દિવ્યચક્ષુ/૪૧. દિવ્યચક્ષુ

From Ekatra Wiki
Revision as of 13:52, 9 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૧. દિવ્યચક્ષુ

વડાં પાથર્યાં આભનાં પત્ર કાળાં
લખી તેજના શબ્દથી મત્રમાત્રા;
દિશાકાલદોરે ગુંથ્યા સૌ ખગોળે,
મહા ગ્રન્થ બ્રહ્માંડનો બ્રહ્મ બોલે.

−ન્હાનાલાલ

સૂર્ય પશ્ચિમ તરફ ઢળતો હતો; પરંતુ અરુણને કાંઈ તે હવે દેખવો હતો ? દેખતી દુનિયાએ સૂર્યને જોઈ, તેની ગતિ પારખી, ઘડી, પળ કે કલાકનાં માપ ગોઠવી કાઢયાં; અરુણે શું કરવું ?

સૂતે સૂતે તેને પણ સમય પારખવાની ટેવ પડી ગઈ હતી. તેણે પૂછયું :

‘છ થવા આવ્યા, ખરું ?’

‘હા.’ કહી રંજને તેનો હાથ પકડી તેને પલંગ ઉપરથી નીચે ઉતાર્યો. ગર્ટી દોડતી દોડતી આવી રંજનને ઠપકો આપવા લાગી :

‘કેમ તમે મને પૂછયા વગર ઉતારો છો ?’

‘માફ કરજે, ગર્ટી ! ચાલ, આપણે અરુણકાંતને ગાડીમાં બેસાડીએ.’ રંજને કહ્યું. બંને જણે અરુણના હાથ ઝાલ્યા અને તેને દવાખાનાના ઓરડાની બહાર દોર્યો. નાનકડી ગર્ટીએ રંજનને ખસેડી નાખી.

અરુણની આખી દુનિયા બદલાઈ ગઈ હતી. એકતા ફેલાવતો અંધકાર તેની ચારે પાસથી ગળી જતો હતો. સપાટ જમીન ઉપર પણ તેને શ્રદ્ધા નહોતી. તેના પગ નિશ્ચલ રીતે મુકાતા જ નહિ; ડગલે ડગલે ઊંડા ખાડા કરી મૂક્યા હોય એમ તેને લાગતું હતું.

ઓરડાની બહાર નીકળતાં વળી પાછાં દવાખાનાનાં માણસો ભેગાં થઈ ગયાં. ડૉક્ટરો અને પરિચારિકાઓએ અરુણ સાથે હાથ મેળવ્યા. ગોરો સરજન તો તેની સાથે જ જવાનો હતો. રહીમ, ચાર્લી, જેન એ બધાં તેને ઘર સુધી પહોંચાડવા તૈયાર થયાં હતાં. કંદર્પ, સુરભિ અને કૃષ્ણકાંત તો હોય જ.

પગથિયાં ઊતરતાં અરુણને લાગ્યું કે તે પાતાળમાં ઊતરે છે. કેવી નિરાધાર સ્થિતિ ! એક બાળકી તેને દોરતી હતી! આંખ સરખું એક નાનું અંગ ગયું તેમાં કેટલો જીવનફેરફાર !

તેના જીવનનો ઉપયોગ શો ? તે વિપ્લવવાદી હતો; તેનાથી એક અક્ષર પણ લખી શકાશે ? તે હિસાવાદી હતો; તેનાથી એક શસ્ત્ર પણ વપરાશે ? હિંદને સ્વતંત્ર કરવાની તેની ધારણા હતી; એનું સ્થાન હવે ક્યાં રહ્યું ? દેશને ખાતર મરવાની લાયકાત પણ તેનામાં ન રહી. તે મરે કે જીવે તેથી હિંદની સ્વતંત્રતા ઉપર તલભાર પણ અસર થવાની નહોતી. શા માટે તેના જીવનને બચાવવા આટઆટલાં માનવીઓ મથી રહ્યાં હશે ?

ભારે હૃદયે તે મોટરમાં બેઠો – નહિ, તેને ગર્ટીએ બેસાડયો. અને ધનસુખલાલના બંગલા આગળ આવતાં ગર્ટીએ તેનો હાથ ઝાલી તેને ઉતાર્યો ત્યારે તેના મનમાં ભારે આભારની લાગણી ચમકી ઊઠી.

‘માનવી શું એકબીજાને મારવા માટે સરજાયેલાં છે ?’

દાદર ઉપર ચડતાં તેની માનસિક દૃષ્ટિ આગળ ધનસુખલાલની હવેલી પ્રત્યક્ષ થઈ ? તેણે ત્યાં વિતાવેલા દિવસો પાછા જોવા માંડયા. દાદર ચડી રહેતાં જ તેણે ઉપરથી ધના ભગતનો અવાજ સાંભળ્યો.

‘એ નિરુપયોગી વૃદ્ધ અંધ હજી જીવે છે ! હું પણ એવો જ નિરુપયોગી અંધ જોતજોતામાં વૃદ્ધ થઈશ ! અમારી બંનેની શી જરૂર ? જરૂર વગરનાં માનવીઓને શા માટે જિવાડવાં ?’

તેને ભાન આવ્યું કે તેની આસપાસ ઘણાં માણસો ભેગાં થયાં હતાં. તેની આંખે સહુને જોવા મથન કર્યું. દેહમાંથી નીકળી ચૂકેલો જીવ દેહમાં પાછો આવે તો મરેલી આંખમાં દૃષ્ટિ આવે. અરુણને માથું પટકવાનું મન થયું.

‘શું છે ? કેમ આવું મોં કરે છે ?’ ગોરા ડૉક્ટરે અરુણને જરા ધમકાવીને પૂછયું.

‘અમસ્તું જ.’

‘આનંદમાં રહે. તારા સંબંધીઓ ભેગો તું જાય છે.’

અરુણે હસવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. રંજન ત્યાંથી દૂર ગઈ એટલે ગર્ટીએ પાછી ફરિયાદ કરી :

‘આ બાઈ બહુ ખરાબ છે. શા માટે ખસતી નથી ?’

‘કોણ ગર્ટી ?’ અરુણે પૂછયું.

ગર્ટીએ રંજનનું વર્ણન આપ્યું. અરુણે નિશ્વાસ નાખ્યો. પળે પળે જેને ઝંખતો હતો તે યુવતી આજ છેલ્લે દિવસે આવી!

‘દયા આવી હશે ?’

ટુકડો માગી ખાનાર ભિખારીમાં ને અરુણમાં શો ફેર હતો ?

ધનસુખલાલની બૂમ સંભળાઈ. તેઓ ભારે કારાભારમાં હતો. નાના કામમાં પણ તેમનાથી ધમાલ થઈ જ જતી તો પછી આજ તો ઘણા માણસોનું કામ હતું. તેમાંયે ઢેડને પ્રભુનાં દર્શન કરાવવાનાં હતાં. એક બાજુથી જૂના સંસ્કારો તેમના હૃદયમાં શૂળ ભોંકતા હતા, બીજી પાસથી ન્યાયની ભાવના તેમના હૃદયને વલોવી નાખતી હતી. એવી પરિસ્થિતિમાં માનવી પોતાની વ્યથાને બૂમ પાડીને જ સંતાડી શકે.

‘હવે બધાંને બેસાડી દો. ઉત્થાપન ક્યારનાં થઈ ગયાં. હવે સાયં આરતી થશે…ડૉક્ટર સાહેબ ! માફ કરજો. ચાર્લી સાહેબ ! હું કોઈને મંદિરમાં ખુરશી આપી શકતો નથી…આપ અંદર બેસો તો આપને ઘણું ફાવશે.’

પરંતુ યુરોપીય મહેમાનો હિંદને સમજવાને આતુર હતા. મંદિરો અને ધર્મક્રિયાઓના ટુકડા રસથી જોઈ યુરોપિયનો તેમનાં વર્ણનો લખી હિંદના ભારે અભ્યાસી બની જાય છે. રમતાં અજ્ઞાન બાળકોની ગમ્મત સંબંધી વાતચીત કરી ખુશ થતા વડીલો સરખી કૃપાદૃષ્ટિ તેમના અભ્યાસમાં રહેલી હોય છે. પણ આ યુરોપીય ટોળીને તો તેવો ખ્યાલ નહોતો. અરુણના આત્મભોગથી મુગ્ધ બનેલા આ યુરોપીય મંડળને અરુણ સાથે જઈને તેને ઘેર પહોંચાડવાનો વિવેક કરવાનો હતો; તેને દર્શન કરાવવાની ક્રિયા નિહાળવા તેમને સામાન્ય કુતૂહલ થયું હતું. તેમાં એક કરાવવાની ક્રિયા નિહાળવા તેમને સામાન્ય કુતૂહલ થયું હતું. તેમાં એક ધર્મનિષ્ઠ ચુસ્ત રૂઢિરક્ષક સનાતની હિંદુ અંત્યજને મંદિરપ્રવેશ કરાવવાનું અનધાર્યું પગલું લેતો હતો એ બનાવ તેમનું પણ લક્ષ ખેંચે એવો હતો. એટલે યુરોપિયનો તેમ જ મુસલમાન રહીમ પણ મંદિરના આગલા ભાગમાં આવી ગયા હતા. ધના ભગત અને કિસન એક બાજુ દૂર બેઠા હતા.

સહુને બેસાડવા માટે પુષ્પા પ્રયત્ન કરતી હતી. ધનસુખલાલ તેમાં પોતાની તરફથી ધમાલ વધારતા હતા. પ્રભુની સામે ખુરશીએ બેસવાનો કોઈનોપણ અધિકાર ધનસુખલાલ સ્વીકારી શકે એમ નહોતું, એટલે તેમણે વિધર્મી મહેમાનોને બીજે બેસાડવાનો વિવેક કર્યોં; પરંતુ એ વિધર્મીઓ તો ખુરશીએ બેસવાની સગવડ જતી કરી પાથરણા ઉપર બેસી ધર્મક્રિયા જોવા જિજ્ઞાસા કરી રહ્યા હતા.

ધીમે રહીને મંદિરનાં કમાડ ઊઘડયાં.

‘ઊભાં થાઓ બધાં !’ કહી ધનસુખલાલે હિંદુ-અહિંદુ સર્વને ઊભાં કરી દીધાં.

મંદિરના બારણામાંથી અંદર ઝગમગ થતા દીવા સહુએ જોયા. શંખ, ચક્ર, ગદા અણે પદ્મ ધારણ કરેલી અલંકારવિભૂષિત શ્યામ કૃષ્ણમૂર્તિ સહુની નજરે પડી. કોની મૂર્તિ ? કયા યુગની ? કઈ ભાવના વ્યક્ત કરતી મુદ્રા ? વગેરે મૂર્તિવિધાન lconographyના બુદ્ધિજન્ય પ્રશ્નો સ્વધર્મીઓને થાય તો તેની ચર્ચા અત્રે શક્ય નહોતી. અંદર એક-બે પૂજારીઓ ઘંટનાદ કરી મોટેથી ગાતા હતા, અને સુશીલા ભાવપૂર્વક હસ્તના નાજુક હલનથી પ્રતિમાની આરતી ઉતારી રહી હતી. ધના ભગત, કિસન, પુષ્પા, જનાર્દન અને ધનસુખલાલ તાળીઓ પાડી ગવાતી આરતીને તાલ આપતાં હતાં. એ જોઈ ગર્ટી અને તેના ભાઈને મજા પડી એટલે તેમણે બે જણે સહુ કરતાં વધારે જોરથી તાળીઓ પાડવા માંડી. ડૉક્ટર, જેન, ચાર્લી અને રહીમ વિનોદને ખાતર અણધડ રીતે અગર અતિ સફાઈથી આછી તાળી મેળવતાં હતાં.

કંદર્પ અને અરુણ માત્ર અદબ કરી ઊભા રહ્યા. પ્રભુને જ માનવાની જેમની તૈયારી નહોતી તે આવી બેડોળ પ્રભુભાવનાને કેમ નમે ?

પણ ના; એવી કડકાઈ અત્યારે એ બંનેના હૃદયમાં નહોતી. માનવી મોટો છે, શક્તિશાળી છે એ ખરું; પણ એથીયે મોટી અને એથીયે શક્તિશાળી કોઈ ઘટના છે જે માનવીને તેની મર્યાદા બતાવી દે છે. અગ્નિના વિરાટ સ્વરૂપે એ બંને વીરોને માનવદેહની લઘુતા દર્શાવી આપી હતી. તેમાં અરુણની તો આંખો લઈ અગ્નિએ તેને એક કાષ્ઠમૂર્તિ સરખો બનાવી દીધો હતો.

એ ઘટના પણ અંધ છે કે તેમાં કાંઈ તાત્પર્ય રહેલું છે? કોણ કહેશે ? માનવીના નમનથી રીઝે એવી પામરતા તેનામાં હોય તો તે નમનને યોગ્ય છે?

‘કિસન ! લાગ પગે…અરુણકાંત ! હાથ જોડો.’ ધનસુખલાલની આજ્ઞા થઈ. આજ્ઞા સહજ પળાઈ. આરતી બંધ થઈ. અગ્નિશિખાઓ ઉપર હાથ ફેરવી મૂર્તિ તરફ સુશીલાએ હાથ લંબાવ્યો, અને આરતીની આસપાસ પાણી છાંટી આરતી તે બહાર લાવી.

‘આ ક્રિયા બહુ સરસ અને રસભરી છે. ‘ જેને કહ્યું.

જેના પ્રત્યે ભાવ ઊપજે તેને આ દીપદર્શન આવી સુંદર રીતે જ કરાવવું જોઈએ.’ ડૉક્ટરે કહ્યું.

‘મુખ જોઈ માત્ર સંતોષ ન થાય, મુખને પ્રકાશથી ભરીભરીને નિહાળવું જોઈએ.’ રહીમે કહ્યું.

‘પણ હું કયા મુખને કયા પ્રકાશથી નિહાળું ?’ અરુણે ધીમે રહીને રહીમને કહ્યું.

ડૉક્ટરે અરુણની સામે જોયું અને તેમના મુખ ઉપર જરા ચિંતા દેખાઈ.

બાજુએ બેઠેલા કિસનને આશકા કરાવતાં સુશીલાએ પોતે જ પોતાનો હાથ કિસનની આંખે અડકાડયો. સહુ વાતોમાં હતાં એટલે કોણે જોયું તે સમજાયું નહિ; પરંતુ કિસન તો સુશીલા સામે જોઈ જ રહ્યો.

જનાર્દને એક અવનવું ચિત્ર જોયું. તેણે અરુણને પૂછયું ;

‘અરુણ !’

‘જી !’ કોઈ જુદી જ પૃથ્વી ઉપર વસનારને તે જવાબ દેતો હોય એમ અરુણ બોલ્યો.

‘અહીં કોણ કોણ ભેગા થાય છે તે જાણે છે ને ?’

‘હા જી, કોઈને દેખતો નથી પણ સાદથી ઓળખું છું.’

‘એક વૈષ્ણવ – જૂની ઢબના વૈષ્ણવ – ને દેવમંદિરે આપણે સુધરેલા આસ્તિક કે સુધરેલા નાસ્તિક આવ્યા છીએ.’

‘હા.’

‘અંત્યજનો પણ અહીં સમાસ થયો.’

‘રહીમ પણ છે એટલે કે એક મુસલમાન પણ ખરો ને ?’ અરુણે કહ્યું.

‘હું એ જ કહું છું. શુદ્ધ હિંદુ અને અસ્પૃશ્ય હિંદુ ઉપરાંત મુસલમાન પણ આપણી જોડે છે. એ કેટલું સૂચક ?’

‘અમને ન ગણાવ્યાં ? ‘ જેને પૂછયું.

‘તમને પણ ગણાવું છું. તારાં દુશ્મનો પણ અહીં છે, અરુણ !’

‘મારાં દુશ્મનો કોણ ?’

‘પહેલી તો ગર્ટી !’

‘Nonsense !’ ગર્ટી ચિડાઈ ઊઠી.

‘બીજો ટૉમ.’

‘એ ક્યાં મારાં દુશ્મન છે ?’ અરુણે પૂછયું.

‘અંગ્રેજ માત્રને જોતાં જ તું સળગી ઊઠતો. કંદર્પ તો કહેતો કે અંગ્રેજ જોતાં જ તેના હાથમાં વીજળી ફરતી. તમને પિસ્તોલ આપું તો તમે શું કરો ?’

‘પિસ્તોલ ફેંકી દઉં.’

‘હું બીજું કાંઈ કહેતો નથી; હિંસા-અહિંસાની ફિલસૂફીમાં પણ ઊતરતો નથી. માત્ર હું એટલું પૂછું છું કે તારી આંખ આપી તે ચાર અંગ્રેજોને તારાં બનાવ્યાં. તારા દ્વારા એ આખા હિંદના મિત્ર બની ગયાં. તેં એમને તે વખતે અગ્નિમાં હોમી દીધાં હોત તો ?’

‘તે કેમ બને ? હું કાંઈ રાક્ષસ છું ?’

‘તારે મન અંગ્રેજો તો રાક્ષસો છે ને ?’

‘કેટલેક અંશે.’

‘એમાંનાં ચારને તો તું માનવી બનાવી જ શક્યો. બધાય અંગ્રેજની માનવતા આપણે પ્રદીપ્ત ન કરી શકીએ ?’

અરુણ કાંઈ ઊંડું ઊંડું નિહાળવા લાગ્યો. કલ્પનાએ તેને એક જ્વલંત ચિત્ર બતાવ્યું. ઘડીભર એ ચિત્ર જોઈ રહી તે બોલ્યો :

‘હા, એક રસ્તો છે.’

‘શો ?’

‘આપણે એક એવું દેવળ સ્થાપીએ કે જેમાં હિંદુ અને મુસલમાન, ખ્રિસ્તી કે યહૂદી, પુરુષ કે સ્ત્રી બધાંય ભેગાં થઈ શકીએ, તો એ બને.’ અરુણે કહ્યું.

‘બેટા; બેટા ! તારી આંખ ખૂલી ગઈ. પ્રભુએ તને દિવ્યચક્ષુ આપ્યાં. અરુણ ! એ જ દેવળ અને એમાં જ પ્રભુ વસે. મારો વહાલો !’ જરા ઉશ્કરાઈને ધના ભગત બોલી ઊઠયા.

વાતાવરણમાં અરુણે ઉત્પન્ન કરેલું ચિત્ર છવાઈ ગયું. સહુ કોઈ તેને જોતાં ઘડી શાંત બેઠાં. પ્રસાદ વહેંચતી રંજનને ડૉક્ટરે જરા બાજુએ લઈ જઈ પૂછયું.

‘અરુણ તો આજે તમારી દેખરેખમાં છે ને ?’

‘હા.’

‘આજની રાત એને જોજો, સતત કોઈનું કોઈ પાસે જોઈશે !’

‘કારણ ?’

‘તમારે જાણવાની જરૂર નથી, દર્દીનું મુખ જોઈને મેં સૂચના આપી છે તે ભૂલશો નહિ.’

રંજન કાંઈ સમજી નહિ, છતાંય તેણે સૂચના મનમાં રાખી, વિમોચન દૂર એકલા બેઠા હતા. તેમને કોઈએ જોયા નહોતા. પ્રસાદી આપતાં રંજને કહ્યું :

‘અરે ! તમે આવ્યા છો કે ? આમ પાછળ કેમ બેઠા ? આગળ આવો, સાક્ષર !’

‘સાક્ષરોની કદર કોને છે !’ વિમોચનનો ધીમો ઉદ્ગાર સંભળાયો. ગર્ટી, ટૉમ અને કિસનને રંજને ખૂબ પ્રસાદ આપ્યો. ધનસુખલાલે કહ્યું :

‘બધાં વેરાઈએ તે પહેલાં ધના ભગતનું એક ભજન સાંભળીએ.’

‘બાપા ! મારો તે કાંઈ કંઠ છે ! બે બેનડીઓ બેસે તો હું વળી સાથે કાંઈ સંભળાવું.’

રંજન અને પુષ્પાએ સ્વાભાવિક સંકોચ સહ ભગત સાથે ગાવાનું કબૂલ કર્યું અને ભગતની પાસે જઈ તેઓ બેઠી, સુશીલાએ એકતારો એન ઢોલક સંભાર્યાં. એક પૂજારી ઘરામાં જોઈને એકતારો, ઢોલક ઉપર હાથ સારો બેઠેલો હતો. પુષ્પાએ મંજીરાં શરમાતે શરમાતે લીધાં. અને, શાંત વાતાવરણમાં ભગતે એકતારાને ઝણઝણાવ્યો.ત્રણે દલિતોએ ગીત શરૂ કર્યું – સ્ત્રીઓ પણ દલિત જ ને ?

આતમ જ્યોત દેખી, જ્યોત દેખી;

હાં રે છતી આંખે હતી એ વણપેખી;

હો આતમ જ્યોત દેખી – જ્યોત દેખી.

હાં રે જ્યોત ઝળકે અગમગઢ ટોચે;

હાં રે જ્યાં ન તારા સૂરજ શશી પહોંચે;

હો આતમ જ્યોત દેખી – જ્યોત દેખી.

હાં રે ગંગ થંભી; જમના માર્ગ ચૂકી;

હાં રે મહેરામણે માજા મૂકી;

હો આતમ જ્યોત દેખી – જ્યોત દેખી.

હાં રે પ્યારા પિંજરની જાળીઓ તૂટી;

હાં હંસ ઊડયો આ માળખેથી છૂટી;

હો આતમ જ્યોત દેખી – જ્યોત દેખી.

હાં રે કોણ મારું ને કોણ તારું ભૂલ્યા;

હાં રે સહુ એક બની એકતામાં ઝૂલ્યાં;

હો આતમ જ્યોત દેખી -જ્યોત દેખી.

હાં રે વાણી અટકી ને જ્ઞાન રહ્યું મોહી;

હાં રે એક ભણકારા વાગે તું હી તું હી;

હો આતમ જ્યોત દેખી – જ્યોત દેખી.

ઢોલકની ઢમક, મંજીરાંની કીણકીણી અને એકતારાના ઝણઝણાટને ગૂંથી એક બનાવી દેતો મનુષ્યસૂર અટક્યો. નાસ્તિકોએ પણ ભજન ગાવાની – ભજનમાં સામેલ થવાની જરૂર છે. એમાં અવનવી લહેજત રહેલી છે : જાણે નાવમાં બેસી હેરિયાં ખાતાં ન હોઈએ ! જાણે નાવમાં ઝુલવતા હીંચકે ઝૂલતા ન હોઈએ ! પ્રભુને ખાતર નહિ, આપણા ઉદ્ધારને ખાતર નહિ, પણ હૃદયને કોઈ અવનવો રસ પાવા ખાતર પણ ભજન માણવાં જોઈએ.

સહુ વેરાવાની તૈયારી કરવા લાગ્યાં. અરુણે સહુને ખોળી ખોળી મળી લીધું. તે પ્રભિને જ નહિ પણ સહુને પગે લાગ્યો. ધના ભગતની પાસે તેને લાવ્યા એટલે ધના ભગતને તેણે નમસ્કાર કર્યાં. ધના ભગતે પોતાની પ્રતિકૃતિ અરુણમાં જોઈ. આંખ વગર રીઢા થઈ ગયેલા ભગતને પોતાના અંધત્વની શરૂઆત યાદ આવી. અનુકંપાભરી વાણીથી તેમણે કહ્યું :

‘અરુણ, ભાઈ ! ગભરાતો નહિ, બાપુ !’

‘ના, ભગત !’

‘હવે કેમ લાગે છે ?’

‘જુઓ ને, પીંજરાની એક જાળી તૂટી; પણ એટલાથી હંસ છુટ્ટો શે થાય ?’

ધના ભગત ઘડીભર બોલ્યા વગર ઊભા રહ્યા; પછી બોલ્યા :

‘ભલા, દેહથીયે વેર ના બાંધશો.’

અરુણ હસ્યો અને ત્યાંથી પુષ્પાને નમવા માટે પુષ્પાને ખોળવા લાગ્યો. તે જ વખતે રંજનને ખભે હાથ નાખી વાત કરતી પુષ્પાનું મુખ રંજન પોતાના હાથ વડે બંધ કરી દેતી હતી.

‘રંજન ! સવારે હું શરત કરતી હતી તે સાંભરે છે ?’

‘હા.’

‘એ શરતની વાતા તો મેં ત્યારે જ મૂકી દીધી. મને લાગ્યું કે તને શરતે બાંધવા કરતાં તારી પાસે માગી લેવું એ જ ઠીક પડશે.’ રંજનના મુખ ઉપર અધીરાઈ ઊપસી આવી. પુષ્પાએ હસીને કહ્યું :

‘ગભરાઈશ નહિ ! હું અરુણકાંતને પાછા નહિ માગું.’

‘તો કહે ને, મૂરખ ! જોઈએ તે માગ. આપ્યું હતું તે તો સચવાયું નહિ !’

‘કહું ! તારું પહેલું બાળક મને… આપી… દેજે.’ પુષ્પાના મુખ ઉપર રંજને હાથ મૂક્યો તોયે એણે વાક્ય પૂરું જ કર્યું.

માનવી સજીવન રહેવા મથે છે. સ્વદેહે ચિરંજીવી થવાની કળા માનવીને હજી આવડતી નથી. કદાચ આવડશે પણ નહિ; પરંતુ માનવી તેથી હારતો નથી. તે સ્વદેહે નહિ તો પરદેહે પણ જીવતો રહે છે. એ જીવનજંખના જોડે માગે છે. એજ પ્રેમ ને ? પ્રેમ એ જ જીવન એમ કોઈ કહે તો તેમાં શું ખોટું ? સ્ત્રીની બાળકભૂખ એ પણ પ્રેમપિપાસા જ જીવનપિપાસા જ !