નવલકથાપરિચયકોશ/તરસ એક ટહુકાની

From Ekatra Wiki
Revision as of 09:58, 31 December 2023 by Meghdhanu (talk | contribs) (Added Book Cover)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૪૩

‘તરસ એક ટહુકાની’ : રાઘવજી માધડ

– સુશીલા વાઘમશી
તરસ એક ટહુકાની.jpg

શિક્ષણ અને સાહિત્યજગતમાં પોતાના કાર્ય અને સર્જન દ્વારા નોંધપાત્ર પ્રદાન કરી રાઘવજી માધડે ટૂંકા ગાળામાં પ્રસિદ્ધિ મેળવી છે. સાહિત્યમાં તેમની કલમ વાર્તા, નવલકથા, લોકકથા અને નિબંધ જેવાં સ્વરૂપોમાં સક્રિય છે. રાઘવજી માધડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામે ૧લી જૂન ૧૯૬૧ના રોજ થયો હતો. સર્જકે પ્રાથમિક શિક્ષણ વતન દેવળિયા ગામમાં, માધ્યમિક શિક્ષણ અમરેલી અને એમ. એ., બી. એડ. તથા પીએચ.ડી. સુધીનું શિક્ષણ રાજકાંટમાં લીધું છે. શિક્ષક તરીકેનો વ્યવસાય કરતા રાઘવજી માધડની સર્જનયાત્રાનો આરંભ ‘ઝાલર’ (૧૯૯૦) વાર્તાસંગ્રહથી થાય છે. ત્યાર બાદ ‘સંબંધ’, ‘જાતરા’, ‘અમરફળ’, ‘મુકામ તરફ’ અને ‘પછી આમ બન્યું...’ જેવા વાર્તાસંગ્રહો પ્રાપ્ત થાય છે. તો ‘વંટોળ’, ‘તરસ એક ટહુકાની’, ‘સગપણ એક ફૂલ’, ‘જળતીર્થ’, ‘સંગાથ’ અને ‘કૂખ’ જેવી વિષય વૈવિધ્યની દૃષ્ટિએ નોંધપાત્ર એવી નવલકથાઓ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સર્જક નિબંધ, લોકકથાસંગ્રહ, શિક્ષણ, કટાર લેખન અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પટકથા અને સંવાદ લેખનમાં પણ સક્રિય છે. તેમના સાહિત્યને ગુજરાતી સાહિત્ય અકાદમી, નિરંજન વર્મા વાર્તાકથા પુરસ્કાર, સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવૉર્ડ, ઝવેરચંદ મેઘાણી એવૉર્ડ વગેરે પારિતોષિકો દ્વારા પોંખવામાં પણ આવ્યા છે. રાઘવજી માધડની ‘તરસ એક ટહુકાની’ નવલકથા મૂળે ૧૯૯૨ ‘જનસત્તા’ વાર્તા હરીફાઈમાં પુરસ્કૃત થયેલી વાર્તા ‘વાડીમાં ઊગ્યો એક ટહુકો’ના આધારે સર્જાયેલી નવલકથા છે. પુસ્તક તરીકે પ્રગટ થતાં પહેલાં આ નવલકથા દૈનિક ‘ફૂલછાબ’માં હપ્તાવાર પ્રગટ થઈ હતી. પુસ્તક રૂપે ‘તરસ એક ટહુકાની’ નવલકથાની પ્ર. આ. ૧૯૯૮માં, અભિષેક પ્રકાશન, ગાંધીનગર દ્વારા પ્રગટ થઈ છે. સર્જકે આ નવલકથાને ‘પુસ્તક પરબ’ના પ્રણેતા શિક્ષણવિદ્ ડૉ. શ્રી પ્રતાપભાઈ પંડ્યાને અર્પણ કરી છે. નવલકથાનું નવસંસ્કરણ ૨૦૧૩માં કરવામાં આવ્યું, જેમાં ડૉ. નાથાલાલ ગોહિલનો અભ્યાસલેખ મૂકવામાં આવ્યો છે. ‘તરસ એક ટહુકાની’ નવલકથાના કેન્દ્રમાં વિધવા નાયિકા વિલાસ, નાયક વિઠ્ઠલ અને પિતા બનવા મથતા સસરા મુખીનો મનોસંઘર્ષ છે. સાથે કૃષિ જીવન અને ગ્રામ્યસમાજનો પરિવેશ આ નવલકથાને માંસલતા આપે છે, કારણ કે સ્ત્રી અને વાડી અહીં એકરૂપ બનતાં જણાય છે. મુખીના અજંપાથી આરંભાતી કથા અજંપાનું કારણ પુત્રવધૂ વિલાસનું રૂપ-યૌવન અને તેના વિધવાપણા તરફ લઈ જાય છે. વિધવા થયા પછી વાડીને લીલી રાખવા વિલાસ બીજું ઘર ન માંડવાનો નિર્ણય લઈ સાસરામાં જ રહે છે! તેમાં પણ અનાયાસ વાડીએ પહોંચેલ મુખી સાડીના પારદર્શક આવરણમાં સ્નાન કરતી વિલાસને નિહાળે છે, ત્યારે પુત્રી સમાન પોતાની વહુને આ રૂપ-યૌવન ભરખી તો નહીં જાયને!-ની નવતર પીડા અને ભયમાં સપડાય છે. આ ભયના ઉપાય તરીકે વાડી અને વિલાસ બન્નેની સંભાળ રાખવા માટે તે કરસનના મિત્ર વિઠ્ઠલને વાડીએ આંટોફેરો કરવા માટે મનાવે છે. વાડીએ જતા વિઠ્ઠલ અને વિલાસના વધતા સહચારને કારણે બન્ને વચ્ચે પ્રેમની લાગણી જન્મે છે. વિલાસ પ્રત્યેનું આકર્ષણ અને ખેંચાણને કારણે વિઠ્ઠલ ધંધામાં ધ્યાન આપી શકતો નથી પરિણામે તેનો હીરાનો ધંધો પણ ભાંગવા લાગે છે! વિલાસનું વિધવા થયા પછી પણ રોકાવું અને વિઠ્ઠલનું વાડીએ જવું ગામમાં ચર્ચાનો વિષય બને છે. નવલકથામાં દેખીતા ખલનાયક કરીકે લવજીનું પાત્ર છે. પરંતુ મૂળભૂત રીતે સામાજિક રૂઢિઓ અને પરંપરાઓ અને તેનાથી ગ્રસ્ત પાત્રમાનસ વિરોધી બળ તરીકે મુખ્ય ભૂમિકા ભજવે છે! કારણ કે વિલાસને વિઠ્ઠલ સાથે પ્રેમ હોવા છતાં અંત સુધી મુખીને આપેલો વિશ્વાસ અને પોતાની ફરજને ઉવેખી-ઉલંઘી શકતી નથી! ધંધાના ધઉસ એવા લવજીની નજર વિલાસના રૂપ અને મુખીની જમીન પર છે! પરિણામે વિલાસને અહીંથી કાઢવા તે વિલાસ અને વિઠ્ઠલ વિરુદ્ધ મુખીની કાન ભંભેરણી કરે છે. તેનાથી આંશિક પ્રભાવિત થતાં મુખીના મનમાં વિઠ્ઠલના પિતા પરસોત્તમ આતાનો ઠપકો – ‘તમે ગામ આખાના ભાણાની માખિયું ઉડાડતા હતા, પણ પોતાના ભાણાની માખિયું ઉડાડતાં નો આવડ્યું...’ ઉમેરો કરે છે. પરિણામે મુખીનો સંઘર્ષ વધે છે. લવજીની વાત કાનોકાન સાંભળતા અને મુખીની સ્થિતિ પારખતા વિલાસ મુખી સમક્ષ પોતાનું હૃદય ખોલી વિશ્વાસ અપાવવામાં સફળ થાય છે. પરંતુ વિઠ્ઠલનો વધતો ઝુરાપો અડધી રાતે તેને વિલાસના ઘર સુધી ખેંચી લાવે છે અને ફરી મુખીમાં સળવળાટ જાગે છે. વિઠ્ઠલની પોતાના હૃદય પરની અવશતા અને વાડીએ બન્ને વચ્ચે રચાતું તારામૈત્રક તેને પ્રણય વિહ્વળ બનાવે છે. પ્રેમ હોવા છતાં વિલાસના અસ્વીકારને કારણે વિઠ્ઠલની સ્થિતિ કફોડી બને છે! જો માત્ર જ્ઞાતિભેદ કાનજી અને જીવીને એક થવા ન દેતો હોય તો અહીં તો નાયિકા વિધવા છે! સમાજ વિધવાના પ્રેમને કેવી રીતે સ્વીકારી શકે! જેમ કાનજી જ્ઞાતિનો ઉંબરો નથી ઓળંગી શકતો તેમ વિલાસ પણ વિઠ્ઠલને ચાહવા છતાં તેનો સ્વીકાર કરી શકતી નથી! પોતાના આવેગોને કચડી નાખી તે વિઠ્ઠલને જાકારો આપે છે. વાત વધતાં વિલાસના કાકા અને ભાઈ-ભાભી વિલાસને પરાણે તેડી જાય છે. મુખી બેશુદ્ધ બને છે. બીજી તરફ એકાએક વિલાસના ચાલી જવાથી ગામમાં અફવાનું જોર વધે છે! વિલાસની ભાળ કાઢવા અને હકીકત જાણવા વિઠ્ઠલ મિત્ર પ્રવીણ સાથે વિલાસના પિયર પહોંચે છે, ત્યાં વિઠ્ઠલ પર ભાઈ દ્વારા કુહાડાનો પ્રહાર થતાં વિલાસ પિતા-ભાઈની સામે થઈ બે વાર વિઠ્ઠલનું રક્ષણ કરે છે. આ સિવાય પણ અનેક વાર વિલાસ વિઠ્ઠલ પ્રત્યેના વિલાસના ભાવને સ્પષ્ટ વાચા આપવામાં આવી છે. બીજી તરફ વાડી મેળવવા માટેના લવજીનાં વધતા ષડ્યંત્રોથી ત્રાસી મુખી વાડી દીકરી શારદાને નામ કરવાનું વિચારે છે પણ શારદા ઇન્કાર કરે છે! આખરે થાકી હારી મુખી વિઠ્ઠલને સાથે લઈ જમીનનો નિર્ણય કરી લાંબી યાત્રાએ જવાનું નક્કી કરે છે! પિયરમાં રહેતા પોતાના પરિવાર માટે પોતે બોજ સમાન છે, ને કોઈપણ ભોગે પરિવારજનો તેમાંથી મુક્તિ મેળવવા માંગે છે! આ વાસ્તવિકતા વિલાસનો ભ્રમ ભાંગે છે અને પોતાના પિયરમાં જ પરાયા હોવાનો ભાવ અનુભવતી તે આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કરે છે. આખરે અહીંથી છૂટવા પરિવારના નિર્ણયને સ્વીકારી પોતાના પિતાની ઉંમરના વ્યક્તિ સાથે ઘર માંડવા તૈયાર થાય છે! પરંતુ ઘરઘરણાની આગલી રાતે ઊંઘમાં મુખીની વાડી લીલી રાખવા માટે પોતે આપેલા વચનનું સ્મરણ થતાં અડધીરાતે સાસરે જવા નીકળે છે! ભળભાખરું થતાં વિલાસ મુખીની ડેલીએ પહોંચે છે. ત્યાંથી વાડીએ જતા પોતાની વેદના વૃક્ષો પાસે ઠાલવે છે. વિઠ્ઠલ તેની પાછળ વાડીએ પહોંચે છે અને અનેક વાર વિઠ્ઠલ દ્વારા પૂછવામાં આવતા વિલાસ મુખીને આપેલા વિશ્વાસના કારણે એકરાર કરી શકતી નથી! પરિણામે નિરાશ થયેલ વિઠ્ઠલ ચાલી નીકળે છે! અંતે મુખી વિલાસ સામે બધી કબૂલાત કરે છે કે પોતે જ બન્નેને ભેગા કરનારા છે! પણ વિલાસને લાગે છે કે હવે બહુ મોડું થઈ ગયું છે અને તે પોતાની જાતને બધાં સામાજિક સંબંધોથી મુક્ત અનુભવે છે! અંતે ચિત્તભ્રમ દશામાં લવજીને સામે કલ્પી પોતાની શારીરિક ઇચ્છાઓનો એકરાર કરે છે! ને હારી થાકી પોતે જે વાડીને લીલી રાખવા જીવતી હતી તેના કૂવામાં જ પડતું મેલવાનું વિચારે છે અને શુદ્ધિ ગુમાવે છે. કૂવાની જગ્યાએ વિલાસ વિઠ્ઠલના હાથમાં ઝીલાય છે! અને તેને બાથ ભીડી મૂક એકરાર કરતાં નવલકથા સુખદ અંતમાં પરિણમે છે! નવલકથાને કળા તત્ત્વની દૃષ્ટિએ જોતાં સર્જક ત્રણ પાત્રો મુખી, વિઠ્ઠલ અને વિલાસના મનોસંઘર્ષને વાચા આપવામાં મહદ્અંશે સફળ થયા છે. નવલકથામાં આવતી ભજનની પંક્તિ- “મનવો જાણે કે અમે સારાં કામ કરશું ને, ઊલટાનો પડ્યો રે સંતાપ..., આ મન સમજ્યા વિના...” (પૃ. ૬૧) માનવમનનું ઊંડાણ અને તેના પરની માનવીની અવશતાની પ્રતીતિ રૂપ આ પંક્તિ નવલકથાના કેન્દ્રનો સંકેત કરે છે. મુખી સસરા મટી પિતા તરીકે વિલાસની ભાળવણી કરવા વિઠ્ઠલને કહે છે, વિલાસ મુખી માટે થઈ, તેના વિશ્વાસ અને ફરજને કારણે પ્રેમનો એકરાર કરી શકતી નથી! તો મુખીનું માની વાડી અને વિલાસને સાચવવાનું સ્વીકારતો વિઠ્ઠલ વિલાસને ચાહવા લાગે છે, સાથે રખેવાળ જ ચોર બન્યાનો અપરાધભાવ પણ અનુભવે છે! વિઠ્ઠલની આ દ્વિધા અને વિલાસના પ્રણય એકરાર માટેની તરસના નિરૂપણમાં સર્જકની સર્જનશક્તિનો પરિચય થાય છે. ગ્રામ્ય વાસ્તવિકતાની ભોંય પર ચાલતી નવલકથા અંતે જતાં જાણે મેલોડ્રામા તથા રંગદર્શિતા તરફ ઢળી પડે છે! કારણ કે અંતે વિલાસને વિઠ્ઠલના હાથમાં ઝિલાતી દર્શાવાય છે, જે તાર્તિક રીતે બંધબેસતું લાગતું નથી. વિઠ્ઠલ ક્યારે, કેવી રીતે પાછો આવ્યો? તેની કડીઓ નવલકથામાં ગેરહાજર છે! ગ્રામ્ય સમાજ, ખેતી જીવનનો પરિવેશ તથા ભાષા નવલકથાનાં પાત્રોને જીવંતતા આપે છે, સાથે નવલકથામાં પ્રયોજાયેલ ખેતીજીવન સાથે જોડાયેલા અને લુપ્તતાની આરે આવેલા શબ્દો (રંભાડ, ચળુ, રજકો, ખરપીયો, જોતર, લોદર, હવડ વગેરે), અલંકારો (આંખો તો જાણે ગોખલા, પાણી વગરના ચીભડાની જેમ લંઘાયેલ ચહેરો, ગુંદીના ઠળિયા જેવું મન, બિલાડીના માફક નહોર ભરાવતો ભય, દૂધ જેવું અજવાળું, ગાજરના લોદર માફક લંઘાતો વિઠ્ઠલ), કહેવતો અને રૂઢિપ્રયોગો (કાગનો વાઘ, કોલસાની દલાલીમાં હાથ કાળા, પીંછડાંનો કાગડો થવો, ધોળામાં ધૂળ પડવી, નિંભાડે આગ મૂકવી) સર્જકની ભાષાસમૃદ્ધિનો અને પ્રયોજન શક્તિનો પરિચય આપે છે. આ સંદર્ભે ડૉ. નાથાલાલ ગોહિલનું નિરીક્ષણ યોગ્ય છે - “સમગ્રપણે કથા ગ્રામીણ સમાજ સાથે જોડાયેલી છે. લેખક આ સમાજના તાણા-વાણા સાથે વણાયેલા જણાય છે. તો જ આટલી ઝીણવટભરી છણાવટ કરી શકે. કથાની ભાષાશૈલી સફળ રહી છે. તળપદા શબ્દો, તેમની લઢણો અને રૂઢિપ્રયોગો, કહેવતો સરળ અને ઉચિત ગોઠવાઈને કલાત્મક રૂપ ધારણ કરે છે.”

સંદર્ભ : ‘તરસ એક ટહુકાની’, રાઘવજી માધડ, ઈ. સ. ૨૦૧૩, અભિષેક પ્રકાશન, ગાંધીનગર.

ડૉ. સુશીલા વાઘમશી
મદદનીશ પ્રાધ્યાપક,
મહારાવશ્રી લખપતજી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,
દયાપર, જિ. કચ્છ
મો. ૯૯૧૩૧૪૦૮૮૮
Email: vaghamshisushila૬૨@gmail.com