ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/ગંડતિન્દુ જાતક

From Ekatra Wiki
Revision as of 17:57, 12 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગંડતિન્દુ જાતક

પ્રાચીન કાળમાં કંપિલ્લ દેશના પંચાલ નગરમાં પંચાલ નામનો રાજા ખોટા રસ્તે ચાલીને, પ્રમાદી બનીને રાજ્ય કરતો હતો. તેના મંત્રીઓ પણ અધાર્મિક થઈ ગયા હતા. ભારે કરવેરાને કારણે પ્રજાજનો સ્ત્રી બાળકો સાથે જંગલી પ્રાણીઓની જેમ રહેતાં હતાં. ગામ ગામ ન રહ્યાં. પુરુષો રાજસેવકોના ભયથી આખો દિવસ ઘેર રહેતા ન હતા. ઘરની ચારે બાજુ કાંટા પાથરીને સૂર્યોદય થતાં વેંત વનમાં જતા રહેતા. દિવસે રાજસેવકો લૂંટે અને રાતે ચોર.

તે વેળા બોધિસત્ત્વ નગરની બહાર ગંડતિન્દુ વૃક્ષ પર દેવતા રૂપે જન્મ્યા. રાજા તરફથી તેમને દર વર્ષે હજારની કિંમતનો બલિ મળતો હતો, બોધિસત્ત્વે વિચાર્યું, ‘આ રાજા પ્રમાદવશ રાજ્ય કરે છે. આખો દેશ નાશ પામી રહ્યો છે. મારા સિવાય બીજું કોઈ રાજાને સાચા રસ્તે વાળી નહીં શકે. તે મને દર વર્ષે હજારનો બલિ ચઢાવે છે. એ રીતે મારા પર ઉપકાર પણ કરે છે. તો એને બોધ આપું.’

બોધિસત્ત્વ રાતે રાજાના શયનગૃહમાં તેના ઓશીકા પાસે પ્રકાશ ફેલાવતા, આકાશમાં ઊભા રહી ગયા. પ્રભાતના સૂર્યની જેમ દેદીપ્યમાન બોધિસત્ત્વને જોઈને રાજાએ પૂછ્યું, ‘કોણ છો તમે? શા માટે આવ્યા છો?’ તેની વાત સાંભળીને બોધિસત્ત્વે પૂછ્યું, ‘મહારાજ, હું તિન્દુક દેવતા છું. તમને ઉપદેશ આપવા આવ્યો છું.’

‘શો ઉપદેશ આપશો?’

બોધિસત્ત્વે કહ્યું, ‘મહારાજ, તમે પ્રમાદી રહીને રાજ કરો છો. તમારું રાજ્ય નષ્ટભ્રષ્ટ થઈ ગયું છે. રાજા જો પ્રમાદી હોય તો આખા દેશનો સ્વામી તે રહી શકતો નથી. આ જન્મમાં તો વિનાશ પામે છે, મૃત્યુ પછી પણ મહાન નરકમાં જન્મે છે. રાજા પ્રમાદી થાય તો તેનાં બધાં પ્રજાજનો પ્રમાદી થઈ જાય છે. એટલે રાજાએ અપ્રમાદી રહેવું જોઈએ.’

‘અપ્રમાદ અમૃત છે. પ્રમાદ મૃત્યુ છે. અપ્રમાદી મૃત્યુ પામતા નથી. પ્રમાદી તો મરેલા જેવા હોય છે. મદથી પ્રમાદ જન્મે છે. પ્રમાદથી નુકસાન થાય છે, એને પરિણામે દોષ જન્મે છે. એટલે રાજન્, પ્રમાદી ન રહો. પ્રમાદને કારણે ઘણા ક્ષત્રિયોને અર્થ અને રાજ્યનું નુકસાન થયું. ઘણા ગામમુખો, પ્રવર્જિતો અને ગૃહસ્થોને પણ નુકસાન થયું છે. હે રાષ્ટ્રવર્ધન, પ્રમાદી ક્ષત્રિયના રાષ્ટ્રમાં બધા ભોગ નાશ પામે છે. રાજાઓ તેને પાપ માને છે. મહારાજ, આ ધર્મ નથી. તમે બહુ પ્રમાદી છો. ચોર લોકો ધનધાન્યપૂર્ણ — રાજ્યને ઉજ્જડ કરી નાખે છે. નહીં તમારા પુત્ર રહેશે, નહીં સુવર્ણ કે નહીં ધાન્ય. રાષ્ટ્ર ઉજ્જડ થઈ જાય પછી તમે ભોગથી વંચિત થશો. તમને કોઈ ક્ષત્રિય નહીં માને. તમારા આશરે જીવનાર મહાવત, પહેરેગીરો, રથી, પગપાળા સૈનિકો તમને ક્ષત્રિય નહીં માને. જેવી રીતે સાપ પોતાની કાંચળી ઉતારે એવી રીતે જે અસંયમી છે, જે મૂર્ખ છે, જેની મંત્રણાઓ ખોટી છે તેવા દુર્બુદ્ધિને શ્રી ત્યજી દે છે. જે સંયમી છે, જે સંયમપૂર્વક જીવે છે, જે તન્દ્રારહિત છે, તેના બધા ભોગ વૃદ્ધિ પામે છે, જેમ ગાયો સાથે વૃષભ. મહારાજ, રાષ્ટ્રમાં, ગામડાંઓમાં જ્ઞાન મેળવવા ફરો. જોઈ સાંભળીને તમે સાચા રસ્તે ચાલશો. મોડું ન કરો, રાષ્ટ્રને સંભાળો, તેનો વિનાશ ન કરો.’ આમ રાજાને ઉપદેશ આપીને બોધિસત્ત્વ પોતાને સ્થાને ચાલ્યા ગયા. રાજાને તેમની વાત સાંભળીને વૈરાગ્ય આવ્યો. તે બીજે દિવસે મંત્રીઓને રાજ્યવહીવટ સોંપીને પુરોહિતની સાથે નગર બહાર એક યોજન અંતર કાપીને ગયા. ત્યાં એક વૃદ્ધે જંગલમાંથી કાંટા લાવીને આંગણે પાથર્યા. પોતે ઘર બંધ કરી પુત્ર — સ્ત્રી સાથે જતો રહ્યો હતો. સાંજે રાજસેવકો જતા રહ્યા ત્યારે ઘેર આવ્યો, ઘરના આંગણે તેના પગમાં કાંટો વાગ્યો, અધૂકડા બેસીને કાંટો કાઢ્યો અને તે બોલ્યો,

‘આજે મને કાંટો વાગવાથી જેવી પીડા થાય છે તેવી જ પીડા પંચાલ રાજાને યુદ્ધમાં તીર વાગવાથી થાય.’

આમ તેણે રાજાને સંભળાવ્યું. જો કે તેને બોધિસત્ત્વ દ્વારા જ આમ કહેવાની પ્રેરણા મળી હતી. તે સમયે રાજા અને પુરોહિત વેશપલટો કરીને તેની પાસે જ ઊભા હતા. તેની વાત સાંભળીને પુરોહિતે કહ્યું, ‘તું વૃદ્ધ છે, તારી દૃષ્ટિ નબળી પડી ગઈ છે. તને બરાબર દેખાતું નથી. જો તને કાંટો વાગ્યો તો તેમાં બ્રહ્મદત્તનો શો વાંક?’

એટલે તે વૃદ્ધે કહ્યું, ‘મને રસ્તામાં કાંટો વાગ્યો તેમાં રાજાનો બહુ વાંક છે. આખા રાજ્યના લોકો અરક્ષિત છે. બળજબરીથી કર ઉઘરાવનારાઓથી તો તે વધુ પીડાય છે. રાતે ચોર લૂંટે છે અને દિવસે કર ઉઘરાવનારા. દુષ્ટ રાજાના રાજ્યમાં ઘણા લોકો અધાર્મિક થઈ ગયા છે. આવા ભયને કારણે લોકો વનમાંથી કાંટા લાવીને પોતાને સંતાઈ જવાની જગ્યાઓ ઊભી કરે છે.’

આ સાંભળીને રાજાએ પુરોહિતને કહ્યું, ‘આચાર્ય, વૃદ્ધની વાત સાચી છે. વાંક આપણો છે. ચાલો પાછા. ધર્માનુસાર રાજ્ય ચલાવીશું.’

બોધિસત્ત્વે પુરોહિતના શરીરમાં પ્રવેશી કહ્યું, ‘મહારાજ, ચાલો આગળ જોઈએ.’

એ ગામથી બીજા ગામે જતાં રસ્તામાં એક ગરીબ વૃદ્ધાનો અવાજ સાંભળ્યો. તેને બે યુવાન પુત્રીઓ હતી. તેમની સુરક્ષાનો વિચાર કરીને તે તેમને વનમાં જવા દેતી ન હતી. તે જાતે વનમાંથી ઈંધણ લાવતી, શાક લાવીને પુત્રીઓને મોટી કરતી, એક દિવસ તે ઝાડ પર ચઢીને શાક ચૂંટતી હતી ત્યારે તે ભોંય પર પટકાઈ. તે રાજાને ભાંડવા લાગી. ‘આ રાજાનું મોત ક્યારે આવશે? એના રાજ્યમાં કન્યાઓ કુંવારી રહી જાય છે.’

પુરોહિતે એનો વિરોધ કરતાં કહ્યું, ‘અરે દુષ્ટ! શું ગમે તેમ બોલે છે. બહુ ખરાબ બોલી રહી છે. કુંવારી કન્યાઓ માટે છોકરા રાજા શોધવાનો છે?’

એ સાંભળી તે વૃદ્ધા બોલી, ‘મેં કશું ખોટું કહ્યું નથી. હું અર્થ અને વાક્ય બરાબર સમજું છું. દેશના બધા લોકો અરક્ષિત છે, બળજબરીથી કર ઉઘરાવનારાઓથી તો તે વધુ પીડાય છે. દુષ્ટ રાજાના રાજમાં ઘણા લોકો અધાર્મિક થઈ ગયા છે. જ્યારે જીવવું જ મુશ્કેલ હોય, જ્યારે સ્ત્રીઓનું ભરણપોષણ કરવું જ અઘરું હોય તો કુંવારી કન્યાઓનાં લગ્ન ક્યાંથી થાય?’

તેની વાત સાંભળીને રાજા બોલ્યા, ‘સાચું કહો છો.’ આગળ ચાલ્યા એટલે કોઈ ખેડૂતનો અવાજ સંભળાયો. હળે જોતરેલા શાલીમ નામનો બળદ પરોણાના ઘાથી જમીન પર પડી ગયો. ખેડૂત રાજાને ભાંડવા માંડ્યો, ‘યુદ્ધભૂમિ પર પંચાલ રાજા આ જ પ્રકારે શસ્ત્રથી ઘાયલ થઈને ભોંયે પટકાય, જેવી રીતે આ બિચારો શાલીમ બળદ પરોણાથી ઘવાઈને જમીન પર પડ્યો છે.’

પુરોહિતે તેની વાતનો વિરોધ કરતાં કહ્યું, ‘અરે દુષ્ટ, તું નકામો રાજાને ગાળો આપે છે, વાંક તારો છે અને રાજાને ગાળ આપે છે.’

આ સાંભળી ખેડૂતે કહ્યું, ‘અરે બ્રાહ્મણ, મેં અમસ્તા જ રાજાનો વાંક નથી કાઢ્યો. રાજ્યના બધા લોકો અરક્ષિત થઈ ગયા છે. બળજબરીથી કર ઉઘરાવનારાઓથી તો વધુ દુઃખી છે, રાતે ચોર લૂંટે અને દિવસે કર ઉઘરાવનારાઓ. દુષ્ટ રાજાના રાજમાં ઘણા લોકો અધાર્મિક થઈ ગયા છે. આ ભાત રાંધનારી બીજી વાર મારા માટે ભાત લઈને આવી. ભાતની રાહ જોતાં જોતાં મેં બળદોને ખોટી જગ્યાએ પરોણા માર્યા.’

આગળ ચાલીને તેઓ એક ગામમાં રહ્યા. બીજે દિવસે સવારે એક મારકણી ગાયે દૂધ વેચનારને લાત મારી, અને દૂધની હાંડી સમેત તેને પટક્યો. રાજાને ગાળો આપતાં તે બોલ્યો, ‘યુદ્ધના મેદાન પર પંચાલરાજા તલવારનો ઘા ખાઈને આ જ રીતે ઊંધો પડી જાય, જેવી રીતે આજે હું પટકાયો છું, મારું દૂધ ઢળી ગયું છે.’

આ સાંભળી પુરોહિતે કહ્યું, ‘જે પશુ દૂધ આપે તે હિંસા કરે છે. એમાં રાજાનો વાંક ક્યાંથી, તું નાહક રાજાની નિંદા કરે છે.’

આ સાંભળીને તે બોલ્યો, ‘હે બ્રાહ્મણ, પંચાલરાજા બ્રહ્મદત્ત નિંદાપાત્ર છે. રાજ્યના બધા લોકો અરક્ષિત થઈ ગયા છે. અને બળજબરીથી કર ઉઘરાવનારાઓથી તો વધુ દુઃખી, રાતે ચોર લૂંટે અને દિવસે કર ઉઘરાવનારાઓ. દુષ્ટ રાજાના રાજમાં ઘણા લોકો અધાર્મિક છે. તામસી ગાયોને અમે પહેલાં દોહતા ન હતા, આજે દૂધ માગનારા રાજસેવકો માટે તેમને દોહવી પડે છે.’

‘તેઓ સાચું કહે છે.’ એમ કહી તે ગામમાંથી નીકળીને ધોરીમાર્ગે નગર તરફ બંને નીકળ્યા. એક ગામમાં કર ઉઘરાવનારાઓએ એક કાબરચીતરા વાછરડાને મારીને તેનું ચામડું ઉતાર્યું. તેની મા પુત્રશોકને કારણે ન ઘાસ ખાય, ન પાણી પીએ, અને આમતેમ ભટક્યા કરતી. તેને જોઈ ગામનાં બાળકોએ રાજાને ગાળો દીધી.’

‘જેવી રીતે આ વાછરડા વગરની ગાય ભટકે છે તેવી રીતે પુત્રહીન પાંચાલ રાજા પણ આ જ રીતે રકકળ કરે, સુકાઈ જાય.’

પુરોહિતે આ સંાભળી કહ્યું, ‘કોઈ પશુ આ રીતે ભટકે, હંભારવ કરે તેમાં રાજાનો શો વાંક?’

એટલે તેમણે કહ્યું, ‘હે મહાબ્રાહ્મણ, રાજા ગુનેગાર છે. રાજ્યના બધા લોકો અરક્ષિત થઈ ગયા છે, બળજબરીથી કર ઉઘરાવનારાઓથી તો વધારે દુઃખી છે. રાતે ચોર લૂંટે છે અને દિવસે કર ઉઘરાવનારાઓ. દુષ્ટ રાજાના રાજમાં ઘણા લોકો અધાર્મિક થઈ ગયા છે. નહીંતર તલવારની મ્યાન માટે દૂધ પીતા વાછરડાને શા માટે મારી નાખે?’

‘તેઓ સાચું કહે છે.’ એમ કહીને તેઓ આગળ ચાલ્યા. રસ્તામાં એક સૂકા તળાવમાં કાગડા ચાંચ મારી મારીને દેડકા ખાઈ રહ્યા હતા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે બોધિસત્ત્વે પોતાના પ્રતાપથી દેડકા પાસે રાજાને ગાળ દેવડાવી.

‘જેવી રીતે આજે હું અરણ્યવાસી ગામના કાગડા મારો ભક્ષ કરે છે એવી જ રીતે સપુત્ર પાંચાલ રાજા યુદ્ધમાં મૃત્યુ પામીને કોઈનો ભક્ષ બને.’

આ સાંભળી પુરોહિતે કહ્યું, ‘અરે દેડકા, દુનિયામાં બધાં પ્રાણીઓની રક્ષા રાજા કરી શકતો નથી. હવે કાગડા તારા જેવાને ખાઈ જાય તો આટલાથી રાજા અધાર્મિક બની જતો નથી.’

એટલે દેડકો બોલ્યો, ‘હે બ્રાહ્મણ, તું અધાર્મિક છે. કારણ કે તું ક્ષત્રિયને અનુકૂળ જ બોલે છે. મોટા ભાગના લોકોને લૂંટનાર તું પરમ નિંદિત રાજાની પ્રશંસા કરે છે. જો અહીં રામરાજ્ય હોત અને રાજ્ય આનંદમય, પ્રસન્ન, સમૃદ્ધ હોત તો કાગડાઓ કાકબલિ, કાગવાસ ખાઈને મારા જેવા જીવને ન ખાતા હોત.’

આ સાંભળીને રાજાએ અને પુરોહિતે કહ્યું, ‘વનમાં રહેતા દેડકા જેવાં પ્રાણી પણ આપણને ગાળો આપે છે.’ તે જ વખતે તેઓ નગરમાં ગયા, બોધિસત્ત્વે કહ્યું હતું તેમ રાજાએ ધર્માનુસાર રાજ્ય કરવા માંડ્યું. દાનપુણ્ય કર્યાં.