પ્રતિસાદ/ગૌતમ બુદ્ધ અને ઇકબાલ સિંહ

From Ekatra Wiki
Revision as of 05:19, 9 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

શૉપનહોર બુદ્ધને એટલા તો પોતાને મળતા વલણના માનતા કે એ પોતાના શયનખંડમાં શાક્ય મુનિની મૂર્તિ રાખતા એમ કહેવાતું, અને ત્યારથી ઘણાં પશ્ચિમ માનસમાં ગૌતમનું શૉપનહોર સાથેનું સ્થાન કાયમી બન્યું.... એ સાચું છે કે આરંભમાં બંનેના વિશ્વ-દૃષ્ટિબિંદુઓમાં થોડીક માત્રામાં સમાન્તરતા છે; બંનેએ જીવનમાંના કરુણ તત્ત્વને સ્વીકૃતિ આપી આરંભ કર્યો હતો. પણ એને એક મહત્ત્વની મર્યાદા છે. એકની બાબતમાં વેદનાનો આરંભ અને અંત અહંવાદી વ્યક્તિત્વની સીમામાં બદ્ધ છે; એનું વળતર નિશ્ચયાત્મક ઇચ્છાશક્તિમાં વળે છે, પણ જે આખરે આત્મઘાતક છે. બીજામાં શોકની લાગણી દુઃખના સર્વગ્રાહી પ્રશ્નને આવરી લેતી ઉપલબ્ધિ છે અને એ રીતે કરુણાનો સ્રોત વહાવે છે. અહીં પાયાનો વિરોધ છે; કિશોરવયી અને પુખ્તવયી દૃષ્ટિબિંદુ વચ્ચેનો વિરોધ.

ઇકબાલ સિંહ



કિર્કેગાર્ડ : ડ્રકરની આંખે

ગૌતમ બુદ્ધ અને ઇકબાલ સિંહ

વિવિધ વિષયોના અભ્યાસી અને પત્રકાર ઇકબાલ સિંહનું પુસ્તક ‘ગૌતમ બુદ્ધ’ વાંચ્યું અને એ વિશેની થોડીક છાપ અને ખાસ કરીને મનમાં વસી ગયેલું બુદ્ધના સમયનું લેખકે દોરેલું તાદૃશ ચિત્ર – એ લઈ કંઈ લખવા ધાર્યું છે. પુસ્તકનો કંઈક અંશ જ અહીં લઈ શકાય – આખા પુસ્તકને તો આવરી લેવાનું જ અશક્ય. એ નોંધવું જોઈએ કે પુસ્તકનું અલંકારવિહીન તદ્દન સાદું મથાળું ‘ગૌત્તમ બુદ્ધ’ જચી ગયું. આખા પુસ્તકમાં મોટે ભાગે લેખક બુદ્ધને ગૌતમ તરીકે જ ઉદ્દેશે છે — and that sets the tenor of the book. પ્રાચીનકાળ(Pre-Classical Period)માં જે બધી સંસ્કૃતિઓ પાંગરી એ બધાની પાછળ પુરાકથાઓનું જોમ હતું. એ યુગ એક યા બીજી રીતે પુરાકથાઓના અનંત વૈવિધ્યનો હતો. લેખકની માન્યતા પ્રમાણે આ પુરાકથાઓ સ્વાભાવિકપણે જ સીધા માનવીય બુદ્ધિના વિનિયોગને બાકાત રાખે છે કારણ કે કાં તો માણસ પોતાનામાં આસ્થા રાખે અથવા તો પુરાકથામાં માને. એ કાં તો પોતાના રીઝનના પ્રકાશમાં પ્રવૃત્ત થાય અથવા તો પોતાથી બહાર કોઈક કાલ્પનિક એજન્સીના આદેશો અનુસાર ચાલે. પ્રાચીન વિશ્વે પોતાનાં વ્યાવહારિક કાર્યોમાં પુરાકથાને એકદમ પ્રાધાન્ય આપ્યું અને આમ થતાં માનવીય વિચારણાને ખાસ કશો અવકાશ ન રહ્યો, રીઝન રહસ્યને આધીન રહ્યું. આદિમ માનવી માટે એ જે અવસ્થામાં હતો ત્યારે જગત એને માટે બિલકુલ અગમ્ય-ન સમજાય એવું હતું–કહો કે એ એની તીવ્ર અનુભૂતિ હતી. રહસ્યાત્મક તત્ત્વોએ એનો એવો તો કબજો લઈ લીધો હતો કે કોઈ મધ્યસ્થી કરે, એનું રક્ષણ કરે એવી એજન્સીની એને જરૂરિયાત લાગી. બીજી રીતે કહીએ તો મૃત્યુના ઓળા જેવું જ આ અગમ્ય વિશ્વનું રહસ્ય અને એનો બોજો હળવો કરવા માટે એણે પુરાકલ્પનની રચના કરી. પણ આ પુરાકલ્પનની રચનાનું કામ પરિસ્થિતિ બદલાઈ, રીઝનના યુગનો ઉદય થયો, જ્યારે એની જરૂર ન રહી ત્યારે પણ એ બંધ ન પડ્યું. ઊલટું, માનવીય કલ્પનામાં એણે વધારે ઊંડાં મૂળિયાં નાંખ્યાં. આદતથી કેવો માણસ મજબૂર હોય છે! લેખકને પૂછવાનું મન થાય કે બરાબર છે વિજ્ઞાન અને ટેક્નોલૉજીએ આજે મહાકાય ફાળ ભરી છે; પ્રકૃતિના ઠીક ઠીક નિયમો હાથ લાગ્યા છે, વાસ્તવનાં અનેક પાસાંઓ જોઈ શકાયાં છે. આ વિકાસ છતાં અંતિમ રહસ્ય શું આપણને હાથ લાગી ગયું છે? જરામૃત્યુ-રોગ શું માણસને એટલા જ ભયભીત નથી કરતાં? રીઝન શું અગમ્ય તત્ત્વને પાર કરી શક્યું છે? બુદ્ધિથી પાર સહજસ્ફૂર્ત સત્યને ઉદ્ઘાટિત કરવા માટે જીવનમાં શું કે સાહિત્યમાં શું પુરાકથાઓ માટે કોઈ અવકાશ રહ્યો નથી એમ કહી શકશે? લેખકે ગૌતમ બુદ્ધના જન્મનું વર્ષ ઈસવીસન પૂર્વે ૫૬૩નું સ્વીકાર્યું છે. એ સમયના વૈશ્વિક પરિવેશનો – તે વખતનાં રાજ્યોની ચડતી-પડતીનો વિગતવાર ખ્યાલ આપવાનો લેખકે સમર્થ પ્રયત્ન કર્યો છે. બુદ્ધના સમયમાં પર્શિયાનો ઉદય એની પરકાષ્ઠાએ પહોંચ્યો હતો. ત્યારે દેશમાં શી પરિસ્થિતિ હતી? આદિમજાતીય સ્વાયત્તતા અને કુટુંબના વર્ચસ્વવાળી સામાજિક પદ્ધતિનું પતન થઈ ચૂક્યું હતું. આદિમજાતિય પિતૃસત્તાક ગણતંત્રો લગભગ કાળગ્રસ્ત થયાં હતાં. ગૌતમનો જન્મ થયો ત્યારે અનેક રાજ્યો હસ્તીમાં આવ્યાં હતાં અને પોતાની પાસે જે કંઈ સાધનો હતાં એ વડે પોતાની સત્તા વધારી રહ્યાં હતાં; લડાઈઓ કરીને કે લગ્નસંબંધો ગોઠવીને પોતાની રાજ્ય સત્તાઓ વિસ્તારતા હતા. આમ છતાં ગણતંત્રો તદ્દન લુપ્ત થયાં નહોતાં. એ સૂચક છે કે બ્રાહ્મણ સાહિત્ય આવાં ગણતંત્રોની હસ્તીનો બિલકુલ નિર્દેશ કરતાં નથી; એમનો પક્ષપાત રાજાશાહી પદ્ધતિ માટે હતો જ્યાં પુરોહિતોની સલાહ હેઠળ રાજાઓ રાજ્ય કરતા હતા. પણ બૌદ્ધ સાહિત્યમાં આવાં ગણતંત્રોનો નિર્દેશ આવે છે. બુદ્ધનું જન્મસ્થાન, નેપાળની સરહદ ઉપર આવેલું કપિલવસ્તુ એવું ગણતંત્રોનું હતું. રાજકીય કે પ્રાદેશિક સ્તરે કપિલવસ્તુ કંઈ એવું ગણનાપાત્ર ગણતંત્ર નહોતું. એ બે વિસ્તરતાં રાજ્યો – એક બાજુ મગધ અને બીજી બાજુ કોશલથી ઘેરાયેલું હતું. કપિલવસ્તુમાં શાક્ય નામની જાતિ સત્તાધારી હતી. ગૌતમના પિતા, શુદ્ધોધન ચૂંટાયેલા મુખીનો હોદ્દો ધરાવતા હતા. કપિલવસ્તુમાં તંત્રનાં કાર્યો લોકશાહી ઢબે થતાં હતાં, છતાં ગણતંત્રનો સામાન્ય સામાજિક ઢાંચો ભારતનાં આપખુદી રાજ્યો કરતાં કંઈ ખાસ જુદો નહોતો. બધે સામાજિક સંસ્થાઓ હજી અસ્થિર, તરલ દશા ધરાવતી હતી. વર્ગ-વિભાજનો હજી સખત નહોતાં બન્યાં. જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવવા લાગી હતી. પણ હજી અવિકસિત દશામાં હતી, હજી એ સુબદ્ધ, ઘડાયેલી પદ્ધતિ બની નહોતી. આવા આ સામાજિક માળખામાં બ્રાહ્મણોને એકદમ ટોચ ઉપર મૂકવાની એક પ્રણાલિકા બની ગઈ હતી. પણ સાતમી અને આઠમી સદી સિવાય ઇતિહસકારો જે બ્રાહ્મણોની હંમેશાં સર્વોપરિતા ગણતા આવ્યા છે એ બરાબર નથી. એ સાચું છે કે સામાન્ય ગરીબ વર્ગ ધાર્મિક બાબતોમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ પૂરેપૂરું સ્વીકારતો હતો. પણ ઉમરાવો, ગોત્ર-મુખીઓ, ધનિક વેપારીઓ અને નાના આપખુદ શાસકોનો પ્રભાવ બ્રાહ્મણો કરતાં વિશેષ હતો. ધનિકોનો એક પ્રભાવશાળી વર્ગ અસ્તિત્વમાં આવ્યો હતો જેમનું રાજ્યકારભારમાં પૂરેપૂરું ચલણ હતું. નગરોમાં કારીગરો અને જે નાના વ્યવસાયોમાં રોકાયેલા હતા એમને થોડોક રાજકીય દરજ્જો મળ્યો હતો. વ્યાવસાયિક ધોરણે એક પાંખી સંઘ-પદ્ધતિ (guild system) ઊભી થયેલી દેખાય છે. પણ ખેતી ઉપર નભતી જનતાની તદ્દન ઉપેક્ષા કરવામાં આવી હતી. રાજ્યને માત્ર એમની પાસેથી આવતા મહેસૂલ અને કરમાં રસ હતો. ખેતી સામૂહિક પ્રકારની હતી અને જમીનદારી પ્રથા નહોતી કે વસતીનું દબાણ પણ જમીન ઉપર નહોતું. પણ આ વર્ગ પ્રમાણમાં સમૃદ્ધ હોવા છતાં રાજ્યના સંચાલનમાં એને કોઈ અધિકાર નહોતો. એક વખત મગધના રાજા અજાતશત્રુ ગૌતમ બુદ્ધને પ્રજાને સમૃદ્ધ કરતા અનેક વ્યવસાયોની વાત કરતા હતા ત્યારે એમણે ખેતીનો ઉલ્લેખ કર્યો નહોતો. ગૌતમ બુદ્ધે વિનયપૂર્વક રાજાને એ યાદ દેવડાવ્યું અને કહ્યું કે સમુદાયના સૌથી મોટા વિભાગને રાજાએ પોતાની ગણતરીમાં લીધો નહોતો, કારીગરો ને ખેડૂતોની નીચે ચાંડાલો હતા. કાનૂનની દૃષ્ટિએ એમને બધી સ્વતંત્રતા હતી, પણ એ ભ્રાંતિજનક હતી. માત્ર એકદમ નીચી કક્ષાનાં કામો કરવાની જ એમને છૂટ હતી. એ લોકો એક જ જન્મના હક્કદાર હોવાને કારણે માનવીય સમાજથી તો બહિષ્કૃત હતા જ, પણ દૈવી કૃપાના પણ અધિકારી રહ્યા નહોતા. છતાં એ લોકોનો છેક નીચલો ક્રમ નહોતો. આ ચાંડાલોને તો એક જન્મ પણ હતો. પણ બીજા હતા કે જેમનો જન્મ જ નહોતો! અને એ સૌથી નીચલી પાયરીના હતા. એ એક પ્રકારના ગુલામો હતા. છાપો મારીને પકડવામાં આવ્યા હોય કે પછી કોઈક ગુન્હાને કારણે એમણે કાનૂની સ્વતંત્રતા ગુમાવી દીધી હોય. જન્મ્યા જ ન હોવાને કારણે કે જન્મ ગુમાવી દીધો હોય એથી માનવીય હક્કો માટે એ કોઈ દાવો ન કરી શકતા. પોતાના માલિકોના એ તદ્દન તાબેદાર હતા. ભારતમાં અલબત્ત ગ્રીક કે રોમન જેવી ગુલામગીરી પ્રથા નહોતી છતાં પ્રાચીન ભારતની સામાજિક સંગઠનામાં ગુલામોને સ્થાન જ નહોતું એ કહેવું બરાબર નથી. આ સામાજિક પરિવેશમાં જરા બીજે નજર નાખીએ તો જોવા મળે છે કે ગૌતમ બુદ્ધના સમયમાં ગણિકાઓનો પણ એક સામાજિક દરજ્જો હતો. તે સમાજમાંથી બહિષ્કૃત થયેલી નહોતી. એ ખરું કે સામાજિક કક્ષાએ એ કંઈક નીચલી પાયરીની ગણાતી. પણ વ્યવહારમાં તો એનો પ્રભાવ અનંતગણો પડતો. ઉચ્ચ દરજ્જાવાળા પુરુષો એને પગે પડતા અને એની સેવા કરવા અને એની ઇચ્છાઓ પૂરી કરવા માટે તત્પર રહેતા. રાજકુંવરો અને કવિઓ, તત્ત્વવેત્તાઓ અને વેપારીઓ બધા એની મહેરબાની મેળવવા સ્પર્ધામાં ઊતરતા અને એની માંગો સંતોષવામાં આનંદ માનતા. શારીરિક મોહકતા સાથે એ આંતરિક સજ્જતા પણ ધરાવતી. બધી રીતે સુસજ્જ એ પોતાના વર્તુળમાં ઉત્તમમાં ઉત્તમ બૌદ્ધિકો અને વિદગ્ધોને આકર્ષતી. એની પ્રશંસા કરતા સ્તોત્રોથી એ સમયનું સાહિત્ય પ્રતિધ્વનિત થઈ ઊઠ્યું છે અને કવિઓનાં મહાકાવ્યોમાં એ સંપૂર્ણ સ્ત્રીત્વના રૂપે બહાર આવી છે. સામાજિક બહિષ્કારમાંથી તો એ બચી જ ગઈ. પણ સમાજે એને આવકારી અને આદર આપ્યો. રાજ્ય એને સતાવવાને બદલે એની મૂલ્યવાન થાપણ તરીકે ગણના કરતું અને શક્ય એટલું એને પ્રોત્સાહન આપતું. આમ કરવાનાં રાજ્યોને સારાં એવાં કારણો હતાં. મોહક સિદ્ધહસ્ત ગણિકા દૂર દૂરનાં સ્થળોથી આવતાં કુતૂહલભર્યા મુલાકાતીઓનાં ટોળાંઓને આકર્ષતી. એનો આ ‘અદૃશ્ય વેપાર’ આસપાસના લોકો માટે સમૃદ્ધિ લાવતો અને રાજ્યની તિજોરીને તરબતર કરી દેતો. ‘વિનય’માં આને લગતી એક સરસ કથા છે. એ સમયે વૈશાલી ખાધેપીધે એકદમ સુખી, લોકોથી ઊભરાતું અતિ સમૃદ્ધ માતબર નગર હતું. વૈશાલીની આટલી બધી સમૃદ્ધિનું રહસ્ય ગણિકા અંબાપાલિકા હતી. રાજગૃહનો એક વેપારી વૈશાલીની સમૃદ્ધિથી ખૂબ પ્રભાવિત થયો અને એનું કારણ શોધી કાઢ્યું. પાછા ફરતાં એણે મગધના રાજા બિંબિસારની મુલાકાત લીધી. એણે રાજાને ખૂબ વિસ્તારથી વૈશાલીની સમૃદ્વિનું રહસ્ય સમજાવ્યું. આપણે પણ એક અત્યાકર્ષક ગણિકા ઊભી કરીએ એવું એણે રાજાને સૂચન કર્યું. રાજાને એ સૂચન ગમી ગયું. રાજગૃહમાં શાલવતી નામની સુંદર કન્યાને ગણિકા તરીકે સ્થાપવામાં આવી અને વખત જતાં રાજગૃહ પણ અત્યંત સમૃદ્ધ નગર બન્યું. ઈસવીસનની ૧લી સદીમાં અશ્વઘોષે બુદ્ધ-ચરિત લખ્યું. અશ્વઘોષ વિખ્યાત કુશાન રાજા કનિષ્ઠનો ધાર્મિક બાબતોમાં સલાહકાર હોવાથી એને વિશેષાધિકારો ભોગવતા વર્ગની આદતો અને રીતભાતોનું નિરીક્ષણ કરવા માટે ઘણી તકો મળતી. ખાનદાન કુટુંબના નબીરાઓને જંગલ જેવી જગ્યાઓમાં મોહક સ્ત્રીઓના સાથમાં મઝા લૂંટતા એના જોવામાં અનેક વાર આવ્યું. એણે ખુદ પોતાના રાજાને અંતપુરની દાવપેચ લગાવતી કામી સ્ત્રીઓથી ઘેરાયેલો જોયો. અશ્વઘોષે ૧લી સદીમાં જે જોયું તે એણે ઈસવીસન પૂર્વે ૬ઠ્ઠી સદીમાં એટલે કે બુદ્ધના સમયમાં રૂપાંતરિત કરી નાખ્યું. પણ લેખક કહે છે કે એનો અર્થ એવો નથી કે એણે જે ચિત્ર દોર્યું તે તદ્દન વાસ્તવ-વિરોધી હતું. ઊલટું ગૌણ બાબતોને લગતી તત્ત્વતઃ એ સાચી નોંધ હતી. છ સદીઓ પહેલાંનું ભારત પહેલી સદીના ભારતથી મુખ્યત્વે ખાસ જુદું નહોતું. પણ ગૌતમ પોતે પોતાના એ સમયના પરિવેશમાં કેટલા સુસંગત હતા એ પ્રશ્ન તો છે જ. એમના ચિંતનશીલ સ્વભાવને એ ભાગ્યે જ માફક આવે એમ હતું. આ આમોદપ્રમોદના ભાગીદાર નહીં, પણ એના દૃષ્ટા હોવાનું એની પ્રકૃતિને અને એના સામાન્ય વલણને વધુ માફક આવે એવું હતું. કોઈ પણ યુગના સામાજિક જીવનનું કેવું તો સંકુલ ચિત્ર હોય છે! કેવાં તો પરસ્પર વિરોધી લાગતાં પરિબળો કાર્યાન્વિત હોય છે! બુદ્ધનો એ સમય તીવ્ર આધ્યાત્મિક ઉત્તેજનાનો હતો. કદાચ દુનિયાના કોઈ પણ ભાગમાં ગ્રીસને આ બાબતમાં અપવાદ ગણો તો – લોકોએ આટલી તીવ્ર માત્રામાં આત્મ-સંપ્રજ્ઞતા પ્રાપ્ત કરી નહોતી. એમ પણ કહી શકાય કે ભારતીય લોકોની મીમાંસાત્મક પ્રતિભા જેટલી ગૌતમના દિવસોમાં પ્રસ્ફૂટિત થઈ એટલી પાછળના યુગમાં થઈ નહીં. ગૌતમ અને એમના સમકાલીન બૌદ્ધિકો એક બાબતમાં નસીબદાર હતા કે મનના પ્રદેશોની શોધખોળ વિદ્યાકીય સામાન્યતા (મિડિયોક્રિટી) કે આપખુદ પંડિતાઈના અવરોધ વગર કરી શકતા હતા. લેખકે બુદ્ધને અધ્યાપકની કક્ષાએ મૂકી દીધા! બુદ્ધ માત્ર બૌદ્ધિક હોય એવું વલણ વધતે-ઓછે અંશે પુસ્તકમાં સર્વત્ર રહ્યું છે. ગૌતમ બુદ્ધે બોધિ પ્રાપ્તિ કે જ્ઞાનપ્રકાશ પ્રાપ્ત કર્યો એ માટે ઇકબાલ સિંહ કહે છે કે ગૌતમની અનુભૂતિનું સાચું સ્વરૂપ શું હતું એ આપણે માટે હંમેશાં રહસ્યમય રહેવાનું. બહુ બહુ તો એનું કોઈ કામચલાઉ અર્થઘટન કરી શકીએ. અલબત્ત ઘણાં બધાં અર્થઘટનોની સંભાવના નકારી ન શકાય, એ સાચાં કે ખોટાં હોઈ શકે. આપણે જે દૃષ્ટિબિંદુ ઉપર ભાર આપવા માંગતા હોઈએ એની પસંદગી કરવાની રહે અને આ પસંદગી અનિવાર્યપણે આપણે ધારીએ કે ન ધારીએ તોપણ વધતા ઓછા પ્રમાણમાં અંગત અને આપણી વિશિષ્ટ અભિરુચિ પ્રમાણે રહેવાની. તો શું કહે છે ઇકબાલ સિંહ આ બોધિ-પ્રાપ્તિ સંબંધે? એ કહે છે કે એ અનુભૂતિ સાદી અને બુદ્ધિગમ્ય હતી, અથવા તો વધારે સાચી રીતે કહેવું હોય તો ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરતાં એ વધારે રહસ્યમય નહોતી. ગૌતમે અને ન્યૂટને એ સાચું છે કે ખૂબ જુદાં જુદાં ક્ષેત્રોમાં કામ કર્યું. અંતિમ અર્થમાં આ તફાવત ખૂબ નજીવો જ કહેવાય. વધારે મહત્ત્વનું તો એમની પદ્ધતિઓમાં મુખ્યત્વે રહેલા સરખાપણાનું છે. ગૌતમની શોધતપાસનું ક્ષેત્ર માનવીય મનનું વિશ્વ અને એનું સંચાલન કરતા સંબંધો અને નિયમોનું અને એની સંરચનામાં રહેલા ગુણો અને ગૂઢ તત્ત્વોનું હતું. એ સહેલું તો નહોતું જ. મરેલા દેડકા માટે વસ્તુનિષ્ઠ થવું સહેલું છે, પણ ઢગલો તૃષ્ણાઓથી ધબકતા હૃદય અંગે વસ્તુનિષ્ઠ બનવું એટલું સહેલું નથી. છતાં બુદ્ધ આમાં સફળ રહ્યા. આ એમની ઝળકતી સિદ્ધિ હતી. અને આ પણ એમની બોધિપ્રાપ્તિનો અર્થ હતો. ગૂઢમાં ગૂઢ સત્યોની શોધ ઘણી વાર એકદમ સાદા સંબંધોની પહેચાનમાંથી થતી હોય છે. ભલે ને બૌદ્ધિક વિવાદ અને પ્રાયોગિક વિશ્લેષણની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાનું બન્યું હોય, પણ સત્યનું અંતિમ પ્રાગટ્ય એકાએક અને અનપેક્ષિત ઝબકારમાં થઈ જતું હોય છે. પણ બુદ્ધનું રહસ્યોદ્ઘાટન આખરે શું હતું એ ઇકબાલ સિંહની અભિરુચિ પ્રમાણે બહુધા બૌદ્ધિક કક્ષાનું રહે છે. એ લખે છે, “Enligntenment was the recognition of the World - as it really is; as it can be, with the use of a little more understanding through being Vigilant, Strenuous and resolute.” વળી લેખક કહે છે કે ગૌતમ સજાગ હતા. જેમ માક્ર્સ એની રીતે સજાગ હતા કે દુનિયાને બદલવાનો યત્ન કરવો હોય તો પહેલાં એ જેવી છે તેવી સમજવી જોઈએ. અહીં પણ માક્ર્સ અને બુદ્ધ એક જ બૌદ્ધિક કક્ષા ઉપર મુકાયા. ઇકબાલ સિંહ બુદ્ધ પુનર્જન્મમાં માનતા હતા કે નહીં તે પ્રશ્ન પણ હાથ ધરે છે. બુદ્ધે શાશ્વત આત્મા જેવું કંઈ છે એનો નકાર કર્યો છે. ઇકબાલ સિંહનું કહેવું છે કે બુદ્ધે જ્યારે શાશ્વત આત્માનો નકાર કર્યો હોય ત્યારે એ પુનર્જન્મમાં માનતા હતા એમ કોઈ કહે તો એ સમજવાનું ખૂબ મુશ્કેલ થઈ પડે. છતાં સૌથી શરૂઆતના બૌદ્ધ દર્શનના સંકલનકર્તાઓ હતા ત્યારથી તે આજ સુધી તથાગત પુનર્જન્મમાં માનતા હતા તે કહેવાનો એક પ્રકારનો રિવાજ પડી ગયો છે. શાશ્વત આત્મામાં માનતા હો અને પુનર્જન્મમાં માનો તો એ પણ ઇચ્છાનું પ્રક્ષેપણ અને ભ્રાંતિ તો છે જ, પણ કમમાં કમ એ સંગત અને તર્કયુક્ત છે. પણ અમર આત્મામાં માન્યા વગર પુનર્જન્મમાં માનવું એ એવી ભ્રાંતિ છે જે પાછી અસંગત અને અતાર્કિક છે બુદ્ધના દર્શનને કોઈ મહાવિદ્યાલયના મહા-નિબંધને તપાસતા હોઈએ એ રીતે માત્ર તર્ક અને સંગતિના સંદર્ભમાં જ જોવું એ યથાર્થ ચિત્ર ઊભું કરવામાં ખાસ્સું ઊણું પડે. પુનર્જન્મમાં કોઈએ માનવું ન માનવું એક વાત છે અને બુદ્ધનું દર્શન શું હતું એ આપણી પાસે જે પ્રમાણો હોય તેમાંથી તારવવું એ જુદી વાત છે. ઇકબાલ સિંહ પોતે જ કહે છે કે બૌદ્ધ દર્શનની પુનર્જન્મની વાત સૌથી આરંભનાં સંકલનોથી સંઘરાયેલી ચાલી આવી છે. ડૉ. રાધાકૃષ્ણન કહે છે, “જો કે બૌદ્ધ ગ્રંથો ઉપર પછીના સમયમાં ઘણા હાથ ફરી ગયા છે. છતાં તે ધર્મના મૂળ સંસ્થાપકના યાદ રાખવાને યોગ્ય શબ્દો કે કૃત્યો આપણને ઠીક ઠીક ચોક્કસ સ્વરૂપે જાણવા મળે છે. તેમની જીવનકથામાં પેઠેલી અલંકારયુક્ત ચમત્કારિક ઘટનાઓ તથા ઐતિહાસિક નહીં એવાં વર્ણનો, જેવાં કે ગૌતમના જન્મ વખતે થયેલા ચમત્કારો વગેરે છતાં બુદ્ધના જીવનની અગત્યની ઘટનાઓ તેમજ તે જે જમાનામાં વિહરતા હતા તેનું ચિત્ર, તથા તેમના ઉપદેશનું શરૂઆતનું સ્વરૂપ એ બધી વાતમાં પાલિ ધર્મગ્રંથો, સિલોનના તવારીખ ગ્રંથો અને સંસ્કૃત ભાષામાં લખાયેલા બૌદ્ધ ગ્રંથોની વચ્ચે મૂળગત સમાનતા છે.” બૌદ્ધ ધર્મના સારા અભ્યાસી અને વિપશ્યના ધ્યાન પદ્ધતિનો જેમને સારો અનુભવ છે એ શ્રી જયંતીભાઈ શાહને મતે અનાત્મવાદ છતાં ગૌતમ બુદ્ધ પુનર્જન્મમાં માનતા હતા એ વાત યથાર્થ છે. બુદ્ધે અનિત્ય દેહ અને ક્ષણિક ચિત્તની વાત કરી છે. દેહ સતત પરિવર્તનશીલ છે જ, પણ ચિત્તની પરિવર્તનની ગતિ અત્યંત તીવ્ર હોય છે. મરણ પામતાં ચિત્તની સાથે મૃત વ્યક્તિની વાસનાઓ જાય અને બીજો જન્મ ધરે છે. જાતકકથાઓનું અસ્તિત્વ પણ ગૌતમ બુદ્ધની માન્યતાને સમર્થિત કરતું લાગે. ગમે એટલું અસંગત લાગે તોપણ બૌદ્ધ દર્શનમાં એ જ જોરે એને નકારી દેવું વસ્તુનિષ્ઠ નથી લાગતું. ઇકબાલ સિંહ જે રીતે બૌદ્ધ કલા અજંટામાં પ્રતિબિંબિત થતી જુએ છે એ અત્યંત ટૂંકામાં પણ જોઈ જવું જરૂરી છે. એ કહે છે કે અજંટાની કલા સાચી અને પ્રમાણભૂત છે. આકૃતિઓની ગોઠવણી, ગતિની સમતુલા અને અભિગમ જીવનમાં રહેલા વિશાળ લયને પકડે છે. અજંટાની અર્થવત્તા બધી સાચી કલાઓની જેમ એક પ્રકારના સાક્ષાત્કારને નિરૂપિત કરે છે. એ બૌદ્ધ ધર્મમાં અને ખાસ તો બૌદ્ધ મઠવાદમાં રહેલા પાયાના સંઘર્ષને એની પૂરી તાકાતમાં ઉદ્ઘાટિત કરે છે. એ સાચું છે કે મઠવાદીઓએ જે ભીત્તિ ચિત્રો દોર્યાં એમનું ધ્યેય તો ‘મહાન જીવન’ અંગેની દંતકથાઓ શ્રદ્ધાવાનોને બોધ મળે એ માટે ચીતરવાની હતી. એ પણ સાચું છે કે પોતાના સ્વમાં રહેલા દ્વૈતને અભિવ્યક્ત કરવાનો એમનો કોઈ સભાન ઇરાદો નહોતો અને કોઈએ આવા અપવિત્ર હેતુનો એમના ઉપર આક્ષેપ કર્યો હોત તો એમને મોટો આઘાત લાગ્યો હોત. પણ બધી કલા, ધાર્મિક હોય કે ધર્મનિરપેક્ષ હોય, કલાકારના કોઈક પ્રકારના અંગત એકરારને સમાવિષ્ટ કરતી હોય છે. અજંટાના કલાકારો બિનઅંગતતાના એમના બધા યત્નો છતાં એમની પોતાની બુદ્ધની અનુભૂતિ કરતાં પોતાની માનસિક અવસ્થા, મથામણો અને એમના હિચકિચાહટ વિશે વધુ કહે છે. અજંટાના ત્યાગીઓને સ્ત્રીના શરીરના રહસ્યનું વળગણ હતું; એમની માનસિક આંખો સામે નૃત્ય કરતી કન્યાઓના, આડી પડેલી કામિનીઓનાં દૃશ્યો હતાં. પસંદ કરવું સહેલું છે, પણ પોતાની પસંદગીને વળગી રહેવું મુશ્કેલ છે. અલબત્ત બૌધિસત્ત્વ પદ્મપાનિ એમની સુંદર આંગળીઓ વચ્ચે ઇષ્ટ નિયમરૂપી કમળને ફેરવતા ત્યાં આસનસ્થ છે, પણ એ એમને ચેન બક્ષવામાં સફળ નથી થતાં, ઝાંખી પાર્શ્વભૂમાં લલચાવનારું સ્ત્રી શરીર છે. ઈકબાલ સિંહનું અજંટાની કલા માટેનું આ અર્થઘટન કેટલું યોગ્ય છે એ કહેવા માટેની મારી પૂરેપૂરી અજ્ઞાનતા અને અપાત્રતા છે. માત્ર મેં થોડા શબ્દોમાં અહીં મૂકી દીધું છે. પણ અજંટાના એક ભીત્તિ ચિત્રમાં ભિક્ષા માંગવા માટે ઊભેલા ભિખ્ખુના માનસનું જે રીતે એમણે અર્થઘટન કર્યું છે તે મને ખૂબ દૂરગામી લાગ્યા વગર રહેતું નથી. એ લખે છે કે ચિત્રમાં મહેલના દ્વાર પાસે ઇષ્ટ નિયમરૂપી કમળને લઈ ઊભેલો ભિખ્ખુ માત્ર ઉપદેશ આપવા નહીં, પણ ભિક્ષા માંગવા માટે પણ આવ્યો હતો. થોડી બીજી તરફ વાળેલી નીચી ઢાળેલી આંખો છતાં આ અદુન્યવી મુલાકાતીની આસપાસ એક પ્રકારની અપેક્ષાની હવા છે. એને ભોજન મળે એની એને અપેક્ષા છે કારણ કે આધ્યાત્મિક માણસને પણ ખોરાકની જરૂર હોય છે; અને કદાચ ત્યાં ભિખ્ખુની હાજરીનો બીજો સૂક્ષ્મ હેતુ પણ છે; એની આંખોમાં લજ્જાભરી વાચા ન પામેલી ઇચ્છા છે અને કોઈને પણ એમ લાગ્યા વગર ન રહે કે દુનિયાને ત્યાગનારો મહેલ પાસે પોતે જે ત્યાગ્યું છે તેની ઝલક લેવા આવ્યો છે. લેખકના આવા અર્થઘટનને શું કહેવું? સંન્યાસીઓ ભિક્ષા માંગે એ આપણી ચાલી આવેલી પરંપરા છે — આપણે ખૂબ પરિચિત છીએ એનાથી. પણ જે સ્વરમાં એણે આખી વાત મૂકી છે એ લેખકના કોઈ વળગણની ચાડી ખાય છે. અજંટાની કલાની બાબતમાં એક અન્ય દૃષ્ટિકોણ પણ ઇકબાલ સિંહે બતાવ્યો છે તે જોઈએ. બ્રાહ્મણકલામાં જેમ ઐન્દ્રિયતા (Sensuality) છે એમ બૌદ્ધ કલામાં પણ છે. પણ એમાં તફાવત છે. બ્રાહ્મણકલા ઐન્દ્રિક સીધે સીધી રીતે છે જ્યારે બૌદ્ધ કલાની ઐન્દ્રિયતા પ્રતિગામી છે. આ તફાવત જ્યારે આપણે ખજુરાહો અને કોનાર્કના વૈષ્ણવ અને શૈવ શિલ્પને સાંચી અને અમરાવતીના શિલ્પ સાથે સરખાવીએ ત્યારે એકદમ સ્પષ્ટ થાય છે. શૈવ કલાની બાબતમાં લગભગ જાતીયતા કહી શકાય એમ એને શૃંગારિક (erotic) રહસ્યવાદ સુધી લઈ જવામાં આવી છે. જ્યારે બૌદ્ધ કલામાં ઐન્દ્રિક વળગણનું મૂળ અને અંત અતીત ઝંખનામાં છે. આ અતીત ઝંખના કોઈ પરિપૂર્તિની અશક્યતાને કારણે કારુણ્ય અને કલાન્ત-દશાની લગોલગ પહોંચે છે. બૌદ્ધ કલામાં ઐન્દ્રિયતા નહીં એવું બીજું પણ એક તત્ત્વ છે. એ ભારતની બૌદ્ધ કલામાં દેખાતું નથી અને બીજે પણ એનું અસ્તિત્વ નથી. પણ એ દેખાય છે ચીનમાં. ટેંગ અને સુંગ સમયની બધી જ કલા અને કવિતામાં એ વ્યાપેલું દેખાય છે. આ દર્શનનું નવું તત્ત્વ ચીની કલાકારો સીયા કુઈ અને મા લીનનાં ભૂમિદૃશ્યોમાં પૂર્ણપણે વ્યક્ત થયું છે. બૌદ્ધ દર્શનનો કલામાં વ્યક્ત થયેલો આ નવો ગુણ કયો છે? ઇકબાલ સિંહના શબ્દોમાં જ જોઈએ : “Here we see the world and its Phenomena through a consciousness which is no longer time haunted and time-weary, because it has understood the very nature of time. Here we are in a universe which is devoid of tension-not because contrarieties and conflicts have ceased to operate, but because they have somehow become intelligible. Here, in the very contemplation of transiency, we receive a measure of eternity. Here the mind manages to realize a stasis within the flux itself, so that even a water fall-normally symbolizing incessant movement-emerges as a symbol of stillness. Here the human soul is at once ‘Wandering and captive.’ Here the wheel turns and does not turn. Here the Paradox is no longer a Paradox, but rather a luminous certitude. Here we are in the very heart of peace.” સ્વયં ગૌતમ બુદ્ધના બોધિપ્રસંગને વર્ણવતા લેખક બુદ્ધિ પાર જતા દર્શનની વાત ન કરી શક્યા તે તેમણે ચીની બૌદ્ધ કલાકારોની વિરલ અભિવ્યક્તિનો મહિમા કરતાં સુંદર રીતે કરી છે. આ સાથે જ વીરમીએ.

તા. ૨૦-૯-૯૪