અન્વેષણા/૨૮. સ્વ. રામલાલ મોદીની સંશોધન-દૃષ્ટિ

From Ekatra Wiki
Revision as of 16:18, 11 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્વ. રામલાલ મોદીની સંશોધન-દૃષ્ટિ*[1]



સ્વ. રામલાલ ચુનીલાલ મોદી સ્મારક ગ્રન્થરૂપે તેમના લેખસંગ્રહનો પહેલો ભાગ શ્રી પુરુષોત્તમદાસ ભીખાભાઈ શાહના ખંતીલા આયેાજનથી, સને ૧૯૫૩માં બહાર પડયો હતો; ત્યાર પછી એ લેખસંગ્રહનો બીજો ભાગ પ્રગટ થઈ શકે છે એ સંતોષની વાત છે, કેમકે એ સાથે રામલાલભાઈના ગ્રન્થસ્થ કરવા લાયક લગભગ બધા લેખો સાહિત્યરસિકો સમક્ષ પુસ્તકાકારે રજૂ થાય છે. મારી કિશોરાવસ્થાથી માંડી રામલાલભાઈના સંપર્કનો મને લાભ મળ્યો હતો તેની, એમના વ્યક્તિત્વનાં કેટલાંક પાસાંની તથા વર્ષો સુધી ચાલુ રહેલા અમારા વિદ્યાવિષયક સહકારની વાત લેખસંગ્રહના પહેલા ભાગની પ્રસ્તાવનામાં મેં કરી હતી. આ ઉપરાંત રામલાલભાઈની ઐતિહાસિક પદ્ધતિ અને તેમની સંક્ષિપ્ત અને સુશ્લિષ્ટ નિરૂપણશૈલી વિષે એમાં થોડીક ચર્ચા કરી એમના ગ્રન્થોનો પરિચય આપ્યો હતો તથા લેખસંગ્રહના પ્રથમ ભાગમાં પ્રગટ થયેલા લેખોની સંશોધનાત્મક વિશેષતાઓ પ્રત્યે ધ્યાન દોર્યું હતું; અને નોધ્યું હતું કે ‘એમાંનો પ્રત્યેક લેખ પુરાતત્ત્વના ક્ષેત્રમાં કોઈ ને કોઈ પ્રકારના મૌલિક ચિન્તનનો નમૂનો છે એમ કહેવામાં અત્યુક્તિ નથી. એમાંના કેટલાક લેખેામાંનાં વિધાનો કે અનુમાનો હવે સ્વીકાર્ય થાય કે ન થાય, તોપણ લેખકનું માનસ સત્યની શોધ માટે જે બુદ્ધિયુક્ત પુરુષાર્થ કરે છે એને માટે માન થયા વિના રહેતું નથી.’

લેખસંગ્રહના આ બીજા ભાગમાં ગ્રન્થસ્થ થયેલા જુદા જુદા લેખોને એ દૃષ્ટિએ જોઈએ. પહેલો જ લેખ ‘મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસનો અભ્યાસ' રામલાલભાઈની ઇતિહાસવિષયક ચિન્તનદૃષ્ટિનું સુંદર પરિણામ છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીકૃત ‘ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’ના પ્રકાશન સાથે મધ્યકાલીન હિન્દુ ગુજરાતનો રાજકીય ઇતિહાસ પ્રાયઃ સ્પષ્ટ થઈ ગયો છે એ જણાવીને તાત્ત્વિક અને સાંસ્કૃતિક ઇતિહાસના કેટલાક પ્રશ્નોની રામલાલભાઈએ સામર્થ્યપૂર્વક ચર્ચા કરી છે. મધ્યકાલીન હિન્દુ ગુજરાતનો લશ્કરી ઇતિહાસ અને યુદ્ધસામર્થ્ય, સમ્રાટપદ માટે સિદ્ધરાજની મહત્ત્વાકાંક્ષા અને સિદ્ધસસંવતનું પ્રવર્તન, જીતેલા રાજાને માંડલિક બનાવવાની નીતિ અને તેના ઉપર દેખરેખ રાખવા માટે દંડનાયકની નિયુક્તિની પદ્ધતિ તથા તેનાં ભયસ્થાનો, ગુજરાતના સોલંકી રાજાઓમાં વાનપ્રસ્થ સ્વીકારવાની પરિપાટી, ગુર્જર સામ્રાજ્યની ચડતી પડતી તથા અવનતિકાળમાં તેને સ્થિર રાખવા માટે થયેલા વાઘેલા રાણા લવણપ્રસાદના ‘સર્વેશ્વર’પદનો—એક પ્રકારની સરમુખત્યારીનો અખતરો આદિ વિષે તથા આધુનિક સમયમાં ગુજરાતના ઇતિહાસના અધ્યયન અને સંશોધનના વિકાસ પરત્વે તેમણે સુંદર ચર્ચા કરી છે. લેખસંગ્રહના પહેલા ભાગની પ્રસ્તાવનામાં મેં કહ્યું હતું કે ‘રામલાલભાઈનું લેખન મુખ્યત્વે બે વિષય પરત્વે હતું. ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનું જૂનું સાહિત્ય. પણ એમના વિશાળ વાચન અને પરિશીલનનો પ્રકાશ આ બંને વિષયો ઉપર પડવાને કારણે એમનાં સંશોધનાત્મક લખાણો હંમેશાં સંક્ષિપ્ત, મુદ્દાસર, વિદ્વત્તાના આડંબરથી રહિત અને પ્રસાદ ગુણવાળાં જોવામાં આવે છે.’ પ્રસ્તુત સંગ્રહનો પહેલો લેખ આ દૃષ્ટિએ એમની ઐતિહાસિક નિરૂપણરીતિનું ઉત્કૃષ્ટ પ્રતીક છે. ‘એક નવીન ઐતિહાસિક શિલાલેખ' સારંગદેવ વાઘેલાના સં. ૧૩૪૮ના એક સંસ્કૃત શિલાલેખનું સંપાદન અને ઐતિહાસિક વિવેચન છે. આજથી પંચાવન વર્ષ પહેલાં ‘ગુજરાતી’ સાપ્તાહિકના સને ૧૯૧૦ના દીપોત્સવી અંકમાં એનું પ્રકાશન થયેલું છે, જ્યારે રામલાલભાઈનું વય માત્ર વીસ વર્ષનું હતું અને એમને મેટ્રિક પાસ થયાંને બે વર્ષ થયાં હતાં. એથીયે દોઢ વર્ષ પહેલાં ‘બુદ્ધિપ્રકાશ’ના મે ૧૯૦૯ના અંકમાં ‘ગુજરાતી શબ્દકોશ' નામનો એમને પ્રથમ લેખ પ્રગટ થયો હતો. એટલી નાની વયે પણ ઇતિહાસ અને સાહિત્ય જેવા વિષયોમાં એમની પરિપક્વ અને સમતોલ દૃષ્ટિ વ્યક્ત થાય છે. ‘શ્રી ધર્મારણ્ય ગ્રન્થની ઐતિહાસિક સમલોચના' આ લેખ શ્રી પ્રભાશંકર જયશંકર પાઠકે તૈયાર કરેલા, મોઢ બ્રાહ્મણો અને વણિકોના જ્ઞાતિપુરાણ ‘ધર્મારણ્ય’ના અપ્રગટ રહેલા સંપાદનનો ઉપોદ્ઘાત છે અને ‘ધર્મારણ્યમાં ઐતિહાસિક તત્ત્વ’ નામના રામલાલભાઈના વ્યાખ્યાનનો (જે વ્યાખ્યાન લેખસંગ્રહના પહેલા ભાગમાં છપાયું છે) સંશોધનાત્મક વિસ્તાર છે. કનોજના આમ રાજા વિષે, ચાવડાઓની વંશાવલી વિષે, માધવ દ્વારા ગુજરાતના પતન વિષે અને મોઢ જ્ઞાતિના જૈન સંપર્ક વિષે વિગતવાર ચર્ચા આ ઉપોદ્ઘાતમાં છે, જે પેલા સંક્ષિપ્ત વ્યાખ્યાનની તુલનાએ ધ્યાનપાત્ર છે. ‘પાટણની જગાએ પહેલાં કોઈ નગર હતું ખરું?’ એ લેખમાં, જિનપ્રભસૂરિના ‘વિવિધતીર્થકલ્પ'ને આધારે રામલાલભાઈએ બતાવ્યું છે કે વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યું ત્યાર પહેલાં એ સ્થળે લાક્ખારામ નામનું ગામ હતું. ‘પાટણની સ્થાપનાનાં તારીખ, વાર, તિથિ’ એ લેખમાં પાટણની સ્થાપનાનાં તિથિવાર પરત્વે જુદાં જુદાં સાહિત્યિક સાધનોમાં મળતા ઉલ્લેખોનો જ્યોતિષની ગણતરીને આધારે વિચાર કરીને આધારભૂત તારણો કાઢવામાં આવ્યાં છે. ‘ચાવડાઓની વંશાવલી’ એ લેખમાં પણ(લેખસંગ્રહ, ભાગ ૧, પૃ. ૨૭–૫૦) પાટણના ચાવડા રાજાઓનો કાલાનુક્રમ નક્કી કરવામાં જ્યોતિષની ગણતરીનો રામલાલભાઈએ કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો છે એ નોંધવું અહીં પ્રસ્તુત થશે. મહમૂદ ગઝનવીની ગુજરાતની ચઢાઈ વિષે હિન્દુ લેખકોએ કોઈ ઉલ્લેખ કર્યા નથી એમ ઇતિહાસકારો હમણાં સુધી માનતા, પરન્તુ ‘મહમદ ગઝનીની ગુજરાતની ચઢાઈ–તે વિષે હિંદુ લેખકોના ઉલ્લેખો’ એ લેખમાં રામલાલભાઈએ અત્રત્ય સાહિત્ય અને શિલાલેખોમાંથી એ વિષેના અનેક ઉલ્લેખો તારવીને આપ્યા છે, એટલે ઉક્ત માન્યતા હવે ટકી શકે એમ નથી. ‘શું કર્ણદેવ વાઘેલો દુષ્ટચરિત હતો?' એ લેખમાં ગુજરાતના ઇતિહાસના એક વિવાદગ્રસ્ત પ્રશ્નની ઝીણવટભરી ચર્ચા છે; પણ મને લાગે છે કે આ પ્રશ્નના નિર્ણય માટે હજી વિશેષ પ્રમાણોની અપેક્ષા છે. ‘સિદ્ધરાજનો પ્રતિપન્ન પુત્ર ચાહડ કોણ હતો ?’ અને ‘ચાહડસોમેશ્વર' એ બે લેખોમાં ચાહડ તે અજમેરના સુપ્રસિદ્ધ પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વર હતા એમ રામલાલભાઈએ સબળ પુરાવાઓથી સિદ્ધ કર્યું છે. ‘ચાહમાન' (ચૌહાણ)નું ટૂંકું રૂપ. ‘ચાહ’ થાય અને તેને સ્વાર્થિક પ્રત્યય ‘ડ’ લાગતાં ‘ચાહડ’ બને એવો તેમનો તર્ક પણ નોંધપાત્ર છે. શ્રી ગિરજાશંકર વલ્લભજી આચાર્યે સંકલિત કરેલા ‘ગુજરાતના ઐતિહાસિક લેખો'ના ત્રણ ભાગ શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ પ્રસિદ્ધ કર્યા છે તે વિષે એક ટૂંકી નોંધ ‘સિદ્ધરાજ અને કુમારપાલનાં બનાવટી દાનપત્રો’ એ લેખમાં છે. ઉક્ત ગ્રન્થમાંનાં ચાર દાનપત્રો બનાવટી હોવાનું રામલાલભાઈએ અકાટ્ય પ્રમાણોથી સિદ્ધ કર્યું છે. પરન્તુ એ નોંધમાં બીજું એક અગત્યનું સૂચન તેમણે કર્યું છે. ગુજરાતના ઇતિહાસ માટે મહત્ત્વના પચીસ ઉત્કીર્ણ લેખોની યાદી તેમણે આપી છે, અને ઉપર્યુક્ત ગ્રન્થની એક પૂર્તિરૂપે એ પ્રગટ કરવાની વિનંતી ફાર્બસ સભાને તેમણે કરી છે. તેમણે આપેલી યાદી એટલી સુવ્યવસ્થિત છે કે તેને આધારે એક વિદ્યાર્થી પણ એ પૂર્તિ તૈયાર કરી શકે ! ‘સોલંકી સમયના રાજપુરુષોની નામાવલિ'માં ઉત્કીર્ણ લેખો અને સાહિત્યિક સાધનોને આધારે મૂળરાજ સોલંકીથી કર્ણ વાઘેલાના સમય સુધીના ગુજરાતના મુખ્ય રાજપુરુષોની સાધાર નામાવલિ આપી છે અને ‘સોલંકી સમયના રાજ્યાધિકારીઓ' એ લેખમાં જુદા જુદા રાજ્યાધિકારીઓની કામગીરીનો અને તે દ્વારા સોલંકીયુગની રાજ્યવ્યવસ્થાનો એવો જ આધારભૂત પરિચય આપ્યો છે. ગુજરાતના ઇતિહાસના સર્વસાધારણ અભ્યાસી માટે પણ આ બંને લેખો ‘રેફરન્સ’ મૂલ્ય ધરાવતા હોઈ બહુ અગત્યના છે. ‘મંત્રી ઉદયન અને તેનો વંશ' એ લેખમાં ગુજરાતના વિખ્યાત મંત્રી ઉદયન(ઉદા મહેતા) અને તેના કુળનો પ્રમાણોપેત વૃત્તાન્ત આપ્યો છે અને ઉદયનનું વિગતવાર વંશવૃક્ષ પણ રજૂ કર્યું છે. સિદ્ધરાજના સમયમાં પાટણમાં આવેલા દેવબોધ, દેવબોધિ કે દેવપ્રબોધાચાર્ય નામે એક પ્રભાવશાળી વૈદિક વિદ્વાન વિષેની તથા જૈનાચાર્યો સાથેની એમની સ્પર્ધાની અનુશ્રુતિઓ ‘દેવપ્રબોધચાર્ય’ શીર્ષક નીચેના લેખમાં રજૂ કરીને તેમાંના ઐતિહાસિક તત્ત્વની કસોટી કરવામાં આવી છે. તત્કાલીન ગુજરાતના ધાર્મિક વાતાવરણની સંક્ષિપ્ત પણ રસપ્રદ મીમાંસા ત્યાં છે. ‘વીસલદેવ વાઘેલો’ અને ‘સારંગદેવ વાઘેલો’ એ લેખોમાં ગુજરાતના એ બે રાજવીઓનું ચરિત્ર ઐતિહાસિક પ્રમાણોને આધારે રામલાલભાઈએ આપ્યું છે તથા તેમ કરતાં શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ ‘ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઇતિહાસમાં આપેલા વૃત્તાન્તમાં કેટલીક નવી માહિતી ઉમેરી છે તથા કેટલાંક વિધાનોમાં ફેરફાર કર્યા છે. ‘ગુર્જર સમ્રાટ જયસિંહદેવ સિદ્ધરાજનું બિરુદ કેમ પામ્યો?’ એ નામના લેખમાં એ વિષયની અનુશ્રુતિઓની પરીક્ષા કરવામાં આવી છે. સિદ્ધ સંવત્સરના ઉલ્લેખવાળા શિલાલેખો સૌરાષ્ટ્રમાંથી મળ્યા છે, પણ એવો એક પણ ઉત્કીર્ણ લેખ તળ ગુજરાતમાંથી મળ્યો નથી એની કારણમીમાંસા કરતાં રામલાલભાઈએ એક બુદ્ધિયુક્ત તર્ક રજૂ કર્યો છે. સિદ્ધરાજે વિક્રમનું અનુકરણ કરીને નવો સંવત્સર પ્રવર્તાવ્યો; પ્રાચીન પરિપાટી અનુસાર નવો સંવત્સર પ્રવર્તાવે તેણે આખા સમાજને અનૃણી કરવાનો રહેતો; એ પ્રયોગ માટે સિદ્ધરાજે પોતાના રાજ્યનો એક પ્રાન્ત સોરઠ પસંદ કર્યો; ત્યાંના લોકોની દેવાની પતાવટ તો થઈ ગઈ, પણ એ કામમાં ખજાનો ખાલી થઈ જતાં બીજા પ્રાન્તોમાં એ કામ પડતું મૂકવું પડયું હશે. સોરઠમાં સિંહસંવત્સર ચાલ્યો અને ગુર્જર સામ્રાજ્યના ખુદ પાટનગર પાટણમાં તથા તેની આસપાસના સારસ્વત મંડલમાં તેનો અછડતો ઉલ્લેખ સરખો મળ્યો નથી એનો, આપણા જ્ઞાનની અત્યારની સ્થિતિમાં, આ સિવાય બીજો કોઈ ખુલાસો ભાગ્યે આપી શકાય એમ છે. ‘વાયડા જ્ઞાતિ સબંધી પ્રાચીન લેખ' રામલાલભાઈની પોતાની જ્ઞાતિ–વાયડા વણિક જ્ઞાતિ-ના ઇતિહાસ ઉપર કેટલોક અગત્યનો પ્રકાશ પાડે છે. સંસ્કૃત ‘વાયુપુરાણ’ના (વાયડા વણિકો અને. બ્રાહ્મણોનું જ્ઞાતિપુરાણ—અઢાર પુરાણો પૈકીના ‘વાયુપુરાણ'થી ભિન્ન) સંપાદન તથા એની પ્રસ્તાવના દ્વારા એમણે એ જ્ઞાતિનો સામાજિક અને ધાર્મિક ઇતિહાસ આલેખ્યો છે; તેની કેટલીક વિશેષ વિગતો ઉપર્યુક્ત નિબંધમાં છે, ગુજરાતની અનેક વણિક જ્ઞાતિઓની જેમ વાયડા જ્ઞાતિનો પણ સારો એવો ભાગ એક કાળે જૈન ધર્મ પાળતો હતો. વાયડાઓના કુલદેવ વાયુદેવ છે અને તેમનું મૂલ સ્થાન પાટણ પાસેનું વાયડ ગામ છે. જૈનોનો વાયડ ગચ્છ ત્યાંથી નીકળેલો છે. સુપ્રસિદ્ધ જૈન આચાર્ય અને વિખ્યાત સંસ્કૃત કવિ તથા કવિશિક્ષાકાર અમરચન્દ્રસૂરિ પૂર્વાશ્રમમાં એ ગામના વતની વાયડા બ્રાહ્મણ હતા એમ જણાય છે. હાલમાં વાયડા જ્ઞાતિમાં કોઈ જૈન નથી, પણ પ્રસ્તુત નિબંધમાં રામલાલભાઈએ એકત્ર કરેલા લગભગ બધા જ જૂના લેખો જૈન પ્રતિમાઓ ઉપરના છે એ સૂચક છે. ગુજરાતના—ખાસ કરીને વણિક જ્ઞાતિઓના ઇતિહાસ માટે જૈન પ્રતિમાલેખોમાંથી બહુ ઉપયોગી સામગ્રી મળે છે. ‘ઐતિહાસિક દૃષ્ટિએ બહુચરાજીની ઉત્પત્તિ ’અને ‘જૈન સાહિત્યમાં બહુચરાજી' એ બંને લેખો આપણા ગુજરાતપ્રસિદ્ધ દેવીતીર્થનો મીમાંસાયુક્ત ઇતિહાસ આપે છે. છેલ્લા ત્રણ લેખો જૂના ગુજરાતી સાહિત્યને લગતા છે તે સાથે રામલાલભાઈની સમીક્ષક દૃષ્ટિના ઉત્તમ ઉદાહરણરૂપ છે. પ્રભાસપાટણનિવાસી કાયસ્થ કવિ કેશવદાસકૃત ‘શ્રીકૃષ્ણક્રીડાકાવ્ય(દશમસ્કન્ધ)ના શ્રી અંબાલાલ જાનીએ કરેલા સંપાદનની સમાલોચના કરવાનું સૂચન રામલાલભાઈને ‘કૌમુદી' કાર કરે છે. ‘શ્રીકૃષ્ણક્રીડાકાવ્ય’નું રચનાવર્ષ સામાન્ય રીતે સં. ૧૫૨૯ ગણાતું હતું, પણ રામલાલભાઈ લખે છે : ‘એ કામ માટે એ પુસ્તક હાથમાં લેતાં, પ્રારંભમાં જ શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું રચેલું ‘ગેાપીજનવલ્લભાષ્ટક’ મારા જોવામાં આવ્યું અને એ જોઈને હું વિચારમાં પડી ગયો. શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો પ્રાદુર્ભાવ સં. ૧૫૩૫માં અને આ આખ્યાન રચાયું સં. ૧૫૨૯માં એ શી રીતે બને?' આમ સવાલ ઉઠાવીને ‘તિથિ સંવત નિધિ દસકા દોય’ એ આખ્યાનમાંની અર્થસંવતવાળી પંક્તિની પરીક્ષા કરીને તેમ જ અનેક અનુવાદત્મક પ્રમાણોને આધારે રામલાલભાઈ એવા નિર્ણય ઉપર આવે છે કે એ આખ્યાન સં. ૧૫૯૨માં રચાયું છે. આપણા મધ્યકાલીન કવિશ્રેષ્ઠ પ્રેમાનંદના જન્મ-મરણનાં નિશ્ચિત વર્ષ જાણવામાં નથી, પણ ‘પ્રેમાનંદના જીવનકાળની સીમાઓ’ એ નિબંધમાં વિવિધ પ્રમાણોને આધારે તેઓ એ સીમાઓ સં. ૧૭૦૫થી ૧૭૭૦ સુધી નક્કી કરી આપે છે. આ નિબંધ ‘લેખસંગ્રહ’ ભાગ ૧ (પૃ. ૨૦૬-૩૫)માંના ‘પ્રેમાનંદનું શિષ્ય મંડળ' એ લેખની સાથે વાંચવા જેવો છે, જેમાં રામલાલભાઈએ એવા કોઈ મંડળનું અનસ્તિત્વ પહેલી વાર સપ્રમાણ પુરવાર કરી આપ્યું છે; અને ત્યાર પછી આ મુદ્દાની બધી ચર્ચામાં એ લેખનો મુખ્ય આધાર લેવાય છે. છેલ્લો લેખ છે ‘શામળના સમયનો વિચાર.’ ગુજરાતમાં જૂનાં કાવ્યોનું સંશોધન શરૂ થયું ત્યારથી પ્રેમાનંદ અને શામળના ઝઘડાની વાત પ્રચલિત થઈ હતી, તેનો નિરાસ, શામળ પ્રેમાનંદનો સમકાલીન નહોતો એમ બહુ કુશળતાથી અને લાઘવથી પુરવાર કરીને, લેખકે એમાં કરી દીધો છે. વિગતો ઉપરના પૂર્ણ પ્રભુત્વ સાથે સૂક્ષ્મ વિવેક એ રામલાલભાઈનાં આ પ્રકારનાં અનેક લખાણોની વિશિષ્ટતા છે. ‘સંસ્કૃત દ્વ્યાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ’ એ પુસ્તક માટે સુરતની નર્મદ સાહિત્ય સભાએ રામલાલભાઈને મરણોત્તર વિધિએ નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ કર્યો હતો તે સ્વીકારવાને તેમના કુટુંબ વતી ઑકટોબર ૧૯૫૧માં હું સૂરત ગયો હતો. રામલાલભાઈના વિદ્યાર્થી એવા મને કેટલાંક વર્ષ બાદ એ ચંદ્રક એનાયત થયો. થોડા માસ પહેલાં જ, ડિસેમ્બર ૧૯૬૪માં, એ જ બેસન્ટ હૉલમાં ચંદ્રક સ્વીકાર કરતાં રામલાલભાઈને આપેલી અંજલિ અહી ટાંકીને તેમના અક્ષરદેહના પરિચયરૂપ આ ટૂંકી પ્રસ્તાવના હું પૂરી કરીશ; “એ સમર્થ વિદ્વાન અને સંશોધકને આ પ્રસંગે મારી સ્મરણાંજલિ અર્પું છું; એમની વૈજ્ઞાનિક દૃષ્ટિ, મૌલિક સામગ્રીના અન્વેષણની સૂઝ, વસ્તુઓ અને વિચારોના આંતરસંબંધો સમજવાની અને સમજાવવાની કલ્પનાશક્તિ તેમ જ અભ્યાસવિષયને કેન્દ્રમાં રાખી અનેક વિદ્યાઓમાં વિહરતી શાસ્ત્રવ્યુત્પત્તિ—એની પરંપરા આપણા અભ્યાસીઓમાં પ્રસરો અને પુષ્ટ થાઓ એવી આકાંક્ષા વ્યક્ત કરુ છું.”

[‘બુદ્ધિપ્રકાશ’, જૂન ૧૯૬૫]


  1. * ‘સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ.’ ભાગ ૨ની (સંપાદક :- શ્રી. પુરુષોત્તમદાસ ભીખાભાઇ શાહ, પાટણ, ૧૯૬૫) પ્રસ્તાવના.