કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૩૦. મોહનપગલાંમાંથી
Jump to navigation
Jump to search
૩૦. ‘મોહનપગલાં’માંથી
આઘા વ્હેણે સરતી સરિતા આશ્રમે પાસ આવે.
ઊંચા નીચા હૃદયધબકા પુણ્ય-પાદે ચડાવે.
કાંઠે ઊભી તરુગણ સહુ વારી જાતાં ઝળૂંબેઃ
વેલી વાડે ઘન તિમિરમાં આગિયા પુષ્પ ચુંબે.
ઊંચે કાંઠે, સરસ ઘરની લીંબડાળી ફળીમાં
બિડાયેલાં નયન નમણાંઃ ઊપડે શ્વાસ ધીમા;
નાનું એનું શરીર કુમળું, ભાવ ચૈતન્ય કાંતિ;
પોઢે જાણે જગકલહની મધ્યમાં દિવ્ય શાંતિ.
ઊંચા ઊંચા ગિરિશિખરથી વાય ઊના નિસાસા,
“કોટિ કોટિ જીવન સરજ્યાં, વીંઝણી તોય માતા !”
જાગી ઊઠ્યો ઝબકઃ નમણાં નેનમાં દુઃખ થીજ્યાં,
ચારે બાજુ નજર કરતો, એકલો, ગાલ ભીંજ્યા.
અંગે અંગે, હૃદય, વદને, આંખમાં દાહ જામ્યો !
માતાનાં એ ઝળહળ થતાં આંસુનું રૂપ પામ્યો !
૨૩-૭-’૩૧
(કોડિયાં, પૃ. ૧૪૯)