ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/ધર્મગુપ્ત, સિંહ અને રીંછની કથા
ચંદ્રવંશમાં નંદ નામનો એક રાજા થઈ ગયો. તેનો પુત્ર ધર્મગુપ્ત. નંદે રાજ્યની રક્ષાનો ભાર પુત્રને સોંપી દીધો અને પોતે તપ કરવા વનમાં ગયો. પછી ધર્મગુપ્તે પૃથ્વીનું પાલન કરવા માંડ્યું. યજ્ઞો કર્યા, બ્રાહ્મણોને દક્ષિણા આપી. પ્રજા પણ ધર્મપાલન કરતી હતી. એક દિવસ ધર્મગુપ્ત શિકાર કરવા વનમાં ગયો. ત્યાં જ રાત પડી ગઈ. સંધ્યા ઉપાસના કરી ગાયત્રી જાપ કર્યો. પછી જંગલી પ્રાણીઓથી બચવા તે એક વૃક્ષ પર ચઢીને બેઠો. થોડી વારે ત્યાં એક રીંછ આવ્યું. તેને સિંહનો ડર હતો. વનમાં ફરતો સિંહ તે રીંછનો પીછો કરી રહ્યો હતો. રીંછ વૃક્ષ પર ચઢી ગયું. ત્યાં તેણે ધર્મગુપ્ત રાજાને બેઠેલો જોયો. એટલે તેણે કહ્યું, ‘મહારાજ, ડરતા નહીં, આપણે બંને રાતે અહીં રહીશું. નીચે એક ભયંકર સિંહ છે. તમે અડધી રાત નિરાંતે સૂઈ જાઓ, હું જાગીને તમારી રક્ષા કરીશ. પછી જ્યારે હું સૂઈ જઉં ત્યારે બાકીની રાત તમે મારી રક્ષા કરજો.’
રીંછની વાત સાંભળીને ધર્મગુપ્ત ઊંઘી ગયો. પછી સંહેિ કહ્યું, ‘આ રાજા તો ઊંઘી ગયો છે. તેને તું નીચે ગબડાવી દે.’
રીંછ હતું ધર્મજ્ઞ. તેણે કહ્યું, ‘વનરાજ, તમે ધર્મ નથી જાણતા. વિશ્વાસઘાત કરનારાં પ્રાણીઓએ ભારે દુઃખ ભોગવવાં પડે છે. મિત્રદ્રોહીઓનું પાપ દસ હજાર યજ્ઞ કરવાથી પણ નાશ પામતું નથી. બ્રહ્મહત્યાના પાપનું તો નિવારણ થઈ શકે પણ વિશ્વાસઘાતીના પાપનું નિવારણ થતું નથી. હું મેરુ પર્વતને પૃથ્વીનો મોટો ભાર નથી માનતો, સંસારમાં જે વિશ્વાસઘાતી છે તે જ ભૂમિનો સૌથી વધારે ભાર છે.’
રીંછની વાત સાંભળીને સિંહ તો ચૂપ થઈ ગયો. પછી ધર્મગુપ્ત જાગ્યો અને રીંછ સૂઈ ગયું. સંહેિ રાજાને કહ્યું, ‘આ રીંછને નીચે ગબડાવી દે.’ રાજાએ પોતાના ખોળામાં સૂતેલા રીંછને નીચે પાડી નાખ્યો. પણ તે રીંછના હાથમાં વૃક્ષની એક ડાળી આવી ગઈ એટલે તે લટકી રહ્યું. તે સદ્ભાગ્યે નીચે ન પડ્યું. તે રાજાને ક્રોધે ભરાઈને કહેવા લાગ્યું, ‘હું ઇચ્છાનુસાર રૂપ ધારણ કરનાર ધ્યાનકાષ્ઠ નામનો મુનિ છું. મેં સ્વેચ્છાએ રીંછનું રૂપ ધારણ કર્યું હતું. મેં તારો કોઈ અપરાધ કર્યો ન હતો તો પછી મને નીચે કેમ પાડી નાખ્યો? જા, તું પાગલ થઈને પૃથ્વી પર ભટકતો રહેજે.’ અને પછી સિંહને પણ શાપ આપ્યો. તું સિંહ નહીં, મહાયક્ષ થજે. તું પહેલાં કુબેરનો મંત્રી હતો. તું એક દિવસ તારી પત્નીને લઈને હિમાલયના એક શિખર પર ગૌતમ મુનિની પાસે વિહાર કરવા લાગ્યો. દૈવની પ્રેરણાથી મહર્ષિ ગૌતમ સમિધ લાવવા કુટીરની બહાર નીકળ્યા અને તને નગ્ન જોઈ બોલ્યા, ‘અરે તું મારા આશ્રમ પાસે નગ્ન થઈને ફરે છે. એટલે તું સિંહ થજે.’ મુનિએ આમ કહ્યું, એટલે તે સિંહનું રૂપ ત્યજીને દિવ્ય યક્ષમાં ફેરવાઈ ગયો. હાથ જોડીને તે મુનિને કહેવા લાગ્યો. ‘હવે મને પૂર્વવૃત્તાંતનો ખ્યાલ આવી ગયો. ગૌતમ મુનિએ શાપ આપતી વખતે કહ્યું હતું, ‘જ્યારે રીંછરૂપધારી ધ્યાનકાષ્ઠ મુનિ સાથે તારી વાતચીત થશે ત્યારે તું સિંહરૂપ ત્યજીને યક્ષ થઈ જઈશ.’
આમ કહી યક્ષ મુનિને પ્રણામ કરી સુંદર વિમાનમાં બેસી અલકાપુરી જતો રહ્યો. ધર્મગુપ્તને પાગલ રૂપે જોઈ મંત્રીઓ તેને પિતા નંદ પાસે લઈ ગયા અને બધી વાત જાણી નંદ પુત્રને જૈમિની મુનિ પાસે લઈ ગયા અને એ પાગલપનનો ઉપાય પૂછ્યો. મુનિએ ખાસ્સા સમય સુધી ધ્યાન ધરીને કહ્યું, ‘રાજન્, તમારો પુત્ર ધ્યાનકાષ્ઠ મુનિના શાપથી આવો થઈ ગયો છે. સુવર્ણમુખી નદી પાસે વેંકટ નામનો પર્વત છે. ત્યાં સ્વામિપુષ્કરિણી નામનું એક તીર્થ છે. ત્યાં જઈને પુત્રને તેમાં સ્નાન કરાવો એટલે તેનો ઉન્માદ શમી જશે.’ રાજાએ મુનિના કહેવા પ્રમાણે તે તીર્થમાં પુત્રને સ્નાન કરાવ્યું એટલે તેનું પાગલપણું જતું રહ્યું. રાજાએ પણ ત્યાં સ્નાન કર્યું. એક દિવસ રહી નંદ રાજા પાછા વનમાં જતા રહ્યા.
(ભૂમિવારાહ ખંડ)