ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/તૃણ અને તારકો વચ્ચે

From Ekatra Wiki
Revision as of 14:58, 9 November 2023 by Meghdhanu (talk | contribs) (removed number from Headernav)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


તૃણ અને તારકો વચ્ચે
ઉશનસ્

ઘણીય વેળા
જાગી જતાં માઝમ રાતના મેં
જોયા કર્યો સ્ફટિકનિર્મલ અંધકાર.
ઘણા ઘણા તારક-ઑગળેલો,
કો સત્ત્વ શો ચેતન વિસ્ફુરંત,
પૃથ્વી તણી પીઠ પરે ઊભા રહી;
ભૂપૃષ્ઠ ને વ્યોમ વચાળ
કો વસ્ત્ર શો ફર્ફરતો વિશાળ
અડ્યા કરે ઝાપટ જેની રેશમી;
અંધાર મેં અનુભવ્યો કંઈ વેળ પૃથ્વીપે
રોમાંચના સઘન-કાનન-અંતરાલમાં
વાયુ તણી લહરી શો મૃદુ મર્મરંત.

આકાશના તારકતાંતણા ને
ધરાની તીણી તૃણપત્તીઓથી
વણાયેલું વસ્ત્ર જ અંધકાર આ;
મેં જોયું છે ઘણીય વાર અસૂરી રાતે
કે તારકો ઝૂકત છેક નીચે ધરા પે,
રે કેટલાય પડતા ખરી, ઝંપલાવતા
આ તૃણની ટોચ વડે વીંધાઈ જૈ
પ્રોવાઈ
મોતી થવા, સૂરજ-તેજનું પીણું
પીવા;
જેને તમે ઝાકળ કહો પ્રભાતે–
–ને જોઈ છે મેં તૃણપત્તીઓને
ઊંચે ઊંચે વધતી આભ-પીઠે વવાઈ
(આકાશમાંયે ધરતી તણું ધરું!-)
તારા તણું ખેતર થૈ ફળી જવા.
તારા તણાં કણસલાં કંઈ મેં દીઠાં છે;
-ને જોયું છે મેં મુજમાં રચાતું
માટી અને તેજનું ચક્રવાલ કો
લીલી અને ઉજ્જ્વલ ઝાંયવાળું!
મેં અંધકારે મુજને દીઠો છે
કાયાહીણો કેવળ પારદર્શક
કો, સૂક્ષ્મ સંવેદનશીલ માધ્યમ,
કો સ્તંભ ટ્રાન્સમીટરનો સીમમાં ઊભેલ?
ત્યારે મને કશુંક ભાન ઊંડું ઊંડું થતુંઃ
જાણે હું કોઈ ગ્રહ છું તૃણ-તારકોનો
આ આભ ને અવનીની અધવચ્ચે ક્યાંક,
જાણે
હું તારકો ને તૃણની બિચોબિચ,
છું તારકો ને તૃણથી ખીચોખીચ!