ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/તારાવલોકની કથા

From Ekatra Wiki
Revision as of 15:36, 15 January 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તારાવલોકની કથા}} {{Poem2Open}} પૂર્વકાળમાં શિવી નામના દેશમાં ચંદ્રાવલોક નામનો એક મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું કુળ (એટલે વંશ અને કુળ એટલે કિનારો) તે ક્ષીરસાગર જેવું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


તારાવલોકની કથા

પૂર્વકાળમાં શિવી નામના દેશમાં ચંદ્રાવલોક નામનો એક મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું કુળ (એટલે વંશ અને કુળ એટલે કિનારો) તે ક્ષીરસાગર જેવું નિર્મળ હતું. તે સાધ્વી વર્તનમાં બીજી ગંગાજી જેવી શુદ્ધ હતી. ચંદ્રાવલોક રાજા પાસે શત્રુઓનો પરાજય કરવામાં મહાસમર્થ એવો કુવલયાપીડ નામનો એક હાથી હતો. આ હાથીના યોગે તે રાજાને કોઈ પણ શત્રુ તેને પરાભવ પમાડી શકતો નહીં. તેની પ્રજા સર્વ વાતે સુખી હતી.

જ્યારે તે રાજાની વૃદ્ધાવસ્થા આવીને ઊભી રહી, ત્યારે તેને ત્યાં, ચંદ્રલેખા રાણીની કૂખે, સર્વ લક્ષણોથી સંપૂર્ણ એવો એક પુત્ર અવતર્યો, રાજાએ તે પુત્રનું નામ તારાવલોક પાડ્યું. જેમ જેમ તે કુંવર ઉમરે વૃદ્ધિ પામતો ગયો, તેમ તેમ જન્મથી જ સાથે આવેલા એવા તેના ગુણો પરાર્થ-પરમાર્થ, આત્મસંયમન ને વિવેકવિચાર પણ વૃદ્ધિ પામતા ગયા. તે મહાત્મા, એક શબ્દ વગર સર્વ વિદ્યામાં પારંગત થયો અને તે એટલો બધો તો ઉદાર ચિત્તનો હતો કે, માત્ર ‘નકાર’ શબ્દ જ શિખ્યો નહોતો. વખત વીતતાં તે કર્મમાં વૃદ્ધ જેવો જણાયો, પણ વયમાં તરુણ જ રહ્યો! અગર જો તે પરાક્રમમાં સૂર્યસમાન તેજસ્વી હતો, પણ આકૃતિમાં સોમ, સોમ એટલે ચંદ્ર ને સોમ એટલે બીજાને આનંદ આપનાર સમાન શોભતો હતો. પૂૂણિર્માના ચંદ્રપેરે તે પૂર્ણ કળાથી પ્રકાશતો હતો; કામદેવની માફક સર્વ જગતને પોતાનાં દર્શનથી વિહ્વળ બનાવી મૂકતો હતો; પિતાની આજ્ઞા પાળવામાં તેણે જીમૂતવાહનો પરાજય કીધો હતો; અને તેના અંગમાં ચક્રવર્તીનાં સર્વે સંપૂર્ણ ચિહ્નો પ્રત્યક્ષ દર્શન દેતાં હતાં.

તે કુંવર વયે આવ્યો ત્યારે તેના પિતા ચંદ્રાવલોક, મદ્રદેશના રાજાની કુંવરી માદ્રીને લઈ આવ્યા ને તેનાં તારાવલોક સાથે લગ્ન કીધાં. પરણ્યા પછી તુરત જ, ચંદ્રાવલોકે પોતાના પુત્રના ઉત્તમ ગુણો નિહાળીને તેનો યુવરાજ પદપર પટાભિષેક કીધો. જ્યારે તારાવલોકને યુવરાજ કીધો, ત્યારે તેણે પોતાના પિતાની આજ્ઞાથી, ગરીબગુરબાંઓને માટે અન્નક્ષેત્રો બાંધ્યાં. તે દરરોજ જેવો પ્રભાતમાં ઊઠતો તેવો જ કુવલયાપીડ હાથી પર બેસીને આ અન્નક્ષેત્રો જોવાને જતો હતો. તેની પાસે હરકોઈ મનુષ્ય જે કંઈ માંગવા આવતો, તે આપવાને તે તત્પર રહેતો હતો. કોઈ મસ્તક માગનાર આવે તો તે પણ આપવાની તે ના પાડતો નહીં. આ રીતે યુવરાજ તારાવલોકની કીર્તિ દશે દિશામાં ગાજી રહી.

કેટલોક સમય જતાં તેની રાણી માદ્રીએ બે જોડ પુત્રોને જન્મ આપ્યો. આ બન્ને કુમારોનું નામ તેણે રામ અને લક્ષ્મણ પાડ્યું. આ બંને કુમારો માતાપિતાના પ્રેમ અને આનંદ માફક મોટા થયા. તે બંને કુમારો તેના દાદાદાદીને તો પ્રાણ કરતાં અધિક પ્રિય હતા અને તારાવલોક ને માદ્રી જેના ઉપર દોરી કસેલી છે એવા ધનુષ જેવા ગુણવંત ગુણવાળા, ધનુષની દોરીવાળા તે બંને કુમારોનું વદનકમળ નિહાળતાં તેઓ કદી પણ ધરાતાં નહોતાં.

આવો તારાવલોકનો પ્રતાપ નિહાળી, તેના શત્રુઓનાં કાળજાં બળવા લાગ્યાં. તેનો કુવલયાપીડ હાથી, તેના બે પ્રતાપી પુત્રો ને તેનું દાનવીરપણું એ સર્વ જોઈને, તેઓએ છળપ્રપંચ કરવો ધાર્યો. તેઓએ પોતાના બ્રાહ્મણોને બોલાવીને કહ્યું; ‘તમો તારાવલોક પાસે જાઓ ને તેના કુવલયાપીડ હાથીની માંગણી કરો. જો તે તમોને આપશે તો પછી અમો તેને તેના રાજ્ય પરથી ઢોળી પાડીશું. કેમ કે તેના પરાક્રમનું મૂળ તે છે! તે બળી ગયા પછી તે અસમર્થ થઈ પડશે અને જો તે ના પાડશે તો તેના દાનવીરપણાને લાજ લાગશે!’ શત્રુઓએ, આ પ્રમાણે તે બ્રાહ્મણોને સમજાવ્યા, ત્યારે તેઓ તેમ કરવાને તત્પર થયા; અને તેઓએ તારાવલોક જે મહા દાનવીર હતો, તેની પાસે જઈને કુવલયાપીડની યાચના કીધી.

તારાવલોક મનમાં બોલ્યો, ‘આ બ્રાહ્મણોને આ મદમત્ત હાથીની શી ગરજ છે? પણ હું ધારું છું કે, એ કોઈ બીજાના પ્રેરેલા પ્રણિધિઓના સેવક, પ્રણિધિ એટલે દૂત-જાસુસ છે. પણ ગમે તે થાઓ. હું એઓને મારો સર્વોત્તમ હાથી દાનમાં આપીશ! મારા જીવતાં આ યાચકોને તેઓની ઇચ્છા પૂર્ણ કર્યા વગર કેમ પાછા વાળું?’ આ પ્રમાણે વિચાર કરીને તારાવલોકે યાચકવૃત્તિ દર્શાવનારા તે બાહ્મણોને પોતાનો પૂર્ણ પ્રતાપી હાથી દાનમાં આપી દીધો!

પણ જ્યારે ચંદ્રાવલોકની પ્રજાએ જાણ્યું કે અતિ પરાક્રમી હાથીનું દાન, યુવરાજે બ્રાહ્મણોને કરી દીધું છે, ત્યારે તેઓ ઘણા ગુસ્સે થઈ ગયા. તેઓ રાજા પાસે જઈને બોલ્યા, ‘મહારાજ! હવે આપણા કુમારે આ રાજ્યત્યાગ કરવો જોઈએ! તેઓએ પોતાના સર્વે હકો છોડી દઈ, જાણે સંન્યસ્ત લેવાના હોય એવું આચરણ કીધું છે, એ શું, જુઓ તો ખરા, તેઓએ કોઈ ભામટા જેવા યાચકોને આપણો અતિ ઉત્તમ કુવલયાપીડ હાથી, જે આપણી રાજ્યલક્ષ્મીનું મૂળ અને બીજા મદોન્મત્ત હાથીઓનો પરાજય કરવામાં બહુ પરાક્રમી હતો, તેનું દાન કરી દીધું! આપની ઇચ્છામાં આવે તો કુંવરજીને આપ તપોવનમાં તપ કરવા મોકલો; અથવા તો હાથીને પાછો લઈ લો. તેમ નહીં કરશો તો અમે આ આસન પર બીજો રાજા બેસાડીશું!’ પ્રાચીન કાળમાં રાજા પ્રજાને અધીન હતા, પણ સ્વતંત્ર ને મનસ્વી કાર્ય કરનારા ન હતા, એમ આ પરથી જણાય છે.

નાગરિકોએ આ પ્રમાણે ચંદ્રાવલોકને વિનંતિ કીધી, ત્યારે તેણે પ્રતિહાર દ્વારા આ સંદેશો પોતાના કુંવરને જણાવ્યો. ત્યારે તારાવલોકે તે સંદેશો સાંભળ્યો. પછી તે બોલ્યો; ‘હાથી તો મેં યાચકોને દાનમાં આપી દીધો છે! તે પાછો ન જ લેવાય. મારો નિયમ છે, કે મારી આગળથી કોઈ પણ યાચક વિમુખ જાય નહીં, પણ પ્રજાની ઇચ્છા ઉપર જ આધાર રાખે એવા આ રાજઘાટની મને શી દરકાર છે? અને રાજલક્ષ્મી, જે બીજાના ઉપયોગમાં આવતી નથી, વળી જે વીજળી જેવી ચંચળ છે, તેની પણ મને શું દરકાર છે? આ પશુ સમાન સ્વાર્થી પ્રજામાં રહેવું તેના કરતાં વનમાં વૃક્ષો, જે પોતાનાં ફૂલ ને ફળો સર્વને પરાર્થે અર્પણ કરે છે તેવા વનમાં જઈ રહેવું એ વધારે સારું છે!’ આ પ્રમાણે ઉત્તર કહાવી તારાવલોકે વલ્કલ વસ્ત્ર ધારણ કીધાં. પછી પોતાના પિતાના ચરણમાં પ્રણામ કરી, પોતાની સર્વે સંપત્તિ યાચકોને દાનમાં આપી દીધી. તેની પોતાની સ્ત્રી, જે પણ તેની સાથે વનમાં જવાને તત્પર હતી તેને તથા બે કુમારોને સાથે લઈને, તે પછી નગર બહાર નીકળ્યો. પોતાના પુત્રોને તેણે ધીરજ આપી. તેને જતો જોઈ નગરના બ્રાહ્મણો રડવા લાગ્યા. તેઓને પણ તેણે શાંત કીધા. પશુપક્ષીઓ પણ તેના આ રાજ્યત્યાગથી રડવા લાગ્યાં. પૃથ્વી પણ એવા પ્રકારે જણાઈ કે, તે જાણે અશ્રુનો વરસાદ વરસાવતી હોય.

તારાવલોક વન તરફ ચાલ્યો. તેની પાસે બીજું કંઈ નહોતું, માત્ર એક રથ ને બે ઘોડા જ! વનમાર્ગમાં થોડેક તે ગયો કે એક બ્રાહ્મણે આવીને તેની પાસેથી તે રથના ઘોડાની યાચના કીધી! તત્ક્ષણે તે અશ્વો તે વાચકોને તેણે દાનમાં આપી દીધા. પછી પોતાની સ્ત્રીની સહાયથી, બે બાળકોના સંરક્ષણ માટે, તપોવનમાં જતાં જતાં પોતે જાતે તે રથ ખેંચવા લાગ્યો. વનમાર્ગમાં થોડેક તે ગયો કે એક બ્રાહ્મણે આવીને તેની પાસેથી તે રથની યાચના કીધી! કંઈ પણ સંકોચ વગર તત્ક્ષણે તેણે તે રથ પણ દાનમાં આપી દીધો. તે એક નિશ્ચયવાન્ મહાત્મા, પોતાની સ્ત્રી તથા બાળક સાથે મહાકષ્ટે પગપાળો તપોવનમાં જઈ પહોંચ્યો. ત્યાં જઈને એક વિશાળ વૃક્ષ નીચે ચર્મ બીછાવીને તેણે વિશ્રામ કીધો. તે સમય ઉપર, તેની સ્ત્રી માદ્રી, તેની સેવામાં એકનિષ્ઠ થઈને ઊભી રહી. તે મહાશય કુંવર, તે વનમાં રાજ્ય કરવા લાગ્યો! અને તે જ તપોવનમાં એકનિષ્ઠાથી તપ કરવા માંડ્યું. પવનથી આમતેમ આન્દોલન કરી રહેલી પુષ્પમંજરી તેના સુંદર ચમ્મરોનું કામ કરતી હતી; ઘટ્ટ છાયાવાળા વૃક્ષનાં પત્રો, છત્રનું કામ સારતાં હતાં; પાંદડાં તે શય્યા હતી; શિલા તે તેનું સિંહાસન હતું; ભ્રમરીઓ તેની ગાનારી દાસીઓ હતી અને નાના પ્રકારનાં ફળો તે તેનું સુરસ સ્વાદિષ્ટ ભોજન હતું.

એક દિવસે તેની સ્ત્રી માદ્રી તે આશ્રમ છોડીને વનમાં ફળફૂલ લેવાને ગઈ હતી. તેવામાં એક વૃદ્ધ બ્રાહ્મણ તારાવલોકની પાસે તેની પર્ણકુટીમાં આવ્યો અને કહ્યું કે મને તમારા પુત્રો રામ અને લક્ષ્મણ દાનમાં આપો! તારાવલોકે પોતાના મન સાથે વિચાર કર્યો કે, નિ:શંક, લુચ્ચું દૈવ મારા ધૈર્યની કસોટી કસે છે, એમાં કંઈ પણ સંદેહ નથી! હું મારા બે બાળકુંવરો, જે મને પ્રાણ સમાન વહાલા છે, તેને કેમ આપી શકીશ? ચિંતા નહીં, હું એને દાનમાં આપીશ ને એના વિરહનો શોક વેઠીશ, પણ મારી આગળથી યાચક વિમુખ જાય, તે મારાથી કદી પણ ખમાશે નહીં!’ આમ વિચાર કરી, બે પુત્રોનું દાન કરી દીધું. બ્રાહ્મણે તુરત જ તેણે જવાનો પ્રયત્ન કીધો, ત્યારે તે બંને બાળકો સામા થયાં. આથી કોપાયમાન થઈ તે બ્રાહ્મણે તે બંને કુંવરને હાથે પગે સજ્જડ બાંધ્યા. પછી સારી રીતે સોટીથી ઝાપટ્યા! તે બંને બાળકો પુષ્કળ અશ્રુ પાડતા પોતાના પિતાના મુખ તરફ જોતા હતા અને ‘ઓ મા! ઓ મા!’ એમ બૂમ પાડતા હતા, તેના તરફ કંઈ પણ દયા આણ્યા વગર, તે નિર્દય બ્રાહ્મણ તે બંનેને ઘસડી ગયો. આવી રીતની બાળકોની સ્થિતિ જોઈ, તો પણ તારાવલોક દૃઢ મનનો રહ્યો; તે જરા પણ ડગ્યો નહીં! સ્થાવર કે જંગમ સર્વ પ્રાણી તારાવલોકની દૃઢતા જોઈને ને તેના નસીબનો આવો વિલક્ષણ ચકરાવો જોઈને કેવળ ગદ્ગદિત થઈ ગયાં.

પતિવ્રતા માદ્રી જ્યારે ફળફૂલ લઈને વનમાંથી પોતાના સ્વામીના આશ્રમમાં પાછી ફરી; અને જ્યારે તેણે પોતાના પતિને શોકભરિત વદને નીચી નજરે ભૂમિ તરફ નિહાળતા જોયા, અને પોતાના બાળકનાં રમકડાં, હાથી, ઘોડા, રથ અહિંયાં તહિંયાં પડેલાં જોયાં, પણ બાળકોને કેથે પણ જોયા નહિ, ત્યારે તે ઘણી ગભરાઈ ગઈ, તેનું હૃદય શોકથી છિન્નભિન્ન થઈ ગયું. તે એકદમ બૂમ પાડી ઊઠી કે, ‘અફસોસ! હું મરી ગઈ! મારા બંને બાળકો ક્યાં છે, હે નાથ!’ ત્યારે તેના પતિએ દૃઢ મને ને શાંતચિત્તે કહ્યું, ‘હે નિર્દોષી! હમણાં એક વૃદ્ધ રાંક બ્રાહ્મણ અહીંયા આવ્યો હતો, તેની યાચના પરથી આપણાં બંને બાળકો તેને મેં દાનમાં આપી દીધાં છે!’ જ્યારે તે સુશીલ સુંદરીએ પોતાના સ્વામીના મુખથી આવી વાણી સાંભળી, ત્યારે તો તે શોક અરિનો ત્યાગ કરી, હર્ષભરી, જરી ન ડરી, સાધ્વી નરી, સુંદરી બેઠી થઈ, અને પોતાના સ્વામી પ્રત્યે બોલી; ‘એ તો આપે બહુ યોગ્ય કીધું! આપ યાચકને વિમુખ શી રીતે કાઢી શકો?’ તેણીનું આ પ્રમાણે બોલવું સાંભળીને અને તે દંપતીનું સમાન પરાક્રમ નિહાળીને શેષનાગ સળક્યો, ઇંદ્રાસન ડોલ્યું!

ઇંદ્રે પોતાની યોગવિદ્યાના પ્રભાવથી જોયું તો જણાયું કે, માદ્રી અને તારાવલોકની દાનવીરતાથી પૃથ્વી કંપે છે. એટલે તેણે પણ તેની પરીક્ષા લેવા માટે, એક બ્રાહ્મણનું રૂપ ધારણ કીધું અને તારાવલોકના મઠમાં જઈને તેની પાસે, તેની સ્ત્રી માદ્રીની યાચના કીધી! તારાવલોક, જરા પણ આનાકાની વગર જળ મૂકી સંકલ્પ કરીને પોતાની સ્ત્રીનું દાન કરવા તૈયાર થયો અને જે સુશીલ સુંદરી, આ વનમાં તેના સુખદુઃખની સાથી હતી તેને, જરા પણ સંકોચ વગર આપી દેવાને ઉત્કંઠિત થયો. બ્રાહ્મણના સ્વરૂપમાં ગુપ્ત રહેલા ઇંદ્રે કહ્યું, ‘રાજષિર્! આવી સદ્ગુણસંપન્ન સ્ત્રીનું દાન કરવામાં તારી શી ઇચ્છા છે વારુ?’ તારાવલોક બોલ્યો, ‘બ્રાહ્મણ! મારી કંઈ પણ ઇચ્છા નથી. હું એટલું જ ઇચ્છું છું કે, બ્રાહ્મણો આવીને મારી જિંદગી પણ માગે તો તે આપવા હું તૈયાર થાઉં!’ આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી, ઇંદ્ર જે બ્રાહ્મણના રૂપમાં ગુપ્ત રહ્યો હતો તેણે, પોતાનું સ્વરૂપ પ્રકટ કર્યું અને કહ્યું, ‘મેં તારી કસોટી કસી છે ને તેમાં હું સંતોષ પામ્યો છું, માટે હવે તને કહું છું કે, તારે કદી પણ તારી આ સદ્ગુણી સ્ત્રીનું દાન કોઈને કરવું નહીં. આનંદ કર! હવે તું થોડા વરસમાં વિદ્યાધરોનો ચક્રવર્તી રાજા થશે.’ આ પ્રમાણે કહીને ઇંદ્ર અદૃશ્ય થઈ ગયો.

આ અરસામાં જે વૃદ્ધ બ્રાહ્મણ તારાવલોકનાં બે બાળકોને દક્ષિણામાં લઈ ગયો હતો, તે માર્ગ ભૂલવાથી, નસીબના યોગે, ચંદ્રાવલોકની રાજધાનીમાં જઈ ચઢ્યો અને બજારમાં તે બે બાળકોને વેચવા મૂક્યાં. નગરજનોએ તુરત જ બંને બાળકોને ઓળખી કાઢ્યાં, એટલે તેઓએ ચંદ્રાવલોક મહારાજ પાસે જઈને તે વાત નિવેદન કીધી અને તે બ્રાહ્મણ તથા બંને કુમારોને રાજા પાસે લઈ ગયા. રાજાએ જેવા પૌત્રોને જોયા કે તેની આંખમાંથી દડદડ અશ્રુ વહી ચાલ્યાં; અને તે બ્રાહ્મણને સર્વ વાર્તા પૂછી અને જ્યારે તેણે સત્ય હકીકત જાણી, ત્યારે તે હર્ષ અને શોકની મધ્યે તરવા લાગ્યો! પોતાના પુત્રનો અલૌકિક સદ્ગુણ જાણી, તેનો પણ રાજ્યપથ પરથી મોહ ઊઠી ગયો. તેની પ્રજાએ તેને રાજ્ય છોડવાને ઘણીએ ના પાડી, પણ તે એકનો બે થયો નહીં. પેલા બ્રાહ્મણ પાસેથી તે બંને કુમારોને લઈને તેને પુષ્કળ ધન આપ્યું, અને તે બંને બાળક સાથે, તારાવલોકના વનાશ્રમ તરફ તે ચાલતો થયો!

વનમાં તે જટાધારી, વલ્કલધારી ને આશાગત આશાવાળા અને ચારે દિશામાંથી આવેલા દ્વિજો એક પક્ષે બ્રાહ્મણ ને બીજે પક્ષે પક્ષી. જે વૃક્ષના ફળના પરોપકારથી પોતાનું જીવન ચલાવે છે તેના જેવા, જટાધારી, વલ્કલવાળા, આશાગત ને દ્વિજના કલ્યાણ માટે જ જેણે સર્વસ્વ અર્પણ કરેલું છે તેવા પોતાના પુત્ર તારાવલોકને દીઠો. તુરત જ તારાવલોક ઊઠ્યો ને દોડી જઈ પિતાના ચરણમાં પ્રણામ કીધા. જ્યારે તેના પિતાએ તેને પોતાના ખોળામાં બેસાડ્યો, તે પછી ચંદ્રાવલોકના નેત્રમાંથી અશ્રુ વહી ચાલ્યાં, ત્યારે તે અશ્રુથી તારાવલોક નાહી વળ્યો; એ જાણે તેને વિદ્યાધરના ચક્રવર્તીનો પવિત્ર જળથી અભિષેક થયો હોય તેમ જણાતું હતું.

પછી રાજા ચંદ્રાવલોકે, તારાવલોકને તેના બે પુત્ર-રામ અને લક્ષ્મણ — પાછા સોંપ્યા ને જણાવ્યું કે, એ બન્ને બાળકને માટે પુષ્કળ ધન આપ્યું છે. વનમાં બેઠેલો પિતા પુત્ર પોતપોતાના પરાક્રમની વાતો કરતા હતા, તેવામાં આકાશમાંથી ચાર દાંતવાળા એક હાથી પર બિરાજમાન થયેલી દેવી લક્ષ્મી ત્યાં પધારી, તેમ જ તેની સાથે બીજા વિદ્યાધરો પણ ગગનમાંથી ઊતરી આવ્યા. જેના હાથમાં કમળ છે એવાં લક્ષ્મીજીએ તારાવલોકને કહ્યું, ‘આ તારા હાથી પર તું સ્વાર થા અને વિદ્યાધરના લોકમાં ચાલ અને તે તારા દાન પ્રભાવથી જે દિવ્ય પદવી પ્રાપ્ત કીધી છે, તેના ભોગ ભોગવ!’

દેવી લક્ષ્મીજીએ આ પ્રમાણે કહ્યું કે તુરત તારાવલોક પોતાના પિતાના ચરણમાં પડ્યો, અને તેમના આશીર્વાદ લઈને, તે દેવાંશી હાથી પર સ્વાર થયો અને પોતાના પુત્ર તથા સ્ત્રી સહિત, આશ્રમવાસીઓની સમક્ષ, સર્વે વિદ્યાધરોની વચ્ચે, આકાશમાં ઊડી ગયો! ત્યાં જતાં જ તેને વિદ્યાધરોની સર્વ માયિકવિદ્યા પ્રાપ્ત થઈ ગઈ, તેણે ત્યાં રહી વિદ્યાધરોના અલૌકિક સુખો ભોગવ્યાં હતાં; પણ અંતે આ સંસારના સર્વે ઉપભોગપર તેને અરુચિ થઈ, એટલે પાછો તે વનમાં જઈને તપ કરવા લાગ્યો.