નવલકથાપરિચયકોશ/સત્ય ભાગ ૧થી ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪૪

‘સત્ય’ ભાગ ૧થી ૪ : જયંત ગાડીત

– ઇંદુ જોશી
Satya 1 to 4.jpg
‘સત્ય એક – પાવક અગ્નિ’

પ્રયોગશીલ નવલકથાકાર અને વિવેચક જયંત ગાડીતનો જન્મ ૨૬ નવેમ્બર, ૧૯૩૮માં મુંબઈમાં થયો. શિક્ષણ મુંબઈમાં. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે ૧૯૬૧માં બી.એ. કર્યું. એ જ વિષયોમાં ૧૯૬૪માં એમ.એ. અને ૧૯૪૭માં પીએચ.ડી. કર્યું. ૧૯૬૫થી ૧૯૭૭ પેટલાદ અને મહુધાની કૉલેજમાં અને ૧૯૭૭થી ૧૯૮૬ સરદાર પટેલ યુનિ.માં અધ્યાપન. ૧૯૮૬થી ક. લા. સ્વાધ્યાયમંદિર (ગુજરાતી સાહિત્ય પરિષદ)માં રીડર. નવલકથાઓ – ક્યાં છે ઘર, બદલાતી ક્ષિતિજ, પ્રશાંમુ, એક અસ્વપ્ન સુખી જીવન, સત્ય (ચાર ભાગ) લઘુનવલ : આવૃત્ત ચાસપક્ષી કર્ણ, શિખંડી વિવેચન : નવલકથા વાસ્તવ અને વાસ્તવવાદ ‘સત્ય’ નવલકથા ગાંધીજીને કેન્દ્રમાં રાખીને દેશના સ્વતંત્રતા આંદોલનની કથા આલેખે છે. આ પુસ્તક ડિવાઇન પબ્લિકેશન્સ અમદાવાદ દ્વારા પ્રકાશિત થયું. પ્રથમ આવૃત્તિ એપ્રિલ ૨૦૧૬માં આવી. આ પુસ્તક ચાર ભાગમાં છે. દરેક ભાગના ઉપશીર્ષક પણ છે – જેમ કે સત્ય એક-પાવક અગ્નિ, સત્ય બે-જ્વાળા, સત્ય ત્રણ-ધૂંધવાતો અગ્નિ અને સત્ય ચાર-દાવાનળ. આ રીતે ઉપશીર્ષક આપ્યાં છે તે સૂચક છે અને નવીનતા રજૂ કરે છે. ચારે ભાગ અલગ અલગ વિશિષ્ટ વ્યક્તિઓને અર્પણ થયા છે. પહેલો ભાગ ગોપાલકૃષ્ણ ગોખલે અને લોકમાન્ય તિલકને, બીજો ભાગ મહાદેવભાઈ દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલને, ત્રીજો ભાગ જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝને, ચોથો ભાગ મૌલાના અબુલ કલામ આઝાદ અને ખાન અબ્દુલ ગફારખાનને અર્પણ છે. પ્રથમ ભાગના આરંભે જયંત ગાડીતનાં પત્ની મંજુલા ગાડીતનું નિવેદન છે. આ તેમની અંતિમ નોંધપાત્ર નવલકથા છે. તેમના મૃત્યુ બાદ મંજુલા ગાડીત અને પુત્રો જાગૃત અને ઇંગિત ગાડીતે આ પુસ્તક પ્રકાશિત કર્યું. મણિલાલ પટેલ તેમને શ્રદ્ધાંજલિ આપતા લખે છે – ‘ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી જ્યાં ગયા-ફર્યા-જેને મળ્યા, ગાડીત ત્યાં ત્યાં ફર્યા હતા, દસ્તાવેજો તપાસ્યા હતા, સંબંધિત વ્યક્તિઓને મળ્યા હતા. ઇતિહાસને તેમણે નવલરૂપે લખ્યો.’ ચોથો ભાગ તો કેન્સરની માંદગી વચ્ચે લખ્યો. ૨૯ મે, ૨૦૦૯ના રોજ તેમનું અવસાન થયું. મંજુલા ગાડીતના નિવેદન પછી જાગૃત ગાડીતે આ નવલકથા કઈ રીતે અવલોકવી તે ‘ઇતિહાસ સાહિત્ય-સત્ય’ના શીર્ષક હેઠળ જણાવ્યું છે. તે પછી લેખક જયંત ગાડીતની કેફિયત છે, જેમાં તેમણે તેઓ શા માટે આ નવલકથા લખવા માટે પ્રેરાયા તેની વાત કરેલી છે. ‘સત્ય ૧ પાવક અગ્નિ’ નવલકથામાં દરેક પ્રકરણમાં પેટા વિભાગ છે. જેમ કે પ્રકરણ એકમાં છ, પ્રકરણ બેમાં અઢાર, પ્રકરણ ત્રણમાં પાંચ, પ્રકરણ ચારમાં સાત પેટા વિભાગો છે. પ્રકરણ પાંચ સળંગ છે. પ્રકરણ ૬માં બે પેટા વિભાગ છે. ‘સત્ય ૧ પાવક અગ્નિ’ એ પ્રથમ ભાગનું કથાવસ્તુ જોઈએ. દક્ષિણ આફ્રિકા છોડી ગાંધીજી (પાત્ર નામે મોહનદાસ) હંમેશ માટે ભારત પાછા ફરે છે ત્યાંથી નવલકથાનો આરંભ થાય છે. એસ. અરબિયા સ્ટીમર ૧૯૧૫ની ૯મી જાન્યુઆરીએ આવે છે. તેઓ મુંબઈ બંદરે ઊતરે છે. સાથે કસ્તુરબાઈ છે. કસ્તુરબાઈ હરિલાલને યાદ કરે છે કે કદાચ તે લેવા આવશે. મોહનદાસ જ્યારે દક્ષિણ આફ્રિકાથી આવે છે ત્યારે અંગ્રેજી ભાષા અને રીતરિવાજ ચારે તરફ દેખાય છે. તેઓ ગૂંગળામણ અનુભવે છે. ત્યાં આવેલા પત્રકાર સાથે ગુજરાતીમાં વાત કરે છે. ભાષણ પણ ગુજરાતીમાં જ કરે છે. મોહનદાસ સૌથી પહેલાં ગોખલેને મળવા જાય છે. ગોખલે તેમને ભારતભ્રમણ કરવાનું કહે છે. દક્ષિણ આફ્રિકાની લડતમાં જીત મેળવી તે બદલ દેશમાં અનેક જગ્યાએ તેમના માટે સ્વાગત સમારંભો થાય છે. સરકારી અધિકારીઓ, વકીલો, ન્યાયાધીશો, સાહિત્યકારો, સમાજસુધારકો, પત્રકારો તેમને અભિનંદન આપે છે, મુલાકાતો થાય છે પણ તેમના વર્તન તેમને કૃતક શિષ્ટાચાર જેવા લાગે છે. વિદેશપ્રવાસ કર્યો ત્યારે જે જ્ઞાતિજનોએ તેમને નાત બહાર મૂકેલા તેઓ હવે તેમને આવકારે છે. મોહનદાસ ભારત આવ્યા તે સમયગાળામાં અનેક ઘટનાઓ ભારતના વિવિધ ખૂણામાં બની રહેલી તે લેખક દર્શાવે છે. દેશી રાજ્યના પ્રમુખ મહારાજાની લંપટગીરી, દેશી રજવાડાંના પ્રપંચો, ગવર્નરની હત્યા માટે બોમ્બમારો થાય, વિશ્વયુદ્ધ – આ સમાચારો તે સમયના વર્તમાનપત્રોમાં આવતા લેખક બતાવે છે. બાર વરસની છોકરીનાં પચાસ વર્ષના વિધુર સાથે લગ્ન, આદિવાસીઓનું ધર્માંતરણ, દેવું ચૂકવવા ખેડૂત જમીન વેચે, કાપડ મિલવાળા અચાનક મજૂરોને છૂટા કરે, જૈનોના દેરાસર સામે વૈષ્ણવો એક વિશાળ વૈષ્ણવ હવેલી બાંધવા નક્કી કરે લેખક આવી બધી ઘટનાઓનું આલેખન કરી તે સમયના સામાજિક, ધાર્મિક, રાજકીય પ્રશ્નો તરફ વાચકોનું ધ્યાન દોરે છે. ગાંધીજી આવ્યા ત્યારે સમાજની આવી પરિસ્થિતિ હતી. લેખક સૂચવે છે કે ગાંધીજીએ જે અનેક મોરચે કામ કર્યું તે કેટલું જરૂરી હતું! તે સમયે દંભ, પાખંડ, ધર્માંધતા, અજ્ઞાનતા દરેક સ્તરે સમાજમાં ફેલાયેલા હતા. અંગ્રેજી કેળવણી મેળવેલા અને વધારે ભણેલા અને બ્રિટિશ નોકરીઓમાં કામ કરતા ભારતીયો અંગ્રેજ સરકારથી અભિભૂત હતા. કૉંગ્રેસના સભ્યો સ્વતંત્રતા માટે કામ કરતા હતા તે જાણે દેખાડો કરવા માટે હોય તેમ લાગતું હતું. તેઓ અનેક જાતના ઠરાવો પસાર કરતા પણ કોઈ નક્કર પગલાં લેતા નહીં. મોહનદાસ કોને કોને ત્યાં રહ્યા, કોને મળ્યા, તેમનો નિત્યક્રમ કઈ રીતે રહેતો તેનું બારીકાઈભર્યું વર્ણન નવલકથામાં છે. ફિનિક્સ આશ્રમના એમના અંતેવાસીઓને કામચલાઉ રહેવાની વ્યવસ્થા શાંતિનિકેતનમાં કરવામાં આવી હતી. પ્રકરણ બેમાં પાત્રોનાં નામ ઉમેરાતાં જાય છે. પ્રાણજીવન મહેતા, રેવાશંકર ઝવેરી, નરોત્તમ મોરારજી, ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈ વગેરે પાત્રો કથામાં આવે છે. સામાન્ય નવલકથામાં લેખક ગમે તે નામ રાખી શકે. જ્યારે અહીં બધાનાં સાચાં નામ, તેમના સ્વભાવનું વર્ણન, મળવાના સ્થળ સમયને પણ વફાદાર રહેવાનો પડકાર રહે. લેખકે તે ચીવટથી આલેખ્યાં છે. મોહનદાસનો પહેરવેશ, વિચારવાની રીત તેમને મળવા આવનાર દરેકને નવાઈ પમાડે છે. ભારતભ્રમણમાં જે વિવિધ અનુભવો થાય છે તેનું વર્ણન લેખકે કર્યું છે. કાઠિયાવાડમાં પ્લેગની મહામારી તે સમયે ફેલાઈ હતી. રાજકોટ સ્ટેશન પર સગાંસંબંધી અને શહેરના મોટા આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત થયું. નવ વર્ષ પછી તેઓ પાછા વતન આવે છે. મોહનદાસ રાજકોટના ઠાકોર લાખાજીરાજની મુલાકાત લે છે. દેશી રાજ્યના ભાયાતોની ખટપટો, લોકોના આળસુ સ્વભાવનું આલેખન છે. ઈ. સ. ૧૯૧૫માં અમદાવાદની વસ્તી લાખ જેટલી હતી તે સમયનું અમદાવાદનું વિગતે વર્ણન અહીં છે. શાંતિનિકેતન તરફ જતા પહેલાં મોહનદાસ અમદાવાદના શ્રેષ્ઠિઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સામાજિક કાર્યકર્તાઓ, સાધુ, મહંતોને મળે છે. લેખકની ખૂબી એ છે કે મોહનદાસની યાત્રાની સાથે સાથે આપણી પણ જાણે યાત્રા થતી હોય એમ લેખક અનુભવ કરાવે છે. ભારતયાત્રા દરમિયાન મોહનદાસને અનુભવ થાય છે કે દેશના દરેક નાગરિકને જો સ્વતંત્રતાનો અનુભવ કરાવવો હશે તો અનેક સ્તરે કામ કરવું પડશે. ફિનિક્સ આશ્રમમાં રહેનાર અંતેવાસીઓને મળવા મોહનદાસ શાંતિનિકેતનમાં જાય છે અને ત્યાં તેમની રવીન્દ્રનાથ ટાગોર સાથે મુલાકાત થાય છે. મંગળદાસશેઠે મોહનદાસને અમદાવાદમાં કોચરબ આશ્રમ સ્થાપવામાં મદદ કરી. કોચરબમાં ગોઠવાયા પછી મોહનદાસે સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય એવી અમદાવાદની સંસ્થાઓ, વ્યક્તિઓ સાથે સંપર્ક વધાર્યો. નાનાલાલ કવિ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકરને તેઓ મળ્યા. રાજકીય ચર્ચાઓ ઓછી કરી એમણે રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ સૌનું ધ્યાન વાળ્યું. રાષ્ટ્રીય શાળા, હાથસાળથી કાપડ બનાવવું, રૂમાંથી સુતરાઉ કાપડ બને એવા ચરખાની શોધ કરવી, મિલોને કારણે મરી ગયેલો ગ્રામ ઉદ્યોગ જીવતો કરવા પ્રયાસ કરે છે. અંગ્રેજીને બદલે મોહનદાસે માતૃભાષા ઉપર ભાર આપ્યો, શિક્ષણને લગતા કાર્યક્રમ કર્યા. ૧૯૧૫ના ડિસેમ્બર મુંબઈમાં હિન્દી રાષ્ટ્રીય કૉંગ્રેસનું અધિવેશન હતું. તેઓ ત્યાં જાય છે અને ધ્યાનથી જુએ છે. રાષ્ટ્રીય કૉંગ્રેસ હતી પણ અનેક વિચારોના શંભુમેળા જેવી, નક્કર કાર્યક્રમ વગરની હતી. તેમાં તેઓ સભ્ય નથી થતા. ૧૯૧૫, જાન્યુઆરીમાં મોહનદાસ આવ્યા, પ્રવાસ કર્યો, આશ્રમ સ્થાપ્યો. ૧૯૧૫, ડિસેમ્બરમાં જ્યારે અધિવેશન થયું ત્યાં સુધી મોહનદાસના મનમાં શું કરવું તેની રૂપરેખા સ્પષ્ટ થઈ ચૂકી હતી. અધિવેશનમાં તેઓ સમગ્ર દેશના નેતાઓને મળે છે. પ્રકરણ ત્રણમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના અને બ્રિટને ઘોડા, દવા, શસ્ત્રો, ખાદ્ય ચીજો, લોખંડ, લાકડું ભારતમાંથી યુદ્ધ માટે બળજબરીથી મંગાવવા માંડ્યું તેની વાત કરી છે. દેશી રાજાઓ પ્રજાને તેમાં પરાણે જોતરે છે. મોહનદાસ સૈનિક ભરતીને પ્રોત્સાહન આપે છે. લોકમાન્ય વિરોધ કરે છે. પહેલું વિશ્વયુદ્ધ શરૂ થાય છે. આ તકનો ફાયદો લઈ શીખ અને બંગાળી મંડળો હિંસાને રસ્તે સ્વતંત્રતા મેળવવાના રસ્તા અજમાવે છે. તો બીજી તરફ મોહમ્મદઅલી ઝીણા મુંબઈના બાહોશ વકીલ મુસ્લિમ લીગની મિટિંગ તાજ હોટેલમાં થતી ગોઠવે છે. અલગ મતદારમંડળની માંગ કરે છે. બંગાળ અને ગુજરાતમાં એક જ સમયે બનતી અનેક ઘટનાઓ વિશે લેખક અહીં વર્ણન કરે છે. પ્રકરણ ચારમાં ૧૯૧૬માં અમદાવાદ આશ્રમને સ્વાવલંબી બનાવવાની દિશામાં મોહનદાસ કામ કરે છે. હાથસાળ પર વણાટની તાલીમ બધાને અપાય છે. રાષ્ટ્રીય શાળામાં ભણાવવા માટે જે શિક્ષિત વર્ગ છે એમને અનુરોધ કરે છે. બનારસ હિંદુ યુનિવર્સિટીના શિલારોપણ વિધિમાં પંડિત મદનમોહન માલવિયા મોહનદાસને બનારસ બોલાવે છે. મોહનદાસ જાય છે, ભાષણ કરે છે. મહારાજાને ઘરેણાં ઉતારી સેવા કરવાની ટકોર, પોલીસતંત્રની ટીકા, કાશી વિશ્વનાથ મંદિરની આસપાસ ફેલાયેલી ગંદકી, ઠરાવો કર્યા કરતી કૉંગ્રેસની ટીકા કરીને વિદ્યાર્થીઓને સ્વરાજની લડતમાં જોડાવવા કહે છે. વિનોબા ભાવે ત્યારથી વિદ્યાર્થી અવસ્થાથી મોહનદાસ સાથે જોડાય છે. વલ્લભભાઈ પટેલ, નરહરિ પરીખ, મહાદેવ દેસાઈ મોહનદાસ સાથે કઈ રીતે જોડાય છે તેનું આલેખન અહીં છે. પ્રકરણ પાંચમાં ૧૯૧૭ની સાલનું નિરૂપણ છે. આ વર્ષ વધુ ગતિવાળું બન્યું. ત્રણ સત્યાગ્રહો – મિલમાલિકો સામેનો, ચંપારણનો અને ખેડાનો – તે ત્રણની વાત કરતાં દસ્તાવેજીકરણને વફાદાર લેખક વચ્ચે તારીખો પણ આપે છે. આ રીતે નવલકથા એક સંદર્ભગ્રંથની ગરજ પણ સારે તેવી છે. ચંપારણ પ્રકરણ પાન નંબર ૧૩૭થી ૧૬૧ સુધી આખું છે. લેખકે તે ખૂબ બારીક વિગતોથી આખું પ્રકરણ લખ્યું છે. તેની પાછળ આવનારા સત્યાગ્રહોની જાણે કે તે પીઠિકા પૂરી પાડે છે. પ્રકરણ છમાં અમદાવાદ શહેરની ઘટનાઓ – પ્લેગ, મિલમજૂરોની ચળવળની માહિતી છે. ખેડા જિલ્લામાં મોહનલાલ પંડ્યા ગામેગામ ફરે છે અને લોકોને સજાગ કરે છે તે દર્શાવ્યું છે. લેખકે સ્વરાજની લડતમાં સ્થાનિક કક્ષાએ મહત્ત્વપૂર્ણ કામ કરનારના પ્રદાનની નોંધ લીધી છે. દરેક સક્ષમ સર્જક કૃતિના સ્વરૂપે નવું સ્વરૂપ આપે, નવું રૂપ આપે. લોકોને તે સ્વરૂપ વિશે ફરીથી વિચારવા પ્રેરે. સત્ય કંઈક એવી જ નવલકથા છે. જાગૃત ગાડીત કહે છે, તે પ્રમાણે “ ‘સત્ય’ એ આપણા પરંપરાગત મૂલ્ય લેખન અને સર્જનાત્મક ઇતિહાસ લેખનના ત્રિભેટે ઊભેલી રચના છે. આધારભૂત ઐતિહાસિક તથ્યોનું સાહિત્યિક અને સર્જનાત્મક નિરૂપણ અહીં નવીન બની રહે છે. અતિ જાણીતો આ વિષય કોઈપણ લેખક માટે પડકારરૂપ બને.” લેખક જયંત ગાડીતે આ પડકાર સ્વીકાર્યો તે તેમના સર્જક માટે જરૂરી લેખનની સાહસિકતા સૂચવે છે.

‘સત્ય બે - જ્વાળા’

બીજો ભાગ મહાદેવભાઈ દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ થયો છે. ‘સત્ય ૨-જ્વાળા’ નવલકથામાં આઠ પ્રકરણ છે. લગભગ સાડા ચારસો પાનાંમાં સ્વરાજની ચળવળનું અનુસંધાન આગળ વધે છે. ‘સત્ય ૨ જ્વાળા’નું બીજા ભાગનું કથાવસ્તુ જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટનનો વિજય થાય છે. લોકમાન્ય તિલક અને એની બેસન્ટની હોમરૂલ ચળવળ સરકારને અશાંત કરે છે. મોન્ટેગ્યું જેમ્સફર્ડ સુધારા, રોલેટ બિલ ખરડાના વિરોધમાં બધા જ ભારતીય પ્રતિનિધિઓ જોડાય છે. મોહનદાસ પોતાની શરતે કોઈ રાષ્ટ્રીય સંસ્થામાં જોડાવા માંગે છે. મોહનદાસના રેંટિયો, બકરીનું દૂધ, બરફના ઉપચારો, આશ્રમના નિયમો અન્ય નેતાઓને બિનજરૂરી લાગે છે. અંતેવાસીઓના આંતરિક ઝઘડા, મગનલાલ ગાંધીનો વિરોધ પણ સમસ્યાઓ ઊભી કરે છે. દેશના પ્રશ્નોની સાથે મોહનદાસ આશ્રમના અને અંગત જીવનના પ્રશ્નોનો કઈ રીતે વિચાર કરી ઉકેલનો પ્રયત્ન કરે છે તેનું વર્ણન અહીં છે. મોહનદાસના ચરિત્રની વિશિષ્ટતાનું એક પણ પાસું રહી ન જાય તે માટે લેખક સજાગ છે એમ લાગે છે. અંગત લાગણીઓ અને ફરજપાલન વચ્ચે મૂંઝાતા મહાદેવ દેસાઈ અને દુર્ગાની લાગણીઓને લેખકે વાચા આપી છે. વલ્લભભાઈ, અનસૂયા સારાભાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, કાલેલકર, નરહરિ પરીખ, સરોજિની નાયડુ, જમનાદાસ દ્વારકાદાસ વગેરે પાત્રોનો પરિચય વાચકને થતો જાય છે. તબિયત નરમ છતાં રોલેટ બિલ કાયદાનો સક્રિય રીતે વિરોધ મોહનદાસ કરે છે. મોહનદાસ પોતાના સત્ય અને અહિંસાના વિચારો વધુ સ્પષ્ટ કરવા માટે પ્રતિજ્ઞાપત્ર તૈયાર કરે છે. તે સમયની કૉંગ્રેસ કે કોઈ સંગઠનમાં જોડાવાને બદલે નવી પદ્ધતિએ નવું સંગઠન કરવાનું આયોજન કરે છે. સત્યાગ્રહ આંદોલન માટે બધા મોટા નેતાઓ આ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરે છે અને આ પ્રતિજ્ઞાપત્રને સમાજમાં ફેરવે છે. સત્યાગ્રહનું શસ્ત્ર મજબૂત થતું જાય છે. મોહનદાસની નજર સમાજના દરેક પાસા પર ફરે છે. તે સમયના સમાજમાં જે ખામીઓ છે તે પણ સાથે દૂર કરવાની યોજનાઓ વિચારાય છે. ઉદ્યોગપરાયણ રાષ્ટ્રીય શિક્ષણનો વિચાર હવે આવે છે. હરિલાલની પત્નીનું મૃત્યુ થાય છે. તેનાં ચાર બાળકોનો આશ્રમમાં ઉછેર થાય છે. મોહનદાસ કુટુંબની જવાબદારી પણ નિભાવે છે. તેઓ દિલ્હી કે મુંબઈ ક્યારે ગયા, વાઇસરોયને ક્યારે મળ્યા તે બધું વર્ણન પણ અહીં છે. વાઇસરોયની મુલાકાત સમયના આલેખનમાં લેખકની વર્ણનશક્તિ ખીલી છે. વાઇસરોયનો પહેરવેશ મોહનદાસનો પહેરવેશ બધું લેખકે નિરાંતે આલેખેલું છે. મુસ્લિમોને સત્યાગ્રહ આંદોલનમાં કેવી રીતે જોડવા તે વિશે તેઓ વિચારે છે. મોહનદાસ દરેકને પોતાની આંતરિક શક્તિનો પરિચય થાય તેવા પ્રકારનું આયોજન કરે છે. સંવાદોનો અવકાશ ઓછો હોવા છતાં લેખકે રસનિષ્પત્તિ કરવા માટેનાં સ્થાન પ્રસંગોપાત્ત શોધી લીધાં છે. અલાહાબાદમાં મદનમોહન માલવિયા, મોતીલાલ નહેરુ જેવા સ્થાનિક નેતાઓને મળીને મોહનદાસ સત્યાગ્રહ વિશે સમજાવે છે, પ્રતિજ્ઞાપત્ર આપે છે. જવાહરલાલ તેમના તરફ ખેંચાય છે. સત્યાગ્રહની પ્રતિજ્ઞા સરકારને પણ મોકલે છે અને પોતાનું વલણ સ્પષ્ટ કરે છે. મદ્રાસના નેતાઓને મળે છે અને સત્યાગ્રહ વિશે સમજાવે છે. બધો જ વખત મહાદેવ દેસાઈ હંમેશાં સાથે જ હોય છે. રાજગોપાલાચારી, કસ્તુરી રંગસ્વામી દક્ષિણ ભારતમાં મોહનદાસના કાર્યને આગળ ધપાવે છે. આ રીતે સત્યાગ્રહની ભૂમિકા ઊભી કરી સમગ્ર દેશમાં સભાઓ ભરાય છે, સરકારનો વિરોધ થાય છે. પણ આરંભે આ પદ્ધતિની સામાન્ય જનમાનસમાં સમજણ ન હોવાથી હિંસા થાય છે. નેતાઓ મૂંઝાય છે કે આ સત્યાગ્રહની ચળવળ કેવી રીતે ચલાવવી. માર્ગદર્શન માંગે છે. સત્યાગ્રહી એવા પ્રકારની હસ્તલિખિત પત્રિકા બધા લખીને એકબીજાને મોકલે છે. મોહનદાસનું આ આયોજન છે. સરકારનો વિરોધ કરવા પ્રતિબંધિત પુસ્તકો વેચે છે, સ્વરાજ માટે ફાળો એકઠો કરે છે. આ જ બધી ગૂંચવણોમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થાય છે. મોહનદાસ બ્રિટિશ સલ્તનતે આપેલો ખિતાબ પાછો આપે છે. પોતાના વિચારો પહોંચાડવા મોહનદાસ ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ સામયિકોનો આધાર મળે છે. તેના ભાગરૂપે સ્વદેશી ઝુંબેશ ચાલુ થાય છે. સરલાદેવી અને ગાંધીજીના એકબીજા પ્રત્યેના આકર્ષણની વાત પણ લેખક વિગતે કરે છે. વિશ્વયુદ્ધ, ખિલાફત આંદોલન, કૉંગ્રેસનાં અધિવેશનો, ઠરાવો, તેમાં થતા મતભેદ, નવી નીતિઓ, સતત વિચારતા, સુધારા-વધારા કરતા વણથંભ મોહનદાસનાં વર્ણનોથી ભરપૂર નવલકથાનો બીજો ભાગ વાચકમાં ઉત્સુકતા જગાડે છે. અસહકારની લડત માટે મોહનદાસ જે પદ્ધતિનો ઉપયોગ કરવા માંગે છે તે વિશે તે સમયના લગભગ બધા જ નેતાઓ તે સફળ થશે કે કેમ એવી શંકા સેવતા હતા. એનું વિગતે વર્ણન છે. નવલકથાનું જે સ્વરૂપ હોય તેમાં વિગતોખચિત વર્ણન કેટલા અંશે હોવું જોઈએ એ લેખકે ધ્યાન રાખવું પડે. અહીં તો નવલકથાના સ્વરૂપને પડકાર મળે એ રીતનું દસ્તાવેજીકરણ અનિવાર્ય બને છે. પાત્રોના મનોભાવો કે પાત્રના વિકાસની તક આ પ્રકારની નવલકથામાં મળવાં અઘરાં છે એમ સ્વીકારવું પડે. મહમદઅલી ઝીણા મોહનદાસની કાર્યપદ્ધતિ સામે કાયમ વિરોધ નોંધાવે છે. અસહકારના ભાગરૂપે ગાંધીજી વિદ્યાર્થીઓને શાળા અને કૉલેજો અને વકીલોને વકીલાત છોડવાનું કહે છે. મોહનદાસ કયા મહિનામાં, કયા પ્રદેશમાં અને કયાં શહેરોમાં જાય છે તેનું વિગતખચિત વર્ણન નવલકથામાં છે. સ્વાવલંબી સ્વતંત્ર વૈકલ્પિક શાળા કૉલેજો ખોલવાના પડકાર વખતે વલ્લભભાઈએ ૧૦ લાખ રૂપિયા ઊભા કરી આપ્યા અને મોહનદાસે ઑક્ટોબર ૧૯૨૦માં અમદાવાદમાં પહેલી રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના કરી. વિદેશી કપડાની હોળી, દારૂના પીઠાઓ પર પિકેટિંગ માટે સ્ત્રીઓ મોટી સંખ્યામાં ભાગ લે છે. ઉપરાંત સામૂહિક કાનૂનભંગ, પ્રિન્સ ઑફ વેલ્સના સ્વાગત માટેનો બહિષ્કાર જેવા કાર્યક્રમો દ્વારા ગામેગામની જનતાને મોહનદાસ જાગૃત કરે છે. બારડોલીમાં સવિનય કાનૂનભંગ, ચૌરીચૌરામાં તોફાન, મોહનદાસના ઉપવાસનું આલેખન ઇતિહાસને સજીવન કરે છે. અહીં મોહનદાસની ધરપકડ અને તેમની યરવડા જેલની દિનચર્યા આલેખાઈ છે. એક વર્ષ સુધી બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે મોહનદાસને કોઈ જ ખબર આપવામાં આવતા નથી. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે થયેલી તે એકતા તૂટતી જાય છે. ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ, સાયમન કમિશનનો વિરોધ, લાલા લજપતરાયની આગેવાની, રાજગુરુ, સુખદેવની વાત અહીં છે. અસહકાર વખતનું વાતાવરણ બદલાય છે. બધું જાણે પહેલાં જેવું જ ફરી થઈ જાય છે. બારડોલી સત્યાગ્રહ સફળ થાય છે, મગનલાલનું મૃત્યુ થાય છે એ બે મોટી ઘટના બને છે. ૧૯૨૯, ડિસેમ્બરમાં લાહોર કૉંગ્રેસ જવાહરલાલને પ્રમુખ બનાવે છે. લાહોર કૉંગ્રેસ ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ના પૂર્ણ સ્વરાજ દિવસ ઊજવે છે. મીઠાનો કાયદો તોડે છે. મોહનદાસ તે સમયે ૬૧ વર્ષના હતા. મોહનદાસ લોકોમાં ફરી જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે. સુરતમાં તે સમયે એક લાખ લોકો તેમને સાંભળવા માટે આવેલા. આ પ્રકારની વિગતોમાં લેખકનો વિષયનો ઊંડો અભ્યાસ જોવા મળે છે. ધરાસણા સત્યાગ્રહ સમયે સ્ત્રીઓને બે મોરચા ગાંધીજીએ સોંપ્યા. દારૂના પીઠા ઉપર પેકેટિંગ કરવું અને વિદેશી કાપડ વેચતી દુકાન ઉપર પેકેટિંગ કરવું. સ્ત્રીઓને આ રીતે સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનું ભગીરથ કાર્ય આ રીતે મોહનદાસે બજાવ્યું. જો પોતે પકડાય તો પછી કોણ આગેવાની લેશે તેની યોજનાઓ પાકી થાય છે. અબ્બાસ તૈયબજીને તે કામ સોંપાય છે. યોજનાબદ્ધ કાર્યક્રમ થાય છે. ધરાસણા સત્યાગ્રહ આગળ વધે છે. ગાંધીજીને યરવડા જેલમાં પૂરવામાં આવે છે. તૈયબજી આગેવાની લે છે. સત્યાગ્રહીઓની ટુકડીને લઈને આગળ વધે છે. જ્યારે તેમને પણ જેલમાં પૂરવામાં આવે છે ત્યારે સરોજિની નાયડુ લડત આગળ કરે છે. ઇમામ સાહેબ, મણિલાલ ગાંધી, નરહરિ પરીખ, પ્યારેલાલ બધા સત્યાગ્રહીઓ પર લાઠીચાર્જ કરવામાં આવે છે. વિશ્વમાં તે સમાચાર પહોંચે છે. આ રીતે અહિંસક વિરોધ કરતી વ્યક્તિઓ પર થતી હિંસાની આખા વિશ્વમાં ટીકા થાય છે. મોહનદાસ સાથે વૈચારિક મતભેદો ધરાવનાર રવીન્દ્રનાથ ટાગોર પણ ૧૭ મે, ૧૯૩૦માં બ્રિટિશ રાજ્ય અને યુરોપ વિરુદ્ધ લખે છે. કસ્તુરબા અને સ્ત્રીઓ દારૂ અને વિદેશી વસ્તુઓનું પીકેટિંગ કરતાં લાઠીચાર્જ પણ ખમે છે. રૂંવાડાં ઊભા થઈ જાય તેવી ઘટનાઓથી ભરપૂર નવલકથાનો આ બીજો ભાગ વાચકના મનમાં પોતાના પુરોગામીઓ માટે આદરનો ભાવ જન્માવે છે. લેખક એ ભાવ ઉપસાવવામાં સફળ રહ્યા છે. સત્ય અને અહિંસાનો પાવક પ્રજ્વલિત અગ્નિ ધીમે ધીમે વિસ્તરે છે અને માન્ના સમૂહને જ્વાળાની જેમ પોતાના ભરડામાં જાણે લે છે. અહીં બીજો સત્ય ભાગ બે જ્વાળા સમાપ્ત થાય છે.


‘સત્ય ત્રણ - ધૂંધવાતો અગ્નિ’

સત્ય ત્રણ ધૂંધવાતો અગ્નિ. ત્રીજા ભાગમાં છ પ્રકરણ છે. ૨૩૨ પાન છે. દાંડીકૂચનો કાર્યક્રમ અને મોહનદાસની ધરપકડથી આ ભાગ શરૂ થાય છે. સરહદપ્રાંતમાં ખાન અબ્દુલ ગફારખાન પેશાવરમાં સરઘસ કાઢી અહિંસક કૂચ કરે છે. અસહકારની લડતને ટેકો આપતા બનાવો વારેવારે બનવા લાગ્યા. મજૂરોએ મિલમાં હડતાલ પાડી. દારૂ અને વિદેશી કાપડની દુકાનો પર વધુ જોશમાં પીકેટિંગ ચાલુ થયું. પોલીસ હુમલા વધ્યા. મુંબઈમાં પારસીઓએ પણ અસહકાર લડતને ટેકો આપતા મોટું સરઘસ કાઢયું. દેશના વિવિધ ભાગોમાંથી સત્યાગ્રહી આગેવાનોની ધરપકડો થઈ. અહીં આપણને પ્રશ્ન થાય કે જીવનચરિત્ર અને કોઈ વ્યક્તિવિશેષ પરની નવલકથામાં કોઈ ફરક ખરો? તેનો ઉત્તર નવલકથામાં કલ્પેલા પ્રસંગો કેટલી હદે પ્રમાણભૂત લાગે છે તે હોઈ શકે. અહીં આઝાદીના આંદોલનની કથાને જયંત ગાડીતે સત્યોના સંઘર્ષ તરીકે જોઈ છે. ગાંધીજી સાથે અન્ય વ્યક્તિ, પ્રસંગોનાં પણ સત્યો હતાં. તેનો ટકરાવ અહીં ઝિલાયો છે. અંગ્રેજો હવે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ પૂરા બળથી કરવા લાગે છે. પહેલી ગોળમેજી પરિષદમાં અંગ્રેજોએ પોતાને વફાદાર એવા રાજાઓ, પછાત જાતિના નેતાઓ અને પોતાની તરફેણ કરે તેવા ભારતીય નેતાઓને રાખ્યા હતા. પણ કૉંગ્રેસના મોટાભાગના બધા નેતાઓ જેલમાં હતા એટલે કોઈ નિર્ણય પર પહોંચી શક્યા નહીં. સત્યાગ્રહ આંદોલન અનેક વટહુકમો કાઢીને પણ અંગ્રેજો દબાવી ન શક્યા. તેથી તેઓ બેચેન હતા. મોહનદાસે હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂક્યો ત્યારે જવાહરલાલ અને ખાન અબ્દુલગફારખાન જેલમાં હતા. દેશની પરિસ્થિતિ જોતાં મોહનદાસને લાગે છે કે ફરી સત્યાગ્રહ શરૂ કરવાની જરૂર છે. ૮ નવેમ્બર ૧૯૩૩ વર્ધાથી મોહનદાસની અસ્પૃશ્યતા નાબૂદીની નવ મહિનાની યાત્રા શરૂ થાય છે. ઠક્કરબાપા વરસોથી હરિજન સેવાના કાર્યમાં પ્રવૃતિ મળે છે. તેમણે ખૂબ મહેનત ઉઠાવી યાત્રાનું આયોજન કર્યું. આ પ્રશ્નને પણ ગાંધીજીએ ખૂબ ગંભીરતાથી લીધો હતો અને તેના માટે પણ ખૂબ પ્રયત્ન કર્યા હતા. લેખકે પણ તેની ખૂબ બારીક વિગતો નવલકથામાં આપી છે. ‘હરિજન’ અને ‘હરિજનબંધુ’ સામયિક દ્વારા મોહનદાસ પોતાના વિચારો લોકો સુધી પહોંચાડતા હતા. સનાતની હિંદુ ધર્મના રક્ષકો તેનો વિરોધ કરે છે. નવલકથાનાં છેલ્લાં પાનાં વિગતોથી ભરપૂર છે. નવલકથા વાંચતા હોઈએ એના કરતાં માહિતીઓ વાંચતા હોઈએ તેમ વધારે લાગે. મોહનદાસની સ્વદેશી કાર્યપદ્ધતિ, સામાજિક સુધારાની ઝુંબેશ હવે ઓસરતી દેખાય છે. મોહમ્મદ અલી ઝીણા કાયમ માટે ઇંગ્લૅન્ડ ચાલ્યા ગયા હતા તે હવે ભારત પાછા ફરે છે. ૧૯૩૪માં થયેલી ચૂંટણીમાં મુંબઈમાંથી મુસ્લિમોની અનામત બેઠક પર તેઓ કેન્દ્રીય ધારાસભામાં બિનહરીફ ચૂંટાય છે. પહેલાં મોહનદાસની સાથે સ્વતંત્રતા ચળવળના કાર્યક્રમમાં મદદ કરનાર ઝીણા હવે મુસ્લિમ હિતોના પ્રતિનિધિ બને છે. તે દરમિયાન મોહનદાસના સામાજિક ઉત્કર્ષ માટેના પ્રયત્નો ચાલુ રહે છે. ગ્રામઉદ્યોગોના ઉત્કર્ષ માટે તેઓ સંસ્થા સ્થાપે છે. મોહનદાસ વર્ધાની પાસેના સેગાંવમાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપી તેને પોતાની કર્મભૂમિ બનાવે છે. સમય જતાં મોહનદાસના સત્ય, અહિંસા અને અન્ય વિચારોમાંથી લોકોનો વિશ્વાસ દૂર થતો જાય છે. બીજી તરફ અંગ્રેજો સ્વરાજ આપે તેવી કોઈ આશા દેખાતી નથી. એ પરિસ્થિતિમાં મોહનદાસ ગ્રામ ઉદ્યોગને આગળ લાવવા માટેની ઝુંબેશ શરૂ કરે છે. પ્રજાને ટકાવી રાખવા માટે સમાજ જીવન માટે જરૂરી એવા સામાજિક આર્થિક સુધારા તરફ લોકોને વાળે છે અને બીજી બાજુ સ્વતંત્રતા માટેના પ્રયાસો પણ ચાલુ રાખે છે. કૉંગ્રેસની અંદર તિરાડો પડતી જાય છે. જવાહરલાલ અને સુભાષચંદ્ર બોઝ મોહનદાસના ઘણા વિચારો સાથે સંમત થતા નથી. ૧૭ સપ્ટેમ્બર, ૧૯૩૪ના રોજ મોહનદાસ વર્તમાનપત્રોમાં બે નિવેદન આપે છે અને વિસ્તારથી પોતાના કૉંગ્રેસ છોડવાનાં કારણો પ્રજા સમક્ષ મૂકે છે. સમય જતાં કૉંગ્રેસના નવા પ્રતિનિધિઓ આવે છે. જવાહરલાલ અને વલ્લભભાઈ કૉંગ્રેસના મુખ્ય નેતાઓ તરીકે આગળ આવે છે પણ હવે તેઓને પણ મોહનદાસ સાથે વૈચારિક મતભેદ થાય છે અને કૉંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ પણ મોહનદાસની વિચાર પદ્ધતિને લઈને ચાલતા નથી. ચૂંટણીમાં હવે બીજા મુદ્દાઓ આગળ કરાય છે તે સમયે મોહનદાસ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દે છે તે નિરાશ થઈને નહીં પણ યુવા પેઢીને આગળ આવવા માટે અને ગ્રામ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, સ્વયંસેવકોને ગામડાઓમાં મોકલે છે. અસ્પૃશ્યતાના પ્રશ્નની સાથે વટાળપ્રવૃત્તિને પણ ઉત્તેજન મળે છે. હરિજનોને ખ્રિસ્તી બનાવવા માટે અને મુસલમાન બનાવવા માટેના પ્રયત્નો શરૂ થાય છે. આ પ્રવૃત્તિને કારણે મોહનલાલ દુઃખી છે અને વધારે આઘાત તો તેમને હરિલાલ મુસ્લિમ ધર્મ અંગીકાર કરે છે ત્યારે થાય છે. જવાહરલાલ સમાજવાદી વિચારધારા તરફ આકર્ષાયા અને તેમનાં ભાષણોમાં તે તેનો ઉલ્લેખ કરવા માંડ્યા. તેને કારણે વલ્લભભાઈ, રાજગોપાલાચારી અને રાજેન્દ્રપ્રસાદની લાગણી દુભાઈ. પ્રાંતની સરકાર આવી અને જ્યારે વહીવટ કરવાનો થયો ત્યારે વહીવટ કરવામાં કેટલી મુશ્કેલી ઊભી થાય છે, પ્રજાને આપેલાં વચનો પાડવામાં કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે તે ચૂંટાયેલા નેતાઓને સમજાયું. પોતાની જ ચૂંટેલી સરકાર અને પ્રતિનિધિઓની સામે પ્રજાને વિરોધ કરવો પડે છે. હરિલાલનો પ્રશ્ન. હરિલાલનું ખાતું બગડતું જાય છે. મુસ્લિમ ધર્મ અંગીકાર કરે કસ્તુરબાને આઘાત લાગે. તો બીજી તરફ મોહનદાસ પાયાના પ્રશ્નો પર કામ કરે. અંગ્રેજી કેળવણીની કાયાપલટ કરવા શરીર, બુદ્ધિ અને હૃદય ત્રણેને કેળવે એવી સાચી કેળવણીનો એક ઢાંચો ડૉક્ટર ઝાકીરહુસેન અને તેમની સાથે જોડાયેલા સભ્યોની કમિટી તૈયાર કરે છે. વર્ધા કેળવણી યોજના કે બુનિયાદી કેળવણી આવે છે. મોહનદાસ કહે છે, ‘ગામડામાં નિષ્ક્રિય બનેલા અનેક હાથને મારે ચાલતા કરવા છે. અત્યારે મારી સામેનું પહેલું લક્ષ્ય એ છે. આ કેળવણી દ્વારા એ શક્ય બનશે.’ પ્રાયોગિક ધોરણે ૧૯૩૯ના વર્ષમાં ઓરિસ્સા જેવા કેટલાક પ્રાંતોમાં બુનિયાદી શાળાઓ શરૂ થઈ. બુનિયાદી કેળવણીનો સખત વિરોધ મુસ્લિમ લીગ અને બીજાં મુસ્લિમ સંગઠનોએ કર્યો. ઝીણા મુસલમાનોની કોમી લાગણીઓ ભડકાવવાની એક પણ તક છોડતા નથી. મુસ્લિમ લીગ શસ્ત્ર વાપરવાની તાલીમ આપે, આવાં સશસ્ત્ર મુસ્લિમ સંગઠનો જોઈએ હિન્દુ મહાસભા પણ તલવાર અને લાઠી વાપરનાર એક રાષ્ટ્રીય સશસ્ત્ર દળ ઊભું કરવાનો નિર્ણય કરે. પ્રાદેશિક કૉંગ્રેસ સંગઠનો અને રાજકોટથી નીકળેલો યુવાન કૉંગ્રેસી કુછ રંગરાય ટેબલ વર્ધા સ્ટેશન પર ઊતરે છે તે વખતે લેખક જે વર્ણન કરે છે એમાં તેમની કલ્પનાશીલતાને અવકાશ મળે છે. મુક્ત અવકાશ મળે છે. રાજકોટના રાજા એશ્વર્યા મજપાન મારા જાહેરા વલ્લભભાઈ પ્રજા પરિષદમાં રાજકોટ આવે છે તેમને મદદ કરવા. રાજકોટના રાજા વીરાવાળાની વિરુદ્ધ ભાઈ અને કૉંગ્રેસના પ્રતિનિધિ પ્રજાને જાગૃત કરે.આ રીતે જે સ્થાનિક પ્રશ્નો પણ ઊભા થયા તે સમય દરમિયાનનું લેખકે વર્ણન કર્યું છે અને વલ્લભભાઈ રાજકોટનો પ્રશ્ન કઈ રીતે ઉકેલે છે તેનો ઉલ્લેખ કર્યો છે. મોહનદાસ રાજકોટ આવે છે. રાજકોટની લડાઈ લાંબી ચાલે છે. કસ્તુરબા અને મણી પણ ત્યાં છે. કસ્તુરબા બીમાર પડે છે. રાજકોટ સત્યાગ્રહની સમાંતરે મોહનદાસ એક બીજે મોરચે પણ સંઘર્ષ કરતા હતા. ચિત્તરંજનદાસના માનીતા શિષ્ય અને બંગાળના લાડીલા બનેલા યુવાન નેતા સુભાષચંદ્ર બોઝના વિચારો અને માન્યતાઓ અલગ હતા. આ સાથે નિર્વિકાર થવા માટેના મોહનદાસના સ્ત્રીઓ સાથેના પ્રયોગોની વાત સાથે ત્રીજો ભાગ પૂરો થાય છે. માત્ર અંગ્રેજો નહીં પણ દેશી રાજ્યોના રાજાઓ સાથે, પોતાની જ કૉંગ્રેસ કારોબારીના નેતાઓ, મુસ્લિમ લીગ, આંબેડકર એમ બધા જ મોરચે મોહનદાસ કેવી કુનેહથી કામ પાર પાડે છે તે લેખકે વર્ણવ્યું છે. તેમાં હરિલાલના અંગત પ્રશ્નો સાથે પણ મોહનદાસ કામ પાર પાડતા રહે છે, આગળ વધતા રહે છે. આ બધું હોવા છતાં સમાજની મૂળભૂત જરૂરિયાત જે છે તેના તરફથી તેમની નજર હટતી નથી. તે તરફ તેમનું હંમેશા ધ્યાન રહે છે. પ્રજાની સુખાકારી માટે, તેમને સામાજિક આર્થિક રીતે સદ્ધર કરવા માટેની જે નેમ છે તે સમગ્ર નવલકથામાં લેખકે વર્ણવી છે તેને ન્યાય આપ્યો છે.

‘સત્ય ચાર - દાવાનળ’

આ ભાગ ૧૯૩૯-૪૦ના સમયગાળાથી શરૂ થાય છે. આ ભાગમાં સાત પ્રકરણ છે. વિશ્વની રાજનીતિ વિશે ચર્ચા ચાલે છે. ઘણાં બધાં પાનાં સુધી તે લંબાઈ છે. ૩ સપ્ટેમ્બર, ૧૯૩૯. જર્મની અને રશિયા એકસાથે પોલેન્ડ પર હુમલો કરે છે. બ્રિટન અને ફ્રાન્સે જર્મની અને ઈટાલી સામે યુદ્ધ જાહેર કર્યું. મહાયુદ્ધની શરૂઆત થઈ ગઈ. બ્રિટિશ હિંદના પ્રાંતોમાં પ્રજાની સરકારો હતી. ભલે એમની સત્તાઓ અતિસીમિત હતી. બ્રિટિશ સરકારે પ્રજાના પ્રતિનિધિઓને પૂછ્યા વગર હિન્દુસ્તાનને યુદ્ધની આગમાં ફેંકી દીધું. મોહનદાસ વીસ વર્ષ પહેલાં યુદ્ધ વખતે બ્રિટનને હેરાન ન કરવાની જે વાત કરતા હતા તે હજી પણ એમ જ કરે છે. તેથી નેતાઓ અને પ્રજામાં અસંતોષ મોહનદાસ સામે. મુસ્લિમ લીગ અને ઝીણાની કટ્ટરતા વધતી જાય છે. બીજી તરફ મહાયુદ્ધ સમયને તંગ બનાવે છે. બ્રિટન જો જર્મનીની શરણાગતિ સ્વીકારે તો ભારતનું શું થશે? અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. બ્રિટનનું પતન. બ્રિટિશરો ભારત છોડશે? કોનું શાસન? કૉંગ્રેસના નેતાઓ એકબીજા સાથે ચર્ચા કરે છે. તે ચર્ચા દેખાય છે સંવાદરૂપે. લેખક વિસ્તારથી લખે છે. પ્રકરણ બેમાં ૧૯૪૦-૪૧ના સમયની વાત છે. મોહનદાસનું મનોમંથન લેખક વર્ણવે છે. ૩૦ વર્ષથી સાથે રહેતા સાથીઓ હવે બીજા માર્ગ પર ખસતા હોય એવું તેમને લાગે છે. મોહનદાસને સાથીઓ સાથે મૂળભૂત વિચારસરણીમાં ભેદ પડતો હોય એમ લાગે છે. સરકારને યોદ્ધા નીતિથી પ્રજામાં અસંતોષ. કૉંગ્રેસીઓ એમના પર થતા દમનથી અશાંત. કૉંગ્રેસ માટે અનુકૂળ વાતાવરણ હતું નિષ્ક્રિયતાથી નિરાશા. એ સમયે સામૂહિક સત્યાગ્રહ શક્ય નથી ત્યારે મોહનદાસ વૈયક્તિક સત્યાગ્રહનો ઉકેલ બતાવે છે અને એમના માટે વિનોબા ભાવેનું નામ રજૂ કરે છે. ૧૭ ઑક્ટોબર ૧૯૪૦ વૈયક્તિક સત્યાગ્રહનો પ્રારંભ. ભારતમાં લોકશાહી તંત્રની સ્થાપના ન કરે ત્યાં સુધી વાણી અને લેખનના સ્વાતંત્ર્ય એ લોકશાહી દેશના નાગરિક અધિકાર એટલે હું આ યુદ્ધનો વિરોધ કરું છું એમ વિનોબા સભાઓ ભરે છે. ચાર દિવસ પછી વિનોબાની ધરપકડ થાય છે. ભારત સંરક્ષણ ધારા હેઠળ ત્રણ મહિનાની કેદની સજા. બીજા સત્યાગ્રહી જવાહરલાલ. જવાહરલાલ ગોઠવાયા પણ પછી સંમત થયા પણ એ શરૂ કરે એ પહેલાં જ તેમની ધરપકડ. જવાહરે તકલીફો વેઠી, ગીતાનું વાંચન કર્યું. યોગાસનો કર્યા બાદ કામ કરી શરીર અને મનની સ્મૃતિમાં રાખ્યા અને ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ લખવાની તૈયારી કરી. સામૂહિક સત્યાગ્રહ માટે અનુકૂળ વાતાવરણ નથી હિંસા ફાટી નીકળવાની બેશક છે એટલે મોહનદાસ પોતે ઉપવાસ પર ઊતરવા માટે કહે છે. બીજી રીતે સત્યાગ્રહ ક્ષેત્ર વિસ્તારે છે. કારોબારી સમિતિ અને કેન્દ્રીય ધારાસભાનો કોઈ પણ કૉંગ્રેસી સભ્ય સત્યાગ્રહમાં જોડાઈ શકે છે જેના નામ મંજૂર કરાય તે જ સત્યાગ્રહ શરૂ કરી શકશે. ભાગ લેનાર દરેક સભ્ય પોતાનું નામ સ્થાનિક કૉંગ્રેસ સમિતિ આપે કુટુંબના આર્થિક બોજો ઉપાડી શકે તેજ સત્યાગ્રહમાં જોડાય. પહેલાં સત્યાગ્રહની જાણ કરે. જેલની સજા થાય તો સ્વીકારી લે. શારીરિક રીતે તંદુરસ્ત હોય. મોહનદાસે પહેલાં ૧૫૦૦ સત્યાગ્રહીઓને જુદા જુદા પ્રાંતોમાંથી પસંદ કર્યા. આંદોલનમાં બીજી એક નવી વાત એ હતી કે મોહનદાસ પોતે આ સત્યાગ્રહીઓની નિમણૂક કરતા એટલે ક્યાંય પણ અશિસ્ત કે બેજવાબદાર વર્તનની ફરિયાદ થતી નહીં બંગાળ કૉંગ્રેસ વિવાદોથી ભરેલી હતી સુભાષને અન્યાય થયો છે એ લાગણી બળવાન હતી. સુભાષ ક્રાંતિ સમિતિને વિશ્વાસમાં લીધા વગર આંદોલન ઊપડતું. એવા એક આંદોલનમાં સુભાષ અને તેમના ભાઈની ધરપકડ થઈ. કૉંગ્રેસે સરકાર સામે કોઈ વિરોધ નોંધાયો નહીં એટલે સુભાષ્યો સાથેની તિરાડ મોટી થઈ. સુભાષચંદ્ર બોઝે વૈયક્તિક સત્યાગ્રહમાં ભાગ લેવાની ઇચ્છા પ્રદર્શિત કરી. પરંતુ મોહનદાસે સંમતિ ન આપી, એવું કહ્યું, આપણી વચ્ચે આઝાદી મેળવવાની પદ્ધતિ અને સ્વરૂપ અંગે પાયાના મતભેદો છે, બંને જુદા માર્ગો પર ચાલીએ એ જ યોગ્ય છે. મોહનદાસનો આ સત્યાગ્રહ ‘જેલ ભરો આંદોલન’ તરીકે લોકોમાં જાણીતું છે. અનેક લોકો જેલમાં જવા મોહનદાસને પત્ર લખતા. આ રીતે જ્યારે જ્યારે પરિસ્થિતિ વિપરીત આવી પડે ત્યારે એ પરિસ્થિતિમાં પણ સ્થગિતતા આવતી જણાય તો તરત મોહનદાસ તેનો ઉકેલ કરી શકતા. અહિંસક વિરોધની અલગ અલગ રીતો બતાવી શકતા. લેખક તેમની આ ખૂબી બતાવે છે. જેલમાં જનારા સમાજમાં માનથી જોવાતા. પણ મુસ્લિમ નેતાઓ અને એમનાં સંગઠનો આ સત્યાગ્રહથી દૂર રહ્યાં. બીજા તબક્કામાં અનેક મોટા બાકી રહેલા નેતાઓ પણ જેલમાં ગયા. રાજગોપાલાચારી, વિજયાલક્ષ્મી પંડિત, રાષ્ટ્રવાદી મુસ્લિમ કૉંગ્રેસ પ્રમુખ કલામ આઝાદ, રફીક અહમદ, ફકરુદ્દીન અલી અહમદ, એસ.સત્યમૂર્તિ સાથે અન્ય વીસ હજાર સત્યાગ્રહીઓ જેલમાં ગયા. મુસ્લિમ લીગ દિલ્હીમાં મળેલી મહાસમિતિ ઠરાવ કરે છે. ૨૩મી માર્ચના દિવસને આખા દેશમાં પાકિસ્તાન દિવસ તરીકે ઊજવે છે. બીજી બાજુ ઝીણા દેશનાં મુખ્ય શહેરોમાં સભાઓ ભરી મુસ્લિમ સમુદાયોને ઉત્તેજિત કરતા રહે છે. મુસ્લિમ લીગ પ્રજાને ઉશ્કેરે છે. તેથી ઢાકાની આસપાસ ફરજિયાત ધર્મ પરિવર્તન હિંસાત્મક રીતે થાય છે. ઘણી મોટી વસ્તી ત્રિપુરા તરફ જાય છે. મોહનદાસ પાસે આવા સમાચારો આવતા રહે છે. બંગાળને પગલે મુંબઈ, બિહાર અમદાવાદમાં તોફાનો થયાં. આવા સમયે અહિંસાનું કઈ રીતે પાલન કરવું એવી મૂંઝવણ અનુભવતા પત્રો મોહનદાસ પર આવે છે. હિન્દુઓએ શું કરવું એવા મોહનદાસ પર પત્રોનો વરસાદ થાય છે. કૉંગ્રેસી માટે કોઈ હિન્દુ નથી. કોઈ મુસલમાન નથી. મુશ્કેલીમાં મુકાયેલા કોઈપણ હિન્દુ કે મુસલમાનની મદદે દોડી જવું એવા પ્રકારની સલાહ મોહનદાસ આપે છે ત્યારે સામાન્ય માણસને સ્વીકારવું અઘરું લાગે છે. મોહનદાસ આત્મબલિદાન આપવાનું કહે છે ત્યારે તેમના આ વિચારોનો વિરોધ થાય છે. કનૈયાલાલ મુનશી વિરોધ કરે છે અને એક હિન્દુ સંગઠન બનાવવાનું કહે છે. બીજી તરફ વિશ્વયુદ્ધનાં સમીકરણો બદલાતાં રહે છે. જર્મની અને રશિયા વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો હતા તે બદલાયા. રશિયા પર જર્મનીએ આક્રમણ કર્યું. મહાયુદ્ધની દિશા બદલાવાથી બ્રિટિશ સરકાર કૉંગ્રેસ સાથે સંબંધો સુધારવા માગતી હતી. સરકારે સત્યાગ્રહીઓને છોડ્યા. સવા વર્ષે કૉંગ્રેસ કારોબારીની બેઠક ફરી ગુજરાતના બારડોલીમાં ડિસેમ્બરના અંતમાં મળે છે. કારોબારીમાં કયા પ્રકારની ચર્ચાઓ થાય છે તે લેખકે વિસ્તારથી વર્ણવેલું છે. વૈચારિક મતભેદો સાથેની મહાસમિતિની બેઠકમાં મોહનદાસ કહે છે કે જવાહરલાલ મારા અનુગામી બનશે. પ્રકરણ ત્રણમાં ૧૯૪૨માં વિશ્વસ્તરે જાપાનની વધતી તાકાત અન્ય દેશોને ચિંતામાં મૂકે છે તેનું વર્ણન છે. જાપાનના એશિયાઈ દેશો પરના આક્રમણ વધે છે. જાપાન અન્ય પ્રદેશોમાં બ્રિટિશ સંસ્થાનોને હરાવે છે. ચીનના સેનાપતિ ચાંગકાઈ-શેક મોહનદાસને મળવા આવે છે તે ચર્ચિલને ગમતું નથી. જાપાને અમેરિકાના પર્લ હાર્બર પર વિનાશક હુમલો કર્યો. બ્રિટન પર ભારતને મુક્ત કરવા અમેરિકા અને ચીનનું દબાણ વધે છે. સ્વતંત્રતા મળ્યા પહેલાં કયા પ્રકારના ઠરાવો થાય છે અને તેના પર કેવા પ્રકારની ચર્ચા થાય છે તે અહીં છે. પૂર્ણ સ્વરાજ લેવા માટેના કાર્યક્રમોની યોજનાઓ થાય છે. હિંદ છોડો આંદોલન શરૂ થાય છે. પ્રકરણ ચારમાં ૧૯૪૦થી ૧૯૪૫ના સમયની સ્થિતિ લેખકે વર્ણવી છે. ભારતમાં સ્વતંત્રતાની ચળવળને સમાંતરે સુભાષચંદ્રના વિદેશોમાં જઈ મદદ મેળવવા માટેની પ્રવૃત્તિઓનું આલેખન ચોથા પ્રકરણમાં છે. પ્રકરણ પાંચમાં ૧૯૪૨થી ૧૯૪૪ના સમયનું વર્ણન છે. આગાખાન મહેલમાં મોહનદાસ, કસ્તૂરબા, મહાદેવ દેસાઈને નજરકેદ કરવામાં આવ્યા. સરોજિની નાયડુ, મીરાંબહેન અને ડૉ. સુશીલ નૈયર એમની સાથે હતા. મહાદેવ દેસાઈ અને કસ્તુરબાનું મૃત્યુ થાય છે. હિંદની પ્રજા અને નેતાઓ સતત અનિશ્ચિતતા વચ્ચે ઝઝૂમે છે. કુદરતી આફતો અછત વધારે છે. મોહનદાસ પાછા વર્ધાના આશ્રમમાં પાછા ફરે છે. ઝીણા સાથે ખૂબ લંબાણથી ચર્ચા થાય છે. મોહનદાસનું મનોમંથન અહીં ઘણાં પાનાં રોકે છે. ભારતમાં આવી લોર્ડ વેવલ આકાશવાણી પરથી વચગાળાની સરકાર રચવાનું જાહેર કરે છે. જૂના બંધારણ પ્રમાણે ચૂંટણીઓ જાહેર કરવામાં આવે છે. ૧૯૪૫ના ઉત્તરાર્ધમાં સુભાષચંદ્ર બોઝના મૃત્યુની અફવાઓ ફેલાય છે. આઝાદ હિન્દ ફોજના સૈનિકો મોહનદાસને મળે છે, એમની સાથે જોડાય છે. નવલકથાના અંતિમ પ્રકરણ સાતમાં ૧૯૪૬ અને તે પછીના સમયની વિસ્તારથી ચર્ચા પ્રસંગો અને સંવાદોના આલેખનથી થઈ છે. માર્ચ મહિનામાં બ્રિટનની આમસભામાં નવા ચૂંટાયેલા બ્રિટિશ વડાપ્રધાન એટલીએ જાહેર કર્યું કે થોડા વખતમાં જ ભારતને આઝાદ કરવામાં આવશે. પોતાનું રાજબંધારણ કેવું હશે તેની પસંદગી ભારતે જાતે કરવી પડશે. એ પછી મુસ્લિમ લીગ પોતાની અલગ પ્રદેશ પાકિસ્તાનની માંગણી સંતોષવા જે તોફાનો કરાવે છે તેનું હૃદયવિદારક વર્ણન છે. ૭૭ વર્ષની ઉંમરે મોહનદાસ શાંતિ સ્થાપવા નોઆખલીની મુસાફરી કરે છે. સ્વતંત્રતા સમયના ભાગલા વખતના કલકત્તા અને દિલ્હીમાં થયેલાં તોફાનો અટકાવવા મોહનદાસ આમરણાંત ઉપવાસ કરે છે અને આખરે એ દાવાનળમાં હોમાઈ જાય છે. લેખકે ચોથા ભાગને અંતે તેમના મુખે કહેવડાવ્યું છે, ભલે હું નિષ્ફળ ગયો પણ મારી સત્ય અને અહિંસા ઉપરની આસ્થા જરા પણ ઓછી નથી થઈ. હું મોહનદાસ કરમચંદ ગાંધી ભારતની ધરતી પર પાછો આવીશ. મને કોઈ પરાજિત નહીં કરી શકે. ચોથા ભાગને અંતે સંદર્ભસૂચિ આપેલી છે. ૧૧ પાનની સંદર્ભસૂચિ છે. તેના પર નજર નાખતાં આપણને ખ્યાલ આવે છે કે આ નવલકથા લખતા પૂર્વે લેખકે કેટલો ગહન અભ્યાસ કરેલો છે! સામાજિક જાગૃતિની સાથે સાથે નિરંતર તેઓ પોતાની અંદરના ભાવો તપાસતા રહે છે. ગમે તેવી વિગત પરિસ્થિતિમાં પણ તેઓ આંતરિક અશુદ્ધિઓ ઓગાળવા માટેના પણ પ્રયત્નો કરતા રહે છે, તેના તરફ ધ્યાન આપતા રહે છે. લેખકે મોહનદાસની પળે પળ જાગૃતિ, જીવન માટેની સજાગતા વર્ણવી છે. નોઆખલીનાં તોફાનોમાં પણ તેઓ બ્રહ્મચર્યના પ્રયોગો કરે છે. દરેકે દરેક નેતા આ બાબતે તેમનાથી નારાજ છે તો પણ તેઓ અડગ રહે છે. વાચકને માટે લેખક વાચકને વિચારતા કરી દે છે.

ડૉ. ઇંદુ જોશી
ગુજરાતી વિષયશિક્ષિકા, વડોદરા
કવિ, વાર્તાકાર, અનુવાદક, ફાર્બસ યુવાવિભાગના સંપાદક
મો. ૯૪૨૮૦૦૫૯૧૬
Email: indujoshi૩@gmail.com