ગામવટો/૯. ફાગણ

From Ekatra Wiki
Revision as of 02:47, 24 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૯. ફાગણ

ફાગણ બેઠો છે. ફસલ કપાઈ રહી છે. ધરતીનો મટિયાળો ચહેરો જોઈ રહું છું. ખેતરોની લંબાઈ–પહોળાઈ પાછી સંકોડાઈ ગઈ છે. શેઢાઓ પર કપાઈ ફસલની હારો પડી છે, ખેડૂતો ગાલ્લાં ભરી ભરીને તડકો ઠાલવી રહ્યા છે. દખણાદો વાયરો હજી નશરમો નથી થયો. પાંદડાં પાછાં આવવાથી વૃક્ષો પાછાં સ્વસ્થ થયાં છે. નવી વહુવારુઓએ હજી લાજમલાજ છોડીને હોળી રમવા માંડી નથી. પનઘટ પર એમની ભાતીગળ ચૂંદડીઓ લ્હેરાય છે. મંદ મંદ મલકાતા હોઠોએ હજી વસંતનું નામ નથી લીધું. ઘરડી સાસુએ આંગણું લીંપવા માંડ્યું છે. એના ચન્દ્રાકાર ઓળીપાઓમાં પોઢવા માટે ઉનાળો ઘોડે ચઢીને આવશે એ હવે નક્કી છે. દાદાએ ઠીબ બાંધીને ચકલીઓને પાછી બોલાવી છે. સાસરે વળાવેલી દીકરીને સંભારતાં દાદા ગુમસુમ થઈ જાય છે. જિીદ્દી ભિખારી જેવો ઉનાળો જલદી ખસવાનું નામ નહીં લે એવી ફડક વાતાવરણમાં પણ વ્યાપી જાય છે. નદીએ ઢોર પાવા ગયેલાં છોકરાં ઘેર વળવાનું વીસરી ગયાં છે. પશુઓને પાછી પાણીની માયા સાંભરી આવી છે. બધાંને લીલાં રાખતું પાણી ધીમેધીમે સુકાવા માંડશે, મારા ગામનું તળાવ ફૂટેલી આંખ જેવું થઈ જશે. બપોરે વડ નીચે રમતાં છોકરાં શેરીઓમાં પાછાં વળશે. લખોટી જેવી ક્ષણો મકાનોના પડછાયા જેવી પડી રહેશે. મને નહીં ગમતી ધોળા દિવસની ઊંઘ ઘરમાં લંબાવશે. હું આવી બપોરોને કેમ સહી શકીશ? – ફાગણ આવે છે ત્યારે હંમેશાં મને આવો ધ્રાસ્કો પડે છે. હજી સવાર કાચી હોવાથી જોઈ રહેવાનું ગમે છે. તડકો મને રોજરોજ રૂપ બદલતો જાદુગર કે માયાવી લાગે છે. બદામડીઓ કીરમજી પાંદડાંથી શોભી ઊઠી છે. એનું પાંદડું ખરે છે ને ચારે બાજુ કશોક ભય ફેલાઈ જાય છે. પાનખર પાછી તો નહીં આવતી હોય? કદાચ ! પણ લીમડાઓ મંજરીથી લચી પડ્યા છે. એની સુગંધ બધાંને આશ્વાસન આપે છે. નવી માટલી ટીપું ટીપું ગળે એમ સમય ગળે છે. ટાઢી જગા જોઈને ટૂંટિયું વાળી સૂઈ જતાં કૂતરાંની જેમ એય પોઢી જાય છે. ત્યારે ગતિહીન બપોરની એંધાણીઓય મને અકળાવી મૂકે છે. ઘણી વાર ગ્રીષ્મને જોયા કરી છે. ઓટલે બેસી બળીઝળી બપોરો સાથે બળતો રહ્યો છું. ક્યારેક વંટોળિયાઓ જેવી ખેપ કરી છે. ફાગણ ઢોલ વગાડીને આકરા દાહડાઓની યાદ આપવા આવ્યો છે. ચાલો, બે ઘડી રમી લ્યો કાલે સૂરજદાદા ‘દાદા’ મટીને નરી આગ બની જશે. તડકો લમણાં શેકી નાખશે. પવન લૂ થઈ જશે. પૃથ્વી પર શાપ ઊતરવાનો હોય એવી એંધાણીઓ વાંચું છું ત્યારે સ્વસ્થ નથી રહી શકતો. જીવન વિશે જેમજેમ વિચારું છું એમ એમ પ્રકૃતિ મને વધારે વળગતી રહે છે. પ્રકૃતિના ખોળામાં બેઠેલા જીવનને જોઉં છું. એટલે વિચાર વખતેય પ્રકૃતિ મારાથી દૂર નથી હોતી એ છે તો જીવન છે, એટલે ભલે, પ્રકૃતિ મારું વળગણ ગણાતી. મને એ કબૂલ છે! રેલવેલાઇન પાસે શીમળાઓની હાર છે. ગઈકાલે સાંજના તડકામાં એ શીમળાઓને ખરતાં જોઈ રહેલો. ખીચોખીચ ખીલ્યા હશે ત્યારે એમના એ રાતા કાચા કૂણા અવતારને કોઈએ જોયો નહીં હોય. આજે તો એમની ઉદાસી પણ પાતળી પડી ગઈ હતી. પાછી રૂક્ષ બરડતાવાળી ડાળીઓ દેખાવા લાગી હતી. એકલદોકલ ફૂલો હવે વસંતની નહીં, જખમની યાદ આપતાં હતાં. શાને જખમ? કદાચ, હોવાનો જખમ, જખમ વગર હોવાનો અનુભવ કદી થાય ખરો? ટપ ટપ ખરતાં એ ફૂલોમાં સાંજની વેદના હતી. ઊલતી ઋતુએ પંખીઓ પણ ઊડી ગયાં હતાં. બાળપણમાં હું એ ફૂલો વીણી લાવતો. એના હારડા કરતો ને પછી સળગતી હોળીમાં પધરાવતો. ત્યારે તો ફૂલો સુકાઈ ગયેલાં હોય. પણ એમાંનાં જથ્થાબંધ પુંકેસર–સ્ત્રીકેસર આજેય મનમાં તાજાં છે. ભાલાઓ જેવાં એ... સમય ખરી જાય છે, દિવસો ઊડી જાય છે. વૃક્ષ ન બની શકતા આપણે અહીંતહીં અથડાયા કરીએ છીએ. સ્મરણોના હારડાઓને તો હોળી પણ બાળી શકતી નથી. એમનેય ઈશ્વરનો પરચો છે જાણે! પણ આ સ્મરણોની પીડા નાનીસૂની નથી હોતી. તોય હું એ પીડામાં આછીઅમથી ઓટ પણ સહી લેવા નથી માગતો. જે મળે એ એના સમગ્ર સાથે મળે એવી મારી જીદ છે. પછી ભલે એ સમગ્ર મારી વલે કરે, મને ગ્રીસી જાય! પીડા આપીને બદલામાં પુણ્ય મળે તોય મને એ શા કામનું. જીવનનો ચહેરો પીડાનાં પાણીમાં પોયણાં જેવો ઊઘડે છે... મારી આંખો ગુલાબી કમળ માટે આખો ઉનાળો ઝંખ્યા કરે છે. આદિવાસીઓના ઢોલ, થોડીક છાકટી થયેલી મસ્તીમાંથી આવતો એમનો અવાજ, ચાંદનીમાંથી રેખાયિત રૂપોમાં કળાતાં પહાડો–વનો; રાતેય તગતગતા પલાશ–વનમાં ગાળેલી ફાગણની રાતો સાંભળે છે. કેસૂડાં પહેરીને નાચતાં આદિવાસીઓ. વાતાવરણને વાચા ફૂટે એવી ધબકતી વેળામાં ઑગળીને એકરૂપ થઈ જાય. એ પ્રવાહને કાંઠે બેઠાં બેઠાં બધું જ ભૂલીને ઉન્માદની મોઢામોઢ થયો છું. આજે ઊતરતા ફાગણે તો એ કેસૂડાંય ખરવા માંડ્યાં હશે. વનની ભોંય કેસરિયા જાજમ જેવી થઈ ગઈ હશે. હું મારા ફ્લાવરવાઝમાં મૂકેલાં કેસૂડાં જોઉં છું... એમનો ચહેરો ઝંખવાઈ ગયો છે; મારી જેમ. ભૂતકાળ કાળા પાટિયાની જેમ ભૂંસી શકાતો નથી. એ પાછોય આવતો નથી. આ બે અંતિમોની વચ્ચે એ ઋતુએ ઋતુએ આપણને પીડ્યા કરે છે. પીડાની પતાકા થઈને છલછલી રહેતાં કેસૂડાં જીરવવાં દોહ્યલાં થઈ જાય છે. પણ ફાગણમાં એ નદેખાય તો મારું જીવતર દોહ્યલું થઈ જાય છે. હું મને જ મળ્યો ના હોઉં એમ લાગ્યા કરે છે. આપણી અંદર પડેલા આપણે અડધિયું હોઈએ છીએ. એની પૂર્ણતા માટે સૃષ્ટિની ચેતનાનો સંચાર ઝીલવાનો હોય છે. એક છોકરીએ ફૂલોવાળો દુપટ્ટો વક્ષ પર નાખ્યો છે. આજે, મોડી મોડી પણ મારે ત્યાં વસંત આવી છે. મારી બારીએ વળગેલી મધુમાલતીને પાનખર પછીનાં વહેલાંવહેલાં પુષ્પો આવ્યાં છે. પેલા દુપટ્ટાનાં ફૂલોની મહેક અને મધુમાલતીની ગંધ. જીવનને હવે જંપ નહીં પડે. તડકાથી બગીચો કે બગીચાથી તડકો લીલો થઈ ગયો છે? ખબર પડતી નથી. આસમાની આકાશથી આંખો વીછળીને હું જોઉં છું, મોસમને, રોમૅન્ટિક ન થવાનો નિર્ણય ફાગણમાં ઑગળી જાય છે. ધીમે ધીમે હું મીણની જેમ ઑગળું છું, ને બહાર તડકો થઈને પ્રસરતો જાઉં છું. તડકામાં ઊઘડનારાં ફૂલો છલકાઈ આવ્યાં છે. આંબા ૫૨ નાની અમથી કેરીઓ ઠીક છે; કન્યા વક્ષ પરનો દુપટ્ટો ઠીકઠાક કરતાં શરમાઈ રહે છે. કાચી કેરીઓની તૂરી વાસથી ફાગણ ટટ્ટાર લાગે છે. મહુડાને હાથા આવ્યા છે. એનાં ટેરવે ટેરવે મધુપુષ્પોએ આંખો ઉઘાડી છે. વાતાવરણમાં એની સુગંધ ફેલાશે જ ‘છાકભર્યા ફાગણના દહાડા' ગ્રીષ્મની ગોદમાં લપાઈ જવા અધીરા થઈ જશે. આપણે વહેલી પરોઢની ચાંદની જેવા ટાઢા હેમ પડી રહીશું. બીજો ફાગણ તો કોણ જાણે ક્યારે આવશે ?

ફાગણવદ : બારસ
તા. ૧૫–૩–૮૮, વલ્લભવિદ્યાનગર