ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્મવૈવર્તપુરાણ/તુલસી કથા

From Ekatra Wiki
Revision as of 08:00, 21 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


તુલસી કથા

એક સમયે તુલસી પ્રસન્ન ચિત્તે સૂઈ રહી હતી ત્યારે સ્વપ્નમાં સુંદર વસ્ત્ર પહેરેલો એક પુરુષ જોયો. નવયુવકના મોં પર સ્મિત હતું, આખા શરીરે ચંદનની અર્ચા હતી. ગળામાં સુંદર માળા હતી. તેના નેત્રભ્રમર તુલસીના મુખકમળનું પાન કરી રહ્યા હતા.

આ સ્વપ્નમાંથી જાગીને તુલસી દુઃખી થઈ. તરુણી બનેલી તુલસી ત્યાં રહીને સમય વીતાવતી હતી. તે વેળા મહાન યોગી શંખચૂડનું આગમન બદરીવનમાં થયું. કોઈ મુનિની કૃપાથી શ્રીકૃષ્ણનો મનોહર મંત્ર તેને પ્રાપ્ત થયો હતો. સર્વમંગલમય કવચથી તેનું ગળું શોભી રહ્યું હતું. બ્રહ્માનું વરદાન હતું અને તેમની આજ્ઞાથી જ તે અહીં આવ્યો હતો. તેના પર તુલસીની નજર પડી. તેની કાન્તિ અતિ સુંદર શ્વેત ચંપા જેવી. તેનું મોં શરદ્પૂર્ણિમાના ચંદ્ર જેવું. તેનાં નેત્ર શરદ્ ઋતુના પ્રફુલ્લ કમળ જેવાં, તેના ગળામાં પારિજાતપુષ્પોનો હાર હતો. કસ્તુરી — કુંકુમયુક્ત સુવાસિત ચંદનની અર્ચા તેના શરીરે હતી. મનમોહક શંખચૂડ અમૂલ્ય રત્નોવાળા વિમાનમાં બેઠેલો હતો.

શંખચૂડને જોઈને તુલસીએ વસ્ત્ર વડે પોતાનું મોં ઢાંકી દીધું. લજ્જાને કારણે તેનું મોં નીચે ઢળ્યું હતું. શરદ્પૂર્ણિમાનો ચંદ્ર તેના દિવ્ય મુખ આગળ તુચ્છ હતો. અમૂલ્ય રત્નોવાળા ઝાંઝર તેના પગની શોભા વધારતા હતા. ઉત્તમ મણિઓવાળો કંદોરો સુંદર ધ્વનિ કરતો કમરને શોભાવતો હતો. માલતીપુષ્પોની માળાવાળો કેશકલાપ તેના મસ્તકે શોભતો હતો. તેના કાનમાં અમૂલ્ય રત્નોવાળા મકરાકૃત કુંડળ હતાં. સર્વોત્તમ રત્નજડિત હાર તેના વક્ષ:સ્થળને દીપાવતો હતો. રત્નમય કંકણ, કેયૂર, શંખ, વીંટીઓ તે દેવીની શોભા વધારતા હતા. આવા સમૃદ્ધ શરીરથી શોભતી સુંદરી તુલસીને જોઈ શંખચૂડ તેની પાસે બેસીને બોલ્યો, ‘દેવી, તું કોણ છે? તારા પિતા કોણ? તું સંપૂર્ણ સ્ત્રીઓમાં ધન્યવાદ અને આદરપાત્ર છે. મંગલ પ્રદાન કરનારી હે કલ્યાણી, તું કોણ છે? સદા સમ્માનપાત્ર સુંદરી, તારો પરિચય આપવાની કૃપા કર.’

સુંદર નેત્રો ધરાવતી તુલસીએ શંખચૂડની વાત સાંભળીને મોં નીચે કરીને કહેવા માંડ્યું, ‘મારા પિતા ધર્મધ્વજ છે. તપ કરવાના આશયથી આ વનમાં છું. તમે કોણ છો? તમે અહીંથી જતા રહો. ઉચ્ચ કુળવાન, એકલી કન્યા સાથે એકાન્તમાં કોઈ કુલીન પુરુષ વાત કરતા નથી આવું મેં સાંભળ્યું છે. જેણે ધર્મશાસ્ત્ર વાંચ્યાં નથી, શ્રુતિનો અર્થ સાંભળ્યો નથી તે દુરાચારી પુરુષ જ કામી બનીને પરસ્ત્રીની ઇચ્છા કરે. સ્ત્રીની મધુર વાણીમાં કશો સાર નથી. તે નિત્ય અભિમાનગ્રસ્ત રહે છે. ખરેખર તો ઝેર ભરેલા ઘડા જેવી છે. તેનું મોં જોઈને તમને લાગે કે આ મુખ અમૃતમય છે, સંસાર રૂપી કારાગારમાં તેને જકડવા માટે સાંકળ જેવી છે. સ્ત્રીને ઇન્દ્રજાલસ્વરૂપા અને સ્વપ્ન સમાન મિથ્યા તરીકે ઓળખાવી છે. બહારથી તો તે અત્યંત સુંદર દેખાય પણ તેની અંદરના અંગ કુત્સિત છે. તેના શરીરમાં મળમૂત્ર ભરેલાં છે. રક્તરંજિત અને દોષવાળી તેની કાયા કદી પવિત્ર નથી રહેતી. સૃષ્ટિના રચનાકાળે બ્રહ્માએ આ માયાવી સ્ત્રીનું સર્જન કર્યું છે. મોક્ષના ઇચ્છુકો માટે તે વિષ છે. એટલે જ મુમુક્ષુ સ્ત્રીને જોવા પણ માગતા નથી.’

આમ કહીને તુલસી ચૂપ થઈ ગઈ. શંખચૂડ હસતાં હસતાં બોલ્યો, ‘દેવી, તમે જે કહ્યું તેમાં અસત્ય નથી પણ મારી સત્યાસત્યવાળી વાત સાંભળો. વિધાતાએ બે પ્રકારની સ્ત્રીઓ સર્જી. વાસ્તવસ્વરૂપા અને કૃત્યા સ્વરૂપા. બંને એક સરખી સુંદર પણ એક પ્રશસ્ત અને બીજી અપ્રશસ્ત. લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, સાવિત્રી, રાધિકા — આ પાંચ સૃષ્ટિના મૂળ કારણ રૂપ છે. આ આદ્ય દેવીઓના પ્રાદુર્ભાવ માત્ર સૃષ્ટિસર્જન માટે. આના અંશમાંથી પ્રગટેલી ગંગા વગેરે દેવીઓ વાસ્તવ સ્વરૂપા. તે શ્રેષ્ઠ છે. આ યશ:સ્વરૂપા, સંપૂર્ણ મંગલોની જનની છે. શતરૂપા, દેવહૂતિ, સ્વધા, સ્વાહા, દક્ષિણા, છાયાવતી, રોહિણી, વરુણાની, શચી, કુબેરપત્ની, અદિતિ, દિતિ, લોપામુદ્રા, અનસૂયા, કોટિવી, તુલસી, અહલ્યા, અરુંધતી, મેના, તારા, મંદોદરી, દમયંતી, વેદવતી, ગંગા, મનસા, પુષ્ટિ, તુષ્ટિ, સ્મૃતિ, મેધા, કાલિકા વસુંધરા, ષષ્ઠી, મંગલચંડી, ધર્મપત્ની, મૂર્તિ, સ્વસ્તિ, શ્રદ્ધા, શાન્તિ, કાન્તિ, ક્ષમા, નિદ્રા, તન્દ્રા, ક્ષુધા, પિપાસા, સંધ્યા, રાત્રિ, દિવા, સંપત્તિ, ધૃતિ, કીર્તિ, ક્રિયા, શોભા, પ્રભા, શિવા — સ્ત્રી રૂપે પ્રગટેલી આ દેવીઓ પ્રત્યેક યુગમાં ઉત્તમ.

સ્વર્ગની અપ્સરાઓ કૃત્યાસ્વરૂપા છે. અખિલ વિશ્વમાં તે પુંશ્ચલીરૂપે છે… કુલીન પુરુષો એકાંતમાં પરસ્ત્રીઓ સાથે બોલતા નથી, એ વાત બરાબર. પરંતુ હું અત્યારે બ્રહ્માની આજ્ઞાથી ત,ારી કાર્યસિદ્ધિ માટે આવ્યો છું. ગાંધર્વવિવાહ પ્રમાણે તમને હું સહધર્મિણી બનાવીશ. દેવતાઓમાં હાહાકાર મચાવનાર હું શંખચૂંડ છું. હું પૂર્વજન્મમાં શ્રીહરિ સાથે રહેનારો સુદામા નામનો ગોપ હતો, ભગવાનના આઠ પાર્ષદોમાં હું એક. દેવી રાધિકાના શાપે હું અત્યારે દાનવેન્દ્ર છું. તમે પણ પૂર્વજન્મમાં કૃષ્ણ પાસે રહેનારાં તુલસી હતાં. તમે પણ રાધિકાના શાપે પૃથ્વી પર અવતર્યાં છો.’

આમ કહીને શંખચૂંડ ચૂપ થઈ ગયો, તુલસી પ્રસન્ન થઈ ઊઠી, તેના મોં પર સ્મિત છવાયું અને તે બોલી, ‘આ પ્રકારના સદ્વિચારથી ભરેલા પુરુષ જગતમાં પ્રશંસાપાત્ર છે. સ્ત્રી આવા જ પતિને ઇચ્છતી હોય છે. અત્યારે હું તમારા શુભ વિચારોથી પરાજિત થઈ ગઈ. જે પુરુષને સ્ત્રી જીતી લે છે તે પુરુષ અપવિત્ર, તેવાની નિંદા દેવતા, પિતૃઓ અને બાંધવો કરે છે. માતાપિતા, ભાઈ પણ મનોમન તથા શબ્દ દ્વારા તેની નિંદા કરે છે. જેવી રીતે જન્મ અને મૃત્યુના સૂતકથી બ્રાહ્મણ દસ દિવસમાં, ક્ષત્રિય બાર દિવસોમાં, વૈશ્ય પંદર દિવસે અને શૂદ્રો એક મહિને પવિત્ર થાય છે તેવી રીતે ગાંધર્વ વિવાહસંબધી પતિપત્નીની સંતતિ સમય પ્રમાણે શુદ્ધ થાય છે. તેમાં વર્ણસંકર દોષ નથી આવતો. આ વાત શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. સ્ત્રીજિત મનુષ્યની શુદ્ધિ જીવનભર નથી થતી. ચિતા પર જ તેની મુક્તિ થાય છે. સ્ત્રીજિત મનુષ્યના પિતૃઓ તેના દ્વારા અપાયેલા પિંડ, તર્પણને સ્વેચ્છાએ સ્વીકારતા નથી. દેવતાઓ પણ તેણે ચઢાવેલાં પુષ્પ, જળ સ્વીકારતા નથી. જેના મનને સ્ત્રીએ હરી લીધું છે તે વ્યક્તિને જ્ઞાન, તપ, જપ, હોમ, પૂજન, વિદ્યા અથવા યશથી શો લાભ? મેં વિદ્યાનો પ્રભાવ જાણવા માટે જ તમારી પરીક્ષા કરી છે. કામિની સ્ત્રીનું મુખ્ય કર્તવ્ય છે કે કાન્તની પરીક્ષા કર્યા પછી જ તેનો પતિરૂપે સ્વીકાર કરવો… જે વ્યક્તિ કન્યાને ઉછેરીને લાચારીથી કે ધનલોભે કન્યાવિક્રય કરે છે તે કુંભીપાક નરકમાં જાય છે. તે પાપીને નરકમાં ભોજન રૂપે કન્યાનાં મળમૂત્ર પ્રાપ્ત થાય છે.’

એટલામાં ત્યાં બ્રહ્માએ આવીને કહ્યું, ‘અરે શંખચૂડ, તું આ દેવી સાથે શી વાત કરે છે? હવે ગાંધર્વવિવાહ પ્રમાણે તું તેનો પત્ની રૂપે સ્વીકાર કર, એ તારે માટે જરૂરી છે. પુરુષોમાં તું રત્ન અને સ્ત્રીઓમાં આ દેવી રત્ન.’ પછી બ્રહ્માએ તુલસીને કહ્યું, ‘અરે તું આવા ગુણવાન પતિની કેવી પરીક્ષા કરે છે? દેવ, દાનવ, અસુર — બધાને કચડી નાખવાની શક્તિ તેનામાં છે. જેવી રીતે નારાયણ પાસે લક્ષ્મી, શ્રીકૃષ્ણ પાસે રાધા, મારી પાસે સાવિત્રી, વરાહ પાસે પૃથ્વી, યજ્ઞ પાસે દક્ષિણા, અત્રિ પાસે અનસૂયા, નલ પાસે દમયંતી, ચંદ્ર પાસે રોહિણી, કામદેવ પાસે રતિ, કશ્યપ પાસે અદિતિ, વસિષ્ઠ પાસે અરુંધતી, ગૌતમ પાસે અહલ્યા, કર્દમ પાસે દેવહૂતિ, બૃહસ્પતિ પાસે તારા, મનુ પાસે શતરૂપા, અગ્નિ પાસે સ્વાહા, ઇન્દ્ર પાસે શચી, ગણેશ પાસે પુષ્ટિ, સ્કન્દ પાસે દેવસેના, ધર્મ પાસે મૂર્તિ પત્ની રૂપે શોભે છે તેવી રીતે તું આ શંખચૂડની સૌભાગ્યવતી પિયા બની જાઓ, શંખચૂડના મૃત્યુ પછી તું ફરી ગોલોકમાં શ્રીકૃષ્ણ પાસે જતી રહીશ અને પછી વૈકુંઠમાં ચતુર્ભુજ ભગવાન વિષ્ણુને પામીશ.’

શંખચૂડ અને તુલસીને આ પ્રકારે આજ્ઞા-આશીર્વાદ આપીને બ્રહ્મા પોતાના સ્થાને ગયા. શંખચૂડે ગાંધર્વવિવાહ કરીને તુલસીને પોતાની પત્ની બનાવી લીધી. સ્વર્ગમાં દુંદુભિગાન થયું, આકાશમાંથી પુષ્પવર્ષા થઈ. પછી શંખચૂડ પોતાના મહેલમાં જઈ આનંદપૂર્વક તુલસી સાથે રહેવા લાગ્યો અને લાંબા સમય સુધી રાજ્ય કર્યું. દેવ, દાનવ, અસુર, ગંધર્વ, કિન્નર, રાક્ષસ — બધા જ તેના રાજ્યમાં શાંતિથી રહેતા હતા. અધિકાર છિનવાઈ જવાને કારણે દેવતાઓની સ્થિતિ યાચક જેવી થઈ ગઈ. તે બધા ઉદાસ થઈને બ્રહ્મલોકમાં ગયા, પોતાની સ્થિતિ વર્ણવી વિલાપ કરવા લાગ્યા. બ્રહ્મા બધાને લઈને શંકર પાસે ગયા અને ચંદ્રચૂડ શંકરને બધી વાત કહી. પછી બ્રહ્મા અને શંકર દેવતાઓને લઈને વૈકુંઠમાં ગયા. ત્યાંનાં વૈભવ — શોભા જોઈને બધા મુગ્ધ થઈ ગયા. શ્રીહરિ આગળ દેવતાઓએ પોતાનું દુઃખ વર્ણવ્યું. બ્રહ્માની વાત સાંભળીને ભગવાનને હસવું આવ્યું અને પછી તે બોલ્યા,

‘આ મહાતેજસ્વી શંખચૂડ પૂર્વજન્મમાં એક ગોપ હતો. તે મારો જ અંશ હતો. મારી ભક્તિ કરતો હતો. હવે તેની કથા સાંભળો. શંખચૂડ સુદામા નામે પ્રસિદ્ધ ગોપ હતો. રાધાના શાપે તે દાનવ રૂપે જન્મ્યો. રાધા તો કરુણાસાગર છે. શાપ આપતાં તો આપી દીધો. મને પ્રણામ કરીને સુદામા જ્યારે બહાર જવા લાગ્યો ત્યારે કૃપા કરતી રાધાએ તેને રોકી પાડ્યો. ‘સુદામા, ક્યાં જાય છે. ના જઈશ.’ મેં રાધાને સમજાવી અને કહ્યું, ‘બધા ધીરજ રાખો. આ સુદામા અડધી ક્ષણમાં શાપ ભોગવીને પાછો આવતો રહેશે. સુદામા, તું અહી આવતો રહેજે.’ એમ કહીને મેં કોઈક રીતે રાધાને શાંત કરી. ગોલોકની અર્ધી ક્ષણ એટલે ધરતી પર એક મન્વન્તરનો સમય.’

આમ બધી માયાઓનો જાણકાર, બળવાન શંખચૂડ સમય થશે એટલે ગોલોકમાં પાછો જશે. તમે મારું આ ત્રિશૂળ લઈને ધરતી પર જાઓ. શંકર આ ત્રિશૂળ વડે શંખચૂડનો વધ કરશે. દાનવ શંખચૂડ ગળામાં મારા જ મંગલદાયી કવચ ગળામાં પહેરી રાખે છે. એટલે તે વિશ્વવિજયી બન્યો છે. જ્યાં સુધી તેના ગળામાં એ કવચ છે ત્યાં સુધી કોઈ એને મારી નહીં શકે. હું બ્રાહ્મણવેશે તેની પાસે કવચ માગીશ, વળી જે ક્ષણે તેની પત્નીનું સતીત્વ નાશ પામશે તે સમયે એનું મૃત્યુ થશે. આ વરદાન તેને છે. એટલે તેની પત્નીના ઉદરમાં હું મારું વીર્ય સ્થાપીશ. (મારી નિત્યપ્રિયા તુલસી છે એટલે સર્વાત્મા એવા મને કોઈ દોષ નહીં લાગે), એટલે શંખચૂડ મૃત્યુ પામશે. પછી તે દાનવપત્ની પ્રાણત્યાગ કરીને ફરી મારી પ્રિય પત્ની બની જશે.

આમ ભગવાને ત્રિશૂળ શંકરને સોંપી દીધું અને ત્રિશૂળ લઈને રુદ્ર તથા બ્રહ્મા બીજા દેવોને લઈને ધરતી પર જવા નીકળ્યા. બ્રહ્મા શંકરને કાર્યભાર સોંપીને પોતાના સ્થાને ગયા, દેવતાઓ પણ પોતપોતાના સ્થાને ગયા. ચંદ્રભાગા નદીના કાંઠે સુંદર વડ નીચે દેવતાઓનું કલ્યાણ કરવાનો વિચાર કરતા મહાદેવ બેઠા. ગંધર્વરાજ પુષ્પદંત શંકરનો ચાહક હતો. તેમણે તેને દૂત બનાવીને શંખચૂડ પાસે મોકલ્યો. તેમની આજ્ઞા માથે ચડાવી પુષ્પદંત તે જ વખતે શંખચૂડની નગરીએ જવા નીકળી પડ્યો. દાનવરાજની નગરી અમરાવતી કરતાંય ચઢિયાતી હતી. કુબેરભવન તો સાવ તુચ્છ હતું. તે નગરીની લંબાઈ દસ યોજન અને પહોળાઈ પાંચ યોજન હતી. સ્ફટિકમણિ જેવાં રત્નોથી મઢેલી દીવાલ હતી. સાત દુર્ગમ ખાઈઓ હતી. પ્રજ્વલિત અગ્નિ જેવા ચમકતા કરોડો રત્નો વડે તેનું નિર્માણ થયું હતું. તેમાં સેંકડો સુંદર માર્ગ હતા અને મણિમય વેદીઓ હતી. વ્યાપારકુશળ પુરુષોએ બનાવેલાં ભવન, ઊંચા મહેલ ચારે બાજુએ હતાં. તેમાં અમૂલ્ય વસ્તુઓ હતી. સિંદૂરવર્ણા મણિઓ દ્વારા બનાવેલા અસંખ્ય, દિવ્ય આશ્રમો એ નગરની શોભામાં વૃદ્ધિ કરતા હતા.

આવા સુંદર નગરમાં પુષ્પદંતે શંખચૂડનો મહેલ જોયો. તે નગરની વચ્ચોવચ હતો. પૂર્ણચંદ્ર જેવા ગોળ વલય જેવું એ નગર હતું. પ્રજ્વલિત અગ્નિજ્વાળાઓની જેમ તેમાં ચારે બાજુ ખાઈ હતી. શત્રુઓને ત્યાં પ્રવેશ કરવો દુર્ગમ હતો. પણ હિતેચ્છુઓ ત્યાં સુગમતાથી પ્રવેશ કરી શકતા હતા. ખૂબ જ ઊંચા, આકાશચુંબી મણિમય ભીંતો ચારે બાજુ હતી. પ્રત્યેક દ્વારે દ્વારપાલ હતો. સર્વશ્રેષ્ઠ મણિ દ્વારા શોભતા લાખો મંદિર, ખૂબ જ સોપાનશ્રેણીઓ, રત્નજડિત થાંભલા હતા. એક દ્વાર જોયા પછી પુષ્પદંતે બીજું દ્વાર જોયું. ત્યાં ત્રિશૂળધારી એક પુરુષ હતો, તેના મોં પર હાસ્ય હતું. શરીરનો વર્ણ તાંબા જેવો હતો. ભયાનક દેખાતા તે દ્વારપાલની આજ્ઞા લઈને પુષ્પદંત બીજા દ્વારને ઓળંગીને આગળ વધ્યો. આવાં નવ દ્વાર ઓળંગીને તે અંદર ગયો, ત્યાં પરમ મનોહર શંખચૂડ સુવર્ણ આસન પર રાજાઓની વચ્ચે બેઠો હતો. તેના માથે સુવર્ણછત્ર ધરીને એક સેવક ઊભો હતો. એ છત્રનો દંડ રત્નમય હતો. રત્નનિર્મિત કૃત્રિમ પુષ્પ તેની શોભા વધારતાં હતાં. શ્વેત અને ચમકતા ચામર લઈને અનેક પાર્ષદ શંખચૂડની સેવામાં રોકાયેલા હતા. ઉત્તમ પોશાક અને રત્નમય અલંકારોથી તેની સુંદરતા વિશેષ વરતાતી હતી. તેના ગળામાં માળા હતી, શરીરે ચંદનની અર્ચા હતી, સુંદર, સુશોભિત અસંખ્ય પ્રસિદ્ધ દાનવોથી તે ઘેરાયેલો હતો, બીજા કેટલાક દાનવ હાથમાં શસ્ત્ર લઈને ઘૂમતા હતા. શંખચૂડનો આવો વૈભવ જોઈને પુષ્પદંત ચકિત થઈ ગયો. પછી શંકરનો યુદ્ધ વિષયક સંદેશ શંખચૂડને સંભળાવ્યો.

‘રાજેન્દ્ર, હું ભગવાન શંકરનો દૂત પુષ્પદંત છું. શંકર ભગવાને કહેલી વાતો હું તમને કહી રહ્યો છું, તે કૃપા કરી સાંભળો. તમે દેવતાઓનું રાજ્ય અને તેમના અધિકાર પાછા આપી દો. દેવતાઓ શ્રી હરિ પાસે ગયા હતા. ભગવાને પોતાનું ત્રિશૂળ મહાદેવને આપી તમારો વિનાશ કરવા કહ્યું છે. અત્યારે ત્રિનેત્રી શંકર ભગવાન ચંદ્રભાગા નદીકાંઠે વડ નીચે બેઠા છે. તમે કાં તો દેવતાઓનું રાજ્ય સોંપી દો અથવા ભગવાન શિવ સાથે યુદ્ધ કરો. મારે ભગવાન પાસે જઈને શું કહેવું તે પણ કહો.’

પુષ્પદંતની વાત સાંભળીને દાનવ શંખચૂડ હસી પડ્યો. ‘દૂત, આવતી કાલે સવારે હું કૂચ કરીશ, તમે જાઓ.’ પુષ્પદંતે વડ નીચે બેઠેલા શંકર પાસે જઈને શંખચૂડે કહેલી વાત સંભળાવી સાથે તેની પાસે જે સૈન્ય હતું તેનો પરિચય આપ્યો. એટલામાં યોજના પ્રમાણે કાર્તિકેય શંકર ભગવાન પાસે આવ્યા. બીજા અનેક દેવો પણ આવ્યા. ઉપરાંત અનેક દેવીઓને લઈને ભગવતી ભદ્રકાળી પણ આવી. તે દેવી અત્યંત કિંમતી રત્નોવાળા વિમાનમાં બેઠી હતી. તેમના શરીરે લાલ વસ્ત્ર હતું. ગળામાં લાલ પુષ્પોનો હાર હતો. બધાં જ અંગે લાલ ચંદનની અર્ચા હતી. અભય સ્વરૂપિણી ભદ્રકાળી નૃત્ય, હાસ્ય, મધુર ગીત, ભક્તોને અભય, શત્રુઓને ભયભીત કરવા — તેમનો સહજ સ્વભાવ બની ગયો હતો. અનેક અસ્ત્રશસ્ત્ર લઈને ભગવતી ભદ્રકાળી કેટલીય યોગિનીઓને લઈને આવી ચઢ્યાં. ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મરાક્ષસ પણ આવી ચઢ્યા. આ બધાને સાથે રાખીને કાર્તિકેયે પિતા શંકરને પ્રણામ કર્યાં અને તેમની આજ્ઞા લઈને પાસે બેઠા.

આ બાજુ દૂતના ગયા પછી શંખચૂડે અંત:પુરમાં જઈને પત્ની તુલસીને યુદ્ધવિષયક વાતો કહી. એ સાંભળતાંની સાથે જ તુલસીના હોઠ અને ગળું સુકાઈ ગયાં. તેનું હૃદય વિહ્વળ બની ગયું. તેણે મધુર શબ્દો વડે કહ્યું,

‘તમે મારા પ્રાણોના અધિષ્ઠાતા છો. તમે બેસો. મારા જીવનની રક્ષા કરો. હું મારી આંખે તમારું દર્શન કરી લઉં. મારા પ્રાણ ફફડી ઊઠ્યા છે. આજે રાતના અંતિમ પહોરે દુ:સ્વપ્ન જોયું છે.’

મહારાજ શંખચૂડ જ્ઞાની હતો. તુલસીની વાત સાંભળીને ભોજન કર્યું, જલ પીધું. પછી તુલસીને સત્ય, હિતકારક વાત કહી. કાળનો મહિમા, શ્રીકૃષ્ણની શ્રેષ્ઠતા સમજાવી. તને ભગવાન નારાયાણ પતિરૂપે મળશે જ, બદરિકાશ્રમમાં તેમને માટે જ તેં તપ કર્યું હતું. તપસ્યા અને બ્રહ્માના વરદાનથી હું તને પામી શક્યો. હું પણ આ દાનવશરીરનો ત્યાગ કરીને દિવ્યલોકમાં જઈશ, ત્યાં આપણે એકબીજાને મળીશું.’

આમ કહી શંખચૂડે તુલસીને સમજાવી, એટલામાં સાંજ પડી ગઈ. ફરી શંખચૂડે શ્રીકૃષ્ણ પાસેથી પ્રાપ્ત થયેલ જ્ઞાન તુલસીને કહ્યું. તે પ્રસન્ન થઈ ઊઠી. બંને હાસ-વિલાસ કરીને સુખેથી નિદ્રાધીન થઈ ગયા.

શંખચૂડ શ્રીકૃષ્ણનું ધ્યાન ધરતો ધરતો પુષ્પાચ્છાદિત શય્યામાંથી ઊભો થઈ ગયો. સ્વચ્છ જલથી સ્નાન કરીને તેણે વસ્ત્ર બદલ્યાં. નિત્યકર્તવ્ય પૂરાં કર્યા. દહીં, ઘી, મધ વગેરે માંગલિક પદાર્થો જોયા. હંમેશની જેમ ભક્તિભાવથી બ્રાહ્મણોને ઉત્તમ અલંકાર, મણિ, રત્ન, સુવર્ણ, વસ્ત્રોનું દાન કર્યું. યાત્રા મંગલમયી થાય તે માટે કિંમતી રત્ન, મોતી, મણિ અને હીરા ગુરુદેવ બ્રાહ્મણને અર્પ્યાં. પોતાના કલ્યાણ માટે શ્રેષ્ઠ હાથીઘોડા, સર્વોત્તમ ધન દરિદ્ર બ્રાહ્મણોને છૂટે હાથે વહેંચ્યા. બ્રાહ્મણોને સેંકડો નગર,ગામ શખંચૂડે આપ્યા. પોતાના પુત્રને દાનવોનો રાજા બનાવીને તેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું. પોતે કવચ પહેરી, હાથમાં ધનુષબાણ લીધાં. બધા સૈનિકોને એકઠા કર્યા. ત્રણ લાખ ઘોડા, પાંચ લાખ હાથી ત્યાં હતા. દસ હજાર રથ, ત્રણ ત્રણ કરોડ ધનુર્ધારી, ઢાલતલવારધારી, ત્રિશૂળધારી વીર તેની સેનામાં જોડાયા.

અને સેનામાં શ્રેષ્ઠ આમ અપરિમિત સેના તૈયાર કરી. યુદ્ધકળામાં નિષ્ણાત એક વીરને સેનાપતિ પદે નીમ્યો. શંખચૂડે એ સેનાપતિને અગણિત અક્ષૌહિણી સેના સોંપી. એ સેનાપતિ ત્રીસ અક્ષૌહિણી સેના સામે પોતાની સેનાને બચાવી શકે એવો હતો. મનોમન કૃષ્ણનું સ્મરણ કરતો રાજા બહાર નીકળ્યો અને રત્નજડિત વિમાનમાં બેસી, ગુરુજનોને આગળ કરી ભગવાન શંકર પાસે જવા તેણે તૈયારી કરી.

પુષ્પભદ્રા અર્થાત્ ચંદ્રભાગા નદીના તટ પર એક સુંદર અક્ષરવડ છે. ત્યાં એ સિદ્ધક્ષેત્રમાં સિદ્ધોના ઘણા આશ્રમો છે. આને કપિલમુનિની તપોભૂમિ પણ કહે છે.

આ પશ્ચિમી સમુદ્રથી પૂર્વમાં અને મલય પર્વતની પશ્ચિમે, શ્રી શૈલ પર્વતની ઉત્તરે અને ગંધમાદનની દક્ષિણે છે. તેની પહોળાઈ પાંચ યોજન અને લંબાઈ પાંચસો યોજન છે. અહીંની નદીનું પાણી નિર્મળ સ્ફટિક મણિ જેવું છે, તે નદી બારમાસી છે તે હિમાલયમાંથી નીકળી છે અને થોડે આગળ શરાવતી નદીને મળી જાય છે. પછી પશ્ચિમ સમુદ્ર તરફ વહે છે. ત્યાં શંખચૂડે શંકર ભગવાનને જોયા.

તે સમયે ભગવાન વડ નીચે યોગાસનમાં બેઠા હતા. તેમના હાથ અભય અને વર સૂચવતા હતા. તેમની કાયા શુદ્ધ સ્ફટિક મણિ જેવી હતી. હાથમાં ત્રિશૂળ હતું. શરીરે વ્યાઘ્રચર્મ હતું…

વિમાનમાંથી ઊતરીને શંખચૂડે ભગવાનના દર્શન કર્યાં. મસ્તક નમાવી પ્રણામ કર્યાં. ભગવાનની એક બાજુ કાર્તિકેય અને બીજી બાજુ ભદ્રકાળી હતા. ત્રણેએ દાનવ રાજને આશીર્વાદ આપ્યા. પછી શંખચૂડ ભગવાન પાસે બેઠો. ભગવાને તેને કહ્યું,

‘રાજન્, બ્રહ્માએ આખી સૃષ્ટિ સર્જી. તેમના પુત્ર મરીચિ, મરીચિના પુત્ર કશ્યપ. પ્રજાપતિએ કશ્યપને પ્રસન્નતાપૂર્વક પોતાની તેર કન્યાઓ આપી. તેમાં એક દનુ. દનુના ચાલીસ પુત્રો, તે દાનવો. એક પરાક્રમી પુત્ર વિપ્રચિત્તિ. વિપ્રચિત્તિના પુત્ર દંભ. તેમણે શ્રીકૃષ્ણનો મંત્રજાપ કર્યો ત્યારે તેમને ત્યાં તું પુત્રરૂપે જન્મ્યો. પૂર્વજન્મમાં તું ભગવાન શ્રીકૃષ્ણનો ધર્માત્મા પાર્ષદ હતો. રાધિકાના શાપથી તું દાનવેશ્વર થયો છે. વૈષ્ણવો બ્રહ્માથી માંડીને સર્વને ભ્રમ માને છે. સાલોક્ય, સાષ્ટિ, સાયુજ્ય, સામીપ્ય — આ મુક્તિઓ પણ તેમને જોઈતી નથી. વૈષ્ણવ માટે અમરત્વ — બ્રહ્મત્વ મિથ્યા છે. તારે મન પણ દેવતાઓનું રાજ્ય મિથ્યા છે. એટલે તું દેવતાઓનું રાજ્ય પાછું સોંપી દે. ભાઈ — ભાઈમાં વિરોધ કેવો? તમે બધા કશ્યપના વંશજો છો.’

આ ઉપરાંત ઘણું ઘણું કહ્યું…

દાનવરાજે એ સાંભળી ભગવાનની ઘણી પ્રશંસા કરી, અને પછી કહ્યું, ‘ભગવાન, તમે જે કહ્યું તે સત્ય છે. મારી વાત પણ સાંભળો. તમારી દૃષ્ટિએ જાતિદ્રોહ પાપ છે. તો બલિ રાજાનું બધું છિનવી તેને પાતાળમાં કેમ ધકેલી દીધો. મારું ઐશ્વર્ય મોં મારા પરાક્રમથી મેળવ્યું છે. દાનવસમાજને હવે કોઈ હટાવી શકે એમ નથી. જો ભાઈ — ભાઈ વચ્ચે દ્રોહ ન કરાય તો હિરણ્યાક્ષની હત્યા શા માટે કરી? શુંભ વગેરે અસુરોને શું કામ મારી નાખ્યા? સમુદ્રમંથન વખતે દેવોને જ અમૃત કેમ મળ્યું? દેવદાનવનો વિવાદ ચાલ્યા જ કરે છે. તમે વચ્ચે શું કામ પડ્યા. અમારી સાથે સ્પર્ધા તમારા માટે શરમની વાત છે, અને જો યુદ્ધમાં તમારી જો હાર થશે તો કેટલી બધી અપકીર્તિ તમારી થશે?

શંખચૂડની વાત સાંભળીને ભગવાન ત્રિલોચન હસવા લાગ્યા. પછી તેમણે ઉત્તર આપ્યો,

‘રાજન્, તમે પણ બ્રહ્માના વંશજ છો. તમારી સાથે લડવામાં અમને લજ્જા શાની, અને હારવામાં અપકીર્તિ શાની? ભગવાને મધુકૈટભ સાથે, હિરણ્યાક્ષ સાથે ભગવાને યુદ્ધ કર્યું હતું. બીજી વાર હિરણ્યકશિપુ સાથે યુદ્ધ થયું. મેં પણ ત્રિપુરાસુર સાથે યુદ્ધ કર્યું. સર્વેશ્વરી નામે, પ્રકૃતિના નામે ઓળખાતી જગદંબાએ શુંભ સાથે યુદ્ધ કર્યું હતું. તું તો શ્રીકૃષ્ણનો પાર્ષદ છે, ભગવાનનો જ એક અંશ છે. જે જે દૈત્યો મૃત્યુ પામ્યા છે તેમાંથી કોઈ પણ તારા જેવો બળવાન ન હતો. પછી તારી સાથે યુદ્ધ કરવામાં મને લાજ શાની? દેવતાઓ ભગવાન શ્રીહરિના શરણે ગયા છે. એટલે તેમણે મને મોકલ્યો છે. તું દેવતાઓનું રાજ્ય પાછું સોંપી દે. મારા કહેવાનો હેતુ આટલો જ છે અથવા રાજીખુશીથી મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. વધુ શબ્દો વેડફવા શા માટે?’

આટલું કહીને ભગવાન શંકર ચૂપ થઈ ગયા, શંખચૂડ મંત્રીઓને લઈને ઊભો થઈ ગયો. શંકર ભગવાનને માથું નમાવી પ્રણામ કર્યાં અને મંત્રીઓની સાથે વિમાનમાં બેઠો. બંને પક્ષે યુદ્ધ શરૂ થયું. સ્કન્દની શક્તિથી દાનવો હેરાન થવા લાગ્યા. તેઓમાં હાહાકાર મચી ગયો. સ્વર્ગમાં દેવતાઓની દુંદુભિ વાગવા માંડી. આ ભયંકર યુદ્ધભૂમિમાં સ્કન્દ ઉપર પુષ્પવર્ષા થવા લાગી. સ્કન્દે અદ્ભુત અને ભયાનક યુદ્ધ કર્યું. તે પ્રકૃતિના તાંડવની જેમ દાનવો માટે વિનાશકારી સાબીત થઈ રહ્યો હતો. તેને જોઈને વિમાન પર બેઠેલા શંખચૂડે બાણવર્ષા આરંભી. વાદળમાં વરસાદની ધારા પડે એ રીતે તેના બાણ વરસતાં હતાં. ત્યાં ઘોર અંધારું છવાઈ ગયું. પછી આગ ભભૂકી ઊઠી. આ જોઈ નંદીશ્વર સમેત બધા દેવ ત્યાંથી ભાગી છૂટ્યા. માત્ર કાર્તિકેય જ ત્યાં અડીખમ રહ્યા. રાજા શંખચૂડ પર્વત, સાપ, શિલાઓ, વૃક્ષોની વર્ષા કરવા લાગ્યો. તેનો વેગ ભયંકર હતો. રાજાની બાણવર્ષાથી શંકરપુત્ર કાર્તિકેય ઢંકાઈ ગયા, જાણે સૂર્ય ઉપર સ્નિગ્ધ વાદળોનું આવરણ છવાઈ ગયું. શંખચૂડે સ્કન્દનું ભયંકર ધનુષ છેદી નાખ્યું. તેના દિવ્ય રથને ભાંગી નાખ્યો. રથના ઘોડાઓને પણ મારી નાખ્યા. તેના મોરને પણ દિવ્યાસ્ત્ર વડે ક્ષતવિક્ષત કરી નાખ્યો. પછી કાર્તિકેયના વક્ષ:સ્થળ પર સૂર્ય જેવી પ્રાણઘાતક શક્તિ વડે પ્રહાર કર્યો. એના આઘાતથી કાર્તિકેય ક્ષણવાર તો મૂર્ચ્છા પામ્યા, પણ તરત જ હોશમાં આવ્યા અને ભૂતકાળમાં વિષ્ણુ ભગવાને આપેલું ફરી દિવ્ય ધનુષ હાથમાં લીધું. પછી વિમાન પર બેસીને અસ્ત્રશસ્ત્ર વડે કાર્તિકેય ભયાનક યુદ્ધ કરવા લાગ્યા. તેમણે પોતાના દિવ્યાસ્ત્ર વડે દાનવરાજે ફેંકેલા બધા પર્વત, શિલાઓ, સાપ અને વૃક્ષોને છેદી નાખ્યા. પર્જન્યઅસ્ત્ર વડે આગ ઓલવી નાખી, રમતવાતમાં શંખચૂડના મુકુટ, રથ, ધનુષ, કવચ, સારથિને છેદી નાખ્યા. પછી ઉલ્કા સમાન પ્રકાશિત શક્તિ દાનવરાજના વક્ષ:સ્થલમાં ફેંકી, તેના આઘાતથી રાજા મૂચ્છિર્ત થઈ ગયા. પછી તરત જ હોશમાં આવીને બીજા રથમાં બેઠા, બીજું ધનુષ હાથમાં લીધું. માયાવીએમાં શિરોમણિ ગણાતા શંખચૂડે યુદ્ધભૂમિમાં બાણોની જાળ પ્રગટાવી કાર્તિકેયને તેના વડે ઢાંકી દીધો. પછી સેંકડો સૂર્યની જેમ પ્રકાશિત એક અમોઘ શક્તિ હાથમાં લીધી. ભગવાન વિષ્ણુના તેજથી છવાયેલી તે શક્તિ પ્રલયાગ્નિની જ્વાળા જેવી હતી. દાનવરાજે ક્રોધે ભરાઈને તે શક્તિ કાર્તિકેય ઉપર ફગાવી. પ્રજ્વલિત અગ્નિજ્વાળાની જેમ તે કાર્તિકેય પર પછડાઈ. મહાબળવાન કાર્તિકેય એ શક્તિ વડે ઘવાયા અને મૂર્ચ્છા પામ્યા. પછી કાલી તેમને ઊંચકીને ભગવાન શિવ પાસે લઈ ગયાં.

શિવે લીલામાત્રમાં જ્ઞાનબળ વડે તેમને ભાનમાં આણી લીધા અને અમાપ બળ આપ્યું. પ્રતાપી વીર કાર્તિકેય તરત જ ફરી ઊભા થઈ ગયા અને તે જ વખતે ભગવાન શંકરે પોતાની સેનાને અને દેવતાઓને યુદ્ધ માટે પાનો ચઢાવ્યો. દેવતાઓ સેનાની સાથે સાથે દાનવો સાથે યુદ્ધ કરવા લાગ્યા. દેવરાજ ઇન્દ્ર વૃષપર્વા સાથે, સૂર્ય વિપ્રચિત્તિ સાથે, ચંદ્રમા દંભ સાથે ભયાનક યુદ્ધ કરવા લાગ્યા. કાળ કાળેશ્વર સાથે, અગ્નિ દેવ ગોકર્ણ સાથે, કુબેર કાલકેય સાથે, વિશ્વકર્મા મયાસુર સાથે, મૃત્યુદેવ ભયંકર નામના દાનવ સાથે, યમ સંહાર સાથે, વરુણ કલવિંક સાથે, વાયુ ચંચલ સાથે, બુધ ઘૃતપૃષ્ઠ સાથે, શનૈશ્ચર રક્તાક્ષ સાથે, જયન્ત રત્નસાર સાથે, વસુગણ વર્ચોગણ સાથે, અશ્વિનીકુમાર દીપ્તિમાન સાથે, નલ કુબેર સાથે, ધર્મ ધનુર્વર સાથે, મંગલ મંડૂકાક્ષ સાથે, ઇશાન શોભાકર સાથે, મત્મથ પીઠર સાથે ઝૂઝવા લાગ્યા. ઉલ્કામુખ, ધૂમ્ર, ખડ્ગધ્વજ, કાંચીમુખ, પિંડ, નંદી, વિશ્વ, પલાશ સાથે આદિત્યો ઘોર યુદ્ધ કરવા લાગ્યા. અગિયાર મહારુદ્રગણ અગિયાર ભયંકર દાનવો સાથે લડવા લાગ્યા. નંદીશ્વર અને બીજા રુદ્રગણ દાનવોની સાથે લડવા લાગ્યા. તે યુદ્ધ પ્રલયકાલ જેવું લાગતું હતું. તે વેળા ભગવાન શંકર, કાલી, પુત્ર સાથે વડ નીચે હતા. બાકીનું સૈન્ય નિરંતર યુદ્ધમાં રોકાયેલું હતું. શંખચૂડ રત્નજડિત અલંકારો સમેત સિંહાસન પર બેઠો હતો. આ યુદ્ધમાં ભગવાન શિવના બધા સૈનિકો પરાજિત થઈ ગયા. બધા દેવતા ઘવાઈને ભયભીત થઈ ભાગી ગયા.

આ જોઈ ભગવાન સ્કન્દ ક્રોધે ભરાયા. દેવતાઓને અભયદાન આપી પોતાના તેજ વડે આત્મીય ગણોનું બળ વધાર્યું. પોતે દાનવોની સાથે યુદ્ધ કરવા લાગ્યા. સમરભૂમિમાં દાનવોની સો અક્ષૌહિણી સેનાનો નાશ કર્યો, કમલલોચના કાલી ક્રોધે ભરાઈ ખપ્પર ભરવા માંડ્યાં — તે એક સાથે સો સો દાનવોનું લોહી પી જતાં હતાં. લાખો હાથીઘોડા એક જ હાથ વડે ગળી જતાં હતાં. યુદ્ધભૂમિ પર હજારો કબંધ નૃત્ય કરતા હતા. સ્કન્દના બાણ વડે ઘવાયેલા બધા દાનવ ડરીને ભાગી ગયા. વૃષપર્વા, વિપ્રચિત્તિ, દંભ અને વિકંકન વારાફરતી સ્કન્દ સાથે યુદ્વ કરવા લાગ્યા. તે વેળા કાલીએ યુદ્ધભૂમિ પર પ્રવેશ કર્યો. ભગવાન શંકર કાર્તિકેયની રક્ષા કરવા લાગ્યા. નંદીશ્વર વગેરે કાલીની પાછળ પાછળ ગયા. બધા દેવતા, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર, રાજ્યભાંડ અને કરોડો મેઘ તેમની સાથે હતા. યુદ્ધભૂમિ પર આવીને કાલીએ સિંહનાદ કર્યો અને એનાથી દાનવો મૂર્ચ્છા પામ્યા. કાલીએ વારંવાર દૈત્યો માટે અમંગલસૂચક હાસ્ય કર્યું. આનંદથી તે મદ્ય પીને નૃત્ય કરવા લાગ્યાં. ઉગ્ર દંષ્ટ્રા, ઉગ્રચંડા અને કૌટ્ટરી પણ મધુપાન કરવા લાગ્યાં. યોગિનીઓ, ડાકિનીઓના ગણ, દેવગણ પણ આ કાર્યમાં સાથ આપવા લાગ્યાં. કાલીને જોઈ શંખચૂડ મેદાનમાં આવ્યો. દાનવો ડરી ગયા હતા. દાનવરાજે બધાને અભયદાન આપ્યું. કાલીએ પ્રલયાગ્નિની જ્વાળા સમાન અગ્નિવર્ષા કરવા માંડી. રાજા શંખચૂડે પર્જન્યાસ્ત્રથી એને ઓલવી નાખી. કાલીએ અદ્ભુત વારુણાસ્ત્ર ચલાવ્યું, દાનવરાજે ગાંધર્વાસ્ત્ર વડે એનો નાશ કર્યો. કાલીએ ત્યાર પછી અગ્નિજ્વાળા જેવું તેજસ્વી માહેશ્વરાસ્ત્ર ઉગામ્યું. રાજા શંખચૂડે વૈષ્ણવાસ્ત્ર વડે તેનો નાશ કર્યો, દેવીએ મંત્રોચ્ચાર કરીને નારાયણાસ્ત્ર ચલાવ્યું, ત્યારે તેને જોઈને શંખચૂડ રથમાંથી નીચે ઊતરી પડયો અને તે અસ્ત્રને પ્રણામ કર્યાં. તે પ્રલયાગ્નિની જ્વાળા જેવું શસ્ત્ર ઉપરથી ચાલી ગયું. કાલીએ પછી મંત્ર વડે બ્રહ્માસ્ત્ર ફેંક્યું, શંખચૂડે પણ બ્રહ્માસ્ત્ર ફેંકીને તેનું શમન કર્યું. પછી દેવીએ મંત્રો વડે દિવ્યાસ્ત્ર ચલાવ્યા. રાજાએ પોતાના દિવ્યાસ્ત્ર વડે બધાં અસ્ત્ર શાંત કરી દીધાં. પછી દેવીએ એક યોજન લાંબી ભયાનક શક્તિ ફંગોળી.

પરંતુ દાનવરાજે પોતાનાં તીક્ષ્ણ અસ્ત્રો વડે તેના પણ ટુકડા કરી નાખ્યા. પછી દેવીએ મંત્ર ભણીને પાશુપતાસ્ત્ર હાથમાં લીધું, એ અસ્ત્રનો પ્રયોગ કરવા જતાં હતાં ત્યાં જ દેવીને ના પડતી આકાશવાણી થઈ, ‘આ રાજા એક મહાન પુરુષ છે, એનું મૃત્યુ પાશુપતાસ્ત્રથી નહીં થાય. જ્યાં સુધી તેના ગળામાં ભગવાન શ્રીહરિના મંત્રવાળું કવચ હશે ત્યાં સુધી અને જ્યાં સુધી તેની પતિવ્રતા સ્ત્રી પોતાના સતીત્વની રક્ષા કરતી રહેશે ત્યાં સુધી વૃદ્ધત્વ કે મૃત્યુની કોઈ અસર નહીં થાય. આ બ્રહ્માનું વરદાન છે.’

આકાશવાણી સાંભળીને ભગવતી કાલીએ શસ્ત્રો હેઠાં મૂકી દીધાં. હવે તે ક્ષુધાપીડિત થઈને કરોડો દાનવોને રમતાં રમતાં ગળી જવા લાગી. ભયંકર વેશવાળી તે દેવી શંખચૂડને ખાઈ જવા ઝડપભેર તેની તરફ કૂદી દાનવરાજે પોતાના તેજસ્વી દિવ્યશસ્ત્રથી તેને રોકી દીધી. ભદ્રકાળી પોતાની સાથી યોગિનીઓની સાથે દાનવોનો વિનાશ કરવા લાગ્યાં. તેમણે દાનવરાજ શંખચૂડને પણ ઘાયલ કર્યો, પણ દાનવરાજને કોઈ નુકસાન થયું નહીં. પછી તે ભગવાન શંકર પાસે પહોંચી ગઈ અને યુદ્વ વિષયક બધી વાત તેમને કહી. દાનવોના વિનાશની વાત સાંભળી ભગવાન હસવા લાગ્યા.

ભદ્રકાળીએ વળી કહ્યું, ‘હજુ પણ યુદ્ધભૂમિ પર એક લાખ દાનવો છે. મારા મોંમાંથી જે બચી ગયા તે છે. હું દાનવરાજ પર પાશુપતાસ્ત્ર ફેંકવા તૈયાર થઈ ત્યારે આકાશવાણી થઈ કે આ દાનવને તમે મારી નહીં શકો. પછી મહાન જ્ઞાની, બળવાન, પરાક્રમી દાનવરાજે મારા ઉપર અસ્ત્રપ્રહાર કરવાનું બંધ કર્યું. મારાં ફેંકેલાં બાણના તે ટુકડા કરી નાખતો હતો.’

શંકર ભગવાન ઘટનાઓનો મર્મ પારખવામાં નિપુણ હતા. ભદ્રકાળીએ કરેલી વાતો સાંભળીને તે પોતાના ગણો સમેત સંગ્રામમાં પહોંચી ગયા. તેમને જોઈને શંખચૂડ વિમાનમાંથી નીચે ઊતર્યો અને ભગવાનને દંડવત્ પ્રણામ કર્યાં. ત્યાર પછી તરત જ રથ પર સવાર થઈને શંકર ભગવાન સાથે યુદ્ધ કરવા લાગ્યો. લાંબા સમય સુધી બંને વચ્ચે યુદ્ધ થતું રહ્યું. કોઈ જીતતું ન હતું, કોઈ હારતું ન હતું. ક્યારેક શંખચૂડ શસ્ત્ર બાજુ પર મૂકીને રથ પર જ આરામ કરી લેતો તો ક્યારેક શંકર ભગવાન પણ શસ્ત્રો બાજુ પર મૂકીને નંદી પર જ વિશ્રામ કરી લેતા. શંકર ભગવાનનાં બાણોથી અસંખ્ય દાનવોનો સંહાર થયો. દેવલોકોના જે જે દેવ મૃત્યુ પામતા હતા તે બધાને શંકર ભગવાન પુનર્જીવિત કરી દેતા હતા. તે વેળા ભગવાન શ્રીહરિ એક અત્યંત વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લઈ યુદ્ધભૂમિ પર આવી શંખચૂડને કહેવા લાગ્યા,

‘રાજેન્દ્ર, તું મને બ્રાહ્મણને ભિક્ષા આવવાની કૃપા કર. અત્યારે તારામાં બધી શક્તિઓનું દાન કરવાની પાત્રતા છે. એટલે તું મારી ઇચ્છા પૂરી કર. હું તૃષાતુર, વૃદ્ધ બ્રાહ્મણ છું. પહેલાં તું દાન કરવાની પ્રતિજ્ઞા કર, પછી તને કહું છું.’

રાજા શંખચૂડે પ્રસન્નતાથી કહ્યું, ‘હા, હા તમે ઇચ્છામાં આવે તે માગો,’ પછી અતિશય માયા પ્રસારતા વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, ‘મારે તારું કૃષ્ણકવચ જોઈએ છે;’ તેની વાત સાંભળીને સત્યપ્રતિજ્ઞાવાળા શંખચૂડે તરત જ દિવ્ય કવચ ઉતારીને બ્રાહ્મણને આપી દીધું. પછી તે જ શ્રીહરિ શંખચૂડનું રૂપ લઈને તુલસી પાસે ગયા, તેની સાથે કપટપૂર્વક હાસ — વિલાસ કર્યો. તે જ વેળા શંકરે શંખચૂડને મારવા શ્રીહરિએ આપેલું ત્રિશૂળ ઉગામ્યું. ગ્રીષ્મકાળના સૂર્ય જેવું કે પ્રલયકાળના અગ્નિ જેવું તે ત્રિશૂળ તેજસ્વી હતું. તે દુર્નિવાર, દુર્ઘષ, અમોઘ અને શત્રુનાશક હતું. આ ભયંકર ત્રિશૂળ બે જ ઉઠાવી શકતા હતા — શંકર અને શ્રીકૃષ્ણ. બીજા કોઈનું ગજું ન હતું. તે સાક્ષાત્ બ્રહ્મ હતું. તેનું રૂપ કદી બદલાતું ન હતું, બધા તેને જોઈ શક્તા ન હતા. સમગ્ર બ્રહ્માંડનો નાશ કરવાની તેનામાં શક્તિ હતી. ભગવાન શંકરે રમતવાતમાં તેને ઉઠાવી શંખચૂડ પર ફંગોળ્યું, ત્યારે એ બુદ્ધિશાળી રાજાએ બધું રહસ્ય જાણીને પોતાનું ધનુષ ધરતી પર ફેંકી દીધું અને યોગાસન લગાવીને ભક્તિભાવથી એક ચિત્તે શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવા લાગ્યો. ત્રિશૂળે થોડો સમય તો આંટા માર્યા. પછી શંખચૂડ ઉપર પડ્યું, અને તરત જ તે રાજા, તેનો રથ — બધું જ બળીને ભસ્મ થઈ ગયું.

દાનવરાજાનું શરીર ભસ્મ થતાંની સાથે જ એક દિવ્ય ગોપના રૂપમાં ફેરવાઈ ગયું. તે વેળા તેની અવસ્થા એક કિશોરની હતી. તેની બે દિવ્ય ભૂજા શોભતી હતી. તેના હાથમાં મોરલી હતી, શરીરે રત્નજડિત અલંકાર હતા. એટલામાં જ એક દિવ્ય મણિઓનું બનાવેલું વિમાન ગોલોકમાંથી ઊતરી આવ્યું. એમાં ચારે બાજુ ગોપીઓ બેઠી હતી. શંખચૂડ એમાં બેસીને ગોલોક જવા નીકળી પડ્યો.

તે સમયે વૃંદાવનમાં રાસમંડળની વચ્ચે શ્રીકૃષ્ણ અને ભગવતી રાધિકા હતાં. ત્યાં પહોંચીને તરત શંખચૂડે ભક્તિભાવથી મસ્તક નમાવી તેમના ચરણકમળમાં પ્રણામ કર્યાં. સુદામાને જોઈને બંનેનાં મુખ ખીલી ઊઠ્યાં. પ્રસન્ન થઈને તેને પોતાની પાસે લઈ લીધો. પછી પેલું ત્રિશૂળ ભગવાન શ્રીકૃષ્ણ પાસે પાછું આવી ગયું. શંખચૂડનાં હાડકાંમાંથી શંખ બન્યા. દેવતાઓની પૂજામાં અનેક પ્રકારનાં શંખ પવિત્ર મનાય છે. તેનું જળ શ્રેષ્ઠ ગણાય છે.

દેવતાઓને પ્રસન્ન કરવાનું આ શ્રેષ્ઠ સાધન છે તે પવિત્ર જલ તીર્થમય છે. તેમાં માત્ર શંકર ભગવાન પ્રત્યેનો આદર નથી, જ્યાં શંખધ્વનિ થાય છે ત્યાં લક્ષ્મીજી ઉપસ્થિત હોય છે. જે શંખજળથી સ્નાન કરે છે તેને બધાં તીર્થોના સ્નાનનું ફળ મળે છે. શંખ ભગવાન શ્રીહરિનું અધિષ્ઠાન છે. જ્યાં શંખ હોય છે ત્યાં શ્રીહરિ ભગવાન લક્ષ્મી સાથે સદા નિવાસ કરે છે.

બીજી બાજુએ ભગવાન શંકર શંખચૂડનો વધ કરીને પોતાના લોકમાં જતા રહ્યા. તેમના મનમાં આનંદ હતો. વૃષભ પર સવાર થઈને તેઓ પોતાના ગણો સમેત જતા રહ્યા. પોતાનું રાજ્ય પાછું મળવાથી દેવતાઓના હર્ષની સીમા ન રહી. સ્વર્ગમાં દુંદુભિઓ વાગવા માંડી, ગંધર્વ — કિન્નર યશોગાન કરવા લાગ્યા. ભગવાન શંકર ઉપર પુષ્પવર્ષા થઈ. દેવતાઓએ, ઋષિઓએ તેમની ખૂબ જ પ્રશંસા કરી.

હવે ભગવાન શંખચૂડનું રૂપ લઈ કેવી રીતે તુલસી પાસે પહોંચ્યા તેની વાત વિગતે જોઈએ.

શંખચૂડના મહેલે પહોંચીને ત્યાં દરવાજા પર દુંદુભિવાદ કરાવ્યો અને એનાથી તુલસીને પોતાના આગમનની જાણ કરી. તુલસીએ યુદ્ધમોરચેથી આવેલા પતિને જોઈને આનંદપૂર્વક તેનું સ્વાગત કર્યું. બંને વચ્ચે યુદ્ધસંબંધી ચર્ચા થઈ. પછી ભગવાન સૂઈ ગયા. તે સમયે તુલસી સાથે વિલાસ કર્યો. તુલસીને આ વેળા પહેલાં કરતાં જુદા પ્રકારના આકર્ષણનો અનુભવ થયો. તેણે અનુમાન કર્યું અને પૂછ્યું — ‘માયાવી, તમે કોણ છો? કપટપૂર્વક મારું રાતીત્વ નષ્ટ કર્યું, એટલે હું તમને શાપ આપું છું.’

તુલસીની વાત સાંભળીને, શાપના ભયથી ભગવાને પોતાનું સુંદર રૂપ પ્રગટ કર્યુંં. તુલસીએ પોતાની સમક્ષ શ્રીહરિ જોયા. તેમનો વર્ણ નવા મેઘ જેવો હતો. નેત્ર શરદ ઋતુના કમળ સમાન હતાં. તેમનું અલૌકિક રૂપ સૌંદર્યમાં કરોડો કામદેવ જેવું હતું. તેમના શરીરે રત્નમય આભૂષણ હતાં. તેમના મુખ પર સ્મિત હતું. તેમને જોઈને તુલસીને પોતાના પતિના મૃત્યુનો ખ્યાલ આવી ગયો, તે મૂર્ચ્છા પામી. પછી ભાનમાં આવીને કહેવા લાગી.

‘ભગવાન, તમારું હૃદય પથ્થર જેવું છે. જરા પણ દયા તમારામાં નથી, આજે કપટ કરીને મારો ધર્મ નષ્ટ કર્યો, મારા પતિને મારી નખાવ્યો. તમે ખરેખર પાષાણહૃદયી છો એટલે તો આવા નિર્દય બન્યા. મારા શાપથી હવે તમે પથ્થર થઈને પૃથ્વી પર રહેજો. વિના અપરાધે તમે તમારા ભક્તનું શું કામ મારી નખાવ્યો?’

આમ કહી તુલસી વારંવાર અશ્રુ સારતી વિલાપ કરવા લાગી. એટલે કરુણ રસના સમુદ્ર કમલાપતિ ભગવાન શ્રીહરિ કરુણાયુક્ત તુલસીને જોઈને તેને શાંત પાડવા લાગ્યા,

‘તું મારા માટે અહીં રહીને બહુ દિવસો સુધી તપસ્યા કરી ચૂકી છે. તે વેળા તારે માટે શંખચૂડ પણ તપસ્યા કરી રહ્યો હતો. તપના ફળ રૂપે તને પત્ની તરીકે પામીને તે ગોલોકમાં ચાલ્યો ગયો. હવે હું તને તારી તપસ્યાનું ફળ આપું.

તું આ શરીરનો ત્યાગ કરીને તું મારી સાથે આનંદ કર. લક્ષ્મીની જેમ તારે નિત્ય મારી સાથે રહેવાનું. તારી આ કાયા નદીમાં ફેરવાઈ જઈ ગંડકી નામથી પ્રસિદ્ધ થશે. આ પવિત્ર નદી પુણ્યમય ભારતવર્ષમાં મનુષ્યોને ઉત્તમ પુણ્ય આપનારી નીવડશે. તારા કેશકલાપ પવિત્ર વૃક્ષ બનશે. તારા કેશમાંથી પ્રગટેલા હોવાને કારણે તુલસી નામથી તે ઓળખાશે. ત્રણે લોકમાં દેવતાઓની પૂજામાં વપરાતાં બધાં પુષ્પોમાં તુલસી મુખ્ય મનાશે. બધા જ લોકમાં તું મારી નિકટ રહીશ. તુલસીપત્ર બધા જ પુષ્પોમાં શ્રેષ્ઠ જ મનાશે.’

બધી વાત કરીને ભગવાને મૌન ધારણ કર્યું. તુલસીએ પોતાનું શરીર ત્યજીને દિવ્ય રૂપ ધારણ કર્યું. શ્રીહરિના વક્ષ:સ્થળ પર લક્ષ્મીની જેમ શોભવા લાગી. ભગવાન તેને લઈને વૈકુંઠ જતા રહ્યા. લક્ષ્મી, સરસ્વતી, ગંગા, તુલસી — આ ચાર દેવી ભગવાનની પત્ની બની.

(પ્રકૃતિખંડ ૧૬-૨૧)