આંગણું અને પરસાળ/નૂતનવર્ષાભિનંદન અને હૅપી ન્યૂ યર

Revision as of 15:16, 20 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નૂતનવર્ષાભિનંદન અને હૅપી ન્યૂ યર

આપણા ઉત્સવો આપણે અકબંધ જાળવી રાખ્યા છે ને દરેક જૂની પેઢી નવી પેઢીમાં એ ઉત્સાહથી રોપતી અને સંક્રાન્ત કરતી રહી છે. નવરાત્રિ ને દીવાળી જેવા ઉત્સવો તો ઑર દેદીપ્યમાન, ને ઉજવણીની ઘણી મોટી છાલકોવાળા બનતા ગયા છે. આપણાં આનંદ-ઉત્સાહની સાથે આપણી ભૌતિક સમૃદ્ધિનું પણ એ, લગભગ પ્રદર્શન જેવું, વાહક બની ગયા છે. પરદેશમાં વસનારા ભારતીયો પણ પોતાના રુટિનમાં ગમે તે રીતે અનુકૂળતા કરી લઈને આ ઉત્સવો ઘણી પ્રસન્નતાપૂર્વક ઊજવે છે ને વરસભરનો આનંદ એમાંથી ચૂસી લે છે. (કંઈક બાકી રહ્યું હોય ચૂસવાનું, એ માટે ક્રિસ્મસનો તહેવાર તો પછી આવે જ છે!) પણ ઋતુ, માસ, તિથિ, અજવાળિયું, અંધારિયું – એની ખબર નથી આપણને. નવી પેઢીને તો એ પૂછવું વ્યર્થ. જો કે, ‘નવરાત્રિ અને દીવાળી કયા માસમાં આવે?’ એવું પૂછીએ તો, ‘ઑક્ટો–’ એમ અરધુંક બોલીને, ‘આસોમાં’ એમ કહેનાર ૧૦માંથી ૬ નવીનો તો નીકળી આવવાના. પણ આ નવા વરસે કયો વિક્રમ સંવત શરૂ થયો? – એ પ્રશ્નનો ઉત્તર ભાગ્યે જ કોઈને મુખવગો હોય – બાળકોનાં માવતરને પણ નહીં. ઈસુનું વરસ – આપણે એનું સરસ ગુજરાતીકરણ કે ભારતીયકરણ કર્યું છે – ઈસુ પરથી ઈસવી. ઈસવી સન. પણ આ ઈસવી સન જ રોજબરોજના આપણા વ્યવહારોમાં ઘૂંટાઈને એવું દૃઢ બલકે સખત થઈ ગયું છે કે એ પડ તોડીને આપણી સ્મૃતિ વિક્રમ સંવત લગી પહોંચી શકતી નથી. વિક્રમ સંવત આપણે માટે, જૂની-નવી પેઢીઓની બધી વ્યક્તિઓ માટે એક રીતે તો અપ્રસ્તુત થઈ ગયું છે. ક્યાંક જોઈ લેવું પડે છે – હા, આ નવું વર્ષ એટલે વિ.સં. ૨૦૭૬ નવા વર્ષનો આનંદ વ્યક્ત કરવા માટે આપણે ત્રિભાષી ઉદ્ગારો સ્વીકારેલા છે. ‘નૂતન વર્ષાભિનંદન’ કદાચ લખીએ પણ બોલવામાં એ અઘરું ને અતડું, કોઈ બોલે તો રમૂજપ્રેરક બની જાય છે; પછી ‘સાલ મુબારક’ એવું કંઈક વધારે વ્યાપક(ભારતીય?) રીતે બોલાય છે; અને હવે HAPPY શબ્દ આપણને એટલો બધો ગમી ગયો છે કે ‘હૅપી (કે હૅપ્પી) ન્યૂ યર’ એ ચોમેર વ્યાપી ગયેલો ઉદ્્ગાર છે! વરસમાં કેટલા બધા દિવસોને આપણે ‘હૅપી’ વિશેષણથી બીજા તરફ વહાવીએ છીએ – સંક્રાન્ત કરીએ છીએ! દીવાળી હોય કે હોળી કે બીજા અનેક ઉત્સવપાત્ર દિવસો, એ હૅપી હોય છે. અરે રવિવારની સવારને ‘હૅપી સન્ડે’ કહેવાનો રિવાજ પણ પ્રચલિત થતો જાય છે. ચાલો, આપણે હૅપ્પી હોઈએ છીએ એટલે બસ. પણ બધેથી સંભળાય છે કે આપણે હવે રૂબરૂ મળીને અભિવાદન કરવાને બદલે ફોનથી કે વૉટ્સએપ સંદેશાથી આપણી એકબીજા માટેની ‘હેપીનેસ!’ વ્યક્ત કરીએ છીએ. નવો રિવાજ બહુ દૃઢ બની ગયો છે. એવા મૅસેજ વાંચવા કે જોવામાંથી આપણે નવરા પડતા જ નથી! મિલન અને મઠિયાં એકલાં પડી ગયાં છે... રિવાજ એક પ્રકારની રૂઢતા પણ લાવે છે. ને મને અત્રે યાદ આવી જાય છે બલવંતરાય ઠાકોરનું એક કાવ્ય : સુખદુઃખ. એની પહેલી ચાર પંક્તિઓ વાંચીએ –

‘મુબારક હજો નવું વરસ!’ ‘સાલ આ બેસતી
દિયો અધિક સૌખ્ય રિદ્ધિ સકુટુંબને કીરતી!’
– ગળ્યાં વચન રૂઢ પોપટ જીભે સહુ ઊચરે,
હુંયે સ્મિત સહે સહું, વિનયી વાળું છું ઉત્તરે...

સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ.

૨૩.૧૦.૨૦૧૯