કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૫૦. અંગત મંત્રી

From Ekatra Wiki
Revision as of 01:51, 21 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫૦. અંગત મંત્રી

ગરૂડે ચડીને ઊડ્યા વિષ્ણુ ભગવાન
(વાત છે ત્યારની વીઆઈપીને ન્હોતાં મળતાં વિમાન).
ગરૂડે ચડીને આવ્યા વૈકુંઠવાસી,
પદ નહિ પણ પંખ-યાત્રા કરતા પ્રવાસી,
હિમાદ્રીને શિખરે શિખરે
(ઝટા જેવી જ્યાં નદીઓ વિખરે)
વેરતાં ફૂલ. આવ્યા માનસ પાસ,
પાળમાં જેની સંઘરાયો છ પ્રકાશ.
આવ્યા માનસ પાસ,
સ્નાન કર્યું,
ફરી વીંઝતું ગરૂડ સર્યું
તરલ નાવ શુ આભના ઊંધા સાગરે.
પહોંચ્યા જેવા કૈલાસના પાદરે,
ધ્યાન ફેંકી દઈ ઊઠ્યા શિવ
(નાગના હારથી સુગ્રીવ);
ભેટ્યા પ્રભુને, પાથર્યું વ્યાઘ્રચર્મ.
સોમ મગાવ્યો જાણી યજમાનનો ધર્મ.
અલકમલકની વાતો કરતાં,
ટીખળ કરીને મનડાં હરતાં,
આવ્યા મુદ્દાની વાતઃ
“કેવી આ દેવની નાત !”
સ્વર્ગમાં શાંતિ કેમ સ્થપાય?”
આમ બે પ્રભુઓ જ્યાં શિખર પરિષદે તલ્લીન થાય,
ત્યાં લાગ સાધીને નાગ ઉઠાવે ફેણ,
ગરૂડજીને કહેવા તું-તાના વેણઃ
“ચાંચ વાંકી ને પાંખમાં કાણાં,
ન્હોરમાં તારા મેલના દાણા.
અહીંથી આઘો ખસ,
ઉડણ પાવડીને, અંગત મંત્રીને
ન છાજતો મોટાની વાતમાં રસ !”
આંખ વીંચી એક, ગરદન તોળી
આમ બોલ્યા ગરૂડઃ
“બાપલા માફ કરો હું મૂઢ.
એકલા કો’દિ મળશું આપણે
કેતકી ફૂલની કાતીલ પાંપણે,
વિષ્ણુ વિના હું ને આપશ્રી રૂદ્ર વિના;
જોશું પછી શી બનશે બીના.”

(પુનરપિ, પૃ. ૯૭-૯૮)