ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એક વારનું ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એક વારનું ઘર
જયન્ત પાઠક

આ આપણું એક વારનું ઘર :
દિવાળીનાં કોડિયાં મૂકતા હતા
તે આ કાળા કાળા ગોખલા;
આપણાં એક વારનાં ચળકતાં ગીતો
ચુપચાપ કટાય છે આ હીંચકાનાં કડાંમાં;
આપણી પગલીઓ અહીંતહીં રઝળે છે
ઓટલાની ઊખડેલી ઓકળીઓમાં;
ઊભી ઊભી મૂગી મૂગી સળે છે
ઓસરીની ગાતી થાંભલીઓ
—આપણી હથેળીઓથી રાતી થાંભલીઓ—
બારણાને ટોલ્લે ચોંટાડેલી
હનુમાનજીની મળી
હવે ઘરમાં પેસતાં ભૂતને રોકી શકતી નથી,
બારસાખે બેસાડેલી પૂતળીઓ
આવ-જા કરતા વાયરાને ટોકી શકતી નથી;
કોઢના ખીલા
ઢીલા ઢીલા મૂગા મૂગા
સુક્કું ઘાસ વાગોળે છે;
—લીલારો ચરવા આપણી ગાય
આઘેના વગડામાં નીકળી ગઈ છે,
બા એને અંધારામાં ખોળે છે—
દીવાલોમાં દટાઈ ગયેલી દાદાની વાતો.
પોપડે પોપડે ઊખડે છે;
અને આપણે?... આપણે પણ...