નવલકથાપરિચયકોશ/કમળાકુમારી

From Ekatra Wiki
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

‘કમળા કુમારી’ : ભવાનીશંકર કવિ

– દીપક મહેતા

આપણા દેશની બધી ભાષાઓમાં પહેલવહેલી નવલકથા ૧૮૫૭માં મરાઠીમાં પ્રગટ થઈ : ‘યમુના પર્યટણ’. તેના લેખક બાબા પદમનજીએ ખ્રિસ્તી ધર્મ સ્વેચ્છાએ અંગીકાર કર્યો હતો. અને તેઓ વિધવાવિવાહના પ્રખર હિમાયતી હતા. ‘યમુના પર્યટણ’ દ્વારા તેમણે ખ્રિસ્તી ધર્મનો તેમજ વિધવાવિવાહનો પુરસ્કાર કર્યો છે. અલબત્ત, બીજું લગ્ન કરતાં પહેલાં નાયિકા યમુનાને તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતી બતાવી છે. પણ વિધવા પુનર્લગ્નનો કાયદો ૧૮૫૬માં પસાર થયો અને બીજે જ વરસે એક મરાઠી નવલકથામાં તેનો પુરસ્કાર થયો એ વાત નોંધપાત્ર તો ગણાય જ. ભલે ગમે તે કારણસર, પણ ‘સરસ્વતીચંદ્ર’માં ગોવર્ધનરામ વિધવાવિવાહનો પુરસ્કાર કરતા નથી. એક માન્યતા એવી પણ છે કે આપણી નવલકથામાં વિધવાવિવાહ પહેલીવાર કરાવનાર કનૈયાલાલ મુનશી હતા. પણ હકીકતમાં ગોવર્ધનરામની નવલકથા સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ ૧૮૮૭માં પ્રગટ થયો તે પહેલાં ૧૮૮૧માં પ્રગટ થયેલી એક નવલકથામાં વિધવાવિવાહનો પુરસ્કાર કરવાનું સાહસ થયું હતું. એ નવલકથા તે ‘કમળા કુમારી’ અને તેના લેખક તે ભવાનીશંકર નરસિંહરાવ કવિ. જન્મ ૧૮૪૮માં. લીમડીના દેશી રાજ્યના વતની. અભ્યાસ અંગ્રેજી બે ધોરણ સુધીનો. ૧૯મી સદીના પ્રખર સમાજસુધારક અને અગ્રણી પત્રકાર કરસનદાસ મૂળજી ૧૮૬૭માં એડમિનિસ્ટે્રટર તરીકે લીમડી ગયા ત્યારે ભવાનીશંકર તેમના અનુયાયી બની રહ્યા. કરસનદાસના પ્રભાવ નીચે જ તેમણે સમાજસુધારા વિષે લખવા માંડ્યું. તેમણે ચાર સામયિક જુદે જુદે વખતે શરૂ કરીને ચલાવેલાં : ૧૮૮૨માં ‘ગુજરાત માસિકપત્ર’, ૧૮૮૩માં ‘ત્રિમાસિક ટીકાકાર’, ૧૮૮૮માં ‘કાઠિયાવાડી’, અને ૧૯૦૦માં ‘વિદ્યાવિનોદ’. આ ઉપરાંત તેઓ જુદાં જુદાં અખબારો અને સામયિકોમાં નિયમિત રીતે લખતા. તેમનું અવસાન ૧૯૨૧ના મે મહિનાની ત્રીજી તારીખે લીમડીમાં થયું હતું. કરસનદાસ મૂળજીના અવસાન પછી તેમને અંજલિ આપતાં કાવ્યોનો સંગ્રહ ‘કૃષ્ણવિરહ’ ૧૮૭૬માં પ્રગટ થયો. ૧૮૭૭માં પ્રગટ થયેલા ‘ભવાની કાવ્યસુધા’માં તેમનાં બધાં કાવ્યો સંગૃહીત થયાં છે. તેમણે ૧૯૧૨માં પ્રગટ કરેલ ‘ગુજરાતી જૂનાં ગીતો’ આપણાં લોકગીતોના સંપાદનનો એક શરૂઆતનો પ્રયાસ છે. તેમણે ‘સોરઠી સોમનાથ’, ‘મીઠાજળની માછલી’, ‘સરદારગઢનો સરદાર’, ‘મણીપુરનો મહારાજા’ જેવી નવલકથા લખી છે. અન્ય પુસ્તકોમાં ‘ગુજરાતી ગીતાવલી’, ‘કુંવારી કન્યા’, ‘પ્રધાન અનંતજી અમરચંદનું જીવન’, ‘બાવદીન વિજય’, ‘લાઇટ ઓફ સૌરાષ્ટ્ર’ વગેરેનો સમાવેશ થાય છે. વિધવાવિવાહનો પુરસ્કાર કરતી નવલકથા ‘કમળા કુમારી’ની પહેલી આવૃત્તિ ૧૮૮૧માં પ્રગટ થઈ હતી. ૧૯૦૯માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિની ૧૫ પાનાંની પ્રસ્તાવના રમણભાઈ નીલકંઠે અંગ્રેજીમાં લખી હતી. તેમાં તેઓ લખે છે : The author Mr. BhavanishankarNarasinhram of Limdi has rendered a service to the cause of social reform. He has depicted faithfully the condition of Hindu society and his story makes the necessity of reform self-evident. અલકાપુર નામના રજવાડાના દીવાન વિવેકસાગરને ઘરે મોટી વયે કમળા કુમારીનો જન્મ થયો છે. બાળક ખાતર પત્ની પદ્માવતીના બીજાં લગ્ન કરી લેવાના આગ્રહને તે વશ થયો નથી. પુત્ર અંગેની રૂઢ માન્યતાઓથી તે ઘણો દૂર છે. તેને મન દીકરા-દીકરી વચ્ચે ભેદ નથી. એટલે કમળા કુમારીનો ઉછેર તે ઘણા લાડકોડપૂર્વક કરે છે. એ જમાનામાં તેને ભણવા માટે સ્કૂલે પણ મોકલે છે. પણ પદ્માવતી જુનવાણી વિચારની છે. તે બને તેટલી જલદીથી દીકરીનાં લગ્ન કરવા માગે છે. છેવટે તેના હઠાગ્રહ આગળ વિવેકસાગરે નમતું જોખવું પડે છે. પાંચ વરસના એક સાવ માયકાંગલા છોકરા સાથે કમળા કુમારીનાં લગ્ન ખૂબ ધામધૂમથી થાય છે. લગ્ન પછી થોડા વખતમાં છોકરો માંદો પડે છે. વિવેકસાગર અને પદ્માવતીના આગ્રહને અવગણીને છોકરાનાં મા-બાપ વૈદ-ભૂવા પાસે સારવાર કરાવે છે. ભૂવો છોકરાને ડામ દે છે, અને બીજા નુસખા પણ અજમાવે છે. મા-બાપ મંદિરોમાં જાય છે, જોશીઓની સલાહ લે છે. પણ કોઈ કારી ફાવતી નથી અને છોકરો મૃત્યુ પામે છે. માત્ર નવ વરસની ઉંમરે વિધવા બનેલી કમળા કુમારીને નથી તો લગ્નજીવન એટલે શું એની ખબર, કે નથી તો વૈધવ્ય એટલે શું તેની ખબર. છતાં કેશ-વપન અને ચૂડા-કર્મની વિધિઓ તેણે મૂંગે મોઢે સહન કરી લેવી પડે છે. પણ દીકરી જેમ જેમ મોટી થાય છે તેમ તેમ તેના મનમાં સ્વાભાવિક આવેગો જાગતા જાય છે. અને પિતાની તેના ભવિષ્ય માટેની ચિંતા વધતી જાય છે. વિદ્યાવર્ધક સભા નામની સંસ્થામાં જુગલકિશોર નામના યુવકનું વિધવાવિવાહ પરનું ભાષણ સાંભળ્યા પછી વિવેકસાગરનું મન ચકરાવે ચડે છે. જુગલકિશોર પોતે વિધુર હતો અને બીજાં લગ્ન કરવાં તો કોઈ વિધવા સાથે જ કરવાં એવું તેણે નક્કી કર્યું હતું. ધીમેધીમે કમળા કુમારી અને જુગલકિશોર નજીક આવતાં જાય છે અને કમળા કુમારીનાં માતા-પિતા બંનેનાં લગ્ન માટે રાજી થાય છે. રાજપરિવારસહિત આખું રજવાડું એ લગ્નમાં જોડાય છે. આમ, લેખકે પોતાના જમાનાના સમાજમાં પ્રવર્તતાં રૂઢિ-નિષેધનું આલેખન કર્યું છે તો સાથોસાથ જડ બંધનોમાંથી છૂટવા માટેની દિશા પણ બતાવી છે. વિધવા-વિવાહનો પુરસ્કાર કરતી આપણી પહેલી નવલકથા મુંબઈ-અમદાવાદ જેવા કોઈ શહેરના લેખકે નહિ, પણ લીમડી જેવા એક નાનકડા દેશી રાજ્યમાં વસતા લેખકે લખી એ ઘટના નોંધપાત્ર ગણાય. જોકે ૧૯મી સદીના આપણા ગોવર્ધનરામ સહિતના ઘણા નવલકથાકારોએ દેશી રાજ્યોની ભૂમિને કથાના મુખ્ય સ્થળ તરીકે પસંદ કરી છે. આ કૃતિ પ્રગટ થયા પછી આપણાં અખબારો અને ‘ચોપાનિયાં’એ તેને સારો આવકાર આપ્યો હતો. ‘રાસ્ત ગોફતારે’ લખ્યું હતું : “મિ. ભવાનીશંકરે હિંદુ ઘરસંસારની સ્થિતિનું ચિત્રરૂપે પ્રગટ કરેલો ગ્રંથ પહેલેથી છેલ્લે સુધી લખનારના સુધરેલા વિચારો દેખાડે છે. તેમાં હિંદુઓમાં પેઠેલી નઠારી રીતભાતોથી થતાં માઠાં પરિણામો દાખલાદલીલોથી તથા છટાદાર ભાષા વાપરીને દેખાડી આપ્યાં છે.” તો ‘ગુજરાત શાળાપત્ર’ના અવલોકનમાં લખ્યું હતું : “આ એક કલ્પિત વાર્તા છે અને એનો હેતુ વિધવાવિવાહને ઉત્તેજન આપવાનો છે. હાલને સામે, દેશમાં શું થાય છે તેવું નહિ, પણ શું થવું જોઈએ તેનું આ ચિત્ર છે. અને એ રીતે જોતાં આ વાર્તા સારી છે.” તો લેખક પરના અંગત પત્રમાં કવીશ્વર દલપતરામે લખ્યું હતું : “તમારી ‘કમળા કુમારી’ની વાર્તાનું પુસ્તક મેં વાંચી જોયું છે. તમારું ગદ્યનું લખાણ ઘણું સારું છે. એક રસીલી વાર્તાના આકારમાં સુધારાનો બોધ અને વહેમનું ખંડન, તથા દેશી લોકોની ચાલચલગતનું ચિત્ર જેવું જોઈએ તેવું, ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે.” અલબત્ત, ‘કમળા કુમારી’માં જે પ્રશ્નો આલેખાયા છે તેમાંના મોટા ભાગના આજે રહ્યા નથી. વિધવાવિવાહ એ આજનો સળગતો પ્રશ્ન નથી. એટલે આજે તો આ નવલકથા ઐતિહાસિક મૂલ્ય ધરાવતી એક કૃતિ બની રહે છે.

દીપક મહેતા
સમીક્ષક, સંશોધક, સંપાદક, અનુવાદક.
૧૯મી સદીનું ગુજરાતી સાહિત્ય એમના રસનો વિષય.
કુલ ૫૫ પુસ્તક પ્રગટ થયાં.
જીવન ગૌરવ પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, ૨૦૧૪.
Email: deepakmehta@gmail.com
મુંબઈ