ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/સિંહના લુચ્ચા સેવકો અને ભોળો ઊંટ

Revision as of 16:51, 17 January 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સિંહના લુચ્ચા સેવકો અને ભોળો ઊંટ

કોઈ એક વનપ્રદેશમાં મદોત્કટ નામે સિંહ રહેતો હતો. દીપડો, કાગડો અને શિયાળ અને બીજાં પશુઓ તેનાં અનુચરો હતાં. આમતેમ ભમતાં તેઓએ એક વાર સાર્થથી વિખૂટો પડી ગયેલો એક ઊંટ જોયો. એટલે સિંહ બોલ્યો, ‘અહો! આ કોઈ અપૂર્વ પ્રાણી છે. તો તપાસ કરો કે આ પ્રાણી ગામનું છે કે અરણ્યનું?’ તે સાંભળી કાગડો બોલ્યો, ‘હે સ્વામી! આ તો ગામમાં રહેનારું ઊંટ નામે પ્રાણી છે અને તે તમારું ખાદ્ય છે, માટે તેનો વધ કરો.’ સિંહ બોલ્યો, ‘ઘેર આવેલાને હું નહિ મારું. કહ્યું છે કે વિશ્વાસ કરીને, કોઈ પ્રકારનો ભય રાખ્યા સિવાય ઘેર આવેલા શત્રુનો પણ જે વધ કરે છે તેને સો બ્રાહ્મણના વધ જેટલું પાપ લાગે છે. તો અભયદાન આપીને તેને મારી પાસે લાવો, જેથી તેના આગમનનું કારણ પૂછું.’

પછી સર્વે તે ઊંટને વિશ્વાસ આપીને તથા અભયદાન દઈને મદોત્કટની પાસે લાવ્યા, એટલે પ્રણામ કરીને તે બેઠો. પછી સિંહે પૂછ્યું, એટલે સાર્થમાંથી પોતે વિખૂટો પડ્યો ત્યાંથી માંડીને પોતાનો આત્મવૃત્તાન્ત તેણે નિવેદન કર્યો. પછી સિંહે કહ્યું, ‘હે કથનક! હવે તું ગામમાં જઈને ફરી વાર ભાર વહન કરવાનું દુઃખ ન ભોગવીશ. આ અરણ્યમાં મરકતમણિ જેવા ઝીણા લીલા ઘાસના અંકુરો ચરતો તું સદાકાળ મારી પાસે રહે.’ ઊંટ પણ ‘ભલે’ એમ કહીને, ‘હવે ક્યાંયથી પણ ભય નથી’ એમ જાણીને તેઓની વચ્ચે વિચરતો સુખપૂર્વક રહેવા લાગ્યો.

હવે, એક દિવસે અરણ્યમાં વસતા મોટા હાથી સાથે મદોત્કટને યુદ્ધ થયું, તેથી, એ હાથીના દાંતરૂપી મુસલના પ્રહારોથી તેને વ્યથા થઈ. વ્યથા થવા છતાં કોઈ રીતે તે મરણ ન પામ્યો. પણ શરીરની નિર્બળતાને કારણે ક્યાંય એક પગલું પણ ચાલી શકતો નહોતો. કાગડા વગેરે તે સર્વે અનુચરો પણ ભૂખથી પીડાવા છતાં અસામર્થ્યને લીધે અત્યંત દુઃખ પામવા લાગ્યા. પછી તેમને સિંહે કહ્યું, ‘અરે! ક્યાંયથી કોઈ પ્રાણી ખોળી લાવો. જેથી આવી દશામાં પડેલો હોવા છતાં તેનો વધ કરીને હું તમારું ભોજન સંપાદન કરું.’

પછી તેઓ ચારે તરફ ભમવા લાગ્યા, પણ કોઈ પ્રાણીને તેમણે જોયું નહિ, ત્યારે કાગડો અને શિયાળ પરસ્પર મંત્રણા કરવા લાગ્યા. શિયાળ બોલ્યો, ‘હે કાગડા! બહુ રખડવાથી શું? આ કથનક આપણા સ્વામીનો વિશ્વાસુ થઈને રહેલો છે, તેનો વધ કરીને આપણે ગુજરાન ચલાવીએ.’ કાગડો બોલ્યો, ‘તેં ઠીક કહ્યું, પણ સ્વામીએ તેને અભયદાન આપ્યું છે, તેથી તે વધ કરવા યોગ્ય નથી.’ શિયાળ બોલ્યો, ‘હે કાગડા! હું સ્વામીને વિનંતી કરીને એવું કરીશ, જેથી સ્વામી તેનો વધ કરે. માટે તમે અહીં જ ઊભા રહો, જેથી ઘેર જઈને સ્વામીની આજ્ઞા લઈને હું જલદી આવું.’ એમ કહી તે જલદીથી સિંહ પાસે હાજર થયો. સિંહની પાસે જઈને તેણે કહ્યું કે, ‘સ્વામી! આખું વન ભમીને અમે આવ્યા, પણ કોઈ પ્રાણી મળ્યું નહિ. માટે અમે શું કરીએ? હવે તો અમે ભૂખને કારણે એક પગલું પણ ચાલી શકતા નથી. આપ પણ પથ્ય ભોજન કરો છો. માટે જો આપનો આદેશ હોય તો કથનકના માંસ વડે આજે પથ્ય ભોજન થાય.’ તેનું આ દારુણ વચન સાંભળીને સિંહ કોપપૂર્વક બોલ્યો કે, ‘ધિક્, પાપી! અધમ! જો આવું ફરી વાર બોલીશ તો તે જ ક્ષણે તારો વધ કરીશ, કારણ કે મેં તેને અભય આપેલું છે. હું શી રીતે તેનો વધ કરું? કહ્યું છે કે

વિદ્વાન પુરુષો આ જગતમાં સર્વ દાનોમાં અભયદાનને જેવું મુખ્ય કહે છે તેવું મુખ્ય ગાયના દાનને, ભૂમિના દાનને અથવા અન્નદાનને કહેતા નથી.’

તે સાંભળીને શિયાળ બોલ્યો, ‘સ્વામી! અભયદાન આપીને જો વધ કરવામાં આવે તો એ દોષ લાગે છે, પણ આપ મહારાજ પ્રત્યેની ભક્તિથી જો તે પોતાનું જીવન અર્પણ કરતો હોય તો દોષ નહિ લાગે. તો જો તે પોતે જ પોતાની જાતને વધ માટે રજૂ કરે તો જ આપે તેનો વધ કરવો, નહિ તો અમારામાંથી કોઈ એકનો વધ કરવો, કેમ કે આપ મહારાજ પથ્ય ભોજન કરતા હોઈ ભૂખના વેગને રોકવાથી મરણ પામશો. અમારા પ્રાણ પણ જો સ્વામીને માટે ન જાય તો તે શા કામના? વળી સ્વામીને કંઈ અનિષ્ટ થાય તો પાછળથી અમારે પણ અગ્નિપ્રવેશ કરવો પડે. કહ્યું છે કે

જે કુળમાં જે પુરુષ પ્રધાન હોય તેનું સર્વ યત્નોથી રક્ષણ કરવું જોઈએ. પ્રધાન પુરુષ નાશ પામવાથી કુળ પણ નાશ પામે છે; ધરી ભાંગ્યા પછી આરાઓ ભાર વહન કરી શકતા નથી.’

તે સાંભળીને મદોત્કટ બોલ્યો, ‘જો એમ હોય તો તને રુચે તેમ કર.’ તે સાંભળીને શિયાળ સત્વર જઈને બીજા અનુચરોને કહેવા લાગ્યો, ‘અરે! સ્વામી અત્યંત દુઃખી અવસ્થામાં છે, માટે અહીં ભમવાથી શું? તેમના વિના આપણું રક્ષણ કોણ કરશે? તો ત્યાં જઈને ભૂખના દોષથી પરલોકમાં જઈ રહેલા એવા આપણા શરીરનું દાન કરીએ, જેથી તેમની કૃપાનું ઋણ આપણે ચૂકવીએ, કહ્યું છે કે

જે સેવકના જીવતાં, સેવકના પ્રાણ વિદ્યમાન હોય છતાં તેનો સ્વામી આપત્તિ પામે તે સેવક નરકમાં જાય છે.’

તે સાંભળીને જેમની આંખો આંસુથી ભરાઈ ગઈ છે એવાં તે સર્વે મદોત્કટની પાસે જઈને પ્રણામ કરીને ઊભાં રહ્યાં. તેમને જોઈને મદોત્કટ બોલ્યો, ‘અરે! કોઈ પ્રાણી મળ્યું અથવા જોયું?’ એટલે તેઓમાંથી કાગડો બોલ્યો, ‘સ્વામી! અમે સર્વત્ર રખડ્યા, પણ કોઈ પ્રાણી અમને મળ્યું નથી અથવા અમારા જોવામાં આવ્યું નથી. તો મારું ભક્ષણ કરીને આપ જીવન ધારણ કરો, જેથી આપને તૃપ્તિ થાય અને મને પણ સ્વર્ગપ્રાપ્તિ થાય. કહ્યું છે કે

ભક્તિવાળો જે સેવક સ્વામીને ખાતર પ્રાણ ત્યજે છે તે જરા અને મરણથી રહિત એવા પરમ પદને પામે છે.’

તે સાંભળીને શિયાળ બોલ્યો, ‘અરે! તું અલ્પ કાયાવાળો છે. તારું ભક્ષણ કરવાથી સ્વામીની પ્રાણયાત્રા નહિ થાય, પણ ઊલટો દોષ થશે. કહ્યું છે કે

અલ્પ અને વળી બળ વગરનું, કાગડાનું માંસ અને કૂતરાનું ઉચ્છિષ્ટ ખાવાથી શું, કે જેનાથી તૃપ્તિ ન થાય?

વળી તેં સ્વામીભક્તિ બતાવી, સ્વામીનો કોળિયો ખાવાના ઋણમાંથી તું મુક્ત થયો અને ઉભય લોકમાં તારી પ્રશંસા થઈ છે. માટે તું આગળથી આઘો જા. હવે, હું સ્વામીને વિજ્ઞપ્તિ કરું.’

કાગડાએ એમ કર્યા પછી શિયાળ આદરપૂર્વક પ્રણામ કરીને ઊભો રહ્યો (અને કહેવા લાગ્યો), ‘સ્વામી! હવે મારું ભક્ષણ કરીને આપ પ્રાણયાત્રા કરો અને મને ઉભય લોકની પ્રાપ્તિ કરાવો. કહ્યું છે કે

ધન વડે ખરીદ કરાયેલા એવા સેવકોના પ્રાણ સદાકાળ સ્વામીને આધીન છે, માટે તે પ્રાણ ગ્રહણ કરવાથી સ્વામીને હત્યાનો દોષ લાગતો નથી.’

હવે તે સાંભળીને દીપડો બોલ્યો, ‘અરે! તેં ઠીક કહ્યું, પણ તુંયે અલ્પ કાયાવાળો છે અને કૂતરાની જાતિનો તથા નખરૂપી આયુધવાળો હોવાથી અભક્ષ્ય જ છે. કહ્યું છે કે કંઠે પ્રાણ આવી જાય તો પણ બુદ્ધિમાન પુરુષે બન્ને લોકોનો વિનાશ કરનારી અભક્ષ્ય વસ્તુ ભક્ષણ કરવી નહિ; એમાંયે વિશેષ કરીને જ્યારે તે તદ્દન અલ્પ હોય ત્યારે તો બિલકુલ ભક્ષણ કરવી નહિ.

માટે તેં તારી કુલીનતા દર્શાવી અથવા આ ખરું કહ્યું છે કે રાજાઓ કુલીન જનોનો સંગ્રહ કરે છે તેનું કારણ એ છે કે તેઓ આદિમાં, મધ્યમાં અને અંતમાં વિકાર પામતા નથી — ફરી બેસતા નથી. તો તું આઘો જા, જેથી હું સ્વામીને વિનંતી કરું.’ શિયાળે તે પ્રમાણે કર્યું, એટલે દીપડાએ પ્રણામ કરીને મદોત્કટને કહ્યું, ‘સ્વામી! હવે મારા પ્રાણથી પ્રાણયાત્રા કરો, મને સ્વર્ગમાં અક્ષય વાસ આપો, અને પૃથ્વી ઉપર મારો વિપુલ યશ વિસ્તારો. આપે આ બાબતમાં આશ્ચર્ય કરવું નહિ. કહ્યું છે કે

સ્વામીને અનુકૂળ રહેતા અને સ્વામીનું કાર્ય કરતાં મૃત્યુ પામતા સેવકોનો સ્વર્ગમાં અક્ષય વાસ થાય છે અને પૃથ્વી ઉપર તેમની કીર્તિ ફેલાય છે.’

આ સાંભળી કથનક વિચાર કરવા લાગ્યો, ‘આ સર્વેએ સ્વામીને મીઠાં વાક્યો કહ્યાં. પણ તેમાંના કોઈને સ્વામીએ માર્યો નહિ. માટે હું પણ સમયને અનુસરતું વચન દીપડાને કહું, જેથી મારા વચનનું આ ત્રણે સમર્થન કરે.’ એ પ્રમાણે નિશ્ચય કરીને તે બોલ્યો, ‘ભાઈ! તેં સાચું કહ્યું, પરંતુ તું પણ નખરૂપી આયુધવાળો છે. તો સ્વામી તને શી રીતે ખાશે? કહ્યું છે કે

પોતાની જાતિવાળાંઓનું જે અનિષ્ટ ચિંતવે છે તેને આ લોકમાં તેમ જ પરલોકમાં અનિષ્ટો જ પ્રાપ્ત થાય છે.

તો, તું આઘો જા, જેથી હું સ્વામીને વિનંતી કરું.’ દીપડાએ તેમ કર્યું, એટલે કથનક આગળ ઊભો રહીને બોલ્યો, ‘સ્વામી! આ ત્રણે આપને માટે અભક્ષ્ય છે, માટે મારા પ્રાણ વડે પ્રાણયાત્રા કરો, જેથી મને ઉભય લોકની પ્રાપ્તિ થાય. કહ્યું છે કે

સ્વામીને માટે પોતાના પ્રાણનો ત્યાગ કરનારા ઉત્તમ સેવકો જે ગતિમાં જાય છે તે ગતિમાં યજ્ઞ કરનારાઓ અને યોગીઓ પણ જતા નથી.’

આમ બોલતાંમાં તો શિયાળ અને ચિત્તાએ કથનકની બન્ને કૂખ ચીરી નાખી, એટલે તે મરણ પામ્યો. પછી તે ક્ષુદ્ર પંડિતોએ તેનું ભક્ષણ કર્યું.