નવલકથાપરિચયકોશ/એકલવ્ય

From Ekatra Wiki
Revision as of 15:37, 29 December 2023 by Meghdhanu (talk | contribs) (Added Book Cover)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫૪

‘એકલવ્ય’ : રઘુવીર ચૌધરી

Eklavya.jpg

‘એકલવ્ય’, પ્રથમ આવૃત્તિ : ૧૯૬૭, પુનર્મુદ્રણ : ૨૦૦૭, પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. પ્રસ્તાવના : નવલકથા સર્જકનો પરિચય : રઘુવીર ચૌધરીનો જન્મ ૫ ડિસેમ્બર ૧૯૩૮ (માગશર સુદ તેરસ)ના રોજ બાપુપુરા, તા. માણસા જિ. ગાંધીનગરમાં થયો હતો. રઘુવીર ચૌધરીનાં માતાનું નામ જીતીબહેન અને પિતાનું નામ દલસિંહ હતું. તેમના પિતાજી ભજનમંડળીના પ્રમુખ હતા. દલસિંહ ભગત પાસે ઇતિહાસ અને પુરાણનો મૌખિક વારસો સચવાયેલો. તેમના ઘરે ઘણી વાર સ્વામિનારાયણ સંતો ખાસ આશીર્વાદ આપવા આવતા. આ બધાનો લાભ રઘુવીર ચૌધરીને બાળપણમાં મળતો રહ્યો હતો. ભજન-મંડળીમાં મળેલી લય અને તાલની તાલીમને લીધે રઘુવીર ચૌધરીએ દસેક વર્ષની ઉંમરે લેખનની શરૂઆત કરેલી. રઘુવીર ચૌધરીનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં થયું હતું. માધ્યમિક શાળામાં તેમને ભોળાભાઈ પટેલ જેવા વિદ્યાર્થીવત્સલ અને વિદ્યાપ્રેમી શિક્ષક મળ્યા હતા. ઈ. સ. ૧૯૫૨માં રઘુવીર ચૌધરીએ વર્નાક્યુલરની ફાઈનલ પરીક્ષા માણસા કેન્દ્રમાં પ્રથમ ક્રમે પાસ કરી હતી. ઈ. સ. ૧૯૫૬માં તેઓ મેટ્રિકની પરીક્ષામાં કેન્દ્રમાં પ્રથમ આવ્યા હતા. મેટ્રિક થયા પહેલાં સંસ્કૃતભૂષણ, ડ્રોઈંગ, ઇન્ટરમીડિએટ અને રાષ્ટ્રભાષા હિન્દીની પાંચેક પરીક્ષાઓમાં પણ ઉત્તીર્ણ થયા હતા. ઈ. સ. ૧૯૬૦માં મુખ્ય વિષય હિન્દી સાથે ગૌણ વિષય સંસ્કૃત રાખી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થનાર પહેલા વિદ્યાર્થી બન્યા. ઈ. સ. ૧૯૬૨માં એ જ વિષયો સાથે અનુસ્નાતકની પરીક્ષા પાસ કરી હતી. પહેલાં તો રઘુવીર ચૌધરીને ‘અજ્ઞેય’ પર કામ કરવાની ઇચ્છા હતી, પરંતુ એ વિષય ભોળાભાઈએ રાખ્યો પછી ભાષાવિજ્ઞાનમાં સંશોધન કાર્ય કરવાનું વિચાર્યું. ઈ. સ. ૧૯૭૯માં ‘હિન્દી ઔર ગુજરાતી ક્રિયાવાચક ધાતુઓ કા તુલનાત્મક અધ્યયન’ એ વિષય પર તેઓએ સંશોધનનું કાર્ય કર્યું હતું. રઘુવીર ચૌધરીએ ઈ. સ. ૧૯૬૨થી ઈ. સ. ૧૯૬૬ ગૂજરાત વિદ્યાપીઠ, ઈ. સ. ૧૯૬૬થી ઈ. સ. ૧૯૬૭ સરસપુર કૉલેજ, ઈ. સ. ૧૯૬૭થી ઈ. સ. ૧૯૭૦ બી. ડી. આટ્‌ર્સ કૉલેજ, ઈ. સ. ૧૯૭૦થી ઈ. સ. ૧૯૭૭ એચ. કે. આટ્‌ર્સ કૉલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. ઈ. સ. ૧૯૭૭માં ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દી વિષયના વ્યાખ્યાતા તરીકે જોડાયા. ઈ. સ. ૧૯૭૯થી હિન્દી વિષયમાં પીએચ.ડી.ના માર્ગદર્શક બન્યા. તેમના માર્ગદર્શનમાં બારેક વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા હતા. તેમાં પત્રકારત્વ સાથે ઘણાં વિદ્યાર્થીઓએ પોતાનું સંશોધન કાર્ય કર્યું. ઈ. સ. ૧૯૮૫માં રીડર થયા. ઈ. સ. ૧૯૯૫માં હિન્દીભવનના અધ્યક્ષ બન્યા. તેમના સાથી અધ્યાપકોમાં તેમના એક સમયના ગુરુ ભોળાભાઈ પટેલ અને મહાવીરસિંહ ચૌહાણ પણ હતા. ઈ. સ. ૧૯૯૮માં રઘુવીર ચૌધરી ગુજરાત યુનિવર્સિટીના હિન્દી ભવનમાંથી નિવૃત્ત થયા હતા. રઘુવીર ચૌધરીએ ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં પોતાની કલમ ચલાવી છે. હિન્દીની તુલનાએ તેમણે ગુજરાતી સાહિત્યમાં માતબર સર્જન કર્યું છે. તેમના સાહિત્ય સર્જનની શરૂઆત દસેક વર્ષની ઉંમરે કવિતાથી થઈ હતી. તે કવિતા ‘કુમાર’ સામયિકમાં સૌ પ્રથમ છપાઈ હતી. પછી ધીમે ધીમે વિવિધ સાહિત્ય સ્વરૂપમાં તેઓની કલમ ચાલતી રહી છે. રઘુવીર ચૌધરીને સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં પ્રદાન માટે સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે. ઈ. સ. ૧૯૬૫માં ‘કુમારચંદ્રક’, ઈ. સ. ૧૯૭૫માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, ‘ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતરવાસ’ કથાત્રયી માટે ઈ. સ. ૧૯૭૭માં ‘સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર’, ઈ. સ. ૧૯૮૮માં ઉત્તર પ્રદેશની સરકાર તરફથી ‘સૌહાર્દ સન્માન’, ઈ. સ. ૧૯૯૪માં નવલકથા લેખન માટે એક લાખ રૂપિયાનો ‘દર્શક એવોર્ડ’, ઈ. સ. ૨૦૦૧માં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી ‘ગૌરવ પુરસ્કાર’, ‘ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક’ જેવા પુરસ્કારોથી રઘુવીર ચૌધરી સન્માનિત થયેલ છે. આ ઉપરાંત ઈ. સ. ૨૦૧૫માં સમગ્ર સાહિત્યસર્જન માટે ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ પણ રઘુવીર ચૌધરીને પ્રાપ્ત થયો છે. નવલકથા : પૂર્વરાગ’ (૧૯૬૪), ‘અમૃતા’ (૧૯૬૫), ‘આવરણ’ (૧૯૬૬), ‘પરસ્પર’ (૧૯૬૯), ‘એકલવ્ય’ (૧૯૬૭), ‘તેડાગર’ (૧૯૬૮), ‘સખીઓ’ (૧૯૭૦), ‘વેણુ વત્સલા’ (૧૯૭૨), ‘ઉપરવાસ-સહવાસ-અંતરવાસ’ (૧૯૭૫), ‘લાગણી’ (૧૯૭૬), ‘શ્રાવણ રાતે’ (૧૯૭૭), ‘રુદ્રમહાલયની કર્પૂરમંજરી’ (૧૯૭૮), ‘કંડક્ટર’ (૧૯૮૦), ‘પંચપુરાણ’ (૧૯૮૧), ‘પ્રેમઅંશ’ (૧૯૮૨), ‘બાકી જિંદગી’ (૧૯૮૨), ‘વચલું ફળિયું’ (૧૯૮૩), ‘ગોકુળ-મથુરા-દ્વારકા’ (૧૯૮૬), ‘મનોરથ’ (૧૯૮૬), ‘ઇચ્છાવર’ (૧૯૮૭), ‘અંતર’ (૧૯૮૮), ‘લાવણ્ય’ (૧૯૮૯), ‘શ્યામ-સુહાગી’ (૧૯૮૯), ‘જે ઘર નાર સુલક્ષણા’, ‘સુખે સૂવે સંસારમાં’ (૧૯૯૦), ‘સાથીસંગાથી’ (૧૯૯૦), ‘કલ્પલતા’ (૧૯૯૨), ‘બે કાંઠા વચ્ચે’ (૧૯૯૪), ‘કાચા સૂતરને તાંતણે’ (૧૯૯૫), ‘સોમતીર્થ’ (૧૯૯૬), ‘ઉત્તર’ (૧૯૯૭), ‘એક સાચું આંસુ’ (૧૯૯૯), ‘મુદ્દલ વિનાનું વ્યાજ’ (૨૦૦૩), ‘સમજ્યા વિના છૂટાં પડવું’ (૨૦૦૩), ‘ક્યાં છે અર્જુન?’ (૨૦૦૪), ‘ઘરમાં ગામ-શાણાં સંતાન’ (૨૦૦૪), ‘એક રૂપકથા’ (૨૦૦૬), ‘એક ડગ આગળ બે ડગ પાછળ’ (૨૦૦૯), ‘વિજય બાહુબલી’ (૨૦૧૬) નવલિકા : ‘આકસ્મિક સ્પર્શ’ (૧૯૬૬), ‘ગેરસમજ’ (૧૯૬૮), ‘નંદીઘર’ (૧૯૭૭), ‘રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૮૬), ‘અતિથિગૃહ’ (૧૯૮૮), ‘દશ નારીચરિત’ (૨૦૦૦), ‘વિરહિણી ગણિકા’ (૨૦૦૦), ‘મંદિરની પછીતે’ (૨૦૦૧), ‘સાંજનો છાંયો’ (૨૦૦૪), ‘જિંદગી જુગાર છે?’ (૨૦૦૫), ‘પ્રાણપ્રતિષ્ઠા’ (૨૦૦૫) અને ‘દૂરથી સાથે’ (૨૦૧૧) કવિતા : ‘તમસા’ (૧૯૬૭), ‘વહેતાં વૃક્ષ પવનમાં’ (૧૯૮૪), ‘દિવાળીથી દેવદિવાળી’ (૧૯૮૬), ‘ફૂટપાથ અને શેઢો’ (૧૯૯૭), ‘પાદરનાં પંખી’ (૨૦૦૭), ‘બચાવનામું’ (૨૦૧૧), ‘ધરાધામ’ (૨૦૧૪) અને ‘કુદરતની હથેળી પર’ (૨૦૨૧) નાટક : ‘અશોકવન’ અને ‘ઝૂલતા મિનારા’ (૧૯૭૦), ‘સિકંદર સાની’ (૧૯૭૯), ‘નજીક’ (૧૯૮૬), ‘મહાજન’ (૨૦૧૦) ‘ડીમલાઇટ’ (૧૯૭૩) અને ‘ત્રીજો પુરુષ’ (૧૯૮૨) એકાંકીસંગ્રહ. નિબંધ : ‘ભૃગુલાંછન’ (૧૯૮૮), ‘પુનર્વિચાર’ (૧૯૮૯), ‘મુદ્દાની વાત’ (૧૯૯૯), ‘ઊંઘ અને ઉપવાસ’ (૧૯૯૯), ‘વાડમાં વસંત’ (૨૦૦૫), ‘પ્રેમ અને કામ’ (૨૦૦૬). ચરિત્રનિબંધ : ‘સહરાની ભવ્યતા’ (૧૯૮૦), ‘તિલક કરે રઘુવીર ભાગ ૧-૨’ (૧૯૯૮), ‘માનસથી લોકમાનસ’ (૨૦૦૮). પ્રવાસનિબંધ : ‘બારીમાંથી બ્રિટન’ (૧૯૮૪), ‘તીર્થભૂમિ ગુજરાત’ (૧૯૯૮), ‘ચીન ભણી’ (૨૦૦૩), ‘અમેરિકા વિશે’ (૨૦૦૫). વિવેચન : ‘ગુજરાતી નવલકથા’ (રાધેશ્યામ શર્મા સાથે) (૧૯૭૨), ‘અદ્યતન કવિતા’ (૧૯૭૬), ‘વાર્તાવિશેષ’ (૧૯૭૬), મુક્તાનંદની અક્ષર આરાધના’ (૧૯૮૦), ‘જયંતી દલાલ’ (૧૯૮૧), ‘પન્નાલાલ પટેલ’ (૧૯૮૦), ‘રા.વિ. પાઠક’ (૨૦૦૩), ‘આંચલિક ઔર આધુનિક’ (૧૯૯૯). સંપાદન : ‘વિશ્વનાથ ભટ્ટ રચિત પારિભાષિક કોશનું સંવર્ધન’ (૧૯૬૮), ‘જયંતી દલાલનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (અન્ય સાથે) (૧૯૭૧), ‘મેઘાણીની નવલિકાઓ’ (યશવંત શુક્લ સાથે) (૧૯૭૨), ‘ઉર્દૂ સાહિત્ય અને ગુજરાત’ (૧૯૮૧), ‘નરસિંહ મહેતા : આસ્વાદ અને સ્વાધ્યાય’ (પ્રતિભા દવે સાથે) (૧૯૮૩), ‘સદીનું સરવૈયું’ (૧૯૮૩), ‘સગાઈ : પેટલીકર શબ્દ અને કાર્ય’ (રમેશ ર. દવે સાથે) (૧૯૮૫), ‘શિવકુમાર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૮૫), ‘જગભેરુ જયંતી દલાલ, જયંતી દલાલ અધ્યયનગ્રંથ’ (પ્રકાશ ન. શાહ, પરેશ નાયક, રમેશ ર. દવે સાથે) (૧૯૮૬), ‘સ્વામિનારાયણ સંતસાહિત્ય’ (૧૯૮૬), ‘મેહુલો ગાજે ને માધવ નાચે’ (ઉમાશંકર જોશી સાથે) (૧૯૮૭), ‘મોહનલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૮૮), ‘શિવકુમાર જોશી વ્યક્તિત્વ અને વાઙ્‌મય’ (અન્ય સાથે) (૧૯૮૯), ‘યુગદૃષ્ટા ઉમાશંકર’ (ચંદ્રકાન્ત શેઠ, ભોળાભાઈ પટેલ, ધીરુ પરીખ સાથે) (૧૯૯૫), ‘પન્નાલાલનું પ્રદાન’ (રમેશ ર. દવે સાથે) (૧૯૯૫), ‘સ્વામી આનંદ અધ્યયનગ્રંથ’ (રમેશ ર. દવે સાથે) (૧૯૯૫), ‘ભોળાભાઈ પટેલ : સર્જક અને વિવેચક’ (વીરેન્દ્ર નારાયણસિંહ સાથે) (૧૯૯૫), ‘ઉત્તર ગુજરાતનું અનોખું મોતી’ (૧૯૯૮), ‘ગુર્જર સાહિત્યશ્રેણી : નવલિકા સંચય, અદ્યતન નવલિકા સંચય’ (હરિકૃષ્ણ પાઠક સાથે) (૧૯૯૯), ‘નારીચેતાનાની નવલિકાઓ’ (સુનીતા ચૌધરી સાથે) (૧૯૯૯), ‘ગ્રામચેતનાની નવલિકાઓ’ (રમેશ ર. દવે સાથે) (૧૯૯૯), ‘શિરે સાટે’ (૧૯૯૯), ‘એકાંકી સંચય’, ‘અદ્યતન એકાંકી સંચય’ (સતીશ વ્યાસ સાથે) (૧૯૯૯), ‘પ્રહસન સંચય’, ‘અદ્યતન પ્રહસન’ (રતિલાલ બોરીસાગર સાથે), (૧૯૯૯), ‘પ્રવાસ નિબંધ સંચય’ (બિન્દુ ભટ્ટ સાથે) (૧૯૯૯), ‘સનશાઈન’ (જયંતી દલાલ સર્જકવિશેષ) (૧૯૯૯), ‘મેળો’ (પન્નાલાલ પટેલ સર્જકવિશેષ) (૧૯૯૯), ‘નોખા મહાજન’ (૨૦૦૦), ‘રાવજી પટેલનાં કાવ્યો’ (૨૦૦૨), ‘વીસમી સદીનું ગુજરાતી નારીલેખન’ (અનિલા દલાલ સાથે), (૨૦૦૫), ‘મોહનલાલ પટેલ : સર્જનવિશેષ’ (પ્રસાદ બ્રહ્મભટ્ટ સાથે) (૨૦૦૫), ‘સંસ્કૃતિ સંદર્ભ’ (૨૦૦૬). સંશોધન : ‘હિન્દી-ગુજરાતી ધાતુકોશ’ (૧૯૮૨) અનુવાદ : ‘ચિદમ્બરા’ (ભોળાભાઈ પટેલ સાથે) (૧૯૬૮), ‘કબીર’ (પારસનાથ તિવારી કૃત) (૧૯૬૮), ‘જીવન એક નાટક’ (માનવીની ભવાઈ) (૧૯૬૮), ‘પ્રાચીના’ (ભોળાભાઈ પટેલ સાથે) (૧૯૬૯), ‘નિશીથ એવં અન્ય કવિતાએં’ (ભોળાભાઈ પટેલ સાથે) (૧૯૬૯), ‘કન્નડ સાહિત્યના ઇતિહાસની રૂપરેખા’ (૧૯૭૭), ‘મલયાલમ એકાંકી’ (૨૦૧૪), ‘ગઝલ મહેલ’ (જીલાની બાનોની ઉર્દૂ નવલકથા) (૨૦૧૪). નવલકથાનું કથાનક : ‘એકલવ્ય’ એક વિશિષ્ટ શિક્ષણકથા છે. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પ્રવેશેલા સડાને રઘુવીર ચૌધરીએ વ્યંગ અને કટાક્ષના માધ્યમે તાર સ્વરે નિરૂપિત કર્યો છે. એકલવ્ય આ કથાનો વિ-નાયક છે. પુસ્તકોના પ્રકાશક-વિક્રેતા, કૉલેજોના ટ્રસ્ટી એવા શેઠ ધર્મદાસ તેને જંગલમાંથી શહેરમાં લાવ્યા હતા, દત્તક લેવાના ઈરાદે. પરતું શેઠાણીને પુત્રજન્મ થતાં શેઠ દત્તક લેવાનો વિચાર પડતો મૂકે છે. એકલવ્ય વિદ્યાભ્યાસમાં હોંશિયાર છે જાણી શેઠ તેને નોકરીએ રાખે છે. એકલવ્ય પોતાના બુદ્ધિચાતુર્યથી ધીમે ધીમે શહેરની રીતભાતોથી ઘડાતો જાય છે. સમય જતાં શેઠ ધર્મદાસને એકલવ્ય ભાર રૂપ લાગવા માંડે છે એટલે તેનાથી પીછો છોડાવવા ઘણા પ્રયાસો કરે છે પરંતુ સફળ થતા નથી. છેવટે સરકસ ચલાવતા પોતાના એક મિત્ર પાસે કાપડ આપવાના બહાને શેઠ તેને બીજા શહેરમાં મોકલી આપે છે. અહીં એકલવ્ય બે વરસ સુધી નોકરી કરે છે. જુદાં જુદાં નગરોમાં ફરીને અનુભવથી વ્યવહાર અને દુનિયાદારીનો પરિચય મેળવે છે. સરકસમાંથી છૂટો થઈ એકલવ્ય ફરી શેઠ ધર્મદાસના નગરમાં આવે છે. અહીં જુએ છે તો શેઠે ઘણી કૉલેજો ખોલીને શિક્ષણનો વ્યાપાર શરૂ કર્યો છે. એકલવ્ય હોસ્ટેલમાં મફત રહેવા મળે ને સાથમાં ભણવા-વાંચવાનું થાય એ માટે કૉલેજમાં પ્રવેશ લેવાનું વિચારે છે. મેટ્રિકની પરીક્ષા પાસ કરી કૉલેજમાં દાખલ થાય છે. પણ આખરે કેશકર્તન કલાકેન્દ્ર પરથી પ્રેરણા લઈ અધ્યાપક તાલીમકેન્દ્ર શરૂ કરે છે. દુઃશાસન અને જરાસંઘ નામધારી બે સાગરિતો રાખે છે. અધ્યાપકોની સમસ્યાઓ, પ્રિન્સિપાલોની નિમણૂકો, વિદ્યાર્થીઓના પ્રશ્નો, કૉલેજ ટ્રસ્ટીઓના સ્વાર્થો – કહો કે શિક્ષણકેન્દ્રી બધી સમસ્યાઓનો રામબાણ ઇલાજ એકલવ્ય બની જાય છે. પ્રેમને નામે છળ આચરતી સકલા અને સિદ્ધાંતનિષ્ઠ અધ્યાપક અનન્વયની કથા પણ અહીં એકલવ્યના સૂત્રમાં જ વણાઈ છે. સમાન્તરે થોડા પ્રાસંગિક રાજકીય કટાક્ષ અને પોતાને ‘આધુનિક’ ગણાવતા નવકવિઓ વિશેના કટાક્ષો પણ આ નવલકથાનું કથ્ય બન્યું છે. કથાને અંતે એકલવ્ય એક બાલમંદિર ખોલી વાંદરાંનાં બચ્ચાં દાખલ કરી નવી શિક્ષણ પ્રણાલિનો આરંભ કરે છે. નવલકથાની વિશેષતા : ‘એકલવ્ય’ નવલકથા તેના વિષયને કારણે વિશેષ છે. રઘુવીર ચૌધરીએ શિક્ષણજગત પરના કટાક્ષને કેન્દ્રમાં રાખીને આ નવલકથા સર્જી છે. શેઠ ધર્મદાસને કારણે જંગલનું સહજ પ્રાકૃતિક જીવન છોડી શહેરમાં આવેલો કથાનાયક એકલવ્ય પોતાની પ્રતિભા અને બુદ્ધિચાતુર્યને કારણે સમગ્ર શિક્ષણવ્યવસ્થા પર જે રીતે પ્રભુત્વ મેળવી લે છે તેની કટાક્ષમય અભિવ્યક્તિ આ નવલકથાની વિશેષતા બનીને ઊપસી છે. નવલકથાકારે એકલવ્યના પાત્રને અસાધારણ હોંશિયાર દર્શાવ્યું છે. પોતાની વિચારશક્તિ, આવડત અને યોજનાઓથી એકલવ્ય શિક્ષણની પરંપરાગત પ્રણાલિને ધ્વસ્ત કરી સંપૂર્ણ સ્વાર્થી નવી શિક્ષણ વ્યવસ્થાનું સર્જન કરે છે. દુઃશાસન અને જરાસંઘ જેવા અનુયાયીઓ અને અધ્યાપક તાલીમકેન્દ્રની પ્રવૃત્તિઓથી એકલવ્ય શિક્ષણની દુનિયાનો નવો ગુરુ સિદ્ધ થાય છે. કથાવસ્તુની આ નવીનતા જ ‘એકલવ્ય’ની વિશેષતા બની છે. ‘એકલવ્ય’ એક અર્થમાં બુદ્ધિજીવીઓ પરના કટાક્ષની કથા હોવાથી અહીં જે અભિવ્યક્તિરીતિ ખપમાં લેવાઈ છે તે મુખ્યત્વે તર્ક આધારિત છે. પાત્રોના સંવાદોમાંથી તર્કબદ્ધ રીતે વહેતો કથાપ્રવાહ નાયક એકલવ્યના ચરિત્રની કેટલીક વિશિષ્ટ મુદ્રાઓ તો ઉપસાવે જ છે પરંતુ સાથોસાથ નર્મ-મર્મ હાસ્ય અને વ્યંગની પ્રતીતિ પણ અસરકારક રીતે કરાવે છે. આ નવલકથમાં હાસ્યની પડછે ઘેરા કરુણનું જે મંદ ગાન સંભળાય છે તે પણ આ કથાની એક વિશેષતા બન્યું છે. એકલવ્યના આંતરજગતમાં સકલા અને પ્રો. અનન્વયને લઈને જે સંઘર્ષ ચાલે છે તે પણ આ કરુણનો દ્યોતક બને છે. શિક્ષણને કેન્દ્રમાં રાખતી આ કથા હોવાથી અહીં ભાષાશૈલીનું એક પરિષ્કૃત સ્તર જોવા મળે છે. ભાષાનું નાગરિકી પરિમાણ આ કથાના વિષયને ઉપકારક બન્યું છે. તર્ક, દલીલ, દાવા, પ્રમાણો, દૃષ્ટાંતો, અસંબદ્ધ વાણી – વગેરે આ નવલકથાની ભાષાભિવ્યક્તિની વિશેષતા બન્યાં છે. પ્રતીકાત્મક રીતે અહીં શિક્ષણજગતની વિડમ્બના રજૂ થઈ છે. ગુરુ દ્રોણને દક્ષિણામાં અંગૂઠો આપી દેનાર મહાભારતનો એકલવ્ય જાણે અહીં નવા અવતારે સમગ્ર શિક્ષણતંત્રને ધરમૂળથી બદલી વાંદરાંનાં બચ્ચાંને બાલમંદિરમાં દાખલ કરી એક નવી શૈક્ષણિક ઉત્ક્રાંતિની શરૂઆત કરે છે. તર્કઆશ્રિત અને ચિંતનપ્રણિત આ નવલકથા એક પ્રયોગશીલ કૃતિ તરીકે ગુજરાતી નવલકથાના ઇતિહાસમાં નોંધપાત્ર બની છે. નવલકથા લેખન પદ્ધતિ : ‘એકલવ્ય’ ત્રીજા પુરુષની કથન રીતિમાં લખાયેલી નવલકથા છે. સર્વજ્ઞ પદ્ધતિની આ કથનરીતિને કારણે સર્જક રઘુવીર ચૌધરીએ કથાના માધ્યમે પોતાની પીડા અને આક્રોશ રજૂ કર્યો છે. સર્જક વ્યવસાયે અધ્યાપક હોવાથી અનુભવજન્ય સંવેદન આ કથામાં શિક્ષણજગતનું વરવું રૂપ ઉપસાવે છે. વાસ્તવમૂલક અભિગમ રાખી અહીં કૉલેજ-યુનિવર્સિટી જેવા ઉચ્ચશિક્ષાના કેન્દ્રમાં પ્રવર્તતી અરાજકતા અને નૈતિક અધઃપતનનું નિરૂપણ સર્જકે મોટેભાગે સંવાદ દ્વારા કર્યું છે. તર્કપૂત અને બુદ્ધિચાતુર્યના પ્રમાણ સમા સંવાદોથી આ નવલકથાની લેખન પદ્ધતિ વિશિષ્ટ બની છે. સંવાદોને કારણે કથામાં નાટ્યાત્મકતાનો અનુભવ થાય છે તો કૃતક કવેતાઈ પદ્યથી પણ કટાક્ષને અસરકારક પરિમાણ મળ્યું છે. નવલકથાનો પ્રકાર : ‘એકલવ્ય’ એક સશક્ત કટાક્ષકથા છે. અહીં શિક્ષણને કેન્દ્રમાં રાખીને રઘુવીર ચૌધરીએ વેધક વ્યંગનું આલેખન કર્યું છે. એકલવ્યના માધ્યમે આ કથામાં શૈક્ષણિક-રાજકીય અધઃપતનનું વિરૂપ ચિત્ર ઉપસાવ્યું છે. શિક્ષણથી સામાજિક બદલાવની નીતિ અહીં કટાક્ષના સૂરમાં તીવ્ર રીતે વ્યંજિત થઈ છે. સર્જકે ઉચ્ચ શિક્ષણની અવદશાને આ કટાક્ષકથામાં તિર્યક વાણીમાં વ્યક્ત કરી છે. અધ્યાપક તાલીમકેન્દ્રના છદ્મ ઓઠા તળે શિક્ષક અને શિક્ષણની લઘુતા-પામરતા આ નવલકથામાં પ્રભાવક રીતે આલેખાઈ છે. શિક્ષણ અને સમાજનો અનુબંધ ખૂબ નજીકનો હોવાને કારણે આ કટાક્ષકથામાં જેટલી શિક્ષણની વાત છે તેટલી જ સમાજની પણ છે. એ અર્થમાં ‘એકલવ્ય’ એક સામાજિક શિક્ષણકથા છે. કહો કે સમાજમાં શિક્ષણના અવમૂલ્યનની કથા છે. વૈયક્તિક ઓળખ ગુમાવી ચૂકેલા અધ્યાપકોની સામે પ્રો.અનન્વયનું શુદ્ધ સાત્ત્વિક શિક્ષકત્વ ધ્યાન ખેંચે છે. શિક્ષણ જગતની દુર્દશાને કારણે જન્મેલી પીડા-વેદના, આક્રોશ અને ચિંતા ‘એકલવ્ય’ નવલકથાના કટાક્ષોની પશ્ચાદ્‌ભૂ બની છે. ગુજરાતી ભાષામાં રચાયેલી અલ્પ કટાક્ષકથાઓમાં રઘુવીર ચૌધરીની ‘એકલવ્ય’ ખરેખર એક વિલક્ષણ નવલકથા સાબિત થઈ છે. નવલકથા વિશે વિવેચક : (૧) “રઘુવીર ચૌધરીની નવલકથા ‘એકલવ્ય’ હાસ્યકટાક્ષની આવી મનહર અને મનભર રચના છે. શિક્ષણ જગતના અનાચાર પર અહીં તીવ્ર કટાક્ષ છે. રઘુવીર ચૌધરીમાં સાંપ્રત સમયને કટાક્ષપૂર્ણ રીતે આલેખવાની વિરલ આંતરસૂઝ છે. આ આંતરસૂઝનો કલાત્મક વિનિયોગ આ નવલકથામાં થયેલો અનુભવાય છે.” – રતિલાલ બોરીસાગર (‘એકલવ્ય’માંથી પૃ. ૨) (૨) “રઘુવીરમાં રમણભાઈના જેવા અભિનિવેશ અને આવેગ છે સાથે જયંતી દલાલના જેવી બૌદ્ધિક તીખાશ (Sharpness) છે. એમના વ્યંગમાં જે ચપળતા (Smartness) છે તે પણ એમનું સ્વકીય ગુણલક્ષણ બને છે. એક કટાક્ષકથા તરીકે ‘એકલવ્ય’ પોતાનો લક્ષ્યવેધ કરવામાં સફળ નીવડી હોય એમ લાગે છે.” – સંકેત પારેખ (‘અમૃતાથી ધરાધામ’, પૃ. ૫૨-૫૩)

સંદર્ભ : ૧. ચૌધરી, રઘુવીર. ‘એકલવ્ય’, પ્રકા. ગુજરાત સાહિત્ય અકાદમી, પુનર્મુદ્રણ ૨૦૦૭ ૨. પટેલ, દૃષ્ટિ અને ચૌધરી, સુનીતા. ‘અમૃતાથી ધરાધામ’ (રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથ-૧-૨), રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ, વર્ષ ૨૦૧૪ ૩. મહેતા, ધીરેન્દ્ર. ‘રઘુવીર ચૌધરી’, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ૮ (ખંડ-૨), વર્ષ ૨૦૧૮ ૪. દવે, યજ્ઞેશ. ‘રઘુવીરભાઈ ચૌધરી-એક મુલાકાત’, ‘નવનીત-સમર્પણ’, જૂન અને જુલાઈ ૨૦૨૩ ૫. Bhadrayu @ Shri Raghuvir Chaudhari : મુઠ્ઠી ઊંચેરા માનવીઃ પૂર્ણ-દીર્ઘ-સંવાદ https://www.youtube.com/watch?v=p૧RX-૨PNdiA

ડૉ. વિપુલ પુરોહિત
એસોસિયેટ પ્રોફેસર, ગુજરાતી અનુસ્નાતક વિભાગ,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
વિવેચક, સંપાદક, સંશોધક
મો. ૯૧૦૬૫૦૬૦૯૪
Email: v13purohit@gmail.com