કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૮. આજ મારો અપરાધ છે, રાજા !

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૮. આજ મારો અપરાધ છે, રાજા !

આજ મારો અપરાધ છે, રાજા ! તું નહિ આવે ઘેર;
જાણું હું મારા દિલમાં તોયે આંખ પસારું ચોમેર.
પાંદડે પાંદડે પગલાં સુણું; વાદળે તારી છાંય;
નિભૃત આંબલે કોકિલકંઠમાં વાંસળી તારી વાય.
આવશે ના ! નહિ આવશે ! એની ઉરમાં જાણ અમાપ;
કેમ કરી તોય રોકવા મારે કૂદતા દાહ-વિલાપ?
રાત હતી, હતાં વાદળ-વારિ, વીજળીનો ચમકાર;
નેવલાં મારાં ખાળતાં ન્હોતાં અશ્રુ સર્યાં ચોધાર.
આગલે દિવસે પ્રેમી પથિકને સેવતાં ક્લાંત શરીર;
પાઠવતાં એને અર્ધ નિશા તક ખેરવ્યાં અશ્રુનીર.
રથ તારો મુજ બારણે આવ્યો જાણું ન ક્યારે? કેમ?
ક્યારે તેં આંગળે હાથ પરોવ્યા? ક્યારે તેં પૂછ્યા ખેમ?
હોઠને તારક ટીલડી ક્યારે? ક્યારે તેં લીધ નિશ્વાસ?
કાંઈ ન જાણું કેટલી વેળા સૂંઘતો મારા શ્વાસ?
પાંપણે ઘેનના ડુંગરા બેઠા, ઇચ્છ્યા ન ઊભા થાય;
અંતરમાં પડછંદ પડ્યા તોય ત્રાટક ના સંધાય.
ક્યારે ઊઠ્યો તું? રથમાં બેઠો? મારતે ઘોડે દૂર?
જાણું નહિ ! પણ જાગતાં અંગમાં મ્હેકતું તારું કપૂર !
આજ મારો અપરાધ છે, રાજા ! તું નહિ આવે ઘેર;
આજ મારો અપરાધ છે, જાણું કાલનો કાળો કેર.
આવજે એવું માગવું ના, પર એક હું માગું વેણ;
એકદા તારે બારણે આવીશ પાઠવ્યા વિના ક્‌હેણ :
જાગતો ના હામ હોય હૈયામાં ! જોઉં તો તારું જોર !
ચેતજે રાજા ! મનમાળામાં પેસતાં કોઈ ચકોર !

૨૭-૩-’૩૩
(કોડિયાં, પૃ. ૩૪-૩૫)