આંગણું અને પરસાળ/આંગણું અને પરસાળ

Revision as of 15:30, 20 October 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આંગણું અને પરસાળ

સમય જાય એમ શબ્દો પણ વિદાય પામે. નવી સભ્યતા, નવી વ્યવસ્થાઓ, નવી સગવડો, નવા શબ્દો. પોતાની માલિકીના ઘર માટે ‘ઘરનું ઘર’ કેવો હૂંફાળો ગુજરાતી શબ્દપ્રયોગ છે! પણ પછી ઘરના જુદાજુદા ભાગો પર અંગ્રેજી ભાષાની માલિકીનો વિસ્તાર થયો – હૉલ, કિચન, બેડરૂમ, બાથરૂમ, વગેરે. હોય, સ્થાપત્ય ઉછીનું એટલે પછી શબ્દો પણ ઉછીના જ હોવાના ને? એનો વસવસો કરવાને બદલે જરાક પાછળ જઈએ – જૂનાં ઘરોમાં. શબ્દો વિદાય પામે છે એમ કહ્યું એનો અર્થ એટલો જ કે એ શબ્દો વપરાશમાં નથી રહ્યા, પણ મનમાં તો સંસ્કાર રૂપે એ રહે જ છે. જૂના ઘરના એવા બે શબ્દો આજે યાદ આવે છે : આંગણું અને પરસાળ. આંગણું શબ્દ તો હજુ કંઈક પરિચિત છે. જોકે બહુ વપરાતો નથી. ક્યારેક લગ્નની કંકોતરીમાં દેખાય – ‘આંગણિયે અવસર આનંદનો’. વળી ક્યારેક નવરાત્રિના ગરબામાં સંભળાય – દયારામના એક ગરબામાં, ગોપી કૃષ્ણને મીઠો ઠપકો આપે છેઃ ‘મારા આંગણલા સામું આવીને તમે શાને કીધી શાન?’ આ તે કેવો ધૃષ્ટ પ્રેમી, તે જરાક દૂર રહીને નહીં પણ છેક આંગણે આવીને ઈશારા કરે છે! આંગણું શબ્દ મનમાં પડ્યો હોય એટલે ક્યારેક આપણે કોઈ મિત્રને કે સ્નેહીને ફોન પર કહીએ છીએ – હવે અમારે આંગણે ક્યારે પધારો છો? ભલે ને આપણે ફલૅટમાં રહેતા હોઈએ. ને ફલૅટને આંગણું કેવું? છતાં કહીએ છીએ, કેમ કે આંગણું એટલે ઘર. આ આંગણું એટલે જ ઘર – એ જોવા માટે આપણે ગામડે જવું પડશે. ગામને પાદર ઊતરીને, થોડુંક ચાલીને તમે તમારી શેરીમાં વળી જાઓ છો. પછી તો શેરી ક્યારે પૂરી થઈ ને આંગણું ક્યારે શરૂ થયું એની ખબર જ ન પડે! પહેલાં તો, મોટા ભાગનાં ઘરોમાં શેરીથી આંગણાની સરહદ બતાવતી ઓટલી પણ ન હતી – માત્ર લીંપણ કર્યું હોય ત્યાંથી આંગણું શરૂ થઈ જાય એટલે જ તો લોકગીતનો ગાયક સ્વાગત કરે છે : ‘શેરી વળાવી સજ કરું ઘેર આવો ને...’ આંગણાનો વૈભવ જબરો. આંગણે હોય તુલસીક્યારો. અરે, નરસિંહ મહેતાના આંગણાની સમૃદ્ધિ બતાવતાં કવિ પ્રેમાનંદે કહેલું : ‘આંગણે તુલસીનાં વન!’ ભૌતિક દરિદ્રતામાંય ભક્તિનો આવો વૈભવ છલકતો હતો. સવારના સૂર્યનું સ્વાગત એ આંગણામાં થાય, જળકલશથી; બપોરે એ આંગણું બાળકોનું ક્રીડાંગણ બની જાય; ઉનાળાની રાતે ત્યાં ખાટલા ઢળે ને બાજુના લીમડાનો પવન ખાતાંખાતાં આકાશદર્શનનો ને ચંદ્રદર્શનનો આનંદ લૂંટવાનો હોય. પાછલે ઉનાળે, મોડી રાતે ક્યારેક આછો વરસાદ શરૂ થાય તો ઘરમાં નહીં ભરાઈ જવાનું, ખાટલા ખેંચી લેવાના પરસાળમાં. વળી પાછા, વરસાદનો અવાજ સાંભળતાંસાંભળતાં જ ઊંઘના પ્રદેશમાં સરકી જવાનું એ પરસાળમાંથી જ. આ પરસાળ કે પડસાળ ઘરની સૌથી મજાની જગા. ઘરનું કમાડ ખોલીને બહાર આવીએ એટલે તરત આવે પરસાળ, આંગણું તો પછી આવે. પરસાળને માથે છાપરું, સિલિંગ હોય પણ પછી સામે તો શેરી સુધી બધું ખુલ્લું. પ્રતિ શાલા એટલે પરસાળ – પરસાળ સામે જગત આખું મોકળું. હા, વરંડો કે પોર્ટિકો કહીએ એટલે પરસાળનો કંઈક ખ્યાલ આવે, પણ પૂરેપૂરો ન આવે. શુદ્ધ પરસાળ હોય એને ન ગ્રીલ હોય કે ન જાળી હોય કે ન ઓટલી હોય. માત્ર શોભતા હોય નાનાનાના થાંભલા. કળાકાર સુથારે એના પર ક્યારેક રસપૂર્વક કોતરણી પણ કરી હોય. લાંબી પરસાળ હોય તો ત્યાં હીંચકો પણ ઝૂલતો હોય. ત્યાં વળી એકાદ ખાટલો ઢાળી દઈએ એટલે એ ડ્રોંઈગ રૂમ કે વિઝીટર્સ રૂમ પણ બની જાય. મહેમાનને પહેલો આવકાર આંગણામાં, ને એમનો પહેલો સત્કાર પરસાળમાં. ત્યાં જ ચા-પાણી કે હુક્કો-પાણી થતાં. ઘરના વડીલનો ઠેકો આ પરસાળમાં – લગભગ આખો દિવસ; અને રાતેય ખરો. પરસાળ એ જ એમનો શયનખંડ. બાળકો માટે એ ઈન્ડોર ગેમ્સ – ઘરેળુુ રમતોનું મેદાન. જો કે એ ચંચળ જીવો પરસાળમાંથી ક્યારે આંગણામાં સરકે ને ક્યારે શેરીમાં થઈને પાદરે છટકી જાય એ કહેવાય નહીં! આપણે કહ્યું એ ચંદ્રદર્શન આંગણામાંથી જ થાય, પણ ક્યારેક પાછલી રાતના ચંદ્રનો અજવાસ પરસાળ સુધી પણ આવી જાય. રાવજી પટેલના એક કાવ્યમાં છે – ‘જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો...’ જોયું? આ બે શબ્દોએ આપણને ક્યાંના ક્યાં ઉતારી દીધા? સમયના ગર્ભગૃહમાં અંધારા ઓરડા જ નથી, અજવાળું આંગણું પણ છે ને પ્રેમાળ પરસાળ પણ છે.

જૂન, ૨૦૧૫