આંગણું અને પરસાળ/સ્વીકાર અને શરણાગતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વીકાર અને શરણાગતિ

ભૂલ થવી એ માણસ માટે સ્વાભાવિક છે. જો માણસ મહત્ત્વનું કામ કરતો હોય, વિચારીને કંઈક રજૂ કરતો હોય, તો માણસ ઉત્તમ પરિણામો લાવવા સામે બે-એક ભૂલો પણ કરે. ઉતાવળે જ ભૂલ થાય એવું નથી, ક્યારેક બહુ ધ્યાનપૂર્વક કામ કર્યું હોય ત્યારે પણ ભૂલ થઈ શકે છે. પરંતુ, એ ભૂલ તરફ કોઈ ધ્યાન દોરે ત્યારે આપણે શું કરીએ છીએ એ અગત્યનું છે. કેટલાક માણસો મમતથી કે હઠાગ્રહથી ખેંચાયેલા રહે છે, એમ કહો કે, પોતાનો કક્કો જ ખરો કરે છે ને સહજ ભાવે ભૂલનો સ્વીકાર કરતા નથી. આગળના રસ્તા જાણે કે બંધ કરી દે છે. સ્વીકાર કરવો એ બહુ મોટી શક્તિ છે. જીવનના અને જગતના પ્રવાહને વહેતો રાખવામાં સ્વીકારની મોકળાશનો બહુ મોટો ફાળો છે. તમને અંદરથી ખાતરી થાય, એવી પ્રતીતિ થાય કે તમારી કાર્યપદ્ધતિમાં કે તમારી વિચારસાંકળમાં એ એક ચૂક હતી, ત્યારે એના સ્વીકારમાં હાર કે શરમ નથી, બલકે એક ગૌરવ છે. ભૂલ કરી હોવા છતાં એ સ્વીકાર તમને ઊજળા રાખે છે. આ જગતના વિકાસમાં કેટકેટલા વિચારકોનો, સંશોધકોનો, વૈજ્ઞાનિકોનો ફાળો છે! એ દરેક મહાન પ્રતિભાનાં કાર્યોમાં ભૂલ અને સ્વીકારની પણ નાનીમોટી સ્થિતિઓ આવી હોય છે. કેટલાકને તો, પોતાની ભૂલ બીજા કોઈના નહીં પણ સૌથી પહેલાં પોતાના જ ધ્યાનમાં આવી હોય છે ને કોઈના કહ્યા વગર જ એનો એમણે સ્વીકાર કર્યો હોય છે. એક ઉત્તમ વિચારગ્રંથની પ્રસ્તાવનામાં એના લેખકે કહેલું કે, ‘પૂરી ચોકસાઈથી ને એકાગ્રતાથી આ કામ કર્યું હોવા છતાં એમાં જો કોઈ ક્ષતિઓ રહી ગઈ હોય તો એ બતાવનાર અભ્યાસીનો હું ઋણી થઈશ. એ સ્વીકારવામાં ને સુધારવામાં છેવટે તો વિદ્યાજગતને જ લાભ થશે. જ્ઞાનનું ઝરણું કશા અવરોધ વિના વહ્યા કરો...’ હા, સ્વીકાર વ્યક્તિનું ગૌરવ વધારે છે એ ખરું, પણ સ્વીકાર એ સમજમાંથી આવેલો નિર્ણય હોવો જોઈએ – ખોટી નમ્રતામાંથી નહીં. સ્વીકારમાં જેટલી નિખાલસતા જોઈએ એટલી જ બૌદ્ધિક પારદર્શકતા પણ જોઈએ. સ્વીકારની એક બીજી ભૂમિકા પણ છે ને એ ઊંડી સમજણમાંથી આવે છે, દા.ત. મૃત્યુનો સ્વીકાર. વયને લીધે કે કોઈ બીમારીને કારણે મૃત્યુ નજીક આવેલું જોઈને કેટલાક માણસો બેબાકળા બની જાય છે. જીવવાની ઇચ્છા હોય એમાં કશું ખોટું નથી, પણ પરિણામ સ્પષ્ટ હોય ત્યારે વલખાં મારવાં એ દયાજનક છે. એવે વખતે તો સ્વીકાર એ પરમ શાંતિભર્યો પ્રવાસ બની રહે છે. મારા એક મિત્રે, નિકટ આવેલા મૃત્યુને ઊંડી સમજથી સ્વીકારતાં કહેલું કે ‘હવે હું આવતી ક્ષણોને સેલિબ્રેટ કરી રહ્યો છું – આવનારી એક એક ક્ષણ ઊજવવાની છે, કોઈ પણ ક્ષણ મૃત્યુને તેડી લાવવાની છે એના સ્વાગતની તૈયારી કરું છું.’ હા, પરંતુ બીજી એક સ્થિતિ પણ હોય છે – શરણાગતિની. કેટલાક માણસો જીવતેજીવત મૃત્યુને ચરણે ઢળી પડે છે : ‘હે ઈશ્વર, મને ખેંચી લે, બોલાવી લે.’ આવી માનસિકતામાં નથી તો જીવનનું ગૌરવ થતું કે નથી તો મૃત્યુનો મોભો સચવાતો. એમાં એક પ્રકારની રિબામણી છે – સ્વીકારનું એ વરવું, ભૂંડામાં ભૂંડું રૂપ છે. એટલે સ્વીકાર યોગ્ય છે પણ શરણાગતિ બિલકુલ અયોગ્ય. વ્યક્તિત્વનો લોપ શા માટે કરવો? નબળાઈને હવાલે શા માટે થવું? શરણાગતિમાં નથી નિખાલસતા કે નથી પ્રતીતિ, નથી એમાં સાચી નમ્રતા કે નથી ખરું આત્મસન્માન. શરીર નમે એ પહેલાં તો મન ઢળી પડે છે. મનુષ્ય જીવતેજીવત રાખની ઢગલી થઈ જાય એ શરણાગતિનો કરુણ અંજામ છે. મોટામાં મોટી ભૂલનો સ્વીકાર પણ માણસને ટટ્ટાર રાખે છે, એની કરોડજ્જુને સીધી રાખે છે, પણ શરણાગતિમાં તો પહેલો જ ભોગ કરોડરજ્જુનો લેવાય છે. એટલે, શરણાગતિ હરગિજ નહીં – નહીં કોઇ મનુષ્યની કે ન મૃત્યુની. હા, ઈશ્વરની પણ શરણાગતિ નહીં, કેવળ સ્નેહભર્યો સ્વીકાર.

જૂન ૨૦૧૫