કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૭. શેતૂર અને પોપટ

From Ekatra Wiki
Revision as of 15:17, 20 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૭. શેતૂર અને પોપટ

પોપટે પઢાવી મને ભરતમુનિની વાત,
ટહુકા મેલી પરખાવી કરુણરસની નાત.
ઘર આંગણમાં ઊભું સામે શેતૂર કેરું ઝાડ;
હાથ ફેરવી પંપાળે એ પછવાડેની વાડ.
ઉનાળો આવે ના’વે ત્યાં માણેકનો ભંડાર
લાલંલાલ ગુલાબી માેલ શેતૂરનો અંબાર.
એવે ટાણે લીલા લીલા કીલકીલ કરતા “હાશ !”
પોપટ આવે નીલ ઘટાની વધાવવા લીલાશ;
પરોઢ, સાંજે શોર મચાવે, તોડ ફળ ને પાન
તોય મને તો લાગે એમાં જીવનલ્હાણું ગાન.
કાનખજૂર શા ફળ ખૂટ્યાં ત્યાં મોંઘેરા મ્હેમાન
પોપટ ના’વે, ઊડી ગયા એ આપ્યા વિણ એંધાણ.
એક દફા ઓચિંતા મળતાં છેડી એણે વાતઃ
“આપો શેતૂર રોજ રોજ તો આવું દિન ને રાત !”
“ભૂલી ગયો હું બ્રહ્મા બનવું, મારી શું તાકાત?”
— સમજાવું શેણે લાચારી? મનડું થયું મહાત.
શબ્દ વિના સંવેદન ઊંડું, એથી ગહન કરુણ
શબ્દકોશ જે પરિસ્થિતિના ચૂકવી શકે ન ઋણ.
પોપટે પઢાવી મને ભરતમુનિની વાત,
ટહુકા મેલી પરખાવી કરુણરસની નાત.

૪-૫-’૫૩
(કોડિયાં, પૃ. ૩૨-૩૩)