આંગણું અને પરસાળ/કવિ ધીરાની ભૂંગળી અને ફેસબુક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિ ધીરાની ભૂંગળી અને ફેસબુક

મધ્યકાલીન કવિ ધીરો ભગત, કહે છે કે, પોતાનાં પદો વાંસની ભૂંગળીમાં બીડીને મહી નદીના પ્રવાહમાં તરતાં કરી દેતા. જે સદ્ભાગીને હાથ ચડે એ મેળવે, વાંચે, નકલ કરીને ફરી ગાવા માટે સંઘરી પણ લે. પરંતુ હવે તો આપણે ક્યાંનાં ક્યાં પહોંચી ગયાં છીએ! કાવ્યો-પદો-લોકગીતો ગવાતાં હતાં, પછી લખાતાં ને વંચાતાં થયાં, પઠનો થતાં થયાં, છપાતાં થયાં, ગ્રંથરૂપ થયાં, એનાં ટીકા-પ્રશંસા થતાં રહ્યાં...એમ લેખકો જાણીતા થયા, સાહિત્યની પરંપરા બંધાઈ...કશી ખાસ ઉતાવળ નહીં, બધું ક્રમશઃ ધીરેધીરે ઘાટ લે. વર્ષોના લાંબા સમય પટમાં. અને હવે તો સાહિત્ય – સાહિત્ય જ નહીં, સર્વ વિદ્યાઓ પણ – સોશ્યલ મીડિયા પર ઝળહળે છે. એક વૈકલ્પિક દ્વાર ખૂલ્યું છે – ઉત્સાહવાળું ને ત્વરાભર્યું. Facebookના આ માધ્યમે બધું ઝટપટ ખુલ્લા મેદાનમાં મૂકી દીધું છે. : મેં આ લખ્યું છે, તાજું, મારા હસ્તાક્ષરોમાં, જુઓ, વાંચો. અરે મારો આ લેખ, ફલાણા સામયિકે હમણાં જ છાપ્યો છે... આ હું વિદ્વાન લેખક, હમણાં જ પ્રવચન પતાવી, આ મારી પત્નીને ગુલાબજાંબું ખવડાવી રહ્યો છું. (કેવોક લાગું છું?) ગમ્યાનું જરીક તિલક(ક્લિક) કરજો, ગોળઘીના બે અક્ષર પણ પાડજો commentમા.ં તમારું પેલું મેં તે દાડે લાઈક કરેલું ને? એટલે લાઈક કરવું એ પ્રસન્ન પ્રતિભાવ જ નહીં, વાડકી-વ્યવહાર પણ. તમારી વાનગી મને ભાવે છે (એમ કહેવાનું) ને મારી વાનગી તમને ભાવે છે (એ હું જોઈશ)... લેખકો હવે અતિ નમ્ર, કેવળ શાલીન હોય, ધીરજ ધરીને રાહ જોનાર હોય એ ન ચાલે. જેમ કે – લખ્યું છે, મોકલ્યુંય છે, સામયિક છાપશે બે-પાંચ મહિને, વાંચશે જેને જ્યારે હાથ લાગશે ત્યારે. હા, કોઈ ફોન કરશે કે કાગળ લખશે તો એ જરૂર ગમશે, ચોપડી થશે ને એનું અવલોકન લખાશે એય જોઈશું, કાં તો આનંદ પામીશું, કાં તો શીખીશું કેમ લખવું તે. થશે. થશે... પણ ના. એમ કંઈ એટલો બધો વખત અદબ વાળીને બેસી ન રહેવાય. સમય દોડી રહ્યો છે. લેખકોએ પણ દોડવું પડશે. મૂકો, મૂકો આ ચહેરા-પોથી પર. ચહેરો ને કેનવાસ બધું આપણું જ છે, સૌનું છે. ચોંટાડો એ વૉલ પર કાવ્યો, લેખો, કોલમો, બોલતા ફોટા... અરે, હવે તો છપાઈ ચૂકેલી ચોપડીઓનાં આવરણ, cover પણ. (ભૂતકાળને પણ ઊંચકીને વર્તમાનના પ્રવાહ પર.) જુઓ, મારાં આટલાં, આટલાં બધાં પુસ્તકો થયાં છે. ઓહો, અભિનંદન મેડમ, અભિનંદન સર. (પુસ્તકોનાં મુખારવિંદ જોયાં. લાઈક કર્યાં. બસ. ક્યાંકથી મેળવીને અંદર ઊતરવાની તો નવરાશ નથી.) અરે હજુ બીજાં આવરણોનાં તોરણો લટકાવશોજી. વાહ વાહ લખીશું, vaah પણ લખીશું, સીધાં કચ્ચરઘાણ અંગ્રેજીમાં પણ દોઢબે વાક્યો લખીશું. સૂત્ર એક જ છે : ચલાવો તમતમારે, અમે પણ ચલાવે જ રાખીએ છીએ ને... ક્યારેક એમ થાય કે શું છે આ બધું? વાંચનાર/જોનાર બધા શું સાહિત્યના, વિદ્યાના સાચા ભાવકો-ચાહકો છે? સમજ્યા વિના કૂદી પડનારા વધારે, ક્યારેક તો ઢંગ વગરની, ફૂવડ ભાષામાં લખેલી ટિપ્પણીઓ (કૉમેન્ટ્સ). કોની સામે તમે રજૂ થઈ રહ્યાં છો, લેખક તરીકે? કોની કૉમેન્ટ્સનો તમે આધાર લેવા માગો છો? તમને આજ સુધી મળ્યો છે એ સંતોષ શું ઓછો પડે છે? પરંતુ, વળી એમ પણ થાય છે કે, સાહિત્ય-વિદ્યાને આમ ફેસબૂકના પાને મૂકવાનાં આ વૃત્તિ-વલણોને સાવ ટીકાપાત્ર જ ગણવાં? હવે આ એક રસ્તો ખૂલ્યો છે તો ભલે એ રસ્તે પણ સાહિત્ય રજૂ થતું. બીજેથી વાંચવું રહી ગયું હોય, પહોંચી શકાયું ન હોય એ અહીં જોવા મળે એ એક વધારાની સુવિધા પણ છે. (તે તે લેખક, કોલમીસ્ટનો આભાર.) જાહેર મંચ છે આ. હા, એની ઉપર બધાં જ દૃશ્યો હોવાનાં – ને તમાશા પણ હોવાના. અને ધીરા ભગતની ભૂંગળીથી લઈને આપણે મુદ્રણ સુધી, દૃશ્ય-શ્રાવ્ય રજૂઆતો સુધી આવ્યા જ ને? તો આ એક ડગલું આગળ. સર્વ સમક્ષ, ઘડીભરમાં. છતાં, વિવેકનો પ્રશ્ન તો રહે જ છે. આત્મ-અભિવ્યક્તિ સુધી બરાબર છે, કંઈક આત્મ-રતિ પણ કદાચ સહ્ય, પણ એ આત્મ-રતિ આત્મસ્તુતિ રૂપે વકરવાના પૂરા ચાન્સ છે. જો ત્યાં લેખકજી અટકે નહીં તો... ફજેતી ક્યારેક પ્રગટ દેખાતી નથી. અને અટકવું જોઈએ કેમ કે આત્મ-ગૌરવ નામની ચીજ પણ આપણી જ છે. આ સમુદ્ર છીછરો લાગે છે, શીતળ પણ છે, પણ ધસી જવાનો આવેશ વધવા લાગ્યો તો ઊંડાં પાણી આત્મ-ગૌરવનાં સગાં નહીં થાય... આથી વધુ તો શું?

૨૩.૪.૨૦૧૮