અન્વેષણા/૨૧. અમદાવાદની પોળ : ઐતિહાસિક દૃષ્ટિએ

From Ekatra Wiki
Revision as of 02:30, 11 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અમદાવાદની પોળ


-ઐતિહાસિક દૃષ્ટિએ



સ્થળનામોનો અભ્યાસ એ બહુ રસિક વિષય છે. સ્થળ નામોમાં જેમ નગરો, ખેતરો ઇત્યાદિનાં નામોનો સમાવેશ થાય છે તેમ લત્તાઓ, મહોલ્લાઓ, શેરીઓ અને પોળોનાં નામ પણ એમાં આવી જાય છે. પોળો અને શેરીઓ એ ગૂજરાતની નગરરચનાનું એક ધ્યાન ખેંચતું લક્ષણ છે. મૂળ અર્થની દૃષ્ટિએ જોઈએ તો પોળ શબ્દ સંસ્કૃત प्रतालि ઉપરથી પ્રાકૃત पाओलि દ્વારા ઊતરી આવ્યો છે. પોળ એટલે દરવાજો. મારવાડમાં હજી પોળ શબ્દ દરવાજાના અર્થમાં વપરાય છે. ગુજરાતમાં પણ ત્રણ દરવાજાને ‘ત્રિપોળીયું’ કહે છે. મહોલ્લાઓની બહાર દરવાજો હોય તે ઉપરથી તેને પણ પોળ કહેવા માંડ્યા. એ દરવાજાની અંદરનો માર્ગ જેની બંને બાજુએ વસવાટનાં મકાનો આવેલાં હોય તે ‘શેર’ કે ‘શેરી’. સમય જતાં ‘પોળ' અને ‘શેરી' એ મને બંન્ને શબ્દો લગભગ પર્યાય તરીકે વપરાવા લાગ્યા. ગુજરાતમાં લગભગ બધાં જ જૂનાં નગરોમાં પોળ કે શેરી છે. પણ અમદાવાદની પોળો સૌથી વધારે જાણીતી છે. જૂના અમદાવાદની નગરરચના પાટણ ઉપરથી યોજાઈ હતી. ‘પાટણ જોઈ અમદાવાદ વસ્યા’ની એક કહેવત છે. અહમદશાહે અમદાવાદ વસાવ્યું ત્યાં સુધી પાટણ ભારતના સુંદર નગરો પૈકી એક હતું. એટલે અમદાવાદની રચનામાં એને નમૂના તરીકે લેવામાં આવે એ તદ્દન સંભવિત છે. પાટણમાં રાજગઢીને ‘ભદ્ર' કહેતા, માટે અમદાવાદમાં પણ તેને ‘ભદ્ર’ નામ અપાયું. પાટણ અને અમદાવાદના સંખ્યાબંધ મહોલ્લાઓનાં નામો એક સરખાં છે, એમાં પણ આ કારણ હશે. જેમકે બંને શહેરોમાં રતનપોળ, સાંકડીશેરી, કટકિયાવાડ, સાળવીવાડ, કસુંબાવાડ, ઢાલગરવાડ, દોસીવાડો વગેરે છે. જોકે અમદાવાદના જુદા જુદા લત્તાઓનાં ચાલુ નામ પૈકી કયાં બાદશાહી સમય જેટલાં જૂનાં છે અને કયાં મુકાબલે અર્વાચીન છે એ બધા દાખલાઓમાં તો કહેવું મુશ્કેલ છે, એટલે આ નામસામ્ય આપણને સર્વ સ્થળે ઉપયોગી ન થાય, તોપણ એ ધ્યાનપાત્ર તો અવશ્ય છે. કિલ્લાની પાડી નંખાયેલી દિવાલોમાંના અમદાવાદમાં એની સ્થાપનાના સમય પછી ઘણાં પરિવર્તનો થયેલાં છે, અને અત્યારના અમદાવાદ ઉપરથી તેની ચોક્કસ કલ્પના કરવી મુશ્કેલ છે. એક સાથે દસ ગાડાં જઈ શકે એવા અમદાવાદના રાજમાર્ગોનો પછીના સમયમાં તો ખ્યાલ પણ ભાગ્યે આવી શકે. મરાઠા સમયમાં શહેર ઉજ્જડ થવા આવ્યું હતું. ખાનપુર, મિરજાપુર અને દિલ્હીચકલા આસપાસના એકવારના ભરચક વસતિવાળા વિસ્તારોમાં ખેતી થતી હતી, એ સમયમાં શહેરની ખાસ કરીને હિન્દુ વસતિ અમુક લત્તાઓમાં પોતપોતાનાં જ્ઞાતિવાળાંઓ સાથે જ રહેવાને ઉત્સુક હતી. અમુક પોળોમાં જગાની તંગી હોય તો લાંચરુશવતથી વચ્ચોવચ પણ મકાનો કરવાની છૂટ મળતી, અને રસ્તો એટલા પ્રમાણમાં સાંકડો થતો – અથવા કોઈ વાર સાવ બંધ પણ થતો ! અંગ્રેજી અમલની સ્થાપના પછી શહેર ધીરેધીરે આબાદ થવા માંડયું તથા ઉજ્જડ વિસ્તારોમાં નવી નવી પોળો વસાવીને નવી વસતિ એમાં રહેવા લાગી. શાહપુરની નવી પોળ, સ્વામીનારાયણના મંદિર પાસેનો નવોવાસ, દાણાપીઠનો નવોવાસ, માંડવીની પોળમાં લાલાભાઈની પોળ પાસેનો નવોવાસ—એ સર્વ સ્થળોનાં નામો આ રીતે સૂચક છે. સ્વામીનારાયણના મંદિરનો નવોવાસ તો હાથીખાનું પણ કહેવાય છે, કેમકે ત્યાં મંદિરના હાથી બંધાતા. અમદાવાદની કેટલીક પોળો છેલ્લાં દોઢસો વર્ષોમાં નવી વસેલી છે; અથવા એમને નવાં નામો અપાયેલાં છે. એ માત્ર સ્થાનિક ઇતિહાસની દૃષ્ટિએ જ નહિ, પણ આ પ્રકારનાં સ્થળનામોના સમગ્ર અભ્યાસ માટે એક રસિક વિષય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારો કરતાં પશ્ચિમ વિસ્તારોમાં પોળો ઓછી છે; ખાસ કરીને હિન્દુ વિસ્તારવાળા લત્તાઓમાં પોળો વિશેષ છે. કાળુપુરમાં પણ બીજા મુસ્લિમોના મુકાબલે વહોરાઓનો જ વસવાટ પોળોમાં વિશેષ છે. જૂની પોળોમાં શેરીઓની સંકડાશ પ્રમાણમાં ઠીક ઠીક છે. મને લાગે છે કે એ સંકડાશ નવી નથી, પણ ગુજરાતની પ્રાચીનતર નગરરચનાનો એ વારસો છે. ઈસવીસનના સોળમા સૈકાના આરંભમાં થયેલો ગુજરાતી કવિ માંડણ જેણે પોતાની ‘પ્રબોધબત્રીશી’માં લોકપ્રચલિત કહેવતો સાથે ઉપદેશ ગૂંથ્યો છે તે એક સ્થળે લખે છે કેઃ— ‘જાણેશિ જાં તું યમકરિ ચડી, ગૂજરાત શેરી સાંકડી.’ અર્થાત્ તું યમદેવના હાથે ચડીશ ત્યારે ખબર પડશે કે ગુજરાતની શેરી સાંકડી છે. અહીં ‘ગૂજરાત શેરી સાંકડી' એ વાક્ય સ્પષ્ટ રીતે એક કહેવત જ છે. જનસમાજના સર્વ સામાન્ય ઉક્તિભંડોળમાં પ્રવેશ પામેલાં આવાં વાકયો ઘણાં જૂનાં હોય છે અને તેમની પાછળ પ્રજાજીવનના કંઈ કંઈ રહસ્યો છુપાયેલાં હોય છે. આ ઉક્તિ એનું અવતરણ આપનાર માંડણ કરતાં કેટલાક સૈકા જેટલી જૂની હશે. ગુજરાતનાં જૂનાં શહેરોની રચના પરત્વે સંક્ષેપમાં તે એક ઐતિહાસિક સત્ય રજૂ કરે છે. પણ વચ્ચે અંધાધૂંધીના સમયમાં આ સાંકડી શેરીઓ અને તેમની પોળો અથવા દરવાજાઓ સલામતી શેાધવાનાં સ્થાનો બન્યાં હતાં. સારાં મકાનો પોળના સાવ ખૂણામાં જ હોય. સરિયામ રસ્તાઓ ઉપર પોળોનાં મકાનોની માત્ર પછીતો જ પડતી, એટલે રસ્તાઓ ઉપર ફરવાથી પોળોના જીવનની કંઈ ખબર પડતી નહીં અમદાવાદમાં આવેલા કેટલાક પરદેશી મુસાફરોએ આ વિષે નોંધ પણ કરી છે. પોળો એક પ્રકારના કિલ્લા જેવી હતી. પોળોના મેડા ઉપર બંદૂકની ગોળીઓ માટેનાં કાણાં રખાતાં અને કેટલીયે પોળોના દરવાજે યુદ્ધો પણ ખેલાયાં હતાં. અલબત્ત, જ્યારે શહેર વસ્યું હશે ત્યારે પોળોની રચનામાં કંઈ નિયમ રખાયો હશે પણ પછીના સમયમાં એ સંબંધમાં કોઈ સિદ્ધાંતનું પાલન થયું હોય એમ લાગતું નથી. જૂના અમદાવાદની નગરરચનાના સુધારામાં નડતાં વિઘ્નોમાં આ પણ એક મોટું વિઘ્ન છે. હવે અમદાવાદની કેટલીક પોળો અને લત્તાનાં નામ પાછળનો ઇતિહાસ ટૂંકામાં જોઈએ. અમદાવાદની વ્યાપારી પ્રવૃત્તિઓના કેન્દ્ર રૂપ માણેકચોકમાંની મહુરત પોળ સૌ પહેલાં લઈએ. અમદાવાદ વસ્યું ત્યારે મુહૂર્તમાં આ પોળ પહેલી વસેલી, તેથી એનું આ નામ પડ્યું એવી કિંવદન્તી છે. ત્રિપોળીઆ અથવા ત્રણ દરવાજા પાસેના પાનકોરના નાકા માટે કહે છે કે ત્યાં એકવાર ગણિકાઓનો લત્તો હતો અને ત્યાં વસતી પાનકોર નામે ગણિકાના નામ ઉપરથી એ પાનકોરનું નાકું કહેવાય છે. પાટણમાં પણ ત્રણ દરવાજા પાસે ગણિકાઓનો વસવાટ હતો એમ સૂચવતી કેટલીક કહેવતો પ્રચલિત છે એ જોતાં આ અનુશ્રુતિ વજૂદવાળી લાગે છે. અમદાવાદ રેલ્વે સ્ટેશન થયા પછી વ્યવહારની સગવડ માટે નવો થયેલો રાજમાર્ગ રીચીરોડ—જે કેટલાંક વર્ષથી ગાંધીરોડ કહેવાય છે એની આસપાસના મહેલ્લામાં ઢીંકવા, હાજાપટેલની પોળ અને નિશાપોળના જૂના ઉલ્લેખો મળે છે. ઢીંકવા અગાઉ એક વિશાળ લત્તાનું નામ હતું, પણ હમણાં તો ઢીંકવા ચોકીને લીધે જ એ નામ જાણીતું છે. સં. ૧૫૯૯ના એક જૂના દસ્તાવેજમાં ‘ઢીંકવે હાજાપટેલની પોળ'નો ઉલ્લેખ મળે છે, એક જૂની જૈન પટ્ટાવલિમાં પણ સં.૧૬૭૧માં આ પોળ વિષે નોંધ છે, એ જ પટ્ટાવલિમાં સં. ૧પ૯૬માં અમદાવાદમાં ‘નિશાપાટક’ માં આચાર્ય આણંદવિમલસૂરિનો ઉલ્લેખ છે. આ ‘નિશાપાટક’તે ઝવેરીવાડમાંની નિશાપોળ હોય એ સંભવિત છે. ઝવેરીવાડ સામેની નાગોરીશાળાનું નામ ‘મિરાતે અહમદી’માં ‘નાગોરી સરાઈ' તરીકે આપ્યું છે અને પાંજરાપોળથી રતનપોળ જતા ત્યાં આગળના રસ્તાને સૈફખાંનો રસ્તો કહ્યો છે. અમદાવાદના પ્રસિદ્ધ સુબા મુહમ્મદશફી અથવા સૈફખાંના નામ ઉપરથી આ રસ્તાનું નામ પડયું હશે એમ શ્રી. રત્નમણિરાવ ભીમરાવ માને છે. હાજા પટેલની પોળ અંદરની અન્ય પોળોમાં ‘પાછિયાની પોળ’ એ ‘પાદશાહની પોળ’ છે. ‘લાંબેસર' એ ખરું જોતાં ‘લાંબો શેર’ છે. ‘શેર’ એટલે ‘શેરી’ની નરજાતિ. પાટણમાં ‘પીપળાનો શેર’ છે. ‘પાણી શેરડો’ એમાં પણ એ શબ્દ છે. હાજાપટેલની પોળમાંના એક લાંબા રસ્તાને ‘લાંબો શેર’ નામ અપાયું હશે, જેનું ‘લાંબેસર’ એવું રૂપાન્તર થયું. કાળુપુરની અન્ય પોળોમાં ‘ઝાંપડાની પોળ’નું નામ કેટલીક પુષ્પિકાઓમાં ‘જહાંપનાહની પોળ’ એવું મળે છે, એ ખાસ નોંધપાત્ર છે. કાળુપુર દરવાજેથી કોટની રાંગે દરિયાપુર આવતાં ભંડેરી પોળ આવે છે. એનું જૂનું નામ ભંડેરીપુર છે. ‘મિરાતે અહમદી’ લખે છે કે અમદાવાદ શહેર વસ્યું એ સમયમાં થઈ ગયેલા એક ઓલિયા સૈયદ મહમુદ અથવા શેખપીર ભંડેરીપુરમાં રહેતા હતા, અને ત્યાં એમની કબર છે. આ પુરાવો જો સ્વીકારવામાં આવે તો ભંડેરી પોળ એ અમદાવાદની સ્થાપના જેટલી જૂની ગણાય. પ્રેમ દરવાજાથી ભંડેરી પોળ જવાને રસ્તે ચંદન તલાવડી નામનું એક નાનું તળાવ હતું. તળાવ તો પુરાઈ ગયું છે, પણ હજી સુધી એ લત્તો ચંદન તલાવડી તરીકે ઓળખાય છે. આશા ભીલની છોકરીના નામ ઉપરથી તે ચંદન તલાવડી કહેવાય છે એમ કેટલાક માને છે. જોકે હું ધારું છું કે એનું કારણ જુદું છે. આ સ્થળે મશરૂ ધોવાના કૂવા હતા અને ત્યાં ભંડેરી પોળના ખત્રીઓ તથા બીજા કારીગરો મશરૂ ધોવા માટે આવતા. ધોવાથી ગંદુ થયેલું પાણી જે ખાબોચિયામા ભેગું થતું તે ચંદન તલાવડી. પાલિમાં ગંદા પાણીના ખાબોચિયાને चंदनिका કહે છે, તથા પ્રાકૃતમાં ‘મોરી’નો પર્યાય चंदणिआ છે તે ઉપરથી આ અનુમાનને સમર્થન મળે છે. અભદ્ર વસ્તુના કથનને સારા શબ્દોમાં રજૂ કરવાની વક્રોક્તિ ભાષાના પ્રયોગમાં ઘણીવાર સ્થાન પામે છે, એ રોજના અનુભવની વાત છે. ચંદનતલાવડીથી તુરત દરિયાપુર આવી શકાય છે. દરિયાપુરમાંની ‘ચંગીસપોળ'નો ઉલ્લેખ ‘મિરાતે અહમદી'માં છે. શહેર બહારના પરા ચંગીસપુરની જેમ આ પોળનું નામ પણ પ્રસિદ્ધ સરદાર ચંગીસખાં રૂમીના સંબંધથી પડયુ હશે. નજદીકમાં જ ‘કટકિયાવાડ’ છે. કટક એટલે લશ્કરી છાવણીને પુરવઠો પહોંચાડનાર વેપારીઓ ‘કટકિયા' કહેવાતા અને એમના ઉલ્લેખો ઘણાં જૂનાં. કાવ્યોમાં છે. એમના વસવાટવાળો મહોલ્લો તે ‘કટકિયાવાડ.’ મિરજાપુર, ખાનપુર, અને રાયખડમાં પોળો નથી, એ નોંધપાત્ર છે. ‘સલાપોસ' એટલે ફારસી ‘સિલાફરોશ' અર્થાત્ હથિયારો બનાવનાર કારીગરોનો લત્તો. બંદૂકો અને બીજા હથિયાર બનાવનાર ઘણા કારીગર ત્યાં હતા. ત્યાં થઈને ફરી આપણે શહેરના મધ્યભાગ માણેકચોકમાં આવીએ. માણેકચોકથી સાંકડી શેરીમાં જતાં ગંગાધીયાની પોળ, હરિભક્તિની પોળ વગેરે ઐતિહાસિક પોળો છે. હજીરાની પોળ એ નામ એમાં મુસ્લિમ સ્થાપત્યશૈલીનો એક મોટો ઘુમટ છે, જે લગભગ અર્ધો જમીનમાં દટાયેલો છે, તે ઉપરથી પડ્યું છે. એની સાથે એક મોટી મસ્જિદ પણ હોવી જોઈએ. રાયપુરમાંની આકા શેઠના કૂવાની પોળ આગળના રસ્તાનું નામ ‘મિરાતે અહમદી'માં અખા શેઠના કૂવાની પોળનો રસ્તો ' એવું આપ્યું છે. ખરું નામ આકા શેઠ કે અખા શેઠ એ પ્રશ્ન છે. અખા શેઠ નામ સાચું ગણીએ તો અમદાવાદમાં થઈ ગયેલ વેદાન્ત કવિ અખો જે પૂર્વાવસ્થામાં એક ધનસમૃદ્ધ વ્યક્તિ હતો એના સંબંધ તો એ નામ સાથે નહીં હોય ? આ કેવળ એક તર્ક જ છે. ખાડિયાનું બીજું નામ અકબરપુર છે. અકબરના સમયમાં પંજાબમાંથી બ્રહ્મક્ષત્રિયો આવીને અમદાવાદમાં વસ્યા, અને તેમાંના ઘણા બાદશાહી નોકરીમાં જોડાયા. એમની વસતિ ખાડિયામાં જ હતી. તેમણે બાદશાહના નામ ઉપરથી આ લત્તાને અકબરપુર નામ આપ્યું. તોપણ છેવટે જૂનું નામ ખાડિયા જ ચાલું રહ્યું. આપણા દેશમાં સર્વત્ર સ્થળોના જૂનાં નામો બદલીને નવાં નામો ચાલુ કરવાનો પવન શરૂ થયો છે. તેથી કેટલાક દાખલાઓમાં આપણને ભાવનાગત સંતોષ થાય ખરો, પણ એમ કરવામાં લોકોને કશી સગવડ નહીં હોવાથી મોટે ભાગે જૂનાં જ નામો ચાલુ રહે છે એ અનુભવ છે. ખાડિયામાં જળોવાળીનું નાકું છે. ત્યાં એક બાઈ જળો લઈને બેસતી. ગડ ગુમડમાંથી પરૂ આ જળો ચૂસી લેતી. તેના ઉપરથી આ નામ પડ્યું છે. સારંગપુરમાં તળિયાની પોળ છે. અને દરિયાપુરમાં નવા તળિયાની પોળ છે. એ નામકરણને કંઈક સંબંધ હશે કે કેમ એ વિચારવા જેવું છે. કેટલીક પોળોનાં નામ ભાષાની દૃષ્ટિએ અગત્યનાં છે. જેમકે રઘુનાથ બંબની પોળ. એમાં ‘બંબ’ શબ્દ સંસ્કૃત ‘બ્રહ્મ’ નો પ્રાકૃત ‘બંભ' દ્વારા થયેલા અપભ્રંશ છે. અને તેનો અર્થ તો ‘બ્રાહ્મણ’ થાય છે. જાડો બમ એ રૂઢિપ્રયોગોમાં પણ બમનો એ જ અર્થ છે. ‘ગેાટીની શેરી'માં ગેાટી એ કેરીની ગોટી નથી; સંસ્કૃત ‘ગોષ્ઠિક'માંથી એ શબ્દ આવે છે, જેની સાથે ગુજરાતી શબ્દ ‘ગોઠિયો’ સંબંધ ધરાવે છે. કેટલીક પોળોનાં નામ દેવદેવીનાં મંદિર ઉપરથી છે, જેમકે વાઘેશ્વરીની પોળ, શામળાની પોળ, ગોંસાઈજીની પોળ, ખેતરપાળની પોળ, ઇત્યાદિ. કેટલીકનાં નામ વસાવનારના નામ ઉપરથી કે તેમાં રહેનાર કોઈ વ્યક્તિવિશેષ ઉપરથી છે, જેમકે—વાઘજીપરું, મોતીલાલ શેઠની પોળ, શંભુપ્રસાદની પોળ, બહેચરદાસની પોળ, વસ્તાઘેલજીની પોળ, મામુ નાયકની પોળ, ધના સુથારની પોળ, રાજા મહેતાની પોળ, કાળુશીની પોળ, અમૃતલાલની પોળ, જેઠાભાઈની પોળ ઇત્યિાદિ. કેટલાંક નામો જ્ઞાતિ ઉપરથી છે. જેમકે કડવા પોળ, પુષ્કરણાની પોળ, ઝારોળાની પોળ, તરગાળાવાડ, નાઇવાડો, ખત્રીવાડો, ખત્રીપોળ, ઇત્યાદિ. કેટલાંક નામો ધંધા ઉપરથી છે. જેમ—ભઠિયારાની પોળ, ધેાબીની પોળ, સરૈયાની પોળ, સરકી વાડ, ઢાલગરવાડ, દાંડીગરાની પોળ, ડબગરવાડ, છાપગરાની પોળ, ઇત્યાદિ. કેટલાંક નામ એમાં વસનાર લોકોના મૂળ વતન ઉપરથી છે. જેમકે—હાંસોલાવાડ. કેટલીક પોળોનાં નામ પ્રથમદૃષ્ટિએ અસંબદ્ધ લાગે, જેમકે—ડખાની પોળ, વાઘણ પોળ, ધંતુરા પોળ આદિ. પણ એમાંયે કઈ કારણો રહેલાં હોવાં જોઈએ. આ અભ્યાસનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. લંડનની શેરીઓ વિષે એક મોટો ગ્રંથ લખાયો છે. તેમ પાટણ, અમદાવાદ, વડોદરા અને સૂરત જેવાં ઐતિહાસિક શહેરો માટે થઈ શકે એમ છે. ઇંગ્લેન્ડમાં સ્થળનામોના અભ્યાસ માટે એક સ્વતંત્ર સંસ્થા- ‘પ્લેસનેમ સોસાયટી એફ ઇંગ્લેન્ડ' ચાલે છે. સ્થળનામોના અભ્યાસમાંથી આપણી સામાજિક સંસ્થાઓ, રીતરિવાજો, ધર્મસંપ્રદાયો, વ્યવસાયો, વ્યક્તિવિશેષો–ટૂંકામાં આપણા ઇતિહાસ અને સંસ્કારિતાના ઘણા મર્મો, જે બીજાં સાધનોમાંથી ભાગ્યે જ જાણવા મળે છે તે જાણવા મળશે એમાં સંશય નથી.


[‘સંદેશ,’ દીપોત્સવી અંક, સં, ૨૦૦૮]