અન્વેષણા/૩૨. ખેડાવાળ બ્રાહ્મણોની ત્રણ અટકો : વાગ્વ્યાપારની દૃષ્ટિએ

From Ekatra Wiki
Revision as of 01:58, 12 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ખેડાવાળ બ્રાહ્મણોની ત્રણ અટકો :


વાગ્વ્યાપારની દૃષ્ટિએ



ભાષાની ઉત્ક્રાન્તિમાં શબ્દોનાં રૂપ તથા એમની સૂક્ષ્મ અર્થચ્છાયાઓમાં નિરંતર પરિવર્તન થતું જણાય છે. કેટલાયે શબ્દો એવા છે, જે રૂપદૃષ્ટિએ પોતે જેમાંથી વ્યુત્પન્ન થયા હોય એ મૂળ શબ્દથી ખૂબ દૂર પડી ગયા હોય અથવા અર્થદૃષ્ટિએ સંકોચ કે વિસ્તાર પામ્યા હોય અથવા એમના અર્થો સંયેાગવશાત્ સાવ બદલાઈ ગયા હોય. કેટલીક વાર શબ્દો કાલક્રમે ભાષામાંથી કેવળ પ્રયોગલુપ્ત થાય છે. વૈદિક સંસ્કૃતમાં કેટલાયે એવા શબ્દો છે, જે પ્રશિષ્ટ સંસ્કૃતમાં બદલાયેલા અર્થોમાં પ્રયોજાય છે અથવા કેટલીક વાર જૂના વૈદિક શબ્દોનું સ્થાન નવા જ શબ્દોએ લીધું છે. સંસ્કૃત ભાષાના પ્રાચીન કોશોના શબ્દભંડોળનો કાલાનુક્રમે અભ્યાસ કરવામાં આવે તો આ વિધાનનાં સેંકડો ઉદાહરણ મળવા સંભવ છે, એટલું જ નહિ, પણ સંસ્કૃત ભલે બહુજનપ્રચલિત ભાષા ન હોય તોપણ વિકસતી, નવાં તત્ત્વોને અપનાવતી અને પ્રસંગોપાત્ત જૂનાં નિરુપયોગી તત્ત્વોનો ત્યાગ કરતી, એક સર્વસંગ્રાહક જીવતી ભાષા હતી એ વસ્તુ એ ઉદાહરણોને આધારે સહેલાઈથી પુરવાર કરી શકાય એમ છે. એ જ રીતે, જૂના ગુજરાતી સાહિત્યમાંથી પણ એવા બહુસંખ્ય શબ્દો સંગૃહીત થઈ શકે એમ છે, જે અર્વાચીન ગુજરાતીમાં પરિવર્તિત રૂપ અને અર્થ સાથે ઊતરી આવ્યા છે અથવા બિલકુલ વપરાતા બંધ થયા છે. વપરાતા બંધ થયેલા શબ્દોમાં પણ એક નાનકડો શબ્દસમૂહ ખાસ ધ્યાન ખેંચે છે. એ શબ્દસમૂહ, એક નિયમ તરીકે, અર્વાચીન ગુજરાતીમાં વપરાતો નથી. પણ ગામ કે લત્તાનાં નામોમાં, રૂઢિપ્રયોગોમાં કે વિવિધ જ્ઞાતિઓની અટકોમાં એમાંના કેટલાક શબ્દો જોવામાં આવે છે. કાલવશાત્ અનિવાર્ય રીતે થતાં પરિવર્તનોના ઝંઝાવાતમાંથી, આવી કંઈ ઓથ કે અવલંબન મળતાં, એ જૂના શબ્દો કેવળ અપવાદરૂપે ટકી રહે છે અને ભાષાના અભ્યાસ માટે બહુમૂલ્ય સામગ્રી પૂરી પાડે છે. સંસ્કૃત नगर ઉપરથી પ્રાકૃત नअर દ્વારા આવેલા ‘નાર’ શબ્દ ‘નાર’ (પેટલાદ પાસેનું—સં. नगर), ‘કોડિનાર’ (સં. कोटिनगर), ‘ગિરનાર’ (સં. गिरिनगर) વગેરેમાં જોવા મળે છે. એક રાજ્યાધિકારનો વાચક જૂની ગુજરાતીનો मुडधा શબ્દ નડિયાદની ‘મડદાબારી’એ લત્તાના નામમાં, વડોદરાની ‘પ્રતાપ મડધાની પોળ’માં તથા કેટલાંક લગ્નગીતોમાં જળવાયો છે.[1] ‘બજાર-ચૌટું’ એ અર્થનો જૂનો ગુજરાતી ‘સાંથ’ શબ્દ મોદીસાંથ'(નડિયાદ), ‘સૂતરસાંથ’(પાટણ) વગેરે લત્તાનાં નામોમાં ટકી રહ્યો છે. પહેલે દહાડે પરોણો ને બીજે દહાડે પઈ’ એ રૂઢિપ્રયોગમાંનો ‘પઈ’ શબ્દ ચલણમાંની ‘પાઈ' સાથે સંબંધ ધરાવતો નથી, પણ સંસ્કૃત पथिक >પ્રાકૃત पहिअ > पईअ એ રીતે વ્યુત્પન્ન થયેલો છે. આ જ રીતે અટકોનો અભ્યાસ પણ મહત્ત્વનો છે. અમદાવાદ અને પાટણના નાગરોમાં પ્રચલિત ‘પારઘી' અટક જેનો અર્થ ‘પારઘીઓ’ પોતે પણ ભાગ્યે જ સમજે છે તે સંસ્કૃત (राज ) परिग्रहिन् > પ્રા. परिग्गही પરની ઉપરથી આવ્યો છે.[2] ખત્રીઓમાં પ્રચલિત ‘ગોઠી' અટક સંસ્કૃત गोष्ठिक >પ્રાકૃત गोट्ठिअ સાથે સંબંધ ધરાવે છે, અને જૈન મન્દિરોના પૂજારીઓને ગુજરાતમાં ‘ગોઠી ’કહેવામાં આવે છે. એનું મૂળ પણ એ શબ્દમાં રહેલું છે. અમદાવાદમાં ખાડિયામાં એક પોળ ‘ગોટીની શેરી’ કહેવાય છે એનું ખરું નામ ‘ગોઠીની શેરી' છે એમ એ જ શેરીના રહેવાસી સદ્ગત દી. બ. કેશવલાલ ધ્રુવે મને એક વાર અંગત વાતચીતમાં કહેલું. ચૌલુક્ય યુગના અને ત્યાર પછીના કેટલાક લેખોમાં गोष्ठिक અટક મળે છે. ‘મિત્ર’વાચક ગુજરાતી ‘ગોઠિયો’ શબ્દ એમાંથી આવ્યો છે. સંસ્કૃત गोष्ठि એટલે ‘સભા’ અથવા ‘મંડળી’, ‘ગેાષ્ઠિ'માં બેસે તે ‘ગોષ્ઠિક’. જતે દિવસે ગામડાંમાં અથવા નગરોમાં અમુક સ્થાનોએ એકત્ર થતા પુરુષોનું મંડળ પણ ‘ગોષ્ઠિ' કહેવાયું અને એમાં બેસનારા ‘ગોષ્ઠિક' તરીકે ઓળખાયા. ‘વસુદેવ-હિંડી' (પાંચમો સૈકો) જેવા પ્રાચીન ગ્રન્થોમાં ‘લલિત ગોષ્ઠિ’ અને ‘દુર્લલિત ગોષ્ઠિ’નાં વર્ણનો છે. ગુજરાતમાં જૈન મન્દિરોનો વહીવટ પરાપૂર્વથી જુદાં જુદાં ગામ કે મહોલ્લાના ‘ગોષ્ઠિકો' કરે છે તેથી એના પૂજારીઓ પણ ‘ગોઠી’ કહેવાયા હશે એમ અનુમાન થાય છે.

પારસીઓની ‘મસાણી’ અટકને ‘મસાણ’ સાથે સંબંધ નથી, પણ તેનું મૂળ સં. महासाधनिक> પ્રા, महासाहणीअ> જૂ. ગુજ. मसाहणीમાં છે એ અગાઉ બતાવવામાં આવ્યું છે, [3] ગુજરાતના નાગરો, કાયસ્થો, બ્રહ્મક્ષત્રિયો, અનાવિલો, પાટીદારો અને બીજી કેટલીક જ્ઞાતિઓમાં રાજ્યાધિકારવાચક સંખ્યાબંધ અટકો જોવામાં આવે છે; એમાંની ‘દેસાઈ', ‘મહેતા', ‘પટેલ’ વગેરે સર્વ સામાન્ય અટકો બાજુએ રાખીએ તો, મોટા ભાગની અટકો ફારસી-અરબી મૂલની હોઈને ઘણુંખરું મુસ્લિમ કાળમાં જે તે કુટુંબોને પ્રાપ્ત થયેલી છે. એ અટકોનો અર્થ પણ, એ કારણે, મોટે ભાગે સ્પષ્ટ હોય છે.

અત્રે આપણે ખેડાવાળ બ્રાહ્મણોની ત્રણ અટકોની ચર્ચા કરીશું. એ ત્રણે અટકો મુસ્લિમ કાળ પૂર્વેની હોઈ સંસ્કૃતમાંથી પ્રાકૃત દ્વારા ગુજરાતીમાં ઊતરી આવેલી છે અથવા મુસ્લિમેતર દેશ્ય મૂળની છે. ત્રણેય અટકો એક અથવા બીજી રીતે રાજ્યાધિકાર સાથે સંબધ ધરાવે છે; અને ત્રણેયના વાચક શબ્દો સૈકાઓ થયાં ગુજરાતીમાં વ્યાપક પ્રચારમાંથી લગભગ લુપ્ત થયા છે; માત્ર ઉપર્યુક્ત અટકોના સ્વરૂપમાં જ, અપવાદરૂપે, ટકી રહ્યા છે. જે ત્રણ અટકોની હું ચર્ચા કરવા માગું છું તે નીચે પ્રમાણે છે: શેલત, ધગટ, અને ડણાક,

[१]
शेलत

‘શેલત’ શબ્દના, મને જૂની ગુજરાતીમાંથી મળેલા કેટલાક પ્રયાગો નીચે પ્રમાણે છેઃ—

[ १ ] संघपति सोहडदेउ वीनवीई तीरथजात्र जाइवउं गोसामीय ।
सेलहूत सीषामणह बहुय परघउ पणवि रहावीय ।
वहथमल्ल लेउ पत्तनि आवीय संघ देवालइ नरोपीउ ए ॥
-મંડલિકકૃત પેથડરાસ (સં. ૧૩૬૦ આસપાસ),
કડી ૨૨, પ્રા. ગુર્જ. કા.સં., પરિશિષ્ટ પૃ. ૨૫
[ २ ] करइ तलार ओसधर प्रमाद, सेल्लहत्थ मद मोटउ नाद;
फिरटइ २ परिवाद, हासा शोक माल नितु वाद.
—જયશેખરસૂરિકૃત ત્રિભુવનદીપકપ્રબન્ધ
(સં. ૧૪૬૨ પછી), કડી ૬૮
[ ३ ] सिद्धि बुद्धि बे चामरहारि, सील सेलहथ सभा-मझारि;
सामाइकु तसु सारथि सार, कर्मविवर नामि पडिहार
- એ જ, કડી ૧૭૩
[ ४ ] कुमर सवे तिगि दृष्टि कल्या, जाइं महाधर पाला पुल्या;
सेल्लहत्थ - सिरि दिट्ठ प्रहार, सभिकतिस्युं गिउ दूरितलार.
— એ જ, કડી ૩૭૭
[ ५ ] जीणि नगरि महाधर मंडलीक सेलहत्थ वरवीर राउत...
जेठी यंत्रवाहा भंडारी कोठारी प्रभृति राजलोक वसइं,
सर्वज्ञभवन देषी मन उल्लसइ ।
-માણિક્યસુન્દરસૂરીકૃત પૃથ્વીચંદ્રચરિત (સં. ૧૪૭૮),
પ્રા. ગુર્જ. કા. સં., પૃ. ૧૨૮
[ ६ ] तु श्रीगरणि वांची वही; सवि बारगीर तेजी लहि;
चाचु सुहट, भलु रहीउत, चुरासी तेड्या सेलहुत. [4]
—પદ્મનાભકૃત કાન્હડદેપ્રબન્ધ (સં. ૧૫૧૨),
ખંડ ૩, કડી ૪૦
[ ७ ] श्रीगरणा वइगरणा भला, साणहिता महिता राउला,

नगर तल्हार, देस सेलहुत, देहरासरि विप्र, प्रोहित.

– એ જ, ખંડ ૪, કડી ૪૦
[ ८ ] मन्त्रमांहि डाहा सेलहुत शीखामण हुइ |
–એ જ, પૃ. ૧૧૫ (પરિશિષ્ટ अ- બીજી આવૃત્તિ)
[ ९ ] सेना सह पूठइं - थिकी, सिरि सल्लहत्थ प्रधान ।

भंडारी वारी वतूं, मसाहणी बहू मान ॥

—ગણપતિકૃત માધવાનલ-કામકંદલા પ્રબંધ
(સં. ૧૫૭૨) અંગ ૪, કડી ૨૧૭

ઉપરનાં નવ અવતરણો પૈકી ચારમાં આ શબ્દનું सेलहुत એવું રૂપ મળે છે, જ્યારે બાકીનાં પાંચમાં सेलहत्थ અથવા એને મળતાં રૂપો છે. આ તફાવત જોતાં બન્ને પ્રકારનાં રૂપોની વ્યુત્પત્તિ પણ જુદી જુદી રીતે આપવી ઘટે. सेलहुतનું મૂળ (પ્રાકૃત सेल्लहुत દ્વારા) સંસ્કૃત शल्यभृत्માં છે, જ્યારે सेलहत्थ નું મૂળ સંસ્કૃત शल्यहस्त માં છે. આ બન્ને શબ્દો સાહિત્યમાં પ્રયોજાયા પણ છે— [૧]કાન્યકુબ્જના રાજાના પંચકુલે (પંચોળીએ) વનરાજ નામના માણસને ગુજરાતમાં ‘સેલ્લભૃત્' તરીકે નીમ્યો હતો એમ ‘પ્રબન્ધ ચિન્તામણિ’ (સં.૧૩૬૧)ના કર્તા મેરુતુંગાચાર્ય નોંધે છે— अथ कन्याकुब्जादायातपञ्चकुलेन तद्देशराज्ञः सुतायाः श्रीमहगिकाभिधानायाः कञ्चुकसम्बन्धे पितृप्रदत्तगुर्जरदेशस्येाद् ग्राहणकहेतवे समागतेन सेल्लभृद् वनराजाभिधानश्चके । —પ્રબન્ધચિન્તામણિ (ફા. ગુજ. સભાનું સંસ્કરણ), પૃ. ૨૦ [૨] ‘પુરાતન પ્રબન્ધસંગ્રહ’–અંતર્ગત ‘પૃથ્વીરાજપ્રબન્ધ’માં शल्यहस्तનો પ્રયોગ મળે છે— इतः शल्यहस्तो नृपस्य कर्णे विलग्नः - यदेष मन्त्री वारं २ तुरुष्कानानयति । —પુરાતન પ્રબન્ધસંગ્રહ, પૃ. ૮૬ ઉપરનાં સાંસ્કૃત અવતરણોમાં ધ્યાન રાખવા જેવું છે કે ‘પ્રબન્ધચિન્તામણિ’એ સંસ્કૃત शल्यના પ્રાકૃત રૂપ सेल्लને શુદ્ધ સંસ્કૃત भृत સાથે જોડ્યું છે. शल्यનો અર્થ ‘ભાલો' થાય છે[5] (જોકે એનો તદ્ભવ सेल्ल પ્રાકૃતમાં ક્વચિત્ ‘બાણ’ના અર્થમાં પણ વપરાયો છે), અને शल्यभृत અને शल्यहस्त બન્ને અર્થની દૃષ્ટિએ તો એક જ છે. શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીએ ‘સેલ્લભૃત’નો અર્થ ‘મહેસૂલ ઉઘરાવનાર માણસો સાથે રક્ષક તરીકે ભાલું લઈને ફરનાર’ એવો આપ્યો છે (‘પ્રબન્ધચિન્તામણિ’, ગુજ. ભાષાન્તર, પૃ. ૩૪), તે વાસ્તવિક જણાય છે. ઉપરનાં અવતરણો પૈકી [૯]માં પણ એને સેનાના મોખરે ચાલતો વર્ણવ્યો છે, [૧]માં સંઘના રક્ષણ માટે સાથે ‘સેલહૂત’ને મોકલવામાં આવે છે, [૪]માં એને યુદ્ધ કરતો વર્ણવ્યો છે, અને [૩]માં રાજસભામાં બેઠેલો બતાવ્યો છે. અવતરણ [૭]માં, ‘નગરમાં તલાર' (કોટવાલ) અને દેશમાં ‘સેલહૂત'ની હકૂમત કહી છે. તે ઉપરથી એના ઓદ્ધાના મહત્ત્વનો ખ્યાલ આવે છે. જોકે પાછળથી ‘તલાટી' જેવા સાધારણ મહેસૂલી અધિકારીના અર્થમાં પણ એ શબ્દ વપરાયો હોવો જોઈએ. અર્વાચીન ગુજરાતીમાં ‘શેલત' અને ‘શેલોત’ એવાં બે રૂપો આ શબ્દનાં છે, વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘શેલત’નો સંબંધ સં. शल्यहस्त સાથે (પ્રા. सेल्लहत्थ> सेलहथ >* सेलथ > सेलत દ્વારા) અને ‘શેલોત’નો સં. शल्यभृत्> सेल्लभृत् સાથે (પ્રા. सेलहुत > सेलउत> सेलोत દ્વારા) છે. જૂની ગુજરાતીમાં આ શબ્દના પ્રયોગો, ઉપર બતાવ્યું તેમ, બે વિભિન્ન યૂથમાં વહેંચાઈ જાય છે તેથી એમનું આ રીતે નિર્વચન જરૂરી છે.


[२]
धगट

ખેડાવાળ બ્રાહ્મણોની અટક તરીકે ‘ધગટ' શબ્દના મર્યાદિત પ્રયોગને બાજુએ રાખીએ તો, અર્વાચીન ગુજરાતીમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં એનું સ્વરૂપાન્તર ‘ધગડો' શબ્દ ‘મજબૂત, તોફાની માણસ’ના અર્થમાં વપરાતા મેં સાંભળ્યો છે, જૂના ગુજરાતી સાહિત્યમાં શ્રીધર વ્યાસકૃત ‘રણમલ્લ છંદ' (સં. ૧૪૫૪ આસપાસ) અને પદ્મનાભકૃત ‘કાન્હડદેપ્રબન્ધ' એ બે કાવ્યોમાં ‘ધગડ' શબ્દ ‘મુસ્લિમ યોદ્ધા'ના અર્થમાં વારંવાર વપરાયો છે. શ્રીધર વ્યાસે તો સંસ્કૃતમાં પણ તે પ્રયોજ્યો છે—

(१) यदि न भवति शकशल्यः रणमल्लः यवनकटकानाम् ।
विक्रियन्ते धगडैर्बाजारे गुर्जरा भूपाः ||
—રણમલ્લ છંદ, કડી ૭
(२) जां अंबरपूड तलि तरणि रमइ
तां कमजकंध न धगड नमइ ।
–એ જ, કડી ૩૦
(३) बहु बलकाक करइ बाहुब्बल,
धन्धलि धगड धरई धरणी तनि.
–એ જ, કડી ૩૯

વળી જુઓ એ કાવ્યમાં કડી ૪૫ અને ૬૧. કડી ૫૮ અને ૭૦માં મુસ્લિમ સૈન્ય માટે धगडायण શબ્દ વપરાયો છે એ નોંધપાત્ર છે. ‘કાન્હડદેપ્રબન્ધ’ ( ખંડ ૧, કડી ૨૧૨)માં ‘ધગડ’ શબ્દનો પ્રયોગ આ પ્રમાણે છે—

भाजइ कंध, पडइ रणि माथां, धगड तणां धड धाइ;
मांहोमांह मारेवा लागइ, विगत किसी न लहाइ.

મુસ્લિમેતર પ્રજાવર્ગ પૈકી કોઈને માટે ‘ધગડ' કે 'ધગટ’ શબ્દ જૂના ગુજરાતી સાહિત્યમાં પ્રયોજાયેલો મળી આવે તે ઐતિહાસિક દૃષ્ટિએ પણ એ રસપ્રદ ગણાય, પણ મારા જોવામાં તે આવ્યો નથી. મુસ્લિમ સૈન્ય સાથે જે ખેડાવાળ બ્રાહ્મણોને નિકટનો સંપર્ક હશે, એમનો નિર્દેશ મુસ્લિમ યોદ્ધાઓ માટેના ‘ધગડ-ધગટ’ શબ્દ દ્વારા થયો હોય એમ બનવું અસંભવિત નથી. ‘ઢગરો’ અથવા ‘ધગડો’ શબ્દ હજી પણ હલકા પગારના સિપાઈ કે પટાવાળા માટે વપરાય છે એમ વિદ્યાપીઠના જોડણીકોશમાં આપેલા અર્થો ઉપરથી જણાય છે. આ શબ્દ દેશ્ય મૂળનો છે.

[ રૂ ]
डणाक

આ શબ્દનો કોઈ જૂનો સાહિત્યિક પ્રયોગ હું ખોળી શક્યો નથી. ‘ડણાક’ કુટુંબના સભ્યો અને બીજા ખેડાવાળ બ્રાહ્મણો એનું મૂળ સંસ્કૃત दण्डनायक શબ્દ હોવાનું સૂચવે છે. ખેડાવાળોની બીજી અટકોમાં રાજ્યાધિકારવાચક જૂના શબ્દો જળવાયા હોઈ આ બાબતમાં પણ એમ બનવું શકય છે. दण्डनायक પ્રા. [6] *डंडणाअक > डणणायक > णનો લોપ થતાં डणांक> डणाक એ રીતે એની વ્યુત્પત્તિ સાધી શકાય. જોકે આ શબ્દના થોડાક પણ સાહિત્યિક પ્રયોગો મળે તો એની વ્યુત્પત્તિને વધારે શાસ્ત્રીય ભૂમિકા ઉપર મૂકી શકાય. [‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી ૧૯૫૨]

[‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી ૧૯૫૨]


  1. ૧. ‘ બુદ્ધિપ્રકાશ’, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૪૬માં મારો લેખ मुडधा
  2. ૨. એ જ, એપ્રિલ-જૂન ૧૯૪૬માં परघु-पारघी એ લેખ
  3. ૩ એ જ, આગસ્ટ ૧૯૫૧ માં ‘કાન્હડદેપ્રબન્ધના ત્રણ વિશિષ્ટ શબ્દપ્રયોગો' એ લેખ,
  4. ४. सेलहुत – शेलहुतમાં વ્યત્યય થતાં બનેલો सेहलुत-शहेलुत શબ્દ
    ગણપતિના ‘માધવાનલ-કામકંદલા પ્રબન્ધ'માં વપરાયેલો છે. જેમ કે—
    परधानि काइं परि करीं, साथि लिंघ शहेलुत |
    वीनव्वा एक वीनती, 'देव ! दीइजु मुहुत' ॥
    ખંડ ૭, કડી ૪૮૨
    मया करी मोकलामणी, सु करी समप्यां पान ।
    परघु सहु पण, पहिराविउ परधान ||
    ખંડ ૭, કડી ૪૯૪
    અહીં પણ ‘શહેલુત'નો ઉલ્લેખ બીજા એક રાજ્યાધિકારી ‘પરઘુ’ની સાથોસાથ થયેલો છે એ સૂચક છે.

  5. ૫. હેમચંદ્રનાં અપભ્રંશ અવતરણોમાં सेल्लનો પ્રયોગ ‘ભાલા’ના અર્થમાં છે—
    प्रिय एम्बहि करे सेल्ल करि छडुहि तुहुं करवालु ।
    जं कावालिय बप्पुडा लेहि अभग्गु कवालु ॥
    (અર્થાત્ હે પ્રિય ! તું હાથમાં ભાલો લે, તલવાર છોડી દે, જેથી બાપડા કાપાલિકા ભાંગ્યા વિનાની ખેાપરી મેળવી શકે.)
    પુષ્પદંતના અપભ્રંશ ‘મહાપુરાણ’ (સંધિ ૭૮; ૪. પં. ૩ )માં પણ યુદ્ધવર્ણનમાં, આ જ અર્થમાં सेल्ल વપરાયો છે—
    मुक्कमुसलहलपट्टिससेल्लइं, पसरियपाणिधरियधम्मेल्लइं ।
    (અર્થાત્ મુસલ, હળ, પટ્ટિસ અને ભાલા ફેંકાતા હતા; હાથ લાંબા કરીને શત્રુના વાળ પકડવામાં આવતા હતા.)

  6. ૬. જુઓ નરિસંહરાવે આપેલો ( ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય', ભાગ ૧-ગુજરાતી અનુવાદ - પૃ. ૩૭૯-૮૫ ) ‘વ્યંજનનાશ’નો ઉત્સર્ગ, જેમાં दक्षिणकः > दाहिणउ > डाह्यो; आश्विनकः > अस्सिणउ >आसो >उदासीन >उदासीणु >उदाश વગેરે શબ્દોમાં મૂર્ધન્ય णનો લોપ થાય છે.