અન્વેષણા/૨૨. ગુજરાતના ટાપુઓ : એક ઐતિહાસિક રેખાદર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુજરાતના ટાપુઓ


-એક ઐતિહાસિક રેખાદર્શન



દિલ્હીના પાદશાદ સિકંદર લોદીએ કહ્યું હતું કે ‘દિલ્હીના સુલતાનોની જાહોજલાલી ઘઉં અને જવ ઉપર છે; ગુજરાતના રાજાઓની જાહોજલાલી પરવાળાં અને મોતી ઉપર છે.’ સોળમા સૈકામાં ગુજરાતમાં આવેલા પોર્ટુગીઝ મુસાફર બાર્બોસા લખે છે કે– અમદાવાદના સુલતાનોની સમૃદ્ધિનો મુખ્ય હિસ્સો દેશના અંદરના ભાગમાંથી નહિં, પણ ધીકતા વેપારવાળા કિનારાના પ્રદેશોમાંથી આવતો હતો. ગુજરાતની આ દરિયાઈ જાહોજલાલીમાં કંઠાળ પ્રદેશમાં આવેલા ટાપુઓનો ઠીક ઠીક ફાળો છે. એ ટાપુઓમાં સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલા દીવ, શિયાળ અને ચાંચ; પશ્ચિમ કિનારે જગતભૂશિર પાસે બેટ શંખોદ્વાર, ખંભાતના અખાતમાં આવેલો પીરમ અને કચ્છના અખાતમાં આવેલો દ્વીપસમૂહ મુખ્ય છે. ‘દીવ' શબ્દ સંસ્કૃત ‘દ્વીપ’ ઉપરથી આવેલો છે. એટલે સામાન્ય નામનો વાચક શબ્દ જ અહીં વિશેષનામ બની ગયેલો છે. દીવનો ટાપુ સૌરાષ્ટ્રની મુખ્ય ભૂમિથી આશરે ત્રણ માઈલ દૂર આવેલો છે. દીવનો પ્રાચીન ઇતિહાસ આપણને સિલસિલાબંધ સ્વરૂપમાં મળતો નથી. જોકે ગિરનારની તળેટીમાંના અશોકના સુપ્રસિદ્ધ શાસનલેખવાળા ખડક ઉપર જ કોતરેલા ગુપ્ત સમ્રાટ સ્કન્દગુપ્તના, સુદર્શન નામે સરોવરના સમારકામની નોંધ લેતા શિલાલેખમાં ગુપ્તોના સૂબા પર્ણદત્તને द्वीपस्य गोप्ता महतां च नेता અર્થાત્ દીવનો રક્ષક અને મહાન જનોનો નેતા કહ્યો છે. સૌરાષ્ટ્રનાં અનેક મહત્ત્વનાં સ્થાનો પૈકી એક માત્ર દીવનો અહીં ભારપૂર્વક નિર્દેશ કર્યો છે એ તેની વેપારી તેમ જ લશ્કરી અગત્ય દર્શાવે છે અને ગુપ્તોના સૌરાષ્ટ્રના સામ્રાજ્યમાં એનું સ્થાન સૂચવે છે. સ્કન્દગુપ્તના શિલાલેખમાં સૂચવેલું સુદર્શન સરોવરનું આ સમારકામ ગુપ્ત સં. ૧૩૭ એટલે કે ઈ.સ. ૪૫૬-૫૭માં થયું હતું. એટલે સૌરાષ્ટ્રના કિનારા ઉપરના એક નોંધપાત્ર મથક તરીકેનો દીવનો પહેલો ઉલ્લેખ આપણને ઈસવી સનના પાંચમા સૈકા જેટલો જૂનો મળે છે. સાતમા અને આઠમા સૈકામાં ચીન જતાં આવતાં વહાણો દીવ બંદરે થોભતાં એવી નોંધો પણ તવારીખમાં છે. એ પછી વલભીપુરના શીલાદિત્ય ત્રીજાના ઈ.સ. ૬૬૯-૭૦ના તામ્રપત્રમાં ‘દ્વીપવિનિર્ગત' એટલે કે મૂળ દીવના વતની ડૌંડવ્ય ગોત્ર અને વાજસનેયી શાખાના ભટ્ટિ અને ઈશ્વર નામના બે સહોદર ચતુર્વેદી બ્રાહ્મણોને રાજાએ પોતાનાં માતાપિતાનાં પુણ્યની વૃદ્ધિ માટે ભૂમિદાન આપ્યાની નોંધ છે. એ ઉપરથી દીવ એ એક મહત્ત્વનું વેપારી અને લશ્કરી મથક હતું એટલું જ નહિ, પણ રાજા જેમને ભૂમિદાન આપીને કૃતકૃત્ય થાય છે એવા વિદ્વાનો પણ ત્યાં વસતા હતા એમ જણાય છે. પછીના સમયમાં ૧૨૭૬માં મંત્રી વસ્તુપાલના પરિચિત અલંકારશાસ્ત્રી માણિક્યચંદ્રે પોતાનું ‘પાર્શ્વ- નાથચરિત્ર’ મહાકાવ્ય દીવ બંદરમાં રચ્યું હતું અને ઠેઠ સત્તરમા સૈકામાં સં. ૧૬૮૯માં ‘હરિરસ’ નામનું વિસ્તૃત ભક્તિરસપૂર્ણ કાવ્ય રચનાર કવિ પરમાણંદદાસ દીવનો બ્રહ્મક્ષત્રિય હતો. રાજપૂત દંતકથાઓમાં એક એવી વાત આવે છે કે વછરાજ નામે રાજાએ દીવકોટ અથવા દીવપત્તનમાં એટલે કે દીવમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. એ પછી સિત્તેર વર્ષે મોટો ભૂકંપ થયો; ત્યાં સુધી દીવ એ બેટ નહોતો, પરંતુ દ્વીપકલ્પ હતો. પરંતુ ભૂકંપને પરિણામે તે ટાપુ થઈ ગયો. એ સમયનો ત્યાંનો રાજા વેણીરાજ ડૂબીને મરણ પામ્યો. પરંતુ એની રાણી સગર્ભા હતી તે કોઈ રીતે બચી શકી અને પાછળથી તેણે વનરાજ નામે પુત્રને જન્મ આપ્યો. આ દંતકથામાં ઇતિહાસ અને કલ્પનાનું વિલક્ષણ મિશ્રણ થઈ ગયેલું જણાય છે. પાટણના સ્થાપક વનરાજનો સંબંધ દીવ સાથે જોડવાનો પ્રયત્ન એમાં થયો છે, પરંતુ વનરાજના પૂર્વજો તો કચ્છના રણ પાસે આવેલા પંચાસરના હતા એ નિશ્ચિત હકીકત છે. વળી સાતમા સૈકામાં સૌરાષ્ટ્રનો મોટો ભાગ જ્યારે વલભી રાજાઓની હકૂમતમાં હતો અને જૂનાગઢ પણ તેમને તાબે હતું ત્યારે દીવમાં કોઈ બહારનો રાજપૂત આવીને નવું રાજ્ય સ્થાપી શકે એ પણ અસંભવિત છે. પરંતુ ભૂકંપ કે એવી કોઈ કુદરતી હોનારતથી દીવનો પ્રદેશ સૌરાષ્ટ્રની મુખ્ય ભૂમિથી અલગ પડીને ટાપુ બની ગયો હોય એ તદ્દન શકય છે. પરંતુ પાટણનો સ્થાપક વનરાજ જે દુનિયાની અનેક લીલીસૂકી જોઈને મોટો થયો હતો તેને ચમત્કારિક રીતે બચી જતો બતાવવા માટે એની વાર્તાનો સંબંધ આ હોનારત સાથે કોઈએ જોડ્યો હોય એમ જણાય છે. દીવના બંદરનો પરદેશો સાથેનો વેપારી સંબંધ ગાઢ હતો. ઈરાનથી આવેલા પારસીઓ પહેલાં દીવના બંદરે ઊતર્યા હતા, અને ત્યાંથી વીસ વર્ષ બાદ તેઓ સંજાણ ગયા હતા. દીવની આબાદી એ પછી પણ ઘણા સમય સુધી ચાલુ રહી હતી અને ગુજરાતનાં અગત્યનાં શહેરો પૈકીનું એક તે ગણાતું હતું. પદ્મનાભ કવિએ સં.૧૫૧૨માં ‘કાન્હડદે પ્રબંધ' નામે એક વીરરસપૂર્ણ કાવ્ય જૂની ગુજરાતી ભાષામાં રચેલું છે. મારવાડમાં આવેલા જાલોરના રાજા કાન્હડદેવના અલાઉદ્દીન ખીલજી સાથેના યુદ્ધનું, જાલોરના ઘેરાનું, અને છેવટે કાન્હડદેવ અને તેના સાથીઓએ કરેલા કેસરિયાનું રોમાંચક વર્ણન એમાં છે. ગુજરાતના ઇતિહાસને લગતી પણ કેટલીક જાણવા જેવી વાતો એ કાવ્યમાં છે. ગુજરાતના છેલ્લા હિંદુ રાજા કરણ વાઘેલાના પ્રધાન માધવ પોતાના રાજાથી રીસાઈને અલાઉદ્દીનને ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે પ્રેરવાને દિલ્હી જાય છે. અલ્લાઉદ્દીન સાથે તેનો પરિચય કરાવવામાં આવે છે. માધવને સુલતાન ગુજરાતના સમાચાર પૂછે છે. કવિ એ પ્રસંગને પોતાની છટાદાર જૂની ગુજરાતી બાનીમાં આમ રજૂ કરે છે-

પૂછઇ વાત પાતસાહ હસી,
ગૂજરાતિ તે કહીઇ કિસી?
કિસ્યૂં ખંભાયત, અણહલપુર,
કિસ્યૂં દીવગઢ, માંગલહૂર?
ઝાલાવાડિ, સૂરઠ છિ કિસી ?
એહ રાઉત સુણીઇ સાહસી.

(અર્થાત્ પાદશાહ હસીને માધવને પૂછે છે કે, ગુજરાત કેવી છે? ખંભાત અને અણહિલપુર કેવાં છે? દીવ અને માંગરોળ કેવાં છે? ઝાલાવાડ અને સોરઠ કેવાં છે? ત્યાંના રાજાઓ તો સાહસિક સંભળાય છે) પછી અલાઉદ્દીનનું આક્રમણ થાય છે, પાટણ ઉપર વિજય થાય છે. સોમનાથનો ભંગ થાય છે, સોરઠનાં માંગરોળ, મહુવા, ઊના અને ડાઠા જેવાં શહેરોમાં ત્રાસ વર્તે છે અને છેવટે દીવનો પણ કબજો લેવાય છે. એવું વર્ણન કવિએ કર્યું છે. મુસલમાન રાજ્ય અમલ સ્થપાયા પછી પણ દીવનું પુરાણું મહત્ત્વ તો સ્વાભાવિક રીતે ચાલુ જ રહ્યું હતું. ગુજરાતી સુલતાનોના સમયમાં દીવ એક અગત્યનું બંદરી શહેર અને વેપારી મથક હતું, અને તે કારણે જ ગોવામાં થાણું નાખીને પડેલા પોર્ટુગીઝોની લોભી નજર એના ઉપર ચોંટી ચૂકી હતી. ઈ.સ. ૧૫૨૯માં જ્યારે અમદાવાદમાં સુલતાન બહાદુરશાહ રાજ્ય કરતો હતો તે સમયે, પોર્ટુગીઝ વાઈસરોય તરીકે નોનો દ કુન્હા હિન્દ આવ્યો ત્યારે તેને દીવનો કબજો મેળવવા માટેની સુચનાઓ મળી ચૂકી હતી. બીજે જ વર્ષે ૪૦૦ વહાણ અને ૧૫૦૦૦ માણસનો જબ્બર કાફલો તેણે એકત્ર કર્યો અને સૌરાષ્ટ્રના કિનારા ઉપર તે ચઢી આવ્યો, પરંતુ લગભગ એક વર્ષ સુધી વિગ્રહ ચાલ્યો પછી તેને પાછા હટી જવુ પડ્યું. પરંતુ તે સમયથી જ દીવમાં પગદંડો જમાવવાના ગંભીર પ્રયત્નો પોર્ટુગીઝોએ શરૂ કરી દીધા. સુલતાનને મૂંઝવવા માટે તેમણે વલસાડ, સુરત અને તારાપુર લૂંટચાં, સૌરાષ્ટ્રના કિનારા ઉપર આવેલાં સોમનાથ પાટણ અને માંગરોળ બાળ્યાં, અને ૪૦૦૦ માણસોને ગુલામ તરીકે પકડ્યા. ગુજરાતના દરિયાઈ વેપારમાં પણ તેમણે બને તેટલા અવરોધો ઊભા કરવા માંડ્યા. છેવટે બહાદુરશાહને પોર્ટુગીઝો સાથે સંધિ કરવી પડી. એ સંધિ પ્રમાણે તેણે બસીન શહેર પોર્ટુગીઝોને આપ્યું, પોતાનાં બંદરોમાં મનવારો નહિ બાંધવાનું કબૂલ રાખ્યું અને પોર્ટુગાલની સામેના યુદ્ધમાં બીજા કાફલાઓની સાથે પોતે નહિ જોડાય એવું વચન આપ્યું. વધારામાં પોર્ટુગીઝોને દીવમાં કોઠી બાંધવાની પણ પરવાનગી આપવામાં આવી. એના બદલામાં પોર્ટુગીઝોએ બહાદુરશાહને ૫૦૦ યુરોપીય યોદ્ધાઓની સેવાઓ આપી, જેમાં ૫૦ તો નામાંકિત માણસો હતા. યુરોપિય ઇતિહાસકારોના કહેવા મુજબ, મુખ્યત્વે આ માણસોની સહાયથી બહાદુરશાહે ગુજરાતમાંથી મોગલોને હાંકી કાઢ્યા હતા. પરન્તુ મોગલોને હરાવવા માટે આ રીતે પોર્ટુગીઝો સાથે દોસ્તી કરવા બદલ બહાદુરશાહને પસ્તાવો થયો, કેમકે તેણે જોયું કે પોર્ટુગીઝોએ દીવમાં વેપારી કોઠીને બદલે લશ્કરી કિલ્લો બાંધ્યો હતો. પાંચથી છ હજાર ફિરંગી સિપાઈઓ દીવમાં આવ્યાના સમાચાર સાંભળતાં બહાદુરશાહને ડર લાગ્યો કે તેઓ જરૂર દીવનો કબજો લઈ લેશે. આથી તે ઉતાવળે જૂનાગઢથી દીવ આવ્યો. પોર્ટુગીઝો પણ જાણતા હતા કે મોગલો ગુજરાતમાંથી ચાલ્યા ગયા છે અને બહાદુરશાહની સત્તા પુનઃસ્થાપિત થઈ છે, એટલે તેની સાથે બળથી નહિ પણ કળથી કામ લેવું જોઈએ. દીવના પોર્ટુગીઝ કપ્તાનની સૂચનાથી હિન્દનો પોર્ટુગીઝ વાઈસરોય નોનો દ કુન્હા ક્યારનોયે દીવ આવી પહોંચ્યો હતો અને પોતાના ખાસ વહાણમાં સમુદ્રમાં થોડોક દૂર રહ્યો હતો. બહાદુરશાહે વાઈસરોયને મળવા બોલાવ્યો, પણ તેણે માંદગીના ઢોંગ કર્યો. આથી બહાદુરશાહ થોડાંક માણસો સાથે એને મળવા માટે એના વહાણ ઉપર ગયો. ત્યાં જ બહાદુરશાહને કંઈક દગાની ગંધ આવી, અને ત્યાંથી એ ઉતાવળે પાછો વળતો હતો ત્યારે એના ઉપર હુમલો કરવામાં આવ્યો અને એનું મરણ થયું. આ રીતે ઈ. સ. ૧૫૩૬માં સુલતાન બહાદુરશાહ મરણ પામ્યો ત્યારથી હમણાં સુધી દીવનો ટાપુ–એક વારનું ગુજરાતનું ધીખતું વેપારી મથક અને અગત્યનું લશ્કરી થાણું – પોર્ટુગાલના કબજે હતો. બેટ શંખોદ્વાર જે બેટ દ્વારકા અથવા માત્ર બેટ તરીકે પણ ઓળખાય છે તે સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે આવેલો મોટામાં મોટો ટાપુ છે. વિષ્ણુએ શંખ નામે અસુરનો અહીં વધ કરીને તેનો ઉદ્ધાર કર્યો હતો તેથી આ શંખોદ્વાર કહેવાય છે એવી પ્રચલિત કથા છે, જ્યારે આ ટાપુ શંખની આકૃતિનો હોવાથી તેનું આવું નામ પડ્યું છે એમ બીજા કેટલાક માને છે. કચ્છના અખાતના બારણા આગળ સૌથી પહેલો ટાપુ સમિયાણી, બીજો બેટ, ત્રીજો અજાડ, ચોથો માનમરોડી, પાંચમો સાવજ, છઠો ધબધબો અને સાતમો કારૂભા. એ પૈકી બેટ, અજાડ અને સમિયાણી એ ત્રણમાં જ વસતી છે. બેટમાં પણ લગભગ પોણો ભાગ અણવસાયેલો છે. બેટની સૌથી વિશેષ પ્રસિદ્ધિ તો વૈષ્ણવોના તીર્થધામ તરીકેની છે. શ્રીકૃષ્ણ અને તેમની પટરાણીઓનાં વિખ્યાત મન્દિરો ત્યાં આવેલાં છે, અને દ્વારકાની યાત્રાએ આવેલા કોઈ પણ યાત્રાળુ આ મન્દિરોનાં દર્શન કરવાનું ભાગ્યે જ ચૂકે છે. શ્રી. વલ્લભાચાર્યના અનુયાયી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે તો બેટનાં મન્દિરો શ્રીનાથજી જેટલાં જ પવિત્ર મનાય છે. ઈ.સ. ૧૮૫૯માં વાઘેરોના બળવા વખતે અંગ્રેજ પલટણે બેટ ઉપર તોપમારો કર્યો હતો એમાં આ મન્દિરોને ઘણું નુકસાન થયું હતું. હાલનાં મન્દિરો એ પછી બંધાયેલાં છે, હિન્દુસ્તાનના પશ્ચિમ કિનારા ઉપર નૌકાસૈન્ય માટે બેટ ઘણું અનુકૂળ સ્થળ હોવાનો કેટલાક જાણકારોનો મત છે. પીરમ બેટ ખંભાતના અખાતમાં ઘોઘાની દક્ષિણે આશરે સાત માઈલ દૂર આવેલો છે. આ ઘણો પ્રાચીન ટાપુ છે અને એક કાળે વેપારનું પણ સારું મથક હશે, કેમકે ઈસવીસનના ત્રીજા સૈકામાં પેરિપ્લસના લેખકે તેની નોંધ લીધી છે. પીરમમાં ગોહિલ ઠાકોર મોખડાજીની રાજધાની હતી. ઈ.સ. ૧૩૪૭માં મહમ્મદ તઘલખના સૈન્ય સાથે યુદ્ધ કરતાં મોખડાજીનું મરણ થયું હતું. જૂના કિલ્લાના અવશેષો તથા મોખડાજીનો પાળિયો આજે પણ ત્યાં જોવામાં આવે છે. હાથી, ગેંડો, હિપોપોટેમસ અને રાક્ષસી કદની માછલીઓની અત્યારે નાશ પામી ગયેલી જાતોના અશ્મીભૂત અવશેષો –‘ફોસિલ્સ’— પીરમમાંથી મળે છે, અને તે એ સ્થાનના પ્રાગ્-ઇતિહાસકાલીન વૃત્તાન્ત ઉપર પણ કંઈક પ્રકાશ પાડે છે. ચાંચનો ટાપુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે મહુવાથી આશરે બાર માઈલ પશ્ચિમે આવેલો છે. અને તે પાંચ માઈલ લાંબો અને અર્ધો માઈલ પહોળો છે. દરિયાઈ લુટારાના અર્થમાં ગુજરાતી ભાષામાં પ્રચલિત થયેલો ‘ચાંચિયો’ શબ્દ આ ટાપુ ઉપરથી આવેલો છે. ‘ચાંચ’નો એટલે ‘ચાંચિયો.’ એ જોતાં એક કાળે તે ચાંચિયાઓનું મથક બન્યો હોવો જોઈએ. એક માઈલ લાંબો અને અર્ધો માઈલ પહોળો શિયાળ બેટ ચાંચની પશ્ચિમે ત્રણ માઈલ અને જાફરાબાદની પૂર્વે સાત માઈલ દૂર આવેલો છે. આ ટાપુ પણ એક કાળે ચાંચિયાઓનું મથક હતો એમ કહેવાય છે, જૂના કિલ્લાના કેટલાક અવશેષો એમાં પણ જોવામાં આવે છે. ગુજરાતના ટાપુઓ વિષેની આ ટૂંકી હકીકત ઉપરથી માલૂમ પડશે કે ભૂતકાળમાં એમાંના ઘણાખરા એક અથવા બીજી રીતે અગત્ય ભોગવતા હતા. આજે પણ હિન્દુસ્તાનનો પશ્ચિમ કિનારો વેપારી તેમ જ લશ્કરી દૃષ્ટિએ ખૂબ અગત્યનો છે, અને ઉત્તરે કચ્છના અખાતથી માંડી દક્ષિણે લગભગ સોપારા સુધીના ગુજરાતનો કિનારો એમાં અનેક કારણોએ વિશિષ્ટ મહત્ત્વનો છે. એ કિનારા ઉપરના ટાપુઓનો સ્થાનિક પરિસ્થિતિ અને અનુકૂળતા અનુસાર યેાગ્ય વિકાસ માત્ર ગુજરાતની જ નહિ પરંતુ સમસ્ત ભારતની સમૃદ્ધિમાં પણ પોતાનો અદના ફાળો આપી શકશે.

[‘ભારતી' સાપ્તાહિક, દીપોત્સવી અંક, સં. ૨૦૦૫]