ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/ભૌમાસુરનો વધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભૌમાસુરનો વધ

ભૌમાસુરે વરુણનું છત્ર, અદિતિનાં કુંડળ અને મેરુ પર્વત પર દેવતાઓનું નિવાસસ્થાન છિનવી લીધાં હતાં. એટલે ઇન્દ્રે દ્વારકા આવીને આ બધી વાત શ્રીકૃષ્ણને કરી એટલે શ્રીકૃષ્ણ ગરુડ પર સત્યભામાને લઈને બેઠા અને ભૌમાસુરની રાજધાની પ્રાગ્જ્યોતિષપુર ગયા. ચારે બાજુ પર્વતો હોવાને કારણે ત્યાં પ્રવેશ કરવો બહુ અઘરું હતું. ઉપરાંત શસ્ત્રાગાર, પાણી ભરેલી ખાઈ, આગની દીવાલો હતાં તે ઉપરાંત મુર દૈત્યે દશ હજાર જાળ બિછાવી હતી. શ્રીકૃષ્ણે ગદા વડે પર્વતોને ચૂર ચૂર કરી નાખ્યા, બાણ ચલાવીને શસ્ત્રાગાર તોડી નાખ્યો. ચક્ર દ્વારા અગ્નિ, જળના અંતરાયો ખતમ કર્યા. બધી જાળ ભેદી નાખી. બધા યંત્રોનો નાશ કર્યા, નગરના પ્રવેશદ્વારના ગદાધરનો શ્રીકૃષ્ણે ધ્વંસ કરી દીધો.

શ્રીકૃષ્ણના પાંચજન્ય શંખનો ધ્વનિ પ્રલયકાલીન વીજળીના કડાકાભડાકા જેવો હતો. તે સાંભળીને મુર દૈત્ય સફાળો જાગી ગયો, તે બહાર આવ્યો. તેને પાંચ મસ્તક હતાં અને અત્યાર સુધી પાણીમાં સૂઈ રહ્યો હતો. તે પ્રલયકાળના સૂર્ય અને અગ્નિ જેવો તેજસ્વી હતો. તેની સામે આંખ માંડીને જોઈ પણ ન શકાય એવો ભયાનક તે હતો. જેવી રીતે સાપ ગરુડ પર આક્રમણ કરે તેવી રીતે ત્રિશૂળ ઉઠાવીને શ્રીકૃષ્ણ સામે ધસ્યો. એમ જ લાગતું હતું કે તે પોતાના પાંચેય મોં વડે ત્રણે લોકને ગળી જશે. તેણે પોતાનું ત્રિશૂળ ઘુમાવીને ગરુડ પર ફંગોળ્યું, અને પછી પાંચેય મોં વડે સિંહગર્જના કરવા લાગ્યો. તેનો અવાજ આકાશ, પૃથ્વી, પાતાળ સમેત સમસ્ત બ્રહ્માંડમાં ફેલાઈ ગયો. શ્રીકૃષ્ણે જોયું કે મુરનું ત્રિશૂળ બહુ વેગથી ગરુડ પર આવી રહ્યું છે ત્યારે પોતાની કુશળતા દેખાડી બે બાણ માર્યાં અને ત્રિશૂળના ત્રણ ટુકડા થઈ ગયા. મુરના મોઢામાં પણ શ્રીકૃષ્ણે બાણ માર્યાં, એટલે તે દૈત્ય ભારે ક્રોધે ભરાયો અને એક ગદા ફેંકી, પણ શ્રીકૃષ્ણે તે ગદા પોતાની પાસે આવે તે પહેલાં જ તેનો નાશ કર્યો. હવે મુર પાસે અસ્ત્રશસ્ત્ર ન રહ્યાં એટલે તે દોડ્યો અને શ્રીકૃષ્ણે ચક્ર વડે તેનાં પાંચેય મસ્તક કાપી નાખ્યાં. મસ્તક કપાતાં તેઓ જીવ જતો રહ્યો અને જેવી રીતે ઇન્દ્રના વજ્રપાતથી કોઈ શિખર કપાઈ જતાં પર્વત સમુદ્રમાં પડી જાય તે રીતે તેનું શરીર પાણીમાં પડી ગયું. મુરના સાત પુત્ર હતા. તામ્ર, અન્તરીક્ષ, શ્રવણ, વિભાવસુ, વસુ, નભસ્વાન અને અરુણ, તે બધા પિતાના મૃત્યુથી બહુ દુઃખી થયા. અને બદલો લેવા શસ્ત્રસજ્જ થયા, પીઠ નામના દૈત્યને સેનાપતિ બનાવીને ભૌમાસુરની આજ્ઞાથી શ્રીકૃષ્ણ પર ચડી આવ્યા, ત્યાં તેમણે શ્રીકૃષ્ણ પર, બાણ, તલવાર, ગદા, શક્તિ, ત્રિશૂળ વગેરે ફંગોળ્યાં. ભગવાનની શક્તિ તો અમોઘ અને અનંત છે, તેમણે બાણ મારીને એ બધાં શસ્ત્ર છિન્નભિન્ન કરી નાખ્યાં, તેમના શસ્ત્રપ્રહારથી સેનાપતિ તથા સાથી દૈત્યોનાં શરીર કપાઈ ગયાં અને બધા યમદ્વારે પહોંચી ગયા, હવે ભૌમાસુરે અર્થાત્ નરકાસુરે જોયું કે શ્રીકૃષ્ણના બાણ અને ચક્રથી સેનાનો સંહાર થઈ ગયો છે ત્યારે સમુદ્રકાંઠે જન્મેલા હાથીઓ લઈને નગર બહાર નીકળ્યો.

તેણે જોયું કે શ્રીકૃષ્ણ પત્ની સાથે ગરુડ પર બેઠા છે. ત્યારે તેણે શતઘ્ની શક્તિનો પ્રહાર કર્યો અને તેના સૈનિકોએ અનેક શસ્ત્રો વરસાવ્યાં. હવે શ્રીકૃષ્ણ તીક્ષ્ણ બાણવર્ષા કરવા લાગ્યા. એને કારણે ભૌમાસુરના સૈનિકોનાં અંગ કપાયાં, હાથી ઘોડા પણ મૃત્યુ પામ્યા.

ભૌમાસુરના સૈનિકોએ જેટજેટલાં અસ્ત્રશસ્ત્ર ચલાવ્યાં તે બધાં શ્રીકૃષ્ણે તોડી નાખ્યાં. શ્રીકૃષ્ણ ગરુડ પર સવાર હતા અને ગરુડ પોતાની પાંખો વડે હાથીઓને ઘા પહોંચાડી રહ્યા હતા. ગરુડના ચાંચ, પંજા અને પાંખો વડે હાથીઓને બહુ વેદના થઈ અને બધા ત્રસ્ત થઈને નગરમાં પ્રવેશી ગયા. હવે ભૌમાસુર એકલો જ લડતો રહ્યો, તેણે જોયું કે ગરુડના પ્રહારથી મારી સેના ભાગી રહી છે, પછી વજ્રને પણ નિષ્ફળ કરનારી શક્તિ ચલાવી. તેનાથી ગરુડ જરાય અસ્વસ્થ ન થયા, જાણે કોઈએ હાથી પર પુષ્પમાળા વડે પ્રહાર કર્યો, શ્રીકૃષ્ણનો વધ કરવા તેણે ત્રિશૂળ ફેંક્યું, પણ હજુ તો તે ફેંકે તે પહેલાં હાથી પર બેઠેલા ભૌમાસુરનું મસ્તક ભગવાને સુદર્શન ચક્ર વડે છેદી નાખ્યું, ભૌમાસુરના સ્વજનો આક્રન્દ કરવા લાગ્યા. ઋષિઓ પ્રશંસા કરવા લાગ્યા અને દેવતાઓએ પુષ્પવર્ષા કરી,

ત્યાર પછી પૃથ્વીએ શ્રીકૃષ્ણ પાસે આવીને તેમના ગળામાં વૈજયન્તી માળા અને વનમાળા પહેરાવી. અદિતિએ માતાના તેજે ઝળહળતા રત્નજડિત કુંડળ આપ્યાં, વરુણનું છત્ર આપ્યું, અને એક મહામણિ પણ આપ્યો. પછી તેણે ભગવાનની સ્તુતિ કરી……

પૃથ્વીએ ભૌમાસુરના પુત્ર ભગદત્તને રક્ષણ આપવા શ્રીકૃષ્ણને વિનંતી કરી. શ્રીકૃષ્ણ તેને અભયદાન આપીને મહેલમાં પ્રવેશ્યા. ત્યાં જોયું તો ભૌમાસુરે જોરજુલમ કરીને રાજાઓ પાસેથી સોળ હજાર રાજકુમારીઓનું હરણ કર્યું હતું. ભગવાનને જોઈને તે કુમારિકાઓ મોહિત થઈ ગઈ અને તેમણે મનોમન શ્રીકૃષ્ણને પતિ તરીકે પસંદ કરી લીધા, તથા એવો નિર્ધાર પણ કર્યો. પછી શ્રીકૃષ્ણે એ રાજકુમારીઓને વસ્ત્રાભૂષણ આપીને દ્વારકા મોકલી અને તેમની સાથે ઘણા ખજાના, રથ, ઘોડા, સંપત્તિ મોકલી આપ્યાં. ઐરાવત વંશમાં ઉત્પન્ન થયેલા ચાર દાંતવાળા સફેદ રંગના ચોસઠ હાથી પણ દ્વારકા રવાના કર્યા.

ત્યાર પછી શ્રીકૃષ્ણ અમરાવતીમાં આવેલા ઇન્દ્રના મહેલમાં ગયા. ત્યાં ઇન્દ્રે અને ઇન્દ્રાણીએ શ્રીકૃષ્ણની તથા સત્યભામાની પૂજાવિધિ કરી. શ્રીકૃષ્ણે તેમને અદિતિનાં કુંડળ આપી દીધા. ત્યાંથી પાછા ફરતી વેળાએ સત્યભામાના કહેવાથી શ્રીકૃષ્ણે કલ્પવૃક્ષ ઉખાડીને ગરુડ પર મૂકી દીધું, પછી ઇન્દ્રને તથા બીજા દેવોને જીતીને કલ્પવૃક્ષ દ્વારકા લઈ આવ્યા. સત્યભામાના મહેલના ઉદ્યાનમાં એ કલ્પવૃક્ષ રોપાવી દીધું. તેનાથી ઉદ્યાનની શોભા બહુ વધી ગઈ. કલ્પવૃક્ષની સાથે તેના સુંગંધ અને પરાગના લોભી ભમરા પણ સ્વર્ગમાંથી દ્વારકા આવી ગયા. ઇન્દ્રને જ્યારે ગરજ હતી ત્યારે શ્રીકૃષ્ણને પગે પડીને મદદ મેળવી પણ સ્વાર્થ સધાઈ ગયો ત્યારે શ્રીકૃષ્ણ સાથે લડાઈ કરી. આ દેવતાઓ ખૂબ જ તમોગુણી છે. એનો સૌથી મોટો દોષ તો ધનાઢ્યતાનો છે.

પછી શ્રીકૃષ્ણે જુદા જુદા ભવનમાં ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને એક સાથે બધી રાજકુમારીઓ સાથે લગ્ન કર્યું, શ્રીકૃષ્ણની પત્નીઓના મહેલમાં જે સમૃદ્ધિ હતી તેવી બીજે ક્યાંય ન હતી…

પ્રદ્યુમ્ન સાક્ષાત્ કામદેવના અવતાર હતા. તેમના રૂપગુણને કારણે રુક્મવતીએ સ્વયંવરમાં તેની સાથે લગ્ન કર્યું હતું. પ્રદ્યુમ્ને એકલે હાથે બધા રાજાઓને જીતી લઈ રુક્મવતીને લઈ આવ્યા હતા. શ્રીકૃષ્ણે કરેલા અપમાનથી રુક્મી દુઃખી તો હતો જ. છતાં પોતાની બહેન રુક્મિણીને ખુશ રાખવા પ્રદ્યુમ્ન સાથે પોતાની દીકરીનું લગ્ન કરાવ્યું. રુક્મિણીને દસ પુત્ર હતા, એ ઉપરાંત ચારુમતી નામની સુંદર કન્યા પણ હતી. કૃતવર્માના પુત્ર બલી સાથે તેનો વિવાહ થયો.

રુક્મીને શ્રીકૃષ્ણ સાથે જૂનું વેર હતું. છતાં પોતાની પૌત્રી રોચનાનો વિવાહ રુકિમણીના પૌત્ર અનિરુદ્વ સાથે કર્યો. જો કે તેને જાણ હતી કે આવો વિવાહ ધર્માનુસાર નથી. અનિરુદ્ધના વિવાહોત્સવમાં શ્રીકૃષ્ણ, બલરામ, રુક્મિણી, પ્રદ્યુમ્ન, સાંબ વગેરે ભોજકર નગરમાં આવ્યા, લગ્ન પછી કલિંગનરેશ જેવા અભિમાની રાજાઓએ રુક્મીને કહ્યું, ‘તું બલરામને પાસાંની રમતમાં જીતી લે.’ બલરામને પાસાંની રમત આવડતી ન હતી. પણ એ રમતનું તેમને ભારે વ્યસન હતું. આમ બીજાઓના બહેકાવાથી રુક્મી ચોપાટ રમવા બેઠો. બલરામે સો, હજાર, દસ હજાર મહોર દાવમાં મૂકયા. રુક્મી જીતી ગયો. કલિંગનરેશ આ જોઈને બલરામની મજાક ઉડાવવા લાગ્યો. તે બલરામ સાંખી ન શક્યા, તે ચિઢાઈ ગયા. પછી રુક્મીએ એક લાખ મહોર દાવમાં મૂકી. બલરામે તે જીતી લીધી. પણ રુક્મી બોલ્યો, ‘હું જીત્યો છું.’ એટલે બલરામ બહુ ચિઢાઈ ગયા. તેમની આંખો તો પહેલેથી લાલ હતી જ. હવે ક્રોધે ભરાયા એટલે આંખો વધુ લાલ થઈ. તેમણે એક કરોડનો દાવ લગાવ્યો,

દ્યૂતના નિયમ પ્રમાણે આ વખતે પણ બલરામ જીતી ગયા. પણ રુક્મીએ જૂઠું કહ્યું, ‘હું જીત્યો છું. આ વિષયના નિષ્ણાત કલિંગનરેશ જેવા સભાસદો આનો નિર્ણય કરે.’ ત્યારે આકાશવાણી થઈ, ‘ધર્મ પ્રમાણે બલરામ જીત્યા છે. રુક્મીનો દાવો સાવ ખોટો છે.’ રુક્મીના માથે મોત ભમતું હતું અને તેના સાથીઓએ ચઢાવ્યો હતો. એટલે આકાશવાણી પર જરાય ધ્યાન ન આપ્યું અને બલરામની મજાક ઉડાવી. ‘બલરામ, આખરે તો તમે વન વન ભટકનારા ગોપબાલ, તમને આ રમત ક્યાંથી આવડે? પાસાં અને બાણ તો રાજાઓની સંપત્તિ, તમારા જેવાની નહીં.’ આ સાંભળી બલરામ રાતાપીળા થઈ ગયા અને મુદ્ગર ઉઠાવીને તેના વડે રુક્મીને મારી નાખ્યો. પહેલાં તો કલિંગનરેશ મજાક ઉડાવતો હતો, હવે તે ત્યાંથી ભાગ્યો. પણ બલરામે ત્યાં જ તેને પકડી લીધો અને તેના દાંત પાડી નાખ્યા. શ્રીકૃષ્ણે રુક્મિણી નારાજ થશે એમ માનીને કશું બોલ્યા નહી. પણ અનિરુદ્ધનો વિવાહ અને શત્રુવધ થઈ ગયા પછી યાદવો અનિરુદ્ધ અને નવોઢા રોચનાને રથમાં બેસાડીને દ્વારકા લઈ આવ્યા.