કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૪. સુકાન પર ટેકવી

From Ekatra Foundation
Revision as of 01:26, 20 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪. સુકાન પર ટેકવી

સુકાન પર ટેકવી સબળ વક્ષ, ને હાથની
પડાળ કરી આંખને, કમરથીય નીચા નમી,
પ્રિયે ! નિરખતો હતો ધરણી-પ્રાન્ત ઊભી તને;
હતી અમુલ બે ઘડી જલધિ પાર જાવા મને.
અને ત્યહીં દીઠી ઢળેલ તવપોપચે તોરણો
રચી નીતરતી સુધાંશુ સમ મૌક્તિકો પાંપણો,
સરી ગયુંય એક અશ્રુ મુજ નેનથી કારમું,
મહાન, દવલું, ઊનું, અમુલ પ્રેમના સારનું.
સહસ્રશત જોજનો જલધિના વચે ઘૂઘવે;
અને જલધિ આ મહાન નીરખી વ્રીડા સંભવે;
હશે અવડું મહાન, દવલું, ઊનું આંસુડું !
રડેલ ચખનું હશેય વળી કેવું હૈયું વડું !
મહાન જ્યમ સર્જનો મહદ તેમ તેની વ્યથા !
સખીરી ! મુજ — તાહરી ટચુકડીય વ્હીલી કથા !

૧૫-૫-’૩૪
(કોડિયાં, પૃ. ૧૯)