કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૪૧. પતંગિયું ને ચંબેલી

From Ekatra Wiki
Revision as of 01:33, 21 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૧. પતંગિયું ને ચંબેલી

‘મળું મળું વ્હાલાને ક્યારે?
વીંટળાઉં ક્યારે?’ ઘેલી,
કોડભરી આવા ઉરમાં કૈં
લળતી આશભરી વેલી.
મુખ પર પુષ્પ કરે કેલી !
ફૂલરાણી શી ચંબેલી !
આરસનોયે અર્ક કરીને
બ્રહ્માએ આલેખ્યું રૂપ
સરસ્વતીની વેણીમાંથી,
ફૂલમાં પૂર્યા ગંધ અનુપ.
ફૂલડાંને ઊ઼ડવા આકાશ !
પાંખ વિના પૂરે શેં આશ?
મેઘધનુષી પાંખોવાળા
પતંગિયાને ભાળી પાસ;
ચંબેલી મલકંતી પૂછે,
‘એક જ મારી પૂરશો આશ?
મારો દેહ તમારી પાંખ —
એક બનીને ઊડશું આભ?’
ચંબેલીનો દેહ રૂડો, ને
પતંગિયાની પાંખ ધરી;
અવની, આભ, અનંતે ઊડે,
મલકંતી મ્હેકંતી પરી,
પતંગિયું ને ચંબેલી !
એક થયાં ને બની પરી !

(કોડિયાં, પૃ. ૨૩૧-૨૩૨)