ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/ઉષા અને અનિરુદ્ધની કથા

From Ekatra Wiki
Revision as of 01:56, 18 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉષા અને અનિરુદ્ધની કથા

બલિ રાજાના સો પુત્રોમાં સૌથી મોટો બાણાસુર હતો. તે શિવભક્ત હતો. સમાજમાં તેનું ઘણું માન હતું, ઉદારતા અને બુદ્ધિમાં તે અનુપમ હતો. તેની પ્રતિજ્ઞા અટલ રહેતી. તે શોણિતપુરમાં રાજ કરતો હતો. શંકર ભગવાનની કૃપાથી ઇન્દ્ર વગેરે દેવ તેના સેવકોની જેમ કામ કરતા હતા. તેને હજાર હાથ હતા. શંકર ભગવાન એક વાર તાંડવ નૃત્ય કરી રહ્યા હતા ત્યારે તેણે પોતાના હજાર હાથ વડે અનેક વાજંત્રિ વગાડી ભગવાનને પ્રસન્ન કર્યા, એટલે પછી ભક્તવત્સલ, શરણાગત રક્ષક ભગવાને તેને કહ્યું, ‘તારી ઇચ્છામાં આવે તે વરદાન માગ.’

‘ભગવાન, મારા નગરની રક્ષા કરતા તમે અહીં જ રહો.’

એક વાર પોતાના બળના અભિમાનથી ભગવાનને પ્રણામ કરી કહ્યું, ‘તમે તો ચરાચર જગતના ગુરુ છો, ઈશ્વર છો. હું તમને પ્રણામ કરું છું. જેમની ઇચ્છાઓ અપૂર્ણ છે તેમને માટે તમે કલ્પવૃક્ષ છો. તમે મને હજાર હાથ તો આપ્યા. પણ તે મારા માટે ભારરૂપ છે, તમારા સિવાય મારી સાથે લડનાર કોઈ યોદ્ધો નથી, એક વાર લડવાની મને ચળ ઊપડી એટલે દિગ્ગજો સાથે લડવા ગયો, પણ તે બધા ડરી જઈને ભાગી ગયા. રસ્તામાં મારા હાથ વડે ઘણા પર્વતોને ચૂર ચૂર કરી નાખ્યા.’ બાણાસુરની વાત સાંભળીને શંકર ભગવાને થોડા ક્રોધે ભરાઈને ક્હ્યું, ‘અરે મૂર્ખ, જે સમયે તારી ધજા ભાંગી પડે ત્યારે મારા જેવા બળિયા સાથે તારું યુદ્ધ થશે અને એનાથી તારું અભિમાન ઓગળી જશે.’

બાણાસુરની બુદ્ધિ બહેર મારી ગઈ હતી એટલે શંકર ભગવાનની વાત સાંભળીને તેને બહુ આનંદ થયો, અને મહેલમાં જતો રહ્યો. તે મૂરખ શંકર ભગવાનના કહ્યા પ્રમાણે પોતાના બળનો નાશ કરનાર યુદ્ધની રાહ જોવા લાગ્યો.

બાણાસુરની ક્ન્યાનું નામ હતું ઉષા. તે કન્યા હતી તે દિવસોમાં એક વાર સ્વપ્નમાં જોયું કે મારું લગ્ન અનિરુદ્ધ સાથે થઈ રહ્યું છે. આશ્ચર્ય તો એ વાતનું કે તેણે કદી અનિરુદ્ધને જોયા ન હતા, તેના વિશે કશું સાંભળ્યું ન હતું. સ્વપ્નમાં જ તે બોલી ઊઠી, ‘તમે ક્યાં છો?’ અને તેની ઊંઘ ઊડી ગઈ. જાગીને જોયું તો આસપાસ સખીઓ હતી, તેને બહુ શરમ આવી. બાણાસુરનો મંત્રી હતો કુંભાંડ, તેની કન્યા ચિત્રલેખા. ઉષા અને ચિત્રલેખા સખીઓ હતી. ચિત્રલેખાએ એક દિવસ ઉષાને પૂછ્યું, ‘તારું લગ્ન અત્યાર સુધી કેમ નથી થયું? તું કોઈને શોધી રહી છે, તારા મનમાં શું છે?’

આ સાંભળી ઉષાએ કહ્યું, ‘મેં સ્વપ્નમાં એક અત્યંત સુંદર યુવાન જોયો. તેના શરીરનો વર્ણ શ્યામ હતો. નેત્ર કમળપત્ર જેવાં. શરીરે પીતાંબર પહેર્યું છે. હાથ લાંબા છે, સ્ત્રીઓના મનને લોભાવનારો છે. તેણે પહેલાં તો મને અધરપાન કરાવ્યું અને એમ જ તે અદૃશ્ય થઈ ગયો. હું તરસી જ રહી ગઈ. હું એને શોધું છું.’

ચિત્રલેખાએ કહ્યું, ‘જો તારો એ પ્રાણપ્રિય ત્રિલોકમાં ગમે ત્યાં હશે અને તું જો તેને ઓળખી શકીશ તો હું તારો વિરહ દૂર કરી આપીશ. હું ચિત્ર બનાવું છું, તું ઓળખી કાઢ, પછી હું તેને ક્યાંયથી લઈ આવીશ.’ આમ કહી ચિત્રલેખાએ ઘણા દેવતા, સિદ્ધ, ગંધર્વ, ચારણ, પન્નગ, દૈત્ય, વિદ્યાધર, યક્ષ, મનુષ્યોનાં ચિત્ર દોર્યાં. મનુષ્યોમાં તેણે વસુદેવના પિતા, શૂર, વાસુદેવ, બલરામ, શ્રીકૃષ્ણનાં ચિત્ર દોર્યાં. પછી પ્રદ્યુમ્નનું ચિત્ર જોઈને તે શરમાઈ ગઈ. જ્યારે તેણે અનિરુદ્ધનું ચિત્ર જોયું ત્યારે તે લજ્જા પામી. માથું ઝૂકી ગયું. પછી હસીને બોલી, ‘આ જ મારો પ્રિયતમ.’

ચિત્રલેખા તો યોગિની હતી. તેને જાણ થઈ ગઈ કે આ શ્રીકૃષ્ણના પૌત્ર છે. તે આકાશમાર્ગે જઈને રાતે જ દ્વારકા પહોંચી. ત્યાં અનિરુદ્ધ સુંદર પલંગ પર સૂઈ ગયો હતો. ચિત્રલેખા યોગ બળે તેને શોણિતપુર લઈ આવી અને સખી ઉષાને તેના પ્રિયતમ સાથે ભેટો કરાવી દીધો. પછી અનિરુદ્ધ સાથે તે વિહાર કરવા લાગી. તેનું અંત:પુર એટલું બધું સુરક્ષિત હતું કે કોઈ પુરુષ ત્યાં દૃષ્ટિ પણ નાખી શકતો નહીં. ઉષા-અનિરુદ્ધનો પ્રેમ રાતદિવસ વધવા લાગ્યો. તે અનેક રીતે અનિરુદ્ધનો સત્કાર કરતી હતી. ઉષાએ પોતાના પ્રેમ વડે તેને વશ કરી લીધો. અનિરુદ્ધ ત્યાં રહીને પોતાને ભૂલી ગયો, અહીં આવ્યે કેટલા દિવસ થયા તેનો પણ ખ્યાલ ન રહ્યો.

અનિરુદ્ધના સહવાસને કારણે ઉષાનો કૌમાર્યભંગ થયો હતો. તેના શરીર પર જે ચિહ્ન દેખાવાં લાગ્યાં તેને કોઈ રીતે છુપાવી શકાતાં ન હતા. ઉષા આનંદમાં રહેવા લાગી. રક્ષકોને ખ્યાલ આવી ગયો કે આ રાજકુમારીનો સંબંધ કોઈ પુરુષ સાથે થઈ ગયો છે. તેમણે બાણાસુર પાસે જઈને કહ્યું, ‘અમે તમારી અવિવાહિત કન્યાના રંગઢંગ જોઈએ છીએ તે તમારા કુળને કલંકિત કરનારા છે. અમે રાતદિવસ ચોકી કરીએ જ છીએ, બહારનું કોઈ તેને જોઈ પણ ન શકે અને છતાં આ બન્યું. અમને સમજ નથી પડતી.’

રક્ષકો પાસેથી આ વાત જાણીને બાણાસુર દુઃખી થઈ ગયો. તે તરત જ ઉષાના મહેલમાં જઈ પહોંચ્યો, ત્યાં જોયું તો અનિરુદ્ધ હતો. કામદેવના અવતાર એવા પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ હતો, ત્રણે લોકમાં તેના જેવું કોઈ સુંદર ન હતું. શ્યામ શરીર અને તેના પર પીતાંબર, કમળપત્ર જેવી આંખો, લાંબા હાથ, ગાલ પર વાંકડિયાળી લટો, હોઠ પર મંદ સ્મિત. અનિરુદ્ધ તે વેળા શ્રુંગારસજ્જ ઉષા સાથે ચોપાટ રમી રહ્યો હતો. તેના ગળામાં વાસંતી ઋતુનાં પુષ્પોના હાર હતા. તે હારમાં ઉષાના શરીરનો સ્પર્શ થયો હતો. તેના પર ઉષાના વક્ષ:સ્થળનું કેસર હતું. ઉષાની સાથે જ તેને બેઠેલો જોઈ બાણાસુર અચરજ પામ્યો. અનિરુદ્ધે જોયું તો બાણાસુર ઘણા બધા અસ્ત્રશસ્ત્રધારી સૈનિકો સાથે આવી ગયો છે, ત્યારે તે બધાને ભોંયભેગા કરવા લોહદંડ લઈને નીકળ્યો. બાણાસુરના સૈનિકો તેને પકડવા માટે આમતેમ દોડતા હતા, જેવી રીતે સૂવર ટુકડીનો નાયક કૂતરાને મારી નાખે તેવી રીતે અનિરુદ્ધ સૈનિકોનો નાશ કરવા લાગ્યો, જ્યારે બાણાસુરે જોયું કે અનિરુદ્ધે મારા સૈન્યના ભુક્કા બોલાવી દીધા છે, ત્યારે નાગપાશ વડે તેને બાંધી દીધો. ઉષાએ અનિરુદ્ધના બંધનના સમાચાર જાણ્યા ત્યારે તે બહુ દુઃખી થઈ ગઈ અને તે અશ્રુપાત કરવા લાગી,

વર્ષાઋતુના ચાર મહિના વીતી ગયા, પણ અનિરુદ્ધનો પત્તો પડતો ન હતો, ઘરના લોકો ભારે વ્યથિત થયા. એક દિવસ નારદે ત્યાં આવીને અનિરુદ્ધના સમાચાર આપ્યા, બાણાસુરના સૈનિકોને આપેલા પરાજયની વાત, નાગપાશની વાત જણાવી. પછી શ્રીકૃષ્ણને પોતાના આરાધ્યદેવ માનનારા યાદવોએ શોણિતપુર પર આક્રમણ કર્યું. શ્રીકૃષ્ણ, બલરામની સાથે બધા જ યાદવો, પ્રદ્યુમ્ન, સાત્યકિ, ગદ, સાંબ, નન્દ, ઉપનન્દ, ભદ્ર વગેરેએ બાર અક્ષૌહિણી સેના લઈને શોણિતપુરને ઘેરો ઘાલ્યો, યાદવસેના નગરના ઉદ્યાન, બુરજ, સિંહદ્વારોનો વિનાશ કરી રહી છે એ જાણીને બાણાસુર બહુ ક્રોધે ભરાયો અને બાર અક્ષૌહિણી સેના લઈને નીકળી પડ્યો. બાણાસુરનો પક્ષ લઈને ભગવાન શંકર નંદી પર બેસીને આવ્યા, સાથે કાર્તિકેય, ગણો હતા. તેમણે શ્રીકૃષ્ણ અને બલરામ સાથે યુદ્ધ માંડ્યું. આ યુદ્ધ એટલું ભયાનક હતું કે તેને જોઈને રૂવાં ઊભાં થઈ જતાં હતાં. શ્રીકૃષ્ણ સામે મહાદેવ અને પ્રદ્યુમ્ન સામે કાર્તિકેય સ્વામી, બલરામ સામે કુંભાંડ અને કૂપમર્ણનું યુદ્ધ, બાણાસુરના પુત્ર સામે સામ્બ, બાણાસુર સામે સાત્યકિ. બ્રહ્મા વગેરે દેવ, ઋષિમુનિઓ, સિદ્ધ-ચારણ, ગંધર્વ-અપ્સરાઓ, યક્ષ વિમાન પર બેસીને આ યુદ્ધ જોવા આવી ચઢ્યા. શ્રીકૃષ્ણે પોતાના શાર્ઙ્ગ ધનુષ વડે શંકરના સેવકો — ભૂતપ્રેત, પ્રમથ, ગુહ્યક, ડાકિની, યાતુધાન, વેતાલ, વિનાયક, પ્રેતગણ, માતૃગણ, પિશાચ, કૂષ્માંડ, બ્રહ્મરાક્ષસોને મારી મારીને ભગાડ્યા — પિનાકપાણિ શંકરે શ્રીકૃષ્ણ પર અનેક શસ્ત્રોનો પ્રહાર કર્યો પણ શ્રીકૃષ્ણે સ્વસ્થતાથી બધાં અસ્ત્રશસ્ત્ર શમાવી દીધાં. શ્રીકૃષ્ણે બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર, વાયવાસ્ત્ર સામે પાર્વતાસ્ત્ર, આગ્નેયાસ્ત્ર સામે પર્જન્યાસ્ત્ર, પાશુપતાસ્ત્ર સામે નારાયણાસ્ત્રનો પ્રયોગ કર્યો. પછી શ્રીકૃષ્ણે જૃમ્ભણાસ્ત્ર વડે મહાદેવને મોહિત કરી લીધા. તેઓ યુદ્ધમાંથી નિવૃત્ત થઈને બગાસાં ખાવા લાગ્યા. એટલે શ્રીકૃષ્ણ શંકર ભગવાનથી મુક્તિ મેળવીને બાણાસુરની સેનાનો વિનાશ તલવાર, ગદા, બાણ વડે કરવા લાગ્યા. પ્રદ્યુમ્નનાં બાણોથી કાર્તિકેય ઘાયલ થયા. તેમનાં અંગેઅંગમાંથી લોહી વહેવા માંડ્યું. તે યુદ્ધમેદાન છોડીને મોર પર બેસીને ભાગી નીકળ્યા. બલરામે પોતાના મુસળ વડે કુંભાંડ અને કૂપકર્ણને ઘાયલ કર્યા. આમ સેનાપતિઓનો પરાજય જોઈને બાણાસુરની સેના વિખરાઈ ગઈ.

પછી રથ પર બેઠેલા બાણાસુરે જોયું કે શ્રીકૃષ્ણ અને બીજાઓને કારણે અમારી સેના વેરવિખેર થઈ ગઈ છે ત્યારે તેને બહુ ક્રોધ આવ્યો અને સાત્યકિ સાથે યુદ્ધ કરવાનું પડતું મૂકીને શ્રીકૃષ્ણ પર આક્રમણ કરવા ધસી ગયો. પોતાના હજાર હાથ વડે એક સાથે પાંચસો ધનુષ તાણીને દરેક પર બબ્બે બાણ ચઢાવ્યાં. શ્રીકૃષ્ણે એક સાથે તેનાં બધાં ધનુષ તોડી નાખ્યાં. સારથિ — રથ — ઘોડાને ધરાશાયી કર્યા અને શંખ વગાડ્યો. કોટરા નામની દેવી બાણાસુરની ધર્મમાતા હતી, તે પોતાના પુત્રની પ્રાણરક્ષા કરવા વાળ છૂટા રાખીને નંગધડંગ શ્રીકૃષ્ણ સામે ઊભી રહી ગઈ. એના પર દૃષ્ટિ ન પડે એટલે શ્રીકૃષ્ણે મોં ફેરવી લીધું. બીજી દિશામાં તે જોવા લાગ્યા. ધનુષ ભાંગી ગયા અને રથ ન રહ્યો એટલે બાણાસુર નગરમાં જતો રહ્યો.

આ બાજુ શંકર ભગવાનનાં ભૂતપ્રેત ભાગી ગયાં, ત્યારે તેમણે ત્રણ મસ્તક, ત્રણ પગવાળો જ્વર મોકલ્યો, તે દસે દિશાઓને પ્રજાળતો શ્રીકૃષ્ણ સામે ધસી ગયો. શ્રીકૃષ્ણે જોયું કે તે આક્રમણ કરવા સામે આવી રહ્યો છે ત્યારે તેમણે પોતાનો જ્વર ફંગોળ્યો. હવે વૈષ્ણવ અને માહેશ્વર જ્વર ઝઘડવા લાગ્યા. વૈષ્ણવ જ્વરથી ત્રાસીને માહેશ્વર જ્વર ચીસો પાડવા લાગ્યો, તે ડરી ગયો. પછી ક્યાંય રક્ષણ ન મળ્યું એટલે શ્રીકૃષ્ણની શરણે જઈને તેણે પ્રાર્થના કરી…

પછી માહેશ્વર જ્વર શ્રીકૃષ્ણને પગે લાગીને જતો રહ્યો. બાણાસુર વળી પાછો શસ્ત્રસજ્જ થઈને ત્યાં યુદ્ધ કરવા આવી ચઢ્યો. તેણે પોતાના હજાર હાથમાં જાતજાતનાં શસ્ત્રો ધારણ કર્યાં હતાં. પછી તે અનેક શસ્ત્રો શ્રીકૃષ્ણ પર ફેંક્યાં. બાણાસુરે બાણવર્ષા શરૂ કરી છે એ શ્રીકૃષ્ણે જોયું એટલે સુદર્શન ચક્ર વડે તેના હાથ કાપવા માંડ્યા. શંકર ભગવાને બાણાસુરના કપાઈ રહેલા હાથ જોઈ શ્રીકૃષ્ણ પાસે આવીને સ્તુતિ કરવા માંડી… પછી ઉમેર્યું, ‘આ બાણાસુર મારો પ્રિય ભક્ત છે. મેં તેને અભયદાન આપ્યું છે. જેવી રીતે તમે પ્રહ્લાદ પર કૃપા કરી હતી તેવી રીતે આના પર પણ કૃપા કરો.’

શ્રીકૃષ્ણે કહ્યું, ‘તમારી વાત માનીને તમે ઇચ્છો છો તેમ હું તેને અભયદાન આપું છું. તમે પહેલાં પણ જેવો નિર્ધાર કર્યો હતો તેવી રીતે મેં તેના હાથ કાપી નાખ્યા છે. બાણાસુર તો બલિરાજાનો પૌત્ર છે. મેં પ્રહ્લાદને વચન આપ્યું હતું કે તમારા વંશના કોઈ દૈત્યનો હું વધ નહીં કરું. તેનું અભિમાન ઓગાળવા માટે જ મેં તેના હાથ છેદી નાખ્યા છે. હવે તેના ચાર હાથ બચ્યા છે, તે અજર અને અમર બનશે. આ બાણાસુર તમારો મુખ્ય પાર્ષદ બનશે, હવે તેને કોઈનો ભય નથી.’

શ્રીકૃષ્ણ પાસેથી આમ અભયદાન મેળવીને બાણાસુર તેમને પગે લાગ્યો. અનિરુદ્ધ અને ઉષાને રથમાં બેસાડીને લઈ આવ્યો. પછી શ્રીકૃષ્ણે મહાદેવની સંમતિથી શૃંગારસજ્જ ઉષા અને અનિરુદ્ધને એક અક્ષૌહિણી સેના સાથે દ્વારકા મોક્લ્યાં. દ્વારકામાં શ્રીકૃષ્ણ તથા બીજાઓના આગમનના સમાચાર સાંભળીને લોકોએ આખું નગર શણગારી દીધું. મોટા મોટા રાજમાર્ગો અને ચોક પર ચંદનવાળા પાણીથી છંટકાવ કર્યો. પ્રજાએ, સ્વજનોએ, બ્રાહ્મણોએ ખૂબ જ ધામધૂમથી ભગવાનનું સ્વાગત કર્યું.