આંગણું અને પરસાળ/સ્વાદ અને આસ્વાદ

From Ekatra Wiki
Revision as of 14:23, 20 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ખંડ બે
સ્વાદથી આસ્વાદ તરફ
(‘સંચયન’માંથી)

સ્વાદ અને આસ્વાદ

‘શું ચાલે છે આજકાલ?’ – સાંજે બગીચામાં ચાલતાંચાલતાં, ‘અમે-તો-ભૈ, સાહિત્યના-નૈ’ – એવી નમ્ર ઓળખ ધરાવતા અમારા મિત્રે પૂછ્યું. ‘બસ, ગરમી સહન કરવાના ઉપાય.’ – મેં કહ્યું. એમને થયું કે એમનો પ્રશ્ન હું સમજ્યો જ નથી. એ કહે – ‘એમ નૈ, મારા સાહેબ. આ તમે વજનદાર લેખો લખતા હો છો, કે આવેલા લેખો પર બેરહમ કાતર ચલાવતા હો છો, કે પેલું શું? હા, કોશ ને જોડણી ને એવી માથાપચ્ચી કરતા હો છો, એ વગેરે વગેરે-માંથી શું ચાલે છે આજકાલ?’ ‘એ વગેરે વગેરે તો ઠીક, પણ હાલ તો બસ કાચી કેરીનું શરબત, કે જીરુ છાંટેલી છાશ, કે ટેટી-તરબૂચ, કે બાફેલી કેરી ને ગોળનો બાફલો કે હમણાંહમણાં ચીકુ આવે છે તો એનો મિલ્કશેક કે આઈસ્ક્રીમ, ને આઈસ્ક્રીમ, ને વળી આઈસ્ક્રીમ, વગેરે વગેરેમાં છીએ ભાઈ...’ હું બોલતો જતો હતો ને તે હાંફતા જતા હતા – ચાલવાની ઝડપ ઘટાડીને કહે, ‘તમારું આજે ઠેકાણે નથી લાગતું. અરે મારા મહેરબાન, કંઈ સાહિત્યનું શું-ચાલે-છે એ વિશે કહો, રોજ કહો છો તેમ...’ ‘તો સાંભળો. કવિ કાલિદાસે ‘ઋતુસંહાર’ નામનું કાવ્ય લખ્યું છે. ‘સંહાર’ એટલે માર-કાપ નહીં, પણ વર્ણન કે વર્ણનનો સંચય કે વિહાર. બધી જ, છયે ઋતુઓની વાત. કવિ, પ્રિય નાયિકાને સંબોધીને આ ઋતુકાવ્ય કહે છે. એ કાવ્યમાંં પહેલી જ ઋતુ છે ઉનાળો. કવિ એ ઋતુને ‘નિદાઘકાલ’ કહે છે. સાંભળો એની પહેલી જ કડી – રહો, જરાક શબ્દો છૂટા પાડીને કહું : ‘પ્રચંડ સૂર્યઃ, સ્પૃહણીય ચંદ્રમા, સદા-અવગાહ-ક્ષમ વારિસંચયઃ; દિનાન્ત રમ્ય; અભિ-ઉપ-શાન્ત મન્મથઃ, નિદાઘકાલઃ અયમ્ ઉપાગતઃ પ્રિયે! સમજાય એવું છે ને? એ ‘દિનાન્ત રમ્યઃ’માં તો આપણે આ લટાર મારી રહ્યા છીએ.’ મિત્ર હવે પ્રસન્ન. કહેઃ ‘ હા, હા, દિનાન્ત રમ્ય એટલે સાંજ. અને આ સદા-અવગાહ-ક્ષમ વારિસંચય’ એ પણ ગમ્યું. નાના હતા ત્યારે નદીઓમાં શું ધુબાકા મારતા હતા, અહા!’ ‘બસ, એવું અવગાહન હવે, રોજ ઘરે, શાવર નીચે કરતા હશો. શરબતનો સ્વાદ, પણ આ શાવરનો તો આસ્વાદ. અણુએ અણુમાં ઠંડક!’ ‘વાહ, આ-સ્વા-દ! સારું લાવ્યા તમે...’ મિત્રની સર્વ સંવેદન-ઇન્દ્રિયો હવે ખૂલી ગઈ હતી. મેં કહ્યું. ‘ને હવે ઘરે જઈને, રાત્રે જરાક ઠંડક થાય ત્યારે પેલી ચોપડી ખોલજો. કાવ્યના સ્વાદની સાથે જ એનો આસ્વાદ પણ માણજો...’ ‘આ...વજો, આજે ઊંઘ સારી આવશે! ’

૨૮.૪.૨૦૧૪