આંગણું અને પરસાળ/બોલાતી અને લખાતી ગુજરાતી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બોલાતી અને લખાતી ગુજરાતી ભાષા

ભાષાનું પ્રાથમિક કામ તે આપણી લાગણીને, આપણા વિચારને તરત બીજા સુધી પહોંચાડવાનું. ગુજરાતી ભાષા બોલતા અત્યારના સમાજમાં ‘બેટા, સફરજન ખા’ કે ‘બેટા, આ એપલ ખા’ કે ‘બેટા આ એપલ ઈટ કર’ એવું કોઈપણ વાક્ય તરત અર્થ તો પહોંચાડી જ શકે છે. કેમકે ગુજરાતી બોલનારાઓમાં અંગ્રેજી-ગુજરાતી એવી દ્વિ-ભાષિકતાનો વ્યવહાર છે. અંગ્રજી માધ્યમમાં ભણતાં બાળકો વર્ગમાં અંગ્રેજી અને હિંદી પહેલાં શીખે છે, ગુજરાતી પછી! વળી સ્કૂલમાં મરાઠી ને હિંદી ભાષી બાળકો પણ હોવાનાં. એટલે ‘હું વિચારું છું કે –’ની સાથેસાથે ‘હું સોચું છું કે–’ એવું પણ સાંભળવા મળવાનું, ને આવો વાણી-વ્યવહાર કશા અવરોધ વિના ચાલવાનો. પોતાની નાની પુત્રીને ‘દીકુ, મારી ફીંગર ઝાલ’ એમ, તળપદી ગુજરાતી બોલી સાથે અંગ્રેજી શબ્દો ‘મીક્સ’ કરીને કહેતી મા-ની વાત દીકરી તરત સમજી જાય છે ને માની આંગળી પકડી લે છે. અરબી-ફારસી-ઉર્દૂના શબ્દો તો છેક ૧૫મી સદીથી ગુજરાતીમાં ભળતા રહ્યા છે તેથી આપણને ખ્યાલ પણ નથી આવતો કે રકાબી, પ્યાલો, દરવાજો, જરૂર, મહેમાન, નજર, હવા, એવાએવા શબ્દો મૂળ ‘ગુજરાતી’ના વંશના નથી! આવી ભેળસળ ભાષામાં સાવ એક-રૂપ તો થતી નથી, પણ ચાલી જાય છે. વાણી-વ્યવહાર કરનારું વર્તુળ જેમ નાનું, એમ આવી ભેળસેળ વધુ ચાલી જાય. સારો લેખક કે પ્રોફેસર પણ, બને કે, ઘરમાં તો પોતાની કાઠિયાવાડી કે ચરોતરી કે ઉત્તર ગુજરાતની કે સૂરતી ભાષા બોલતો હોય. બાળકોની, સ્ત્રીઓની, પુરુષોની નાનીનાની મિત્રમંડળીઓમાં પણ પોતાની પ્રાદેશિક બોલી, શિષ્ટ ભાષા, હિન્દી, અંગ્રેજીનું કચુંબર સ્વાદપૂર્વક બોલાતું હોય છે. કેમકે બોલવું-સાંભળવું એટલે પોતાની વાત તરત સામેનાને પહોંચાડવી – આ સંક્રમણ (ઓહ્, કમ્યુનિકેશન કહેવું જોઈએ!) નિરાંતે ચાલતું હોય છે. પછી મોટી મંડળીમાં – કોઈ સભામાં કે કોઈ મોટા મેળાવડામાં કે સમારંભમાં બોલનારની ભાષા વધુ સભાનતાવાળી, શિષ્ટ બનતી જાય. ત્યાં બોલી-ખાસિયતો ટાળીને માણસો સહુની ભાષામાં, સહુને માન્ય હોય એવી ભાષામાં બોલવાના. અને વળી સભાસંચાલક કે વક્તા, નેે વર્ગમાં શિક્ષક – વધુ કાળજીવાળી, વધુ શિષ્ટ ભાષા બોલવાના. ભાષા સામાજિક વ્યવહારનો જ એક ભાગ છે – ઘણો મહત્ત્વનો ભાગ છે, એટલે બોલનારમાં એવી કુશળતા, એવો શિષ્ટાચાર (શિષ્ટ આચાર) આપમેળે જ આવી જવાનો. જેમ કે, જેવું ભાષાનું, એવું કપડાંનું – ઘરમાં બંડી-લેંઘો પહેરીને ફરતા સજ્જન, શેરીમાં કે સોસાયટીમાં નીકળે ત્યારે ઉપર ઝભ્ભો કે શર્ટ લગાવી લે. બહાર જાય ત્યારે અસ્ત્રીવાળાં કપડાં, ને લગ્ન જેવા સમારંભમાં વળી નવાં, ભપકાદાર કપડાં. આ પણ એક રીતે તો આપમેળે જ હોય છે ને? પહેર્યે કપડે કંઈ લગ્ન સમારંભમાં પહોંચી જવાય છે? એ જ રીતે ઘરની ભાષા લઈને પરભારું જ કંઈ સભામાં ભાષણ થઈ શકે છે? જેવા પ્રસંગ તેવી ભાષા. પણ આ જે ‘આપમેળે’ લાગે છે તે શિષ્ટાચાર બાળપણથી સાંભળી-સાંભળીને, જોઈજોઈને અંદર ઊતરી ગયેલો હોય છે. પણ લખાતી ભાષા, લખવાની ભાષા આ જ રીતે સાવ આપમેળે હોતી નથી, હોવી પણ ન જોઈએ. લખવાની ભાષાની એક પોતાની રીત, એક ચોક્કસ શિસ્ત હોય છે ને એ શિસ્ત કેળવવી પડે છે – બીજાનું વાંચીને કે તાલીમ લઈને, શીખવી પડે છે. પણ ઘણા માણસો તો લખે છે તે પણ ‘આપમેળે’! જેવું બોલે તેવું જ લખે. પણ જેવું બોલીએ, એવું લખીએ તો તો એ અણઘડ લાગે, વાંચનારને તમારું લખેલું ‘સમજાવું’ જોઈએ – એટલું જ નહીં, એ એને ચોખ્ખું, સફાઈદાર, સ્પષ્ટ ને ‘શિષ્ટ’ લાગવું જોઈએ. આપણા ઘણા વિદ્યાર્થીઓ – નિશાળના જ નહીં કૉલેજના પણ! – બોલે છે એવું જ લખે છે. ‘આપડી ગુજરાતી ભાસા’, કે પછી ‘મેં આયો તો તારે ઘરે પણ તું નતો’, ‘ગુજરાતી શાહિત્યમાં મેઘાણી બૌ અચ્છા કવિ બની ગયા’ એવુંએવું – ને એથી ય ચડે એવું રમૂજીરમૂજી એ લોકો લખતા હોય છે. પરંતુ, તમે માનશો? આપણા કેટલાક પ્રોફેસરો પણ (કહેતાં શરમ આવે છે) ને આપણા કેટલાક લેખકો પણ (કહેતાં વધુ શરમ આવે છે) કે ચોખ્ખી, સ્પષ્ટ, શુદ્ધ ગુજરાતી ભાષા લખતા કે લખી શકતા નથી. અંગ્રેજીમાં સ્પેલિંગની એક પણ ભૂલ ન કરનાર – જોઈસંભાળીને લખનાર આ ગુજરાતી સાહેબો ગુજરાતી શબ્દોની જોડણીમાં ધ્યાન રાખતા નથી. અરે, દરકાર પણ કરતા નથી. પ્રતિનિધિ, આપવીતી, રીતિ, કારકિર્દી – એમ ક્યાંક્યાં અનેે કેમ હ્રસ્વ ઈ (િ ) અને દીર્ઘ ઈ ( ી) આવે એની ચોકસાઈ એ કરી લેતા નથી. ઇશારો શબ્દમાં ‘ઇ’ હ્રસ્વ કેમ છે ને ‘ઈશાન’માં ‘ઈ’ દીર્ઘ કેમ છે, ‘ઉજ્જ્વળ’માં ‘ઉ’ અને ‘ઊજળું’માં ‘ઊ’ કેમ છે એનો ભેદ એ જાણતા નથી. એટલે પછી, નિષ્ણાંત, નિમણુક, સન્યાસી લખવામાં કઈ ભૂલ થઈ એ એમને ખબર હોય જ નહીં! (સાચું : નિષ્ણાત, નિમણૂક, સંન્યાસી) આ અનુસ્વારની બાબતે તો, જાણકાર લેખકોય ક્યાંક ભૂલ કરી બેસે છે. લખવું એ સતત શીખતાં જવાની, કેળવવાની શિસ્ત છે એટલે ભૂલ થવાની સંભાવના તો રહે જ – પણ ભૂલ વિનાનું લખવા માટેનાં, એ અંગે ચોકસાઈ કરી લેવા માટેનાં સાધનો હોય છે જ. પહેલું, મહત્ત્વનું સાધન તે શબ્દકોશ કે ડિક્શનરી. આપણાં કેટલાં શિક્ષિતોનાં ઘરમાં, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસે કે શિક્ષકો-લેખકો પાસે પોતાનો વસાવેલો શબ્દકોશ હશે? ક્યાંક અંગ્રેજી-ગુજરાતી ડિક્શનરી જોવા મળે કદાચ, પણ ગુજરાતી શબ્દ-અર્થ કોશ? લેખકો-શિક્ષકો પાસે તો અંગ્રેજી, ગુજરાતીના જ નહીં, હિંદીના, સંસ્કૃતના કોશ પણ જોઈએ (કેટલાક, પોતાના રસ ખાતર ઉર્દૂના, મરાઠીના, બંગાળીના કોશ પણ રાખતા હોય છે. એ વળી જુદી વાત.) લખવાની ભાષા એવી મહત્ત્વની શિસ્ત છે કે એ તમારા લેખક-વ્યક્તિત્વને શોભાવે – લેખક એટલે લખનારમાત્ર. આ તો સાચી, શુદ્ધ ભાષાની વાત થઈ; સારી, પ્રભાવક ભાષાની વાત એ વળી એક વિશેષ વાત થઈ. એની વાત વળી ફરી ક્યારેક...

૨૬.૧૨.૨૦૧૪