ભાષા, સમાજ અને સાહિત્ય/સર્જકપરિચય

From Ekatra Wiki
Revision as of 17:09, 1 December 2023 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સર્જક-પરિચય


યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ
(જન્મ : ૬-૧૦-૧૯૪૦) - (અવસાન : ૨૩-૦૯-૨૦૨૧)

ગુજરાતી ભાષાનો ભાષાવૈજ્ઞાનિક અભ્યાસ કરનાર વિદ્વાનોમાંના એક યોગેન્દ્ર વ્યાસ મૂળ ભાલોદના વતની. પરંતુ તેમનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક તથા કોલેજનું શિક્ષણ અમદાવાદમાં જ મેળવ્યું. ૧૯૬૧માં ગુજરાત કોલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. કરી ગુજરાતી - ભાષાવિજ્ઞાન સાથે તેમણે એમ.એ. કર્યું. સાથે સાથે ૧૯૬૧-૬૩ દરમ્યાન ગુજરાત કૉલેજમાંથી ‘દક્ષિણા ફેલો’ થઈને ૧૯૬૩માં ડેક્કન કોલેજ પૂના ખાતે પી. જી. ડિપ્લોમા ઇન લિંગ્વિસ્ટિક્સનો અભ્યાસ કર્યો. ૧૯૬૭માં દિલ્હી યુનિ.ના ભાષાવિજ્ઞાન વિભાગના વડા ડૉ. પ્રબોધ પંડિતના માર્ગદર્શન હેઠળ ‘અ લિંગ્વિસ્ટિક સ્ટડી ઑફ ભીલી ડાયલેક્ટ્સ (અ ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી ઓફ સેન્ટ્રલ ઍન્ડ નોર્થ ભીલી)’ પર ગુજરાત યુનિ.માંથી પીએચ. ડી.ની ઉપાધિ મેળવી. વ્યાવસાયિક કારકિર્દીનો આરંભ એમણે ૧૯૬૩-૬૬માં મહિલા કૉલેજ, સુરેન્દ્રનગરના આચાર્ય તરીકે કર્યો. એ સમયગાળા દરમ્યાન લીએન પર ડેક્કન કૉલેજ, પૂના ખાતે ફેલો અને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ ફરજ બજાવી. ૧૯૬૬-૬૯ દરમ્યાન અમદાવાદની સરસપુર આર્ટ્સ-કૉમર્સ કૉલેજ ખાતે ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને આચાર્ય તરીકે ફરજ બજાવી. ૧૯૬૯માં ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિ.માં લેક્ચરર તરીકે જોડાયા અને ૧૯૭૯માં રીડર, ૧૯૮૮માં પ્રોફેસર અને ૨૦૦૦થી ભવનના નિયામક તરીકેની ફરજ બજાવીને ર૦૦રમાં નિવૃત્ત થયા. ૧૯૭૩-૭૪ દરમ્યાન બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં ‘સ્પિચ થેરપી’ના વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કર્યું. નિવૃત્તિ બાદ ૨૦૦૩-૦૪માં ‘દિવ્યભાસ્કર' અખબારમાં ‘ભાષાસલાહકાર' તરીકે સેવા આપી છે. તેમના ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ' (૧૯૭૩), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૯૭૭), ‘સામાજિક ભાષાવિજ્ઞાન: Socio-Linguistics' (૧૯૮૩) અને ‘શબ્દાર્થચર્ચા’ (૨૦૦૨) ગુજરાત સરકાર દ્વારા તેમ જ પછીથી ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી શ્રેષ્ઠ પુસ્તકોનાં પારિતોષિકો મળ્યાં છે. ૧૯૭૩માં હરિ ૐ આશ્રમના ‘શ્રેષ્ઠ સંશોધન લેખ' માટે પણ તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. તો ૧૯૯૭માં અમદાવાદ શહેર શિક્ષણ સમિતિએ તેમનું ‘સન્નિષ્ઠ શિક્ષક' તરીકે સન્માન કર્યું છે. વ્યાવસાયિક કારકિર્દીની સાથે સાથે તેમણે શ્રીમતી ઇંદિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ – વગેરે ઉપરાંત ભારત સરકાર દ્વારા નિયુક્તિ પામીને ૧૯૯૫થી ૧૯૯૯ સુધી ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિઅન લેંગ્વેજિસ (સી.આઈ.આઈ.એલ)', માયસોરમાં સંપાદક તેમજ સલાહકાર તરીકે માનદ સેવા આપી. સામાન્ય રીતે ભાષાવિજ્ઞાન વિષય અંગ્રેજી ભાષામાં જ ભણાય અને ભણાવાય એવી માન્યતા ગુજરાતમાં પ્રવર્તતી હતી ત્યારે તેમણે અંગ્રેજીનો મહાવરો ન ધરાવતા ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાતીમાં સરળતાથી આ વિષયની સમજ કેળવાય તે માટેની ખૂબ મથામણ કરીને સફળતા હાંસલ કરી. કોઈ પણ શિક્ષક કે અધ્યાપક ‘ભાષાવિજ્ઞાન'નો અભ્યાસ કરી શકે તે માટે શનિ-રવિની રજાઓ ભૂલીને સતત કાર્ય કરતા રહેલા આ શિક્ષકે ભાષાવિજ્ઞાનની વિવિધ શાખાઓનો અભ્યાસ કરી તેની ફળશ્રુતિ રૂપે વિવિધ પુસ્તકો પ્રગટ કર્યાં. આ ઉપરાંત તેમણે સર્જનાત્મક સાહિત્ય, જીવનઉપયોગી સાહિત્ય પણ આપ્યું છે. પિન્કી પંડ્યા, ‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ' ગ્રંથ ૮માંથી સાભાર



યોગેન્દ્ર વ્યાસ ગુજરાતના જાણીતા ભાષાવિદ અને સંનિષ્ઠ અધ્યાપક. પિતા ધીરુભાઈ વ્યાસ. માતા પ્રમોદબહેન. તેમનાં પાંચ સંતાનોમાંનું ત્રીજું સંતાન. પિતા આર્યોદય જિનિંગ મિલમાં નોકરી કરતા હતા. માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ અમદાવાદમાં. 1961માં બી.એ. પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે. મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય ભાષાવિજ્ઞાન સાથે એમ.એ. 1963માં. 1967માં પીએચ.ડી. અનુસ્નાતક શિક્ષણ દરમિયાન ગુજરાત કૉલેજના તેઓ દક્ષિણાફેલો રહેલા. અધ્યાપનની કારકિર્દી પણ ચાલુ. 1966માં એક વર્ષમાં પુણેની ડેક્કન કૉલેજમાં ફૅકલ્ટી મેમ્બર. ત્યારબાદ 1969ની સાલ સુધી અમદાવાદની સરસપુર આર્ટ્સ કૉલેજમાં આચાર્ય. 1969થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં ભાષાવિજ્ઞાન વિભાગમાં અધ્યાપક તરીકે પછી એ જ વિભાગના ડિરેક્ટર થઈ, એ પદેથી 2002માં સેવાનિવૃત્ત. અધ્યાપન ઉપરાંત વિવિધ ભાષાસાહિત્ય-સંસ્થાઓની સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા.

1995થી 2000 સુધી મૈસૂરના ભારતીય ભાષા સંસ્થાનના ભારત સરકાર નિયુક્ત સલાહકાર. 1979થી 1996 સુધી તિરુવનંતપુરમની લૅક્સિકોગ્રાફી સોસાયટી ઑવ્ ઇન્ડિયાની કાર્યવાહક સમિતિના સભ્ય. 1997માં નવમી પંચવર્ષીય યોજના માટેની યુ.જી.સી.ની વિઝિટિંગ કમિટીના સભ્ય તરીકે ભાષાજૂથના સંયોજક. 1999માં અમદાવાદ શહેર શિક્ષણ સમિતિએ તેમને સંનિષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા હતા.

તેમનું મુખ્ય પ્રદાન ભાષાવિજ્ઞાનક્ષેત્રે રહ્યું. ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ – આ પુસ્તક ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ પુસ્તકોની યાદીમાં સ્થાન પામ્યું હતું. ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ’ બોલીઓ અંગેની વૈજ્ઞાનિક સમજ આપતું પુસ્તક છે. ‘સામાજિક ભાષાવિજ્ઞાન’ – વક્તા અને શ્રોતા વચ્ચેનો સામાજિક સંબંધ એ સંદર્ભમાં ભાષાનો અભ્યાસ કરતું પુસ્તક છે. ‘ભાષાવિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ’ – ભાષાનાં કૌશલ્યોનું આલેખન કરતું પુસ્તક છે. કોશવિજ્ઞાનના સિદ્ધાંતોને અનુસરીને તેમણે ‘શબ્દાર્થચર્ચા’ (2000) અને ‘જોડણી અને કોશરચના’ (1996) એ બે પુસ્તકો આપ્યાં છે. ‘ભાષા, સમાજ અને સાહિત્ય’ (1973) શૈલીવિજ્ઞાનનું પ્રથમ પુસ્તક ગણી શકાય. ભાષાવિજ્ઞાનનાં પુસ્તકો ઉપરાંત બે લઘુનવલ, એક બાળવાર્તા અને જીવનઘડતરનાં ઉપયોગી પુસ્તકો પણ તેમણે આપ્યાં છે. ‘બે કિનારાની વચ્ચે’, ‘કૃષ્ણજન્મ’ અને ‘સપ્તરંગી કિરણોનો માળો’ – લઘુનવલો છે. ‘ભીલીની કિશોરકથાઓ’ – અંતર્ગત બાળવાર્તાઓ લખી છે. ‘સપ્તરંગી કિરણોનો માળો’ (2001) તેમનો વાર્તાસંગ્રહ છે. ‘દીવો ના બુઝે’ એ તેમનું બાના જીવન પર આધારિત જીવનચરિત્ર છે. તેમનાં અન્ય પુસ્તકોમાં ‘ભાષાસજ્જતા અને લેખનકૌશલ્ય’ (1986), ‘વાક્કૌશલ’, ‘શ્રવણકૌશલ’ અને ‘વાચનકૌશલ’ (1988) પણ ઉલ્લેખનીય છે. ‘પ્રાથમિક શાળામાં ભાષાશિક્ષણ’ (1998) એ પ્રાથમિક શાળામાં ભાષાશિક્ષણ કેવું હોવું જોઈએ તેની ચર્ચા કરતું પુસ્તક છે. તેમનાં કેટલાંક પુસ્તકો ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત પણ થયેલાં. ‘આનંદઘરની વાત્સલ્યમૂર્તિ’ પુસ્તક તેમના વિદ્યાર્થીઓએ તેમની નિવૃત્તિસમયે પ્રગટ કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓનાં તેમની સાથેનાં સંસ્મરણો આલેખાયાં છે. —નીલોત્પલા ગાંધી
('ગુજરાતી વિશ્વકોશ'માંથી સાભાર)