ભાષા, સમાજ અને સાહિત્ય/‘વળામણાં’માં લોકબોલી

From Ekatra Wiki
Revision as of 01:56, 29 November 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <big><big>'''૧૨''' '''‘વળામણાં'માં લોકબોલી'''</big></big> {{Poem2Open}} જોકે એવી દલીલ કરી શકાય કે કોઈ પણ સાહિત્યકૃતિમાં બોલીનો ઉપયોગ સાહિત્યિક પ્રયુક્તિ તરીકે કરવામાં આવે છે એટલે વાસ્તવિક રીતે દેખાતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૨

‘વળામણાં'માં લોકબોલી

જોકે એવી દલીલ કરી શકાય કે કોઈ પણ સાહિત્યકૃતિમાં બોલીનો ઉપયોગ સાહિત્યિક પ્રયુક્તિ તરીકે કરવામાં આવે છે એટલે વાસ્તવિક રીતે દેખાતા બોલીભેદો(જેવાકે ભૌગોલિક, સામાજિક ઉપરાંત સાંભળનારને કારણે અસ્તિત્વમાં આવતા બોલીભેદોનો સમાવેશ થાય) સાહિત્યકૃતિમાં અપેક્ષિત ન હોય. સાહિત્યકૃતિમાં તો કોઈ એક પ્રદેશ કે સમાજની કોઈ એક પ્રકારની બોલી કોઈ એક પાત્ર બોલતું હોય તો, ભલે પછી વાસ્તવમાં જુદા જુદા સાંભળનારને કારણે જુદા જુદા પ્રકારના ભાષાપ્રયોગો થતા હોય છતાં કૃતિમાં એના ભાષાપ્રયોગોમાં સાતત્ય અપેક્ષિત હોય છે. એમ ન થાય તો જુદા જુદા સંદર્ભમાં પાત્રે કરેલા ભિન્ન ભિન્ન પ્રકારના ભાષાપ્રયોગો વાચક માટે રસભંગનું કારણ બને. એ સ્વીકાર્ય છે કે સાહિત્યની ભાષા એ રોજબરોજની ભાષા નથી હોતી પણ એ ભુલાવું ન જોઈએ કે સાહિત્યને વાસ્તવિકતાનો સ્પર્શ આપનારી સૌથી અગત્યની બાબત એ છે કે તે ભાષામાં રચાય છે. વળી જે તે પ્રદેશ કે સમાજનાં પાત્રો જે તે પ્રદેશ કે સમાજની બોલીનો ઉપયોગ કરે છે તે બાબત જ સ્પષ્ટ કરે છે કે તેમ કરવા માટેનું પ્રયોજન દેખીતી રીતે વાસ્તવિકતાની નજીક વાંચકને લઈ જવાનું છે. ખરેખર તો સાહિત્યમાં વાસ્તવિકતા માટેની આ એક પ્રયુક્તિ છે. કૃતિમાં બોલીના જુદા જુદા પ્રકારના પ્રયોગોનું પૃથક્કરણ અને અર્થઘટન કરીને તેનો અભ્યાસ કરનારા વિદ્વાનો તો એટલે સુધી કહે છે કે એક જ બોલીસમાજમાં પાત્રો જુદા જુદા પ્રકારની બોલીનો ઉપયોગ કરે તે દ્વારા તેમનો સામાજિક મોભો જ નહીં પરંતુ તે કઈ પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે તેને સ્પષ્ટ કરે છે. આવી તપાસ કરનાર એક વિદ્વાને તો કૃતિમાં પ્રયોજાયેલા બધા બોલીપ્રયોગોને ભાષાવિજ્ઞાનીએ તૈયાર કરેલા તે પ્રદેશના બોલી એટલાસમાંની માહિતીની મદદથી ચકાસી પણ જોયા છે, આવા વિદ્વાનો બોલીપ્રયોગો ઉપરાંત તેના ઉચ્ચારણની વિવિધતાની સૂક્ષ્મતા પણ કૃતિમાં હોવી જોઈએ ત્યાં સુધીની ઝીણવટમાં ઊતરે છે. આ દૃષ્ટિએ કોઈ પણ સાહિત્યકૃતિમાં પાત્રોએ પ્રયોજેલી ભાષા વાસ્તવની કેટલી નજીક છે તેની ચકાસણી વાજબી ઠરે છે એટલું જ નહી કૃતિમાંનાં પાત્રોને સમજવામાં, કૃતિના લેખકની શૈલીની તપાસમાં અને કૃતિના સમગ્ર સંદર્ભને આસ્વાદમાં ઉપયોગી થઈ શકે. (વળી એ પણ સ્પષ્ટ છે કે કોઈપણ પાત્રએ જો કોઈ એક જ પ્રકારના બોલીપ્રયોગો સતત કર્યા હોય તો એ વાચક માટે રસભંગનું કારણ બનવાની એટલી જ શક્યતા છે કારણ કે વાચક એ બોલીપ્રયોગો સમજતો જ હોય તેવું દર વખતે ન બને.) ગુજરાતી વિવેચકોએ કૃતિમાંના બોલીવૈવિધ્યને આ સંદર્ભમાં તપાસવાનો પ્રયત્ન કર્યો નથી. ક્યારેક મેઘાણી કે ક્યારેક મડિયા, તો ક્યારેક પન્નાલાલ તે ક્યારેક પેટલીકરની કૃતિઓમાં આવતી બોલીઓનો અછડતો ઉલ્લેખ કર્યો હોય તો તે ‘તળપદી બોલીનો ઉત્તમ વિનિયોગ’ એવો મોઘમ જ. ક્યારેક થોડાંક ઉદાહરણો પણ ટાંકવામાં આવે પણ કૃતિના આસ્વાદમાં એનું મૂલ્ય કેટલું તે બતાવવાનો પ્રયત્ન ભાગ્યે જ હોય. અહીં પન્નાલાલની ‘વળામણાં' નવલકથાનાં મુખ્ય બે પાત્રોના ભાષાપ્રયોગોની તપાસ દ્વારા લેખકની પાત્રાલેખનની વિશિષ્ટ પદ્ધતિને અને કૃતિની રજૂઆતમાં તેના મહત્ત્વને સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ નવલકથાનાં મુખ્ય બે પાત્રોમાં એક છે મનોરદા મુખીનું અને બીજું ઝમકુનું. જે પ્રદેશના પરિમાણ ઉપર આ નવલકથા નિરૂપાઈ છે એ પ્રદેશનું પ્રતિનિધિત્વ પણ એક રીતે આ બેય પાત્રો કરે છે. મનોરદા ગામના મુખી-મુખ્ય માણસ છે. આ ગામની બહાર આના કરતાં મોટાં ગામો અને શહેર સાથે એના સંપર્કો છે. શહેરમાં રહેનારા માણસો સાથે એને વાતચીત કરવાના પ્રસંગો પ્રાપ્ત થાય છે. આ બધાંને કારણે દેખીતી રીતે તેની જે ભાષા છે તે એક રીતે ‘દ્વૈભાષિક’ની ભાષા છે. એના પ્રદેશની બોલી બોલવા ઉપરાંત શિષ્ટપ્રયોગો, લઢણો, ઉચ્ચારણો એની ભાષામાં પ્રવેશી જાય છે. ગામડાંમાં રહેનારા આવા ‘દ્વૈભાષિક'ની ભાષા કેવી હોય એનો મનોરદાની ભાષા સારો નમૂનો પૂરો પાડે છે. જુદી જુદી મન:સ્થિતિમાં અને જુદી જુદી પરિસ્થિતિમાં એની ભાષા કેવું રૂપ લે છે અને એ ભાષા જ એ મનઃસ્થિતિ અને પરિસ્થિતિને કેવી છતી કરે છે એ તપાવાનું રસપ્રદ થઈ શકે એવું છે. મનોરદાને વાતચીત કરવાના મુખ્ય પ્રસંગો ઝમકુ સાથે, પત્ની સાથે, ગામલોકો સાથે, અમરસંગ સાથે, મહારાજ સાથે અને છેલ્લે સુથારોના પંચ સાથે ઊભા થાય છે. આ બધા જુદા જુદા પ્રસંગે એમની ભાષા કેવું જુદું જુદું રૂપ લે છે તે તપાસી જોઈએ. મુખ્ય વાતચીત ઝમકુ સાથે થયા કરે છે. મોટે ભાગે સમજાવટ અને ઉપયોગમાં લેવી પડતી ગુસ્સાની, ધાકધમકીની, અને ક્યારેક મીઠાશની ભાષા એ વાતચીતમાં સંભળાય છે. જ્યાં ગુસ્સો વ્યક્ત કરવાનો હોય છે તેવા પ્રસંગોમાંથી કેટલાંક વાક્યો નોંધીએ. ધર્મશાળામાં પહોંચ્યા પછી મોડેથી મનોરદા ઝમકુને ખાવાનું છોડવા કહે છે અને ખાવાનું છોડ્યા પછી ઝમકુ તો એમ જ બેસી રહી છે છે અને ‘મારે નથી ખાવું' (પૃ. ૬૧) એમ કહે છે. ત્યારે રડતી ઝમકુને ‘હેંડ ખાવા માંડ નકર જાણતી નંઈ હોય હા−'(પુ. ૬૨) એમ ગુસ્સે થઈને મનોરદા કહે છે. ઝમકુ ગામ પાછા જવાની હઠ લઈને મનોરદાને પજવી નાંખે છે અને જાતજાતનું પૂછે છે ત્યારે મનોરદા સહેજ કંટાળા સાથે ‘એકવાર કીધું તો ખરું નકર મારે શી પડીતી?' (પૃ. ૭૨) કહે છે. ‘હાળી ક્યાંક મોટર બોટર આગળ પડતું ન મેલે' એવા ખ્યાલે તાડૂક્યા; ‘લે હેંડ આગળ હેંડ’! ઝમકુ અમદાવાદ છોડવા અધીરી થઈ જાય છે ને છુટ્ટે મોઢે રડવા લાગે છે ત્યારે ‘છાની રે નંઈ તો ઘોગળો જ દાબી ઘાલે હાં’ (પૃ. ૯૦) અને છેવટે અમદાવાદ છોડતી વખતે ટિકિટ કઢાવ્યા પછી ‘મનોરદાનો ગુસ્સો થોડો ઓછો થયેલો દેખાતો હતો.' એ પ્રસંગે ‘પણ તમે માથે ફાળિયું તો બાંધો' એમ કહીને મનોરદાને સાવ હળવા કરી નાખતી ઝમકુને પ્રેમના ઉમળકાથી ‘હત, તું મરે. તો ત્યારનું બોલતાં શું મુઢામાં ફાડ મારી'તી?' (પૃ. ૯૪) એમ મનોરદા કહે છે. આ બધાં વાક્યો આવેગની પળોમાં ઉચ્ચારાયેલાં વાક્યો છે. આ વાક્યોની સાથે પ્રમાણમાં વધારે સ્વસ્થ મનોરદાના ઝમકુ સાથેની વાતચીત પ્રસંગેનાં કેટલાંક વાક્યો તપાસીએ, ‘મૂઢું ધોવું હોય તો ધોઈને તૈયાર થઈ જા' (પૃ. ૪૯) એ તો બચારાં રાજી રાજી થઇ ગયાં !' (પૃ. ૫૪) ‘તારી માએ બિચારીએ કેટલા હેતથી— (પૃ. ૫૫) ‘લે હેંડ પેલી પેંપળ હેઠે' (પૂ. ૫૫) ‘જરા આગળ પાછળનો વચાર તો કર?' (પૃ. ૫૮) ‘છે તે ધોળા દન જેવું? (પૃ. ૬૧) ‘ઝમકુ, લે આંય આંવ બુન, કમાડ વાસતી આવ, (પૃ. ૭૯) ‘પાંહે પૈસા જોઈએ ને બુન? (પૃ. ૮૬) ‘મોઢું ધોઈ આવ.' (પૃ. ૮૫) ‘ગળું જ પીસી દઈશ હાં...’ (પૃ.૯૧) આ વાક્યો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલાં છે. ઝમકુની વાતચીત સાથેનાં આ અને આવાં બીજાં વાક્યો તપાસતાં એક મુદ્દો નોંધી શકાય એમ છે. ‘આવેશ' સાથે બોલાયેલાં વાક્યો અપવાદ વિના એમની પ્રથમ બોલી (First dialect )માં ઉચ્ચારાયેલાં વાક્યોમાં વિવિધતા જોવા મળે છે. ક્યાંક ‘બિચારા' તો ક્યાંક ‘બચારાં', ક્યાંક ‘મૂઢ' તો ક્યાંક ‘મોઢુ', ક્યાંક ‘વચાર', ‘દન’ ‘નકર’, તો ક્યાંક ‘નિકર', ક્યાંક ‘સુપુ’ તો ક્યાંક ‘સૂંપુ' અને ‘હૂંપુ' ક્યાંક ‘આંઈ આવ બુન' તો એની સાથે જ ‘કમાડ વાસતી આવ' જેવા અને ‘બાયણું વાસ' (પૃ. ૮૧) જેવો શિષ્ટપ્રયોગ એમ બે બોલીઓના પ્રયોગ એકસાથે મળે છે. નોંધપાત્ર છે તે આ કે ગુરસામાં ‘છાની રે નઈ તો ઘોઘળો જ દાબી ઘાલે હાં...’ (પૃ. ૯૦) અને પછી થોડું સ્વસ્થ થતાં ‘ગળું જ પીસી દઈશ હાં...’ એવા બે છેડાના પ્રયોગો મળે છે. અમદાવાદમાં અમરસંગ સાથે જે વાતચીત કરે છે તેમાં મનોરદા ઘણી સભાન રીતે ‘મસલમાન વગર કોઈ બીજી—આપણા હિંદુની જાત નહિ મળે?' એવું શિષ્ટ વાક્ય બોલતા સંભળાય છે. અહીં એમને સાચવી સાચવીને ઔપચારિક રીતે વાતચીત કરવાની છે. ઉપરાંત વાત સાંભળનાર અમદાવાદવાસી અમરસંગ છે એ બાબત એમની ભાષાને શિષ્ટ વપરાશ તરફ દોરી જાય છે. તો પત્ની સાથેની તેમની વાતચીત સાવ અનૌપચારિક છે તેની પ્રતીતિ કરાવતા તળપદા પ્રયોગો નોંધો. “આવશે ફક્ત” ‘સારી’ તે ‘એંણી' બે—(પૃ. ૧૪૦) ‘રઈય આવ્યો’ (પૃ.૧૪૦) ‘પેલે આણે જતી...........' (પૃ. ૧૪૨) ‘કુણ રણીધણી—' (પૃ. ૧૪૨), ‘તસકારાયેલી કુંવાશી— (પૃ. ૧૪૩) ‘એક અસલનું રમકડુંય−' આ બધા પ્રયોગો તદ્દન અનૌપચારિક રીતે પોતાના મનોભાવોને નિરૂપતા પાત્રને ઉપસાવે છે. પંચ સાથે પંચાત કરતા મનોરદા ‘નકર આવો આ બોલ્યો..’ ‘એમાં બચારા મોત્યાનો શો ગનો' ‘કોક દનેય', મને ગોજ લાગે' જેવા કો’ક પ્રયોગો કે ‘હંપી' જેવા કો’ક શબ્દોના પ્રયોગોને બાદ કરતાં મોટે ભાગે શિષ્ટભાષાનો ઉપયોગ કરે છે. ત્યાં એમનો મોભાને એમને જે સતત ખ્યાલ રહ્યા કર્યો છે તે બાબતને તેમની આ ભાષા છતી કરે છે. એટલે ભાષા દ્વારા પાત્રની અભિવ્યક્તિની દૃષ્ટિએ જોઇએ તો મનોરદાનું પાત્ર ‘એનેય મલશે ' ‘ચમ નંઈ મલે-' પૃ. ૨૬થી માંડીને ‘જો ત્યારે’ હું તને પાપ છૂટી વાત કહું? દીકરો ઠેકાણે પાડવા બધું નથી કર્યું પણ દીકરી ઠેકાણે પાડવા કર્યું છે એ વાત તો સાચી’ જેવાં સંઘેડાઉતાર શિષ્ટ ભાષાના પ્રયોગો દ્વારા મનોરદાનું જેવું પાત્ર છે એવા જ પાત્રને રજૂ કરે છે. એમનો ગુસ્સો, એમનું મનોમંથન, એમની ખટપટ, એમની સમજાવટ, એમની અધીરાઈ, એમની ચિંતા, એમની બીક એ બધા જ મનોભાવો જુદી જુદી પરિસ્થિતિમાં, જુદાં જુદાં પાત્રોના સંદર્ભોમાં જુદી જુદી રીતે આકાર લે છે અને એ દરેક વખતે એને વ્યક્ત કરતી ઉચિત ભાષાનો ઉપયોગ થયો છે એ આ પૃથક્કરણને આધારે કહી શકાય એમ છે. આ જ કારણે આ નવલકથાનું કોઈ પાત્ર ઉત્તમ રીતે આલેખાયેલું-ઊપસ્યું હોય તો તે મનોરદાનું એમ કહી શકાય. એટલું જ નહીં એમ પણ કહી શકાય કે આ નવલકથાને અંતે એક તંતુમાં સળંગસૂત્ર ગૂંથનાર કોઈ પાત્ર હોય તો તે મનોરદાનું. આ કામ ભાષાની મદદથી જ થઈ શકે એવું છે એ સ્પષ્ટ છે. અને આપણે જોયું એમ લેખક વાસ્તવિકતાની સાવ નજીક જઈ શક્યા છે તે કારણે ભાષા પાસેથી એ કામ લઈ શક્યા છે. નવલકથાનું બીજું મહત્ત્વનું પાત્ર ઝમકુનું છે. એણે અમદાવાદ જતી વખતે જ પહેલવહેલી વખત ખાંડો ડુંગર છોડ્યો છે. પહેલવહેલી વખત બસ જોઈ છે એવી લગભગ મુગ્ધ ઉંમરની એક જ પ્રદેશમાં જન્મીને ઉછરેલી છોકરી જે ભાષા વાપરે છે એ પોથીપંડિતોને ભૂલાવામાં નાખી દે એમ છે. મનોરદાની જેમ જ એ પણ ‘દ્વૈભાષિક' છે. ‘મીં… તમને કહ્યું’તું જ તો !' (પૃ. ૬૩) . ‘મુઢું ધોઈને જ બાંધવું'તું ને કાકા ! (પૃ.૮૬) રાત તો પડી તાણે હેંડોને' (પૃ.૮૯) ‘હોવે વસૂલ છે' (પૃ. ૧૩૭) જેવાં તળપદાં વાક્યોમાં પણ શિષ્ટ ભાષાની ઘણી અસર પકડી શકાય એમ છે. તો વળી! ‘ખાવું હોય તો આ મીઠાં મરચાંની રોટલીય ક્યાં નથી.’ (પૃ. ૫૫) ‘ના કાકા, તમે તમારે ખાતા થાઓ, એ તો હું ભરી લાવું છું.’ (પૃ.૫૬) ‘શું કહ્યું કાકા' (પૃ.૧૩૬) જેવાં વાક્યો તો તદ્દન શિષ્ટ ભાષામાં જ સાંભળવા મળે છે. આ છોકરી, જેણે આ પ્રદેશ ક્યારેય છોડ્યો નથી, શહેરની ભાષા તો બાજુએ રહી, હવાનો સ્પર્શ સુદ્ધાં જેને થયો નથી તે આ ભાષા લાવી ક્યાંથી? બોલી વિશેનાં સૈદ્ધાંતિક વર્ણનોમાંથી આનો ખુલાસો શોધવાનું મુશ્કેલ બને. ઝમકુની આ ભાષા તેના આખા પાત્રને સમગ્ર સંદર્ભમાં છતું કરે છે. ગામમાં સરકારી કાર્ય માટે અવારનવાર આવતા તલાટીનું દળણું દળતાં ઝમકુને એની સાથે એટલી બધી એળખાળ વધી પડે છે કે એ એની સાથે નાસી જાય છે. એને ત્યાં થોડો સમય રહે પણ છે. તલાટી બ્રાહ્મણ છે. સમજી શકાય એવું છે કે ઝમકુની દ્વૈભાષિકતાનું રહસ્ય શું છે? આ આ મુદ્દો શરૂઆતમાં આપણે નોંધેલો ગુજરાતી ભાષાસમાજની વાસ્તવિક સ્થિતિના મુદ્દાને સમર્થન આપે છે, ઝમકુએ કેટલો બધો વાગ્વ્યવહાર એ વ્યક્તિની સાથે કર્યો હશે આ ટૂંકા ગાળામાં ! એનું એકએક વાક્ય એણે એની ચેતનામાં ગૂંથી લીધું હશે. ઝમકુની અનુભવોને ઝીલવાની ગ્રહણશક્તિની તીવ્રતાનો પુરાવો તો તે શહેરના અનુભવોને આ સ્થિતિમાંય જે તીવ્રતાથી ઝીલે છે તેના ઉપરથી મળી જાય એમ છે, અમરસિંગે એની સામે જોયું પછી પાણી લેવા ગયેલી તેને ઉપર જવાનું મન જ નહોતું થતું એ પ્રસંગ જ એની તીવ્ર સંવેદન શક્તિના એક ઉદાહરણ રૂપે બસ થઈ શકે એમ છે. લેખકે તેની પાસે જે શિષ્ટ ભાષાનો પ્રયોગ કરાવ્યો છે તે સતત- સળંગ, વાચકને આજ્ઞાત રીતે પણ પેલા બ્રાહ્મણ-તલાટી સાથેના તેના intense સબંધોનું જ્ઞાન કરાવ્યા કરે છે. આમ આ બે ય મુખ્ય પાત્રોની ભાષાનું જે પોત છે. તે વાચકને તળભૂમિની નક્કર વાસ્તવિકતા સુધી લઈ જવામાં સફળ થાય છે. ખૂંચે છે માત્ર બે જ વસ્તુ. એક તો લેખક પોતે જ્યાં વર્ણન કરતા હોય છે ત્યાં સર્વત્ર સળંગ રીતે શિષ્ટમાન્ય ભાષાનો જ પ્રયોગ કરવાનો આગ્રહ રાખે છે એવું દેખાય છે છતાં કેટલેક ‘કો'ક' ‘મંડાણી’ ‘દનવારની ગણતરી કરી રહ્યાં’ (પૃ. ૧૪૬) જેવા પ્રયોગો કરે છે, આવા પ્રયોગોની કોઈ જરૂર ત્યાં પુરવાર કરી શકાય એમ નથી. તો મહારાજ જે ભાષાનો ઉપયોગ કરે છે તેમાં લેખકને જે કહેવાનું આવ્યું છે. તે બીજી બાબત ખૂંચે એવી છે. “યે તારા મનોરકાકા આયા સે.” ઝમકુ સાથે વાત કરતાં મહારાજ ‘હૈ’ નું ‘સે’ કરીને ગુજરાતીમાં બોલવાનો પ્રયત્ન કરતા,” (પૃ. ૪૭). ઝમકુ પે।તે તો સાદ્યંત બધે જ ‘છે' નો ઉપયોગ કરે છે પછી મહારાજને ‘સે'નો ઉપયોગ કરવાની શા માટે જરૂર પડી? કદાચ અન્ય ગ્રામજનો સાથે એ રીતનો વાગ્વ્યવહાર કરવાની મહારાજને ટેવ પડી ગયાનું માનીએ એ પણ ચાલે એવું નથી—કારણ કે આ બધાં જ ગ્રામજનો, તે ગમે તે સામાજિક સ્તરનાં હોય, ‘છે’નો જ ઉપયોગ કરે છે એમ તો લેખકે જ બતાવ્યું છે, અંબા કે મનોરદાની પત્ની સુદ્ધાં ક્યાંય ‘સે’નો પ્રયોગ કરતાં નથી. આ બાબત નોંધપાત્ર છે. છતાં એ મુખ્યપાત્રો નથી એટલે નવલકથાના આકારમાં એ ભાષાનો અગત્યનો ફાળો નથી એવું મન મનાવી શકીએ એ ખરું પણ લેખકની ભાષા-સભાનતા એટલી ઓછી-એમના કાન એટલા ઓછા સરવા–એવી ટીકા કરવાનું મન થાય એવી ગંભીર મર્યાદા છે.