ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/વેતાલ પચ્ચીસમો — શાંતિશીલ ગોરજીની કથા
તે પછી રાજા ત્રિવિક્રમસેન, પોતાના ખભા ઉપર શબને ઉપાડી, શાંતિશીલ ગોરજી જ્યાં સ્મશાનમાં વડવૃક્ષની નીચે અંધારામાં એકલો બેઠો હતો ત્યાં ગયો. કાળીચૌદશનો દિવસ હતો, ચારે તરફ અંધારું હતું. ગોરજી એક ઝાડના મૂળ પાસે બેસી રાજા મડદું લઈ આવે તેની રાહ જોતો હતો. તેણે ધોળા હાડકાંના લોટનું મંડળ પૂર્યું હતું અને ભૂમિને લોહીથી લીંપી હતી તથા તેની ચાર દિશામાં લોહીથી છલેાછલ ભરેલા કળશોની સ્થાપના કરી હતી. તેની વચ્ચોવચ તે બેઠો હતો. એક તરફ મનુષ્ય ચરબીનો દીવો ઝળઝળાટ બળતો હતો, પડખે અગ્નિની સ્થાપના કરી હતી, તેમાં હોમ પણ આપ્યો હતો અને પોતાના ઇષ્ટદેવને જેટલો સામાન જોઈતો હતો, તેટલો સામાન તેણે અહીં એકઠો કરી મૂક્યો હતો.
આ પ્રમાણે ગોરજી મહારાજ તૈયારી કરીને બેઠો હતો, એવામાં રાજા શબ લઈને આવ્યો. ગોરજી મહારાજ શબસહિત રાજાને આવતો જોઈ, હર્ષથી ઊભો થયો ને તે રાજાનાં વખાણ કરવા લાગ્યો, ‘મહારાજ! તમે મારા ઉપર એવો ઉપકાર કર્યો છે કે, એવો બીજા કોઈથી થઈ શકે તેમ નથી. તમે જે મોટું સમર્થ કામ, આવી નઠારી જગ્યાએ જઈને, અને આવે કવખતે ઉઠાવી લીધું, તેનો વિચાર જ થાય તેમ નથી. તમે આ પ્રમાણે પોતાના દેહની જરા પણ દરકાર કર્યા વગર નિ:શંકપણે પરોપકાર કરો છો, તેથી જ તમે કુળવંત રાજાઓમાં મુખ્ય ગણાઓ છો તે યોગ્ય જ છે, તેમાં જરા પણ શંકા જેવું છે જ નહીં. જે કાર્ય કરવા માટે વચન આપ્યું તે પ્રાણ જતાં સુધી પણ કરવું જ, એ મોટા લોકોની મહત્તા છે, આમ વિદ્વાનો કહે છે.’
આ પ્રમાણે કહી તે મુંડીઆએ પોતાનો મનોરથ સિદ્ધ થયો માન્યો; અને તે જ વખતે રાજાના ખભા ઉપરથી શબને નીચે ઉતારી લીધું. પછી તેને જળથી સ્નાન કરાવ્યું, તેની ડોકમાં પુષ્પની માળા પહેરાવી, તેના લલાટમાં તિલક કર્યું, અને છેલ્લે જે મંડળ પૂરી રાખ્યું હતું તેમાં તે શબને પધરાવ્યું. પછી ગોરજીએ આખા શરીર પર ભસ્મ ચોળી, નિમાળાનું પવિત્ર જનોઈ કંઠમાં નાંખ્યું, અને મુડદાને ઓઢાડવાનું કપડું અંગ ઉપર ઓઢ્યું; અને એ રીતે કેટલોક સમય સુધી તે ધ્યાન ધરી રહ્યો. પછી તે ગોરજીએ સમાધિનાં મંત્રનો જપ કરીને, મંત્રના બળથી શબમાં વેતાલને તેડ્યો; અને તે પછી પોતે ધ્યાનપુર:સર તે શબની પૂજા કરવા લાગ્યો. તેણે મનુષ્યના માથાની ખોપરીમાં માણસના સફેદ મોતી જેવા દાંતમાંનું લોહી ભરી રાખ્યું હતું. તે નિર્મળ લોહીનું, ચાટવામાં હોમ કરવાનું એક પાત્ર લઈને અર્ઘ્ય આપ્યું; પછી સુગંધી પુષ્પ ચઢાવ્યાં, ચંદન અર્ચ્યું અને મનુષ્યની આંખો બાળીને તેનો ધૂપ કીધો અને છેલ્લે મનુષ્યમાંસનું બલિદાન આપ્યું. આ પ્રમાણે શબની પૂજા થઈ રહ્યા પછી, તેણે પાસે બેઠેલા રાજાને કહ્યું; ‘રાજાજી! અત્ર મંત્રના અધિષ્ઠાતા દેવ પધાર્યા છે, માટે તમે તેને જમીન ઉપર નીચા પડી સાષ્ટાંગ દંડવત્ કરો. એ દેવ વરદાન આપનારા છે, તે તમારી ઇચ્છા પ્રમાણે તમને વરદાન આપશે.’
તે સાંભળતાં જ રાજાને વેતાલનું વચન યાદ આવ્યું. તેણે તે ગોરજીને કહ્યું: ‘મહારાજ! હું પ્રણામ કરવાની રીત જાણતો નથી, માટે પ્રથમ તમે પ્રણામ કરી બતાવો; ત્યાર પછી હું તમારા કહેવા પ્રમાણે જ કરીશ!’ તરત જ તે લોભી ભિક્ષુક જમીન ઉપર લાંબો થઈને રાજાને દંડવત્ પ્રણામ બતાવવાને પડ્યો. તુરત જ રાજાએ તરવાર કાઢી, એક જ ઝટકો મારી તેનું માથું કાપી નાંખ્યું અને તેના પેટને ચીરી તેમાંથી કમળને પણ કાઢી લીધું અને તે મસ્તક અને કમળ બન્નેનું વેતાલને બલિદાન દીધું. તે જોઈ ભૂત પિશાચ વગેરે સર્વે પ્રસન્ન થઈને જય જયના શબ્દો પોકારી નાચવા કૂદવા મંડી પડ્યાં; અને મનુષ્ય શબમાં રહેલો વેતાલ તે રાજા ઉપર પ્રસન્ન થઈને બોલ્યો: ‘રાજા! જે વિદ્યાધરનું પદ આ મુંડીઆને જોઈતું હતું તે પદ, હવે જ્યારે તમે આ પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય ભોગવી રહેશો, ત્યારે તમને પ્રાપ્ત થશે, મેં તમને માર્ગમાં બહુ બહુ દુઃખ આપ્યું છે, તો હવે તમે મારી પાસેથી કંઈ ઇચ્છિત વરદાન માંગી લો.’
વેતાલનું આવું વચન સાંભળી રાજા બોલ્યો: ‘તમે મારા પર પ્રસન્ન થયા, એટલે જ હવે મને સર્વ વરદાન પ્રાપ્ત થઈ ચૂક્યાં છે અને મારા સર્વ મનોરથો પૂર્ણતાને પામ્યા છે. તો પણ તમારું વચન ફોકટ ન જવા દેવું જોઈએ એમ ધારી હું તમારી પાસેથી આટલું વરદાન માગું છું કે તમારા પૂછેલા ચોવીસ પ્રશ્નોત્તર અને તેમાંની અતિ મનહર આખ્યાનવાળી ચોવીસ કથાઓ, અને છેવટની પચ્ચીસમી આ કથા, આ જગતમાં પ્રખ્યાતિ અને માનને પામો!’ જ્યારે રાજાએ આ પ્રમાણે વેતાલ પાસેથી વરદાન માગ્યું ત્યારે તે બોલ્યો: ‘જાઓ, એમ જ થશે! હું કહું છું તે સાંભળો રાજા. આ ચોવીસ કથાઓ જે આરંભમાં છે તે અને છેવટની આ પચીસમી કથા એ વેતાલ પંચવિશીના નામથી જગતમાં પ્રખ્યાત થઈ બહુ માન પામશે. જે કોઈ એ કથા સાંભળશે તેનું કલ્યાણ થશે. જે કોઈ મનુષ્ય આદરથી આ ‘વેતાલ પંચવિશી’નું, એક પણ વાક્ય કોઈ બીજાને સંભળાવશે ત્યાં યક્ષો, વેતાલ, કુષ્માંડ, ડાકિની અને રાક્ષસો વગેરે પોતાનું પરાક્રમ બતાવી શકશે નહીં, પણ ત્યાંથી નાસી જશે.’ આ પ્રમાણે કહી વેતાલ તે મનુષ્યના શબમાંથી બહાર નીકળી ગયો ને પોતાની ઇચ્છાનુસાર યોગમાયાના પ્રભાવથી પોતાના સ્થાનક તરફ ચાલતો થયો.
પછી મહાદેવજી ત્રિવિક્રમસેન ઉપર પ્રસન્ન થયા અને દેવગણોને સાથે લઈ રાજાની સમીપમાં આવી ઊભા રહ્યા. રાજાએ મહાદેવને પ્રણામ કર્યાં. પછી મહાદેવે તે રાજાને કહ્યું: ‘બેટા! તેં તે દુષ્ટને મારી નાંખ્યો, તે બહુ જ સારું કર્યું છે, કારણ કે તેને ચક્રવર્તીપદ મેળવવાની ઘણી અભિલાષા હતી અને તે પદ પ્રાપ્ત કરવા માટે તે ઘણો જ દુરાચારી હતો. કામણટુમણથી લોકોને દુઃખ આપનારા દુષ્ટોને શિક્ષા કરવા માટે તું નવો વીર ત્રિવિક્રમસેન ઉત્પન્ન થયો છે. તારી આગળ સર્વ કોઈ વિનીત થઈને વર્તશે. હવે તું દીપ તથા પાતાળ સહિત આખી પૃથ્વીને તારે તાબે કરી, થોડા સમયમાં વિદ્યાધરનો રાજા થઈશ. ત્યાં બહુ કાળપર્યંત દેવતાઈ ભોગો ભોગવ્યા પછી તને વૈરાગ્ય આપશે, એટલે તું તે સઘળા વૈભવોનો અનાદર કરી, છેવટે મારી સમીપમાં આવીને રહીશ. હું તને ‘અપરાજિત’ નામની એક તરવાર આપું છું તે તું લે. આ તરવારના પ્રતાપથી મેં જે કહ્યું છે તે પ્રમાણે, મારી કૃપાથી તું સર્વ મેળવી શકીશ. આ પ્રમાણે કહી તે રાજાને તે અનુપમ તરવાર મહાદેવે આપી અને ત્રિવિક્રમસેને વાણીરૂપ પુષ્પોથી મહાદેવજીને વધાવી લીધા, એટલે તે તત્ક્ષણે અંતર્ધાન થઈ ગયા.
એ સઘળું કામ સમાપ્ત થયું ત્યાં તો રાત્રિ પણ વીતી ગઈ ને પ્રભાત થયું, પછી રાજા ત્રિવિક્રમસેન પ્રતિષ્ઠાનપુરમાં આવ્યો અને પોતાના મંત્રીઓને ભેળા કરી, આદિથી અંતપર્યત, રાત્રિમાં જે જે ચરિત્રો થયાં હતાં, તે સર્વ કહી સંભળાવ્યાં. તે સાંભળી કાર્યભારીમંડળ મનમાં બહુ આશ્ચર્ય પામ્યું અને તેઓએ સ્નાનદાન કરવામાં ને શંકરનું પૂજન કરવામાં મોટો ઉત્સવ કર્યો. તેમ જ નૃત્ય ગીત વાદિત્ર-ઢોલ નગારાં વગેરે વગડાવ્યાં, આખી પ્રજામાં હર્ષાનંદ ફેલાવી દીધો. પછી તે રાજાએ થોડા દિવસમાં શંકરની તરવારના પ્રતાપથી દ્વીપ ને પાતાળ સહિત આખી પૃથ્વી ઉપર, શત્રુરહિત ચક્રવર્તી રાજ્ય કરવા માંડ્યું. છેલ્લે શંકરની આજ્ઞાથી વિદ્યાધરની મોટી રાજ્યલક્ષ્મી મેળવી, બહુ કાળપર્યર્ંત તેનો ઉપભોગ કરી, છેવટે કૃતકૃત્ય થઈ-સર્વ મનોરથો પૂર્ણ કરી કૈલાસભવનમાં શંકર સમીપ જઈને રહ્યો.