વાર્તાવિશેષ/૫. જયંતિ દલાલની વાર્તાઓ

From Ekatra Wiki
Revision as of 09:13, 25 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫. જયંતિ દલાલની વાર્તાઓ


૧. ‘અડખે પડખે’

ઠરેલા જ્વાળામુખીની શાંતિવાળો, મહોરા વિનાનો એક પ્રતાપી ચહેરો ગુજરાતી સાહિત્યમાં અને અમદાવાદમાં એક તો શ્રી જયંતિ દલાલનો છે. સજર્નમાં છતી થતી આ પુરુષના વ્યક્તિત્વની બુલંદ નિર્ભિકતાને યુવકો નવાજે છે. સહુને જે તુરત ન દેખાય તે, વસ્તુની બીજી બાજુને શ્રી જયંતિ દલાલ જાણે છે. એમના વ્યક્તિત્વમાં ને એમના સાહિત્યમાં અગ્રતા ભોગવતું લક્ષણ છે અનૌપચારિકતા. કર્મથી તો સાદ્યંત સમાજ બની ચૂકેલા આ માણસને પુસ્તકમાં કે પૃથ્વી પર મળતાં એ સાવ વ્યક્તિ લાગે છે. એક બીજો વિરોધાભાસ પણ જણાશે. બહુજન સમાજને ઉપયોગી થવા મથતા આ સમાજસેવકનું સાહિત્ય પ્રચલિત અર્થમાં ભાગ્યે જ લોકભોગ્ય કહી શકાય. પણ વાસ્તવમાં આ વિરોધાભાસ છે, વિરોધ નથી, કારણ કે સાહિત્યક્ષેત્રે લોકશાહીની પરિભાષા ભિન્ન અર્થ ધરાવે છે. શ્રી જયંતિ દલાલની વાર્તાઓમાં વ્યક્તિઓના મનનાં ઊંડાં ઊંડાણ તાગવાનો પ્રયત્ન સફળતા પામ્યો છે. મનઃસ્થિતિઓના અંકનમાં શ્રી જયંતિભાઈ ગુજરાતી વાર્તા પૂરતા અદ્વિતીય લાગ્યા છે. એમની વાર્તાઓમાં વ્યક્તિઓના પારસ્પરિક વ્યવહાર અને એ વ્યવહારમાં જાગતા માનસિક પ્રતિભાવોનું સૂક્ષ્મતાભર્યું અંકન હેરાન કરી મૂકે તેવું જોવા મળ્યું છે. એક માણસનું ચિત્ત અને તેનું વર્તન અન્ય માણસોના સંદર્ભમાં મુકાય છે કે સમાજ જન્મે છે. આ સમાજને શ્રી દલાલ જાણતા રહે છે. વ્યક્તિ અને સમાજ બંનેના યથાર્થને પામવાનો પ્રયત્ન જયંતિભાઈની વાર્તાઓમાં અનેક રૂપે જોવા મળે છે. ‘અડખે પડખે’ની વાર્તાઓના ભાવજગત અંગે પહેલી છાપ આ પડે. અનુભવનું બળ બીજી છાપ એ પડે કે આ સંગ્રહની વાર્તાઓ રચનાપ્રક્રિયાના રીતિનિયમોની દૃષ્ટિએ એકબીજીથી દૂર ઊભેલી છે. લેખકમાં બીબાંઢાળ વૃત્તિ ક્યાંય દેખાતી નથી. વાર્તાકાર માટે સહુથી અઘરું કંઈ હોય તો તે આ. સજર્નની એક-બે પ્રક્રિયાઓ હસ્તગત થઈ જાય પછી નક્કી થઈ ગયેલી પદ્ધતિઓના ચીલે કલમ યાત્રા કરતી રહે. અનેક લેખકોમાં આવું થતું જોઈને આશ્ચર્ય થયું નથી. આ લેખકને વાંચીને આશ્ચર્ય થાય છે કે દરેક વાર્તાને અલાયદી પ્રક્રિયા એ બક્ષી શકે છે. કારણ સ્પષ્ટ છે. અનુભૂતિને જયંતિભાઈ સ્વરૂપ આપીને સ્વતંત્ર રીતે વિસ્તરવા દે છે. વાર્તા સિદ્ધ કરવાના આટલા બધા પ્રયોગો એક સજર્કને હાથે થતા જોઈને એમ લાગે છે કે લેખનકાર્ય માટે એક જિંદગી પણ પૂરતી છે. આ સંગ્રહની વાર્તાઓમાં અનુભવનું બળ જાણે કે પ્રાણ પૂરે છે. જાહેરજીવનના અનુભવમાંથી જડેલી કેટલીક વાર્તાઓ નિર્દંશ કટાક્ષ કરે છે. ‘ન ભૂતો...’ વાર્તા આપણા રાજકીય સૌભાગ્ય પર સમીક્ષાત્મક વ્યંગ છે. આપણી સાથે જીવતા કેટલાક લોકો કહે છે કે જયંતિભાઈ રાજકારણમાં અડધા ખર્ચાયા છે તેથી એમનો પૂરતો લાભ સાહિત્યને મળ્યો નથી. બીજી રીતે કોઈ એમ પણ કહે કે ‘ન ભૂતો’ અને ‘દર્શન’ જેવી વાર્તાઓમાં જગાવેલી વ્યંગની તીવ્રતામાં એમનો વ્યક્તિગત અવાજ છે. એમ હોય તોપણ કંઈ વાંધો નહીં. પ્રશ્ન એટલો જ છે કે આપણને એ સાહિત્યની રીતે મળે છે કે નહીં? અત્યાર સુધી તો એમ જ લાગતું રહ્યું છે કે જે અનુભવ્યું નહીં હોય તેનું બળ પણ નહીં હોય. એનો અર્થ એવો નથી કે અનુભવ્યું હોય તેટલું જ અને તે જ રૂપે વ્યક્ત થાય. અનુભવ્યું હોય તે રૂપાંતરિત થઈને વ્યક્ત થાય. લેખકની સર્ગશક્તિ દ્વારા, ભાષા પાસેથી અપૂર્વ કામ લેવાની આવડત દ્વારા અનુભવેલું અભિનવ રૂપે વ્યક્ત થાય તે તો સાવ સ્પષ્ટ વાત છે. પણ મૂળ વિના વૃક્ષો ઉગાડનાર ‘સજર્કો’ને નવાજી શકાતા નથી. શ્રી જયંતિ દલાલને વાંચીને આ વિચાર ભારપૂર્વક કહી શકાય તેમ છે કે અનુભવનું બળ સજર્નમાં પ્રાણ પૂરે છે. ‘અડખે પડખે’નાં પાત્રો મોટે ભાગે હરતાંફરતાં છે. પણ આ બાબત અહીં એકવિધતા બનીને નડતી નથી. પાત્રોની બાહ્ય ગતિ સાથે મનની ગતિનો સીધો કે વક્ર મેળ વાર્તાકારને ખપ લાગ્યો છે. અહીં હૅપનિંગ તો છે કશુંક ગુજરતું તો લાગે છે જ પણ સ્થૂળતાથી ભરેલું ઘટનાતત્ત્વ જોવા નથી મળતું. સંકેતો, પ્રતીકો, ચેતના-પ્રવાહની પદ્ધતિનો વિનિયોગ કેટલીક વાર્તાઓમાં જોવા મળે છે. અહીં અઢાર છે, એમાંથી એક-બે રહી જાય તો એમ ન માનવું કે એમને અન્યાય થયો છે. જે છ વાર્તાઓની અપીલ સવિશેષ થઈ છે તે આ છે ‘અડખે પડખે’, ‘બે બંગડી’, ‘ટપુભાઈ રાતડિયા’, ‘જડ્યાં; પડ્યાં’, ‘ખપનો છોછ’ અને ‘ક્યાં જઈએ? કેમ જઈએ?’ બાકીની વાર્તાઓ વિશે પહેલાં વિચારીએ. ‘દર્શન’ નામની વાર્તામાં એક નેતા જેવા માણસનું રેખાચિત્ર યથાતથ ઊપસ્યું છે. આ લેખક રેખાચિત્રના ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરે તેવા નથી કારણ કે એમનામાં ટકાઉ મૌગ્ધ્ય નથી. છતાં એ આવી વાર્તા લખવાને બદલે રેખાચિત્ર લખે તો? કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ‘પંડ પૂરતું’ લેખમાં એમણે આત્મનેપદીમાંથી પરસ્મૈપદી થવાની જે વાત કરી છે તે અહીં સિદ્ધ થતી નથી. મૌગ્ધ્યનો અભાવ અને બૌદ્ધિકતાનો પ્રભાવ છતો થવા ઉપરાંત આવી વાર્તાઓમાં બીજું કશું ભાગ્યે જ સિદ્ધ થતું હોય છે. શતાબ્દીઓ પૂર્વેથી વ્યંગશક્તિને સર્ગશક્તિ ન માનવાનું વલણ ચાલ્યું આવે છે. અર્થાત્‌ વ્યંગને સજર્નાત્મક બનાવવો એ કપરું કામ છે. ‘પંખીની જાતમાં પોપટજી રૂડા’ નામની વાર્તામાં શુક્રવૃત્તિ માણસો અર્થ સુધી, શબ્દના હાર્દ સુધી પહોંચતા નથી અને સાંભળેલું બોલે છે, સૂઝેલું નહીં, તે કેવી મોટી કરુણતા છે એમ સૂચવાયું છે. પણ વાર્તાનો શુકમણિ તો જેના માટે માણસ તૈયાર ન થાય તેવો ઉત્તર આપે છે ‘જેનો અર્થ શીખવાનો મારો અધિકાર નથી એવો ઠાલો પાઠ બોલવામાં આનંદ નથી.’ માણસોને આવું કશું સમજવાની તક નથી મળતી અને એ તો બિચારા આખર તારીખ સુધી પારકું બોલ્યા કરે છે. પોપટના રૂપક દ્વારા વાર્તા સહજ રીતે કહેવાઈ છે. ‘કવિ અને રાજા’માં ઐતિહાસિક વાતાવરણનો અછડતો લાભ લઈને રાજા શુદ્ધોદન અને કવિ નાગરક દ્વારા ગૌતમના ગૃહત્યાગની પૂર્વભૂમિકા વિશે સુંદર સંવાદ રચાયો છે. ગૌતમને સર્વત્ર તૃપ્તિનો અનુભવ થાય તેવી રાજાની વ્યવસ્થા સામે કવિ કહે છે ‘આ બધું, મારા મહારાજા, કુમારશ્રીના મનમાં પરમકૃપાળુએ મૂકેલી અનુકંપાના કુમળા બીજને ઠારી દેવા? બાળી દેવા?... નમ્રપણે સાદર કરું છું, મહારાજ, કે વિલાસિતા, વેદનાને વિસારે પાડવા માટેની વિલાસિતા તો વૈરાગ્યની જનેતા બને છે.’ કવિ નાગરક કપિલવસ્તુ છોડી દે છે. વતન છોડતાં એ પત્નીને કહે છે ‘સુઘોષા, પેલો હિમાલય જોયો? એ કોઈ રાજા જેટલો અભિમાની નથી. એ કવિને આમ લખ એમ લખ નહીં કહે!’ વર્તમાનકાળને અહીં લેખક જૂના આધાર વડે સૂચવે છે. ‘પંખીની જાતમાં’ અને આ વાર્તા, બંને કથન-પ્રધાન છે છતાં વાતાવરણ અને પરિસ્થિતિ સિચ્યુએશન દ્વારા આરંભ અંત તરફ સહજ રીતે વહે છે. ‘જગતકાજી’માં કથયિતવ્ય મોહનભાઈનું પાત્ર બનીને આવે છે. માણસ બહાર જુએ છે. જે કંઈ દેખાય છે તે બધું એને નિરાશ કરે છે. એ બધું એને દોષપૂર્ણ લાગે છે. વાચકને મોહનભાઈના અંતજર્ગતનો લેખકે આ રીતે પરિચય કરાવ્યો છે. આ વાર્તામાં પાત્રના ભ્રમણનો વિશિષ્ટ ઉપયોગ જોવા મળે છે. ‘વરદી’ અને ‘માણસ એટલે માણસ’ એ બંને વાર્તાઓના અંતમાં ઊપસતી ચમત્કૃતિ સુધી વાર્તાઓ આસ્વાદ્ય રીતે પહોંચી છે. વાર્તાના અંતિમ શબ્દોમાં શીર્ષકનો અર્થ ઊઘડે છે. ‘વરદી’માં બાળમાનસની સક્રિયતા વૃદ્ધ માનસની નિષ્ક્રિયતાના સંદર્ભમાં જડતાનું રૂપ ગ્રહણ કરે છે. વૃદ્ધની સાંભળવાની ફરજ બાળકની સંભળાવવાની વૃત્તિને ફરજરૂપ બનાવી દે છે! પાત્રો વચ્ચેના આભાસી વિરોધના આલેખાયેલા સાહચર્યમાંથી લેખકનું કથયિતવ્ય જન્મે છે. ‘ક્યાં જઈએ? કેમ જઈએ?’ એ લઘુકથા છે. વિવશતાજન્ય વેદનામાં સંકળાયેલું જીવન અહીં તીવ્રતાથી અનુભવાય છે. તળાવ, કાંઠો, પંખી, મીન એ બધું કાવ્યાત્મક ગદ્ય દ્વારા દૃશ્યમાન બને છે. ‘ખપનો છોછ’ સ્વપ્નના પ્રતીક દ્વારા સમાજનું મન શું શોધે છે તે પ્રશ્નનો ઉત્તર આપતી વાર્તા છે. બધું ખતમ થવા બેઠું છે ત્યાં માણસોનો સમૂહ વેશ્યાને પહેલી બચાવી લે છે. સ્વપ્નને લેખકે વાર્તાની વાસ્તવિકતાના એક ભાગ તરીકે પ્રયોજ્યું છે. ‘જડ્યાં અને પડ્યાં’માં ચશ્માં ખોનાર અને જડવાથી પહેરનાર બે યુવાન થવા લાગેલા છોકરાઓની વયઃસંધિ વેળાની માનસિક પ્રક્રિયાનું અદ્‌ભુત આલેખન છે. એકને જરૂરી હતાં તે ચશ્માં ખોવાતાં બધું ભ્રાન્ત લાગે છે. બીજાને અનાવશ્યક ચશ્માં પહેરવાથી બધું ભ્રાન્ત અને ઉત્તેજક લાગે છે. બંને ચાલતા જાય છે અને નવા રૂપે પ્રત્યક્ષ થઈ રહેલી સૃષ્ટિને અનુભવતા જાય છે. ભ્રાન્ત દૃષ્ટિને સ્પર્શતાં દૃશ્યો સૂક્ષ્મતાથી લેખક પકડી શક્યા છે. બંને જણા ચાલતા જાય છે અને અડખે પડખે દૂર-નજીકનું જોતા જાય છે. આ બંને જણા પોતાના જેવા અનેકોના પ્રતિનિધિ તરીકે ભાવકની નજીક આવે છે. સુંદર વાર્તા છે. સંગ્રહમાં પહેલી મુકાયેલી ‘અડખે પડખે’ નામની વાર્તા વર્તમાન સમાજની સમીક્ષા કરે છે. બીજાઓનું જોઈને માણસ શીખે છે, ચોરી પણ. આપણે જીવીએ છીએ ત્યારે આપણી અડખે પડખે જીવનારાંઓમાં કયા પ્રતિભાવ જન્મશે તેની સાચી કાળજી આપણે ભાગ્યે જ લેતા હોઈએ છીએ. લેખકે આ વાર્તા સામે ઘેરથી શરૂ કરી છે. શ્રી રસેલ કહે છે તેમ બાળકોને અસત્ય બોલવાની ખબર અથવા સમજ હોતી નથી. પણ એ વડીલોનું અનુકરણ કરતાં કરતાં અસત્યને શીખે છે. રામાવતાર એક નાની ચોરી કરે છે અને પોતાની પત્નીને અને બાળકીને સિનેમા જોવા લઈ જાય છે. ઘેર પાછા આવ્યા પછી પત્નીને રામાવતારની નવી કમાણીનું રહસ્ય સમજાય છે. પણ વાર્તા સુખાન્ત છે. કારણ કે રામાવતારના ઉપરી અધિકારીઓ કરે છે તેથી અલગ પ્રકારનું કશું કામ એણે કર્યું નથી. વાર્તા શરૂઆતથી જ ચોતરફના સંદર્ભોમાં ગૂંથાતી આવી છે અને એ બધા સંદર્ભો ચોતરફ વિસ્તરેલી જીવનલીલા રામાવતારના સાહસને ન્યાયી ઠેરવે છે. નાગરિક જીવનનું ઝીણવટભર્યું વર્ણન લેખકની સ્વસ્થ નિરીક્ષણશક્તિને છતી કરે છે. વાર્તાનો ઉપાડ અને તેની ઠંડી ગતિ, ભદ્રલોક અને કહેવાતા નીચલા વર્ગની આંતરબાહ્ય સ્થિતિ, રસ્તાઓ, હોટલો, થિયેટરો એ બધામાં પ્રવર્તતી જિંદગીનું અહીં અનન્ય મિલન થયું છે. ‘ટપુભાઈ રાતડિયા’ સામાન્ય માણસો કરતાં જુદા પડતા સામાન્ય માણસ છે. એમને સાંભળેલું યાદ રહે છે, તેથી છાપાંવાળા ભાષણો સાંભળવાનો શ્રમ ટાળીને ફક્ત એમને સાંભળી જાય છે. પણ બધાં છાપાંમાં એકસરખું એટલે સાચું છપાય તો પછી દરેક છાપાની આગવી શક્તિ ક્યાંથી દેખાય? છાપાંવાળા ટપુભાઈને જુદું જુદું લખાવવા પ્રેરે છે પણ એ પ્રેરાતા નથી. હા, વિચાર આવે છે કે ભાષણ કરનારાઓ બોલે છે તેમાં સાચું કેટલું અને ખોટું કેટલું? આ જાગૃતિ આવ્યા પછી ભાષણો સાંભળતાં સાંભળતાં એમના કાન રાતા થવા લાગ્યા. મનમાં ઊથલપાથલ થવા લાગી. એ ખોડંગાવા લાગ્યા. જાગ્રત થવાનું માણસે (સાર્ત્ર કહે છે તેમ) કેવું મોટું મૂલ્ય ચૂકવવું પડે છે! માનવવ્યવહાર કેટલી હદે આત્મવંચનાની ભૂમિકા પર નભે છે અને એમાં સાચો માણસ કેવો વિવશ લાગે છે! વાર્તામાં છેક સુધી અગંભીરતા જાળવીને આપણને હસતા રાખીને અંતે આવતા કરુણ વળાંકમાં લેખકે કેવા વીંટી લીધા છે! ‘બે બંગડી’માં આર્થિક ભીંસમાં જીવતો માણસ મગનલાલ મળે છે. દીકરી બીમાર છે. ઘરમાં હતી તે બે બંગડી મૂકીને ઉછીના પૈસે દવા લેવા નીકળે છે. રસ્તામાં એક બાળકી એની સામે જ અકસ્માતનો ભોગ બનત પણ મગનલાલ એ ઘટનામાં અંતરાય બન્યા. બાળકી અકસ્માતમાંથી બચી જે એની જનેતાને જાણે કે ન ગમ્યું. વગર બીમારીએ મરી શકે તેવી આ બાળકી વિશે વિચારતાં મગનલાલનું મન પોતાની દીકરીના સંદર્ભ સાથે કળવિકળ થયા કરે છે. મગનલાલનું સંવેદન કરુણા અને વિવશતાનાં બે બળ વચ્ચે ઝોલાં ખાય છે. આ ઘટના પેલા દુકાનદારની કાળમીંઢ ક્રૂરતાના પ્રશ્ન પછી સ્મરણરૂપે મગનલાલ અનુભવે છે. સંવેદનશીલ હોવું તે કેવી મોટી સજા છે! પણ માણસાઈ માટે તો આ એકમાત્ર મુક્તિમાર્ગ છે. આ વાર્તાનું નાજુક બળ ભાવકના મર્મને સ્પર્શે છે. દુર્નિવાર વેદના અને અસીમ વિવશતા વચ્ચે ગૂંગળાઈ જવાય તે સ્થિતિમાં પણ માણસને જીવતો રજૂ કરીને શ્રી જયંતિ દલાલ ‘શ્રદ્ધેય સજર્ક’નું સન્માન પામ્યા છે. ‘પંડ પૂરતું’ લેખ વાર્તાની સૈદ્ધાંતિક સમીક્ષામાં મૂલ્યવાન ઉમેરો છે. શ્રી જયંતિ દલાલ આ લેખમાં શું કહેવા માગે છે તે એમની જ ભાષામાં, વચ્ચે પડ્યા વિના, ઉભયાન્વયી અવ્યયની જેમ વર્તીને સંક્ષેપમાં કહેવાનો પ્રયત્ન કરું : (૧) દરેક વાર્તાનું પોતાનું નિરપેક્ષ અસ્તિત્વ છે. વાર્તાકારને પણ પોતાનું અસ્તિત્વ છે, વ્યક્તિત્વ છે. વાર્તા સ્વયંભૂ છે અને નથી. વાર્તાકાર એક જ ક્ષણે સજર્ક છે અને સાથે પોતાને લોપીને, વાર્તાને બહાર આવવામાં મદદ કરનારો સહાયક છે. અનુભવનો સંસ્પર્શ વાર્તાકારનું સંવિત બની જાય છે. પછી વાર્તા બનેલો વાર્તાકાર વાર્તા માટે સ્થાનીય, વિશિષ્ટતાભર્યું, વૈયક્તિક સ્થાન શોધે છે. ભાર તો વાર્તાનો પણ એને ભ્રમણકક્ષામાં મૂકવા આવશ્યક ધક્કો તે વાર્તાકારનો. સ્વરૂપ જાળવીને રૂપાંતર કરવાની આ કામગીરી છે. વાર્તા વાર્તાકારને આપે છે કશો અનુભવ. આપવું એટલે અનુભવનો એક તેજતણખો બીજાના ચિત્તમાં લીન કરી દેવો તે. વાર્તાકારે વાર્તામાં મૂકેલા સ્વત્વના અંશ અને પેલા તેજતણખાનું અપૂર્વ સંમિલન થતાં એમાંથી નીપજેલા પદાર્થમાં કોઈને થોડું તદેવ, થોડું આપોપું દેખાય. અનુભૂતિ પર કલ્પન રચાય છે. અનુભૂતિ વાર્તામાં વિસ્તરે છે. આ ક્ષણે પાયા પર કરેલી માંડણીનું સ્થાપત્ય કેવું કરવું એ પ્રશ્ન જ આપણી સમક્ષ રહે છે. વાર્તાકારે ચેતનકણને પિંડ અને પુદ્‌ગલ આપવાનું સાહસ કરવાનું નક્કી કર્યું ત્યારે જ, એણે પોતાના સિવાયના, વાચક અને ભાવકની કલ્પના જ નહીં, પણ અપેક્ષા પણ રાખવાની શરૂઆત કરી. (૨) પાત્ર અને પ્રસંગ બંનેની પુષ્ટિ અને નિરૂપણ વાર્તાને સહ્ય બનાવવાના જ હેતુથી થવાં જોઈએ. અહીં વાર્તાને બીજા બધાથી અલગ તારવવાની છે. પણ અલગ પાડતાં ઉત્કટતા આવી ગઈ એમ માનવાનું કશું જ કારણ નથી. પાત્ર અને પ્રસંગની પહેલી અલગ તારવણી, અને પછી એમાં ઉત્કટતા મૂકવી તે તે વાર્તાને સહ્ય બનાવવા માટેની અત્યંત આવશ્યક વસ્તુ છે. વ્યક્તિને વૈશ્વિક વ્યક્તિત્વ આપ્યા વિના પેલો ઓળખ્યાનો આનંદ નથી મળતો. અને વૈશ્વિક વ્યક્તિત્વ આપવું એટલે જ એક તો પોતાનો અંશ ગોપવવો અને વાંચનારને આ દર્પણમાં પોતાનો કોક અંશ જણાઈ આવે તે જોવું. એલિયટે કહ્યું છે તેમ એક જ ક્ષણે અરીસાની બંને બાજુએ ઊભા રહી અરીસામાં મુખદર્શનની મઝા લૂંટવાની આ વાત છે. (૩) વાર્તા તર્કબદ્ધ હોવી જોઈએ એટલે પ્રતીતિજનક હોવી જોઈએ. વાર્તા જે અંતે પહોંચી તે સિવાયના કોઈ નતીજે પહોંચી જ ન શકે. એ જ એકમેવ અંત, પરિણામ અને પરિમાણ. હા, વાર્તાકાર થોડાં ખોટાં પગેરાં, ખોટા સગડ જરૂર મૂકે. પણ એમાં એ વાચકને ફસાવા ન દે. આ પરત્વે વાર્તાકાર પાસે આવી અપેક્ષા છે : ‘જે બીજમાંથી મને આ સૂઝ્યું, તે બીજના વાજબીપણા વિશે તમારો જે પણ મત હોય તે તમને મુબારક. મારે એ સાથે કશો ઝઘડો નથી. મારો તો આટલો જ દાવો છે કે આ વસ્તુને બીજરૂપે સ્વીકારો તો ઇબારત નખશિખ મેં કથી છે તેવી જ થશે. એમાં કશો ફરક નહીં પડે : કારણ કે એ સિવાયનો બીજો કોઈ વિકલ્પ છે જ નહીં.’ (૪) વાર્તામાં શું બને છે? મેઈક હૅપન થાય છે, બનાવાય છે. જેવું હોય તેવું કહેવું : એ કેવું હોઈ શકે એ કલ્પવું, અનુભવને ઘાટ આપીને એને અર્થસભર બનાવવો, આત્મનેપદી ક્રિયાને પરસ્મૈપદી અને સાથે સાથે ઉભયપદી બનાવવી. સામાન્ય કર્મને આ ઉભયપદી બનાવવાનો ઉદ્યમ જ યોગ બની શકે છે. આ વાર્તાની સિદ્ધિ છે. ઘાટ આપવો એટલે એક પડખે અમૂર્તને મૂર્ત કરવું, બીજે પડખે આત્મલક્ષીને પરલક્ષી બનાવવું અને સર્વલક્ષી પણ. વાર્તામાં અર્થઘટન સિવાયનો માત્ર અનુભવ, એ કાચો પારો ખાધા જેવું છે. (૫) ચેતનાપ્રવાહ એ એક નવું પરિમાણ છે. એ વાર્તાની દેખીતી ક્ષેત્રમર્યાદાને હેમખેમ જાળવીને, સૂઝ-સમજ અને પ્રતીતિને દૃઢ કરે એવું છે. એ વાર્તાને એક નવું ઊંડાણ અર્પે છે. પણ એમાં વાર્તાના માર્ગમાં અંતરાયો ઊભા ન કરવાની અનર્ગળ શક્તિ ભરી છે. પણ એની પહેલી મર્યાદા એ વાર્તાની પરિમિતતાને મુકાબલે આ ચેતનાપ્રવાહની અપરિમિતતાની છે. બીજી મર્યાદા એ આ ચેતનાપ્રવાહના ભારે ડહોળામણની છે. ત્રીજી મર્યાદા એ આ ચેતનાપ્રવાહના વહેણના વેગ વિશે કશો પાર પામી શકાતો નથી એની છે. ચોથી મર્યાદા એ જે સાવ નિરંકુશ અને અત્યંત સ્વચ્છંદી છે તેની પાસેથી સાવ તાર્કિક, સરળ અને અપેક્ષામર્યાદિત કામગીરી લેવાની છે. (૬) વાર્તાનો વિષય અને વસ્તુ તથા તે બનવાનો કાળ, આજની ઘડીથી અળગાં, દૂરનાં હોઈ શકે. પણ લખાવટ તો યત્ન છતાં પણ સાંપ્રત જ રહેવાની. જેટલે અંશે મૂળ વસ્તુ મનમાં જડાઈ, ઘૂંટાઈ હશે એટલે અંશે પ્રતીક પણ સાહજિક અને સ્વયંભૂ હશે. અને લીલી વનરાજીમાં ગમે તેવા રંગનું પંખી જેટલી સરળતાથી ગોઠવાઈ જાય છે, પંખી ઝાડ બને અને ઝાડ પંખી બને છે, એટલી મીઠાશથી આ પ્રતીક મૂળ વસ્તુની વ્યક્તિતાને ઉપસાવતું બની જાય છે. (૭) એક ‘હું’ની અનુભૂતિને બીજા ‘હું’ની અનુભૂતિ બનાવવા માટે ક્યારેક સાવ નવી પરિસ્થિતિ કલ્પવી પડે છે, તો ક્યારેક ચહેરામોરા મુજબ પ્રકાશયોજના બદલવી પડે છે. ક્યારેક તો પેલી સાવ વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ જઈએ છીએ : કોઈ મકાનમાં રહેતા જઈએ અને બાંધતા જઈએ એવી પરિસ્થિતિ! દેખીતો કે ગુપ્ત તો વાર્તાકારના ચિત્તમાં જે ક્ષોભ જન્મ્યો તે વાચકના ચિત્ત લગી પહોંચાડવાનો જ સવાલ છે. (૮) નવી વાર્તા એટલે સામાન્ય અને અસામાન્ય એવા માનવી વચ્ચેના ભેદ પાડતી રેખાનો સાવ લોપ કરીને માનવી તરફ જ મીટ માંડતી વાર્તા, માનવીમાત્રને થતા સંવેદનને પોતાના પાલવમાં સમાવતી વાર્તા. નવી વાર્તા એટલે સંઘર્ષ અને સંવેદનના મૃદુ છતાંય મર્મવેધી આઘાતને યથાતથ ઝીલતી ક્ષણને કોટિ સૂર્યના પ્રકાશથી ભરી દેતી વાર્તા. નવી વાર્તામાં વિશેષ સૂઝ અને વિશેષ રસ તેમજ ઊંડાણની ખોજ તથા સપાટિયા આલેખન પ્રત્યેના વધતા જતા અભાવથી સૂક્ષ્મતા અને ઋજુતા આવ્યાં છે. (૯) અનુભૂતિ આવી તે પહેલાંની ક્ષણ અને અનુભૂતિ થયા બાદની ક્ષણને સાચવનારું આ સ્વરૂપ છે. બનાવ કરતાં એને બનવા સાથે વિશેષ લેવાદેવા છે અને એટલે જ એને સ્ફોટ સાથે ઓછી નિસ્બત છે. જો આ વિધાન સાચું હોય તો વાર્તાને ઍબ્સર્ડ બનવાનો વારો આવે તેવું નથી. (૧૦) માનવીને નામે ઓળખાતી રકમથી કદાચ નાટક અને નવલકથા પહેલાં વાર્તા ચેતી હતી. પણ વાર્તાનો અખિલ માણસને જોવાનો દાવો નથી. એની રીત તો અંશને યોગ્ય સ્વરૂપે રજૂ કરવાની, જોવા, પેખવાની છે. અંશના વજૂદનો સ્વીકાર કરાવવાની જ એકમાત્ર નેમ વાર્તા રાખે છે. ૪૦ પાનાના નિબંધમાંથી અહીં થોડા મુદ્દા તારવવાનો પ્રયત્ન કર્યો. એટલા માટે કે આ લખાણ સમૃદ્ધ લાગ્યું. આ સમૃદ્ધિ આયાત કરેલી ન લાગી. અનુભવજન્ય લાગી. જે લોકો વધારે સારું વાંચવાની આકાંક્ષામાં ગુજરાતી વાંચી શકતા ન હોય તેમને પણ ‘અડખે પડખે’ની વાર્તાઓ વાંચવા સૂચવી શકાય ‘જડ્યાં, પડ્યાં’, ‘ટપુભાઈ રાતડિયા’ અને ‘બે બંગડી’.

૧૯૬૫

૨. ‘યુધિષ્ઠિર?’

અહીં વાર્તારીતિનું, વાર્તાઓના સ્તરનું પણ વૈવિધ્ય છે. વૈવિધ્ય ન હોય તો કથયિતવ્યનું; બલ્કે કહો કે અનુભવનું વાર્તા વાંચતાં જાગતી આનંદની અવસ્થામાં સાંપડતા અનુભવનું. વળી, ‘આનંદની અવસ્થા’ આ વાર્તાઓ વાંચતાં ભાવકના સંવેદનમાં જાગશે જ એમ પણ ભાવક માટે શ્રદ્ધા રાખીને જ કહેવું પડે. આ વાર્તાસંગ્રહમાં જોયું કે આ સમર્થ લેખક જેવા પ્રાસાદિક બનવા જાય છે કે તરત અસાહિત્યિક બની જાય છે. કટાક્ષથી વાસ્તવિકતા ઉપસાવવા જાય છે, (કટાક્ષનું સુધારક- મૂલ્ય છે જ) ત્યાં પણ વાર્તા-સૂત્ર તુક્કાઓથી સંધાયેલું લાગે છે. આ કારણે ૫, ૬, ૭, ૮ નંબરની વાર્તાઓ વાર્તા તરીકે સ્પર્શતી નથી. આ સમયમાં જીવતા સમૂહ વિશે લખીને જયંતિભાઈએ એકેય સ્પર્શક્ષમ વાર્તા આપી નથી. પણ મન વિશે કહેતાં એમને બરોબર ફાવે છે. એમાં સજર્કતા સ્વાભાવિક વિનિયોગ પામતી વરતાય છે. સમૂહની કે સમૂહના પ્રતિનિધિની વાત કરવા માટે પણ જ્યાં એ મનનો આધાર લઈ શક્યા છે ત્યાં વાર્તા બચી જાય છે. ‘યુધિષ્ઠિર?’ નામની વાર્તા વ્યક્તિ નિમિત્તે આજ સુધી આવી પહોંચેલા માણસ વિશે એક વ્યાપક તારણ કાઢવાનો પ્રયત્ન લાગે છે. એક બોલતા પદાર્થ ટ્રાન્ઝિસ્ટરનો લેખકે આધાર લીધો છે, શરદના મૌનને ઉપસાવવા. શરદને એ ટ્રાન્ઝિસ્ટર એક ખૂની તરફથી મળેલો છે, મૌન પાળવા માટે. મૌનમાં શરદ અકળાયા કરે છે. પત્ની છેવટે જાણે છે. શરદની સ્થિતિ જોઈને પત્ની (રમિલા) કહે છે ‘ધર્મરાજા પોતે કશો ગુનો કર્યો છે એમ ક્યારેય માનતા નથી, માનવાનો દેખાવ કરે છે.’ અંતે ટ્રાન્ઝિસ્ટરને ઘેર મૂકીને એ બંને ફરવા જાય છે. જાણે કે એસ્કેપ પલાયન એ જ ઉકેલ ન હોય? પોતાની જાતને સંડોવવાની હિંમત ન ધરાવતા અને નાના અમથા સ્વાર્થમાં પોતાને છુપાવી રાખતા માણસનું અહીં આમ ચિત્ર મળે છે. માણસ કર્તા નથી બની શકતો, સાચો સાક્ષી પણ નથી બની શકતો. સાક્ષી બનવામાં રહેલા કર્તૃત્વના અંશને પણ એ પામી શકતો નથી. એનામાં કંઈક ઓછું પડે છે. માણસમાં કંઈ ને કંઈ ઓછું પડે છે એ આ વાર્તાસંગ્રહનું ધ્રુવપદ છે. આ ધ્રુવપદમાં રૂઢ રીતે સમાઈ ન જતી બીજી ચારેક વાર્તાઓ જોઈએ. ‘પડઘો’ પાડવાની પહાડને કામગીરી મળી તે પહેલાંની વાત લેખકે હૃદ્ય રીતે કરી છે. શિષ્ટ પદાવલી પ્રયોજી છે અને કેટલાંય વાક્યો કાવ્યાત્મક બનવા જાય છે. પડઘો પાડ્યા કરતા પહાડને પછી ખબર પડે છે કે જેનો પોતે પડઘો પાડે છે એ અવાજ માત્ર આનંદની જ અભિવ્યક્તિ નથી. ઓછામાં પૂરું એ બધું જ પારકું છે. અને હવે પડઘો આપોઆપ પડે છે. બધું યાંત્રિક બની ગયું છે. પોતાપણું અને પોતાનો અવાજ બેઉ ખોયાં છે. આમાંથી ઉગારો શો? પડઘાને ટોળટપ્પો અને ઠઠ્ઠો બનાવી દેવો એ? હા, એ. માનવી પહાડ પાસેથી એ શીખી લે છે અને આભાર માને છે. કાળમીંઢ પહાડ એનોય પડઘો પાડે છે! આ વાર્તા (‘પડઘો’) નવ ખંડમાં વહેંચી છે અને સમયના આરંભથી આરંભીને આજ સુધી લેખકે એને વિસ્તારી છે. ઘટના નથી, પાત્ર નથી. યુગોમાં સ્પષ્ટ વહેંચી ન શકાતો સમય છે અને પહાડ છે. પહાડને કેન્દ્રમાં રાખીને માનવજાતને પરોક્ષે રાખી છે. પડઘો સંભળાયા કરે છે. શ્રી દલાલ પહેલાં પણ લલિત નિબંધની નજીક પહોંચતી છતાં વાર્તા જેવી લાગતી કૃતિઓ આપી ચૂક્યા છે. ‘ખંડ, ખૂણો ને ખાંચો’ વાર્તાનો આરંભ માતબર છે. ત્રણ નજરે એક ઘટનાને જોવાતી અને કહેવાતી નિરૂપી છે. એકના ગજવામાંથી પર્સ પડે છે, પાછળ આવતો એ લઈને પેલાને આપવા જાય છે. પેલો લેતો નથી. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એમને લઈ જાય છે. આ ત્રણથી દૂર રહેનારે પણ આ બધું જોયું છે. અંતે વાર્તા પેલા પરોપકારીના પસ્તાવા સાથે પૂરી થાય છે. પેલાં ત્રણની ફરજ બજાવવા એક જ વાક્ય પૂરતું છે ‘હું જોતો નથી, હું બોલતો નથી, હું સાંભળતો નથી.’ લેખક ધડો લેવાનું કહેવડાવે છે, સૂચવતા નથી. એક સારી શરૂઆતવાળી વાર્તાને અંત જ નથી. ‘મોહિત’માં પોતાની કેફિયત આપ્યા કરતા પતિના મનની ગૂંચો એક પ્રવાહમાં વહે છે. એ પોતાના પક્ષે બોલ્યા કરે છે. દિયર પાછો આવતાં ભાભીનું વહાલ ઊભરાય છે, પતિનું મન ભાષામાં અપ્રગટ રહેલું તે અહીં અંતે ‘અસ્થિર મન’ જેવા શબ્દોમાં ખૂલે છે. ‘હું, સ્પીડ સાહસ’માં માનસિક વર્તનની વિચિત્રતા વર્ણવાઈ છે. વાઘને એક કુહાડાથી મારી નાખનારને કારમાં બેસાડતાં ઊલટી આવે છે. પ્રશંસક એને ઉતારી મૂકે છે, અધવચ્ચે. મુદ્દો અસરકારક છે. વાર્તા છે એટલી લાંબી હોઈ ન શકે. સંગ્રહમાંની વાર્તાઓમાં મનનો કબજો લે એવી વાર્તા છે ‘જીવનો ફેર’. અનલ અને શુભા એક નિજર્ન નદીકાંઠે ફરવા જાય છે. એ એમનો ‘સ્પોટ’ છે. જુએ છે ઓછાં પાંદડાંવાળા ઝાડની ડાળે શબ લટકે છે. ચીસ પાડી ઊઠેલી શુભા ખસી જવા માગે છે. અનલ ખસી શકતો નથી. ઠૂંઠવાઈને મરી ગયેલા એક ભીખારીને એ બાળપણમાં જોઈ ન શકેલો. એના પિતાએ એને રોકેલો. આજે એ જોયા જ કરે છે. આમ તો જીવનો જ ફેર છે. પેલું શબ હતું, આ પણ શબ છે. અનલને પ્રશ્ન થયો છે ‘માણસ પાસે કલ્પી ન શકાય એવું કરાવે છે એ શું છે?’ નિજર્ન નદીકાંઠાનું, લટકતા શબનું, ખસી જવા માગતું ભયવિહ્‌વળ શુભાનું અને અટકી ગયેલા અનલનું ચિત્ર એક બને છે. રંગની જરૂર ન હતી, માત્ર રેખાચિત્ર જ દોર્યું છે. પણ એમાં ગતિ છે, સંકુલતા છે. વાંચતાં વાંચતાં તંગદિલી વધે છે. વાર્તામાં વિક્ષિપ્ત કરવાની શક્તિ છે અને એ જ એનું સૌંદર્ય છે, વાર્તા તરીકેનું ગજું છે. વાર્તા વાંચ્યા પછી પણ ભય અને જિજ્ઞાસા વચ્ચે જાગતા ભાવ-પ્રતિભાવ અને દરમિયાન લટકતું એક શબ.

૧૯૬૮