કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૩૬. ધૂમ્રકથા
ઊંચાં ઊંચા શ્હેર તણાં મકાનો,
ને એકમાં એકલ હું પડી રહું.
કરી કરી દિન અનેક કામો,
સંધ્યા સમે પશ્ચિમ ગોખમાં લહું.
સંધ્યા સતીના નવરંગ ગાલો,
મિલો તણા ધૂમ્ર વિષાદ આવરે;
માણિક્યના વ્યોમભર્યા મહાલો,
ધીમે ધીમે ગોટમગોટ છાવરે.
અને હું જોતો બળતા નિસાસા,
ભેગા થઈ ધૂમ્ર શિખાસ્વરૂપના;
મજૂરનાં દૈન્ય અને નિરાશા;
ધુંવા મહીં જોઉં દુખો હું ધ્રૂજતાં.
ઊડે મહીં હાથ પગો તૂટેલા,
બળી બળી ખાખ થયેલ ફેફસાં;
ફિક્કાં, સૂકાં, મ્લાન મુખો ઝૂકેલાં,
સ્ત્રીઓ તણાં વસ્ત્ર વણેલ મેશનાં.
ઊણાં ઊભાં હું ઉદરો નિહાળું;
અપૂરતી ઊંઘ સૂઝેલ પાંપણે;
પ્રસ્વેદની ત્યાં સરિતા હું ભાળું;
ને માળખાં શોષિત દુઃખ-ડાકણે.
અને હું જોતો પડતી નિશામાં,
રડી રડી મ્લાન સુકેલ યૌવના;
ઊભા થતા ને પડતા નશામાં,
પગો પડે અસ્થિર ઝૂંપડીમાં.
ઝીલી ઝીલી એ પશુના પ્રહારો
અશક્ત ભૂખી લલના રડી રહે;
નિઃસત્ત્વ ગંદાં અસહાય બાળો
નિશા બધી ભોંય ભૂખ્યાં પડી રહે.
બારી કરી બંધ પથારીએ પડું !
ધુંવા તણી મૂક કથા હું સાંભળું !
૨૪-૧-’૩૧
(કોડિયાં, પૃ. ૨૦૨-૨૦૩)