ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/રાત્રિ
રાત્રિ
સંજુ વાળા
સહેજ સંકોરી વાટ
દૃષ્ટિભેદમાં ડોકાતી
સીમાઓનો પાર પમાય
તે પહેલાં
માળિયામાંથી ઊતરી આવ્યા
આછા અણસાર
અરધાં રે ઊઘડતાં રાતાં અજવાળાં
અરધે ઊગ્યા
થરથરતા ઓછાયા અનઆધાર
ડુબાડે
ભયભીત કરી મૂકતાં
પ્રગાઢ કાળાં ભુખાળવાં પાણી
આઠ કૂવા ’ને નવ પાવઠાં રે
એવું કહેવાથી ઉલેચાતાં નથી.
સિંચણિયાં આંબતાં નથી, ગાગર ભરાતી નથી.
અભરે ભર્યાં છે,
માટલાંમાં, બેડાંમાં, વાવમાં, તળાવમાં
છતાં
કાળઝાળ તરસ છિપાવતાં નથી.
એવાં.
ફેલાતા હાથ
અને તૂટતા શ્વાસ
ખરખર ખરતા જોયા.
ગરકાવ ઓરડો ઊંઘ પાંદડીઓમાં
તરડાય, ફૂટે
પાતળી પળમાં પરોવાયેલ
ચૈતન્ય
કણસે
દ્વારદ્વારે પાંખ ફફડાવતી સંવેદ્યતા લોચો
લોથપોથ
ખુરશીમાં ફસડાઈ પડેલો દિવસ, હાંફે
લોહીમાં દોડતો આખ્ખો ઉનાળો
પીગળે, પિગાળે ધીમે
ધીમે
શાંત
નળમાંથી ટપકે પડઘમ તાલે
સળમાં સપડાયેલ આંગળીઓ
શોધે, કશુંક ન ખોવાયેલ
બારીનાં બરડ મિજાગરે પવન સિસકારે
અસંખ્ય અશ્વોની હણહણાટી તળે
કચડાઈ
ભુક્કો પરીઓનાં આર્દ્રગીત
ટેબલ પર ભજવાય ઑથેલો...
વચ્ચે,
છાતીમાં તીણાં શૂળ જાગતાં,
તંદ્રાધીન કાળખંડ પડખું બદલે
રાત્રિ વહે
ખળખળાટ વહે...