ભારતીયકથાવિશ્વ−૪/હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત/નળદમયંતી કથા

From Ekatra Wiki
Revision as of 02:44, 18 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નળદમયંતી કથા

વિદર્ભ દેશમાં કુંડિન નગર, ત્યાં રાજા ભીમરથ, તેની રાણી રૂપે દેવાંગનાઓને તિરસ્કારે એવી. તે બંને નિવિર્ઘ્ને સંસારસુખ ભોગવતાં હતાં. શુભ મુહૂર્તે ક્ષીરડિંડીરા નામની દેવી રાણીના ઉદરમાં પ્રવેશી. રાણીને સ્વપ્નમાં શ્વેત હસ્તી મહેલમાં આવતો જોયો. રાજાને ખ્યાલ આવ્યો કે કોઈ પુણ્યાત્મા ગર્ભમાં પ્રવેશ્યો છે. અને ત્યાં સ્વર્ગમાંથી જ જાણે કોઈ શ્વેત હસ્તી આવ્યો હોય એમ ત્યાં આવ્યો ને રાજારાણીને પોતાની પીઠે બેસાડી નગરમાં ફેરવ્યા અને પાછા મહેલે આવીને તેમને ઉતાર્યા.

ગર્ભાવસ્થા પૂરી થઈ એટલે પવિત્ર દિવસે રાણીએ કન્યાને જન્મ આપ્યો અને કન્યાના લલાટમાં તેજસ્વી તિલક જન્મની સાથે જ હતું. રાણી સગર્ભા હતી ત્યારે દાવાનળથી બચવા આવી ચઢેલા શ્વેત દંતી (હસ્તી) ને જોયો હતો એટલે તે કન્યાનું નામ દવયંતી પાડ્યું. (બીજું નામ દમયંતી) તે કન્યાને ઓરમાન માતાઓ પણ રમાડવા લાગી. તેના જન્મથી રાજાની સમૃદ્ધિ વધી, આઠ વર્ષની ઉંમરે તે કન્યાની તાલીમ માટે એક ઉત્તમ કળાચાર્યને સોંપી. તે કન્યા ઘણી બધી રીતે પારંગત થઈ અને તેની પ્રતીતિ પિતાને કરાવી. રાજાએ એક લાખથી વધુ સોનામહોર કળાચાર્યને આપી. પછી નિવૃત્તિ નામની દેવીએ સુવર્ણની અર્હંત પ્રતિમા આપીને કહ્યું, ‘આ શાંતિનાથની પ્રતિમા છે, તારે દરરોજ તેની પૂજા કરવી.’ પછી દવયંતી પ્રતિમાને વંદન કરી પોતાના ખંડમાં લઈ ગઈ.

હવે દવયંતી યુવાન થઈ, પણ તેના પિતા તેને માટે યોગ્ય વર શોધી ન શક્યા એટલે સ્વયંવર યોજવાનું ઠરાવ્યું. ત્યાં કોશલપતિ નિષધ રાજા પણ નળ અને કુબર નામના બંને પુત્રોને લઈને આવ્યો. સ્વયંવરને દિવસે બધા રાજાઓ પોતાની સમૃદ્ધિ વડે એકબીજાની સ્પર્ધા કરતા આસનો પર બેસી પોતાનાં જાતજાતનાં ચાતુર્ય બતાવવા લાગ્યા.

અને ત્યાં મંડપને શોભાવતી દવયંતી આવી. તેને જોંતાવેંત રાજાઓ આતુર થઈ ગયા. રાજાની આજ્ઞાથી અંત:પુરની પ્રતિહારી દવયંતીને રાજાઓનો પરિચય આપવા લાગી. અને એમ ઋતુપર્ણ, ચંદ્રરાજ, સુબાહુ, ચંદ્રશેખર, શશિલક્ષ્ય, યજ્ઞદેવ, માવર્ધન, મુકુટેશ્વર જેવા રાજાઓને ઓળખાવ્યા. છેલ્લે નળ અને કુબર પાસે દવયંતી આવી અને તેણે નળના ગળામાં વરમાળા આરોપી. આ જોઈ કૃષ્ણરાજ નામનો રાજકુમાર નળ સાથે લડવા તૈયાર થઈ ગયો. બંનેનું સૈન્ય સજ્જ થયું. દવયંતી પોતાને તિરસ્કારવા લાગી કે મારે કારણે આ ઘટના બની. તેણે શાસનદેવીને પ્રાર્થના કરી અને જળનાં છાંટાં બંને સૈન્ય પર નાખ્યા.

દવયંતીએ ખરા મનથી નળનો વિજય ઇચ્છ્યો હતો. ઝાંખા થઈ ગયેલા કૃષ્ણરાજના હાથમાંથી તલવાર પડી ગઈ, છેવટે તેણે નળની મહાનતા સ્વીકારી તેની ક્ષમા માગી. નળ અને દવયંતીનો વિવાહ ધામધૂમથી થયો, વિદાય લેતી દવયંતીને માતાએ પતિની નિકટ જ રહેવા કહ્યું. અને કોશલરાજાએ પોતાના દેશ ભણી પ્રયાણ કરવા માંડ્યું. ચારે બાજુ અંધારું થયું એટલે નળે પોતાના ખોળામાં સૂતેલી દવયંતીને કહ્યું, તમારા લલાટ પરના તિલકસૂર્યને પ્રગટ કરો અને દવયંતીએ તિલક ઉઘાડું કર્યું, ચારે બાજુ અજવાળું અજવાળું થઈ ગયું.

રસ્તામાં એક મુનિનું દર્શન થયું, નળે પોતાના પિતાને એ મુનિની પૂજા કરવા કહ્યું, કોશલનગરીમાં પ્રવેશ થયો એટલે નળે જિનચૈત્યોથી ભરચક પોતાની નગરી બતાવી. દવયંતીએ એ જિનચૈત્યોની દરરોજ પૂજા કરવાની ઇચ્છા બતાવી.

હવે બંને-પતિપત્ની વિહાર કરતા થયાં.

નિષધરાજાએ નળને રાજા અને કુબરને યુવરાજ બનાવ્યો. નળરાજાનો કોઈ બીજા રાજાએ વિરોધ ન કર્યો, પણ તક્ષશિલા નગરીનો કદંબ રાજા નળની આણ માનતો ન હતો. એટલે પહેલાં તો દૂત મોકલી તે રાજાને સંદેશો કહેવડાવ્યો પણ તે રાજાએ દૂતનું અપમાન કર્યું. છેવટે બંને રાજા યુદ્ધ કરવા તૈયાર થયા. બીજાઓની હિંસા ન થાય એટલે નળે દ્વન્દ્વ યુદ્ધનો પ્રસ્તાવ મૂક્યો. નળરાજાએ બધાં જ યુદ્ધોમાં કદંબને હરાવ્યો એટલે તેણે વ્રતધારી બનવાનો વિકલ્પ સ્વીકારી લીધો અને નળે તેના પુત્ર જયશક્તિને સિંહાસન પર બેસાડ્યો.

પરંતુ નળના નાના ભાઈ કુબરને રાજ્યનો મોહ હતો, તે નળના વાંક જોવા લાગ્યો. એેટલે તેણે દ્યૂત રમવા માંડ્યું. નળ ધીમે ધીમે બધું હારવા લાગ્યા, દવયંતીએ ત્યાં આવીને નળને દ્યૂત બંધ કરવા કહ્યું પણ નળ દ્યૂતમાં જ લીન રહ્યા, અને નળે બધું જ ગુમાવી દીધું એટલે કુબરે તેને રાજ્ય ત્યજી દેવા કહ્યું, દવયંતી તેની પાછળ જતી હતી એટલે કુબરે કહ્યું, ‘તું ક્યાં જાય છે? હું તને પણ જીત્યો છું.’ પણ મંત્રીએ કુબરને સમજાવ્યો કે ‘મોટા ભાઈની પત્ની મા કહેવાય, જો તું જુલમ કરવા જઈશ તો તે પતિવ્રતા તને બાળીને ભસ્મ કરી નાખશે.’ છેવટે કુબરે તેમની વાત માની, નળ તો રથ પણ લેવા તૈયાર ન હતા, પણ મંત્રીઓએ બહુ આગ્રહ કર્યો એટલે રથ સ્વીકાર્યો.

એકવસ્ત્રા દવયંતીને જોઈ બધી સ્ત્રીઓ ભારે કલ્પાંત કરવા લાગી. નગરની વચ્ચે પાંચસો હાથ ઊંચા સ્તંભને રાજાએ ઊપાડ્યો અને પાછો ત્યાં જ સ્થાપ્યો. પછી દવયંતીની સૂચનાથી નળે રથને કુુંડિનપુરની દિશામાં ધપાવ્યો. રસ્તામાં ભીલોએ નળને ઘેરી લીધા એટલે રાજા તલવાર કાઢીને લડવા તૈયાર થયા. પણ દવયંતીએ તેમને વાર્યા. તેમણે કરેલા હુંકારાથી બધા ભીલ નાસી ગયા. બીજા ભીલો આવીને રથ લઈ ગયા. હવે કાંટા ભોંકાવાને કારણે દવયંતીના પગમાંથી લોહી નીકળવા લાગ્યું. દવયંતીની આસનાવાસના કરતા નળે તેને માટે અશોકનાં પાંદડાંની પથારી કરી આપી. દવયંતી નિદ્રાધીન થઈ ત્યારે નળ વિચારે ચઢ્યા, ‘સાસરે જવામાં પુરુષોની શોભા નથી. તો હું આ પ્રિયાનો ત્યાગ કરી બીજે એકલો જતો રહું.’ પછી નળે પોતાનું અર્ધવસ્ત્ર છેદી નાખ્યું, પોતાના લોહી વડે દવયંતીના વસ્ત્ર પર લખ્યું: એક માર્ગ વિદર્ભ જાય છે અને બીજો માર્ગ કોશલ દેશમાં જાય છે.’ પછી સવાર સુધી રાહ જોઈ અને સવારે ચાલી નીકળ્યા.

રાત્રે એક દુ:સ્વપ્નની દવયંતી જાગી ગઈ અને નળને ક્યાંય જોયા નહીં; તે કલ્પાંત કરવા લાગી. પછી વસ્ત્ર પરના અક્ષર વાંચીને પિતાના ઘરનો રસ્તો લીધો. રસ્તામાં વાઘ કે સાપ, હાથી પણ તેને ઈજા કરી શકતા ન હતા. આગળ જતાં તેણે એક સાર્થ જોયો, તેને આશા બંધાઈ પણ તરત જ ચોરલોકોએ તે સાર્થને ઘેરી લીધો. ભયભીત થયેલા સાર્થજનોને દવયંતીએ હિંમત બંધાવી અને ચોરોને ભગાડવા મથી, શરૂઆતમાં ચોરો અડગ રહ્યા ત્યારે ભયંકર હુંકાર કર્યો એટલે છેવટે તેઓ ભાગી ગયા, સાર્થજનોએ તેને દેવી માની લીધી.

અચાનક ત્યાં મુસળધાર વરસાદ પડવા માંડ્યો, પછી વૈદર્ભી સંઘનો સાથ છોડી એકલી ચાલી નીકળી, રસ્તામાં તેને ખાઈ જવા માગતો એક રાક્ષસ મળ્યો. પણ દવયંતી જરાય ડગી નહીં, રાક્ષસને પોતાની પવિત્રતાની પ્રતીતિ થશે એમ કહ્યું એટલે તેણે દવયંતીને બાર વર્ષે નળનું મિલન થશે એમ કહ્યું, પછી દવયંતીએ નિયમ લીધો: જ્યાં સુધી નળ નહીં મળે ત્યાં સુધી હું રાતાં વસ્ત્ર, તાંબૂલ, આભૂષણો નહીં પહેરું.

પણ ફરી પેલો સાર્થવાહ દવયંતીને શોધતો આવ્યો, ત્યારે દવયંતી પૂજા પૂરી કરી તેની સાથે વાતો કરવા લાગી. ફરી ભારે વર્ષા શરૂ થઈ. બધાને ચિંતા થઈ, ક્યાં જઈશું? એટલે દવયંતીએ તેમને ધીરજ બંધાવી, ‘જો હું સાચી સતી હોઉં, અર્હંત શ્રાવિકા હોઉં તો આ વરસાદ કુંડની બહાર વરસે.’ એટલે તે કુંડની બહાર વરસાદ પડ્યો, અંદર નહીં. સાર્થવાહે દવયંતીને તમે કોની પૂજા કરો છો એ પૂછ્યું એટલે તેણે બધી વાત કરી, બધાએ જૈનધર્મ સ્વીકાર્યો.

ત્યાં બધાંએ યશોભદ્રસૂરિને જોયા. તેમણે બધાને ઉપદેશ આપ્યો. દવયંતીએ દીક્ષા માગી પણ મુનિએ ના પાડી, હજુ નળરાજા સાથે જીવવાનું છે એમ કહ્યું. ત્યાં સાત વર્ષ દવયંતી ગુફામાં રહી. પછી તેને ખાઈ જવા માગતી રાક્ષસીને શાંત કરી. નિર્જળ નદીને તેણે જળવાળી કરી.

પછી કેટલાક સાર્થજનો ત્યાં આવ્યા, ત્યાં અચલપુરમાં તેને મૂકીને બધા જતા રહ્યા. એ નગરમાં ઋતુપર્ણ રાજા અને ચંદ્રયશા તેની રાણી. વાવમાં પાણી ભરવા આવેલી દાસીઓએ મલિન વેશધારી દવયંતીને જોઈ રાણીને તેના સમાચાર આપ્યા. દાસીઓને દવયંતીને લઈ આવવાની આજ્ઞા આપી. આ ચંદ્રયશા વાસ્તવમાં દવયંતીની માતા પુષ્પદંતીની સગી બહેન હતી, પણ વૈદર્ભી તો તેમને ઓળખતી જ નથી. માસી પણ માની નથી શકતી કે નળની પત્નીની આવી દુર્દશા થાય.

અનાથ લોકોને અન્ન આપવાની કામગીરી દવયંતીએ ઉપાડી લીધી હતી, તે દરેક યાચકને પૂછતી કે તમે આવા રૂપવાળા કોઈ પુરુષને જોયો છે ખરો? એક વેળા તે દાનશાળામાં ઊભી હતી ત્યારે કોઈ ચોરને વધસ્તંભે લઈ જવાતો તેણે જોયો. વૈદર્ભીને જોઈને ચોરે કહ્યું, ‘તમારી દૃષ્ટિ મારા પર પડી છે તો હું કેવી રીતે મૃત્યુ પામીશ?’ અને દવયંતીએ પોતાના સતીત્વની દુહાઈ આપીને ચોરનાં બંધન છોડાવી દીધાં. રાજા આ ઘટના જાણીને દવયંતીને કહેવા લાગ્યો, ‘રાજાનું કર્તવ્ય છે કે પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું. જો આ ચોરને સજા ન કરું તો પછી લોકો પારકું ધન હરી લેવા માગશે.’ પણ દવયંતીએ ચોર મારા શરણે આવ્યો છે એમ કહીને તેને મુક્તિ અપાવી. ચોરે પણ દવયંતીને પ્રણામ કર્યાં અને દરરોજ તેની વંદના માટે આવવા લાગ્યો. વાતવાતમાં ચોરે પોતાનો ભૂતકાળ કહ્યો, અને પછી દવયંતીના કહેવાથી તેણે દીક્ષા લીધી.

વિદર્ભ રાજાને પણ નળદવયંતીના સમાચાર મળ્યા. તેણે એક બહુને નળદવયંતીને શોધવા મોકલ્યો. તે બહુ અચલપુરમાં આવ્યો અને ભોજન કરતી વખતે દાનશાળામાં બેઠેલી દવયંતીને ઓળખી કાઢી, ચંદ્રયશાને વધામણી આપી. તે રાણીએ પણ દવયંતી પાસે જઈને ક્ષમા યાચી. દવયંતીએ કપાળ પરનું તિલક સાફ કર્યું, બહાર અંધકાર હતો પણ રાજસભામાં દવયંતીના તિલકને કારણે બધે પ્રકાશ હતો. રાજાએ આનું કારણ પૂછ્યું ત્યારે રાણીએ દવયંતીનું તિલક બનાવી બધી વાત કરી. પછી દવયંતીને પિતૃગૃહે મોકલી આપી. તે માતાપિતાને મળી અને બધાંએ હૈયાં ઠાલવ્યાં. આ તરફ નળરાજાનું શું થયું?

તે જ્યારે વનમાં ભમતા હતા ત્યારે ત્યાં ધુમાડો જોયો, પછી અગ્નિજ્વાળા જોઈ અને ક્યાંકથી શબ્દો સંભળાયા, ‘હે નળરાજા, મારી રક્ષા કરો. તમને પણ હું કશીક સહાય કરીશ.’ નળરાજાએ નજીક જઈને જોયું તો એક મોટો સાપ હતો. પછી નળરાજાએ પોતાના વસ્ત્ર વડે સર્પને ઝાલ્યો, ભૂમિ પર મૂકવા જતાં સાપે નળના હાથે દંશ માર્યો. નળે કટાક્ષ કરી કડવાં વેણ કહ્યાં, અને સાપનું ઝેર નળના શરીરમાં પ્રસરવા લાગ્યું, કેશ પીળા થયા, હોઠ ઊંટ જેવા થયા, હાથપગ દૂબળા થયા, પેટ ગાગર જેવું થઈ ગયું. આ જોઈને નળને દીક્ષા લેવાનો વિચાર આવ્યો, ત્યારે પેલા સાપે એ રૂપ ત્યજીને દિવ્ય રૂપ ધારણ કર્યું. અને તે બોલ્યો, ‘હું તારો પિતા નિષધ છું. તારા શત્રુઓ તને હવે ઓળખી નહીં શકે. હજુ દીક્ષા લેવાનો સમય આવ્યો નથી. આ શ્રીફળ અને રત્નનો કંડિયો લે. જ્યારે મૂળ રૂપ જોઈએ ત્યારે શ્રીફળ વધેરજે, તેમાં દિવ્ય વસ્ત્ર હશે, અને આ રત્નના કંડિયામાં આભૂષણો હશે.’ નિષધરાજાએ તેને દવયંતીના સમાચાર આપ્યા અને નળને સુસુમાર નગર પાસે પહોંચાડી દીધા.

નગર પાસેના નંદનવનમાં સિદ્ધાયતન જેવું ચૈત્ય જોયું. નળે ત્યાં વંદના કરી. એવામાં નગરનો ઉન્મત્ત થયેલો હાથી બંધન તોડીને નીકળ્યો હતો. રાજાએ હાથીને અંકુશમાં આણનારને મોંમાગ્યો બદલો આપવાની વાત કરી. નળે હાથીને લીલા વડે અંકુશમાં આણ્યો. રાજાએ પ્રસન્ન થઈ પૂછયું, ‘આ સિવાય કોઈ આવડત છે?’ ત્યારે નળે કહ્યું, ‘હું સૂર્યપાક રસવતી કરી જાણું છું.’ રાજાએ કૂબડા થયેલા નળને બધો સરંજામ મેળવી આપ્યો. નળે તરત જ સૌરી વિદ્યાનું સ્મરણ કરી રસોઈ કરી, રાજાએ પરિવાર સહિત તે આરોગી અને પૂછ્યું, ‘આવી રસવતી તો માત્ર નળરાજા કરી જાણે છે. શું તમે નળ છો? પણ નળ આવા વિરૂપ હોઈ ન શકે.’ નળે રાજાનો ઉપહાર સ્વીકારી બીજી માગણી કરી, ‘રાજ્યમાંથી વિહાર અને મદિરાપાનને દેશવટો આપો.’

એક વખત રાજા દધિપર્ણે કૂબડાને બોલાવી તેની માહિતી પૂછી, ‘હું નળરાજાને ત્યાં હુંડિક નામે રસૌયો હતો; નળરાજા પાસેથી રસોઈની કળા શીખ્યો છું.’ પછી નળના મૃત્યુના સમાચાર પણ આવ્યા, રાજાએ નળની મરણોત્તર ક્રિયા કરી.

પછી તે રાજાએ દવયંતીના પિતા પાસે કોઈ દૂત મોકલ્યો અને તે દૂતે નળરાજાને ત્યાંથી કોઈ રસૌયો આવ્યો છે તેની વાત કરી. એટલે દવયંતીએ પિતાને કહ્યું, ‘ત્યાં તમે કોઈ દૂતને મોકલી તપાસ કરાવો. નળરાજા સિવાય સૂર્યપાક રસોઈ કોઈ જાણતું નથી, એ રસૌયો જ કદાચ નળ હોય તો!’

એટલે રાજાએ એક બ્રાહ્મણને મોકલ્યો અને તે કૂબડા પાસે ગયો. આવો વેશ જોઈને તે બ્રાહ્મણ દુઃખી થયો અને નળની નિંદા કરતા શ્લોક બોલ્યો. નળ રાજાએ એ સાંભળી આંસુ આવ્યાં, બ્રાહ્મણે પૂછ્યું એટલે નળે આખી વાત કહી. તે વાત તેણે વિદર્ભ રાજાને ત્યાં જઈ કહી. તે સાંભળી દવયંતીએ કહ્યું, ‘આ ચોક્કસ નળ જ હશે. તમે એને બોલાવો, હું પરીક્ષા કરીશ.’

એટલે પછી ભીમરાજાએ ખોટો સ્વયંવર યોજી દધિપર્ણ રાજાને બોલાવવાની વાત કરી.

અને આમ દધિપર્ણ રાજાને દમયંતીના સ્વયંવરમાં આવવા આમંત્રણ મોકલ્યું. પણ રાજા ચિંતામાં પડ્યો, ત્યાં પહોંચવું કેવી રીતે? આ સમાચાર સાંભળી કૂબડો વિચારમાં પડ્યો. છેવટે નક્કી કર્યું કે આ રાજાને હું ત્યાં પહોંચાડું.’ રાજાએ પણ મોકળે મને દમયંતીની સાથે લગ્ન કરવાની ઇચ્છા પ્રગટ કરી. કૂબડાએ રાજાને સમયસર પહોંચાડવાનું વચન આપ્યું, અને ત્યાં રાજાને અને તેના સેવકોને રથમાં બેસાડી નીકળ્યા. રસ્તામાં રાજાનું વસ્ત્ર ઊડી ગયું, પણ તે વસ્ત્ર લેવાની વાત કરી ત્યાં સુધીમાં તો રથ પચીસ યોજન જતો રહ્યો હતો. રસ્તામાં બહેડાનું ઝાડ આવ્યું, નળે તે ઝાડ પર હાથ પછાડીને બધાં ફળ જમીન પર પાડી નાખ્યાં. રાજાએ એ ફળની સંખ્યા તરત ગણી, એટલે પછી કૂબડાએ પોતાની અશ્વવિદ્યા રાજાને આપી અને રાજાએ પોતાની વિદ્યા કૂબડાને આપી.

તે જ વેળા વૈદર્ભીને જે સ્વપ્ન જોયું, તેનો અર્થ પિતાએ કરી આપ્યો કે હવે તને પતિનો મેળાપ થશે.

આ વાતો ચાલતી હતી ને ત્યાં દધિપર્ણ રાજાના આગમનના સમાચાર મળ્યા. બંને રાજા એકબીજાને મળ્યા અને ત્યારે ભીમે કૂબડાની રસોઈ ચાખવાની ઇચ્છા વ્યક્ત કરી, કૂબડાએ તરત જ રસોઈ કરી આપી અને તે ચાખીને દવયંતીએ માની જ લીધું કે આ કૂબડો જ નળ છે. તેણે પિતાને કહ્યું, ‘આ સિવાય બીજી પણ એક પરીક્ષા છે, તે જો મને સ્પર્શ કરે તો મારા શરીરે રોમાંચ થાય.’ રાજાના અતિઆગ્રહથી કૂબડાએ દવયંતીના વક્ષસ્થળનો સ્પર્શ કર્યો અને તરત જ દવયંતી રોમાંચિત થઈ ગઈ. ‘ત્યારે તો મને સૂતી મોકલીને જતા રહ્યા હતા, હવે ક્યાં જશો?’ એમ કહી તે અંત:પુરમાં લઈ ગઈ. કૂબડાએ શ્રીફળ અને કરંડિયામાંથી વસ્ત્રાભૂષણ કાઢ્યાં અને તે પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. ત્યાં મહિનો માસ રહ્યા પછી નળ-દવયંતી પોતાના દેશમાં આવ્યાં. નળે ફરી દ્યૂત રમવા કહેવડાવ્યું અને નળે કુબરની બધી લક્ષ્મી પાછી મેળવી લીધી. પણ નળે ઉદાર બનીને કુબરને ક્ષમા કર્યો અને યુવરાજપદ આપ્યું. વર્ષો સુધી રાજ કર્યા પછી નિષધ રાજાએ સ્વપ્નમાં આવીને નળને દીક્ષાની યાદ અપાવી. છેવટે બંને પતિપત્નીએ અનશન કરી વ્રત આદર્યાં.