ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/કોઈક ક્યાંક ઊભું છે.
Jump to navigation
Jump to search
કોઈ ક્યાંક ઊભું છે
નલિન રાવળ
પ્રેયસી?
ના
તું નહીં.
મિત્ર?
ના, તુંયે નહીં.
ના પ્રેયસી, ના મિત્ર, ના કોઈ નહીં.
પણ
કોઈ ક્યાંક ઊભું છે.
આ બળતા અવાજોથી ભર્યા બળતા નગરની
બ્હાર,
મારી કામનાના
આભથી પૃથ્વી લગી પથરાયલાં રેતીરણોની બ્હાર,
અણજાણ ઓળાઓ ભર્યા અવકાશનીયે બ્હાર
રણકે એક ગેબી સૂર
એ
સૂરનીયે પાર
ઊભું
કોઈ,
આ સૂર્યભીના દિવસના ને ચંદ્રભીની રાત્રિના પર્દા પૂંઠે
ક્યાંક
ઊભું કોઈ
કોઈ ક્યાંક મારી રાહ જુએ છે.