એક અજાણ્યા ગાંધીની આત્મકથા/૬. પીટ્સબર્ગ (૧૯૭૩ – ૧૯૭૬)

From Ekatra Wiki
Revision as of 16:37, 11 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૬. પીટ્સબર્ગ (૧૯૭૩ – ૧૯૭૬)

અમે પીટ્સબર્ગમાં જાન્યુઆરી મહિનામાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે અમેરિકાની ઠંડી કેવી હોય. આ પહેલાં એક વાર સમર જોબ માટે ત્રણ મહિના પીટ્સબર્ગ રહેવાનું થયું હતું પણ ત્યારે ઉનાળો હતો. અત્યાર સુધી હું અમેરિકાનાં દક્ષિણનાં શહેરોમાં–ઍટલાન્ટા, ગ્રીન્સબરો, બેટન રુજમાં– રહ્યો હતો જ્યાં ઠંડી ઓછી અને સ્નો ભાગ્યે જ પડે. પીટ્સબર્ગમાં સખત ઠંડી તો ખરી પણ સાથે સાથે સ્નો પણ બહુ. કોક વાર તો સ્નો બબ્બે ફીટ જેટલો પડે. એમાં ડ્રાઈવ કરવું બહુ મુશ્કેલ. વળી પાછું શહેર જુદી જુદી ટેકરીઓ પર વસેલું. સ્નો પડ્યો હોય ત્યારે એ ટેકરીઓ ચડવી ઊતરવી બહુ મુશ્કેલ.

બેટન રુજના સહેલાઈથી હળતા મળતા લોકોની સરખામણીમાં પીટ્સબર્ગમાં લોકો મને અતડા અને બિઝનેસ લાઈક લાગ્યા. જે સહેલાઈથી બેટન રુજમાં લોકો તમારા મિત્ર બની જાય અને ઘરે આવે જાય, પાડોશીઓ સાથે ઘરોબો બંધાય, તેવું અહીં નહીં. અહીં તો કામ સાથે કામ. વધુમાં પીટ્સબર્ગ તો મોટું શહેર, એની સરખામણીમાં બેટન રુજ નાનું ગામડું લાગે. મોટા શહેરના લોકોની જેમ અહીં બધાને ટાઈમની ખેંચ ઘણી. યુનિવર્સિટીમાં ફેકલ્ટીના લોકો પણ બેટન રુજની સરખામણીમાં બહુ અતડા અને ઠંડા લાગ્યા.

બેટન રુજમાં મને જે સ્પેશ્યલ હોવાની લાગણી અનુભવ થયો હતો તેનો અહીં સર્વથા અભાવ. મોટા ભાગના પ્રૉફેસરો તો એમના ક્લાસ ભણાવીને ચાલતા થાય. ખાલી તમે એમને ફેકલ્ટી મીટિંગમાં જુઓ તે જ. જે વરસોથી ટેન્યર લઈને બેઠા હોય તે તો ઘણી વાર ફેકલ્ટી મીટિંગમાં પણ ન આવે. તે લોકો મારા જેવા જુનિયર અને નવા સવા ફેકલ્ટી મેમ્બરની ગણતરી પણ ન કરે. મારા જેવા જેમણે પીએચ.ડી. થીસિસ પૂરા નથી કર્યો તેની સામે તો જુએ પણ નહીં! બેટન રુજમાં સ્પેશ્યલ સ્ટેટસ ભોગવીને આવેલા મારા માટે પીટ્સબર્ગનું પહેલું વરસ બહુ મુશ્કેલ હતું. નવું ગામ, સખત ઠંડી, ફેકલ્ટી મેમ્બર્સની અતડાઈ, અને ઉપરથી થીસિસ ક્યારે પૂરો થશે તેની ચિંતામાં મારો પીટ્સબર્ગનો પહેલો શિયાળો બહુ ખરાબ ગયો. પીએચ.ડી.નો થીસિસ પૂરો કર્યો

અમે જ્યારે પીટ્સબર્ગ પહોંચ્યા ત્યારે એક વખતના એ મહાન શહેરના પડતીના દિવસો હતા. એક જમાનામાં એ સ્ટીલની રાજધાની ગણાતી. અમેરિકાની મહાન સ્ટીલ કંપનીઓના હેડ ક્વાર્ટર્સ અને પ્લાન્ટ પણ ત્યાં હતાં. એમાંની એક કંપની—જોન્સ ઍન્ડ લાક્લીન –ના હેડ ક્વાર્ટર્સ અને પ્લાન્ટમાં મને ૧૯૬૯ના ઉનાળામાં ત્રણ મહિના કામ કરવાની તક મળી હતી. એ કંપની અને એના જેવી બીજી કંપનીઓની મોટી ચિંતા એ હતી કે જપાનથી સસ્તાભાવે મોટા જથ્થામાં આવતા સ્ટીલની સામે ટકી કેમ રહેવું? આ બાબતમાં અમેરિકાનું સ્ટીલ વર્કર્સ યુનિયન અને કંપનીઓ વૉશિંગ્ટનની કેન્દ્ર સરકાર પર સ્ટીલ ઈમ્પોર્ટ ઉપર ક્વોટા મૂકી તેને ઘટાડવા પ્રયત્ન કરતા હતાં. પરંતુ સ્ટીલ કન્ઝ્યુમર કંપનીઓ માટે સસ્તું જાપાનીઝ સ્ટીલ તો મોટા આશીર્વાદ સમાન હતું.

આજે આ લખાય છે ત્યારે (૨૦૧૬) એ મોટી મોટી સ્ટીલ કંપનીઓ ભાગ્યે જ સ્ટીલના પ્રોડક્શન કે ધંધામાં જોવા મળે. જાપાનીઝ સ્ટીલ ઈમ્પોર્ટ સામે એ ટકી ન શકી. એમના તોતિંગ પ્લાન્ટ બંધ થઈ ગયા. અમેરિકાની ઈકોનોમી કેટલી એફીસિયન્ટ અને કંપીટીટીવ છે તેનો આ એક સ્પષ્ટ દાખલો છે. આજે અમેરિકાનું મોટા ભાગનું ઇનએફીસિયન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ખલાસ થઈ ગયું છે. અમેરિકન કંપનીઓ જ્યાં સસ્તું લેબર હોય ત્યાંથી માલ ઈમ્પોર્ટ કરવા માંડી. આને કારણે અમેરિકન ઇકોનોમીમાં ધરખમ ફેરફાર થવા મંડ્યા. અમેરિકામાં એક જુદા પ્રકારની પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ ઇકોનોમી ઊભી થઈ જેમાં મેન્યુફેક્ચરિંગ નહીં પણ સર્વિસ સેક્ટરની બોલબાલા થવા માંડી. આ વિશેની વાત મારા થીસિસમાં મેં કરી હતી.

પીટ્સબર્ગ અને એના જેવા રસ્ટ બેલ્ટનાં શહેરો અને ઓહાયો, ઇન્ડિયાના, પેન્સિલવેનિયા જેવાં અમેરિકાનાં રાજ્યો જેમની ઈકોનોમી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો ઉપર આધારિત હતી તે બધા હવે નવા ઉદ્યોગોની શોધમાં પડ્યા. પીટ્સબર્ગના મોવડીઓ આ વાત બરાબર સમજી ગયા. આજે પીટ્સબર્ગની ઈકોનોમીમાં સ્ટીલ કંપનીઓ કે બીજી કોઈ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કરતાં શિક્ષણ, હેલ્થ, અને બીજી સર્વિસ આપતી સંસ્થાઓ અને કંપનીઓ મોટો ભાગ ભજવે છે. આનો એક મોટો ફાયદો એ થયો કે હાલનું પીટ્સબર્ગ અમેરિકાનું એક અગત્યનું પલ્યુશન ફ્રી શહેર ગણાય છે. હું જ્યારે ૧૯૬૯માં પહેલી વાર કામ કરવા ગયો ત્યારે ત્યાં એટલું બધું પલ્યુશન હતું કે સાંજના જો કોઈ પાર્ટીમાં જવાનું હોય તો તમારે કપડાં બદલવા પડે!

પીટ્સબર્ગમાં જઈને ફિફ્થ એવન્યુ નામના મુખ્ય રસ્તા પર અમે અપાર્ટમેન્ટ ભાડે લીધું. પાર્કિંગની મુશ્કેલી તો ખરી જ. છોકરાઓ રમી શકે એવી પણ કોઈ વ્યવસ્થા નહીં. છોકરાને લઈને બહાર આંટો મારવો પણ મુશ્કેલ. થોડા મહિના પછી બાજુના વિલ્કીન્સબર્ગ નામના પરામાં રહેવા ગયા. ત્યાં છોકરા માટે બહાર રમવા માટે ઘાસનું મેદાન હતું, પાર્કિંગની સગવડ હતી. બાજુમાં બે ઇન્ડિયન ફેમિલી પણ રહેતાં હતાં, એટલે નલિનીને થોડી રાહત થઈ. એ દીકરા અપૂર્વના ઉછેરમાં પડી અને હું મારે માથે થીસિસનું જે મોટું લફરું લાગેલું હતું તેનો નિકાલ કરવામાં પડ્યો હતો. એ ઉપરાંત નવી યુનિવર્સિટીમાં હવે મારે તો ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ભણાવવાનું હતું. એમાંના ઘણાં તો મોટી ઉંમરના, પરિપક્વ અને કંપનીઓનો બે ત્રણ કે વધુ વરસોનો અનુભવ લઈને આવેલા હોય. તમે જો કોઈ જેવી તેવી વાત કરો તો તમને સીધું ક્લાસમાં જ કહી દે કે બિઝનેસમાં આ ન ચાલે. નૉર્થ કેરોલિના અને લુઈઝીઆનામાં હું અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ભણાવતો તેના કરતાં આ અઘરું હતું. ખૂબ તૈયારી કરવી પડે. નવા નવા પ્રૉફેસર હોવાથી મારે શરૂઆતમાં સારી ઇમ્પ્રેશન પાડવી હતી.

મારું આખું અઠવાડિયું સોમથી શુક્ર સુધી જો ક્લાસની તૈયારીમાં અને ભણાવવામાં જાય તો શનિ-રવિ થીસિસ લખવામાં જાય. ઘણી વાર મને થતું કે આ જોબ અને થીસિસ બન્ને સાથે કદાચ મારાથી નહીં થાય. મારા થીસિસ એડવાઈઝરના થીસિસની ઉઘરાણી કરતા સંદેશા આવ્યા કરે. એમને ભય હતો કે હું કદાચ મારો થીસિસ પૂરો નહીં કરી શકું અને બીજા અનેક ‘એબીડી’ (all but dissertation)નું લેબલ લઈને ફરતાં નિષ્ફળ એકેડેમિકોની લાંબી લાઈનમાં જોડાઈ જઈશ. છેવટે રાત-દિવસ કામ કરીને થીસિસ પૂરો તો કર્યો, પણ મારા એડવાઈઝર અને કમિટીના બીજા સભ્યો એ થીસિસને સ્વીકારશે કે નહીં તેની મને મોટી ચિંતા હતી. મેં મારા એડવાઈઝરની સલાહ મુજબ મેથેમેટીકલ ઇક્વેશન કે સ્ટેટેસ્ટીકલ એનાલીસિસ અને નવા ઈમ્પિરિકલ ડેટા સાથે થીસિસ નહોતો તૈયાર કર્યો. મેં તો બને એટલી સરળ ભાષામાં અને બીજા લોકોએ જે ડેટા ભેગા કર્યા હતા તે વાપરીને થીસિસ લખ્યો હતો. મારા એડવાઈઝર અને કમિટીના બીજા સભ્યોએ આ રીતનો કે આવો બૃહદ્ ફલકવાળો થીસિસ પહેલાં ભાગ્યે જ જોયો હતો.

ધારો કે એ લોકો આ થીસિસ ન સ્વીકારે તો વળી પાછું મારે લબાચા ઊપાડીને બેટન રુજ જવું પડશે અને ત્યાં વરસ બે વરસ રહેવું પડશે, થીસિસ માટે નવો વિષય શોધવો પડશે અને કોને ખબર ક્યારે મારો છુટકારો થશે. આવા સકંજામાં પકડાયેલા વિદ્યાર્થીઓના કંઈક દાખલા મારી સામે હતા. જો તમારા દુર્ભાગ્યે કોઈ અવળો થીસિસ એડવાઈઝર કે વિચિત્ર કમિટી મેમ્બર મળી ગયા તો તમારી કરિયર તો શું આખી જિંદગી બગાડી નાખે. હું ગભરાતો ગભરાતો બેટન રુજ ગયો. અને થીસિસ એડવાઈઝર અને કમિટી મેમ્બર્સને મળ્યો. સદ્ભાગ્યે એ લોકોને મનાવી શક્યો કે ભલે મારો થીસિસ નવા પ્રકારનો છે અને જુદી રીતે તૈયાર થયો છે, પણ આ નવા પ્રસ્થાનને તેમણે આવકારવું જોઈએ અને મને પ્રોત્સાહન આપવું જોઈએ. કોને ખબર પણ કેમ એ લોકો આ વાત માની ગયા. મેં થીસિસનો જોરદાર ડીફેન્સ કર્યો એટલે કે એમણે મારી દયા ખાધી કે કેમ પણ થીસિસ સ્વીકારાયો. હું ખૂબ રાહત સાથે પીટ્સબર્ગ પાછો ફર્યો. થયું કે હાશ, જાન છૂટી! હવે પીએચ.ડી.નું યુનિયન કાર્ડ મને મળશે.

જો કે મનમાં હું સમજતો જ હતો કે આવો થીસિસ વર્તમાન એકેડેમિક વાતાવરણમાં ન ચાલે, અને હું અગત્યના એકેડેમિક જર્નલ્સમાં ક્યારેય પબ્લીશ નહીં કરી શકું. અને જો હું એ રીતે પબ્લીશ ન કરી શકું તો પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં લાંબું ટકી પણ નહીં શકું. પણ પડશે એવા દેવાશે એમ માનીને આગળ વધ્યો. જેવી મારો થીસિસ પૂરો થયો કે અમારે ત્યાં પુત્રી સોના જન્મી. પીએચ.ડી.નો અભ્યાસ જ્યારે શરૂ થતો હતો ત્યારે પુત્રજન્મ થયો અને અને જ્યારે એ કામ પત્યું કે પુત્રીજન્મ થયો. નલિની બીજા સંતાનના ઉછેરમાં લાગી ગઈ.

પીટ્સબર્ગમાં ઘર લીધું

હવે અમને અપાર્ટમેન્ટ નાનો પડવા મંડ્યો. પણ બીજો ભાડાનો અપાર્ટમેન્ટ લેવાનો અર્થ ન હતો. અમેરિકાના ટૅક્સના કાયદાઓ એવા તો વિચિત્ર છે કે એમાં જે લોકો ભાડે રહે તેમના કરતાં જે ઘરનું ઘર લે તેમને નાણાંકીય દૃષ્ટિએ વધુ ફાયદા થાય. ટૂંકમાં એમને ટૅક્સ ઓછો ભરવો પડે. અહીંની રીઅલ એસ્ટેટ અને હોમ બિલ્ડર્સની લોબી એવી તો જોરદાર છે કે એમણે અમેરિકન ટૅક્સ કોડમાં આવી બધી યોજનાઓ જડબેસલાક બેસાડી દીધી છે. આને કારણે દરેક અમેરિકન જેવો કમાતો થાય કે તરત જ પોતાનું ઘર લેવાની વાત કરે. ત્રીસ વરસનું લાંબું મોર્ગેજ મળે. માત્ર દસ કે વીસ ટકા જેટલું ડાઉન પેમેન્ટ કરવાનું. વધુમાં જેટલું મોટું ઘર લો અને મોટું મોર્ગેજ રાખો એટલો ટૅક્સમાં વધુ ફાયદો! આને લીધે અમેરિકન ઘરો જરૂર કરતાં વધુ મોટા, એમાં સ્વીમિંગ પુલ, ટેનિસ કોર્ટ, વગેરે લટકણિયાં લગાડેલાં હોય. એ બધાંને કારણે મોર્ગેજ પેમેન્ટ મોટું થાય. ઘણી વાર તો માસિક હપ્તો ભરવો પણ મુશ્કેલ બની જાય. આ વાત એટલી હદે પહોંચી કે ૨૦૦૮-૨૦૧૨ના ગાળામાં દેશમાં ભયંકર ઇકોનોમિક ક્રાઈસીસ આવી. જેમાંથી બહાર નીકળતા લોકોને નાકે દમ આવી ગયો. અને છતાં ઘરનું ઘર કરવાનો ટૅક્સનો ફાયદો અને લોકોનો મોહ એટલો ને એટલો જ છે.

પણ હું ઘર લઉં અને ત્રીસ વરસના મોર્ગેજનું કમિટમેન્ટ કરું તે પહેલાં મારે એ જાણવાની જરૂર હતી કે અહીં પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં મને ટેન્યર મળશે કે નહીં. પ્રથા એવી હતી કે નવા પ્રૉફેસર તરીકે તમને ત્રણ ત્રણ વરસના એમ બે કોન્ટ્રેક્ટ મળે. બીજા વરસને અંતે જ તમને જણાવવામાં આવે કે બીજા ત્રણ વરસનો કોન્ટ્રેક્ટ મળશે કે નહીં. મારી પાસે ઈમ્પીરીક્લ એનાલીસિસ, હાયર કેલ્ક્યુલસ અને સ્ટેટેસ્ટીક્સનો ઉપયોગ કરીને એકેડેમિક જર્નલ્સમાં આવી શકે એવા લેખો લખવાની ભૂમિકા ન હતી. પરંતુ ક્લાસ રૂમ ટીચર તરીકે વિદ્યાર્થીઓમાં હું બહુ લોકપ્રિય નીવડ્યો. આ કારણે પહેલાં બે વરસમાં કશું પબ્લીશ કરવામાં નિષ્ફળ નીવડ્યા છતાં મને બીજાં ત્રણ વરસનો કોન્ટ્રેક્ટ અપાયો. જો કે અમારી બિઝનેસ સ્કૂલના ડીને મને ચેતવ્યો કે હવે પછીનાં એકાદ બે વરસમાં એકેડેમિક જર્નલ્સમાં હું જો પબ્લીશ નહીં કરું તો મારે પીટ્સબર્ગમાંથી ચાલતી પકડવી પડશે.

હું ગમે તેટલું ક્લાસ રૂમમાં સારું ભણાવતો હોઉં કે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય હોઉં, ટેન્યર મેળવવા માટે અને તે પછી પણ ફુલ પ્રૉફેસર થવા માટે એકેડેમિક પબ્લીશીંગ સિવાય કોઈ રસ્તો નહોતો. મને એવી પણ સલાહ મળી કે મારે યુનિવર્સિટીમાં માત્ર બે દિવસ જ્યારે ભણાવું છું ત્યારે જ આવવું, બાકી બધા દિવસ લાઇબ્રેરીમાં બેસીને રિસર્ચ કરવી અને એકેડેમિક આર્ટિકલ લખવા. “યુનિવર્સિટી બધા દિવસ આવીશ તો વિદ્યાર્થીઓ આવીને તારો સમય બગાડશે!” ટૂંકમાં અમેરિકન ગ્રેજ્યુએટ એજ્યુકેશનમાં ટીચિંગ કરતાં રીસર્ચ અને પબ્લીકેશનનું મહત્ત્વ ઝાઝું. એકેડેમિક જર્નલ્સમાં જેમ જેમ પબ્લીશ કરો તેમ તેમ તમારા ભાવ બોલાય. ટેન્યર મળે, ફૂલ પ્રૉફેસર સુધીનું પ્રમોશન મળે, રીસર્ચ ગ્રાન્ટ્સના પૈસા મળે, નેશનલ અને ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં જવાના ટ્રાવેલ ફંડ્સ મળે.

ડીનની સલાહ સાવ સાચી હતી. મને થયું કે મારો જે થીસિસ છે તેમાંથી ઓછામાં ઓછો એકાદ આર્ટિકલ તો જરૂર તૈયાર કરવો જોઈએ. જો એકાઉન્ટિંગના કોઈ જર્નલમાં એ પબ્લીશ ન થાય તો બીજે કોઈક ઠેકાણે તો પબ્લીશ થઈ શકે ખરો? આવું કંઈક પબ્લીશ કરીને ટેન્યર મેળવીશ. ઓછામાં ઓછું મને બીજાં ચાર વરસ તો અહીં રહેવા મળશે. પછી જોયું જશે. આ ઉપરાંત અમે અપાર્ટમેન્ટમાં રહીને કંટાળી ગયા હતા. જો કે આમ તો આ બે બેડ રૂમનો અપાર્ટમેન્ટ હતો. અને અમારી મુંબઈની ઓરડી કરતા તો ચાર ગણો મોટો હતો, છતાં હવે તો અમે અમેરિકામાં હતાં ને? અહીંનું ટૅક્સનું ગણિત જ એવું કે ભાડાના પૈસા પડી જાય, જ્યારે મોર્ગેજ ભરવાથી ઘરની માલિકી ઊભી થાય. ઘર હોવાથી દેશીઓમાં તમારું સ્ટેટસ વધે. નહીં તો લોકો પૂછ્યા જ કરે: ઘર ક્યારે લેવાના છો?

વધુમાં ઘર લીધું હોય તો ડીન અને યુનિવર્સિટીની સિનિયર ફેકલ્ટીને ખબર પડે કે હું અહીં પીટ્સબર્ગમાં ઊભડક રહેવા નથી આવ્યો પણ મારો વિચાર તો અહીં સ્થાયી થવાનો છે. ટેન્યર મેળવવા માટે આ રમત પણ રમવાની જરૂર હતી. મોટા ભાગના ફેકલ્ટી મેમ્બર્સ જેમની પાસે ટેન્યર હતું તે બધા વીસ ત્રીસ વરસથી ધામા નાખીને પડ્યા હતા. એ લોકોને તમારા એકેડેમિક ક્વોલિફિકેશન અને પબ્લીશીંગ સાથે સાથે યુનિવર્સિટી પ્રત્યેની આવી લોયલ્ટી પણ જોઈતી હતી! આવા કંઈક વિચાર કરીને અમે ઘર લીધું. અમારા અમેરીક્નાઈજેશનનું આ આખરી પગલું હતું. મધ્યમ વર્ગના અમેરિકનોની જેમ હું પણ દર શનિવારે સવારે ઘરના બેક યાર્ડમાં લોનમૂવર ચલાવી ઘાસ કાપવા લાગ્યો. ‘હોમ ઓનર હેરી’ની માફક વિકેન્ડમાં હાર્ડવેર સ્ટોરમાં જઈને ઘરના રીપેરકામની વસ્તુઓ લાવવા માંડ્યો. અહીં તમારે પોતે જ હેન્ડીમેન બનવું પડે. બહારથી બોલાવો તો તમારે દેવાળું કાઢવું પડે.

અમેરિકન સિટીઝનશીપ લીધી'

હવે બાકી રહ્યું તે અમેરિકન સિટીઝનશીપ લેવાનું. દેશમાં, ખાસ કરીને મુંબઈમાં મને જે કડવા અનુભવો થયા હતા તે કારણે દેશમાં પાછા જઈને દેશસેવા કરવી છે એવા શેખચલ્લીના વિચારો મને ક્યારેય નહોતા આવ્યા. જ્યારે મેં એર ઇન્ડિયાનું ન્યૂ યૉર્ક આવવાનું પ્લેન લીધું ત્યારે જ મેં દેશને રામ રામ કરેલા. મનમાં નક્કી કરેલું કે મારા માટે દેશ નકામો છે. જે કાંઈક મારું ભવિષ્ય છે તે મારે અમેરિકામાં જ ઘડવાનું છે. એ નિર્ધાર સાથે મેં દેશ છોડ્યો હતો. હવે જો હું જિંદગીભર અમેરિકામાં જ રહેવાનો હોઉં તો મારે અમેરિકાના સિટીઝન ન થઈ જવું જોઈએ? વધુમાં દેશમાંથી કુટુંબીજનોને બોલાવવા હોય તો અમેરિકન સિટીઝનશીપ અનિવાર્ય હતી. મોટા ભાગના દેશીભાઈઓ જે મારી જેમ અમેરિકા આવ્યા હતા તે બધા પણ આ વિચારે સિટીઝન થયા.

આમ ૧૯૭૬માં હું અમેરિકાનો સિટીઝન થયો. હું જ્યારે સોગંદવિધિ માટે કોર્ટમાં ગયો ત્યારે મારા જેવા સેંકડો પરદેશીઓ હાજર હતા. મારે પગલે નલિની પણ સિટીઝન થઈ. એના ભાઈ ભાભી અને આખાયે કુટુંબને અમેરિકા બોલાવવાના હતા. અમે બધા સમજતા હતા કે ભલે ને અમે સિટીઝનશીપ લીધી પણ એથી અમે ઇન્ડિયન થોડા મટી ગયા? ફૅડરલ ગવર્ન્મેન્ટનો સ્થાયી અને સારો જોબ મળે અથવા તો દેશમાંથી કુટુંબીજનોને બોલાવી શકાય એ કારણે જ મોટા ભાગના અમે સિટીઝન થયા. આ તો અમારો સગવડિયો ધર્મ હતો. જાહેર સભાઓમાં જ્યારે અમેરિકાને વફાદારી (pledge of allegiance) બતાવવાની હોય ત્યારે અમે અમેરિકન ફ્લેગને જરૂર સલામ ભરીએ, પણ અમેરિકન રાષ્ટ્રગીત અમારે મોઢે સહેલાઈથી ન ચડે. ક્યારેય પણ જો જન ગણ મન ગવાતું શરૂ થાય કે તુરત અમે બધા ગણગણવા માંડીએ.

આ તો અમે માત્ર કાયદેસર અમેરિકન થયા, એટલું જ. સાચું કહો તો અમે સોમથી શુક્ર સુધીના અમેરિકન શનિ રવિએ પાછા ઇન્ડિયન થઈ જઈએ. ભલે અમે અમેરિકામાં રહીએ અને અમારો કામધંધો કરીએ, પણ ઘરે આવીએ ત્યારે પાછું બધું અમારું ઇન્ડિયન જ! અમારું ખાવાપીવાનું, ઓઢવાપહેરવાનું, બોલવાચાલવાનું, ખાસ કરીને વિકેન્ડમાં, બધું ઇન્ડિયન જ સમજો. જોબ અને કામધંધાને કારણે જ અમેરિકનો સાથે અમારો સંબંધ હોય એટલું જ, બાકી મોટા ભાગનું અમારું હળવા મળવાનું બીજા દેશીઓ સાથે.

નાત, જાત, ધર્મ, ભાષા, પ્રાંતના જે કોઈ વાડાઓ દેશમાં છે તે બધા અમે અહીં લઈ આવ્યા છીએ. કૂવામાં હોય એ હવાડામાં આવે! એટલું જ નહીં, ગુજરાતી, મરાઠી બંગાળી, એમ વિવિધ ભાષીઓએ પોતાના જુદા સમાજો પણ ઊભા કર્યા છે. એના વાર્ષિક સમ્મેલનો ભરાય તેમાં હજારોની સંખ્યામાં લોકો હાજરી આપે. નવરાત્રિ, ગણેશ ચતુર્થી, દિવાળી વગેરે ઉત્સવો ભારે ભભકાથી અહીં ઉજવાય છે. બાકી રહ્યું હોય તેમ વિધવિધ જ્ઞાતિ, પેટાજ્ઞાતિઓ અને ધર્મોના વાડા બાંધી અમે કંઈક મંડળો ઊભાં કર્યાં છે. આમ જૈન, વૈષ્ણવો, સ્વામીનારાયણ સંપ્રદાયીઓ, શીખ, તિરુપતિ વગેરેનાં મોટાં મોટાં મંદિરો બંધાયાં છે. સ્વામીઓ, ગુરુઓ, ઉપદેશકોનો દર સમરમાં અહીં રાફડો ફાટે છે. એવી જ રીતે સાંસ્કૃતિક અને સાહિત્યિક કાર્યક્રમો કરવા માટે દેશમાંથી સંગીતકારો, ગાયકો, નાટ્યકારો, નૃત્યકારો, લેખકો, કવિઓ વગેરે પોતપોતાની મંડળીઓ લઈને દર વરસે આવીને ઊભા જ હોય છે.

જો કે આમાં આપણે દેશીઓ કંઈ નવું કરતા નથી. આ દેશમાં આઈરીશ, ઇટાલિયન, પોલીશ, હિસ્પાનિક અને બીજી જે ઈમીગ્રંટ પ્રજાઓ આવી છે, તે બધાનો આ જ ઇતિહાસ છે. પોતાનો ચોકો જુદો પાડીને રહેવું એ બધી જ ઈમિગ્રન્ટ પ્રજાની પહેલી પેઢીનું વલણ હોય છે. જો કે બીજી પેઢી તો ઉછરતા જ અમેરિકન થઈ જાય છે. આ છે અમેરિકાના મેલ્ટીંગ પોટની ખૂબી. સમુદ્રના મુખ આગળ જેમ પાણી નદીના રંગ ભલે બતાડે, પણ જેમ સમુદ્રમાં આગળ વધીએ ત્યારે એ જુદા રંગ સમુદ્રના રંગ સાથે ભળી જાય છે અને નદી સમગ્રતયા સમુદ્રમાં ભળી જાય છે. તેવી જ રીતે આ દેશ દેશથી જુદા જુદા રીતરિવાજો લઈને આવેલા ભિન્ન ભિન્ન લોકો એમની પહેલી પેઢીમાં ભલે પોતાની જુદાઈ જાળવી રાખે, પણ આગળ વધતાં એમની ભવિષ્યની પેઢીઓ તો અમેરિકન મહાસાગરમાં ભળીને એકરસ થઈ જાય છે. જે બીજી ઈમિગ્રન્ટ પ્રજાઓનું થયું એવું જ ઇન્ડિયન ઈમિગ્રન્ટ પ્રજાનું થવાનું છે એ નિશ્ચિત છે. અમારા આ અનિવાર્ય ભવિષ્ય વિશે મેં એક પરિચય પુસ્તિકા, અમેરિકામાં વસતા ભારતીયો ૧૯૮૧માં લખેલ જે અહીં પરિશિષ્ટ-૧માં સામેલ કરી છે.

અમારી પહેલી પેઢીમાં અમેરિકા પ્રત્યે જો દ્વિધા અને સંકોચ છે અને ત્રિશંકુની જેવી ‘નહીં અહીંના, નહીં ત્યાંના’ એવી અવઢવ છે તો અમારાં સંતાનોમાં એમની અમેરિકન અસ્મિતા વિશે કોઈ શંકા નથી. જે સહજતાથી એ પડોશમાં અને અન્યત્ર તેમના અમેરિકન મિત્રો સાથે હળેમળે છે તે હજી અમે કરી શકતા નથી. અમે જ્યારે જૂના રીતરિવાજો અને રૂઢિઓને પકડીને બેઠા છીએ ત્યારે આ નવી પેઢીને એવી કોઈ પળોજણ નડતી નથી.

અમેરિકામાં વસતા ભારતીયો'

ભારતીયો—એમની પહેલી પેઢી તેમ જ એમની ઉછરતી નવી પેઢી—આ દેશમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે. અત્યારે આ દેશમાં લગભગ ત્રણ મીલિયન ભારતીયો વસે છે. ત્રણસો વીસ મીલિયનની વસ્તીના આ વિશાળ દેશમાં એ સંખ્યા ખૂબ નાની ગણાય, છતાં આપણે એક શાંત, નિરુપદ્રવી અને ખંતીલી પ્રજા તરીકે દેશના ખૂણે ખૂણે વખણાયા છીએ. એમનામાંથી ઘણા ભલે ખાલી હાથે, પહેર્યે લૂગડે કે દોરી લોટો લઈને આવ્યા, પણ સાથે સાથે ગળથૂથીમાં મળેલ ખંત, બુદ્ધિમત્તા, કુટુંબપ્રેમ, વાણિજ્યકૌશલ્ય અને વ્યવહારચાતુર્ય લઈને આવ્યા છે. એ ગુણોને કારણે જ દૂધમાં સાકર ભળે તેમ મેનસ્ટ્રીમ અમેરિકન ઇકોનોમીમાં ભળી ગયા છે. દેશને ખૂણે ખૂણે અને ઍકાઉન્ટિંગથી માંડીને ઝૂઓલોજી સુધીનાં અનેક ક્ષેત્રોમાં મહત્ત્વનું કામ કરી રહ્યા છે.

આ દેશની ભાગ્યે જ કોઈ હૉસ્પિટલ હશે, કે ભાગ્યે જ કોઈ એન્જિનિયરિંગ ફર્મ હશે, કે ભાગ્યે જ કોઈ યુનિવર્સિટી હશે કે જ્યાં કોઈ ઇન્ડિયન કામ ન કરતો હોય. અમેરિકાનો પ્રમુખ ડૉક્ટર, સર્જન જનરલ, ઇન્ડિયન છે—ડૉ. વિવેક મૂર્તિ. માયક્રોસોફટ અને ગુગલ જેવી આ દેશની મહાન ટેક કંપનીઓ આપણા દેશી બંધુઓ કુશળતાથી ચલાવે છે. આપણી વ્યાપાર સૂઝ તો એવી જબ્બર છે કે આ દેશના નાનામોટા હાઇવે ઉપર આવેલી હોટેલ મોટેલોનો ત્રીજો ભાગ આપણા પટેલ ભાઈબહેનોએ કબજે કર્યો છે. એવું જ અહીંની ફાર્મસીઓનું થયું છે.

પહેલી પેઢીના જે ભારતીયો અહીં આવ્યા તે મુખ્યત્વે કૉલેજનું ભણેલા–એન્જિનિયર, ડૉક્ટર્સ વગેરે હતાં. મોટા ભાગના અહીં પોતાના ક્ષેત્રમાં વધુ ભણ્યા. આ આગળ ભણવાની આપણી ધગશને કારણે અમેરિકામાં ભારતીયો પર કેપીટા સૌથી વધુ ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે. અરે, સંખ્યામાં ભલે આપણે ઓછા છતાં અમેરિકામાં વસતાં ભારતીયો નોબેલ પ્રાઈઝ લઈને બેઠા છે! એટલું જ નહીં, પણ હું તો ત્યાં સુધી કહીશ કે ભવિષ્યના ભારતીય નોબેલ વિજેતાઓ અમેરિકામાંથી નીકળશે. માત્ર વ્યાપાર, ઉદ્યોગ અને ટેક્નૉલોજી જ નહીં, પણ રાજકારણ, સાહિત્ય, સંગીત, કળા વગેરે અન્ય વિષયોમાં પણ એમણે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વાર્ષિક આવક કે ભણતર એવી કોઈ પણ રીતે જુઓ તો અમેરિકામાં વસતાં ભારતીયો અહીંના ગોરા અમેરિકનો કે બીજી કોઈ લઘુમતિ કરતા ઊંચાં છે.

૨૦૧૬માં આપણા ભારતીયો બે સ્ટેટના ગવર્નર્સ છે, તો કેલિફોર્નિયામાંથી ગુજરાતી એમી બેરા કૉંગ્રેસમેન તરીકે ચૂંટાઈ આવેલા છે. અને અનેક ઇન્ડિયન અમેરિકન જુવાન છોકરા છોકરીઓ રાજકારણમાં ભાગ લેવા થનગની રહ્યા છે. જે આવતી કાલે અમેરિકામાં સેનેટર, કૉંગ્રેસમેન, મેયર વગેરે અગત્યના હોદ્દાઓ શોભાવશે. આપણી પહેલી પેઢી જો આ દેશમાં આટલી આગળ વધી છે તો આવતી પેઢી તેનાથી પણ આગળ વધવાની છે એ નિશંક છે. મોરનાં ઈંડાં ચીતરવા નથી પડતાં. સ્પેલિંગ બી અને જીઓગ્રાફ્રિક બીના વિજેતા હંમેશા ઇન્ડિયન અમેરિકન બાળકો હોય છે અને તેવી જ રીતે વેસ્ટિંગહાઉસ કે ઇન્ટેલ સાયન્સ સ્કોલરશિપ્સના ઇન્ડિયન અમેરિકન વિજેતા બાળકો આપણી આવતી કાલ કેટલી ઉજ્જ્વળ હશે તેની ઝાંખી કરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીમે જ્યારે પ્રમુખ બરાક ઓબામા સાથે મસલત કરવા ભોજન લીધેલું, ત્યારે ઓબામાની સાથે એમની ટીમમાં ત્રણ અમેરિકન ભારતીયો હતા—અમેરિકાના ભારત ખાતેના એમ્બેસેડર રાહુલ ‘રીક’ વર્મા, વિદેશ નીતિના આસિસ્ટન્ટ સેક્રેટરી અને ગુજરાતમાં જન્મેલા નિશા બિસ્વાલ દેસાઈ અને અમેરિકાની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મદદ કરતી એજન્સી (AID)ના ડાયરેક્ટર રાજ શાહ!

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના ત્રાસથી ભાગીને આવેલી યુરોપની યહૂદી પ્રજા સિવાય ઇન્ડિયનો જેટલી હોશિયાર, ખંતીલી, વાણિજ્યકુશળ અને ભવ્ય સાંસ્કૃતિક વારસો લઈને ભાગ્યે જ કોઈ બીજી ઈમિગ્રન્ટ પ્રજા અહીં આવી છે. આ મહાન દેશ અને તેની ઉદાર પ્રજાએ મોકળા મને ઇન્ડિયનોને સ્વીકાર્યા છે.

હા, અહીં પણ બધે હોય છે એમ ઈમિગ્રન્ટો વિરુદ્ધ છાશવારે કોઈ તકવાદી પોલીટિશ્યન ચળવળ શરૂ કરે છે, પણ આ દેશનો ઇતિહાસ જ એવો છે કે એની બહુમતિ પ્રજા આખરે તો નવા નવા લોકોને વરસે, વરસે આવવા દે છે. દેશના ઈસ્ટ અને વેસ્ટમાં મોટા સમુદ્ર છે–એટલાન્ટિક અને પેસિફિક, અને નૉર્થમાં સમૃદ્ધ કેનેડા છે. પણ સાઉથમાં મેક્સિકો છે જે પ્રમાણમાં ગરીબ દેશ છે. ત્યાંથી હજારોની સંખ્યામાં હિસ્પાનિક લોકો ગેરકાયદેસર આવ્યા કરે છે. જ્યાં સુધી ત્યાં ગરીબી છે, અને સમૃદ્ધ અમેરિકામાં એમને કામ મળ્યા કરે છે, ત્યાં સુધી એ ઈલીગલ ઈમિગ્રેશન થયા જ કરવાનું છે એ નક્કી છે.

પીટ્સબર્ગ છોડવાનું નક્કી કર્યું'

બીજાં ત્રણ વરસનો કોન્ટ્રેક્ટ મને મળવાનો છે, અને અહીં પીટ્સબર્ગમાં આવતાં ચાર વરસ તો સહીસલામત છું, એ બાબતથી જરૂર મને રાહત થઈ પણ ઊંડે ઊંડે મનમાં ભય હતો કે હું અહીં ઝાઝું ટકી નહીં શકું. પીએચ.ડી.ની થીસિસમાંથી જે જર્નલ આર્ટિકલ તૈયાર કરીને જ્યાં જ્યાં પબ્લીશ કરવા મોકલ્યો હતો ત્યાં બધેથી પાછો આવવા મંડ્યો. બેટન રુજમાં મારા થીસિસ એડવાઈઝરે મને જે ચેતવણી આપી હતી તે વારે વારે યાદ આવતી હતી. એણે મને કહ્યું હતું કે હાયર કેલ્ક્યુલસ, સ્ટેટિસ્ટિક્સ અને ઈમ્પિરિકલ એનાલીસિસ વગરનું કાંઈ પણ પબ્લીશ કરવું મુશ્કેલ પડશે. હવે પરિસ્થિતિ એવી થઈ હતી કે હું એકેડેમિક જર્નલ્સમાં મારું લખાણ જો પબ્લીશ નહીં કરી શકું તો પીટ્સબર્ગમાં મને ટેન્યર મળે તેમ ન હતું. બિઝનેસ સ્કુલના ડીને મને સ્પષ્ટ કહ્યું હતું કે હું ગમે તેટલો સારો ક્લાસ રૂમમાં ટીચર હોઉં અને વિદ્યાર્થીઓમાં પોપ્યુલર હોઉં છતાં મને એના આધારે ટેન્યર નહીં મળે.

વધુ મૂંઝવણની વાત એ હતી કે મોટા ભાગના ફેકલ્ટી મેમ્બર્સ—નવા કે જૂના—અહીંની ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી લઈને આવેલા હતાં. એ બધા તો હાયર કેલ્ક્યુલસ, સ્ટેટિસ્ટિક્સ અને ઈમ્પિરિકલ એનાલીસિસની વ્યવસ્થિત ટ્રેનિંગ લઈને આવેલા હોય તેથી આવતા વેંત પબ્લીશીંગમાં લાગી જાય. એ લોકોના પ્રૉફેસરો મોટા ભાગના એકેડેમિક જર્નલ્સ ચલાવે અને નક્કી કરે કે ક્યા પ્રકારની રીસર્ચ થવી જોઈએ. મુખ્યત્વે શિકાગો, યેલ, સ્ટેનફર્ડ, પેન જેવી યુનિવર્સિટીઓનું જ એકેડેમિક એકાઉન્ટિંગમાં રાજ ચાલે. લુઈઝીઆના યુનિવર્સિટી જેવી મધ્યમ કક્ષામાંની યુનિવર્સિટીમાંથી નીકળેલા મને આવા કલીગ્સની સાથે બોલતાં ચાલતાં થોડો સંકોચ પણ થતો. મારા જેવાને પીટ્સબર્ગ જેવી યુનિવર્સિટીમાં નોકરી મળી એ જ મોટું આશ્ચર્ય હતું. એકાઉન્ટિંગમાં પીએચ.ડી. થયેલા લોકોની મોટી તંગી હતી એટલે મને નોકરી મળી ગઈ. વધુમાં હું જ્યારે ત્યાં ઇન્ટરવ્યૂ આપવા ગયેલો ત્યારે ત્યાં બધા બહુ પ્રભાવિત થયા હતા. એવું ભાગ્યે જ બને છે કે જ્યાં જ્યાં મને ઇન્ટરવ્યૂમાં જવાની તક મળી છે ત્યાં નોકરી ન મળી હોય.

મારી મૂંઝવણ મેં એક અનુભવી ટેન્યર્ડ પ્રૉફેસર આગળ મૂકી. એમણે મને સ્પષ્ટ કહ્યું કે પીટ્સબર્ગ યુનિવર્સિટી તો ‘પબ્લીશ ઓર પેરીશ’ સ્કૂલ છે. અહીંયા મહત્ત્વ છે પબ્લીશીન્ગનું, ટીચિંગનું નહીં. આવી સ્કૂલોનું નેશનલ રેન્કિંગ એની ફેકલ્ટીના પબ્લીશીંગ રેકર્ડ ઉપર થાય છે. જે ફેકલ્ટી મેમ્બર્સ ટેન્યર લઈને બેઠા છે તેના ઉપર પબ્લીશ કરવાનું ઝાઝું દબાણ યુનિવર્સિટી ન કરી શકે, પણ મારા જેવા નવા ફેકલ્ટી મેમ્બરને ટેન્યરની લટકતી તલવાર બતાડે અને કહે કે પબ્લીશ કરો અથવા ચાલતી પકડો. હું ત્યાં આવ્યો ત્યારે મારી સાથે આવેલા બે ફેકલ્ટી મેમ્બર્સને એમના પબ્લિકેશનના અભાવે ટેન્યર ન મળ્યું. તેમણે તો યેલ અને પેન જેવી ઉત્તમ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ડિગ્રી મેળવી હતી. ક્લાસ રૂમમાં પણ સારું ભણાવતા. વધુમાં એ પીટ્સબર્ગમાં ઘરબાર લઈ, સ્થાયી થઈને બેઠેલા, એમની પત્નીઓને સારા એવા જોબ મળેલા હતા, એમના સંતાનો લોકલ સ્કૂલમાં સારી રીતે ગોઠવાઈ ગયા હતા. છતાં તેમને કહેવામાં આવ્યું કે બીજે નોકરી શોધો!

મારે જો આવી કફોડી દશામાંથી બચવું હોય તો બે જ રસ્તા હતા. એક તો હું પાછો ગ્રેજ્યુએટ સ્કૂલમાં જાઉં અને હાયર કેલ્ક્યુલસ, સ્ટેટિસ્ટિક્સ અને ઈમ્પિરિકલ એનાલીસિસનો ઊંડો અભ્યાસ કરું અને પછી એ બધાંનો ઉપયોગ કરી એકેડેમિક આર્ટિકલ્સ લખું અને પબ્લીશ કરું. પણ એ બધું કરું તો ક્યારે મારો પત્તો ખાય? મનમાં એમ પણ થયું કે શું મારે આખી જિંદગી ભણ્યા જ કરવાનું? અને તે પણ જે વિષયોની મને તીવ્ર સૂગ છે તેમાં? હા, મારે મારો અભ્યાસ વધારવો હતો, અને એક્સપર્ટ તરીકે ખ્યાતિ મેળવવી હતી, પણ એ તો બૃહદ્દ સામાજિક પ્રવાહો વિશે અને તેની બિઝનેસ ઉપર શું અસર પડે તે બાબતમાં. મારા સ્કોલરશીપના આદર્શ હતા મેક્સ વેબર જેવા સોશિયોલોજીસ્ટ. એમના જેવું વિશાળ ફોકસ રાખી મારે સરળ ભાષામાં પુસ્તકો લખવાં હતાં. પરંતુ એ પ્રકારનું લેખનકામ અત્યારની એકેડેમિક વ્યવસ્થામાં ન ચાલે એ તો સ્પષ્ટ હતું. તો પછી મારે શું કરવું? મિસફિટ

ફરી એક વાર સાપે છછુંદર ગળ્યા જેવી મારી દશા થઈ. હવે હું તો બે સંતાનોનો બાપ થયો હતો. મારે માથે જવાબદારી વધી હતી. નવું ઘર વસાવ્યું હતું. મોર્ગેજના હપ્તા ભરવાનું શરૂ થઈ ગયું હતું. વધુમાં દેશમાંથી કુટુંબીજનોને બોલાવવાના હતાં, દેશમાં પૈસા મોકલવાની જરૂર હતી. એક વિચાર એ આવ્યો કે પીટ્સબર્ગ જેવી ‘પબ્લીશ ઓર પેરીશ’ યુનિવર્સિટીમાં હું જો ફીટ ન થાઉં તો અમેરિકામાં એવી પણ યુનિવર્સિટીઓ છે કે જેમાં ટીચિંગનું મહત્ત્વ વધારે હોય અને એના આધારે ટેન્યર મળે. હા, એવી યુનિવર્સિટીમાં મારે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ભણાવવા પડે. એવી યુનિવર્સિટીની પ્રેસ્ટીજ ઓછી. પણ હવે હું પ્રેસ્ટીજ કરતા સિક્યુરિટીનો વિચાર કરતો થઈ ગયો.

હું એમ પણ વિચારતો હતો કે મારા વિચારોમાં અને લેખનમાં નાવીન્ય અને શક્તિ હશે તો મારો ડંકો વાગશે જ. મારી સામે જોહ્ન કેનેથ ગાલ્બ્રેથ અને રોબર્ટ હાઈલબ્રોનર જેવા લેખકોના દાખલાઓ હતા. એમના લખાણમાં કોઈ જાર્ગન કે મેથેમેટિક્સ જોવા ન મળે. સરળ અને સુબોધ ભાષામાં લખાયેલાં એમનાં પુસ્તકો લાખોની સંખ્યામાં વેચાય અને વંચાય છે. હા, એકેડેમિક ઈકોનોમિસ્ટ સર્કલમાં એમનો ઝાઝો ભાવ ન પુછાય. પણ મને હવે એકેડેમિક સર્કલની બહુ પડી નહોતી. કોઈ નાની યુનિવર્સિટીમાં જોબ લઈને મારા વખણાયેલા ક્લાસરૂમ ટીચિંગને આધારે ટેન્યર લઈ લેવું અને પછી જે કરવું હોય તે કરવું.

આવા વિચાર કરીને નક્કી કર્યું કે આવતા વરસ બે વરસમાં પીટ્સબર્ગ છોડવું. અને બીજી કોઈ જગ્યાએ જ્યાં ‘પબ્લીશ ઓર પેરીશ’નો જુલમ ન હોય ત્યાં જોબ લઈને ઠરીઠામ થવું. વળી પાછી એવી યુનિવર્સિટીઓ શોધી, લીસ્ટ બનાવ્યું અને અપ્લાય કરવાનું શરૂ કર્યું. જોબ એપ્લીકેશન કરવામાં તો આપણે હોશિયાર હતા જ. મારા સદભાગ્યે એકાઉન્ટિંગ પીએચ.ડી.ની તંગી હતી. મને તુરત એક નાની યુનિવર્સિટીમાંથી જોબ ઓફર પણ આવી ગઈ! મને કંઈક રાહત થઈ. હા, એ વાત ખરી કે આ યુનિવર્સિટી પીટ્સબર્ગ યુનિવર્સિટી જેવી રાષ્ટ્રીય કક્ષાની ન ગણાય. આ આવેલી જોબ ઓફર લઈને પીટ્સબર્ગના ડીનને મળવા ગયો અને કહ્યું કે મારે પીટ્સબર્ગ છોડવું છે. એ તો નારાજ થઈ ગયા. કહે કે તું તો હજી હમણાં જ આવ્યો છે અને જવાની વાત કરે છે?

મેં એમને મારી દ્વિધા સમજાવી. કહ્યું કે મને પીટ્સબર્ગમાં ટેન્યર મળે એવી શક્યતા બહુ દેખાતી નથી. અને મને ટેન્યરની ના આવે એ પહેલાં જ હું જવા માગું છું. મને કહે તારે ઉતાવળ કરવાની જરૂર નથી. તારા થીસિસમાંથી થયેલો આર્ટિકલ ક્યાંક તો પબ્લીશ થશે જ. એ ઉપરાંત બીજા સીનીયર ફેકલ્ટી મેમ્બર સાથે કોલાબરેશન કરીને જોડિયા આર્ટિકલ્સ તૈયાર કર અને પબ્લીશ કર. તારે આવી પીટ્સબર્ગ જેવી નેશનલ પ્રેસ્ટીજવાળી યુનિવર્સિટી ન છોડવી જોઈએ. તારું ટીચિંગ તો બહુ સારું છે જ. અમારી ઇચ્છા છે કે તું હજી વરસ બે વરસ અહીં ટકી જા. મને વધુ લાલચ આપવા માટે એમણે મારો થોડો પગારવધારો કરી આપ્યો! હું માની ગયો, પણ મનમાં શંકા તો હતી કે અહીંના વાતાવરણમાં મારાથી ઝાઝું ટકી શકાશે નહીં.

મને મારી બુદ્ધિ, શક્તિ અને વર્તમાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોની બૃહદ્ સમજ માટે કોઈ શંકા ન હતી. પણ યુનિવર્સિટીમાં ટેન્યર મેળવવા માટે જેની જરૂર હતી તે મારે પાસે ન હતું. મારો જે પ્રશ્ન હતો તે આ મિસમેચનો હતો. મૂળમાં મારે એવી જગ્યાએ નોકરી કરવી જોઈએ કે જ્યાં મારી આગવી શક્તિઓનો ઉપયોગ થઈ શકે. પીટ્સબર્ગના મારા અનુભવે મને એક વાત સમજાઈ. મને ભલે ટીચિંગ કરવું ગમતું હોય, અને એમાં હું ભલે બહુ હોશિયાર અને લોકપ્રિય હોઉં, છતાં વર્તમાન એકેડેમિક પ્રવાહો અને ફેશનમાં હું ફીટ ન જ થઈ શકું. મારું ભવિષ્ય યુનિવર્સિટીમાં નથી એ મને સ્પષ્ટ થયું. પણ કરવું શું?

અમેરિકામાં જો તમે પીએચ.ડી. કર્યું હોય તો બીજું શું કરી શકો? બીજા દેશી ભાઈઓ કરે છે એવી ગ્રોસરીની દુકાન કે મોટેલ થોડા ચલાવવાના છો? કે બૅંક કે ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લાર્ક થોડા થવાના છો? વધુમાં એવી કંપનીઓ પીએચ.ડી.વાળાને નોકરી પણ ન આપે. આવી પરિસ્થિતિને અહીં ટ્રેઈન્ડ ઇન્કપાસિટી (trained incapacity) કહે છે. આવા બહુ વધુ ભણેલા લોકો અહીં overqualified ગણાય. ભણતર હોય, લાયકાત હોય છતાં નોકરી ન મળે. આ વાત તો હું અમેરિકામાં આવીને સમજ્યો. શરૂ શરૂમાં આવ્યો ત્યારે બૅંકમાં કે બીજે કોઈ પણ ઠેકાણે સામાન્ય ક્લર્ક તરીકે નોકરી કરવા તૈયાર હતો. પણ ત્યારે મારી પાસે દેશની બે ડિગ્રીઓ—બી.કોમ. અને એલ.એલ.બી.—તો ઓલરેડી હતી જ. વધુમાં એમ.બી.એ. કર્યું. નોકરી શોધવાની શરૂ કરી ત્યારે મેં મારા રેજ્યુમેને આ ડિગ્રીઓથી શણગાર્યું. ઉપરથી એમ.બી.એ.નું લટકણું લગાડ્યું. આવું ઇમ્પ્રેસિવ રેજ્યુમે હોવા છતાં ક્યાંય નોકરી નહોતી મળતી. થોડી પૂછપરછ કરતાં ખબર પડી કે આ ડિગ્રીઓને કારણે હું ‘overqualified’ છું. કલર્ક જેવા જોબ માટે તો એ લોકો હાઈસ્કૂલ ભણેલાને નોકરી આપે, કૉલેજિયનોને નહીં. અને હું તો મારી એલ.એલ.બી.ને કારણે લોયર પણ હતો! મને આ ડિગ્રીઓ વગરનું નવું રેજયુમે બનાવવાની સલાહ અપાઈ!

પછી તો બ્લેક કૉલેજમાં ટીચિંગ કરવાનો રસ્તો મળ્યો. ભણાવવાનું ગમ્યું એટલે ટીચિંગ કરવા માટે જે યુનિયન કાર્ડ જોઈતું હતું તે મેળવવા માટે હું પીએચ.ડી. થયો. ભલે હું પીએચ.ડી. થયો, પણ સાચા અર્થમાં હું સ્કોલર ન હતો. વધુમાં હું સ્કોલર થઈ શકું એવી કોઈ શક્યતા પણ નહોતી. એક જગ્યાએ પલાંઠી વાળીને બેસીને અભ્યાસ કરવા માટે જે ધીરજ અને ખંત જોઈએ એ મારી પાસે નથી. મારો અટેન્શન સ્પેન બહુ મર્યાદિત છે. હું ભલે મેક્સ વેબરની મોટી વાતો કરું, પણ એના જેવા થવા માટે જે અસાધારણ પરિશ્રમપરાયણતા જોઈએ, જે ધીરજ જોઈએ એનો મારામાં સર્વથા અભાવ છે. આ મારી નબળાઈ પહેલેથી જ છે, છતાં એનું સ્પષ્ટ ભાન મને પીટ્સબર્ગમાં થયું. પીટ્સબર્ગના મારા અનુભવે મને આ આકરો પાઠ ભણાવ્યો. થયું કે પુસ્તક લખવાની વાત તો બાજુમાં મૂકો, પણ કોઈ પુસ્તક આખું ને આખું વાંચવા જેટલી પણ મારામાં ધીરજ નથી. આ કારણે મારું વાંચન ખૂબ જ મર્યાદિત રહ્યું છે. ગુજરાતી કે અંગ્રેજી સાહિત્યના અગત્યના ગ્રંથો મેં વાંચ્યા નથી. સ્કૂલ કે કૉલેજમાં જે વાંચવું પડ્યું એ વાંચ્યું, પછી રામ રામ! ટૂંકમાં વર્તમાન અમેરિકન યુનિવર્સિટીના એકેડેમિક વાતાવરણમાં હું જો મિસફિટ હતો, અને સ્કોલર થવા જે ખંત અને ધીરજની જરૂર હતી તે પણ મારી પાસે નહોતી, તો હવે શું કરવું?

આવી દ્વિધામાં મેં મારું પીટ્સબર્ગનું ભણાવવાનું ચાલુ રાખ્યું. જો મારા આર્ટિકલ્સ કોઈ ઉચ્ચ કક્ષાના એકેડેમિક જર્નલ્સમાં પબ્લીશ ન થાય તો મધ્યમ કક્ષાના જર્નલ્સમાં પબ્લીશ થઈ શકે? અને અમેરિકાના જર્નલ્સમાં ન થાય તો યુરોપના જર્નલ્સમાં પબ્લીશ થાય? સદ્ભાગ્યે એવા બે જર્નલ્સમાં મારા થીસિસમાંથી તૈયાર કરેલો એક આર્ટિકલ પબ્લીશ થયો.21 ડીનની સલાહ મુજબ એક સીનીયર ફેકલ્ટી સાથે કોલાબરેશનમાં બે આર્ટિકલ્સ તૈયાર કર્યા. હું મૂળ આર્ટિકલ લખું, અને એ રંદો ફેરવે. એ બન્ને પબ્લીશ થયા. થોડી હિંમત આવી.22 છતાં હું મારી એકેડેમિક મર્યાદા સમજતો હતો. પીટ્સબર્ગમાંથી, અને ખાસ કરીને યુનિવર્સિટીના એકેડેમિક ચોકઠાંમાંથી કેમ છટકવું એનો સતત વિચાર કર્યા કરતો. જીએઓમાં મને ફેલોશીપ મળી

એવામાં એક દિવસ ટપાલમાં ફૅડરલ ગવર્ન્મેન્ટમાં એક વરસ કામ કરવાની ફેલોશીપમાં અપ્લાય કરવાનું નિમંત્રણ આવ્યું. બિઝનેસ સ્કૂલના પ્રૉફેસરોને ગવર્નમેન્ટનો અનુભવ મળે એ માટે આ ફેલોશીપ યોજાઈ હતી. પ્રૉફેસરોને ફૅડરલ ગવર્નમેન્ટ કેમ ચાલે છે તેની ખબર પડે, અને ગવર્નમેન્ટને એકેડેમિક એક્સપર્ટનો લાભ મળે, એવા બેવડા આશયથી આ ફેલોશીપનો પ્રોજેક્ટ યોજાયો હતો. જો આવી કોઈ ફેલોશીપ મળી જાય તો વૉશિંગ્ટન જવાની અને ત્યાં કામ કરવાની તક મળે એ આશયથી મેં અપ્લાય કર્યું હતું. ઓછામાં ઓછું પીટ્સબર્ગમાંથી એક વરસ તો છુટાય. જો આપણા ભાગ્યનું પાંદડું ફરે તો કદાચ ત્યાં પરમેનન્ટ જોબ મળી જાય અને આ એકેડેમિક જંજાળમાંથી છૂટાય. જો પરમેનન્ટ જોબનું કાંઈ ન થાય તો વરસ પછી પાછા આવશું. અહીં પીટ્સબર્ગમાં જોબ તો છે જ.

મારી એપ્લીકેશનના તરત બે ફૅડરલ એજન્સીઓ તરફથી ઈન્ટરવ્યૂ માટે આમંત્રણના જવાબ આવ્યા. એક એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાંથી, બીજો જનરલ ઍકાઉન્ટિંગ ઑફિસ (જીએઓ)માંથી. હું ઇન્ટરવ્યૂ આપવામાં તો હોશિયાર હતો જ. બંને જગ્યાએ સારી છાપ પડી અને બંને તરફથી ઓફર આવી. મેં જીએઓનો જોબ પસંદ કર્યો. ઓગણીસમી અને વીસમી સદીની શરૂઆતમાં જ્યારે અમેરિકાની ઈકોનોમી હજી એગ્રેરિયન હતી ત્યારે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની બોલબાલા હતી. પણ જેમ જેમ અમેરિકન ઈકોનોમી મેન્યુફેક્ચરિંગ તરફ વળવા મંડી અને નવાં નવાં મશીનોથી એગ્રીકલ્ચર સેક્ટરની પ્રોડક્ટિવિટી વધવા માંડી તેમ તેમ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટનું મહત્ત્વ ઘટવા માંડ્યું. અત્યારે માત્ર ત્રણ જ ટકા અમેરિકનો એગ્રીકલ્ચર સેક્ટરમાં કામ કરે છે, અને છતાં અસાધારણ પ્રોડક્ટિવિટી કારણે ખેતીવાડીની એટલી તો પેદાશ થાય છે કે અમેરિકા પોતાની જરૂરિયાત તો પૂરી પાડે, પણ વધુમાં એક્સપોર્ટ કરે છે.

એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની સરખામણીમાં મને જીએઓનું વધુ મહત્ત્વ દેખાયું. અમેરિકન ફૅડરલ ગવર્નમેન્ટમાં જીએઓ એક ખૂબ અગત્યની એજન્સી ગણાય. એક તો એ કોંગ્રેશનલ એજન્સી હતી. આપણા દેશના કમ્પટ્રોલર જનરલ જેવી એજન્સી. વૉશિંગ્ટનમાં એની ધાક મોટી. આખીયે ફૅડરલ ગવર્ન્મેન્ટ એનાથી ગભરાય. એના કોઈ રિપોર્ટમાં તમારી એજન્સીની જો ટીકા થઈ તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ જાઓ. કૉંગ્રેસમાં જઈને એ બાબતની જુબાની આપવી પડે. ધારાસભ્યો એ બાબતમાં ઓપન હિઅરિન્ગ્સમાં જવાબ માંગે. છાપાંવાળાઓ પણ એ રિપોર્ટને આધારે એજન્સીનાં છોતરાં ફાડી નાખે. વધુમાં જીએઓમાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ કરતાં મારી ઍકાઉન્ટિંગની જાણકારીની વધુ ગણતરી થશે એમ માનીને મેં જીએઓને હા પાડી.

જી.એ.ઓ.નો અપોઈન્ટમેન્ટ કાગળ લઈને હું અમારા ડીનને મળવા ગયો. કહ્યું કે મને વૉશિંગ્ટનમાં જીએઓમાં એક વરસની ફેલોશીપ મળી છે અને મારો ત્યાં જવાનો વિચાર છે. ડીન તો વાત સાંભળીને છક્ક થઈ ગયા. એમણે મને તરત રજા આપી. આવી રીતે વૉશિંગ્ટનમાંથી જીએઓ જેવી ખ્યાતનામ એજન્સી જો આપણા ફેકલ્ટી મેમ્બરને બોલાવે તો એમાં યુનિવર્સિટીની પ્રેસ્ટીજ વધે એમ કહીને એમણે જાહેર કર્યું કે ગાંધી જીએઓને મદદ કરવા એક વરસ વૉશિંગ્ટન જશે. બીજા ફેકલ્ટી મેમ્બર્સ પણ આશ્ચર્ય પામ્યા કે હું આવી રીતે વૉશિંગ્ટન જઈ શકું છું. જો કે ડીને મને ચેતવ્યો કે મારું વૉશિંગ્ટન જવાનું એક વરસથી વધુ ન હોવું જોઈએ. નહીં તો ટેન્યર મેળવવામાં મુશ્કેલી પડશે. મેં કહ્યું કે હું તો વરસ માટે જ જાઉં છું. મેં તો હજી હમણાં જ નવું નવું ઘર લીધું છે. એ ઘરને ખાલી ભાડે જ આપવાનો છું, વેચવાનો નથી.

એ વાત સાવ સાચી હતી. જો કે ઊંડે ઊંડે એવી ઇચ્છા ખરી કે જો વૉશિંગ્ટનમાં કાયમી જોબ મળે તો લઈ લેવો, પણ એની ખાતરી શી? એવો જોબ ન મળે ત્યાં સુધી પીટ્સબર્ગનો જે જોબ હાથમાં છે તે કેમ છોડાય? એ તો સાચવી રાખવો જોઈએ. વરસ પછી જોઈશું. એમ વિચારીને હજી હમણાં જ લીધેલું ઘર એક વરસ માટે ભાડે આપ્યું. વૉશિંગ્ટનના એક પરામાં એક વરસ માટે અપાર્ટમેન્ટ ભાડે લીધો. મુંબઈના મારા જૂના મિત્ર દોશી જોગાનુજોગે ત્યાંની હાર્વર્ડ યુનિવર્સિટીમાં ટીચિંગ કરતા હતા. એ જે વિસ્તારમાં રહેતા હતા તે જ વિસ્તારમાં અમે અપાર્ટમેન્ટ લીધો.

વળી પાછા લબાચા ઉપાડ્યા અને અમે વૉશિંગ્ટન જવા ઉપડ્યા. હવે તો અમારે બે સંતાનો હતાં, અને પીટ્સબર્ગના ઘરનો સામાન પણ હતો. યુ હોલની મોટી ટ્રક લેવી પડી. હાઈવે ઉપર મેં ટ્રક ચલાવી અને મારી પાછળ નલિનીએ અમારી કાર ચલાવી. છએક કલાકે અમારો કાફલો હેમખેમ વૉશિંગ્ટન પહોંચ્યો ત્યારે અમને ધરપત થઈ. નલિનીએ પહેલી જ વાર આમ હાઈવે ઉપર ગાડી ચલાવી હતી. સામાન કરતાં મને ચિંતા હતી અમારાં સંતાનોની. દીકરો મારી સાથે, અને દીકરી નલિની સાથે. વૉશિંગ્ટન પહોંચ્યા પછી જ મને ખ્યાલ આવ્યો કે આવી રીતે નલિની પાસે હાઈવે ઉપર ડ્રાઈવિંગ કરાવવામાં મેં કેવું મોટું જોખમ ખેડ્યું હતું.