ભારતીયકથાવિશ્વ−૪/પદ્મપુરાણ/પ્રભંજન અને નંદા ગાયની કથા

From Ekatra Wiki
Revision as of 06:21, 21 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રભંજન અને નંદા ગાયની કથા

દૂર દૂરના ભૂતકાળની આ વાર્તા. પ્રભંજન નામે એક રાજા. એનાં પરાક્રમોની તો વાત જ ન થાય. એક દિવસ તે શિકારે નીકળી પડ્યો એક વનમાં. કોઈ ઝાડીમાં રાજાએ એક હરણી જોઈ. તીખું તમતમતું બાણ ચલાવીને રાજાએ તો તેને વીંધી નાખી. ઘવાયેલી હરણીએ આજુબાજુ નજર કરી. જોયું તો સામે જ ધનુષબાણ લઈને રાજા ઊભો હતો. હરણીએ કહ્યું, ‘અરે મૂઢ, આ શું કર્યું? હું તો નિરાંતે મારા બચ્ચાને દૂધ પીવડાવતી હતી. આવી હાલતમાં તેં મને વીંધી નાખી! મારો અપરાધ કયો? તારી બુદ્ધિ મેલી છે, હું તને શાપ આપું છું. તું કાચું માંસ ખાનારો વાઘ થઈ જજે.’

આ સાંભળીને રાજાના તો હોશકોશ ઊડી ગયા. ‘મને શી ખબર કે તું તારા બચ્ચાને દૂધ પીવડાવી રહી છે. જે થયું તે અજાણતાં થયું. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કર. હુું વાઘમાંથી મનુષ્ય ક્યારે બનીશ? શાપનો અંત ક્યારે આવશે?’

રાજાની વાત સાંભળીને હરણી બોલી, ‘હે રાજન્, આજથી સો વર્ષ પછી નંદા નામની એક ગાય આવશે. તેની સાથે વાતચીત કરીશ એટલે શાપનો અંત આવશે.’

શાપ એટલે શાપ. રાજા તો થઈ ગયો વાઘ. ભયંકર દેખાવ, જોઈને જ બીક લાગે. તે પશુઓને, માણસોને મારીને રહેવા લાગ્યો. પણ પોતાની નિંદા કર્યા કરે. ‘હું ક્યારે માનવી થઈશ, હવે કોઈ દિવસ પાપ નહીં કરું. વાઘ છું એટલે હિંસા કરવી તો પડે છે, કોઈ પુણ્ય મળતું નથી. અરે, આ કપરાં સો વરસ ક્યારે વીતશે?’

અને એમ વરસો ઉપર વરસો વીતવા લાગ્યાં. એ ઘટનાને સો વર્ષ વીત્યાં અને એક દિવસ ગાયોનું મોટું ધણ આવી ચઢ્યું. વનમાં તો ઘાસચારો જોઈએ તેટલો, પાણી જોઈએ તેટલું. પછી જોઈએ શું? ગાયો માટે ગોવાળોએ એક વાડો ઊભો કરી દીધો. તેમણે પોતાને માટે ઘર પણ બાંધી દીધાં. આખું વન ગાયોના હંભારવથી ગાજી ઊઠ્યું. બળવાન ગોવાળો ચારે બાજુથી ગાયોની રખેવાળી કરતા હતા.

હવે એ ધણમાં એક હૃષ્ટપુષ્ટ ગાય હતી, ભારે સંતોષી, નામ તેનું નંદા. ધણમાં તે આગળ પડતી, જરાય બીક વિના બધી ગાયોની આગળ આગળ ચર્યા કરે. એક દિવસ બધી ગાયોથી તે વિખૂટી પડી ગઈ અને જઈ ચઢી પેલા વાઘ પાસે. વાઘ તો તેને જોતાંવેંત બોલ્યો, ‘ઊભી રહે, ઊભી રહે. હવે જઈશ ક્યાં? સામે ચાલીને જ તું મારી સામે આવી ગઈ.’ સાંભળીને ગાયનાં તો રૂવાં ઊભાં થઈ ગયાં. તેને પોતાનો ચાંદા જેવો રૂપાળો વાછરડો યાદ આવ્યો. ગાય બહુ વિલાપ કરતી હતી એટલે વાઘ બોલ્યો, ‘સંસારમાં સહુ સહુનાં કરમ ભોગવે છે. તું સામે ચાલીને મારી પાસે આવી ને! હવે તારું મોત નજીક છે. પણ હા, કહે તો ખરી કે તું રડી કેમ?’

વાઘની વાત સાંભળી નંદા બોલી, ‘પ્રણામ વાઘભાઈ, મારા બધા અપરાધ માફ કરો. તમારી પાસે જે આવે તે વળી જીવતું રહે ખરું? હું મારા માટે ચંતાિ કરતી નથી. મૃત્યુ તો એકને એક દિવસે આવવાનું, પણ મેં હમણાં જ એક વાછરડાને જનમ આપ્યો છે. પહેલવારકો છે એટલે બહુ વહાલો છે. તે હજુ મારા દૂધ પર જ જીવે છે, ઘાસને તો તે સૂંઘતો પણ નથી. અત્યારે તે વાડામાં છે. તેને હવે ભૂખ લાગી હશે, મારી રાહ જોતો હશે. એટલે હું દુઃખી છું. હું નહીં હોઉં તો તે જીવશે કેવી રીતે? મારે તેને દૂધ પીવડાવવાનું બાકી છે. દૂધ પીવડાવતાં પીવડાવતાં તેનું માથું ચાટીશ. થોડી વાતો કરીશ. પછી મારી સખીઓને તેની સંભાળ રાખવા કહીશ. પછી તમારી પાસે આવીશ. એટલે મને ખાઈ જજો.’

નંદાની વાત સાંભળીને વાઘે કહ્યું, ‘હવે તારે એની સાથે શી લેવાદેવા?’

ગાય બોલી, ‘અરે એ મારો પહેલવારકો છે, ત્યાં મારી સખીઓ પણ છે, ગાયોની સંભાળ રાખનારા ગોવાળ પણ છે, મને જનમ આપનારી મારી મા પણ છે. બધાંની વિદાય લઈને આવીશ. સોગંદ ખાઉં છું. મને જવા દો, ન આવું તો બ્રાહ્મણની હત્યા, માતાપિતાની હત્યા કરનારને જે પાપ લાગે તે મને લાગે; ગૌશાળામાં વિઘ્નો ઊભાં કરનારને, સૂતેલા પ્રાણીની હત્યા કરનારને જે પાપ લાગે તે મને લાગે; જે એક વાર કન્યાનું દાન કરીને બીજાને આપી દે તેને જે પાપ લાગે તે મને લાગે; સાવ સૂકલકડી બળદો પર જે ભારે બોજ લાદે તેને જે પાપ લાગે તે મને લાગે; જે કથા સમયે વિઘ્નો ઊભાં કરે, જેને ઘેર આવેલો મિત્ર નિરાશ થઈને પાછો જાય તેને જે પાપ લાગે તે મને લાગે. આવાં ભયાનક પાપની બીકે પણ હું સાચેસાચ પાછી આવીશ.’

નંદાએ આટલા બધા સોગંદ ખાધા એટલે વાઘને તેના પર ભરોસો બેઠો. તે બોલ્યો, ‘ગાય, તારા સોગંદ પરથી મને વિશ્વાસ તો આવ્યો છે, પણ તને કેટલાક સમજાવશે. સ્ત્રીઓની સાથે મજાકમશ્કરીમાં, લગ્નમાં, ગાયોને બચાવવામાં, જીવ પર જ્યારે આફત આવે ત્યારે લીધેલા સોગંદ ન પાળીએ તો પાપ ન લાગે. પણ તું એમની વાત ન માનતી. આ સંસારમાં કેટલાય મૂરખ લોકો પોતાને પંડિત માને છે. ખોટી ખોટી દલીલો કરીને બીજાઓને મોહમાં નાખે છે. મેં કેવા સોગંદ ખાઈને વાઘને છેતરી પાડ્યો એવો વિચાર તને ન આવવો જોઈએ. તેં જ મને ધર્મનો માર્ગ દેખાડ્યો છે, હવે તને જે યોગ્ય લાગે તે કર.’

વાઘની વાત સાંભળી નંદા બોલી, ‘તમારી વાત પૂરેપૂરી સાચી. તમને તો કોણ છેતરી શકે? જે બીજાને છેતરવા માગે તે પહેલાં તો પોતાની જાતને છેતરે છે.’

વાઘ બોલ્યો, ‘ગાય, હવે તું જા. તારા પુત્રને મળ. તેને દૂધ પીવડાવ, તેનું મસ્તક ચાટ. માતાપિતા, સ્વજનો, સખીઓ, બાંધવોને મળીને સત્યપાલન કરવા વહેલી આવજે.’

પોતાના વાછરડાને ચાહનારી ગાય પૂરેપૂરી સત્યવાદી. વાઘની આજ્ઞા લઈને તે વાડાની દિશામાં ચાલવા લાગી. આંખોમાંથી શ્રાવણભાદરવો વહેતા હતા. સાવ ગરીબ બનીને તે ધ્રૂજતી હતી. કેટલો બધો શોક તેના હૈયાને દઝાડતો હતો. નદીકિનારે જ તેમનો વાડો. તરત જ વાછરડાનો અવાજ સંભળાયો. તે તરત જ દોડી ગઈ. તેની આંખોમાં આંસુ રોક્યાં રોકાતાં ન હતાં. માને આવી જોઈને વાછરડાને વહેમ પડ્યો. તે બોલ્યો, ‘આજે તને થયું છે શું? તું આનંદમાં કેમ નથી? તારી શાંતિ ક્યાંય દેખાતી નથી. તું ડરેલી ડરેલી કેમ લાગે છે?’

નંદાએ કહ્યું, ‘દીકરા, અત્યારે તું પેટ ભરીને ધાવી લે. હવે પછી આપણે મળી નહીં શકીએ. આજે તું મારું દૂધ પીશ, પણ કાલે? હું પાછી જઉં છું. સોગંદ ખાધા છે. ભૂખે પીડાતા એક વાઘને મારે જીવન અર્પી દેવાનું છે.’

વાછરડો બોલી પડ્યો, ‘મા, તું જ્યાં જવા માગે છે ત્યાં હું પણ આવીશ. તારી સાથે સાથે હું પણ મરી જઈશ. તું નહીં હોય તો આમેય મરી જવાનો છું. જો વાઘ તને અને મને મારે તો કેટલું સારું! મા વિના જીવવાનો અર્થ કયો? માના જેવો આશ્રય કોણ આપે? એના જેવો પ્રેમ કોણ આપે? માના જેવું સુખ આ લોકમાં કે પરલોકમાં ક્યાંય નથી. બ્રહ્માએ કહેલો ધર્મ આ જ છે. જે પુત્ર તેનું પાલન કરે તેની ઉત્તમ ગતિ થાય.’

નંદા એ સાંભળી ગળગળી થઈને બોલી, ‘દીકરા, મારું મૃત્યુ તો નિશ્ચિત છે. તું મારી પાછળ પાછળ ન આવ. એક મૃત્યુ પામે તો બીજાએ મરી જવાનું ન હોય. તારા માટે તારી માતાનો આ અંતિમ સંદેશ. મારી વાત માનીને અહીં જ રહે. વનમાં હરતાફરતા સાવધ રહેજે. બેકાળજીથી મૃત્યુ થાય છે. બહુ ઓતાડી જગાએ ઊગેલું ઘાસ ચરવા ન જઈશ. લોભને કારણે બધાનું મૃત્યુ થાય છે. લોભવશ થઈને જ લોકો સમુદ્રમાં પડતું નાખે છે, વનમાં દૂર દૂર જઈ પહોંચે છે. વિદ્વાન માનવી પણ લોભાઈને ભયંકર પાપ આદરે છે. લોભ, આળસ અને ગમે તેના પર વિશ્વાસ: આ ત્રણ કારણે જગતનો નાશ થાય છે, એટલે આ ત્રણેથી દૂર રહેજે. શિકારીઓથી, ચોરોથી સાવધ રહીને શરીરને સાચવજે. નહોરવાળાં પ્રાણીઓનો, નદીઓનો, શંગિડાંવાળાં પશુઓનો, શસ્ત્રધારીઓનો, સ્ત્રીઓનો, દૂતોનો ક્યારેય વિશ્વાસ ન કરવો. એક્કેય વાર જેના પર વિશ્વાસ મૂક્યો ન હોય તેમના પર કદી વિશ્વાસ ન મૂકવો. જેના પર બહુ વિશ્વાસ મૂક્યો હોય તેના પર તો કદીય વિશ્વાસ ન મૂકવો. બીકણ બાળકનો પણ વિશ્વાસ નહીં કરવો — બાળકને તો ડરાવી, ધમકાવી, ફોસલાવી તેની પાસેથી ગુપ્ત વાતો કઢાવી શકાય. બધે ઠેકાણે સાચવીસાચવીને ચાલવું, સૂંઘીસૂંઘીને ચાલવું, ગાયો ગંધ વડે સારીખરાબ વસ્તુઓ પારખી શકે છે ને! ઘોર જંગલમાં એકલા એકલા ભટકવું નહીં. ધર્મ પાળતા રહેવું. મારા મૃત્યુથી તું ગભરાતો નહીં. એક ને એક દિવસે તો બધાએ મરવાનું જ છે. જેવી રીતે કોઈ મુસાફર ઝાડની છાયામાં બેસીને થોડી વારે ચાલતો થાય છે તેવી રીતે આપણા બધાનું આવનજાવન. તું શોક ત્યજીને મારી વાતો પર ધ્યાન આપજે.’

આટલું કહી નંદા પુત્રનું મસ્તક સૂંઘીને તે ચાટવા લાગી. આંસુભરી આંખે પુત્રને જોયા કર્યો, તેણે નિસાસો નાખ્યો. પછી પોતાની માતા, સખીઓ પાસે જઈને બોલી, ‘મા, હું બીજી ગાયોથી વિખૂટી પડીને આગળ ચરવા નીકળી પડી, ત્યાં એટલામાં એક વાઘ આવી ચડ્યો. મેં એને સોગંદ ખાઈને પાછા આવવાનું વચન આપ્યું છે. પછી તેણે મારા પર વિશ્વાસ મૂકીને મને અહીં આવવા દીધી. હું પુત્રને અને તમને બધાંને મળવા આવી ચઢી છું. હવે પાછી જઈશ. મારા ખરાબ સ્વભાવને કારણે તમારા વાંકમાં આવી હોઉં તો ભૂલી જજો. તમે બધાં બહુ સારા સ્વભાવનાં છો, બધું આપવાની શક્તિ તમારામાં છે. મારા પુત્રને સાચવજો. હું તમને સોંપીને જઉં છું. તમારો જ પુત્ર ગણજો. હવે તમારી ક્ષમા માગું છું. હું સત્ય પાળીશ. વાઘ પાસે પાછી જઈશ. મારે કારણે સખીઓએ દુઃખી ન થવું.’

નંદાની વાત સાંભળીને તેની માતાને અને સખીઓને બહુ દુઃખ થયું. તેઓ બોલી, ‘બહુ નવાઈની વાત. વાઘને વચન આપ્યું એટલે સત્યવાદિની નંદા તું ફરીથી એ ભયાનક સ્થળે જવા માગે છે. શત્રુની સાથે છળ કરીને પોતાના પર આવેલા ભયને ટાળવો જોઈએ. જે કોઈ રીતે જીવ બચતો હોય તે બચાવી લેવો જોઈએ. નંદા, તારે ત્યાં નહીં જવું જોઈએ. નાનકડો દીકરો એક બાજુ અને સત્ય બીજી બાજુ. ત્યાં જવામાં ધર્મ નથી. ઋષિઓ કહી ગયા છે: જીવ જોખમમાં હોય ત્યારે સોગંદપૂર્વક જીવ બચાવવામાં કંઈ પાપ નથી. અસત્ય બોલવાથી જીવ બચી જતો હોય તો અસત્ય પણ સત્ય અને સત્ય અસત્ય.’

નંદાએ કહ્યું, ‘બહેનો, બીજાઓના પ્રાણ બચાવવા હું અસત્ય બોલી શકું પણ મારા માટે, મારા પ્રાણ બચાવવા હું અસત્ય ન જ બોલી શકું. જીવ એકલો જ માતાના ઉદરમાં આવે છે, અને એકલો જ મૃત્યુ પામે છે. ભરણપોષણ પોતે એકલો જ કરે છે, એકલો જ સુખદુઃખ ભોગવે છે. હું હંમેશાં સત્ય બોલીશ. સત્ય વડે જ સંસાર ચાલે છે. સત્યમાં જ ધર્મ છે. સત્યને કારણે જ સમુદ્ર માઝા મૂકતો નથી. બલિ રાજા સાથે છળકપટ થયું હતું છતાં ભગવાન વિષ્ણુને આખી પૃથ્વી સોંપી દઈ વચન પાળવા પાતાળ ચાલ્યા ગયા. ગિરિરાજ વિન્ધ્યાચળ પોતાનાં સો શિખર સાથે ઊંચો ને ઊંચો વધ્યે જતો હતો પણ અગસ્ત્ય ઋષિને વચન આપ્યું એટલે તે સૂઈ જ રહ્યો. સ્વર્ગ, મોક્ષ, અને ધર્મ — આ બધા ધર્મને કારણે ટક્યા છે. જે વચન પાળતો નથી તે બધાનો લોપ કરે છે. સત્ય તો અગાધ જળથી ભરેલું તીર્થ છે, અહીં સ્નાન કરીને બધા પાપમાંથી મુક્તિ મેળવે છે. એક પલ્લામાં હજાર અશ્વમેધ યજ્ઞ અને બીજા પલ્લામાં સત્ય હોય તો સત્યનું પલ્લું જ નમે. સત્ય બોલવામાં કોઈ ક્લેશ નથી. સાધુ પુરુષોની પરીક્ષા સત્યથી થાય છે. સજ્જનોની એ જ સંપત્તિ. બધા આશ્રયોમાં સત્યનો આશ્રય શ્રેષ્ઠ. હા, તે અઘરો માર્ગ છે, પણ તેનું પાલન કરવું પોતાના હાથમાં છે. જો સત્ય પાળવાથી મલેચ્છ પણ સ્વર્ગે જતો હોય તો સત્યનો ત્યાગ કેવી રીતે થાય?

સખીઓએ આ સાંભળીને કહ્યું, ‘નંદા, તને તો દેવદાનવોએ પણ પ્રણામ કરવા જેવા છે. તું તારા જીવના ભોગે પણ સત્ય જાળવવા માગે છે. તું ધર્મપાલનમાં અડગ છે. આ સત્યના પ્રભાવ વડે ત્રણે લોકમાં કશું દુર્લભ નથી. તારા ત્યાગથી અમે એટલું સમજીએ છીએ કે તારે તારા પુત્રથી અલગ થવું નહીં પડે. જે સ્ત્રીનું મન કલ્યાણના માર્ગે છે તેના પર ક્યારેય આફત આવતી નથી.’

પછી નંદા ગોપીઓને મળી, બધી ગાયોની પરકમ્મા કરી, દેવતાઓ, વૃક્ષોની વિદાય લીધી. તેણે પૃથ્વી, વરુણ, અગ્નિ, વાયુ, ચંદ્રમા, દસે દિક્પાલ, વનવૃક્ષો, આકાશના ગ્રહનક્ષત્ર — બધાંને વારંવાર પ્રણામ કરીને કહ્યું,

‘આ વનમાં વસતા સિદ્ધો, વનદેવતાઓ, મારો પુત્ર વનમાં ચરવા જાય તો તેની રક્ષા કરજો.’

પછી તે તીક્ષ્ણ દાંતવાળા, ભયાનક દેખાતા વાઘ પાસે જઈ પહોંચી. તેના પહોંચવાની સાથે જ તેનો વાછરડો પણ પૂંછડું ઊંચું કરીને માતા અને વાઘ આગળ ઊભો રહી ગયો. પુત્રને અને કાળ જેવા વાઘને જોઈને ગાયે કહ્યું, ‘વનરાજ, સત્યનું પાલન કરતી હું તમારી પાસે આવી ગઈ છું. હવે મારા માંસ વડે તમારું પેટ ભરો.’

વાઘે કહ્યું, ‘તું તો ભારે સત્યવાદી નીકળી. સત્યનો આશ્રય લેનારનું કદી અમંગલ થતું નથી. તારા સોગંદથી મને બહુ નવાઈ લાગી હતી. તું એક વાર ઘેર જઈને પાછી આવે કેવી રીતે? તારી પરીક્ષા કરવા જ મેં તને જવા દીધી હતી. નહીંતર મારી પાસે એક વાર આવી ગયા પછી પાછી જાય જ કેવી રીતે? હું તારામાં રહેલા સત્યને શોધી રહ્યો હતો. તે મને મળી ગયું. આ સત્યના પ્રભાવથી જ મેં તને જવા દીધી હતી. આજથી તું મારી બહેન અને આ મારો ભાણો. તારા આચરણ વડે મારા જેવા પાપીને ભાન કરાવ્યું છે કે સત્ય પર જ બધા લોક ટક્યા છે. જ્યાં તું રહે છે તે વન, લતાઓ ધન્ય છે. જે તારું દૂધ પીએ છે તે ધન્ય છે. તેમના પુણ્યનું ફળ તેમને મળ્યું છે. ગાયોમાં આવું સત્ય છે તે જોઈને હવે મને મારા જીવન પર અરુચિ થઈ છે. આ પાપમાંથી મુક્ત થવાય એવું કંઈક કરીશ. અત્યાર સુધી મેં હજારો પ્રાણીઓના જીવ લીધા છે. હું મોટો પાપી છું, દુરાચારી છું, નિર્દય છું, હત્યારો છું. બહેન, હવે આ પાપમાંથી મુક્ત થવા મારે કેવું તપ કરવું જોઈએ તે તું મને ટૂંકમાં કહે. નિરાંતે સાંભળવાનો સમય નથી.’

‘વિદ્વાનો સતયુગમાં તપની પૂજા કરે છે. ત્રેતાયુગમાં જ્ઞાન અને કર્મની પૂજા કરે છે પણ કળિયુગમાં એક માત્ર દાન શ્રેષ્ઠ ગણાય છે. દાન એટલે બધાં પ્રાણીઓનું રક્ષણ. બધાંને અભયદાન. આનાથી મોટું કોઈ દાન નથી, એના જેવું કોઈ તપ નથી. જેવી રીતે હાથીના પગલામાં બધાં પગલાં સમાઈ જાય છે તેવી રીતે અહિંસામાં બધા ધર્મ. યોગ રૂપી વૃક્ષની છાયા ત્રણે તાપનો નાશ કરનારી, ધર્મ અને જ્ઞાન તે વૃક્ષનાં ફૂલ. જેઓ આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક — આમ ત્રણે પ્રકારનાં દુઃખ ભોગવે છે તે આ યોગવૃક્ષની છાયાનો આશ્રય લે છે. એનાથી તેમને ઉત્તમ શાંતિ મળે છે. પછી બીજાં કોઈ દુઃખ તેમને નડે કેવી રીતે? કલ્યાણનો આ જ માર્ગ છે. તમે પણ આ બધું નથી જાણતા? મને પૂછવા ખાતર જ પૂછો છો.’

વાઘે કહ્યું, ‘પહેલાં હું એક રાજા હતો. એક હરણીના શાપથી હું વાઘ બન્યો. ત્યારથી સતત પ્રાણીઓની હત્યા કરતો રહ્યો, બધું ભૂલી ગયો. અત્યારે તારા કારણે, તારા ઉપદેશને કારણે એ બધું યાદ આવી ગયું. તું પણ આ સત્યના પ્રભાવથી પરમ ગતિ પામીશ.. હવે એક વાતનો ઉત્તર આપ. કલ્યાણી, તારું નામ શું છે?’

એટલે ગાયે કહ્યું, ‘મારા જૂથના નાયકનું નામ નંદ છે એટલે તેણે મારું નામ પાડ્યું નંદા.’

નંદાનું નામ સાંભળતાં વેંત પ્રભંજન રાજા શાપમુક્ત થઈ ગયા. તે ફરી રૂપવાન અને બળવાન બની ગયા.

તે વેળા સત્યવાદી નંદાનું દર્શન કરવા ધર્મરાજ આવ્યા, ‘નંદા, હું ધર્મ છું. તારા સત્યથી ખેંચાઈને અહીં આવ્યો છું. મારી પાસે કોઈ વરદાન માગ.’

નંદાએ કહ્યું, ‘હું પુત્ર સહિત ઉત્તમ પદ પામું અને આ સરસ્વતી નદી મારા નામથી ઓળખાય. તમે વરદાન માગવા કહ્યું એટલે આ વરદાન મેં માગ્યું.’

દેવી નંદા તરત જ સત્યવાદીઓના ઉત્તમ લોકમાં ગઈ. રાજાએ પોતાનું રાજ્ય મેળવ્યું. નંદા સરસ્વતીના કિનારેથી સ્વર્ગે ગઈ એટલે વિદ્વાનોએ તેનું નામ નંદા પાડ્યું.

(સૃષ્ટિખંડ)