કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૩૫. સ્વમાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૫. સ્વમાન

માન તમારે હાથ ન સોંપ્યું;
                  કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ,
                  શર સૌ પાછાં પામશો.
ઘન ગરજે, વાયુ ફૂંકાયે,
                 વીજળી કકડી ત્રાટકે;
બાર મેઘ વરસી વરસીને
                  પર્વત ચીરે ઝાટકે — માનo
હિમાદ્રિ અમલિન સુહાસે
                 ઊભો આભ અઢેલતો;
આત્મા મુજ તમ અપમાનોને
                 હાસ્ય કરી અવહેલતો — માનo
રેતી કેરા રણ ઉપર ના
                બાંધ્યા મ્હેલ સ્વમાનના;
શ્રદ્ધાના અણડગ ખડકો પર
                પાયા રોપ્યા પ્રાણના !
માન તમારે હાથ ન સોંપ્યું,
                કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ,
                શર સૌ પાછાં પામશો.

૨૭-૭-’૩૦
(કોડિયાં, પૃ. ૧૯૫-૧૯૬)