કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩૪. વૃદ્ધાવસ્થા

Revision as of 02:12, 14 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૪. વૃદ્ધાવસ્થા

સવારે
ઉપવનમાં ચાલવા ગઈ હોઉં છું
ત્યારે
સારાં કપડાં
ખભે પર્સ
અને
સારાં શૂઝ પહેરેલી
એંશીની આસપાસની
એક બાઈ
એનો જમણો હાથ ઊંચો કરીને
મને ઊભી રાખે છે.
ચેસ્ટનટ હિલ જવાની દિશા પૂછે છે.
હું એને પૂછું છું
ચેસ્ટનટ હિલમાં ક્યાં જવું છે.
એ એક મકાનનું નામ આપે છે.
મને ખબર છે
એ મકાનમાં વૃદ્ધો રહે છે.
કેટલા રસ્તા
કેટલી ટ્રાફિક લાઇટ્સ
ક્યાં વળવાનું
એ બધું સમજાવું છું.
એ બાઈ
માથું ધુણાવી હા પાડે છે.
હું
એને ચેસ્ટનટ હિલની દિશામાં
જતી જોઉં છું.
પછી
હું
ચિંતામાં પડી જાઉં છું.
એને જવું છે ત્યાં એ પહોંચશે?
એને સ્મૃતિભ્રમ થશે તો?
કોઈ વ્યાધિ હશે તો?
આ સમયે આ સ્થળે
કદાચ શૂન્યમનસ્ક આવી હશે તો?
હું
રસ્તો ઓળંગી
ઘર તરફ વળું છું.
ના, મારા તરફ વળું છું.
મને જોઉં છું
ચેસ્ટનટ હિલની દિશા તરફ...


(દ્વિદેશિની, પૃ. ૧૨૮-૧૨૯)