પ્રતિસાદ/શબ્દની તાકાત અને સત્તાધીશો


જુઓને, કેટલાક લોકો બહુ સાલસ થવા જાય છે અને કહે છે કે ભૂતકાળમાં જે થઈ ગયું તે થઈ ગયું, હવે શું? રાષ્ટ્રીય સ્મૃતિલોપની એ લોકો અમારી પાસે અપેક્ષા રાખે છે. પણ જાણે કે કંઈ જ બન્યું નથી એવો ઢોંગ કરવો, ખૂબ ભયાનક બની ગયું હોય એ જાણે કંઈ જ બન્યું નથી એમ માનવું એ તો બલિનો વધુ ભોગ લેવા જેવું થાય. પણ એથી પણ વધારે મહત્ત્વનું એ છે—દુનિયા આખીનો એ અનુભવ છે કે અમારા જેવો જેનો અંધકારમય ભૂતકાળ છે એની સાથે કામ પાડવામાં નહીં આવે કે પશુની આંખમાં આંખ નાખીને જોવામાં નહીં આવે તો એ પશુ ચુપચાપ પડી રહેવાનું નથી. એ પશુ નક્કી જ પાછું આવશે અને ભૂતની જેમ તમારી પાછળ પડશે. અમારું કહેવું છે કે આ ભૂતકાળની સાથે બને એટલું જલદી કામ પાડી લેવું જરૂરી છે – ભૂતકાળ કલંકિત હતો એનો સ્વીકાર કરવો છે—અને પછી એનાં દ્વાર બંધ કરી વર્તમાન અને ભવિષ્ય ઉપર મીટ માંડવી છે. સમિતિ રચવા પાછળ આ હેતુ છે. આખું રાષ્ટ્ર જ્યારે એક પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આ તો એનો એક અંશ માત્ર જ છે.


આર્ચબિશપ ડેસ્મંડે ટુટુ



શબ્દની તાકાત અને સત્તાધીશો

થોડા વખત પહેલાં જ્યારે યુવાન મિત્ર યોગેશ કામદારે ‘ઇન્ડેક્સ’ દ્વિમાસિકમાંથી બે અત્યંત રસપ્રદ લેખો ઝેરોક્સ કરી વાંચવા મોકલ્યા ત્યારે જ એ સામયિકની હસ્તીની મને જાણ થઈ. એમાંનો એક લેખ ‘ઇન્ડેક્સ’ના ‘Lost Word’ ગુમાયેલું સાહિત્ય નામના વિશેષાંકમાંનો પ્રવેશક-લેખ છે. ગુમાયેલું સાહિત્ય એટલે અહીં અભિપ્રેત છે પ્રતિબંધિત (banned) સાહિત્ય કે સરમુખત્યારી દેશોમાંથી ગુપ્ત માર્ગે બહારની દુનિયામાં પહોંચેલું સાહિત્ય. આપણે એ પ્રવેશક-લેખની વાત કરીશું પણ એ પહેલાં ‘ઇન્ડેક્સ’નાં સંપાદકો ઉર્સુલા ઓએનના એ જ અંકમાંના સંપાદકીય ઉપર ઉપલક નજર નાખીએ. આ સામયિક ૧૯૭૨માં શરૂ થયું હતું અને એના સ્થાપક હતા સ્ટિફન સ્પેન્ડર. એમ લાગે છે કે ૧૯૯૪માં એ સામયિકનો ફરી આરંભ થયો હતો અને ૧૯૯૪ના સ્ટિફન સ્પેન્ડરના એમાં આવેલા આમુખમાં જે જગત પ્રતિબિંબિત થાય છે એ ૧૯૭૨ના જગતથી તદ્દન જુદું જગત છે. પહેલાં કમમાં કમ પશ્ચિમમાં સેન્સરશીપ એકહથ્થુ સત્તા વડે લાદવામાં આવતી હતી. સામ્યવાદી રશિયા અને પૂર્વ યુરોપનાં રાષ્ટ્રો આપણે માટે સ્વતંત્રતાના અભાવના પર્યાયરૂપ બની ગયાં હતાં. આજે પણ સેન્સરશીપ આપણી સાથે છે, પણ અનુ-સામ્યવાદી, રાષ્ટ્રવાદોના, મૂળભૂતવાદોના અને ઉદારમતવાદી અર્થતંત્રના આજના અનુઆધુનિક વિશ્વમાં સેન્સરશીપ વધુ સંકુલ અને ગૂઢ બની ગઈ છે. છતાં આજે પણ જે લેખકો એવા વિષયોની ખોજ કરે છે, એવા નિયમો તોડે છે કે એવા મુશ્કેલ પ્રશ્નો પૂછે છે જે યથાસ્થિતિવાદને સંકટરૂપ બની જાય છે ત્યારે એમને જૂની કે નવી રીતિઓથી ચૂપ કરી દેવામાં આવે છે, છતાં એ વાત પણ સાચી છે કે આજે સામ્યવાદની પડતી પછી પશ્ચિમમાં પ્રતિબંધિત સાહિત્ય માટે ઓછી જગ્યા ફાળવવામાં આવે છે; પ્રતિબંધિત લેખકોની પરિસ્થિતિનો વિરોધ ઓછા પ્રમાણમાં થાય છે. ટૂંકમાં કહેવું હોય તો આજે પશ્ચિમમાં આવા સાહિત્ય માટે ઓછો રસ છે. કદાચ એટલા માટે પણ હોય કે આવી જાતનું સાહિત્ય મોટે ભાગે દૂરના દેશોમાંથી આવે છે જેમને વિશે પશ્વિમને ખાસ કંઈ ખબર જ નથી. એ જે હોય તે, પણ ‘ઇન્ડેક્સ’ પહેલી વાર એક આખો અંક આવા પ્રતિબંધિત લેખકોના સાહિત્યને લઈને બહાર પાડે છે. જો આવા સાહિત્યને પ્રસિદ્ધ કરવામાં મદદરૂપ ન થવાય તો સેન્સરશીપ સાથે હાથ મિલાવવાનું જ થાય એવા સ્ટિફન સ્પેન્ડરના મત સાથે વર્તમાન સંપાદક ઉર્સુલા ઓએન સમ્મત થાય છે.

‘ઇન્ડેક્સ’ના સંપાદક ઉર્સુલા ઓએન છે, પણ ‘Lost Words’ નામના આ વિશેષાંકના સંપાદકો છે આલ્બર્ટો મેનગ્યૂએલ અને, ક્રેઇગ સ્ટિફેન્સન અને એમણે જ એનો પ્રવેશક-લેખ, ‘ખતરનાક વિષયો’ લખ્યો છે. આલ્બર્ટો મેનગ્યૂએલ મૂળ આર્જેન્ટિનાના હવે કેનેડા સ્થિત છે. એ એક અચ્છા અનુવાદક, નવલકથાકાર અને અનેક સંચયોના સંપાદક છે. એમનું છેલ્લું પુસ્તક ‘A History of Reading’ ૧૯૯૬માં પ્રકાશિત થયું છે. ક્રેઇગ સ્ટિફેન્સન સી. જી. યુંગ ઇન્સ્ટિટ્યૂટના એક વિશ્લેષક છે. એમણે પણ બેએક સંચયો સંપાદિત કર્યા છે. હવે આપણે પ્રવેશક-લેખ તરફ વળીએ. લેખકો લખે છે કે ૧૯૬૦ના અરસામાં આર્જેન્ટિનાના કૉમિક ગ્રંથ, ‘એલ ટોની’માં એક નવી અને ચકિત કરી નાખે એવી શ્રેણી ‘એલ ઇટરનૉટા’ પ્રસિદ્ધ થઈ. એના લેખક હેક્ટર જી. ઓએસ્ટરહેલ્ડ હતા. Eternauta અદ્ભુત શબ્દ છે. એમાં કૉસ્મોનૉટ અને ઇટરનિટી એ બે શબ્દો ભેગા થયા છે અને એ આપણી સમક્ષ અસીમતામાં મુસાફરી કરતા સમયબદ્ધ મુસાફરનું કલ્પન ઊભું કરે છે. શ્રેણીના પહેલા હપ્તામાં ઇટરનૉટા બ્યૂનો એઈર આવી પહોંચે છે. અહીં કથા કરતાં આર્જેન્ટિના, એના લોકો અને માનવજાત ઉપર વિષાદભર્યું ચિંતન વિશેષ છે—જેમ કે એક વખત કોઈ એક રસોડાનું એક કૉફી-પૉટ ઉપાડી ઇટરનૉટા કહે છે, “આ એક જ વસ્તુનું સૌંદર્ય જુઓ. આ સુંદર આકાર સિદ્ધ કરતાં સદીઓ ગઈ હશે, આપણને તો એનો અત્યારે ખ્યાલ જ નથી આવતો. પણ આ સુંદરતાનનો એક જ વિસ્ફોટ એક ક્ષણમાં જ નાશ કરી શકે.” ઇટરનોટાના આ ઉદ્ગાર પાછળ ત્રીજા વિશ્વયુદ્ધનો તોળાતો ભય હતો. બાર વર્ષ પછી ૨૭મી એપ્રિલ, ૧૯૭૭ને દિને પસાસ વર્ષના ઓએસ્ટરહેલ્ડનું આર્જેન્ટિનાના લશ્કરે અપહરણ કર્યું. એ પછી એ બહાર કદી દેખાયા નહીં. લશ્કરી સરમુખત્યારી દરમ્યાન જે ત્રીસ હજાર લોકો ગાયબ થઈ ગયા હતા એમાંના એ એક હતા. સમજી ન શકાય, એ ઓએસ્ટરહેલ્ડ લશ્કરી રાજ્ય માટે કઈ રીતે જોખમકારક હતા? એમની કૉમિક શ્રેણી જેમાં ‘એલ ઇટરનૉટા’ સૌથી વધુ પ્રખ્યાત હતી એમાં લશ્કરી દુરુપયોગો સામે પ્રગટપણે વિરોધ કર્યો હોય, સરકારી ભ્રષ્ટાચાર સામે દોષારોપણ કર્યું હોય કે રાજકીય ભાંગફોડિયા પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું હોય એવું કશું નહોતું. જાણે કે લશ્કરી પ્રતિબંધકારોની (censors) સામાન્ય વાચક કરતાં તીક્ષ્ણ દૃષ્ટિ હતી જે વડે ઓએસ્ટરહેલ્ડના સાહિત્યમાં એક ગુપ્ત આરોપ, વ્યક્તિ-સ્વાતંત્ર્યની પવિત્રતાનો તકાજો કે યુદ્ધ માટેની અશબ્દ હાકલ દેખાઈ હતી. ખૂબીની વાત તો એ છે કે ઓએસ્ટરહેલ્ડની કૉમિક શ્રેણીઓ ઉપર ક્યારેય પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો. પુસ્તક વંચાય નહીં માટે સત્તાવાર પ્રતિબંધ મૂકવાની લશ્કરને જરૂર નહોતી લાગી. એ વર્ષોમાં માત્ર કેટલાંક પુસ્તકો હાથમાં પકડવાં એ રાજકીય પ્રવૃત્તિ પુરવાર કરવા પૂરતાં હતાં અને નેરુદાની કવિતાઓની નકલ કે કોર્ટઝારની કથાઓ સાથે બન્યું એમ ઓળખપત્રો સાથે ન રાખવા એ એટલું જ ખતરનાક હતું. કોઈ પણ રૂસી લેખકનું પુસ્તક, દોસ્તોએવસ્કીથી માંડીને યેવતુશેન્કો સુધી, વાચકને સામ્યવાદી ઠરાવતું અને ઘણા લેખકો (જેવા કે પિન્ટર, આયોનેસ્કો, કાફકા) જેમની કૃતિઓ ગુપ્ત અર્થો સૂચવતી લાગતી એ વિદ્રોહી ગણાતા. સંદિગ્ધતા પ્રસ્થાપિત સત્તા માટે સંકટરૂપ ગણાતી. વાંચન, એક શાંત અંગત આનંદ સ્વયં એક રાજકીય કૃત્ય બની ગયું. સાહિત્યિક સેન્સરશીપનો લાંબો ઇતિહાસ, કદાચ લખવાની કળા જેટલો જ લાંબો અને સમાન્તરે અને સમાન ભૂમિકાએ સાહિત્યનો ઇતિહાસ જેટલો જ શક્તિશાળી ઇતિહાસ છે, જ્યાં બેન્ડ (પ્રતિબંધિત) ગ્રંથો વિચિત્ર જોડાણો કરે છે અને બેન્ડ (પ્રતિબંધિત) લેખકો અનૈચ્છિક સોબતમાં આવી પડે છે. લેખકો અને વાચકો કરતાં પણ પ્રતિબંધ લગાડનારાઓ વધુ સબળ રીતે શબ્દની શક્તિના સાથી રહ્યા છે કારણ કે એ લોકો ભયના માર્યા તો ભયના માર્યા કથાઓની રચના દ્વારા સામાજિક અને વ્યક્તિગત પરિવર્તનની સંભાવનાને સ્વીકારે છે. પ્રતિબંધકો બેશક કશા ખચકાટ વિના ઑડનનું સૂત્ર, ‘Poetry makes nothing happen’ની સામે દલીલ કરશે. કોઈ પણ કવિ કરતાં એ લોકો વધુ સાહિત્યને પરિવર્તનનું પરિબળ માને છે. પુસ્તકો ઉપર સીધો પ્રતિબંધ લગાડવાને બદલે આર્જેન્ટિનાના લશ્કરે વધુ અસરકારક પદ્ધતિ શોધી કાઢી હતી. એ જાહેર સેન્સરશીપની એવી આબોહવા રચતું કે જેમાં વાચકો સ્વયં ખતરનાક પુસ્તકોને શોધી કાઢતાં ડરતાં અથવા તો લેખકોમાં એવી આત્મ-સેન્સરશીપ ઊભી થતી કે એમને જ એવાં પુસ્તકો લખવામાં હતાશા ઊપજતી. આર્થ મિલરે ઉચિત રીતે જ નોંધ્યું છે કે પોતાને સેન્સર કરતાં કરતાં આખરે આખી પ્રક્રિયા અભાન બની જતી હોય છે અને પોતાને સેન્સર કર્યા પછી બીજે તબક્કે પોતાને સેન્સર કર્યાની વાતને જ નકારી દેવાતી હોય છે. પણ આ પ્રબુદ્ધ કાળમાં બીજી પણ વ્યાપક અને સૂક્ષ્મ રીતો સેન્સર શીખી ગયું છે જેવી કે લેખકને પુસ્તક છપાવવા માટે કાગળ ન આપવો (એ દેશોમાં જ્યાં કાગળ સરકારની ઇજારાશાહી છે, જેમકે ઇજિપ્ત), લેખકને રાજ્ય-નોકરીઓ નકારવી (એ દેશોમાં જ્યાં લેખકોની રોજી-રોટી નોકરીઓ જેવી કે શિક્ષણ, પ્રકાશન-કાર્ય વગેરે નોકરીઓ રાજ્ય-હસ્તક છે, જેવી કે ક્યૂબામાં), બીભત્સ દ્વેષપ્રેરક સાહિત્યના વિતરણને અટકાવાને બહાને કસ્ટમ અધિકારીઓને સેન્સર તરીકે રોકવા (એ દેશોમાં જે ઉદારમતવાદી રાજ્યમાં માને છે, જેમ કે કેનેડા). આ પદ્ધતિઓ વડે સરકારો જે વિષયોને સ્થાપિત રૂઢિઓ કે સત્તાવાર નિયમોને માટે જોખમકારક માને છે એમને સામાજિક સભાપીઠથી દૂર રાખી શકે છે. એવા કંઈક વિષયો છે જેવા કે સ્ત્રીઓની ભૂમિકા, પ્રવાસીઓનો દરજ્જો, બાળકોનું શોષણ, લૈંગિક તરલતા વિશેની ધારણાઓ જે સેન્સરની ખતરનાક વિષયોની યાદીમાં સ્થાન ધરાવી શકે—આ યાદી અસીમ હોય છે. પણ સેન્સરશીપનો ઇતિહાસ ઘણો જૂનો હોવા છતાં એનું ધ્યાન ભાગ્યે જ સિદ્ધ થયું છે. સેન્સરશીપ ક્યારેય પ્રતિબંધ લાદવામાં સફળ થતી નથી એ બોધપાઠ યુગે યુગે અને દેશે દેશે પુનરાવર્તન પામતો રહ્યો છે. પણ એ બોધ એમના અથાક વહીવટકર્તાઓને માથેથી જાય છે. એક દૂરના મધ્યાહ્ને જ્યારે બાદશાહ ઑગસ્ટસે ઓવિડની કૃતિઓ ઉપર પ્રતિબંધ લગાવ્યો અને કવિને એક નિર્જન કિનારા ઉપર ધકેલી દીધા ત્યારથી આપણા ગરમ મિજાજી યુગમાં જ્યાં સલમાન રશીદ મૂળભૂત બૌદ્ધિક સ્વતંત્રતાનો અનિચ્છુક પ્રતીક બની રહ્યો, સેન્સરો એ શીખ્યા નથી કે કોઈ વિશિષ્ટ વ્યક્તિ કે પુસ્તકને વિલુપ્ત કરવાથી લખાણો બંધ નથી થઈ જતાં. એક પંક્તિ, એક કવિતા, એક નવલકથા, અરે આખા ગ્રંથાલયને ભસ્મીભૂત કરી શકાય; ઘણાં એવી રીતે થયાં છે, અને લેખકને જેલમાં નાખી દઈ શકાય અને એની હત્યા થઈ શકે, ઘણાં લેખકોની હત્યા એમ થઈ છે. પણ જે કંઈ લખાયું છે એ બૃહદ્ રચના જેને આપણે સાહિત્ય કહીએ છીએ એમાં ગૂંથાઈ જાય છે અને શેલીએ જેમ કહ્યું એમ આ તો ‘the immortal soul of the words’ છે. મરાયેલો કવિ અને કવિનાં પ્રતિબંધિત લખાણો એ બીજાં લેખકોમાં જેમનો હજી જન્મ પણ નથી થયો એમાં પ્રતિધ્વનિત થશે – એ લેખકો જે એ મૃત કવિનું નામ પણ ભૂલી ગયાં હશે; અને એ પ્રતિધ્વનિત થશે બીજાં લખાણોમાં જે હજી લખાવાનાં છે – એ લખાણો જે રાખ થયેલા પૃષ્ઠ સાથે કોઈ સરખાપણું ધરાવતાં નહીં હોય. સેન્સરશીપ અને સેન્સરશીપના ભયો માત્ર સીમિત અમરત્વ ઉપર મ્હોર લગાવે છે. સેન્સરની વ્યૂહરચનાઓનો વાચકો અને લેખકો પણ સામી વ્યૂહરચનાઓથી પ્રત્યુત્તર વાળતા હોય છે. નાઝી જર્મનીમાં જુલમનો ભોગ બનનાર વ્યક્તિઓએ ગોબેલ્સે સળગાવેલાં ગ્રંથાલયોને સ્મૃતિમાં સંઘરી રાખેલાં. તિબેટના સાધુઓએ પવિત્ર ગ્રંથોને એમનાં ઝબ્બાઓ નીચે સીવી દીધેલા, સામ્યવાદી રશિયામાં વાચકો અને લેખકોએ ભૂગર્ભ સાહિત્યની એક પદ્ધતિ વિકસાવી હતી. વર્તમાન યંત્રોદ્યોગે એક બાજુ સેન્સરનાં ઓજારોને તીક્ષ્ણ કર્યાં છે તો સાથે સાથે વાચકોને પણ નવી અને પ્રભાવી પ્રતિ-પ્રયુક્તિઓ શીખવી છે. ૧૯૯૬ના જાન્યુઆરીના ફ્રાન્સના પ્રમુખ મીતરાંના મૃત્યુ પછી તત્કાળ ફ્રાન્સના બે ડૉક્ટરોએ આ વિખ્યાત દરદીની બગડતી તબિયતની ઘનિષ્ઠ વિગતો જણાવી અને એમની બીમારીની ગંભીરતા છાવરવાના જે સત્તાવાર પ્રયાસો થયા હતા એમને એમના પુસ્તક ‘Le Grand Secret’માં છતા કર્યા. ફ્રેન્ચ સરકારે તરત જ પુસ્તક ઉપર પ્રતિબંધ લગાવી દીધો. ૨૩મી જાન્યુઆરી, ૧૯૯૬ના દિને સાયબરકાફેના માલિકે એ પુસ્તકને ઇન્ટરનેટ ઉપર બતાવવાનું નક્કી કર્યું; ત્યાં ગ્રાહકો ફી આપી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા હોય છે. ઇન્ટરનેટ કોઈ સરકારની હકૂમત હેઠળ આવતું નથી હોતું અને ઇન્ટરનેટના કોઈ પણ પાઠ માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી હોતી. ‘Le Grand Secret’ પ્રથમ પ્રતિબંધિત પુસ્તક હતું જે ઉઘાડે છોગે સેન્સરની સત્તાને પડકારી શક્યું. અને છતાં સેન્સરો અને સ્વાતંત્ર્યની ખોજ ચલાવતા લેખકોને પાપીઓ અને સંતો જેવાં ખાનાંઓમાં એકદમ વિભક્ત નથી કરી શકાતા. સેન્સરોનું ધ્યેય ઓર્ડર છે અને એ માટે કોઈ પણ સાધન એમને માટે ન્યાયી ઠરે છે અને કલાકારો સભાનતાપૂર્વક સર્જનાત્મક અરાજકતાને વરે છે અને આમ છતાં આ બંને – લેખકો અને સેન્સરો કેટલીક વાર એકબીજાના પ્રદેશમાં ભટકાઈ જાય છે. આપણા અનુ-ફ્રૉઇડિયન યુગમાં આનો અર્થ એ થાય છે કે આ જ સ્વાતંત્ર્યની ખોજ કરતા કલાકારો ફાસીવાદી થવાની શક્તિ અલબત્ત અભાનપણે પણ ધરાવે છે અને તલવારો વીંઝાતા સેન્સરો એ જ રીતે અભાનપણે પણ જેમની એમને ખૂબ ભીતિ છે એ તરફ આકર્ષાય છે. આ અંકમાં જે લેખકોની વાર્તાઓ લેવામાં આવી છે એ આ વિરોધાભાસને પકડમાં લેવાને મથે છે, અને સેન્સરો જે ધિક્કારે છે એ સર્જનાત્મક સંદિગ્ધતાઓના પ્રકારો અજમાવી વિચારવાના, બારીક ખોજ ચલાવવાના, આરોપ લગાડવાના, બચાવ કરવાના હક્કને ઇસ્તેમાલ કરવાનો આ લેખકો આગ્રહ રાખે છે. આ હક્કની રક્ષા કરવા માટે હેરોલ્ડો કોન્ટી અને કેન સારો-વિવા મૃત્યુ પામ્યાં છે. મા થિડા ૧૯૯૩થી જેલમાં છે. પ્રમોયેધ્ય અનન્ત ટોએર જાકાર્તામાં નજરકેદમાં છે. ધ્યુઓંગ થુ હ્યુઓગની કૃતિઓ ઉપર એના દેશમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નેદિમ ગુરસેલ અને એમ. ટી. શરીફ દેશવટો ભોગવે છે. સ્તાલિનની સરમુખત્યારીની જ્યારે બોલબાલા હતી ત્યારે બોરિસ પાસ્તરનાકને મોસ્કોમાં અધિકૃત લેખકોના સંમેલનમાં નિમંત્રણ મળ્યું હતું. પાસ્તરનાક જાણતો હતો કે એ જો ત્યાં હાજર રહેશે અને બોલશે તો એ જે કંઈ કહેશે એ માટે એની ધરપકડ કરવામાં આવશે; એ જો ત્યાં હાજર રહેશે અને બોલશે નહીં તો અવજ્ઞા માટે એને પકડવામાં આવશે; એ હાજર નહીં રહે તો સરમુખત્યારના નિયંત્રણને ઠુકરાવવા માટે એની ધરપકડ થશે. પાસ્તરનાક હાજર રહ્યો. સંમેલન ત્રણ દિવસ ચાલ્યું. પહેલે દિવસે પાસ્તરનાકે કંઈ કહ્યું નહીં. એના મિત્રોએ એ આમેય પકડાવાનો હતો એટલે બોલવાની વિનંતી કરી. પાસ્તરનાક ચૂપ રહ્યો, બીજે દિવસે પણ એ શાંત રહ્યો. ત્રીજે દિવસે એ ઊભો થયો. શ્રોતાગણ ઊંચે શ્વાસે જોઈ રહ્યું. આખરે પાસ્તરનાકે પોતાનું મોં ખોલ્યું અને કહ્યું, “બત્રીસ”. શ્રોતાઓને તરત જ ખ્યાલ આવી ગયો કે એ શૅક્સપિયરના બત્રીસમા સૉનેટની વાત કરે છે, જેનો ઉત્તમ રૂસી અનુવાદ પાસ્તરનાકે પોતે કર્યો હતો. શ્રોતાઓ ગર્જન કરી ઊઠ્યા; એમને સૉનેટનો શબ્દે શબ્દ કંઠસ્થ હતો. ત્રણ સદીઓ પાર એ શબ્દોને પાસ્તરનાકે સ્ટાલિનની ઇચ્છાશક્તિની ક્યાંય ઉપર વાચકોની આશામાં રૂપાંતિરત કર્યા હતા : ‘If thou survive my well-contented day, When that churl Death my bones with dust shall cover.’ અને અહીં આ બે સંપાદકોનો પ્રવેશક-લેખ પૂરો થાય છે. કવિતા મારા વસની વાત નથી, પણ આખું સૉનેટ જોવાની અદમ્ય ઇચ્છા થઈ. ઘરમાં ખાંખાંખોળાં કરવા માંડ્યાં અને હાર્ડબાઉન્ડ ગ્રન્થ – ‘Complete works of Shakespeare’ મારા હાથમાં આવ્યો, અને મને સૉનેટ જડ્યું. સૉનેટમાં આગળ જતાં નાયક પ્રેમિકાને કહે છે કે એના મૃત્યુ પછી એની પંક્તિઓ Reserve them for my love, not for their rhyme છેવટની બે પંક્તિમાં નાયિકા કહે છે, But since he died, and Poets better Prove Theirs for their style I’ll read, his for his love. શૅક્સપિયરનો ગ્રંથ જોતાં બીજી સ્મૃતિઓ પણ સળવળી ઊઠી. મારા પિતાએ વર્ષો પહેલાં ટાઇમ્સ ઑવ ઇન્ડિયાએ જાહેર કરેલી યોજના હેઠળ ૧૫ હાર્ડબાઉન્ડ ગ્રંથ રૂ. ૪૫/-માં ખરીદ્યા હતા, એ યાદ આવ્યું અને સાથે યાદ આવી ફાઉન્ટન ઉપરની એક નાની દુકાન જ્યાં ૭૫ પૈસામાં એક નવું નકોર ડિટેક્ટિવ વાર્તાનું પુસ્તક મળતું. મન થાય ત્યારે ખરીદી વાંચીને ફેંકી દેવાનું. ‘એન્કાઉન્ટર’નો અંક ૧ રૂપિયામાં મળતો. આ તો જૂના જગતની કંઈક ઝાંખી થાય એ અર્થે લખું છું. હવે તો એ બધું સ્વપ્ન જેવું લાગે છે. આજે તો પુસ્તક ખરીદવું એ જ સ્વપ્ન જેવું બની ગયું છે. ‘ઇન્ડેક્સ’ના આ અંકમાંની મર્મસ્પર્શી વાર્તાઓ મોટે ભાગે કોઈ ને કોઈ રીતે ભોગ બનેલા વિવિધ દેશોના લેખકોની છે. ક્યૂબા, ચીન, મેક્સિકો, કિકો, મોરોક્કો, આર્જેન્ટિના, થાઇલેન્ડ, બ્રિટન, ટર્કી, ઇજિપ્ત, યુએસએ, નાઇજેરિયા, ઈરાન, બ્રહ્મદેશ, ઇન્ડોનેશિયા – આ બધા દેશોના લેખકો અહીં વિશિષ્ટ દૃષ્ટિથી સ્થાન પામ્યા છે. અંકના પાછળના ભાગમાં, એના સૂચિવિભાગમાં અનેક દેશોને કક્કાવારી પ્રમાણે ગોઠવી આ વર્ષમાં દરેક દેશમાં બનેલી દમનકારી ઘટનાઓ, ઘડવામાં આવેલા જુલમી કાયદાઓ, લાદવામાં આવેલા પ્રતિબંધો વગેરેની વિગતો આપવામાં આવી છે. આમ વિષયને અનેક રીતે સ્પર્શતો અંક સર્વાશ્લેષી બન્યો છે. પ્રવેશક-લેખમાં એક વાત બરાબર ભારપૂર્વક કહેવાઈ છે કે સર્જકો જાણે કે ન જાણે, ઑડન ભલે એમ કહે કે Poetry makes nothing happen પણ શબ્દની તાકાતને સેન્સરો તો બરાબર પહેચાને છે, અને એ લોકો કોઈ જોખમ એ બાબતે ખેડવા માંગતા નથી. આપણને દેશમાં લેખકોને ખાસ સહન કરવું પડતું હોય એમ દેખાતું નથી. હા, નવી ઑફ બીટ ફિલ્મો માટે એમ બને છે ખરું. સેન્સર બોર્ડની જડતા અને અજ્ઞાનતાને કારણે અનેક જાગૃત નિર્દેશકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હમણાં જ કેતન મહેતાની ફિલ્મ ‘આર યા પાર’ સેન્સર બોર્ડની અડોડાઈથી ફસાઈ પડી છે. કેતન મહેતા કહે છે, “સેન્સર બોર્ડના સભ્યોએ જે દૃશ્યો કાપવાનું કહ્યું છે એથી મારી ફિલ્મ ખતમ થઈ જશે. ફિલ્મમાં અપરાધનાં તેમજ ક્રોધ અને કામવાસનાનાં દૃશ્યો કાપવાનું કહ્યું છે. એવું લાગે છે કે હજુ આપણે મધ્યયુગમાં જીવીએ છીએ... દાખલા તરીકે એક દૃશ્યમાં એક વ્યક્તિ બેટરીથી બીજા પાત્રના માથા ઉપર ત્રણ વખત મારે છે. સેન્સર બોર્ડ એક જ વખત મારવાનું કહે છે. પરિણામે મને જે પરિણામ જોઈએ છે એની તીવ્રતા ઓછી થાય એ સ્વાભાવિક છે... ફિલ્મમાં મારામારીના દૃશ્યમાં મશીનગનો અને બીજાં હથિયારોનો છૂટથી ઉપયોગ ચલાવી લેવાય, પરંતુ બેટરીથી મારવાનું દૃશ્ય ચલાવી લેવાય નહીં એ નવાઈની વાત છે.” અહીં નરી જડતા અને બુદ્ધિહીનતા છે કે પછી સાચી કલાત્મકતાથી પ્રસ્થાપિતતાને અજ્ઞાત ભય લાગતો હોય છે? ન જાને. એક વાત ઉપર વિચાર કરવા જેવો છે. ઇન્દિરા ગાંધીએ આખા દેશ ઉપર કટોકટી લાદી ત્યારે આપણા સાહિત્યકારોનાં સર્જનોને અડવાની કે ધ્યાનમાં લેવાની પણ સરકારને જરૂર નહોતી લાગી. કટોકટીના ઓછામાં ઓછા ભોગ કદાચ સાહિત્યકારો બન્યા હતા. આપણી આ પરિસ્થિતિ ‘ઇન્ડેક્સ’ના અંકમાં જે દેશોનો ચિતાર આપ્યો છે એ સાથે સરખાવવા જેવી છે. ચાલો, રસપ્રદ ચર્ચા માટે રાહ જાઈએ. ઇતિ અલમ્

તા. ૨૦-૧૨-૯૬