કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૩૮. હું જો પંખી હોત

From Ekatra Wiki
Revision as of 01:29, 21 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૮. હું જો પંખી હોત

પ્રભુપાથર્યા લીલમડા શા
ખેતર-વાઢ મહીં વિચરું,
ટહુકું મીઠું અનંત વ્યોમે,
પૃથિવીમાં હું આશ ભરું.
નૂતન જ્યાં ત્યાં ભરતું જોત !
આશા ! હું જો પંખી હોત !
બાલસૂર્ય શા લાલ ગુલાબે,
વાયુ ધૂલી ભરતો તોય;
ધોવા કાજે કોણ પધારે?
જો ઝાકળ ના પડતી હોય !
તો હું તે અશ્રુએ ધોત !
આશા ! હું જો પંખી હોત !
કિલકિલાટથી વનકુંજોને,
આભલડાને, ગિરિગહ્વરને,
સાગરને, ધરણી માતાને,
મનુષ્યના આત્માને સોત,
ગુંજાવ્યા તું બ્હેનાં જોત !
આશા ! જો હું પંખી હોત !
ઊંચે ઊડી વ્યોમ રહેલા
તારકગણને પકડી લેત;
વીણી વીણી, સારા સારા,
માળા ગૂંથી લાવી દેત.
દીપત કેવું તારું પોત !
આશા ! હું જો પંખી હોત !
કુમુદ તણી હું વાત સાંભળી,
ચંદ્ર ભણી હું કહેવા જાત;
ચંદ્ર તણો સંદેશો પાછો,
કુમુદિનીને કહેતો જાત.
તેના દુખમાં સાથે રોત !
આશા ! હું જો પંખી હોત !
આશા ! હું પંખીડું મીઠું,
બ્હેના ! તું પંખિણી બ્હેન;
ઊડીએ ઊંચે, ઊંચે, ઊંચે,
આપણને શાનું હો ચેન?
બ્હેના ! તો હું કદી ન રોત !
આશા ! હું જો પંખી હોત !

૨૭-૨-’૨૭
(કોડિયાં, પૃ. ૨૨૫-૨૨૬)