પ્રતિસાદ/સ્ત્રી અને આધુનિક ચેતના

From Ekatra Wiki
Revision as of 05:08, 9 September 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

બીજાઓ અને અમારી વચ્ચે વ્યક્તિગત અને એક યુગલ તરીકે જે કાંઈ ફરક હશે તેટલા જ પ્રમાણમાં અમારો આ પ્રવાસ જુદો હશે. આ દૃષ્ટિએ અનંત જીવોમાંથી કે યુગલોમાંથી અમારું એક ક્ષુલ્લક નગણ્ય યુગલ. અનંતકાળના અને વિશ્વના સંદર્ભમાં આ કશાનું ય કાંઈ જ મહત્ત્વ નથી. પણ તોયે સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈએ તો ક્ષુદ્ર જંતુનેય આકાર છે. તેના જીવવાના પ્રયત્નોમાંથી પણ એક આકૃતિ તૈયાર થાય છે, એ જણાય છે અને મઝા પડે છે — એવી જ રીતે મનના ચાળા તરીકે આ પ્રવાસ તરફ જોવામાં શો વાંધો છે ?


સુનીતા દેશપાંડે



સ્ત્રી અને આધુનિક ચેતના

થોડા કાળથી બહાર આવી રહેલી સ્ત્રીની ચેતનાની મુખોમુખ થવાનું ખૂબ રસપ્રદ અને આહ્વાનરૂપ બન્યું છે. આમ તો પુરુષ અને સ્ત્રી બંને માણસ જ, અને વિશાળ અસ્તિત્વ. સ્વયં કહો કે સામાજિક-રાજકીય કે બીજા પ્રશ્નો કહો – બંનેને સરખા જ સ્પર્શે. કાળ જતાં મુખ્યપ્રવાહમાં સ્ત્રી પુરુષ સમકક્ષ બની સુગ્રથિત સમાજના અંગરૂપ બનશે એ નિર્વિવાદ છે. પણ હમણાં તો હજી તાજી કોશેટેમાંથી નીકળેલી નારીનાં તત્કાળ પ્રતિભાવો, મંથનો અને ચિંતનધારાને માણવાં-જાણવાં કુતૂહલપ્રેરક બન્યું છે. મંગળ રાઠોડને દલિત સાહિત્ય કહેવડાવવા સામે વાંધો છે. બધું સાહિત્ય તે સાહિત્ય – એમાં દલિત કેવું? પણ ભાઈ, જ્યારે તાજી મુક્ત હવાનો સંસ્પર્શ પામેલી સંવિત્તિ વિશિષ્ટ રૂપ ધારણ કરતી હોય તો એને એ રીતે પણ જોવામાં સાહિત્યની કઈ શુદ્ધતાનો વાંધો આવી જાય છે? હા, આ સંજ્ઞા સર્વકાળ માટે હોતી નથી. આ શુદ્ધતા જ મંગળ રાઠોડને આગળ જતાં ‘આંગળિયાત’ને નકામી નવલકથા અને ‘વ્યથાનાં વીતક’ કરતાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ‘નામરૂપ’નાં રેખાચિત્રોને વધુ ઉચ્ચ કહેવા પ્રેરે છે. પણ હમણાં જે વિષય હાથ ધર્યો છે એમાં આ વાત હવે વધુ નહીં.

આધુનિક કહો અને એ સાથે સ્ત્રીને જોડો કે આપણી આંખ સમક્ષ તત્કાળ થોડાં નામો આવીને ઊભાં રહે. પર્યાવરણીય પ્રશ્નો માટે જાનની બાજી લગાડનારી મેધા પાટકર, માત્ર પ્રસિદ્ધ નટીના જીવનથી તૃપ્ત ન થતી ઝૂંપડપટ્ટીના પ્રશ્નો લઈ લડતી શબાના આઝમી, નારીવાદનો ઝંડો લહેરાવતાં સોનલ શુક્લ અને વિભૂતિ પટેલ, પીટર બ્રૂકના મહાભારતમાં દ્રૌપદીની ભૂમિકા ભજવતી અને લગ્નજીવનમાં નિષ્ફળ જનાર, પણ એ માટે વિશિષ્ટ અભિગમ ધરાવનાર મલ્લિકા સારાભાઈ, લગ્ન વિના બાળક ઉછેરતી નીના ગુપ્તા અને સર્જનમાં પોતીકા અભિગમ અને અવાજને લઈ આવનાર હિમાંશી શેલત. હિમાંશી શેલતે પોતાનો હમણાં પ્રગટ થયેલો વાર્તાસંગ્રહ એક ઊર્મિશીલ સજગ નારીની અનૌપચારિકતાથી અર્પણ કર્યો છે. લખે છે, ‘મારી સહુથી નિકટની મિત્ર બાને – જેની વેદના સમજતાં અને પરખતાં બીજાં કેટલાંની વેદના સુધી પહોંચી શકી.’ છેલ્લાં એકાદ-બે વર્ષમાં આધુનિક સાહિત્યિક વિભાવનાએ લખાયેલાં કેટલાંક કાવ્યોના સંગ્રહોની અર્પણવિધિ જોતાં તાજ્જુબ થવાય. લખ્યું હોય—‘પૂજ્ય માતાપિતાને.’ આ કાળમાં માતા-પિતા પ્રત્યેની આ આદરભક્તિ આવકારજનક જ. પણ આ પુરુષ-કવિઓની સાહિત્યમાંની આધુનિક ચેતના સાથે એમની આ ઔપચારિકતાનો મેળ કેમ પાડવો? મમ્મી, પપ્પા, બા, ભાઈ કે એવાં સંબોધન કેમ નહીં? આપણું આધુનિક સાહિત્યિક જગત આમેય ઘણું વયસભાન જગત છે. પોતાનાથી બે વર્ષ મોટાના નામ આગળ પણ મુરબ્બી લગાડે. કદાચ પોતે થોડા નાના છે એનો આત્મસંતોષ મળતો હશે. આપણા વિચારો, આપણી માન્યતાઓ, આપણા સભાન અભિગમો કેટલે અંશે આપણા ચારિત્ર્ય ઉપર અસર કરતા હોય છે? કેટલે અંશે આપણું માનસ એથી ઘડાતું હોય છે? પુ. લ. દેશપાંડેનાં પત્ની સુનીતા દેશપાંડેની સ્મરણગાથા ‘મનોહર છે તોપણ...’ (અનુ. સુરેશ દલાલ)-માં આની દ્યોતક એક વિશિષ્ટ ઘટના વર્ણવાઈ છે. સુનીતા દેશપાંડે લખે છે કે એના બાળપણના દિવસોમાં એના ગામમાં એક મહાર સ્ત્રી વર્ષમાં બે ત્રણ વાર સૂપડું, છાબડી, ટોપલાં વગેરે વેચવા મા પાસે આવતી. ભાવતાલ નક્કી થઈ જાય પછી મા તે વસ્તુઓ પર પાણી છાંટી ઘરમાં લઈ જતી. મા તેને ચા-નાસ્તો અને જમવાનું સુધ્ધાં આપતી. એક વખત મહાર સ્ત્રી આવી ત્યારે એના પગમાં જંગલમાંથી આવતાં કાંટો વાગ્યો હતો અને પગ સારી પેઠે ઘવાયો હતો અને એમાં પરુ થયું હતું. એ આવી એટલે માએ કહ્યું કે જોઉં અને પછી તેનો પગ પકડ્યો. એણે પરુ દબાવી કાઢી નાખ્યું અને શેટ્ટીનો મલમ લગાડી પાટો બાંધી દીધો. પછી અમે માના માથા ઉપર પાણીનો ઊંધો ઘડો વાળ્યો અને મા નાહીને ઘરમાં આવી. સુનીતા કહે છે કે મોટી થયા પછી માના આ અડવા-આભડવા પર મને બહુ ગુસ્સો આવવા માડ્યો. આજે તો આ પ્રસંગ યાદ આવે છે ત્યારે માનું કર્મઠપણું અને સહૃદયતા દેખાય છે. હું માની જગ્યાએ હોત તો તે મહારણ પાસેથી માલ લેતી વખતે તેને અસ્પૃશ્ય માનીને પાણી તો ન જ છાંટ્યું હોત. પણ તે સાથે તેના પગ તરફ સગવડભર્યું દુર્લક્ષ કર્યું હોત. બહુ બહુ તો ‘કોઈ ડૉક્ટરને દેખાડ, વખતસર દવાદારૂ નહીં કરે તો પગ કપાવવો પડશે એવી સુક્કી સલાહ આપી હોત.’ અહીં મુખ્ય વાત કરવી છે સુનીતા દેશપાંડેના આ આત્મવૃત્તાંતની. એકાદ દોઢ વર્ષ પહેલાં એક મરાઠી પત્રકારે સુનીતા દેશપાંડેની ‘મનોહર છે તોપણ...’ સ્મરણગાથાનો કંઈક આશ્ચર્યથી હસતાં ઉલ્લેખ કર્યો : ‘પુ. લ.ને કમાલના લઈ નાખ્યા છે.’ આજે આ પુસ્તક પૂરું કરતાં લાગે છે કે આ એક આંશિક સત્ય છે. પુ. લ. ઉપરાંત પોતાથી અલગ થઈ પોતાની જાતને પણ પ્રસંગોપાત્ત એણે કઠોરતાપૂર્વક જોઈ છે. એક પ્રમાણિક તીક્ષ્ણ બુદ્ધિવાળી સ્ત્રી તર્કની સપાટી ઉપરથી વિશ્લેષણની ધાર વડે વ્યક્તિઓ-પ્રસંગોને નાણતી-તોલતી રહે છે. સાથે સાથે ક્યારેક ઉપરછલ્લી, તો ક્યારેક ચમકારા દેખાડતી ચિંતનધારા વહેતી રહે છે. આપણે ધીરે ધીરે આ પુસ્તકમાં ગતિ કરીએ છીએ કારણ કે આ સતત આવતા વિશ્લેષણનો આપણને પણ થાક ચડે છે. છતાં પુસ્તક ઘણી રીતે રસપ્રદ છે કારણ કે એની ઢાંકપિછોડા વગરની નિતાંત સચ્ચાઈ આપણને સ્પર્શે છે. નાની વયની આ બંડખોર કન્યા સુનીતા ૧૯૪૨ની લડત વખતે ભણતર છોડી ઉષા મહેતાના પકડાયા પછી ભૂગર્ભ રેડિયો ચલાવવાનાં સ્વપ્ન સેવતી, બૉમ્બ બનાવવાના અખતરા કરતી, બંધ છત્રી ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવતી સરઘસને દોરી જતી, બંદૂકધારી પોલીસો સમક્ષ એકલી સામી છાતીએ ઊભી રહેતી. લગ્ન કરવામાં ન માનતી કેવી રીતે લગ્નજીવનમાં સદંતર પલોટાઈને ગૃહસ્થી બની રહે છે એ ચિતાર આપણને શ્વાસ થંભાવનારો લાગે છે. સુનીતાના લગ્ન બાદ લાંબા અંતરે એક દંપતી એમને મળવા ઘેર આવે છે. એ મહેમાન-સ્ત્રી સુનીતાને જોઈને કહે છે કે વર્ષો પહેલાં મેં તમારું ભાષણ સાંભળ્યું હતું—‘Down with kitchen’—અને એ કહી પછી હસે છે. સુનીતા તરત જ એમાં રહેલો કટાક્ષ સમજી જાય છે અને કહે છે કે ‘હા, Now I am down with kitchen.’ આ પુસ્તકમાં દેશપાંડે દંપતીનું તાદૃશ ચિત્ર ઊઠે છે. સુનીતા બંડખોર, પ્રવાહની સામે તરનારી, કર્મઠ અને વ્યક્તિગત શિસ્ત પાળનારી, શરીરશ્રમનો તેને મહિમા. પુ. લ. શક્તિશાળી, પણ પ્રવાહ સાથે તરનારો, પ્રમાદી, સ્વકેન્દ્રી અને લાસરિયો. લગ્ન પહેલાંના સંવનનકાળનાં એકાદ બે દૃષ્ટાંત ઉપર ટૂંકાણમાં નજર નાખીએ તો કંઈક ખ્યાલ આવે. એક વખત મુંબઈમાં સુનીતાના બે ભાઈઓ એ જે રહેતી હતી એ ઓરડીમાં રહેવા આવ્યા. આ બંને માટે ઘરથી અર્ધો-પોણો માઈલ દૂર વીશીથી પોતાના બે હાથમાં બે ટિફિન પકડી રોજ ચોથે માળે પોતાના ભાઈઓ માટે ભોજન લાવતી. કેટલીક વાર પુ. લ. પણ તેની સાથે થઈ જતો અને બંને વાતો કરતાં સુનીતાની ઓરડી પર પહોંચતાં. પણ સુનીતા લખે છે કે ભાઈએ (પુ. લ. એ), ‘લાવ, એ ડબ્બા હું ઊંચકું છું’ એમ કદી કહ્યું નહીં. કોર્ટિંગ પિરિયડમાં-દોઢ પોણા બે વર્ષના ગાળામાં ત્રણચાર વખત હોટેલમાં ચા પીધી હશે અને તે દરેક વખતે પૈસા સુનીતાએ જ આપ્યા. તો પછી ભેટ વગેરેનો તો વિચાર જ સંભવે નહીં. નાગપુરથી સુનીતા મુંબઈ આવવાની હોય ત્યારે પુ. લ. એ સ્ટેશન ઉપર આવ્યાનું કહ્યું હોય. પુ. લ. માટે જ નાગપુરથી સંતરાનો કરંડિયો લાવી હોય, પણ ભાઈ સ્ટેશન ઉપર દેખાયા જ ન હોય. લગ્ન પહેલાં જ આ બધું અનુભવ્યું હતું; જાણી કરીને લગ્ન કર્યાં છે તો, સુનીતા કહે છે એમ, હવે એને ફરિયાદ કેવી? છતાં સુનીતા જાણે જ છે કે બંનેની પ્રકૃતિમાં સામ્ય નહોતું તેથી એકબીજાનાં પૂરક બની શક્યાં અને લગ્નજીવન ટકી શક્યું. એ લખે છે, “અમારાં લગ્નના શરૂઆતના સમયમાં ભાઈની સંતોષી, સમજણભરી વૃત્તિને લીધે જ હું તરી ગઈ. પોતાના જન્મજાત સારાપણાથી તે મને સમજ્યો. મારી રીતે મારામાં સમજ આવવા દીધી ને બધું નભી ગયું, અજાણપણે પણ તે સમયે પૌરુષી દમામ દેખાડ્યો હોત તો મારી પણ બંડખોર વૃત્તિ જાગૃત થાત અને હું તે ઘરમાંથી બહાર નીકળી ગઈ હોત–કોણ જાણે કઈ દિશામાં? સદ્ભાગ્યે બધું બરાબર થયું. ભાઈમાં નાના બાળક જેવી અધીરતા છે, પણ કોઈનું આંચકી લેવું, પડાવી લેવું એ તેનો સ્વભાવ નથી. આ બાબતમાં તે મૂળથી જ બહુ સુસંસ્કૃત છે. તે અધીરાપણાની સાથે જ જોવા મળે – સંતોષની વૃત્તિ અને કોઈનેય માટે શંકા ન કરતું નિર્દોષ બાળપણ... પિયરમાં હું સ્વતંત્ર હતી, પણ માબાપ, ભાઈઓ સાથે અનેક સ્તરે સંઘર્ષનો અવકાશ હતો. પણ અહીં ભાઈનો કોઈ બાબતમાં વિરોધ નહોતો. તો બંડ કરવું શા માટે? શરૂઆતના સમયમાં અજાણપણે ભલેને તેણે મને સંભાળી લીધી. પછી મેં જ તેનો કબજો લઈ લીધો. કોઈ પ્રજાહિતચિંતક રાજાની જેમ તેના ઘરમાં રાજ્ય કર્યું. લેખન, ગાયન, અભિનય વગેરે ગુણ તેનામાં ન હોત તોયે સાદા માણસ તરીકે તેનામાં રહેલા આ નિર્દોષ સાદાપણાને લીધે તેને સંભાળીને મેં તેનો સંસાર જાળવ્યો હોત. પણ તે કરતાંય વધારે ગુણસંપન્ન અને કામગરો હોત, પણ મારા ઉપર આધાર રાખતો ન હોત તો હું જલદી કદાચ કંટાળી ગઈ હોત અને ખલાસ થઈ ગઈ હોત. અમસ્તા જ જીવ્યા કરવાની કે લૌકિક સફળતા મેળવવા માટે મથવાની મારી વૃત્તિ જ ન હોવાથી બહુ જલદી નિવૃત્ત થઈને મારું અસ્તિત્વ જ ઘણુંખરું તો પૂરું થયું હોત.” આ બધું છતાં સુનીતાને સતત એક અભાવ રહ્યા કરે છે કે પોતે જે પુ. લ. માટે કરતી આવી એ બધું પુ. લ. ગૃહીત ધરીને જ ચાલ્યો – ક્યારેય એની કદર કરી નહીં. બીજાનો વિચાર કરવાની એને ટેવ જ નથી. બાળક જેવું નિષ્પાપ પણ એક સ્વાર્થીપણું એનામાં છે. સુનીતાને સતત એકાકીપણું સાલે છે. એક જગ્યાએ તો એ કહી પણ નાખે છે કે પુ. લ. સાથીદાર છે, પણ મિત્ર નથી. એક દિવાસ્વપ્ન જેવી તીવ્ર ઝંખનાને વ્યક્ત કરતાં કહે છે, “આપણને શું ગમશે, શું મળવાથી આનંદ થશે એનો મમતાથી વિચાર કરનાર, વખત આવ્યે આપણી ભૂલ પણ ઢાંકી દઈને આપણી બાજુમાં ઊભું રહેનાર બીજું કોઈક હોય એના જેવી શ્રીમંતાઈ બીજી કોઈ નથી.” આ પણ એક જોવા જેવું છે કે વ્યક્તિસ્વાતંત્ર્યને પુરસ્કારનારી, લગ્નસંબંધને પણ સૈદ્ધાંતિક રીતે ન સ્વીકારનારી વિદ્રોહી સ્ત્રી લગ્નજીવનમાં પોતાનો સ્વતંત્ર રસ્તો કંડારવાને બદલે પતિને પોતાનું સર્વસ્વ બનાવી એની આસપાસ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે. પુ. લ.થી અલગ પોતાની અંતર્ગત વ્યક્તિતાને અભિવ્યક્ત કરતું કાર્યક્ષેત્ર એણે ન અપનાવ્યું. એથી કરીને જ શું એને સતત ફરિયાદ અને અભાવ રહ્યા કર્યો છે? માણસ પણ કેટલા વિરોધોનો બનેલો હોય છે! જુઓ આ બંડખોર સ્ત્રી છેવટે શું માગે છે. સુનીતા લખે છે કે “અણ્ણાસાહેબ કર્વેને એની વૃદ્ધાવસ્થામાં એક રેડિયો-મુલાકાતમાં પૂછવામાં આવ્યું, ‘અણ્ણા, આવતા જન્મમાં તમને શું થવું ગમે?’ અણ્ણાએ કહ્યું હતું, ‘પહેલાં જ કહી દઉં કે મને પુનર્જન્મ વગેરેમાં વિશ્વાસ નથી. પણ ગમ્મતમાં કલ્પના કરીને કહેવાનું હોય તો કહું કે મને નવો જન્મ પુરુષનો જ મળે... સ્ત્રીનો જન્મ મારે નથી જોઈતો કારણ કે ભારતીય સ્ત્રીની દુઃખ સહેવાની તાકાત મારામાં નથી. આ જ સૂરમાં હું કહીશ કે નવો જન્મ પણ મને સ્ત્રીનો જ મળો. પરંપરાગત શ્રેષ્ઠત્વની કલ્પનાથી સંવેદના બુઠ્ઠી થઈ ગઈ હોય એવા પુરુષનો નહીં અને લગ્નની બાબત પણ મારા નવા જન્મમાં લલાટે લખાઈ હોય તો મને ભાઈ જ વર મળે.” આ આધુનિક ચેતના ધરાવતી લાગતી નારીનું ઉર્મિતંત્ર શું બધા હોબાળા પછી પરંપરાગત જ છે? ગમ્મતમાં પણ લગ્ન વિનાનું અને પુ. લ. વગરનું જીવન એ કલ્પી શકતી નથી. પણ સુનીતાનું ગૃહજીવન એટલે શું? એ કહેવાતા ગૃહજીવનમાં પુ. લ.ના સર્જનને લગતી દરેક વ્યાવહારિક બાબતો એ નક્કી કરે છે. પુ. લ.નાં લખાણોનાં પ્રૂફ એ તપાસે છે. કાર વસાવતાં ડ્રાઇવિંગ કરવાનું એણે માથે લીધું છે. ઉપરાંત વચ્ચે વચ્ચે સંસાર બહારની જવાબદારી પણ ઉપાડે છે. ઇંદિરા ગાંધીના રાજ્ય દરમ્યાનની કટોકટી વખતે અનેક નાનાં-મોટાં કામો, અરુણ લિમયેને કેન્સર થયું હોય તો દાક્તરી ઉપચાર માટે પરદેશ મોકલવા પૈસા ઊભા કરવા, જી. એ. કુલકર્ણી માટે પૂનામાં રહેવાની સરકારી જગ્યા મેળવવાની ખટપટ કરવી, વિલેપાર્લે મ્યુઝિક સર્કલની યોજના માટે જગ્યા મેળવવા માટેના યત્નો વગેરે અનેક નાનાં મોટાં કામોમાં એ ગળાડૂબ રહેતી. આ કર્મઠ સિદ્ધાંતનિષ્ઠ શિસ્તચાહક સ્ત્રીની સાર્વભૌમિતિક સત્તા જોવા જેવી છે. એ લખે છે, ‘અમારા બંનેના ખાનગી ઘરેલુ જીવનમાં મેં મને પોતાને એની એવી ગુલામ કરી નાખી અને સહજપણે જ એ પોતાને લાડ કરાવતો રહ્યો. પણ ઘરની બહાર તેને કેમ વર્તવું, કઈ જવાબદારી સ્વીકારવી ને કઈ ન લેવી, અમારો આર્થિક વ્યવહાર કેવો હોવો જોઈએ વગેરે બધું જ હું નક્કી કરવા માંડી અને તેની ઉપર સત્તા ચલાવવા માંડી. તેને આનો ત્રાસ થતો હશે જ. તે તે વખતે પોતાની રીતે વિરોધ કરતો, ક્યારેક સંતાપે, દુઃખી થાય પણ બહુ તાણી રાખવું તેના સ્વભાવમાં જ ન હોવાથી પછી તરત નમતું જોખે.’ સુનીતા કેટલી હદ સુધી પુ. લ.નો બાહ્ય જગતનો વ્યવહાર પણ નક્કી કરે છે એ દાખવતો એક પ્રસંગ જોવા જેવો છે. કટોકટી પછી જનતા પક્ષના સત્તારૂઢ થવાને પ્રસંગે દિલ્હીમાં શપથવિધિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પુ. લ.ને નિમંત્રણ આપવા માટે દિલ્હીથી ફોન આવે છે. સંજોગવશાત્ ફોન સુનીતા ઉપાડે છે. એ તરત જ પુ. લ.ને પૂછ્યા પણ વગર પુ. લ. જનતા પક્ષનો સભ્ય નથી કહીને નિમંત્રણ નકારી દે છે. પછી ઠંડે કલેજે લખે છે કે પુ. લ.એ નારાજગી દેખાડી નહીં. પણ કદાચ એના હાથમાં ફોન આવ્યો હોત તો મોટે ભાગે એણે નિમંત્રણ સ્વીકાર્યું હોત. કોઈને પણ થાય કે પુ. લ.એ શા માટે આવી શરણાગતિ સ્વીકારી હશે? એ માટે સુનીતાનો ખુલાસો છે : “આમાં ભાઈનું સ્વાતંત્ર્ય આંચકી લેવું એમ નહીં? — એવો પ્રશ્ન સ્વાભાવિકપણે જ કોઈ પૂછે. પણ પરાવલંબી લોકોને પોતાની જવાબદારી કોઈ પર નાખીને મુક્ત થવાનું સ્વાતંત્ર્ય વધુ પ્રિય હોય છે. એક લેખ લખે પછી તેનું શું કરવું એની પણ કાંઈ જ જવાબદારી તેને લેવી પડતી નહોતી તેથી તે ખુશ રહેતો. જિંદગી પાસે બહુ અપેક્ષા રાખવાનું તેના સ્વભાવમાં જ નથી. તેથી મળે તેમાં તેને સંતોષ રહેતો. આમ જોઈએ તો તેને મળતું ગયું તે પણ દિવસે દિવસે વધતું જ ગયું. મારો સ્વભાવ ખૂબ કરકસરિયો. વ્યક્તિ-સ્વાતંત્ર્યને વાદાતીત મહત્ત્વ આપનાર મને શિસ્ત ખૂબ પસંદ.” છતાં ક્યાંક ને ક્યાંક સ્ત્રીને સૂક્ષ્મ ભેદભાવના ભોગ બનવું જ પડતું હોય છે અને તે સુનીતા જેવી સ્ત્રીને કઠે નહીં તો જ નવાઈ. એ લખે છે, “ઘરેઘરના પતિઓમાં એક છૂપો રામ લપાયેલો જ હોય છે. ભાઈમાં એવા રામનાં દર્શન મને અવારનવાર થયાં છે. અમારાં લગ્ન પછી ભૈયા (મીર અસગર અલી) સાથે મેં ભાઈની ઓળખાણ કરાવી. બંને એકબીજાને ગમ્યા. એકદમ સ્વચ્છ મુક્ત મનથી ભાઈએ અમારી મૈત્રીનો સ્વીકાર કર્યો. પણ ક્યારેક બીજા કોઈક પાસે ભૈયાનો ઉલ્લેખ કરવો હોય તો ભાઈ ‘મારો એક મીર અસગર અલી નામનો મિત્ર છે તેને...’ એમ જ શરૂઆત કરે. તે તેને ‘મારો મિત્ર’ કહેશે. સુનીતાનો કે છેવટે અમારો એમ ભૂલમાંયે કહેશે નહીં.” એવું જ જી. એ. કુલકર્ણીની બાબતમાં. સુનીતાને જી. એ. કુલકર્ણી સાથે પત્રમૈત્રી હતી. ત્યાં પુ. લ. ની બીજા પાસે કેવી રજૂઆત હોય? જી. એ.ના કોઈ પત્રનો બીજા પાસે ઉલ્લેખ કરવાનો આવે તો ‘મને જી. એ કુલકર્ણીએ એક વાર પત્રમાં લખ્યું હતું.’ – એમ કહે. આની પાછળનું તેનું સારાપણું હું સમજી શકું છું. પણ આ આભડછેટની પાછળ રહેલી બીકની મને બહુ ચીડ ચડે છે. પણ ભાઈને મારા ગુસ્સા કરતાં લોકોની ગેરસમજ વધુ મહત્ત્વની લાગતી હશે.” આવા કેટલાક પ્રસંગો પુસ્તકમાં છે જ્યાં નારી પ્રત્યેના ભેદભાવથી એ દુભાઈ છે. અહીં, અલબત્ત, એ બધામાં જવાનો અવકાશ નથી. હવે આપણે સુનીતાની વિશ્લેષણપ્રક્રિયા પોતાને પણ અલગ પાડીને પોતા તરફ કેવી રીતે જુએ છે તે જોઈએ. ૧૯૪૬ના ઑક્ટોબર મહિનામાં સુનીતા એના ભૈયા-મિત્ર મીર અસગર અલી સાથે કૉંગ્રેસ સેશનમાં હાજરી આપવા માટે ઓખલા – જામિયા મિલિયા ઇસ્લામિયા – જાય છે. સુનીતા કહે છે, “હું અને ભૈયા ઓખલા ગયાં. મારી ઊતરવાની વ્યવસ્થા પ્રો. આગા અશરફને ત્યાં હતી. દિવસનો સુંદર સમારંભ પતાવી જમ્યા પછી ગપ્પાં મારીને રાત્રે અમે સૂતાં. મધરાતે જોરશોરથી બૂમબરાડા સંભળાયા ને હું જાગી ગઈ. ભાગલા પહેલાંનો એ સમય. ઠેકઠેકાણે વચ્ચે વચ્ચે કોમી હુલ્લડો થતાં. ઓખલાના બાજુના ગામમાંથી હિંદુઓનું વિશાળ ટોળું આવી રહ્યું હોય એમ લાગતું હતું. હરહર મહાદેવની ઘોષણા સંભળાતી હતી. પ્રો. અશરફ મારી પાસે આવ્યા અને બોલ્યા, ‘ગભરાતાં નહીં. કંઈ નહીં થાય. તે લોકો ખૂબ દૂર છે અને પોલીસનો પહેરો ચાલુ છે.’ આ જોકે સાચું હતું તોયે હું ગભરાઈને ધ્રૂજતી હતી. આ પ્રસંગ યાદ આવે છે અને મને ખૂબ શરમ લાગે છે. હું મૃત્યુથી ગભરાઈ નહોતી. પણ મને શરમ લાગે છે તે એ ક્ષણે, મારા મનમાં ક્ષણભર કેમ ન હોય, પણ આવી ગયેલા વિચારની. મને થયું કે મુસલમાનોને મારવા આવેલા આ હિંદુ, હું તેમનામાંની જ છું. હું હિંદુ છું એની તેમને ખબર નહીં પડે અને મારે નિષ્કારણ મરવું પડશે... હું તેમનામાંની છું. એટલે શું? હું ધર્મમાં માનતી હતી ખરી? ઘરબાર, નાતજાત કંઈ પણ ન માનનારી હું, સુંદર જીવનમૂલ્યોને જીવની જેમ જાળવનારી હું ભલે ને ક્ષણભર પણ તે અવિચારી ટોળાને મારું માનું છું? પ્રત્યક્ષ પ્રસંગ આવ્યો હોત તો મારા ઉપર બદલો લેવા માટે મેં કદાચ બધાં કરતાં વધારે હિંમત ને માણસાઈ દેખાડી હોત. બીજા કોઈનેય, કંઈ જ ખબર ન પડી. પણ મને મારું એક જુદું જ દર્શન થયું હતું.” છેવટે સુનીતા પૂરતી નિખાલસતાથી કહે છે કે “મેં જે કર્યું તે મારા આનંદ માટે કર્યું. ‘ભલું’ કરવામાં જ મને રસ હોત તો વ્યક્તિનિરપેક્ષ ‘ભલું’ કરવાનોયે સંતો અને સમાજસુધારકોનો માર્ગ હતો જ. મેં તે સ્વીકાર્યો નહીં. જેના પર મને પ્રેમ હતો, જેના સહવાસમાં મને સુખ હતું, જેની સોબતમાં રહેવામાં મને એક ઘર અને તે ઘરનું રાજ્ય મળ્યું હતું તેના ભલાનો જ વિચાર મેં કર્યો. એટલે કે મારું જ ખરું કરવાનો આનંદ મેં મેળવ્યો.” વળી બીજી જગ્યાએ લખે છે, “કોઈકને મનમુરાદ જીવવા ન દેતાં સારા હેતુથી કેમ ન હોય, પણ શિસ્તમાં રાખવા એ ગુનો છે કે પાપ? આ બંનેમાંથી જ કંઈક ચોક્કસ.” આમતોર પર સર્જક વિશે સુનીતાનો શો ખ્યાલ છે? એક કલાકાર સાથે જ જિંદગી ગુજારતી આવેલી સુનીતા જેવી વિદગ્ધ સ્ત્રીને એ વિશે કંઈ પ્રતિભાવો ન હોય તો જ નવાઈ. તો થોડું જોઈએ. સુનીતા લખે છે, “સર્જન-ક્ષણનો કલાકાર અને વાસ્તવિક જીવનમાં રહેતો એ જ માણસ એ શરીરે એક હોય તોયે તે બંને એકદમ સ્વતંત્ર વૃત્તિ કે પ્રકૃતિ હોય છે? તેમનો પરસ્પર કોઈ જ સંબંધ નથી હોતો? સર્જન-ક્ષણે કલાકારને પ્રાપ્ત થતી દિવ્યતાનો સ્પર્શ કે તે ક્ષણે તેની ડોક પર સવાર થઈને તેની પાસે સર્જન કરાવતું ભૂત બાકીના સમયે ક્યાં રહેતું હોય છે? ભાઈના વ્યક્તિત્વના સ્પષ્ટપણે બે ભાગ છે. સર્જનક્ષમ કૃતિશીલ એવો એક અને બીજો પૂર્ણપણે કૃતિશૂન્ય. સર્જનના સંદર્ભનું કામ તે મન દઈને ભૂખ-તરસ વીસરીને કરતો રહે છે. તેની કૃતિશીલતાની અહીં પ્રતીતિ થાય છે. સમયનું, ભૂખનું ભાન પછી તેને નથી હોતું. પણ આવું સર્જન કોઈ બધો જ સમય નથી કરી શકતું. બાકીના સમયે સાદા સીધા સામાન્ય માણસ જેવા જ હોય છે અને મોટે ભાગે ઘરનાંઓના ભાગે આવે છે તે આ જ સ્વરૂપે. પણ સમાજ તો તેમની તરફ હંમેશાં જુએ છે તે આ કલાકારના વલયમાં જ. તેથી ઘરને તમે જુદા દેખાતા હો તો તે ઘરનાંનો જ દૃષ્ટિદોષ ગણાય.” વળી એક બીજી જગ્યાએ લખે છે, “ભાઈ પર આવતા પત્રો, ફોન વગેરેમાં ઘણીખરી કૃતજ્ઞતા દર્શાવતી વાતો હોય છે – તમારો આ લેખ કે પુસ્તક બહુ ગમ્યું. આ કાર્યક્રમ અપ્રતિમ હતો. તમે અમારા જીવનને પ્રયોજન આપ્યું વગેરે. કલાકારની આ જ તો ખરી મઝા છે. તેમને કશી જન્મજાત બક્ષિસ મળી ગઈ હોય છે. પછી તેઓ પોતાના આનંદ માટે, ક્યારેક પોતાના ઐહિક લાભ માટે પણ તે કલાનિર્મિતિ કરે છે. લોકો તો કલાકારે પોતાના ઉપર કેટલા ઉપકાર કર્યા એમ માનીને કૃતજ્ઞતા વ્યક્ત કરતા હોય છે. આ બધોય વ્યવહાર બહુ સરસ હોય છે. તેથી આપણી સંસ્કૃતિ સમૃદ્ધ થાય છે. પણ આ બધું સરસ હોય, જરૂરી હોય તોપણ કલાકારોનાં જરી વધુ જ લાડ થાય છે એમ મને લાગ્યા વગર રહેતું નથી.” તો આ સર્જક-ચેતના આખરે શું છે? કઈ જાતનો માણસ છે એ સાથે એ પ્રતિભાને કાંઈ સંબંધ નથી? અથવા એની પ્રતિભા એના ચારિત્ર્ય ઉપર કોઈ અસર પાડતી નથી? સુનીતા એક વાત કવિ બોરકર માટે લખે છે એ પણ અહીં જોઈએ, “બોરકરનો પિંડ એ ખરો ‘જાપાની રમલ રાત’ જેવી કવિતા લખનારનો. તોયે તેમણે મહાત્માયન લખવાનો સંકલ્પ કેમ કર્યો? તેમને ગાંધી માટે આટલું આકર્ષણ કેમ? આ પ્રશ્ન જી. એ. કુલકર્ણી અનેક વાર પૂછતા, ‘રસલંપટ હું તોયે મને ગોસાંઈપણું સહેજ મળે.’ એમ બોરકર જ કહે છે એ જાણતા હોવા છતાં જી. એ.ને આ પ્રશ્ન હતો જ. ખુદ જી. એ.માં પણ અનેક જી. એ. હતા.” એક જ વ્યક્તિમાં અનેક વ્યક્તિઓ હોય છે એમ સુનીતાનું કહેવું છે એક અત્યંત લોકપ્રિય પ્રતિભાસંપન્ન સર્જક કલાકારની પત્નીએ આત્મકથા લખવી એ આપણે જાણીએ છીએ કે સહેલું કામ નથી. સુનીતા દેશપાંડેએ ક્યારેક રોષયુક્ત, ક્યારેક આદરયુક્ત સ્વરમાં તો ક્યારેક મનોવિજ્ઞાનીની વિશ્લેષણ છટાથી પોતાના દામ્પત્યજીવનની વાત કરી છે. આત્મવૃત્તાંત લખતી મરાઠી સ્ત્રીઓમાં વિરલ નિખાલસતા હોય છે એની નોંધ લેવી ઘટે. નિખરતી આવતી સ્ત્રી-ચેતનાને કંઈક વિસ્મયથી રસપૂર્વક નિહાળીએ છીએ – એને સલામ.

તા. ૨૦-૧૨-૯૨