક્યાં તમારી જેમ દર્શનશાસ્ત્રનો અભ્યાસી છું? હું તો કેવળ દર્શક છું.’

‘બહુ નમ્ર થશો નહીં, નહીં તો મારે વિરોધ કરવો પડશે.’

‘એમ કહીને તમે ઘણું કહી દીધું.’

અમૃતાનું સ્મિત હોઠોમાં બંધ રહ્યું નહીં. આખા ચહેરા પર લચી પડ્યું. મોતીની માળા અને કર્ણાભૂષણોની પણ એ સ્થિતિમાં શોભા દ્વિગુણિત થઈ ઊઠી.

એ હીંચકા પર બેઠી હીંચકાના આરોહ-અવરોહથી એનાં પ્રભાતરલ અંગો અનિકેતને સ્વપ્નમયતામાં ખેંચી ગયાં. આમ આવીને તરત ઝૂલવા માંડવું અમૃતાને કદાચ પસંદ ન પડ્યું. એણે હીંચકો છોડ્યા. ખાલી હીંચકો પોતાની ગતિની અર્થહીનતા સહી લેવા વિવશ બની ગયો. સામે મુકાયેલા સીસમના ઘોડા પરનાં સામયિકો જોવા અમૃતા ગઈ છે તે જોઈને અનિકેત બાજુના રૂમમાં ગયો અને રેશમી ઝભ્ભો પહેરી આવ્યો. નારીલોકની હાજરીમાં આમ ગંજી પહેરીને ન બેસાય એમ એ માનતો હશે.

‘તમામ વિષયનાં સામયિકો મંગાવો છો! તમારી રસવૃત્તિ વ્યાપક છે.’

વર્તમાન વિશ્વથી અળગાં રહીને આપણાથી કેમ જીવી શકાય? જોકે આ બધાં સામયિકો તો પરિચય પૂરતાં જ, સંપર્ક પૂરતાં જ. એક-બે વિષયથી વધારેમાં ભાગ્યેજ ઊંડા ઊતરી શકાય. અપવાદ રૂપે કોઈક ઉદયન જેવો માણસ એ કરી શકે, જે શાંતિ વિના ચલાવી શકે તેવો હોય. પોતાના વિષયને બીજા વિષયોના સંદર્ભમાં જાણી શકાય એટલા પૂરતો જ હું આ બધાં સામયિક વાંચું છું. જ્ઞાન અને વિદ્યાના ક્ષેત્રમાં જગત કેટકેટલું કામ કરી રહ્યું છે? આપણે તો થોડી જાણકારીથી મન મનાવી લઈએ છીએ.’

અમૃતા રિવોલ્વિંગ ચૅર પર બેઠી. અનિકેત ઊભો હતો. હવે હીંચકા પર બેઠો. હીંચકો સ્થિર રહ્યો. ટેબલના પાયાને અંગૂઠાનો ટેકો દઈને અમૃતાએ ખુરશી ઘુમાવી. પોતાને અનિકેતની સંમુખ કરીને બોલી –

‘હું માનતી હતી કે……’

અનિકેતની નજર ઊંચકાઈ, અમૃતાની નજરને અધવચ્ચે મળી. પાતળા ધારદાર હોઠ સ્મિતને રોકવાનો યત્ન કરવા છતાં ખેંચાયા. અમૃતાએ નીચું જોઈ લીધું. પોતાના આનંદ પર નિયંત્રણ નથી લાવી શકાતું તે એને નથી ગમતું. મૌનનો આશ્રય લેવાથી પણ કશું પરિણામ નથી આવતું, કદાચ વિપરીત પરિણામ આવે છે તેથી એ પોતાના મનોભાવને જુદી રીતે વાળવા મથી-

‘તમારું સ્મિત શું સૂચવે છે તે મને સમજાયું નહીં.’

‘કશો અર્થ નહીં, કેવળ આનંદ. કાવ્યશાસ્ત્રની પરિભાષામાં ફેરફાર કરીને કહું તો બધાંય પરતત્ત્વોથી સદ્ય નિવૃત્તિ આપતો આનંદ. આનંદ, કેવળ આનંદ!’

‘સાચે જ? તો તો મારે પક્ષે ચિંતા કરવાનું કારણ રહ્યું નહીં.’

‘આનંદની સૃષ્ટિમાં ચિંતાના પ્રવેશ પર પ્રતિબંધ છે. તમને નવાઈ લાગશે કે તમને જોયાં ત્યારે મને ગાલિબનો એક શેર યાદ આવ્યો. એ બે પંક્તિઓમાં રહેલું કલ્પન તમારા આકસ્મિક દર્શનથી હું અનુભવી ઊઠયો. કેટલાં વરસ પહેલાં યાદ કરેલી એ પંક્તિઓ આજે અનુભવવા મળી!’

‘સાંભળી શકું?’

‘હા, સાંભળો. પણ પહેલાં એક ચોખવટ કરી લઉં જેથી તમને ખોટું ન લાગે. એ પંક્તિઓ કહેવામાં મને એ કહેવા સિવાય બીજું કશું અભિપ્રેત નથી. મહેમાનને કશું અન્યથા ન લાગે તેની હું ખાતરી રાખું છું. તો સાંભળો-

વો આયે હમારે ઘરમેં ખુદા કી કુદરત હૈ,

કભી હમ ઉનકો, કભી હમારે ઘરકો દેખતે હૈં.

અમૃતાએ આ પંક્તિઓ સંદર્ભરહિત માનીને જ સાંભળી હતી, પણ થોડીક ક્ષણો પહેલાંની ઘટનાએ સ્વયં સંદર્ભ રજૂ કરી દીધો. અમૃતાનું રોકાયેલું સ્મિત ક્યારે લજ્જામાં પરિવર્તન પામ્યું તેની અનિકેતને ખબર પણ ન પડી. નોકરે ચા-નાસ્તો લાવીને મૂક્યાં. ત્રીજાની હાજરીથી બંનેએ ભાવાત્મક પરવશતામાંથી કંઈક મુક્ત થવાની રાહત અનુભવી.

‘શો કાર્યક્રમ છે આજનો? બહાર નીકળવાની અનુકુળતા છે કે નહીં?’

‘તમે કંઈ વિચાર્યું છે? તૈયાર થઈને જ આવ્યાં લાગો છો. પછી પૂછવાની જરૂર નથી, આદેશ બસ થશે. મારે થોડુંક કામ છે. અડધો પોણો કલાક એમાં જશે. મારા એક ગુરુજનનો અહીંની હોટલમાંથી ફોન હતો. થોડા દિવસ પહેલાં એમનો પત્ર પણ હતો. એ મને થોડુંક કામ સોંપવા માગે છે. હું ના નહીં પાડું. હું એમની અદબ રાખું છું, એમને મળીને આવું. વાંધો નથી ને?’

‘ચાલો, હું તમને ત્યાં પહોંચાડું.’

‘એનાથી ઉત્તમ બીજું શું હોય? પણ તમને વાંધો ન હોય તો એમ કરીએ કે તમે ઉદયનને મળી આવો અને એ ખાસ કામમાં ન હોય તો સાથે લેતાં આવો.’

‘એને ફોન કરું તો ન ચાલે?’

‘તો એમ કરો, પણ પડોશી કોઈ કોઈ વાર એને બોલાવતાં નથી, કહી દે છે કે એ તો નથી. અને એમનો પણ દોષ નથી. ઉદયન ઘર ખુલ્લું મૂકીને બહાર ગયો હોય તેવું પણ બને છે.’

‘હું એનો સંપર્ક સાધું છું. તમે જઈ આવો.’

અમૃતાએ ઉદયનને ફોન કરવામાં ઉતાવળ ન કરી. આમેય અમૃતાએ ઉદયનને ફોન કર્યો હોય તેવું ભાગ્યે જ બન્યું છે. એમ થવાનું મુખ્ય કારણ ઉદયનના મળવાની ક્ષિપ્રતા છે. અવારનવાર એ મળવા જાય, મળવા જવાની ઈચ્છા ન હોય તો ફોન કરે અને મળવાનો સમય નક્કી કરે. પછી, હવે તો નક્કી કર્યું છે માટે જવું જ રહ્યું એ કારણ આપીને મનને તૈયાર કરે. અમૃતાને ઉદયનની કોઈવાર લાંબી પ્રતીક્ષા કરવી પડી હોય તેવું બન્યું નથી. કોઈવાર અમૃતા બહારથી આવે તો ઉદયન બેઠો હોય અને એમ ન કહે કે તારી રાહ જોતો બેઠો છું. જે રૂમની આજ સવારે વાત થઈ તે રૂમમાં ઉદયન આજ સુધીમાં ઘણું બેઠો છે.

અમૃતાએ ફોન હાથમાં લીધો. અનિકેતનો ફોન કેટલો વપરાતો હશે? પણ તે સિવાય તો એ રાખે શા માટે? કે પછી મકાન બન્યું હશે તે સમયે જ ફોન માગી લીધો હશે? કદાચ અનિકેતને જ જરૂર વરતાઈ હોય.અધ્યાપકો, વિદ્યાર્થીઓ, લેખકો સાથે એને પરિચય છે. ઉદયન કહેતો હતો કે અનિકેત એની કૉલેજના આચાર્યનો વિશ્વાસુ માણસ છે. વિજ્ઞાનવિભાગનાં પુસ્તકો અને તમામ સાધનસામગ્રીની ખરીદીનું કામ એ સંભાળે છે. અનિકેત પર ઘણા માણસોને વિશ્વાસ બેસે છે કારણ કે અનિકેત વ્યાવહારિક માણસ છે… ઉદયને શા માટે અનિકેતનો એ બધો પરિચય આપ્યો હશે? અને વ્યાવહારિક હોવું તે ઉદયનની નજરે ખોટું શા માટે છે?

ઉદયનને ફોન સુધી આવતાં ઠીક ઠીક વાર થઈ.

‘કોણ અમૃતા?’

‘હા, ઉદયન.’

‘કેમ અત્યારે જગાડ્યો? એક લેખ લખવામાં મોટાભાગની રાત વપરાઈ ગઈ. ત્રણેક કલાકની ઊંઘ પછી જાગ્યો તો જોયું કે ખુરસીમાં બેઠો બેઠો હું ઊંઘ્યો છું. તેથી અસંતોષ થયો. પછી તો મેં પોતાને ઉપાડીને પલંગમાં નાંખ્યો. પછી ઊંઘી લીધું. તને ખબર છે જાણી જોઈને ઊંઘવાની પણ એક મજા હોય છે! સારું થયું, છેવટે તેં જ મારી ઊંઘ ઉડાડી. જે થયું તે, તારો અવાજ તો સાંભળવા મળ્યો! શા સમાચાર છે, કહે!’

‘હું કહું તે માનીશ?’

‘તારી આજ્ઞા શિરોધાર્ય.’

‘ફરવા જવાનું છે, તું તૈયાર થઈને આવી જા.’

‘એટલું પૂછતી નથી કે નવરો છું કે નહીં? સીધું ફરમાવી દે છે!’

‘કેમ? તેં આજ્ઞા માગી હતી તે ભૂલી ગયો?’

‘સમુદ્ર-કિનારે જવાનું હોય તો હું સ્નાન કર્યા વિના જ આવું. કોઈ હોટલમાં બેસવાનું હોય તો હું ચા પીધા વિના આવું. બજારમાં જવાનું હોય તો હું પૈસા ઘેર મૂકીને આવું. કે પછી એલિફન્ટાની ગુફાઓમાં તો નથી જવાનું ને?’

‘હમણાં તો તું આવી જા, બાકીનું બધું પછી નક્કી કરીશું.’

‘અનિકેતને સાથે લેતો આવું?’

‘ના.?’

‘કેમ?’

‘એને ઘેર જ આવ. હું ક્યાંથી અત્યારે ફોન કરી રહી છું તેની તને હજુ ખબર પડી નથી.’

‘અચ્છા! તો તું તારે ઠેકાણે નથી? હવે સમજ્યો. તું અનિકેતને ત્યાંથી બોલી રહી છે! ભલે!’

‘તું જલદી આવી જા.’

‘જરા અનિકેતને બોલાવ, મારે એને અભિનંદન આપવાં છે.’

‘શેનાં અભિનંદન? એ બહાર ગયા છે.’

‘એમ? તો ઘરનો ચાર્જ તેં સંભાળી લીધો છે!’

‘ચલ, બકવાસ પછી કરજે, શેનાં અભિનંદન આપવાનાં છે એમને?’

‘એ તને કહી શકાય તેમ નથી. અભિનંદન તારા વિશેનાં છે, આપવાનાં એને છે.’

‘એટલે?’

‘તું ત્યાં દોડી આવી તે નાની વાત નથી.’

‘સ્પષ્ટ કહે, તારે શું કહેવું છે?’

‘હું કહું તે પહેલાં તું સમજી ચૂકી હશે. પણ હવે હું બોલીશ તો મારી ભાષા ન સમજવાનો તું ડોળ કરશે.’

‘હું અહીં આવી છું તેથી તને આટલો બધો ખેદ થયો?’

‘હા મને ખેદ થયો. હું ખોટું બોલવાનો વિવેક જાળવી શકતો નથી.’

અમૃતાએ ફોન મૂકી દીધો. આરામખુરસીમાં બેઠી. ઊભી થઈ. હીંચકા પર બેઠી. ન ગમ્યું. ઊભી થઈને સામયિકો જોવા લાગી. કશું વાંચવું ગમ્યું નહીં. સમય મંદ ગતિએ વહેવા લાગ્યો.

ઉદયન આવ્યો.

‘હું તને સમજી શકતી નથી ઉદયન!’

‘તારી સાથે સહમત છું. તું મને સમજી શકી હોત તો…’

‘તને સમજવું એટલે તારી મહેચ્છાઓને આધીન રહેવું.’

‘એ તારો ભ્રમ છે. પણ એક વાત મારે તને કહેવી જ રહી. મારા માટે આ જગતમાં બીજું કોઈ આશ્રયસ્થાન નથી.’

‘કેમ તું તો આત્મનિર્ભર થવાની વાત કરે છે!’

‘એ અંગે મને આ રીતે મદદ કરવા ઇચ્છે છે? તારી મૈત્રી વિના…’

‘મેં ક્યારે તારી મૈત્રીનો ત્યાગ કર્યો?’

‘તું નાહક અકળાઈ ઊઠી. ભલે, તું કહે તે સાચું.’

આ વાચચીત દરમિયાન બંનેની આંખો કાટખૂણે રહીને વર્તતી હતી. નોકર ઉદયન માટે ચા-નાસ્તો લાવ્યો. ઉદયને અમૃતા સામે ડિશ ધરી. એણે ઊંચકીને હાથ લાંબો કર્યો. એના હાથમાં નરી ઔપચારિકતા હતી. ઉદયન જલદી જલદી ચા પી ગયો. અમૃતાનો કપ પડી રહ્યો હતો. એ પણ પી ગયો.

‘તેં મને આગ્રહ પણ ન કર્યો? હવે આભાર માન. મેં તારી મુશ્કેલી ઓછી કરી.’

‘બહુ કષ્ટ પડ્યું હશે?’

‘તું જે આપે તે હું પી જાઉં અમૃતા! મને વિશ્વાસ છે કે તું આપે તે મારા માટે પેય હોય જ.’

એ વાંચવા લાગ્યો. પણ પાનાં પર મુદ્રિત થયું હતું તે એ વાંચતો ન હતો. સામયિકનું પાનું તો નીચું જોઈ રહેવાનું બહાનું હતું. એના મનમાં કંઈક ચાલી રહ્યું હતું—અનિકેતમાં એવું શું છે કે અમૃતા દોડી આવી? લક્ષણ તો પહેલાંથી વરતાઈ રહ્યાં હતાં. હવે મારે આમના વ્યવહારનો અભ્યાસ કરવો પડશે. અનિકેતમાં એવી કઈ વિશેષ યોગ્યતા છે કે એ અમૃતાને મારી નજીકથી ખેંચી જાય? અનિકેત તો એક દિવસ કહેતો હતો કે એ લગ્ન અંગે કશું વિચારતો નથી પરંતુ એણે એમ કહ્યું તે દિવસ સુધી એણે અમૃતાને જોઈ ન હતી. એમનો સંપર્ક વધતો ગયો. અમૃતાને હું જ એની પાસે લઈ ગયો હતો. શા માટે? શું એમ બતાવવા તો નહીં કે જો મારી સાથે આ એક વ્યક્તિ છે જે બીજા કોઈની સાથે ન હોઈ શકે? એમ પણ હોઈ શકે. પણ અમૃતા તો જાણે છે કે હું આજ સુધી એની સાથે તટસ્થતાથી એટલા માટે વર્ત્યો છું કે…’

‘શું વાંચે છે ઉદયન?’

‘હું તારી ક્ષમા માગું છું, અમૃતા! ક્ષમા માગવાની મારી તૈયારીનું મૂલ્ય તું સમજી શકે છે.આજ સુધી મેં કોઈની ક્ષમા માગી નથી. મારાથી જાણે અજાણે તારું અપમાન થઈ ગયું છે. તને આ રીતે વ્યગ્ર કરી મૂકવાનો મને કશો અધિકાર નથી. એથી ઊલટું હું તો કદી ઈચ્છું પણ નહીં કે મારા કારણે તારે કદાપિ વ્યગ્ર થવું પડે.’

‘તું મારી ક્ષમા ન માગે એમ હું ઇચ્છું છું જેથી ક્ષમા ન માગવાનો વિક્રમ જાળવી શકે.’

‘તારું વાક્ય સાંભળ્યા વિના જ હું આગળ બોલું છું. તું જાણે છે કે હું સ્પસ્ટ કથનમાં માનનારો માણસ છું. મનમાં હોય તે ભલે પ્રગટ થાય. જે અકળામણ હતી તે બહાર આવી ગઈ. હવે એમાંનું કશુંય મારા મનમાં ઘોળાશે નહીં. હવે હું જે કંઈ બોલ્યો એ અંગે તારે વિચારવાનું છે.’

‘કેમ મારા સામું જુએ છે? મને સાંભળ્યા વિના જ બોલ્યે જા.’

‘હા, એમ જ કરી રહ્યો છું. મારું જીવન નિર્જન નદી જેવું છે. કોઈ વાર હું પ્રવાહમાં — મારા પ્રવાહમાં એવો વહું છું કે મારી નિકટ આવીને, છેક કાંઠે આવીને ઊભેલાને મારાથી શી ચોટ લાગશે તેની મને ખબર રહેતી નથી. હા, કાંઠે ઊભું હોય તે મારા પ્રવાહમાં ભળી જાય તો એને ચોટ ન લાગે, એને કશો ખ્યાલ પણ ન આવે.’

‘તારા પ્રવાહને રોકવામાં કોઈને રસ હોય તો?’

‘પ્રવાહ નથી તો હું નથી. હું ન હોઉં એમાં કોઈને રસ હોય તો ભલે એમ કરે.’

‘તું બોલતો હતો તે વધારે સારું હતું – પ્રવાહ ચાલુ રાખ.’

‘હું બોલતો હોઉં છું તે લોકોને નથી ગમતું. કારણ કે હું જે કહેવા જેવું હોય તેને છુપાવવાના સાધન તરીકે ભાષાને વાપરતો નથી – અલંકૃત આવરણરૂપે વાપરતો નથી, અપ્રસ્તુત સંદર્ભોનો મોહક ઉપયોગ કરીને ભાષા દ્વારા હું કશી માયા ઊભી કરતો નથી, કારણ કે સાંભળનારને હું લલચાવવા માગતો નથી. હું અર્થોને શબ્દસ્થ કરું છું. જેની પ્રતીતિ હોય તેટલું જ બોલું છું. અને વાત સાંભળતાં માણસને કંઈનું કંઈ થઈ જાય છે.’

‘તું આ બોલ્યો તેમાં ‘હું’ કેટલી વાર આવ્યું?’

‘હું જીવતો છું ત્યાં સુધી મારા વાક્યોના કર્તા તરીકે ‘હું’ રહેશે. પણ એની સામે તને પણ વાંધો છે? તારી ગેરસમજ દૂર કરવા બોલી રહ્યો છું તે સમયે પણ તું દુભાઈ રહી છે? કોઈ દુભાય માટે હું બોલતો નથી. સામું માણસ દુભાઈ રહ્યું છે કે નહીં તેની મને ખબર પાછળથી પડે છે. મારા રુધિરમાં સાબરકાંઠા અને પંચમહાલનાં અષાઢી વાવાઝોડાંનો લય છે. મુંબઈના સમુદ્રનાં ઓટસમયનાં મોજાંની મંદ ગતિ હું અપનાવી શકું તેમ નથી. અને એમ થાય તો જ સારું એવું હું માનતો નથી. મારાથી તને પહેલાં પણ કોઈ વાર ખોટું લાગતું તે મેં જોયું છે, પણ આજે તું આટલો લાંબો સમય ધૂંધવાતી રહી છે તે જોઈને હું કહી શકું કે તને ઘણું ખોટું લાગ્યું છે. હું મારી ભૂલ કબૂલ કરું છું…પણ કોઈ કોઈ વાર માણસ પોતાની જ અસંગતિથી વાકેફ થઈ જાય છે અને ત્યારે પણ એનો ચહેરો ઊતરી જાય છે. તારે પક્ષે એવું થયું હોય તો હું ભૂલ કર્યાનો ઈન્કાર કરું છું.’

‘હું મારી અસંગતિઓથી વાકેફ થાઉં એ માટે તારે આટલી બધી તકલીફ ઉઠાવવાની જરૂર નથી. મારામાં અસંગતિઓ હોય તો એમને નિભાવવા હું સ્વતંત્ર છું.’

‘તું પોતાની સ્વતંત્રતાને સમજી શકે તેમ છે. માટે તો હું તારી સાથે આમ વાત કરવામાં સમય બગાડું છું. બાકી, કલ્ચર્ડ મોતીની ચમકથી હું અંજાઉં તેમ નથી.’

‘હવે તારું વક્તવ્ય પૂરું થાય તો સારું. હું કબૂલ કરું છું કે તારા શબ્દોથી મને ખોટું લાગે તો તે મારી નબળાઈ કહેવાય. તારા કોઈ ઉતાવળિયા ઉદ્ગારથી મને ખોટું નથી લાગ્યું. તને સાંભળતી હતી તે દરમિયાન હું પોતાને પણ સાંભળતી હતી. તારી સાથે વચ્ચે વચ્ચે એટલા માટે બોલતી હતી કે હું પેલા આંતરિક પ્રવાહમાંથી બચી નીકળું. તેં જે કંઈ કહ્યું તેની સામે મને વાંધો નથી.’

ઉદયન ઊભો થયો અને આંટા લગાવવા લાગ્યો. પણ રૂમમાં ટૂંકા ટૂંકા આંટા લગાવવા એને ફાવ્યા નહીં. શો-કેસમાંથી લાકડાની કેરી લઈને એનો આકાર અને વાસ્તવિકતાનો ભ્રમ કરાવતા રંગો જોવા લાગ્યો. પોતાના નખ વડે એ મિલાવટ પામેલા રંગો વચ્ચે ઊંડી નિશાની કરવાની એને ઈચ્છા થઈ જેથી લાકડું પ્રગટ થાય, રંગોની માયાજાળ ખંડિત થઈ જાય.

‘હું પોતાના વિશે ખાતરીપૂર્વક કશું કહી શકું તેમ નથી, પરંતુ આજે કહ્યા વિના રહી શકતો નથી કે તને આઘાત લાગે તેનું નિમિત્ત હું ન બનું તે માટે હવેથી પ્રયત્નશીલ રહીશ. મને એક વાત હાલ જ સમજાઈ – હું તને એકવચનમાં સંબોધું અને તું આનંદ પૂર્વક સાંભળી રહે એનાથી મોટું સુખ મારા માટે બીજું શું હોય? નિયતિમાં હું માનતો નથી તેથી ‘સદ્ભાગ્ય’ જેવો શબ્દ વાપરવો નથી. અલબત્ત, ‘સુખ’ શબ્દ પણ મને અતિશયોક્તિ લાગે છે. Life is good, because it is painful.’

અમૃતા ઊભી થઈ. દ્વાર સુધી પહોંચી. પ્રવેશ કરતી વેળાએ અહીં ઊભી હતી ત્યારે અનિકેત એને જે નજરે જોઈ રહ્યો હતો તે નજરે એટલે કે અનિકેતની નજરે એણે પાછી વળતી પોતાને જોવાનો પ્રયત્ન કર્યો. સફળ ન થઈ. એણે એ દૃશ્યની સ્મૃતિને ખંખેરી નાખી. બોલી-

‘હું ઘેર જઈને આવું. જરૂરી કામ યાદ આવ્યું છે. તમે બંને બધો કાર્યક્રમ વિચારી રાખજો. હું સમયસર પાછી આવી શકીશ તો સાથે જોડાઈ શકીશ. તો, હું જાઉં.’

‘બહુ મોડું ન કરીશ. કદાચ, મોડું થઈ પણ ગયું છે.’ અમૃતા જલદી સરકી ગઈ તેથી ઉદયને આ પ્રમાણે બોલવાનું જતું કર્યું.

{

ઉદયન પોતાના તરફ વધુ ને વધુ અસંતુષ્ટ થતો ગયો: આ આવેશ મને પૂર્ણવિરામથી આગળ ખેંચી જાય છે. મનમાં વિચારનું બીજુ પાસું સ્પષ્ટ થાય તે પહેલાં હું આગળના માઈલ-સ્ટોન સુધી પહોંચી જાઉં છું. પણ મારી ખામી છે તો જે મને સમજવાનો દાવો કરે છે તેણે તો ચલાવી લેવું જ જોઈએ. અમૃતાએ આજે કહ્યું – હું તને સમજતી નથી. કદાચ એ સાચું હશે, નહીં તો આમ અવગણના કરીને એ ચાલી ન જાય. અને કેવું બહાનું કાઢે છે. – મારા મનમાં બીજો પ્રવાહ ચાલે છે…હું પણ જાણું છું કે બીજો પ્રવાહ ચાલે છે. તો ભલે, હવે અનિકેતને સમજવાનો પ્રયત્ન કરી જુઓ. પૃથ્વી પર અમૃતાનો જન્મ ન થયો હોત તો શું ઉદયનના અસ્તિત્વ પર એના અભાવની કોઈ અસર પડત? આ તો એક ધારણા થઈ… આજે સ્થિતિ શી છે? અમૃતાના સાન્નિધ્યની અને એની અનુપસ્થિતિની મારા પર પ્રબળ અસર છે. કદાચ તેથી જ હું આજે એને ઘણું બધું કહી બેઠો. અમૃતા જતાં જતાં મીઠડી થવાનો પ્રયત્ન કરતી ગઈ…આમ છટકી જવાનું બહાનું છુપાવીને જવું એ આત્મવંચના છે.

અમૃતા અનિકેત તરફ ઢળી ચૂકી છે. તો એમ કરવાનો એને અધિકાર નથી? બી.એ.ના પ્રથમ વર્ષમાં હતી ત્યારે એક સાંજે સમુદ્રની સામે જોઈને એણે કહ્યું હતું – ‘હું તને ચાહું છું ઉદયન!’ એની એ અસ્વસ્થતાને સંધિકાળની મુગ્ધતાની સૂચક માનીને, એના શબ્દોને નિખાલસ કિન્તુ ભોળા ગણીને મેં કહ્યું હતું – ‘અમૃતા, પ્રેમ નહીં, સમજ. તે દિવસ મેં સાચું જ કહ્યું હતું ને? સમજથી નજીક આવેલાં સાથે રહી શકે.’ પ્રેમ તો આકસ્મિક કહેવાય છે. જે આકસ્મિક છે. જેના પર મારું નિયંત્રણ નથી તેને પામવાથી શું? આજે એ સમજ દ્વારા અનિકેત તરફ ઝૂકી હોય તો મને શો વાંધો હોઈ શકે? એ મને સમજે એમ હું ઈચ્છું તોપણ એ મને સ્વીકારી લે એમ તો કેવી રીતે ઈચ્છું? અનિકેત…એને હું મિત્ર કહું છું, અને આ ક્ષણે મારો એના તરફનો ભાવ ઘૃણા-રહિત નથી. ઘૃણાના મૂળમાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થ રહેલો હોય છે. જાગૃતિ અને સ્વાતંત્ર્ય માટે જીવનાર માણસનું પ્રેરક બળ સ્વાર્થ હોય તો એ જે બોલે છે તે બધી વાતો જ છે.

ઉદયનના મનમાં એવું તેવું ચાલ્યા કરતું રહ્યું. એ કશોય સંકલ્પ કરી શક્યો નહીં. અનિકેતને પોતાનો મિત્ર માનવા છતાં અમૃતાને કારણે એના તરફ જાગતા પ્રતિભાવમાં એ કશો ફેર કરી શક્યો નહીં. મનોમન અનિકેતની નિર્દોષતા કબૂલવા છતાં એ આવ્યો અને એણે પૂછયું કે અમૃતા ક્યાં ગઈ, ત્યારે એણે તરત જવાબ આપ્યો:

‘વરમાળા લેવા.’

‘તો તારે પણ લેવા જવું હતું ને? એક વરમાળા તમે બંને પહેરશો?’

‘તું બહુ હોશિયારીથી છટકી જવા ઈચ્છે છે.’

‘હું ક્યાંય છટકી જતો નથી, મારે સ્થાને છું.’

અનિકેત શરીર ઢીલું મૂકીને હીંચકા પર પડતો હોય એ રીતે બેઠો. સળિયાઓએ આંચકો અનુભવ્યો. વાતાવરણ હાલી ઊઠયું.

‘તું તારા સ્થાને હોય તેથી કોઈને આડે ન આવે એવું ઓછું છે?’

‘તું અમૃતાની વાત કરે છે ને! હું તારા ભવિષ્યમાં વિઘ્ન બનીને નહીં આવું.’

‘એવી સલામતીની કોઈ ખાતરી મારે જોઈતી નથી. હું મારા વર્તમાનથી સંતુષ્ટ છું, જેને તું ‘મારું ભવિષ્ય’ કહે છે તે તને આપી દેવા તૈયાર છું.’

‘પણ દાન સ્વીકારવા હું તૈયાર હોઉં એટલો બધો લાચાર નથી મિત્ર!’

‘મારું દાન તું ન સ્વીકારે તો પણ બીજા કોઈની માગણી તો સ્વીકારીશ ને?’

‘હમણાં મને મારા અધ્યયનમાં જ રસ છે.’

‘એટલું જ કે અધ્યયનનો વિષય શો છે તે કદાચ તું નહીં કહે.’

‘તારા ઉકળાટનું કારણ હું સમજી ગયો છું. હવે વિલંબ વિના જે કહેવું હોય તે કહીં દે.’

‘તો પૂછી લઉં છું. આ ફક્ત જિજ્ઞાસા માટે નથી પૂછતો. હું સંડોવાયેલો છું તે અંગે જ પૂછું છું. તને કોઈની સાથે પ્રેમનો અનુભવ થાય તો એને પ્રાપ્ત કરવાની તારામાં અભિલાષા જાગે કે નહીં?’

‘તારા પ્રશ્નનો પૂરો ઉત્તર હું નહીં આપું. પણ એટલું તો કહી શકીશ કે પ્રેમ પ્રાપ્ત થતો હોય છે, અભિલાષા જાગે માટે તે અંગે કશો પ્રયત્ન કરવાનો હોતો નથી. તું માની નહીં શકે એવું પણ હું કહીશ: પ્રેમીને પ્રાપ્ત કર્યા વિના પણ પ્રેમ પ્રાપ્ત થઈ શકે. પ્રેમ અને પ્રેમી એ અવિભાજ્ય ઘટક નથી.’

‘તું વિજ્ઞાનનો વિદ્યાર્થી થઈને પ્રેમ અને શરીરને ભિન્ન ગણે છે?’

‘હું તારી સાથે અત્યારે માણસ તરીકે વાત કરું છું. હું મારો વિશ્વાસ તને કહું છું. તેને દુનિયાનાં બધાં શાસ્ત્રો અવગણે કે માન્યતા આપે તેથી એમાં કંઈ ફેર પડવાનો નથી. આ સમગ્ર સાથેનો મારો સંબંધ વિશ્વાસ પર આધારિત છે, કારણ પર નહીં. હું વિજ્ઞાનને છોડીને વિશ્વાસ પાસે આવ્યો છું. અને આ કંઈ મારી બાહ્યા દોડધામની વાત નથી, મારી આંતરસૃષ્ટિની વાત છે. મારી સૃષ્ટિમાં સમગ્રને સ્થાન છે. અને સમગ્રને માપવા જતાં વિજ્ઞાન અધૂરું સાબિત થઈ ચૂકયું છે. જે તર્કાતીત અને ઇંદ્રિયાતીત છે તેને પણ હું સ્વીકારું છું.’

‘વિજ્ઞાન ભલે સર્વગ્રાહી ન થઈ શકયું હોય, વૈજ્ઞાનિક દૃષ્ટિ વિના તમે સમગ્રને સમજી નહીં શકો. તમારો વિશ્વાસ કે તમારી શ્ર્રદ્ધા તમને ક્યાં ખેંચી જશે તેની ખબર સરખી નહીં પડે.’

‘તારે એવો ભય બતાવવાની જરૂર નથી. જેનામાં વિશ્વાસ નથી તેને જ ભયનો અનુભવ થશે. પણ મારે તને નિશ્ચિંત કરવો જોઈએ. અમૃતા પ્રત્યે મને કશો સ્વાર્થ નથી., પણ હું એના સૌંદર્ય વિશે, એની સમજ વિશે, એની શાલીનતા વિશે ઊંચો અભિપ્રાય ધરાવું છું. મેં એના જેવી યુવતીઓ જોઈ નથી. જગતનો મારો પ્રત્યક્ષ અનુભવ ઓછો છે એ પણ મારો આ મત બાંધવામાં કારણભૂત હોઈ શકે. ખોટા પડવાનું જોખમ વહોરીને પણ હું કહીશ કે અમૃતા અદ્વિતીય છે. વિધાતાની આવી રચનાના સૌહાર્દનો અનુભવ થાય તેને હું મારા જીવનની ધન્યતા માનું છું. મને એના માટે આદર છે. પરિચિત-અપરિચિતના આદર-સત્કારને હું મારો વ્યવહાર-ધર્મ સમજું છું તો અમૃતાને હું કેમ કરીને નકારી શકું? એની ઉપેક્ષા કરવાનું મારામાં સામર્થ્ય નથી. અને એવું સામર્થ્ય વધે તે માટે પ્રાર્થના પણ નથી કરવાનો. અમૃતાના પરિચયથી મને આનંદ છે. એ પરિચય તેં કરાવી આપેલો તે માટે હું તારો આભારી છું. પણ મેં આગળ કહ્યું તેમ મને અમૃતામાં સ્વાર્થપરાયણ એવો કશો રસ નથી. મને અમૃતા માટે પક્ષપાત છે કારણ કે અમૃતાને જોયા પછી હું જગત અને જીવનને સૌંદર્યના સંદર્ભમાં જોતાં શીખ્યો છું. પોતાના પુરુષાર્થથી હું જે પામી શક્યો ન હતો તે અમૃતાના આગમનથી પામી શક્યો છું. હું માનું છું કે આ અંગે હવે તારે કશું પૂછવાનું નહીં હોય.’

‘ઉદયન ઊભો થયો અને ચાલ્યો. એના બુશશર્ટનો કૉલર પકડીને અનિકેતે બેસાડ્યો.

‘શા માટે ઉતાવળ કરે છે? અમૃતા જરૂર આવશે. પ્રતીક્ષા કર.’